નાઈટ આઉટ એ પેરન્ટસની મોટી સમસ્યા – નમ્રતા દેસાઈ

(‘રિફ્લેક્શન’માંથી સાભાર, રીડગુજરાતીને આ પુસ્તક પાઠવવા બદલ નમ્રતાબેન દેસાઈનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખને અંતે આપવામાં આવી છે.)

હોલિવુડની સેલીબ્રિટીઓ, માફીયાઓ અને સ્વછંદી થઈ ચૂકેલા સંતાનો મુક્ત મને પશ્વિમના દેશોમાં આખી રાત રખડપટ્ટી કરે એના માટે નાઈટ આઉટ શબ્દ પ્રચલિત થયો.

નાઈટ આઉટ એટલે આખી રાત ઘરની બહાર મન ફાવે તેમ તે રી શકવાની સ્વતંત્રતા. આ નાઈટ આઉટ ત્યાંની ફેશન ગણાય. ડાહ્યા ડમરાં સંતાનો જો ઘરમાં બેસી રહે તો, તેને બોચીયાં કહેવાય. એટલે જ, મહદ અંશે વિદેશમાં સ્થાય્તી થયેલા આપણા ભારતીય પરિવારો પોતાના સંતાનો માટે વર કન્યાની પસંદગી ભારતમાં આવીને જ કરે.

છેલ્લાં થોડાં વર્ષોથી આપણા ભારતીય પરિવારોમાં પશ્વિમનું દેખીતું અનુકરણ થઈ રહ્યું છે. કોલેજોમાં ને શાળાઓમાં જે રીતે વિવિધ ડે ઊજવાય રહ્યા છે એવી જ રીતે આ ‘નાઈટ આઉટ’નો ટ્રેન્ડ આપણા ટીનેજર્સ સંતાનોમાં વ્યાપી રહ્યો છે. દેખાદેખીમાં કે ફેશન ગણો પણ નાઈટ આઉટનો ટ્રેન્ડ આજે મધ્યવર્ગના સંતાનોમાં પણ વકરી રહ્યો છે.

આપણે નાના હતા ત્યારે રજામાં કે વેકેશનમાં મોસાળમાં, અને કાકાના ઘરે ગામ રહેવા જતાં. આખુ વેકેશન ત્યાં પિતરાઈ ભાઈ બહેનો જોડે ક્યાંય વીતી જાય તે ખબર જ ન પડતી. પાછા ફરવાનો સમય થાય ત્યારે છુટા પડવાની વેદના એટલી તીવ્ર હોય કે રડી જવાતું! આ વેકેશનમાં એવી કોઈ સગવડ કે ભોગ વિલાસ નહોતા. સાદું જમવાનું અને સાદું રહેવાનું. આખી રાત સરખી ઉંમરના ભાઈ બહેનો કે ત્યાંના ફળિયાના મિત્રો જોડે અસંબંધિત વાતોના ગપ્પા સવાર સુધી ચાલે. દાદા કે મામાના ગુસ્સાનો ભોગ પણ બની જવાતું. છતાં એની એક મજા હતી. સહજ ભાવે આનંદ લેવાની એ વૃત્તિને કારણે જ વૃદ્ધાવસ્થામાં પણ બાળપણ તરત જ યાદ આવી જાય. કોઈ ગેમ્સ કે કોઈ હાઈટેક સાધનો વગરની, આંબલી પીપળી, સાત ઠીકરી, પત્તા અને કેરમ જેવી રમતોની યાદો અને કોની સામે જીતેલા તેવી વાતો હજી પણ એટલા જ ઉત્સાહથી એ સમયના સહોદર અને આપણા સંતાનો સાથે થાય છે. અને ફરી ફરીને એ બાળપણ જીવવાનું મન થાય છે.

હવે ગામ કે મોસાળ ભાગ્યે જ રહ્યા છે. સંયુક્ત કુટુંબ વિભક્ત કુટુંબ બન્યા. સંતાનોની સંખ્યા સીમિત રહી ગઈ. નાનકડા ફ્લેટમાં એક જ બાળક છે જે એના બાળપણને શોધી રહ્યું છે. માતા પિતા બંને વ્યસ્ત. મમ્મીઓ પોતાની મહત્વકાંક્ષાને જરૂરિયાતોને પૂરી કરવામાં મસ્ત. દાદા-દાદી, કાકાઓ વચ્ચે વહેંચાઈ ચૂક્યા છે, ત્યારે કાચી ઉંમરના આ સંતાનો જુવાની અને બાળપણની વચ્ચે સતત પોતાની અભિવ્યક્તિ ઝંખે છે. હોર્મોનના અધિક સ્ત્રાવને લઈને તેમનામાં ગુસ્સો, આક્રમકતા અને ક્યારેક રિબેલીયસ થઈ જવાની આદત નડતી રહે છે. ઘણું બધું કહેવું છે! હૈયું ઠાલવવું છે! પણ કોની આગળ? આખા દિવસના વ્યસ્ત મા-બાપ ત્રસ્ત હોવાથી જાણ્યે અજાણ્યે એમની વાતોની અવગણના કરે. ત્યારે પોતાની વાતોને સમજી ન શકવાને કારણે, આ એકલું પડેલું બાળક બહાર મિત્રોની આગળ વ્યક્ત થવા તત્પર રહે છે.

