તરસ – પ્રફુલ્લા વોરા

(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

“ચંદુ… એ… ચંદુ… એય… ચંદુડા ! ક્યાં ગયો? કાંઈ સાંભળતો જ નથી ને ! બસ, આખો દિવસ ટોળ-ટપ્પા… હરવું-ફરવું ને રમવું.”

દરરોજની માફક આજે પણ સવિતા બૂમ પાડી પાડીને થાકી ગઈ. પણ ચંદુ તો નિશાળેથી આવે, દફતર ફેંકી દે ને કપડાં (યુનિફોર્મ) બદલ્યા વગર જ ઘરની બહાર નીકળી જતો. એને પહેલેથી જ ભણવું ગમતું ન હતું. આ તો સવિતા અને અરજણ તેને પરાણે શાળાએ મોકલતાં.

આમ જુઓ તો લગ્ન પછી ઘણાં વરસે ચંદુનો જન્મ થયો હતો, એટલે લાડ-કોડમાં ઉછરેલો ચંદુ પોતાનું ધાર્યું કરવા ટેવાઈ ગયો હતો. નાનો હતો ત્યારે સુંદર, દેખાવડો સૌને વહાલો લાગે એવો હતો. મોટું કપાળ, પાણીદાર આંખો અને વાંકડિયા વાળથી શોભતો ચંદુ… પાંચ-છ ધોરણ સુધી તો ધક્કા મારી મારીને ભણ્યો.

એક વખત તો અરજણે ચંદુના ભાઈબંધ ગોટુને બોલાવ્યો અને ઠપકો આપતાં કહ્યું : “અલ્યા ગોટિયા, આપણા ગામમાં જ નિશાળ છે, પણ તું અને ચંદુ તો નિશાળે જવાને બદલે ગામના ચોરે ચૌટે આંટા જ માર્યા કરો છો. તમારા માસ્તરોની રોજ ફરિયાદ આવે છે.”

સવિતાએ પણ ગોટિયાને સમજાવ્યો. પણ… એ તો ચંદુનો જ ભાઈબંધ ને ! વાત સાંભળી ન સાંભળી, ને ભાગી ગયો. જવાબ દે ઈ બીજા.

આમ ને આમ સમય પસાર થતો રહ્યો. ચંદુ માંડ માંડ નવમા ધોરણ સુધી ભણ્યો. અરજણ અને સવિતા એનાથી થકી ગયાં. દીકરો સારું કમાય તો મા-બાપનું ઘડપણ સુધરે. અહીં તો એ આશાય નહોતી. અરજણે એને માટે કોઈ નાની નોકરી શોધવાનો પ્રયાસ કર્યો. પણ સ્વતંત્ર મિજાજી ચંદુને એય ગમ્યું નહીં. અંતે એણે પોતે જ રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું. એમ તો એ હોશિયાર હતો. પોતે ઉછીના-પાછીના પૈસા ભેગા કરી રિક્ષા લીધી. પોતાની ‘નવલખી’ રિક્ષાને શણગારીને નીકળે ત્યારે એનો રૂઆબ જોવા જેવો હોય. યાત્રા કરવા જતાં-આવતાં લોકો પાસેથી સારું એવું ભાડું મળી રહેતું. પછી તો ચંદુની ઈચ્છાને વશ થઈને અરજણ અને સવિતાએ ચંદુનાં મંજુ સાથે લગ્ન પણ કરાવી દીધાં.

સ્વભાવે પરગજુ અરજણ ગામડાગામમાં ઉછરેલો. શરીર પણ કસાયેલું હતું. પોતે છૂટક મજૂરી કરતો હતો. સવિતા પણ ઘરકામમાંથી વહેલી પરવારીને ડુંગર પર જતાં-આવતાં યાત્રાળુઓનો નાનો સામાન ઊંચકવાનું કામ કરતી હતી. બન્નેનો જીવનલય પૂરા તાલમેલથી ચાલતો હતો.

