પુસ્તક પ્રકાશન : એક જોખમી ધંધો – કિશોર વ્યાસ

(‘દે દામોદર, દાળમાં…!’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

જેમ જળ વિના મત્સ્ય તરફડે, પોતાના ટોળામાંથી ભૂલી પડેલી મૃગલી જેમ બેબાકળી બની જાય એમ મારા પુસ્તક પ્રકાશન વિના હું જ્યારે ટળવળવા લાગ્યો ત્યારે મારા પિતાએ મને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી કે : ‘તો પછી તારો વિવાહ થઈ રહ્યો.’ લગ્નવિવાહ જેવા મામલામાં આ પ્રકાશનને શું લેવા-દેવા? એમ પૂછવાનું જ્યારે મેં ધૃષ્ટ સાહસ કર્યું ત્યારે એમણે મારા આ ઘેલાપણા વિશે સખત ઠપકો આપી ચોપડીઓને બદલે વેપારના ચોપડાઓમાં ધ્યાન પરોવવાનું કહી દીધું. ‘બની શકે તો જીવીશ એકલા પુસ્તકોથી’ એ કલાપીની પંક્તિને એમણે ‘બની શકે તો જીવીશ એકલી ચૅકબુકથી’ એવો ફેરફાર કરી નાખીને કૉપીરાઈટનો ભંગ કરેલો. પુસ્તકો લખી લખીને ખુવાર થઈ ગયેલા કવિઓ અને લેખકોનાં ઉદાહરણો કંઠ પરંપરાથી એમનામાં ઊતરી આવેલાં હતાં. ખભે બગલથેલો લટકાવી જનમના તો ઠીક, મરણના પ્રસંગેય ‘આ મારું તાજું જ પુસ્તક ખરીદશો?’ એવી જાહેર ટહેલ નાખનારાઓની ટાલ પાડવામાં તેઓ એક્કો હતા. સર્જનની અગોચર, ગૂઢ પ્રક્રિયાથી અજાણ એવું વ્યવહારુ જગત પુસ્તક પ્રસિદ્ધ કરવામાં ઊંઘ વેચી ઉજાગરા ખરીદવાનું જુએ છે એ વાતની હવે મને દ્રઢ પ્રતીતિ થઈ. કવિ ચિનુ મોદી તો ભાગ્યશાળી હતા કે એમના પ્રથમ કાવ્યસંગ્રહનો તમામ ખર્ચ પિતાએ ઉઠાવેલો. પણ મારા દુર્ભાગ્યે મારામાં રહેલા નવોન્મેષી સર્જકને પરિવારે ઓળખ્યા વિના ‘આ તો ગયો કામથી’ એમ માનવા લાગ્યા ત્યારે પણ સ્ત્રીહઠ, રાજહઠ જેવી મારી પુસ્તક-પ્રકાશનની હઠ તો અકબંધ જ રહી. પરિણામે રૂપિયા માગીતાગીને મારા શબ્દદેહને પલટાવી નાખવાનો પુરુષાર્થ મેં આરંભી દીધો.

