કવિશ્રી રઘુવીર ચૌધરીની પ્રતિભાવ પ્રેરક કાવ્યરચના – લાભશંંકર ઠાકર

(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના નવેમ્બર ૨૦૧૪ ના અંકમાંથી સાભાર)

આ ક્ષણોમાં કવિશ્રી રઘુવીર ચૌધરીનો કાવ્યસંગ્રહ ‘ધરાધમ’ (પ્રથમ આવૃત્તિ ૨૦૧૪) મારા ટેબલ પર છે. એકાધિક રચનાઓ આ ભાવકને ચેતોવિસ્તારનો અનુભવ કરાવે છે. પૃષ્ઠ પાંત્રીશ પરની રચના ‘ઝાડ’ એવી પ્રેરક બની ગૈ કે કોરા કાગળો ટેબલ પર ગોઠવીને આ ભાવકે આમ પેન ઉપાડી છે.

ઝાડ જગા કરી લે છે.
ઊગે એવું

હાસ્તો, ધરતીમાં ઢંકાયેલા બીજને સાનુકૂળતા મળતા એ સહજ ફણગે ફૂટે. ના, એને જગા કરી લેવામાં કંઈ કશું પ્રતિકૂળ નથી હોતું.

ચંદ્ર ઝાકળથી સીંચે છે,
સૂરજ સવારે સેવે છે
ને પવન ઝૂલાવે છે.

પ્રકટ થયેલા, જન્મેલા વૃક્ષના care taker ચંદ્ર છે, સૂરજ છે, પવન છે.

અંધારું ખસી જાયે છે.
એનાં પાંદડાં નીચે છાયા રચાય છે
પછી તો અવનવી કૂંપળથી
ડિકિયું કરે છે ઝાડ
પ્રકાશની દિશામાં.
પ્રકાશનો સ્વભાવ છે આરોહ.

સર્જક કવિ કેવા સાશ્ચર્ય આનંદથી જન્મ પામેલ વૃક્ષને, ઝાડને, ઝીણવટથી નીરખી રહ્યા છે અને શબ્દપ્રત્યક્ષ કરી રહ્યા છે! હા, પ્રકાશનો સ્વભાવ છે, આરોહ, આરોહણ, સૂર્યોદય થયા પછી તે ક્રમશઃ મધ્યાહને મધ્યાકાશમાં આવે અને સાંજ પડતા તે પશ્વિમ દિશામાં અસ્ત પામે.

સર્જક કવિએ જન્મ પામેલા વૃક્ષને ઝાકળથી સીંચતા ચંદ્રનો, તે પછી સૂરજ થકી તે સેવાતા, પવન દ્રારા ઝૂલતા વૃક્ષને, હા ઝાડને કેવા નિજાનંદથી પ્રત્યક્ષ કર્યાં છે!

કોઈ થડ ખાંગું થાય તો
ફણગો ફૂટે સીધોસટ.
ઝટ વધે

વૃક્ષની વિકાસગતિ ચાક્ષુષ ઘટના તો છે. સર્જક કવિ ની વાણી તો શ્રવણીય, audibale અનુભવ પણ કરાવે છે, ‘ફણગો ફૂટે સીધો સટ. ઝટ વધે.’ આ પંક્તિમાં આવતા ત્રણ ટ-કાર નેત્રપ્રત્યક્ષ ઝાડની લીલાને યુગપદ કર્ણપ્રત્યક્ષ પણ કરે છે.

સાંભળીને સર્જક કવિની હવે પછીની વાણી.

વધારે ઘેરાવો ઝાડનો,
એમાં ઘર કરે પંખી.
થડ પાસે દર કરે સરીસૃપ.
એની છાલ સાથે ખંજવાળ ઢોર.
ખિસકોલી ટોચે જઈ પાછી વળે
પુચ્છ પટકતી.
શેઢેથી ઊડી આવે મોર.
એનો ટહુકો સાંભળવા વાદળ લલચાય.
આભ ગોરંભાય.
વીજળી થાય, વાદળ ગાય.
ઝાડ નખશીખ તેજમાં ન્હાય. એની ભીતરમાં
રસબરસ રાસ રચાય
ઝાડ મોટું થાય.