દૂર દૂરથી આવતા યાત્રાળુઓને જોઈને અરજણને થતું કે આ લોકોને ભગવાનમાં કેટલી બધી શ્રદ્ધા હશે ! બસ…. પરગજુ અરજણે છૂટક મજૂરી છોડીને ડુંગર ઉપર પાણીની પરબ શરૂ કરી. અરજણ અને સવિતા વહેલી સવારે થોડું થોડું પાણી ઉપર ચડાવીને લાલ ચટ્ટક માટીની બે કોઠી ભરી દેતાં. સવિતા તો લોટા-ગ્લાસ-બુઝારાં વગેરે એવાં સરસ ઘસી નાખતી કે તડકામાં એ ચમકી ઊઠતાં. આ જોઈને અરજણ તેને વહાલથી કહેતો પણ ખરો :

“સવિ, તેં તો આ વાસણ તારા મોઢા જેવાં ચમકાવી દીધાં છે હોં !” ને સવિતા જરા લટકાથી જવાબ આપતી :

“તે વાસણ તમારા મોઢા જેવા થોડાં રખાય છે? જાત્રાળુઓને એમાં પાણી પીવુંય નો ગમે હોં !”

“હાલ, હવે બહુ થયું. સામેથી બે જાત્રાળુ આવે છે.” આવા મીઠા સંવાદ વચ્ચે સવિતા અને અરજણ પોતાનાં કામમાં પરોવાઈ જતાં. સાંજ પડ્યે થાકી પણ જતાં સામાન ઊંચકવાના જે પૈસા આવે એ સવિતા અરજણને આપીને એ ઘરે પહોંચતી. અરજણ સાયકલ લઈને ઘેર પહોંચતો. અરજણ બધી કમાણી ચંદુના હાથમાં આપી દેતો. એથી ચંદુ-મંજુ રાજી રહેતાં. તેમનો દીકરો રાજુય હવે તો પાંચેક વર્ષનો થઈ ગયો હતો. સમયની ગતિને ક્યાં રોકી શકાય છે?

એક દિવસની વાત છે. સવિતા એક યાત્રાળુ બહેનનો થેલો લઈને નીચે ઊતરતી હતી. એ નીચે પહોંચવા જ આવી હતી, ત્યાં અચાનક પગથિયાં પરનો એકાદ નાનકડો પથ્થર તેની સ્લિપર નીચે આવી ગયો. તેનો પગ લપસ્યો. સાત-આઠ પગથિયાં સુધી એ ગબડી ને ત્યાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું.

હવે અરજણ એકલો થઈ ગયો હતો. સ્વભાવ તો પહેલેથી જ પરોપકારી હતો, એટલે એણે એકલપંડે પાણીની પરબ ચાલુ રાખી. થોડું થોડું પાણી ચડાવવા માટે એને પહેલા કરતાં વહેલાં પહોંચી જવું પડતું હતું. સવિતાને અને ભગવાનને યાદ કરતાં કરતાં એ પાણીની કોઠીઓ ભરી દેતો. પાણીની સાથે એના મનની મીઠાશ પણ કોઠીમાં ભળે. યાત્રાળુઓ તો બીજી પરબોનું પાણીય પીતા. પરંતુ અરજણની પરબે સૌને મીઠો હાશકારો મળતો. એ પાણીની મીઠાશ અલગ જ હતી. થાકેલાં યાત્રાળુઓ પસાર થતાં હોય ત્યારે અરજણના શબ્દો સાંભળીને ત્યાં જ અટકી જતાં. અરજણ બોલતો જાય :

“આવો બાપા આવો. ઠંડુ પાણી પીવો ને તરસ…”

અરજણનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો તરસ્યાં-થાક્યાં યાત્રાળુઓ મીઠો હોંકારો પણ આપતાં. કોઈ સામેથી રૂપિયો વધારે મૂકે તો કોઈ પાણી પીને ચાલતા થાય. પણ અરજણ માટે તો બધા સરખા. એને તો એક જ વાતમાં રસ હતો. યાત્રાળુઓ આટલી કઠિનતા સાથે કષ્ટ વેઠીને, પગથિયાં ચડીને ભક્તિ કરે છે તો પોતે ટાઢું પાણી પાઈને એમની સેવા કરે. જોકે હવે તેની કમાણી પણ ઘણી ઓછી થઈ ગઈ હતી. સાંજે સાઈકલ લઈને માલસામાન સાથે થાક્યો પાક્યો ઘેર આવવા નીકળતો ત્યારે એનો રસ્તોય જાણે લંબાતો હોય એવું લાગતું હતું. સાઈકલનું વ્હીલ ફરતું જાય, સાથે મન પણ ભૂતકાળમાં સરી પડતું. પોતે લોટા-ગ્લાસ-બુઝારાં વગેરે સાફ કરીને પરબ માંડતો, ત્યારે સવિતા યદ આવી જતી. માંડ માંડ એ ઘેર પહોંચતો. ત્યારે સાત-આઠ વર્ષનો રાજુ ટ્યુશન પરથી આવી ગયો હોય. ગરમીના દિવસો હતા એટલે મંજુ એને માટે લીંબુ શરબતનો ગ્લાસ ભરી રાખતી. વહાલસોયા દીકરા માટે સવિતા પણ આવું જ કરતી હતી ને ! એકલા એકલા કામ કરીને થાકેલા અરજણને ઘરનો દાદરો ચડવાનુંય આકરું લાગતું હતું. ઘણી વખત તો ચંદુ પણ વહેલો ઘેર આવી ગયો હોય. પણ હવે કોઈનેય અરજણની પડી ન હતી. કમાણી ઘટી ગઈ હતી ને !

