(‘ચોકોલેટ ગીતો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)
(૧) મોટર ગાડી
પપ્પા, આવી મોટરગાડી નથી આપણે લેવી,
ઘરરર ચાલે, પડે-આખડે, એ તે ગાડી કેવી?
ઘડીઘડીમાં થાય ગરમ એ, જાણે મારી મમ્મી!
કદીક અટકે વીણ પેટ્રોલે, ગાડી સાવ નિકમ્મી!
ખાડે-બમ્પે દાદીમાની કમરના કરે ભુક્કા,
જરીક ટક્કર અને કાચના હજાર હજાર ટુક્કા.
ભીના ચીકણા રસ્તા કૂદી અવળી એ ફંટાય,
રેલિંગે, વૃક્ષે કે પથરે ધડામ્મ્ એ ભટકાય.
વારેવારે પેટ્રોલ-પમ્પે જઈ ભરાવવી ટાંકી,
ટાયર-પ્રેશર વધે-ઘટે તો ચાલે ગાડી વાંકી.
પપ્પા, આવી મોટરગાડી નથી આપણે લેવી;
ગાડી લઈએ આકાશે જે ઊડે પંખી જેવી.
(૨) નિયમ
સાંભળ, દાદા, રમીએ આપણ સાંજ, બપોર, સવારે,
પહેલો પાકો નિયમ ખેલનો : હું જીતું, તું હારે!
શૂન્ય-ચોકડી રમતાં રમતાં કરું ધનાધન ક્રૉસ;
એક શૂન્ય તું માંડે ત્યાં સૌ ખાનાં ભરવાં મારે.
બસ, હું જીતું, તું હારે !
ઢગલાબાજી રમતાં તું ચોગ્ગા પર ચોગ્ગો નાખે;
તોય ઉઠાવે ના તું પાનાં, દલીલ કર ન લગારે.
બસ, હું જીતું, તું હારે !
પકડદાવ જો રમીએ, એમાં નક્કી તારી હાર;
તારા ઘરડા પગથી મારી ઝડપ હણીય વધારે.
બસ, હું જીતું, તું હારે !
છતાંય તારે, હોય જીતવું, એક શરત છે મારી;
ચૉકૉલેટ મને બે દેવી સાંજ, બપોર, સવારે !
દાદા, હું જીતું, તું હારે !
(૩) કાલી-કાલી-કાલી
મામી, આ બુધ્ધુ લડકીને કશુંક તો સમજાવો,
વાટે ના શબ્દો-ભાષાનો સાવ ભંગારો આવો!
મમ્મીને એ કહે છે ‘મીમી’, હાથીને ‘ઈટીમાન’,
મિકી માઉસને કહે ‘હાઉસ’, ને મીનીને કહે ‘મ્યાન’!
દૂધ પીવું જો હોય, ચીસ પાડે છે ‘ધૂધૂધૂધૂ’!
સઘળા શબ્દોનું શીર, મામી, વાળી દે એ ઊધું!
હું છું એની દીદી તોયે બોલે, ‘આવ, દાદી’!
ભાષા ભાંગી ભૂકો કરવાની એને આઝાદી!
પણ હું સાચું કહું છું, મામી, લાગે છે વહાલા!
જ્યારે એ બોલે છે ભાષા કાલી-કાલી-કાલી!
– યશવંત મહેતા
[કુલ પાન ૪૦. કિંમત રૂ. ૧૨૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]
One thought on “ત્રણ બાળગીતો – યશવંત મહેતા”
બહુ જ સુંદર રચનાઓ.