ફ્રેન્ડસર્કલ જ એમની દુનિયા છે. એટલે આ ઉંમરે મિત્રોનો પ્રભાવ જબરજસ્ત હોય છે, તેઓ મિત્રો માટે કંઈ પણ કરી લેવા તૈયાર જ હોય છે. પાછુ ઈતર પ્રવૃત્તિનું ભારણ અને એજ્યુકેશનનો હાઉ તેમને અંદરથી ગુંગળાવી કાઢે. આખા દિવસના શિડ્યુલમાં એમના હિસ્સામાં ક્યાંય સાચો આનંદ આવતો નથી. ત્યારે રજામાં, આવા નાઈટ આઉટના પ્રોગ્રામમાં પોતાને વ્યકત કરવાં અને મજા લેવામાં મશગુલ થઈ જાય. પોતાની એકલતા અને ખાલીપાને મિત્રો સાથે નાઈટ આઉટમાં એકબીજા સાથે શેર કરી લે. વિકેન્ડમાં થતાં આવા નાઈટ આઉટ પ્રોગ્રામમાં, સંતાનો ઈમોશ્નલ કનેક્ટેડ થઈ જાય ત્યારે તેમના મિત્રો માટે તેઓ એક પણ ખરાબ વાક્ય કે સલાહ સાંભળવા નથી માંગતા. એમના ભાવ વિશ્વમાં મિત્રો જ કેન્દ્રમાં રહેતાં હોય છે.

આ ટીનેજર્સ નાઈટ આઉટમાં ચાલતા દુષણોથી પેરેન્ટએ આંખ આડા કાન ન કરવા. તેમના મિત્રોની યાદી, ટેલીફૉન નંબર પાસે હોવા જોઈએ. તેમના મિત્રોને પણ માન આપીને પ્રેમથી વાત થવી જરૂરી છે. જેથી આપણા સંતાનોમાં આપણી પ્રત્યે વિશ્વાસ કેળવાય. છોકરીઓની જાસૂસી કરવાને બદલે તેમના વર્તન, વાણી અને ચહલ પહલ પર સહજતાથી નજર રાખવી પડે. અને તેમને સખી બનાવીને વિશ્વાસ જતાડવો પડે. કારણકે, આવા પ્રોગ્રામમાં ક્યારેય પોર્નોગ્રાફ્રી, ડ્રગ્સ, આલ્કોહોલ, સ્મોકીંગ અને વિજાતીય કે સજાતીય મૈત્રી પૂરબહારમાં ખીલતી હોય છે. ‘સ્વતંત્રતા ઘણીવાર વિસ્ફોટ સર્જે છે.’ કોઈ રોકનાર કે ટોકનાર ન હોય ત્યારે, આવા ભયજનક પરિબળો પાછળ ટીનેજર્સ ઝડપથી આકર્ષાય છે. એમને પ્રાઈવસી આપવી જરૂર ખરી! પણ આ બધાના ભોગે તો નહીં જ.

લેપટોપ, મોબાઈલ અને વિડિયો ગેમ્સ હવે ઘરમાં ફરજિયાત છે. એના ઉપયોગમાં સમય પેરેન્ટસે અને પરિવારે સમજણપૂર્વક નક્કી રાખવાનો. કોઈ કામના વળતર રૂપે તેમની જીદને ક્યારેય ન પોષવી. પોતાની આંખોમાં વાવીએ અને ક્યારેક કોઈ ભૂલ થાય તો કડક થવાના બદલે પ્રેમથી એમને ભેટીને નહીં તો કાચી ઉંમરમાં આ સંતાનો સેક્સનાં ઉકરડા શું શોધે? તેમનું તેમને પણ કોઈ જ્ઞાન નથી હોતું.

