નાઈટ આઉટ એ પેરન્ટસની મોટી સમસ્યા – નમ્રતા દેસાઈ

(‘રિફ્લેક્શન’માંથી સાભાર, રીડગુજરાતીને આ પુસ્તક પાઠવવા બદલ નમ્રતાબેન દેસાઈનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખને અંતે આપવામાં આવી છે.)

હોલિવુડની સેલીબ્રિટીઓ, માફીયાઓ અને સ્વછંદી થઈ ચૂકેલા સંતાનો મુક્ત મને પશ્વિમના દેશોમાં આખી રાત રખડપટ્ટી કરે એના માટે નાઈટ આઉટ શબ્દ પ્રચલિત થયો.

નાઈટ આઉટ એટલે આખી રાત ઘરની બહાર મન ફાવે તેમ તે રી શકવાની સ્વતંત્રતા. આ નાઈટ આઉટ ત્યાંની ફેશન ગણાય. ડાહ્યા ડમરાં સંતાનો જો ઘરમાં બેસી રહે તો, તેને બોચીયાં કહેવાય. એટલે જ, મહદ અંશે વિદેશમાં સ્થાય્તી થયેલા આપણા ભારતીય પરિવારો પોતાના સંતાનો માટે વર કન્યાની પસંદગી ભારતમાં આવીને જ કરે.

છેલ્લાં થોડાં વર્ષોથી આપણા ભારતીય પરિવારોમાં પશ્વિમનું દેખીતું અનુકરણ થઈ રહ્યું છે. કોલેજોમાં ને શાળાઓમાં જે રીતે વિવિધ ડે ઊજવાય રહ્યા છે એવી જ રીતે આ ‘નાઈટ આઉટ’નો ટ્રેન્ડ આપણા ટીનેજર્સ સંતાનોમાં વ્યાપી રહ્યો છે. દેખાદેખીમાં કે ફેશન ગણો પણ નાઈટ આઉટનો ટ્રેન્ડ આજે મધ્યવર્ગના સંતાનોમાં પણ વકરી રહ્યો છે.

આપણે નાના હતા ત્યારે રજામાં કે વેકેશનમાં મોસાળમાં, અને કાકાના ઘરે ગામ રહેવા જતાં. આખુ વેકેશન ત્યાં પિતરાઈ ભાઈ બહેનો જોડે ક્યાંય વીતી જાય તે ખબર જ ન પડતી. પાછા ફરવાનો સમય થાય ત્યારે છુટા પડવાની વેદના એટલી તીવ્ર હોય કે રડી જવાતું! આ વેકેશનમાં એવી કોઈ સગવડ કે ભોગ વિલાસ નહોતા. સાદું જમવાનું અને સાદું રહેવાનું. આખી રાત સરખી ઉંમરના ભાઈ બહેનો કે ત્યાંના ફળિયાના મિત્રો જોડે અસંબંધિત વાતોના ગપ્પા સવાર સુધી ચાલે. દાદા કે મામાના ગુસ્સાનો ભોગ પણ બની જવાતું. છતાં એની એક મજા હતી. સહજ ભાવે આનંદ લેવાની એ વૃત્તિને કારણે જ વૃદ્ધાવસ્થામાં પણ બાળપણ તરત જ યાદ આવી જાય. કોઈ ગેમ્સ કે કોઈ હાઈટેક સાધનો વગરની, આંબલી પીપળી, સાત ઠીકરી, પત્તા અને કેરમ જેવી રમતોની યાદો અને કોની સામે જીતેલા તેવી વાતો હજી પણ એટલા જ ઉત્સાહથી એ સમયના સહોદર અને આપણા સંતાનો સાથે થાય છે. અને ફરી ફરીને એ બાળપણ જીવવાનું મન થાય છે.