મારા સાહિત્યિક મિત્રોમાં મોટાભાગના કવિઓ હતા જેથી એમની પાસે રૂપિયાની આશા રાખી શકાય એમ ન હતી. બાકી હતા તે કેટલાક મિત્રો પુસ્તકો પ્રકાશિત કરીને કડકા થઈ ચૂક્યા હતા. એથી કોઈ વેપારી મિત્રને જ સાધવો એવી આગમચેતી મેં વાપરી. એ મિત્ર પાસે મેં પચીસેક હજારની માગણી મૂકી ત્યારે ‘કંઈ નવો ધંધો શરૂ કરવો છે કે?’ કહીને આગવા ધંધાઓની, એમાં થતા ફાયદા-નુકસાનની ને ધંધામાં ફેરવાતી ટોપીઓ વિશે એ મને સજાગ કરવા લાગ્યો. ‘ઘરમાંથી તારા ધંધા માટે કોઈ મદદ કરે એમ નથી?’ એના જવાબમાં મેં જ્યારે ડોકું ધુણાવ્યું ત્યારે જુદીજુદી બૅંકો કેવાંકેવાં કરજ આપે છે એની એમણે દસ્તાવેજી માહિતી પૂરી પાડી. ‘પણ પુસ્તક પ્રસિદ્ધ કરવા બૅંક કંઈ કરજ થોડી આપે?’ એવા મારા વિધાનથી ઑલિમ્પિકમાં તરત જ ક્વૉલિફાય થઈ જાય એવો ઊંચો કૂદકો એમણે માર્યો. પુસ્તકના પ્રકાશનની વાત આટલી પ્રભાવશાળી છે તો પુસ્તકના વાચનથી વાચક પર કેવી ધારદાર અસર પડશે એવા શુભવિચારોમાં હું ખોવાયેલો હતો ત્યાં મારા હાથમાં અરધી ચાનો ઠંડો પ્યાલો પકડાવી એ ધગધગતા સ્વરે બોલ્યો : ‘બૅંકો તો આમેય માંદી છે. તારે એને વધુ માંદી કરીને મારી નાખવી છે?’ એનો સ્વર કોઈ બૅંકના સ્થાપક જેવો મને જણાયો. એ મારી સામે એ રીતે ઘૂરકતો હતો, જાણે હું કોઈ ગોટાળા કરીને બંધ થયેલી બૅંકનો ડિરેક્ટર હોઉં. ‘પુસ્તકને છપાવવાનું ભૂત તને વળગાડ્યું કોણે?’ એવી ડિટેક્ટિવ અદામાં મારી આસપાસના જૂથની એમણે તત્કાળ તલાશ શરૂ કરી દીધી. મારી દાળ મૈત્રીના ભેજથી ગળી નહીં. આખરે સોનાની જાળ પાણીમાં જ પડી રહેવા દઈ કોઈ ગઝલકારની તાણીતૂસીને લખાયેલી ગઝલ જેવો થઈને હું પાછો વળ્યો.

લોકો તો કેવા ધડાધડ પુસ્તકો પ્રકાશિત કરતા હોય છે. એકની શાહી સૂકાઈ ન હોય ત્યાં બીજું, ત્રીજું, ચોથું ને એમ ‘લેખકનાં તાજેતરનાં – તદ્દન નવાં જ પ્રકાશનો’ જેવી જાહેરાતનો ખંગ વળી જાય છે. પ્રસિદ્ધ લેખકોની આવૃત્તિઓ ગણવામાંયે અરધો કલાક નીકળી જતો હોય છે. પુનર્મુદ્રણો ને નાની-મોટી સંશોધિત આવૃત્તિઓથી લેખક જેટલો હરખાતો હોય છે એનાથી બમણો એનો વાચક હરખાતો હોય છે. ને પુસ્તકની નહીં એટલી છપાઈની, બાંધણીની અને એના ઉપરણાની વાહવાહ થતી હોય છે. એ જાણી મારા જેવા લહિયાને પણ લેખક થઈ સાહિત્યજગતમાં કંઈક જગા કરવાનું મન થાય એમાં અસ્વાભાવિક શું છે? આ બધાનાં આટઆટલાં પુસ્તકો ને મારું એકપણ નહીં એવો વિચાર જ અસહ્ય હતો. દબદબાભેર થતા વિમોચન સમારંભોની આમંત્રણ પત્રિકાઓ મને ‘અશુભ’ કાગળ જેવા જણાતી. નવા પુસ્તકોની ગોળગોળ સમીક્ષાઓ વાંચીને હૈયું પણ ઊડનખટોલાની જેમ ગોળગોળ ફરવા લાગતું. આને લીધે થોડા દિવસોમાં તો અર્જુનને જેમ પક્ષીની આંખ જ દેખાતી હતી એમ મને પુસ્તક જ દેખાવા લાગ્યું. પુસ્તક પ્રકાશિત થતાં જ ગરમાગરમ ભજિયાંની જેમ ચપોચપ ઊપડી જાય, ક્લિનટનની આત્મકથા ખરીદવા અમેરિકામાં જે રીતે રસિકજનો કલાકો સુધી લાઈન લગાવે એવી આશાનાં તોરણો બાંધતો હું આપણા એક પ્રસિદ્ધ પ્રકાશક અને વિક્રેતાને ત્યાં જઈ પહોંચ્યો. તરેહ-તરેહનાં પુસ્તકો વચ્ચે બેઠેલા પ્રકાશકનો દેખાવ દળદાર ગ્રંથ જેવો હતો. મને પધારેલો જોઈ હિસાબોના ચોપાડામાંથી માથું ઊંચું કરીને એ શુષ્ક સ્વરે બોલ્યા : ‘કહો, શું કામે આવવાનું થયું?’ સાહિત્યના નવરસની સહેલ કર્યા કરતા આ વ્યક્તિના ભયાનક રસ તરફના પક્ષપાતની ઐસી તૈસી કરીને મારી ફાઈલને લંબાવતાં મેં કહ્યુ : ‘તમારે ત્યાં મારે પુસ્તક છપાવવું છે.’

