ઉજવણી – બલવીરસિંહ જાડેજા

(‘અખંડ આનંદ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

‘લ્યો, ચા પી લ્યો, પછી એક વાત કરવી છે નિરાંતે.’ કલ્પનાએ પતિ કિરણને, સાંજ ઑફિસેથી ઘરે આવતાં ચાનો કપ આપતાં જણાવ્યું.

ચા પીને આરામથી બેઠેલા કિરણને કલ્પનાએ બાજુની ખુરશીમાં બેસતાં જ વાત કરી. ‘આજે હંસાભાભીનો વડોદરાથી ફોન આવ્યો હતો.’

‘શું કહેતાં હતાં? કેમ છે બા-બાપુજી?’

‘એમની જ વાત કરવી છે. હંસાભાભીએ કહ્યું કે, અમે એટલે કે, રમેશભાઈ, હંસાભાભી અને વિનોદભાઈ, વીણાભાભી, સૌએ નક્કી કર્યું છે કે, હવેથી બા અને બાપુજી, વારાફરતી વરસ દરમિયાન, ચારેય ભાઈઓ સાથે રહેશે. અત્યારે બાપુજી રમેશભાઈને ત્યાં છે અને બા વિનોદભાઈના ઘરે. આવતા મહિને બા અને બાપુજીમાંથી એક જણ અહીં અમદાવાદ આપણા ઘરે આવશે અને એક જણ ગૌતમભાઈના ઘરે ગાંધીનગર જશે.’

‘હેં… શું કહે છે તું ! એવું કહ્યું એમણે?’

‘હા, હંસાભાભીએ કહ્યું કે, અત્યાર સુધી અમે બંનેને સાથે રાખી સાચવ્યાં. હવે બધા ભાઈઓ, વારાફરતી બા અથવા બાપુજીમાંથી એક – એકને સરખી રીતે સાચવી શકાય. કોઈ ભાઈ ઉપર એક સાથે બે જણનો બોજ, દવાદારૂના કે બોજો, પણ ન પડે.’

‘પણ તેં કહ્યું નહીં કે આ ઉંમરે બંનેને અલગ અલગ રાખવા યોગ્ય નથી?’

‘મેં કહ્યું પણ ખરું. તો કહે, એમાં હવે શું? આટલાં વરસ સાથે જ રહ્યાં ને, બંને. મને તો પછી બોલવા જ ન દીધી. મને કહે, આ નિર્ણય હવે ફાઈનલ છે. અને બધાએ, એ પ્રમાણે જ કરવાનું છે. બંને મોટા ભાઈ રમેશભાઈ અને વિનોદભાઈએ નક્કી કર્યું છે એવું કિરણભાઈ અને ગૌતમભાઈને કહી દેવાનું છે સમજી.’ કહેતાં – કહેતાં કલ્પના તો રડી પડી. કિરણને પણ ચા પીધા પછી, હાશ કરીને બેઠો હતો ત્યાં આ વાતથી ગૂંગળામણ થવા લાગી.

‘આ તો કેવો નિર્ણય? બંને ભાઈઓ મોટા છે તો શું થયું? મા-બાપ એમનાં છે એટલાં જ આપણાં કે ગૌતમ અને નેહાનાં પણ છે જ ને ! આપણને પૂછ્યું પણ નહીં?’

‘સાચું કહું’, સ્વસ્થ થતાં કલ્પના બોલી. ‘આ નિર્ણય, હંસાભાભી અને વીણાભાભીનો જ છે. મને ખબર છે, એમનો બંનેનો સ્વભાવ તો હું જાણું છું ને ! ભાઈઓનું તો નામ જ છે. હવે બા-બાપુજીને સાચવવા એમને આકરાં લાગે છે.’ કહીને ફરીથી કલ્પના લાગણીવશ થઈ ગઈ. કિરણ ગંભીર થઈને વિચારમાં પડી ગયો કે હવે શું કરવું. ત્યાં જ કલ્પનાએ જાણે, પોતાના જ મનની વાત કરી.