હવે ગામ કે મોસાળ ભાગ્યે જ રહ્યા છે. સંયુક્ત કુટુંબ વિભક્ત કુટુંબ બન્યા. સંતાનોની સંખ્યા સીમિત રહી ગઈ. નાનકડા ફ્લેટમાં એક જ બાળક છે જે એના બાળપણને શોધી રહ્યું છે. માતા પિતા બંને વ્યસ્ત. મમ્મીઓ પોતાની મહત્વકાંક્ષાને જરૂરિયાતોને પૂરી કરવામાં મસ્ત. દાદા-દાદી, કાકાઓ વચ્ચે વહેંચાઈ ચૂક્યા છે, ત્યારે કાચી ઉંમરના આ સંતાનો જુવાની અને બાળપણની વચ્ચે સતત પોતાની અભિવ્યક્તિ ઝંખે છે. હોર્મોનના અધિક સ્ત્રાવને લઈને તેમનામાં ગુસ્સો, આક્રમકતા અને ક્યારેક રિબેલીયસ થઈ જવાની આદત નડતી રહે છે. ઘણું બધું કહેવું છે! હૈયું ઠાલવવું છે! પણ કોની આગળ? આખા દિવસના વ્યસ્ત મા-બાપ ત્રસ્ત હોવાથી જાણ્યે અજાણ્યે એમની વાતોની અવગણના કરે. ત્યારે પોતાની વાતોને સમજી ન શકવાને કારણે, આ એકલું પડેલું બાળક બહાર મિત્રોની આગળ વ્યક્ત થવા તત્પર રહે છે.

ફ્રેન્ડસર્કલ જ એમની દુનિયા છે. એટલે આ ઉંમરે મિત્રોનો પ્રભાવ જબરજસ્ત હોય છે, તેઓ મિત્રો માટે કંઈ પણ કરી લેવા તૈયાર જ હોય છે. પાછુ ઈતર પ્રવૃત્તિનું ભારણ અને એજ્યુકેશનનો હાઉ તેમને અંદરથી ગુંગળાવી કાઢે. આખા દિવસના શિડ્યુલમાં એમના હિસ્સામાં ક્યાંય સાચો આનંદ આવતો નથી. ત્યારે રજામાં, આવા નાઈટ આઉટના પ્રોગ્રામમાં પોતાને વ્યકત કરવાં અને મજા લેવામાં મશગુલ થઈ જાય. પોતાની એકલતા અને ખાલીપાને મિત્રો સાથે નાઈટ આઉટમાં એકબીજા સાથે શેર કરી લે. વિકેન્ડમાં થતાં આવા નાઈટ આઉટ પ્રોગ્રામમાં, સંતાનો ઈમોશ્નલ કનેક્ટેડ થઈ જાય ત્યારે તેમના મિત્રો માટે તેઓ એક પણ ખરાબ વાક્ય કે સલાહ સાંભળવા નથી માંગતા. એમના ભાવ વિશ્વમાં મિત્રો જ કેન્દ્રમાં રહેતાં હોય છે.

આ ટીનેજર્સ નાઈટ આઉટમાં ચાલતા દુષણોથી પેરેન્ટએ આંખ આડા કાન ન કરવા. તેમના મિત્રોની યાદી, ટેલીફૉન નંબર પાસે હોવા જોઈએ. તેમના મિત્રોને પણ માન આપીને પ્રેમથી વાત થવી જરૂરી છે. જેથી આપણા સંતાનોમાં આપણી પ્રત્યે વિશ્વાસ કેળવાય. છોકરીઓની જાસૂસી કરવાને બદલે તેમના વર્તન, વાણી અને ચહલ પહલ પર સહજતાથી નજર રાખવી પડે. અને તેમને સખી બનાવીને વિશ્વાસ જતાડવો પડે. કારણકે, આવા પ્રોગ્રામમાં ક્યારેય પોર્નોગ્રાફ્રી, ડ્રગ્સ, આલ્કોહોલ, સ્મોકીંગ અને વિજાતીય કે સજાતીય મૈત્રી પૂરબહારમાં ખીલતી હોય છે. ‘સ્વતંત્રતા ઘણીવાર વિસ્ફોટ સર્જે છે.’ કોઈ રોકનાર કે ટોકનાર ન હોય ત્યારે, આવા ભયજનક પરિબળો પાછળ ટીનેજર્સ ઝડપથી આકર્ષાય છે. એમને પ્રાઈવસી આપવી જરૂર ખરી! પણ આ બધાના ભોગે તો નહીં જ.