‘હં અં… કોઈ વ્રતકથાઓનું હોય તો દસ હજાર રૂપિયા ને મરણ પાછળ હોય તો બે હજાર ઓછા.’

‘આ પુસ્તક એવી કક્ષાનું નથી. આ તો પૂર્ણપણે સાહિત્યિક ક્ષમતા ધરાવતું પુસ્તક છે.’

‘એમ? તો તો વીસેક હજાર થશે. તમારી ચોપડી ચોક્કસ છાપીશ પરંતુ એને વેચવાની જવાબદારી માટે વીસેક હજાર વધારાના આપવા પડશે.’

‘આટલા રૂપિયામાં તો હું અમેરિકા જઈ શકું.’ મારાથી કેહવાઈ ગયું.

‘તે જાઓને. તમને હું કાંઈ થોડો રોકી શકું?’ એમ કહીને તેઓ હસ્યા. એની બત્રીસીમાંના આગળ આવી ગયેલા બે દાંત મને વિકરાળ પશુ જેવા લાગ્યા.

‘છાપવાના તો ઠીક પણ વેચાણના તે રૂપિયા હોય? પ્રકાશકો તો લેખકને ઊલટાની રૉયલ્ટી આપતા હોય છે.’ મેં મારા પ્રકાશન જ્ઞાનને આગળ ધર્યું.

‘રૉયલ્ટી તો જે પુસ્તકો વેચાય છે એને આપવાની હોય. વધારાના રૂપિયા તો તમારા પુસ્તકને અહીં સાચવીને રાખવાના ભાડા પેટે છે. તમે વ્રતકથાઓ લખી હોય, રાંધણકળા કે કોઈ પાઠ્યપુસ્તકની ગાઈડ લખી હોય તો લાવો. તમે કસરત વિશે કેમ કંઈ નથી લખતા?’

આ પ્રકાશક મને વિવિધ વાનગીઓ વિશે, કસરત વિશે લખાવવાના અખાડા કરે છે એ જાણીને હું અત્યંત ખેદ પામ્યો. પુસ્તક પ્રકાશનનું સાહસ ‘અપના હાથ જગન્નાથ’થી જ સિદ્ધ ઠર્શે એવી ખાતરી થતાં મેં મારા જૂના ઘર તરફ એકચિત્ત કર્યું. જૂના ઘરના માળિયે કોથળાઓમાં ઠાંસીઠાંસીને તાંબા-પિત્તળનાં વાસણો ભર્યા પડ્યાં હતાં. એક દિવસે એ તમામનો ઉદ્ધાર કર્યો. પુસ્તક છપાવવા જોગ રકમ એકઠી થઈ ગઈ. હવે પ્રકાશનનો અમૂલ્ય લ્હાવો હાથ ધરી શકાય એમ હતો.