‘એમ કર. કાંઈક બહાનું કાઢીને તમે, બે ચાર દિવસમાં, બા-બાપુજી બંનેને અહીં જ લઈ આવો. પછી આપણે ગૌતમભાઈ અને નેહાને સમજાવી દઈશું. ભલે એમણે જ નક્કી કર્યું હોય તે, આપણે એમને આ ઉંમરે અલગ –અલગ નથી રાખવા. માણસને પાછલી ઉંમરે જ એકબીજાના સાથની વધારે જરૂર હોય છે. જ્યાં એમની ઈચ્છા હશે ત્યાં આપણા ઘરે કે ગૌતમભાઈ સાથે બંનેને સાથે જ રાખીશું. મને ખાતરી છે કે નેહા અને ગૌતમભાઈ પણ આપણી વાતમાં સો ટકા સહમત થશે.’ કહીને ફરી કલ્પનાની આંખમાં લાગણીભીનાં આંસું ધસી આવ્યાં.

કિરણે ઊભા થઈ પત્નીના ખભે હાથ મૂકી, જાતે પાણી લાવીને પાયું અને વિચારતો રહ્યો કે, ‘મને ખરેખર મારા વિચાર અને વર્તન મુજબની જ જીવનસાથી મળી છે. ખરેખર હું ભાગ્યશાળી છું એ માટે દ્વારકાધીશનો ઉપકાર !’

ભૂપતરાય અને શારદાબહેને ચારે દીકરાઓને કઈ રીતે મોટા કર્યા એ તો, દરેક મા-બાપની જેમ, એમનું મન જાણે છે. સૌથી મોટી દીકરી સાવિત્રી તો હજી મૅટ્રિક પાસ થઈ કે, વીસ વરસે તેનાં લગ્ન કરી દીધાં. છોકરો કેન્યામાં, મા-બાપ સાથે હજી વધુ અભ્યાસ કરતો હતો. ત્યારબાદ સૌ હવે બ્રિટનમાં વસતાં હતાં. ભૂપતરાય પોતે નાનપણમાં, મા-બાપની છત્રછાયા ગુમાવી દેતાં, જ્ઞાતિની બૉર્ડિંગમાં ભણીને મોટા થયા. મૅટ્રિક પાસ કરી સરકારી નોકરીમાં કલાર્ક બન્યા. મહેનતુ અને ચોખ્ખી નિયત હોવાથી ધીમે ધીમે આગળ વધતાં, ગાંધીનગરમાં સચિવાલયમાંથી હેડકલાર્ક થઈ રિટાયર્ડ થયા. ત્યાં સુધી અમદાવાદ અત્યાર જેટલું નહોતું વિકસ્યું. સસ્તામાં લોન લઈને, નારણપુરામાં બંગલો બંધાવેલો. જે પાછળથી વેચી દેવો પડ્યો.

બંને મોટા દીકરા રમેશ અને વિનોદને હોશિયાર હોવાથી, પેટે પાટા બાંધીને પણ મિકેનિકલ એન્જિનિયર બનાવ્યા. બંને વડોદરામાં કોઈ ફેક્ટરીમાં નોકરીએ લાગી ગયા હતા. બંને માટે, બે પૈસાદાર કુટુંબની કન્યાઓ માટે માગાં આવ્યાં. ભૂપતરાય અને શારદાબહેને પૈસા કરતાં સંસ્કારોને વધુ મહત્વ આપેલું. પરંતુ બંને ભાઈઓએ, અત્યાર સુધી પૈસા વિનાની જિંદગીમાં હાડમારી ભોગવેલી એટલે પૈસાપાત્ર કન્યાના કુટુંબ, તેમજ ભણેલી અને દેખાવમાં પણ સારી હોવાથી પસંદ કરી લગ્નસંબંધ બાંધ્યો. પછી બંને ભાઈઓના સસરાઓએ લગ્ન બાદ પોતાના ધંધા માટે એટલે કે, ફૅક્ટરી નાખવા માટે આર્થિક મદદની તૈયારી બતાવી ત્યારે, બંનેએ માતા-પિતાને અમદાવાદના બંગલાને વેચીને પોતાના ભાગે આવતી રકમ આપવા જણાવ્યું.

