શુભ ફળ : વિચારથી આચરણની કઠિન યાત્રા – પ્રો. મનસુખ સાવલિયા

(“વિચાર વલોણું” સામયિકના જુલાઈ ૨૦૧૭ના અંકમાં પ્રસિદ્ધ થયેલ આ લેખ થોડા ભાષાકીય સુધારા સાથે પ્રો. મનસુખ સાવલિયાએ રીડગુજરાતીને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક મોબાઈલ નંબર ૯૮૨૫૯૫૬૨૫૪ કે તેમના ઈમેલ mtsavaliya@yahoo.com પર કરી શકાય છે.)

સારો સંકલ્પ કે સારો વિચાર એટલે શું? માણસના મગજમાં સતત વિચારપ્રક્રિયા ચાલતી જ હોય છે, જેમાં સારા અને ખરાબ તમામ પ્રકારના વિચારો આવતાં જ હોય છે. સામાન્ય રીતે કહી શકાય છે કે જે વિચાર કે સંકલ્પ વ્યક્તિથી ઉપર ઊઠીને સમષ્ટિના સારા માટે હોય તેને સારો વિચાર કહી શકાય. સમષ્ટિમાં માત્ર માનવજગત જ નહીં પણ બ્રહ્મમાં આવેલ તમામ સજીવ-નિર્જીવ તેમજ તેમના આંતર-સબંધોની વાત આવી જાય, જેને આપણે કુદરત કહીએ છીએ. માનવી માત્રને સારા વિચારો આવે જ છે પણ કાં તો તે આવીને હવાની જેમ ઊડી જાય છે અથવા થોડો સમય રોકાઈને શૂન્ય થઇ જાય છે. આની પાછળનાં શું કારણો હોઈ શકે? ઉપનિષદોએ અપરા (વિજ્ઞાન કે શબ્દબ્રહ્મ) અને પરા (બ્રહ્મજ્ઞાન અથવા આત્મજ્ઞાન) ની વાત કરી અને કહ્યું છે કે માત્ર અપરા જ્ઞાન ધરાવનાર વ્યક્તિ જેમ અંધકારમાં હોય છે, તેમ માત્ર પરા જ્ઞાન ધરાવતી વ્યક્તિ એથી ય ઊંડા અંધકારમાં હોય છે. ભગવાન બુદ્ધે સમ્યકની વાત કરી છે, જે અહીંયા પણ લાગુ પડે છે અને બંને વચ્ચેનું સમતોલપણું જીવનમાં સારા વિચારો કે સારા સંકલ્પો માટે જરૂરી છે.

આધુનિક યુગમાં છાપાઓ, પુસ્તકો જેવાં પ્રિન્ટ માધ્યમો તેમજ ઈન્ટરનેટ કે ટેલિવિઝન જેવાં ઈલેક્ટ્રોનિક માધ્યમોના સમયમાં જ્ઞાન સુલભ હોવા છતાં શુભ વિચાર કે સંકલ્પો, સમષ્ટિને લાભકર્તા અને વ્યક્તિના સદગુણો દયા, પ્રેમ, કરુણા, પરમશ્રદ્ધા, બંધુતા માં રૂપાંતરિત કેમ થતા નથી? કદાચ સામાન્ય માનવીનું પોતીકું જ્ઞાન આ પ્રક્રિયાના ચાર તબક્કા વિચાર-મનન-ચિંતન-આચરણ માટે કાં તો કેળવાયું નથી અને કાં તો ભૌતિક સુખની લાલચમાં એ તરફની દ્રષ્ટિ જ કેળવાઈ નથી અથવા તો જાતને ઘસવાની તૈયારી નથી.