પુસ્તક પ્રકાશિત થતાં જ મને એમ હતું કે મારા સર્જનની ચોમેર ચર્ચા થશે. લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં એથીયે વધુ લબ્ધ પ્રતિષ્ઠિત સમીક્ષકો ગ્રંથસમીક્ષા કરવા હરીફાઈ યોજાશે. બે-ચાર ઝીણું કાંતનારાઓ પત્રચર્ચામાં કૂદી પડશે પરંતુ મારાં પુસ્તક સાથે સાહિત્યજગતના ચાલેલા લાંબા અબોલાથી હું પુનઃ આકુળવ્યાકુળ થઈ ગયો. વિરહાતુર ગોપીઓ કૃષ્ણની વાંસળીના સૂરની દિશામાં સાનભાન ભૂલીને દોડી પડે એમ હું પણ સમીક્ષાવિરહથી પીડાઈ ગ્રંથસમીક્ષાનું સામયિક ચલાવતા તંત્રીના ઘરની દિશામાં દોડ્યો. તંત્રીને ગોઠણિયાભેર નવા અંકને રેપર લગાડતા, દોરીઓ બાંધવાનો ભવ્ય પુરુષાર્થ કરતા જોવાનો અવસર હું વધુ સમય લઉં એ પહેલાં ટિકિટનો થાળ મારા તરફ ધરીને અંકો પર ટિકિટો ચોંટાડવાનું એમણે ઈજન આપી દીધું. બે-ત્રણ કલાક સુધી ટિકિટો ચોંટાડવાના કઠોર તપથી મારાં અંગ-ઉપાંગો બળવો પોકારવા લાગ્યાં હું ઘડી ઊંચો તો ઘડી નીચો થવા લાગ્યો. ત્યારે મારા પુસ્તક તરફ નજર નાખતાં તેઓ બોલ્યા : ‘શું નવું પુસ્તક લઈ આવ્યા છો? લાવો, જોઈએ.’ કોઈ પ્રસાદની પેઠે મેં પુસ્તકને એમના કરકમળોમાં મૂક્યું. એમનો પ્રતિભાવ જાણવા ઉત્સુકતાથી એમની સામે હું જોઈ રહ્યો હતો ત્યારે એમણે મને ટિકિટો બતાવીને ‘તું તારું કર્મ કર’નો બોધ આંખેથી આપ્યો. થોડાં પાનાં ઉથલાવીને એમણે મને પૂછ્યું કે : ‘ક્યા સ્વરૂપની આ ચોપડી છે? કવિતા છે? લઘુકથા કે પ્રકીર્ણ?’

હું માંડ માંડ બોલી શક્યો : ‘સાહેબ, આ તો નિબંધસંગ્રહ છે.’

‘પ્રસ્તાવના કોણે લખી છે?’

‘પ્રકાશનમાં જ એટલા રૂપિયા ખર્ચ્યા છે કે પ્રસ્તાવના લખાવવા માટેની રકમ એકઠી કરી શકાઈ નથી.’ હું દબાતા અવાજે બોલ્યો.

‘તો પછી તમારું પુસ્તક વેચાશે કેમ? તમારો તો કોઈ વિક્રેતા પણ જણાતો નથી.’

‘પ્રકાશક પણ હું ને વિક્રેતા પણ હું જ, ડબલરોલ.’

‘એટલે કે તમે પ્રકાશક ને વિક્રેતા છો. લેખક નથી એમ?’

‘ના, લેખક પણ છું ને સાહેબ.’

‘આ પુસ્તકના વાચક પણ માત્ર તમે જ હશો.’ એવી કાળવાણી એમણે ઉચ્ચારી.

મારું ટિકિટો ચોંટાડવાનું કામ પૂરું થયેલું જોઈને એમણે ઊભા થઈ ખૂણામાં પડેલ ઢગલાઓમાંથી પુસ્તકની એક પ્રત લઈને આપી. ‘લો, આ મારા ક્યારેય ન વેચાયેલા પુસ્તકની નકલ. તમારું પુસ્તક મને ભેટ આપો. હું તમને ભેટ આપું.’

‘એટલે કે ભેટ પુસ્તકોનું આદાન-પ્રદાન કરવાનું એમને !’ હાર પામેલી ને છતાં ગાલ લાલ રાખતી ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય જેવો મારો અવાજ બોદો થતો ગયો.

‘આપણે આપણા સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવો હશે, માતૃભાષા અંગે ભોળાભાઈ પટેલની ચિંતા દૂર કરવી હશે તો પુસ્તક ભેટની વ્યાપક યોજના કરવી પડશે. આવનારાને ભેટ આપો, જનારાને ભેટ આપો. બેસનારાને ભેટ આપો, ઉઠનારને ભેટ આપો.’ આવું આવું તો એ ઘણું બોલી ગયા. એ એમના સામયિકનું અડદાવો કાઢી નાખે એવું બીજું કોઈ ભારે કામ સોંપે એ પહેલાં પુસ્તકોની ભેટ યોજનામાં એમને એકલા છોડીને હું હળવેથી પોબારા ગણી ગયો.