લેપટોપ, મોબાઈલ અને વિડિયો ગેમ્સ હવે ઘરમાં ફરજિયાત છે. એના ઉપયોગમાં સમય પેરેન્ટસે અને પરિવારે સમજણપૂર્વક નક્કી રાખવાનો. કોઈ કામના વળતર રૂપે તેમની જીદને ક્યારેય ન પોષવી. પોતાની આંખોમાં વાવીએ અને ક્યારેક કોઈ ભૂલ થાય તો કડક થવાના બદલે પ્રેમથી એમને ભેટીને નહીં તો કાચી ઉંમરમાં આ સંતાનો સેક્સનાં ઉકરડા શું શોધે? તેમનું તેમને પણ કોઈ જ્ઞાન નથી હોતું.

એમને મિત્ર બનાવીને નજીક લાવીએ. એમની વાતો માટે સમય ફાળવીએ. નાના કરેલા કામની પણ પ્રશંસા કરીએ. ગમે તેવા સંજોગ હોય પણ અમે તારી સાથે જ છી એવો વિશ્વાસ આપીએ. એમના સપનાઓને એમની ભૂલ માટે અપમાન ન થાય એની કાળજી રાખીએ કારણકે આ સ્પર્શમાં એક અજબ બોન્ડિંગ રહેલું હોય છે. એમની ગાંડીઘેલી કે ધડ માથા વગરની વાતોનું પણ ક્યાંક એમની દુનિયામાં તો વજૂદ હોય જ છે. એને પણ સાંભળીએ. જેથી એમની કાલ્પનાશક્તિ બહાર આવે, કલ્પનાશક્તિમાં જોડાયેલા બાળકોમાં સંવેદના અને સર્જનાત્મકતા રહેલી હોય છે બસ તેને ઓળખવાની જરૂર છે.

બાકી આપણું સંતાન આપણી મિલકત નથી. એક બગીચાને માળી જેમ સાર સંભાલ લે એમ સારા સંસ્કારોનો વારસો આપીને એમની માવજત કરીએ તો આપણું સંતાન ક્યારેય ખોટે રસ્તે નહી જાય. અને નાઈટ આઉટના પ્રોગ્રામામાં કોને ત્યાં જાય? કોનું ઘર? કોણ પેરેન્ટસ? કોની સાથે જાય છે? એની રજે રજ માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. તેમના પર થોડો ભરોસો મૂકીએ તો નાઈટ આઉટનો ટ્રેન્ડ કદાચ બંધ ન થય પરંતુ કોઈ પણ સમયે મિત્રોના ઘરે કે મિત્રોને પોતાના ઘરમાં પેરેન્ટસની હાજરીમાં લાવતા કોઈ સંકોચ કે ડર ન રહે. દરેક સ્વતંત્રતાની પણ એક મર્યાદા હોય છે. અને સ્વતંત્રતા અને સલામતી એક સાથે ક્યારેય ન રહી શકે એટલે આપણા યુવા સંતાનો પર ધાક કે હક જમાવાને બદલે તેમની જરૂરિયાતો અને મિજાજને ઓળખીને તેમની મુશ્કેલી, મૂંઝવણ કે આનંદ અને પ્રસન્નતાને પણ ઓળખીને તેમની જોડે સુપેરે કામ પાર પાડવું પડે.

– નમ્રતા દેસાઈ

(‘રિફ્લેક્શન’ – નમ્રતા દેસાઈ, પાના. ૧૪૪, મૂલ્ય ૨૨૫/- રૂ., પ્રાપ્તિસ્થાન ક્રોસવર્ડ, બુકવર્લ્ડ સૂરત, નમ્રતાબેનની સંપર્ક વિગતો – ૯૯૨૫૪૩૮૧૦૩, ninsdesai@gmail.com)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “નાઈટ આઉટ એ પેરન્ટસની મોટી સમસ્યા – નમ્રતા દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.