વેળા જાળવી લે મૂળશંકર – હરીશ મહુવાકર

(‘અખંડ આનંદ’ સામયિકના મે, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

દાદાનું ફટકી ગયું. નહિતર આમ હોય? છેલ્લા ત્રણ દિવસથી શીરો ખાય છે. શીરો ખાવામાં ફટકવાની વાત શું હોય ! પરંતુ બધાને લાગે છે કે દાદાનું ફટકી ગયું છે.

ત્રણ દિવસ થયા. દાદાનો – મૂળશંકર વ્યાસનો સૌથી નાનો દીકરો, છઠ્ઠા નંબરનો દીકરો, રમણ નાની ઉંમરે અઠ્યાવીસની ઉંમરે જતો રહ્યો. એકવીસે પરણાવેલો. એની દીકરી દયા પાંચ વરસની ને દીકરો સ્મિત ત્રણ વરસનો. કુટુંબ હજુ ભળભાંખોડિયાં ભરતું હતું ત્યાં દડી પડ્યું. મંગળનો સંસાર વિલાઈ ગયો. રમણલાલ આમ અંદેશો આપ્યા વગર, અકલ્પનીય રીતે, અચાનક છોડીને જતો રહે એ જોજનો વરસો દૂરની વાત હતી. મંગળાની આંખો પોરો ન ખાતી. સ્મિતને ખોળામાં લઈ બેસી રહેતી. દયાને માથે હાથ ફેરવ્યા કરતી ને એનેય ખોળામાં લઈ લેતી.

મૂળશંકરનો વેલો આખોય ઝાડવે ચડી ગયેલો. છએ છ પાંદડાં ને ફૂલડાંથી લીલોછમ્મ હતો. આંખો ઠરતી. છેલ્લાનો લગ્નપ્રસંગ પત્યા પછી મૂળશંકરે નિવૃત્તિ લીધી હતી ખેતીમાંથી. કામકાજમાંથી ને ભક્તિભાવમાં જીવ વળાવ્યો હતો. અંબાગૌરી વરસો અગાઉ બ્રહ્મલીન થઈ ગયેલાં. ઘેઘૂર વડલો એકાકી ભાવથી ક્યારેય ન પીડયો. દયાશંકરથી શરૂ કરીને આ છેલ્લે રમણનું ગોઠવાઈ ગયું ત્યાં લગી. અંબાગૌરી પૂરતી એક પ્રસંગને બાદ કરતાં ઘરને આંગણે ખુશીઓ આવી હતી. વહુઓ આવતી રહી. દીકરા, દીકરી અવતરતાં રહ્યા. લગ્ન, કથા, સીમંત, રાંદલ તેડવાનું, ઘરમાં ચાલતું રહેલું. કામ ચાલ્યા કરતું પણ ઘટનાઓની ભરમારમાં પાસંઠ વરસ ક્યાં સરી પડ્યાં તે ખબર ન રહી અને અચાનક આ રમણ !

આંખો ભીંજાઈ નહિ. કોરો કૂવો હોય એમ થઈ ગયેલી. ઉપરનીચે થતી તો સામે રમણ દેખાતો. સૌથી નાનો હતો, વહાલો હતો. એની સાથે હતો. બાકી બધાને અલગ ખોરડાં કરી દીધાં હતા. જમીનનાય ભાગ કરી દીધા હતા. હવેલી જેવું ઘર હતું. ઢોરઢાંખર હતાં. વીસ વીઘા ખેતી હતી. એ બધું રમણે સંભાળવાનું હતું. હમણાં હમણાં દેવદર્શનની ઈચ્છા થયા કરતી હતી. જિંદગી આખી કામમાં કાઢી. અંબાજી ને દ્વારકા સિવાય કંઈ જોયું નહોતું. મનમાં હતું કે હરદ્વાર જાય. ભેળાભેળા ચાર ધામની યાત્રા પણ કરતા આવે પણ આ રમણ… એ તાકી રહેતા એના મરક મરક મોઢાવાળા ફોટા સામે.