ભૂપતરાયે ન છૂટકે કમને, બંગલો વેચીને બંને મોટા દીકરાઓને રકમ ચૂકવી દીધી. ત્રીજા નંબરના કિરણ સાથે અને નાના પુત્ર ગૌતમ સાથે ભાડાના ફ્લૅટમાં રહેવા ગયાં અને પછી કિરણે અમદાવાદમાં જ એક મલ્ટીનેશનલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાઈને પોતાનો ફ્લૅટ બનાવ્યો. નાના ભાઈ ગૌતમને એના ભાગે આવેલી રકમ તેને આઈ.ટી. એન્જિનિયર બનવા, ભણાવવા બેંગાલુરુ મોકલ્યો. જે લગ્ન પછી ગાંધીનગરમાં સ્થાયી થયો હતો.

બંને મોટા ભાઈઓ, રમેશ અને વિનોદ ભેગા મળીને પોતાની રકમ અને સસરાના આર્થિક સહયોગથી મકરપુરામાં બોલ-બેરિંગની ફૅક્ટરી સ્થાપી અને હવે સારી ચાલતી હોય થોડા સમય પહેલાં જ બંનેએ અલગ અલગ બંગલા બનાવ્યા. કિરણનાં લગ્ન થયા પછી મા-બાપ ઈચ્છા થાય ત્યાં સાથે જ રહેતાં હતાં. હવે બંને મોટા ભાઈઓએ પત્નીઓની વાતમાં આવી અલગ અલગ રાખવાનો નિર્ણય લીધો.

કલ્પનાના કહેવાથી કિરણ, મા-બાપને વડોદરાથી લઈ આવવાનું વિચારતો હતો. ત્યાં જ એકાએક, મોકો મળી ગયો. બ્રિટનમાં વસેલી મોટી બહેન સાવિત્રીના પતિ, બનેવી હસમુખરાય, ભારતની આઈ.આઈ.એમ. સંસ્થાઓમાં, સેમિનારમાં હાજર રહેવા અને વ્યક્તવ્ય આપવા પ્રથમ અમદાવાદ અને ત્યાર બાદ બેંગાલુરુ, ચેન્નાવઈ જવાના હતા. ભરચક કાર્યક્રમને લઈને, કોઈને મળવા જવાની અશક્તિ દર્શાવી. પરંતુ બા-બાપુજી એટલે કે ભૂપતરાય અને શારદાબા જો અમદાવાદ હશે તો સાંજે કે રાત્રે સમય કાઢીને જરૂર મળવા આવશે એમ ફોનમાં જણાવતાં કિરણને બા-બાપુજીને લઈ આવવાની તક મળી ગઈ.

બીજે જ દિવસે કિરણ કંપનીના કામે જઈ રહેલી કારમાં, જઈને વળતાં માતા-પિતાને પોતાના ઘરે અમદાવાદ લઈ આવ્યો. બંને વડીલોએ અત્યાર સુધી રોકી રાખેલી અને કારમાં, ડ્રાઈવરની હાજરીમાં વ્યક્ત ન કરેલી લાગણીઓનાં બંધન ઘરે આવતાં જ છૂટી ગયાં. શારદાબા તો કલ્પનાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં અને ભૂપતરાયે તો જાણે, અલગ અલગ કેદમાંથી છોડાવનાર દીકરાને માથે હાથ ફેરવી આશીર્વાદ આપ્યા. બે-ત્રણ દિવસ પછી બ્રિટનથી હસમુખરાય આવીને બા-બાપુજીને કિરણના ઘરે આનંદમાં જોઈ સંતોષ વ્યક્ત કરીને ગયા.

એક દિવસ રજાના દિવસે ઘરનાં સર્વે, કિરણના ‘આધાર’ ટાવરમાં આવેલા ઍપાર્ટમેન્ટમાં બેઠાં હતાં. યોગાનુયોગ કલ્પનાનાં મમ્મી મીનાબહેન જે આ જ બ્લોકની બીજી વિંગમાં રહેતા હતાં તે પણા કલ્પનાના ઘરે આવેલાં હતાં. મીનાબહેનને પરદેશ વસેલા દીકરાએ તેમને આ બે બેડરૂમનો ફ્લૅટ લઈ આપ્યો હતો. જેથી પતિના સ્વર્ગવાસ પછી એકલાં પડેલાં મીનાબહેન, દીકરી કલ્પનાની નજીક રહી શકે અને એકબીજાની હૂંફ રહે.

બપોરની ચા પીધા પછી સૌ વાતોએ વળગ્યાં હતાં ત્યારે એકાએક કલ્પાનાને યાદ આવ્યું.