સારા વિચારો માટે આધુનિક યુગમાં સ્ત્રોતની કોઈ કમી નથી. સારો વિચાર એ તળેટીમાંથી રમણીય પર્વત શિખરને જોવાની વાત છે. પણ શિખરને માણવા તો ત્યાં પહોચવાની મહેનત કરવી જ પડે અને એમ કરતાં પડવા-આખડવા, લાગવા-ભાગવાની શક્યતા રહેવાની જ. સારો વિચાર સ્વાર્થરહિત હોઈ તેમજ વ્યક્તિગત લાભથી ઉપર ઉઠતો હોઈ બીજા માટે ઘસાવાનું સંકલ્પબળ માંગે જ. બી મૂકી રાખવાથી જેમ ફળ મળતાં નથી તેમ સારા વિચારો માત્ર સાંભળવાથી ભ્રમ પેદા થયા સિવાય કશું થતું નથી, સિવાય કે સ્વ-છેતરપીંડી. જેમ બીજને વાવી ખાતર-પાણી સમયસર આપી ઉછેરીને જ ફળની આશા રાખી શકાય તેમ વિચારોને પણ મનન-ચિંતન સ્વરૂપ ખાતર-પાણીની જરૂર પડે.

જેમ રોજ પ્રાર્થના કરવાથી લાંબે ગાળે એ સંસ્કાર બની મનને નિર્મળ કરે છે તેમ સારા વિચારને સતત રટવાની કે સાથે રાખવાની મનને ટેવ પાડવી પડે એટલે કે સતત મનન કરવું પડે. જેમ રોજ થતી ક્રિયા સંસ્કારનું સ્વરૂપ ધારણ કરે છે તેમ સદવિચારો પણ સતત વાગોળવાથી જ ધીમે-ધીમે વ્યક્તિના અંદરના સ્તર (મન, બુદ્ધિ, ચિત્ત, આત્મા) તરફની ગતિ પકડે છે અને અંતે તેના શુભફળમાં પરીણમે છે. આમ કરવા માટે શું જોઈએ? માણસનો પોતાનો દૃઢ સંકલ્પ અને કામ, ક્રોધ, સ્વાર્થ, લોભ, કપટ જેવા દુર્ગુણોથી મુક્તિની ભીષ્મપ્રતિજ્ઞા.

એક વાર મનનરૂપી સંસ્કાર કેળવીને સતત સારા વિચારોની આસપાસ જેનું જીવન ગોઠવાયેલું છે તેવો માણસ, છાશ વલોવીને માખણ કાઢે તેમ વિચારોને ચિંતનરૂપી ચાકડે ચડાવી સમષ્ટિના શુભ માટેનું માખણ તારવવા એને તમામ બાજુએથી ચકાસી તેના વિવેકપૂર્ણ ઉપયોગ તરફ જવાનો જ. પણ આજની ભૌતિક દોડ, નોકરીલક્ષી શિક્ષણ, અંગત સ્વાર્થ, પાયાની કેળવણી ને સંસ્કારોનો ઘર, શાળા કે સમાજ સ્તરે અભાવ અને ઉપેક્ષા આ પ્રક્રિયામાં બાધારૂપ નીવડે છે. સામાન્ય માણસ હંમેશા આવા વખતે શ્રેય કરતાં પ્રેયની વધારે પૂજા કરે છે. શ્રેયની પૂજા કરવાવાળા વિરલાઓ જેવા કે ગાંધીજી, સોક્રેટીસ, બુદ્ધ, મહાવીર, કૃષ્ણ કે રામ અહીં જ જુદા પડે છે. અવતાર તરીકે પૂજાય છે.

ચિંતનના તબક્કે વ્યક્તિએ સ્વાર્થને બાજુએ મૂકી સમગ્રતાનો વિચાર કરવો પડે છે. આફ્રિકાના રેલ્વે સ્ટેશને જયારે ગોરાએ ધક્કો મારી ગાંધીજીને પ્લેટફોર્મ પર ફેંકી દીધા, ત્યારે ગાંધીએ ધક્કો માત્ર મોહનચંદ ગાંધી નામની વ્યક્તિને લાગ્યો છે તેમ નહી પણ સમગ્ર માનવજાતને લાગ્યો છે એવું મનન-ચિંતન કર્યું અને એટલે જ આપણને સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધી મળ્યા, જેણે લોહી રેડ્યા વિના ભારતને સ્વરાજ અપાવ્યું એટલું જ નહિ સમગ્ર જગતને શાંતિનો નવો માર્ગ ચીંધ્યો.