અને એટલે બધાંને લાગ્યું, ફટકી ગયું મૂળશંકરનું. રમણને વળાવીને આવ્યા કે ધડાકો કર્યો. મંગળાગૌરી સૂન્ન થઈ જાય એ સ્વાભાવિક હતું. બીજી પુત્રવધુઓ પણ આંચકો ખાઈ ગઈ. દીકરાઓને સગી આંખો પર વિશ્વાસ ન રહ્યો. પડોશીઓને કઠણાઈ આમ પણ આવે એની નવી રીત દેખાણી. સગાઓ અને સંબંધીઓને આખી નાતમાં પેલ્લોવેલ્લો દાખલો જડ્યો. જેણે સાંભળ્યું હોય એ અવાચક થઈ જતો.

સ્મશાનથી આવ્યા ભેગા મંગળાને કહ્યું, ‘વહુ બેટા, શીરો બનાવો. જોજો બરાબર ઘી નાખજો. માથે એલચીનો ભૂકોય ભૂલતાં નહિ ને મને પીરસી દો.’

ઝડી વરસે એમ હતી મૂળશંકર માથે પણ તાત્કાલિક કોઈ બોલ્યું નહિ. વેળા જાળવી લેવાની હતી. મૂળશંકરને શીરો પીરસાયો. બધાએ મૂળશંકરને જાળવી લીધા પણ મૂળશંકરે આવેલ વેળાને ન જાળવી.

બપોરે બીજે દિવસેય મહેમાનોનો ખડકલો હતો. તમાકુ ચોળાતી હતી હથેળીમાં. આછી આછી શરૂ થયેલી શિયાળાની સિઝનની વાતો આછી આછી ખૂલવા લાગી હતી. મોલ લેવાઈ ગયેલો, દિવાળી નીકળી ગઈ એને પણ વખત થયો હતો. તુલસીવિવાહ ગયા અને લગ્નટાણું બરાબરનું ખીલ્યું હતું. મૂળશંકર આજે આ ગામ ને બીજે દિ’બીજે ગામ. ત્રીજે દિ’પોતાનું ગામ એમ વહેવારમાં પડ્યા હતા. રોજ ધોળા બગલા જેવા ડગલા પહેરી માથે ફાળિયું બાંધી હાથમાં દંડો લઈ ઘેરથી રવાના થતા. સવારે સાંજે ફરતા ત્યારે બીજા દિવસની યોજના ઘડાઈ ગઈ હોય. રમણને સાંજે જાણ કરતા. કામની વિગત કહેતા, પથારીમાં લંબાતા ને સવારે શિરામણ કરી નીકળી જતા. ગઈ કાલે ત્રીજા નંબરના વેવાઈના ઘરે લગ્નપ્રસંગે રાજુલા જવાનું હતું. રમણ ગયો એ દિવસે અમરેલી જવાનું હતું. સૌથી મોટા જમાઈના સૌથી મોટા દીકરાનો પ્રસંગ હતો. ગોઠવણ ચાલતી હતી. રમણનું સ્પ્લેન્ડર લઈને જવાનો વિચાર કરેલો. રમણનેય એક જગ્યાએ જવાનું હતું. પણ રમણ એ બધું મૂકીને જતો રહ્યો.

એનાથી મોટી ઉંમરના માણસે ‘લ્યો મૂળશંકર, બીડી જગવો’ કહી જાણે નિદ્રામાંથી જગવી દીધો. ઘડીભર એ સાવ અજાણ્યા બની પેલાને તાકી રહ્યા. બીડી લીધી. ધુમાડો ઊડ્યો. ધુમાડાની સેરો વચ્ચેથી દૂર દૂર અંબાગૌરી દેખાયાં. એ જરી મરક્યા. બીજો દમ લીધો. ધુમાડો ફેલયો. દૂર પણ નહિ નજીક પણ નહિ એમ મંગળા દેખાયાં. એ મરકી ન શક્યા. પરાણે કસ ખેંચ્યો. ધુમાડો જરીક જ નીકળ્યો. રમણના બેય છોકરાં દેખાયાં. ધૂળ ચૂંથતા હતા. મોટીએ ધૂળ મોઢામાં નાખી ને નાનો ધૂળમાં ચૂંથવા માંડ્યો. એની આંખ ભીંજાઈ. સ્‍હેજ જ ભીંજાઈ. કોઈને ન દેખાઈ એટલી. માત્ર પોતાને જ ખબર પડે એ આંખ ભીંજાઈ છે એટલી આંખ ભીંજાઈ. ને એ ઊભા થયા.