‘બા, આપણી નેહાને આવતા મહિને ખોળો ભરવાનો છે. એની મમ્મી તો છે નહીં અને એના પપ્પા તો ગામડે રહે છે. કદાચ પિયરના નજીકની સ્ત્રીઓની આવવાની વ્યવસ્થા, નેહાના પપ્પા કરે તો પણ બધી વિધિ અને દરેક વ્યવસ્થા આપણે જ કરવાની છે અને જવાબદારી લેવાની છે. નેહાએ એક વાર અગાઉ મને ફોન કરીને પૂછેલું કે, ‘દીદી આ બધી વિધિ કઈ રીતે થશે?’ ત્યારે મેં એને નિશ્ચિંત રહેવા જણાવ્યું કે, ‘તું ચિંતા ના કરતી, બધું થઈ પડશે.’ ગૌતમભાઈ તો એમની કંપનીના કામની જવાબદારીમાંથી સમય જ કાઢી શકતા નથી અને આખો વખત કામમાં ડૂબેલા રહે છે. નેહા જે સ્કૂલમાં ભણાવે છે ત્યાંથી એને ‘મેટરનિટી લીવ’ તો સમયસર મળી જશે. પણ એમનું ઘર ગાંધીનગરમાં દૂરના સેક્ટરમાં હોઈ, મારી ઈચ્છા છે કે આપણે નેહાને અહીં જ તેડી લાવીએ અને અહીં નજીકમાં જ સારા લેડી ડોક્ટર પાસે એનો પ્રસંગ ઊજવીએ. આપણા ફ્લૅટમાં થોડો સમય, બાપુજીને કે કિરણને ડ્રૉઈંગ રૂમમાં સૂવું પડશે, બીજી કોઈ તકલીફ નથી, તમારું શું કહેવું છે, બા-બાપુજી?’

‘અરે, એના જેવી બીજી રૂડી રીત હોઈ જ ન શકે.’ શારદાબા કલ્પના વહુની સમજદારી ઉપર ઓવારી ગયાં. ત્યાં તો ત્યાં બેઠેલાં કલ્પનાનાં મમ્મી મીનાબહેને આ સાંભળીને જણાવ્યું, ‘તમારા કૌટુંબિક મામલમાં વચ્ચે દખલ કરવાનો મારો ઈરાદો નથી અને મારે વાત ન કરવી જોઈએ પણ જો તમે સંમતિ આપો તો એક વાત કહું?’

‘કહો ને વેવાણ, તમે ક્યાં પારકાં છો. ઘરનાં જ છો ને !’ ભૂપતરાયે, મીનાબહેનની વાતને વધાવી લીધી.

‘આમેય હું એકલી જ સાવ નજીક જ છું. મારા બે બેડરૂમમાંથી એક રૂમ તો હંમેશાં વપરાયા વિનાનો જ પડી રહ્યો છે. નેહાને હું મારા ઘરે જ રાખીશ અને ત્યાં જ હું અને શારદાબહેન એની સાથે રહીશું. તમારે કોઈને અહીં અગવડ ભોગવવાની જરૂર નથી. નેહા પણ કલ્પનાની જેમ, મારી દીકરી જ છે ને ! તમારે કોઈએ કોઈ જાતનો સંકોચ રાખવાની જરૂર નથી.’

સૌએ મીનાબહેનની વાત ખુશી ખુશી વધાવી લીધી. બીજા દિવસે કલ્પનાએ નેહા અને ગૌતમને બધી વાત વિગતવાર કરી. ગૌતમ અને નેહા તો રવિવારે રજાના દિવસે, બા, બાપુજીને મળવા અને ભાઈ-ભાભી, કિરણ અને કલ્પનાનો આભાર માનવા દોડી આવ્યાં. નેહા તો કલ્પનાને ભેટીને રડી જ પડી અને પછી મીનામાસીને મળવા દોડી ગઈ અને તેમને પણ ભેટીને રડી પડી.