ચિંતનના ફળસ્વરૂપ વિવેક કેળવ્યા પછી પણ યાત્રા પૂરી થતી નથી બલકે ત્યારબાદ જ કસોટીરૂપ આચરણની વાત આવે છે અને તેની શરૂઆત પોતાનાથી જ કરવી પડે છે, નહીંતર જગત એ વિવેકને સ્વીકારે નહિ. એટલે જ ગાંધી કહી શક્યા કે “મારું જીવન એ જ મારો સંદેશ છે”. દરેક યુગદ્રષ્ટાએ આચરણની આકરી કસોટીમાંથી પસાર થવું પડ્યું છે. એમ ન હોત તો મૃત્યુસજાના આગલા દિવસે મિત્ર ક્રિટો દ્વારા ગોઠવેલ યુક્તિથી સોક્રેટીસ ભાગી શકત. તેમણે એમ ન કર્યુઁ અને કહ્યું કે જે સમાજવ્યવસ્થાનો અત્યાર સુધી મેં લાભ લીધો એના નિર્ણયને (ભલે અન્યાયી હોય) અમાન્ય ઠરાવીને હું કાયદાને શું જવાબ આપું? જેની મેં જિંદગીભર સિફારિશ કરી છે. આવી કસોટીમાં જીવના ભોગે પણ ખરા ઉતરીને જગતને પુરાવો આપવો પડે છે. ઈસુના જીવને જગતને જેટલું શીખવાડ્યું એના કરતાં અનેકગણું એના મૃત્યુએ શીખવાડ્યું.

આ યાત્રા કઠીન અને વ્યક્તિ, કુટુંબ કે સમાજ સ્તરે વૃત્તિઓનો ભોગ માગનારી હોવા છતાં આજ નહીં તો કાલ એનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. જો સાહજિક સ્વરૂપે સ્વીકારાય તો ઉત્તમ નહીં તો આધુનિક વિકાસની કૂચ જયારે વિનાશ નોતરવાનું શરુ કરશે અને માણસજાત અસ્તિત્વનું જોખમ જોશે પછી સ્વીકાર્યા વગર ક્યાં જશે? આશા મરી પરવારી નથી કારણ કે સમયાંતરે આ જ્યોત પ્રજ્વલિત રાખવા ગાંધી કે માર્ટીન લ્યુથર કીંગ જેવા ઓલીયાઓ આવી જગતને માર્ગદર્શન આપતા જ રહે છે.

– પ્રો. મનસુખ સાવલિયા


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઋણાનુબંધ – રમણલાલ સોની
અનામતની સમીક્ષા, દેશહિતમાટે સુધારા.. – વિજય શાહ Next »   

9 પ્રતિભાવો : શુભ ફળ : વિચારથી આચરણની કઠિન યાત્રા – પ્રો. મનસુખ સાવલિયા

 1. S N Sampat says:

  ઘણો સારો લેખ !!!!

  માણસનો ફળ ઉપર અધિકાર ન હોવાથેી ટાઇટલમા શુભ ફળ શબ્દને બદલે અલગ વિચારેી શકાય.

 2. Sanjay patel says:

  Khub saras savaliya saheb

 3. Rameshchandra Ganatra says:

  પ્રોફેસર મનસુખભાઈ સાવલીયા નોં લેખ ખૂબ પસંદ પડયો.

  રમેશ ગણાત્રા

 4. Vijay Panchal says:

  Superb….

 5. J S Dhobi says:

  સાવલિયા સાહેબ, ખુબ સરસ રેીતે લખાયેલ ટુઁકો પણ સચોટ લેખ….ખુબ ખુબ અભિનન્દન્…

 6. Dr.Kishor G. Maradia says:

  વિચાર અને તેનુ આચરન જ મનુસ્ય નુ ભાવિ નક્કિ કરે તે ઉક્તિ ને અનુમોદન આપતો ખુબ સરસ લેખ. ખુબ ખુબ અભિનન્દન સાવલિયા સાહેબ.

 7. Mehul Parikh says:

  ખુબ સરસ સાવલિય સાહેબ સારા વિચારો થિ સારુ આચરન તરફ …

 8. Kiran Parmar says:

  Excellent sir. Your writing is reflecting your extensive study of ancient literature.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.