‘ગળા, મારી હાટુ શીરો મૂકી દેજો બાપા. જોજો પીરસવામાં મોડું ન કરતાં.’

ગઈ કાલનો અપચો હજી ઠેકાણે પડ્યો નહોતો ત્યાં ફરીથી આ વેળા આવી પડી. મંગળાની પુત્રવધુઓ સમસમી ગઈ. દીકરાઓને જગત ભમતું લાગ્યું. પડોશીઓ સગાં-સંબંધીઓ સુધી વાત પહોંચી ત્યારે કેટલાકે ડોકાં ધુણાવ્યાં, કેટલાંયનાં મોઢાં વીલાં થઈ ગયાં, કેટલાય મૂઢ થઈ ગયા. કેટલાકે મોઢામાં આવેલી વાતને ગળે ઉતારી દીધી. છોકરાઓએ બોલવાની હિંમત કરી. ‘બાપ, વેળા…’ પણ એમની આંખોમાં કોઈ અકળ ભાવ હતા. કોઈ બોલી શક્યું નહિ. બીજે દિવસેય મૂળશંકરે શીરો ખાધો.

મહેમાનોની આવનજાવનમાં બધું કોરણે મુકાઈ જતું. આખો દિ’ રોકકળ, ઠસકાથી આંગણું ઊભરાતું, ધોળા માથાળા આદમીઓ, કાછી મૂછોવાળા છોકરાઓથી ડેલો હકડેઠઠ થાતો. સ્ટીલની રકાબીઓ ફરતી, તમાકુ, સોપારી, ચૂનો લેવાતો, ધુમાડા ફેલાતા. ધુમાડાની સેરોમાં બધા દીકરાઓ એક પછી એક આવતા ને જતા. એનું ડોકુ જરી કેવવધારે હલી જતું. મોં ઉપર અકળ ભાવ આવી બેસતા. એમાંથી બહાર ત્યારે આછીપાતળી વાતુઓમાં ધ્યાન જતું. સમયે સમયે માણસ રજા લઈને જતું. મૂળશંકર મોટાભાગનાને ઓળખતો. કોઈકને ઘડીક વારમાં ઓળખી કાઢતો. કોઈ સામે જોઈને યાદ કરીને થોડી વારે તાળો મળતો. કોઈકની સામે જોતો એ કોઈક કેટલાય કોઈકને ઓળખી ન શકતો. એમની સામે જોઈ લેતો. વળી પોતાનામાં ખેંચાઈ જતો.

આજે સારો વાર હતો – ગુરુવાર. છેલ્લા બે દિ’ કરતાં વધારે મહેમાન આવ્યું હતું. દૂરસદૂરનાં સગાં-વહાલાં, ઓળખીતાઓએ આ દિવસને પસંદ કર્યો હતો. મૂળશંકરને એ બધાની અપેક્ષાઓ પણ હતી. દીકરાઓને ખબર હતી આજના દિવસની અને એટલા સારુ ઘરે રોટલાની વ્યવસ્થા કરી હતી. બપોરનો એક દોઢ થયો ને બધાને ભાણે બેસાડ્યા.

મૂળશંકર પણ બેઠા. થાળી પીરસાઈ ગઈ. પીરસાઈ ગઈ કે મગજ ફાટ્યો. બાજુમાં મોટો હતો એની સામે તાડૂક્યા : ‘એલા મારે તમને રોજ કે’વાનું? શીરો ક્યાં છે? આ નથી ખાવું મારે. મંગળાને કે શીરો મૂકે.’

બધાનો કોળિયો અટકી ગયો. મૂળશંકર ઉપર આંખો ચોંટી ગઈ બધાની. બાલાશંકરે કહ્યું, ‘બાપા…’

એ પૂરું કરે એ પહેલાં તો મૂળશંકર વરસી પડ્યા, ‘હું મને મૂરખ સમજે છે એલા? બે દિ’થી કવ છું. આજ ત્રીજો દિ’થ્યો. સમજ નથી પડતી કે મારો શીરો જોઈએ છે.’

બાલાશંકર હલબલી ગયો. ધોળી પૂણી જેવો થઈ ગયો. બીજા નંબરનો મહાદેવ આવ્યો. બાપાને એક બાજુ લઈ જવા હાથ પકડ્યો. મૂળશંકરે ઝાટકો મારી હાથ ખેંચી લીધો. ‘મને ક્યાં લઈ જાય છે લ્યા? ઝખા મારવાની છે મારે? એક વાર કીધું કે શીરો થાળીમાં જોઈએ તો જોઈએ.’