આ બધાં ઇન્દ્રિયપ્રત્યક્ષ ચિત્રોમાં પરસ્પર પરાવલંબન ભરી કેવી છે ગાઢ નિસબત! ના, એ વિશે વિવરણ કરવાની જરૂર નથી. ખિસકોલી વિશેની એક સ્મૃતિ આ ક્ષણે ઊપસી છે. અમદાવાદની એક આર્ટ ગૅલેરીના કંપાઉન્ડમાં પુષ્પિત ગરમાળાના વૃક્ષ પર મધ્યાહન વેળાએ થડની શાખાની આડશમાં એક ખિસકોલીને નિદ્રાધીન જોઈ હતી. હા, મિનિટો સુધી હું એને જોઈ રહ્યો હતો. સસ્મિત. વાદળ ‘લલચાય’થી આરંભાયેલા અંત્યાનુપ્રાસો શ્રવણીય તાન-નો અનુભવ કરાવે છે. ‘ઝાડ’ રચના આ ભાવકને, પ્રતિભાવમાં ઊપસી રહેલા કેટલાંક સત્યોને, કાગળ પર ઉતરવા પ્રેરી રહી છે. આ વૃક્ષો-છોડ-વેલ-વનસ્પતિઓની મા કોણ છે? આ સર્વ ‘પાદપ’ છે. ‘પાર્દઃ’ એટલે ‘મૂલૈઃ’ વૃક્ષો-વનસ્પતિઓ વગેરે પોતાનાં મૂળિયાંથી પિબતિ.’ અર્થાત પીએ છે. પૃથ્વીમૈયાના રસકસ મૂળિયાં થકી ચૂસી ચૂસીને ફૂટે છે, અંકુરિત થાય છે, ખીલે છે, ફલિત થાય છે અને તે થકી મનુષ્યો-પ્રાણીઓ. પંખીએ અન્ય અનેક જીવોનું ધારણ-પોષણ થાય છે. સર્વ જીવોની સળંગસૂત્ર અન્નકડી food-chain છે. વૃક્ષો – વનસ્પતિઓ – અંકુરિત થતા અનાજ -ધાનની વાઈટલ ચેઈન છે, જીવોને હા, સર્વ જીવોને ધબકતા રાખનારી.

વનસ્પતિઓ સ-જીવ છે, સ-ચેત એમ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરનાર જગદીશચંદ્ર બોઝે એક વ્યાખ્યાનમાં કહેલુંઃ ‘વનસ્પતિમાં જીવ છે એવી શોધ માટે તમે આજે મારું સન્માન કરવા અત્રે એકત્ર થયા છો. પરંતું, એ વાત તો ભાગીરથીના તટ પર વસતા મારા તપસ્વી પૂર્વજોએ હજારો વર્ષ પહેલા કરેલી વાત છે.’

‘ષડ્દર્શન સમુચ્ચય’પર અર્થવિરણ કરનાર ગુણરત્ને ‘વૃક્ષોમાં જીવ છે, એટલું જ નહિ, સગર્ભા સ્ત્રીની જેમ એમને વિશિષ્ટ દોહદ (ઈચ્છાઓ)થાય છે’ એમ લખ્યું ચે.ૃક્ષ- છોડ ઊંઘેછે અને જાગે છે એવાં સૂક્ષ્મ અનુમેય નિરીષણો પણ ગુણરત્ને આપેલાં છે. મનુસ્મૃતિમાં એમ કહ્યું છે કે બહુ તપસથી વનસ્પતિઓ વ્યાપ્ત હોવાં છતાંય તે સુખ દુઃખની લાગણીઓવાળી છે અને તેમાં આંતરિક ચૈતન્ય (અંતઃસંજ્ઞા) સભર ભરેલું છે. લખીશ, લખીશ તો અંત નહિ આવે. સ-ફલ શબ્દ માણસે વૃક્ષોનાં નિરીક્ષણો પરથી જ સર્જ્યો હશેને? અરે, ફલમ ઈતિ ગર્ભમ એવો અર્થ પ્રાચીન સાહિત્યમાં પડેલ છે. ગર્ભનું રક્ષણપોષણ કરનારી પ્રસિદ્ધ દવાતે ‘ફલધૃત.’

એકાદ બે સંકેતો કરીને અટકું. વૃક્ષનો એક પર્યાય છે ‘તરુ’ ક્ષીરસ્વામીએ તે વીશે લખતા કહ્યું છેઃ તરન્તિ આપદં ઈતિ તરુઃ’ જેના વડે પ્રાણીઓ આપદા-આપત્તિ, દુઃખોને તરી જાય છે. તે ‘તરુ’ (વૃક્ષ, ઝાડ).

પ્રિય કવિશ્રી રઘુવીર ચૌધરીની ‘ઝાડ’ રચનાએ આ કાવ્ય રસિક ભાવકની સ-મૂલ હયાતીને ધબકતી, હા હર્ષિત કરી દીધી. પ્રાચીન વૈદ્યવરોએ કહ્યું છે પ્રીણન કરનારામાં સર્વ શ્રેષ્ઠ છે, ‘હર્ષ’. હર્ષઃ પ્રીણનાનામ સર્વોપરિ.

આ કવિના ‘ધરાધામ’ કાવ્યસંગ્રહની અનેક રચનાઓ ભાવક ચેતનાનું પ્રીણન (પોષણ) છે.

સાનંદ અટકું.

– લાભશંંકર ઠાકર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “કવિશ્રી રઘુવીર ચૌધરીની પ્રતિભાવ પ્રેરક કાવ્યરચના – લાભશંંકર ઠાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.