મીનાબહેને છાની રાખી સાંત્વન અપ્યું કે ‘ભલે તારી મમ્મી વહેલાં જતાં રહ્યાં પણ આજથી હું જ તારી મમ્મી અને તું મારી કલ્પના જેવી જ બીજી દીકરી. મને એકને બદલે બે દીકરીનાં હેત અને લાગણી મળશે, એનાથી વિશેષ શું હોઈ શકે !’ નેહા અને ગૌતમને તો નોકરીમાં પ્રમોશન મળ્યાથી પણ વિશેષ આનંદ થયો.

સમયના સંગાથે બધું રાબેતા મુજબ બની રહ્યું હતું. નેહાએ ઢીંગલી જેવી એક બાળકીને જન્મ આપ્યો. તે દિવસે જ યોગાનુયોગ ભૂપતરાય અને શારદાબાની લગ્નતિથિ પણ હતી. મીનાબહેનને નેહા અને નાનકડી દીકરી સાથે એવી તો આત્મીયતા બંધાઈ ગઈ કે, નેહાના ઘરે, ભૂપતરાય અને શારદાબાની સાથે ગાંધીનગર, નાનકડી રૂપા માટે ગયાં અને નેહા જ્યારે સ્કૂલે જવા લાગી અને રૂપા થોડી મોટી થઈ પછી જ પાછાં આવ્યાં.

નેહાના ગામડે એકલા રહેતા વિધુર પિતા અમૃતલાલને બધીએ વાતની ખબર પડી ત્યારે એક દિવસ કિરણ અને કલ્પનાના ઘરે આવીને મીનાબહેનને પગે લાગી, ગળગળા થઈ ઊભા રહ્યા. પહેલાં તો કશું બોલી ન શક્યા. પછી કહે, ‘બહેન, તમે ભલે નેહાને જન્મ નથી આપ્યો પણ તમે જરૂર પૂર્વજન્મમાં નેહાની માતા જ હશો જે આ જન્મે ફરજ પૂરી કરી રહ્યાં છો.’ ત્યારે સૌની આંખમાં હરખનાં આંસુ વહી નીકળ્યાં.

આ બાજુ હંસા અને વીણાનાં માતા-પિતાને ખબર પડી કે ભૂપતરાય અને શારદાબહેન કાયમી બંને નાના દીકરાઓને ત્યાં જ હવે રહેવાનાં છે અને તેની પાછળનું કારણ જાણ્યું ત્યારે તેમણ પોતાની દીકરીઓને ઠપકો પણ આપ્યો અને જમાઈઓને પણ કહ્યું કે, કાલ સવારે તમારાં સંતાનો તમારી સાથે જ આવો વ્યવહાર કરશે તો તમને ગમશે? માટે જઈને ખરા દિલથી મા-બાપની માફી માંગી આવો.’

બંને મોટા ભાઈઓ, સપત્ની કિરણને ત્યાં સમયાંતરે આવ્યા. અને બા-બાપુજીને પોતાને ત્યાં આવવા આગ્રહ કર્યો પણ બા-બાપુજીએ વાત ટાળી દીધી. હંસા અને વીણાની માફી માગવાની હિંમત નહોતી એટલે રસોડાના એકાંતમાં કલ્પનાને પૂછ્યું કે, ‘કઈ રીતે બા-બાપુજી અમને માફ કરે?’ ત્યારે કલ્પનાએ કહ્યું કે, ‘હું તો તમારાથી નાની છું. હું તમને શું સલાહ આપું. તમે મારી મમ્મી પાસે જઈને એમની સલાહ લો એ જરૂર કાંઈક રસ્તો બતાવશે.’

હંસા અને વીણાએ મીનાબા પાસે જઈ ખરા દિલથી પશ્ચાતાપ કર્યો ત્યારે મીનાબાએ રસ્તો સુઝાડ્યો. રમેશ અને વિનોદને બોલાવી, વાત ખાનગી રાખી એક પ્રસંગનું આયોજન સૂચવ્યું.

સમય થતાં નેહાની દીકરી રૂપાની પહેલી વર્ષગાંઠ અને બા-બાપુજીના લગ્નની પચાસમી તિથિ વડોદરા ઊજવવાની છે એવું જાહેર કરી, સગાં-વહાલાં અને નજીકના સંબંધીઓ બોલાવી રમેશના બંગલાના કૉમન પ્લોટમાં આયોજન કર્યું. બા-બાપુજી મીનાબા સાથે બંને નાના ભાઈઓ માટે ગાડીઓની વ્યવસ્થા કરાવી આગલે દિવસે જ બધાંને તેડાવીને વડોદરા બોલાવ્યાં.