બાલાશંકરે હિંમત કરી. મહાદેવે ટેકો કર્યો ને બાપાને એક બાજુ લઈ ગયા. ઓસરીની એક કોર્ય બેસાડ્યા.

‘બાપા, તમે અહીં બેસો. હમણા કંવ છું મંગળાને.’ બાલાશંકરે કહ્યું. મૂળશંકરના ચહેરાનો તાપ બેમાંથી એકેયને જીરવાયો નહિ. મૂંગા મૂંગા ઘડી બેઘડી એ બેઠા. મૂળશંકરની આંખો પૂરેપૂરી ખૂલી ગઈ હતી. શરીરમાં કંપ હતો. અક્કડ થઈ એ બેઠા.

ભાણે બેઠેલાઓમાંથી કેટલાકે વહેલું પતાવ્યું ને મૂળશંકર પાસે આવીને બેઠા. પંદર-વીસ જણા મૂળશંકરની ચારેકોર ગોઠવાયા. બાલાશંકરે કાકાને કાનમાં કહ્યું. ‘ભાઈને સમજાઅવો ને આ તે કંઈ રીતે છે? એનું ચસકી ગયું છે. ભાઈને રમણનો બહ આઘાત લાગ્યો છે પણ દસ-બાર દિવસ તો જાળવી લેવાનું ક્યો.’

પરિસ્થિતિ સંભાળવા મોહનશંકર આગળ આવ્યા. મૂળશંકરનો હાથ પકડ્યો, ‘મૂળશંકર….’

‘બોલ.’

‘અમનેય તારી જેટલું જ દુઃખ છે પણ કાંઈ ગાંડાં થોડાં કઢાય છે !’

‘એટલે હું ગાંડાં કાઢું છું એમ ને?’

‘ના, પણ દસ – બાર દિ’ તો જવા દો. પછી શીરો ક્યાં નથી ખવાતો !’

‘એટલે હું શીરો ખાવ એ ખટકે છે તમને?’

‘ના, એમ નહીં, પણ વેળા જાળવી લે મૂળશંકર…’

એ પછી ધુમાડાની આડશે આવેલા દીકરાઓ ફરીથી દેખાયા. એણે પોતાને કહ્યું, ‘વેળા જાળવી લે મૂળશંકર….’

પછી મોટા અવાજથી બોલ્યા. ‘હવેથી હું રોજ શીરો ખાવાનો છું.’ પોતાનાં સફેદ થયેલા વાળને ખેંચી બતાવતાં કહે, ‘જેટલા છે ને સફેદ એમાં હવે એકેય વધવો ન જોઈએ સમજ્યા? રમણના બેય છોકરા-છોકરીને પરણાવું નહિ ને ત્યાં સુધી મારો વાળ વાંકો ન થાવો જોઈએ સમજ્યા? શરીરને થાક કે તાવ ન આવવો જોઈએ સમજ્યા?’

વાયરો સાવ પડી ગયો હતો. શાંત માહોલમાં મૂળશંકરનો અવાજ હવેલીને હલબલાવતો લાગી રહ્યો. બેઠેલાનાં મોં પરના ભાવ બદલાયા. એક અદીઠ વસ્તુ નજરે આવી રહી હતી. દૂર બેઠેલા નજીક ખેંચાયા. નજીક બેઠેલા મૂળશંકરની વધુ નજીક ખેંચાયા. કોઈ કથા હમણાં શરૂ થશે ને હરેક શબ્દ કાને ઝિલાતો હોય એવી ઉત્સુકતા દેખાઈ રહી.

‘મારી જિંદગી તો પૂરી થઈ ગઈ’, મૂળશંકર બોલ્યે જતા હતા. ‘મને શોખ નથી થાતો શીરો ખાવાનો. તમે આ મંગળાની ને બેય છોકરાની જવાબદારી લઈ લ્યો તો મારે કાંઈ કરવાનું રહેતું નથી. હું વહ્યો જઈશ દેવદર્શને. છો તમે તૈયાર?’