પ્રકાશિત થયેલાં પુસ્તકોનો ગંજ ઘરમાં સૌને આંખના કણાની જેમ ખૂંચતો હતો. બે રૂમ-રસોડાના ઘરમાં ચોપડીઓના આ ઢગલાઓ વારેવારે અડફેટે આવીને કોઈ ને કોઈ સભ્યને અણધાર્યા ભૂમિવંદના કરાવતાં હતાં. નજર સામેથી હટવાનું નામ ન લેતી આ ચોપડીઓથી સૌ કુટુંબીજનો મારી સાથે અન્ય રાજકીય પક્ષોની જેમ વરતીને મારો જીવ ખાવા લાગ્યાં. વિક્રેતાઓ, સાહિત્યસંસ્થાઓ પાસે અનેકવિધ સ્કીમ ધર્યા પછી પણ જ્યારે મારા પુસ્તકવેચાણનો મનસૂબો પાર ન પડ્યો ત્યારે મેં પણ પેલા સામયિકના તંત્રીની પુસ્તકપ્રદાનનની ભેટ યોજનાને મને-કમને સ્વીકારી લીધી. જે મળે તેને પુસ્તક ભેટ આપવું એવો વિચાર મેં જ્યારે ઘરમાં વહેતો મૂક્યો કે સૌએ એ પ્રસ્તાવને અપાર હર્ષથી સ્વીકારી લીધો. આવો હર્ષ તો મારાં પુસ્તકના પ્રાગાટ્યવિધિ દરમ્યાન પણ તેઓને થયો નહોતો. ઘરે મળવા-હળવા આવતા સગા-સ્નેહીઓ, મિત્રો, પરિવારને પુસ્તકોની લ્હાણી શરૂ થઈ ગઈ. ઈસ્ત્રીવાળા, દૂધવાળા પણ ઘરે આવવાની ના પડવા લાગ્યા. ‘તું તો અમને નાતબહાર મૂકાવીશ.’ એવા કુટુંબીજનોના કકળાટથી આ ભેટયોજના મારે અકાળે બંધ કરવી પડી.

પુસ્તકોના તાત્કાલિક નિકાલને માટે ગ્રાહકો શોધવા અનિવાર્ય હતા, પરંતુ બગલમાં પુસ્તકો લઈને જેવો હું ઘરની બહાર પગ મૂકતો કે વાયુવેગે એ સમાચાર પૂરા શહેરમાં ફરી વળતા. જાણીતા લોકો મારાથી વિરુદ્ધ દિશામાં નાસભાગ કરવા લાગતા. ઘડીભરમાં તો તાળાબંધી થઈ જતી. આવી અફરાતફરી સરજવા બદલ પોલીસે મને પુસ્તકવેચાણના મોહને તજી દેવા એક-બે વાર દૂરથી કાળકોટડીના સળિયા દેખાડી લાલઘૂમ આંખો કરેલી.

પુસ્તક પ્રકાશનના આ જોખમી ધંધાને ગળે વળગાડી સમાજના મુખ્ય પ્રવાહોથી દૂરદૂર ફેંકાઈ ગયેલા મને જૂના ઘરમાં તાંબાપિત્તળનાં વાસણોથી ખાલી થયેલા કોથળાઓનું અચાનક શુભ સ્મરણ થયું. ‘કાલો ચ નિરવધિ વિપુલા ચ પૃથિવી’ – આજે નહીં તો આવનારા અનંતકાળમાં કોઈ મારો ભાવક તો મને મળી જ રહેશે’ એવી ભવભૂતિની અમરવાણી મેં યાદ કરી. એક દિવસે તમામનું ધ્યાન ખેંચાય એ રીતે મારા ઘરમાં મારાં દુશ્મન થઈ પડેલાં પુસ્તકોને કોથળાઓમાં ઠાંસી જૂના ઘરના માળિયે ચઢાવી આવ્યો. હવે કોથળાઓમાં વાસણોને બદલે મારા શબ્દો ખખડતા હતા.

ઘરે પહોંચીને જોઉં છું તો બાપા મારે ચોપડીમાં માથું ઘાલીને એની લીટીએ લીટીનો આસ્વાદ લઈ રહ્યા હતા. મારાં પુસ્તકનો પ્રથમ ભાવક મને આ ભવમાં જ પ્રાપ્ત થયાના સુયોગને હું વ્યકત કરું એ પહેલાં તેઓ બોલ્યા : ‘વેપારમાં હમણાં મંદી ચાલે છે પણ તારી ચોપડીના ભયથી કોઈ લેણદાર ડોકાતો નથી તે જોઉં તો ખરો કે તેં ચોપડીમાં એવી તે કઈ મોથ મારી છે!’

છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો હોય છે ને!

[કુલ પાન ૯૨. કિંમત રૂ. ૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “પુસ્તક પ્રકાશન : એક જોખમી ધંધો – કિશોર વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.