અનામતની સમીક્ષા, દેશહિતમાટે સુધારા.. – વિજય શાહ

વર્ષોથી એક વાલ્મિકી જાતિના બેન અને તેમની બે છોકરીઓ નડિયાદમાં મારું ઘર છે એ સોસાયટીમાં કચરો ઉપાડે, મેલું સાફ કરે, ગાયોએ કરેલા પોદરા અને કૂતરાઓએ ઓકેલું દૂર કરી રસ્તાઓ ચમકાવે.. ટૂંકમાં મારી શેરીને સવચ્છ અને સુઘડ રાખનારા માત્ર અને માત્ર આ ત્રણ લોકો… જેના વળતર પેેટે ઘરદીઠ મહિને ૧૫ રૂપિયા પણ લોકો જીવ બાળીને આપે.. બોનસમાં અસ્પૃશ્યતા અને ધૂત્કાર તો ખરા જ.. એક દિવસ મારી મમ્મીએ એ બેનની નાની છોકરીને મારા ઘરના ઓટલા પર બેસીને જમાડી તો તે બેનની આંખમાં આભારના આંસુ છલકાઈ આવ્યા..

આ બેનનો એક છોકરો નગરપાલિકાના સંડાસ-બાથરૂમ સાફ કરે, અને પતિ તો નાની વયે જ દેશી લઠ્ઠો પીને દુનિયા છોડી ચાલ્યો ગયો હતો.
હું રવિવારે ઘરના હીંચકા પર બેઠો બેઠો આ લોકોને જોતો હતો ત્યારે મને એમ થયું કે આ પરિવારના કોઈ સભ્યને જો અનામત દ્વારા સારું શિક્ષણ મળે, નોકરી મળે તો મને કોઈ જ વાંધો ન હોય. સાચું કહું તો આખા સમજદાર સવર્ણ સમાજને વાંધો ન હોવો જોઈએ..

પણ ભારતની પ્રવર્તમાન સ્થિતિ કંઈક જુદી છે. આ પરિવાર અને આવા લાખો પરિવારોને તો જ્ઞાન જ નથી કે અનામત એમના માટે છે. તેનાથી નોકરી કેવી રીતે લેવી તેની ખબર જ નથી. અને સરકારી તથા અર્ધસરકારી શિક્ષણ સંસ્થાઓમાં, નોકરીઓમાં ૩૫ થી ૫૦ ટકા જેવી મસમોટી અનામતના લાભ એવા પરિવારના લોકો લે છે જેઓ સુખી સંપન્ન છે, પણ માત્ર તેમની અટક ઓ.બી.સી એસ.ટી. – એસ.સી. માં ગણવામાં આવે છે.

અચ્છા માની લો કે કોઈ જ્ઞાતિના લોકો પાસે પૂરતા સંસાધનો નથી, જેથી સારા માર્કસ નથી લાવી શક્યા, આથી પાસિંગ માર્કસ જેટલી ટકાવારીએ પણ તેમને ઉચ્ચ શિક્ષણ માટે મેડીકલ, એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ કે એન્ય શાખાઓમાં દાખલો મળી જાય છે. તો પછી હવે ત્યાં કેમ એમને મળેલી સીટનું મહત્વ સમજી સારું શિક્ષણ મેળવી લાયકાત કેળવતા નથી? શું કામ ભણ્યા પછી નોકરીમાં પણ અનામત જોઈએ છે?

આઝાદી વખતની પરિસ્થિતિ જે હતી તેને અનુલક્ષીને ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. ભીવરાવ આંબેડકરે અને ત્યારની પ્રવર્તમાન સરકારે અનામત લાગુ કરી જે માત્ર ૧૦ વર્ષ માટે હતી, પરંતુ હવે તે મત મેળવવાનું સાધન બની ગયું છે અને ૩૫ ટકા વસ્તી માટે ૫૦ ટકા અનામતની લ્હાણી કરવામાં આવે છે.

હવે સમય પાકી ગયો છે કે ભલે અનામત સંપૂર્ણ પણે નાબૂદના કરો… પરંતુ તેમાં જરુરી સુધારા તો લાવો.. અનામતનો મૂળ ઉદેશ પછાત દલિત વર્ગને ઉપર લાવવાનો છે..ના કે સવર્ણ સમાજને પછાત બનાવવાનો… ક્લાસ 1 અધિકારીનો છોકરો માત્ર તેની અટકના આધારે લાયકાત વિના 60-65 ટકાએ નોકરી મેળવે.. જ્યારે ગરીબ સવર્ણ સમાજનો છોકરો ઉંચી ટકાવારી લાવીને પણ દર દર ભટકે, ડોનેશન આપે.. આ કેવી સમાનતા? આ કેવી સામાજીક વ્યવસ્થા?
અનામતે 60-65 માર્કસ વાળાને તો આગળ લાવ્યા પણ 85-90 ટકા વાળાની જીંદગી ઉપર લીટા માર્યા…

મારા મંતવ્ય પ્રમાણે નીચે અનુસારના સુધારા અનામત પ્રથામાં લાવી શકાય..

સુધારો નંબર ૧ – જે વ્યક્તિ શિક્ષણમાં અનામતના આધારે દાખલો લે છે તેને નોકરીમાં અનામત ન મળી શકે.
સુધારો નંબર ૨ – પરિવારદીઠ એક જ વ્યક્તિને અનામત દ્વારા નોકરી મળે.
સુધારો નંબર ૩ – ધર્મ આધારિત અનામત સંપુર્ણપણે બંધ કરો
સુધારો નંબર ૪ – કાયદો બનાવો કે હવે કોઈ નવી જાતિને અનામત નહીં આપવામાં આવે અને અનામત માટે આંદોલનો કરવા ગેરબંધારણીય ગણાશે.
સુધારો નંબર ૫ – ગુજરાત હાઈકોર્ટના થોડા સમય પહેલાના નિર્દેશ અનુસાર અનામતનો લાભ લેતી જ્ઞાતિના ઉમેદવાર જનરલ ક્વોટામાં મેરિટમાં આવેદન ન આપી શકે. આ નિર્દેશને દેશભરમાં લાગૂ કરો.

અનામતએ સૌથી મોટો ચૂંટણી મુદ્દો છે કારણ કે દલિત – મુસ્લિમ સમાજ વોટ આપવા જાય જ છે અને તેઓ એમને જ વોટ આપે છે જે એમનો લાભ કરાવે છે. જો સવર્ણ સમાજ પણ મોટી સંખ્યામાં વોટ આપવા જશે તો આ ધ્રુવિકરણ બંધ થશે. અનામતની સમીક્ષા થશે તો જરૂરિયાતવાળાને અનામત મળશે અને સમાજમાં વર્ગ વિગ્રહ બંધ થશે.

ભારત વિશ્વનો એક માત્ર દેશ છે જ્યા જાતિ આધારિત અનામત આપવામાં આવે છે… કોઈપણ રાજનૈતીક પક્ષ માટે આ સુધારા લાવવા લોઢાના ચણા ચાવવા સમાન છે. પણ દેશહિતને સર્વોપરી માની નોટબંધીની જેમ અનામત સુધારો પણ લાવવો જોઈએ.

– વિજય શાહ

(સંપર્ક – ૧૦૯, ગ્રાન્ડ મોનાર્ક, સીમા હૉલ પાસે, પ્રહલાદ નગર રોડ, સેટેલાઈટ, અમદાવાદ. મો. 9067696577, ઈ-મેલ – vijayshah113@gmail.com)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “અનામતની સમીક્ષા, દેશહિતમાટે સુધારા.. – વિજય શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.