મૂળશંકરે બધાની સામે જોયું. બાલાશંકરની આંખો ઢળી ગઈ. મહાદેવે પણ નીચે જોયું. બીજા ભાઈઓની આંખો પણ જમીનમાં ખોડાઈ. કોઈકે એકબીજા સામે જોયું. કોઈકે અડખેપડખે જોયું. કોઈએ કંઈ સાંભળ્યું ન હોય તેમ કર્યું. કોઈ કંઈ સમજ્યું ન હોય તેમ બેસી રહ્યું.

મૂળશંકરે આગળ ચલાવ્યું ‘સાંભળી લ્યો બધા. મને કોઈએ કહેવાની જરૂર નથી. મને આવડે છે વેળા સાચવતાં, ને હું સાચવી લઈશ. ખબરદાર હવે કોઈ બોલ્યું છે તો.’

બીજાની ખબર નહિ પણ બાલાશંકરને કશુંક સમજાયું. એ ઊભો થ્યો. વળી મંગળાગૌરી પાસે ગયો ને કહ્યું. ‘મંગળા, વેળા જાળવી લ્યો બાપ. હવેથી બાપાને રોજ શીરો બનાવી દેજો.’ ત્યાંથી આવીને બાપા પાસે ચૂપચાપ બેસી ગયો. મૂળશંકરની સાવ અડોઅડ બેસી ગયો વેળા જાળવવા.

– હરીશ મહુવાકર
સંપર્ક : “અમે”, ૩/એ, ૧૯૨૯, નંદાલય હવેલી પાસે, સરદારનગર, ભાવનગર-૩૬૪૦૦૨ મો. ૯૪૨૬૨ ૩૫૨૨


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ત્રણ બાળગીતો – યશવંત મહેતા
ઋણાનુબંધ – રમણલાલ સોની Next »   

13 પ્રતિભાવો : વેળા જાળવી લે મૂળશંકર – હરીશ મહુવાકર

 1. જબરદસ્ત એક્શનપેક્ડ વાર્તા. આ વિષય પર વાર્તા વાંચેલી છે પણ અહીં મૂળશંકરનું પાત્રાલેખન અને વાર્તા શૈલી દમદાર છે.

  • Harish Mahuvakar says:

   પ્રિય ગોપાલભાઇ
   આભાર મારેી વાર્તા માટે.
   મારુ અન્ય સાહિત્ય પણ વાઁચજો.
   સસ્નેહ
   હરેીશ મહુવાકર ૯૪૨૬ ૨૨ ૩૫ ૨૨

 2. Vijay Panchal says:

  વાર્તા શૈલી દમદાર……

  • Harish Mahuvakar says:

   પ્રિય વિજયભાઇ
   મારેી વાર્તા તમને ગમેી તેનો આન્ઁદ વ્યક્ત કરુ.
   આભાર
   હરેીશ મહુવાકર્

 3. Krishna Nirav says:

  Super.. very touchy

  • Harish Mahuvakar says:

   પ્રિય ક્રિશ્ન
   આન્ઁદ મને. વાર્તા ગમેી તેનો આન્ઁદ.
   મારેી લઘુકથા, નિબ્ઁધો કાવ્યો પણ વાઁચજો.
   આદર સહ્
   હરેીશ મહુવાકર

 4. dharmendra raviya says:

  વાહ. ક્યારેક મૂળશંકરની માફક પણ વેળા જાળવવી જોઈએ.

  • Harish Mahuvakar says:

   ધર્મેન્દ્રભાઇ
   સાચેી વાત તમારેી.
   મારુ અન્ય સહિત્ય જોયુઁ?
   સપ્રેમ્
   હરેીશ મહુવાકર ૯૪૨૬ ૨૨ ૩૫ ૨૨

 5. viral says:

  jabbarsast twist in the end..

 6. Harish Mahuvakar says:

  નેીરવ
  આભાર.
  વાર્તાનો આનન્દ બેવડાયો.
  બેીજેી વાર્તાઓ વાન્ચજે.
  હરેીશ નેી યાદ્
  ૯૪૨૬ ૨૨ ૩૫ ૨૨

 7. viral says:

  Superb..

  total surprise in the end of the story..

 8. Nayan says:

  wahhhhh aavi varta haju sudhi ma vanchi j nathi kharekhar adbhut!!

 9. MAY says:

  બાપ તે બાપ ..આ નુ નામ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.