એમને મિત્ર બનાવીને નજીક લાવીએ. એમની વાતો માટે સમય ફાળવીએ. નાના કરેલા કામની પણ પ્રશંસા કરીએ. ગમે તેવા સંજોગ હોય પણ અમે તારી સાથે જ છી એવો વિશ્વાસ આપીએ. એમના સપનાઓને એમની ભૂલ માટે અપમાન ન થાય એની કાળજી રાખીએ કારણકે આ સ્પર્શમાં એક અજબ બોન્ડિંગ રહેલું હોય છે. એમની ગાંડીઘેલી કે ધડ માથા વગરની વાતોનું પણ ક્યાંક એમની દુનિયામાં તો વજૂદ હોય જ છે. એને પણ સાંભળીએ. જેથી એમની કાલ્પનાશક્તિ બહાર આવે, કલ્પનાશક્તિમાં જોડાયેલા બાળકોમાં સંવેદના અને સર્જનાત્મકતા રહેલી હોય છે બસ તેને ઓળખવાની જરૂર છે.

બાકી આપણું સંતાન આપણી મિલકત નથી. એક બગીચાને માળી જેમ સાર સંભાલ લે એમ સારા સંસ્કારોનો વારસો આપીને એમની માવજત કરીએ તો આપણું સંતાન ક્યારેય ખોટે રસ્તે નહી જાય. અને નાઈટ આઉટના પ્રોગ્રામામાં કોને ત્યાં જાય? કોનું ઘર? કોણ પેરેન્ટસ? કોની સાથે જાય છે? એની રજે રજ માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. તેમના પર થોડો ભરોસો મૂકીએ તો નાઈટ આઉટનો ટ્રેન્ડ કદાચ બંધ ન થય પરંતુ કોઈ પણ સમયે મિત્રોના ઘરે કે મિત્રોને પોતાના ઘરમાં પેરેન્ટસની હાજરીમાં લાવતા કોઈ સંકોચ કે ડર ન રહે. દરેક સ્વતંત્રતાની પણ એક મર્યાદા હોય છે. અને સ્વતંત્રતા અને સલામતી એક સાથે ક્યારેય ન રહી શકે એટલે આપણા યુવા સંતાનો પર ધાક કે હક જમાવાને બદલે તેમની જરૂરિયાતો અને મિજાજને ઓળખીને તેમની મુશ્કેલી, મૂંઝવણ કે આનંદ અને પ્રસન્નતાને પણ ઓળખીને તેમની જોડે સુપેરે કામ પાર પાડવું પડે.

– નમ્રતા દેસાઈ

(‘રિફ્લેક્શન’ – નમ્રતા દેસાઈ, પાના. ૧૪૪, મૂલ્ય ૨૨૫/- રૂ., પ્રાપ્તિસ્થાન ક્રોસવર્ડ, બુકવર્લ્ડ સૂરત, નમ્રતાબેનની સંપર્ક વિગતો – ૯૯૨૫૪૩૮૧૦૩, ninsdesai@gmail.com)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અનામતની સમીક્ષા, દેશહિતમાટે સુધારા.. – વિજય શાહ
કવિશ્રી રઘુવીર ચૌધરીની પ્રતિભાવ પ્રેરક કાવ્યરચના – લાભશંંકર ઠાકર Next »   

6 પ્રતિભાવો : નાઈટ આઉટ એ પેરન્ટસની મોટી સમસ્યા – નમ્રતા દેસાઈ

 1. સુબોધભાઇ says:

  સચોટ લેખ. આવી સરસ માહિતી અને ભયસ્થાનો ની સમજ આપવા બદલ.મોટેભાગે “નાઇટ આઉટ” એ હોસ્ટેલમા રહી અભ્યાસ કરનાર ” યુવા ” ઓ નો પ્રશ્ન છે. અને એથી જ આવા ભયસ્થાનો ને સમજી અને દૂર રહીને “નાઇટ આઉટ’ લેવાય એ જાતે સમજે એ જરૂરી છે.
  આવા સુંદર લેખ બદલ લેખિકા બેન અને અક્ષરનાદ નો આભાર.

 2. મનસુખલાલ ગાંધી says:

  નમ્રતા બહેન,

  તમારો લેખ વાંચ્યો. તમે જાણે આંખે દેખ્યો અહેવાલ આપતાં હોય તેવો સરસ સમજણ આપતો બહુ સુંદર લેખ લખ્યો છે. ઘણી વાર કોઈ માણસ કે બાળક ખરાબ વર્તન કરે કરે ત્યારે બીજાઓ તરફથી તરતજ અભિપ્રાય આવી જાય, ‘માબાપે સંસ્કાર નહીં આપ્યા હોય..’!! માબાપ તો હંમેશા સારા સંસ્કારજ આપે, પણ સંતાનોના મિત્રો તેને “વધારે સંસ્કાર(!)” આપે છે, અથવા તો કહો કે મિત્રો વચ્ચે સંસ્કારોની આપલે થાય છે. અને તમે લખ્યું તે મુજબ મિત્રો કેવા છે તેના ઉપર બધો આધાર છે. આજે માબાપો પાસે સમય પણ નથી અને હોય તો પણ શહેરની અને થોડાઘણા અંશે ગામડાની પણ લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે કે સંતાનો ઉપર નજર રાખવાની રીતો પણ બદલાઈ ગઈ છેં.