નાનાડી પરી રૂપાના જન્મદિવસની અને બા-બાપુજીના લગ્નતિથિની ઉજવણી કરી સૌ વડીલોને પગે લાગ્યાં અને હંસા અને વીણાએ બંનેના પતિઓ સાથે માફી માંગી પશ્ચાતાપનાં આંસુ સાર્યાં ત્યારે મીનાબહેને જે વેવાણ-વેવાઈને ‘છોરૂં કછોરું થાય, કદી માવતર કમાવતર ન થાય’ એની સાર્થકતા સમજાવી એટલે ભૂપતરાય અને શારદાબાએ સૌને માફ કરી આશીર્વાદ આપ્યા.

ત્યાં જ મોટા પુત્ર રમેશે જાહેરાત કરી કે, ‘હજી તો આ ઈન્ટરવલ છે બાકીનું ચિત્રપટ સમૂહભોજન પછી શરૂ થશે.’ સૌને ભોજન કર્યા પછીના ચિત્રપટ વિશે ઈંતેજારી હતી ત્યારે ફરી રમેશ અને વિનોદે જાહેરાત કરી ‘અમારાં માતા-પિતાની યાદગીરી રૂપે અમે એમના નામે, અમારો બોલ-બેરિંગની ફૅક્ટરીના કોઈ પણ કર્મચારી કે કારીગર માટે અમારા તરફથી રૂ. વીસ લાખનું ભંડોળ અલગ રાખીને, ‘માતા-પિતા સેવાયજ્ઞ’ માટે એક ટ્રસ્ટ બનાવી રહ્યા છીએ. જેમાં કોઈના પણ માતા-પિતાના દવા-દારૂ, ઑપરેશન કે કોઈ જાતની સહાય માટે, વગર વ્યાજે ત્રણથી ચાર લાખ રૂપિયાની લોન, સરળ હપતે મળશે અને તેમાં કંપનીના કોઈ પણ કર્મચારી પોતાની રીતે, ઈચ્છાથી ફંડફાળો કરાવશે તો પણ આવકાર્ય થશે અને આ કામ પેઢી દર પેઢી, ‘ભૂપત-શારદા ટ્રસ્ટ’ તરીકે ચાલુ રહેશે.’

આ જાહેરાતને સૌએ તાળીઓથી વધાવી લીધી અને સાથે સાથે કંપનીના કર્મચારીઓએ પણ પોતાનો ફાળો લખાવ્યો. બંને મોટા ભાઈઓના ખમતીધર સસરાઓએ પોતાના તરફથી બીજા પાંચ પાંચ લાખ રૂ. લખાવ્યા. લગભગ પચાસ લાખ જેવી રકમ ભેગી થઈ ગઈ.

હજી સૌ આ પ્રસંગને વાગોળતાં હતાં ત્યાં જ હંસા અને વીણાએ સૌને શાંતિ રાખવા જણાવીને જાહેરાત કરી કે, ‘હજી એક ઉજવણી બાકી છે.’

સૌને આશ્ચર્ય થયું કે ‘હજી શું બાકી છે?’

ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે, બંને મોટા ભાઈઓએ અને ભાભીઓએ શારદાબાનું શાલ ઓઢાડી, ફૂલહારથી સ્વાગત કરી પગે લાગી આશીર્વાદ લીધા અને જાહેર કર્યું કે, ‘મીનાબાએ અમારા કુટુંબને વેર-વિખેર થતું બચાવી જોડવાનું કામ કર્યું છે એટલે અમારા સૌની લાગણી અને અભિવાદનના તેમજ આ પ્રસંગની રૂપરેખા આપી ઉજવણી કરવાના સાચા હકદાર એ છે.’

સૌએ મીનાબાને તાળીઓથી વધાવી અભિનંદન આપ્યા. ત્યારે જ આ ઉજવણી પૂરી થઈ.

*
સંપર્ક :
૧૨, ઘરઆંગણ ઍપાર્ટમેન્ટ, ચાઈલ્ડ કેર પાછળ, વિજય ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯ મો. ૯૮૨૫૭ ૦૦૦૯૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ઉજવણી – બલવીરસિંહ જાડેજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.