  આજે સેલફોનની કંપનીઓ બ્યુગલો વગાડે છી કે ભારતમા ૧૦૦ કરોડ સેલ ફોન થઈ ગયાં છે. હવે ૧૨૫ કરોડની વસ્તીમાં ૧૦૦ કરોડ લોકો પાસે સેલ ફોન હોય, એમાં માબાપો અને વડીલો પણ આવી જાય, આ બધા સેલ ફોનમાં લાગ્યા હોય, ટીવી જોવામાં સમય કાઢે, પછી સમજી લોને કે સંતાનો ઉપર ધ્યાન રાખવામાં સમય જ નથી મળતો. સંતાનો તો ‘દરેક જાતના’ મિત્રોમાં ભળી જાય, પણ વડીલો પોતાના મિત્રો સાથે ફોન તો થાય પણ રૂબરુ મળવાનો સમય નથી હોતો, સિવાય કે કયાંય કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ સામાજીક કાર્યક્રમમાં ભેગા થઈ જવાય. હવેના લગ્ન પ્રસંગો પણ એવા હોય છે કે પછી એવા બીજા પ્રસંગો હોય, ત્યાં આમંત્રણ માત્ર ‘આપશ્રી’ અથવા ‘આપ બન્ને’ માટે હોય, ત્યાં સંતાનો માટે તેમના સગાવહાલાને પણ ઓળખવાનો પ્રસંગ નથી બનતો. હવે દરેકને પ્રાઈવસી જોઈએ છે, ત્યાં નાના ફલેટ કે નાની જગ્યામાં ક્યાં મળવાની..?

  બહુ સુંદર લેખ.

 3. Arvind Patel says:

  સમય ની સાથે જે પણ કઈ બદલાઈ રહ્યું છે, તે બધું સારું જ છે. કઈ ખોટું નથી. સમય ની સાથે આપણે આપણી માનસિકતા પણ બદલવી પડશે. જે ઘરમાં માં – બાપ અને સંતાનો વચ્ચે પ્રેમ, અંદરોઅંદરની સમજણ, એક બીજા પ્રત્યે વિશ્વાસ, અને એક બીજા માટે સન્માન છે, ત્યાં કોઈ જ તકલીફ નથી. દીકરા – દીકરીઓ હોસ્ટેલો માં રહેતા હોય તમે ક્યાં ચોકી કરવા જવાના છો !! બીજી પેઢી માં વિશ્વાસ રાખીને તેમનામાં આત્મા વિશ્વાસ જગાડવો પડશે. તને સાચું લાગે તે કર, મારી બીક રાખતો નહિ. આ પ્રકારનો વિશ્વાસનો તાંતણો માં-બાપ અને નવી પેઢી વચ્ચે હશે તો કઈ જ ખોટું નહિ થાય. છેલ્લે, આપણા સંજોગો શું હતા અને આજે કેવો સમય છે, તે પ્રકારની સરખામણી ક્યારેય કરાવી નહિ.

 4. Vijay says:

  I live in the UK for nearly 40 years.you have shown only one side of western Gujarati kids. There are thousands of our kids go to Shakha, swaminarayan bal and yuva kendras, Swadhyay they bow to there mum and dad every morning say jay Shree Krishna or jay swaminarayan instead of good morning and good night. They don’t want to get married in India because they find there life partners here no matter what the colour or cast.

 5. sandip says:

  “દરેક સ્વતંત્રતાની પણ એક મર્યાદા હોય છે. અને સ્વતંત્રતા અને સલામતી એક સાથે ક્યારેય ન રહી શકે એટલે આપણા યુવા સંતાનો પર ધાક કે હક જમાવાને બદલે તેમની જરૂરિયાતો અને મિજાજને ઓળખીને તેમની મુશ્કેલી, મૂંઝવણ કે આનંદ અને પ્રસન્નતાને પણ ઓળખીને તેમની જોડે સુપેરે કામ પાર પાડવું પડે.”

  ખુબ સરસ લેખ્…..
  આભાર્…………..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.