આજે મોટી પૂનમ હતી. પૂનમના દિવસે યાત્રાળુઓની સંખ્યા વધારે હોય. આટલાં વર્ષોથી અરજણ પૂનમની રાહ જોતો. વધારે યાત્રાળુઓ એની પરબનું પાણી પીવે એથી એ રાજી થતો. આજે પણ એણે વધારે પાણી ભરી રાખ્યું હતું.

“આવો બાપ આવો, ઠંડું પાણી પીવો… તરસ છીપાવો…. આવો બાપા આવો… ઠંડુ પાણી…” કહેતાં કહેતાં તો અરજણના હૈયે ટાઢક વળતી.

આમ ને આમ સાંજ પડવા આવી. દિવસ આખાની યાત્રા… પૂર્વથી શરૂ કરેલા રવિરાજ હવે કિરણોને સંકેલી પશ્ચિમાકાશને રંગીલું બનાવવા લાગી ગયા હતા. પૂનમના ચાંદનું તો પૂછવું જ શું? શીતળતાનું સામ્રાજ્ય વિસ્તારવામાં આજે તો અરજણ આગળ હતો. સાંજ સુધીમાં તો બધું જ પાણી ખાલી થઈ ગયું. એનો હરખ એના એના ચહેરા પર વંચાતો હતો. કાયમ તો પોતાને માટે એકાદ લોટો પાણી ભરી રાખતો. સાઈકલ પર જતાં થાક લાગી જતો. અત્યારે પણ એણે એકાદ લોટો પાણી રાખ્યું જ હતું. પણ છેલ્લે પોતાને માટે રાખેલું લોટો પાણી પણ બે બાળ યાત્રાળુઓને આપી દીધું. આજે તો મોડું પણ ઘણું થઈ ગયું હતું. એ માંડ માંડ તળેટીએ પહોંચ્યો. દીવાલને ટેકે રાખેલી સાઈકલ લીધી.

કહેવાય છે ને કે અમુક મુશ્કેલીના સમયે નસીબ પણ યારી ન આપે. સાઈકલ લીધી પણ ટાયરમાં પંક્ચર ! તેના મોઢામાંથી ઊંડો નિઃશ્વાસ સરી પડ્યો – હવામાં ભળી ગયો. હવે શું કરે? વાસણ-સામાન બધું સાઈકલ પર ભરાવીને પહોંચ્યો સાઈકલવાળાની દુકાને. પંક્ચર કરાવ્યું. ત્યાં તો ઘણું મોડું થઈ ગયું હતું. અંધારું થઈ ગયું હતું, છતાં ઘરમાં તો ક્યાં કોઈ ચિંતા કરનારું હતું? અરજણ ક્યારે જાય, ક્યારે આવે, તબિયત કેવી… એની કોઈને હવે દરકાર જ નહોતી.

અરજણે સાઈકલ ટેકવી. માલસામાન નીચે મૂક્યો. પગ પણ લથડિયાં ખાતાં હતાં. થાક ઘણો હતો. દાદરનું એક એક પગથિયું અત્યારે તો એના માટે ડુંગર જેવું લાગતું હતું. ઉપર સુધી પહોંચતાં તો એનું હૈયું ભરાઈ ગયું.

ભલે ગાદલું-ગોદડું-ઓશીકું બધું ય જૂનું હતું, પરંતુ સવિતા તો પથારી સરસ રીતે ગોઠવેલી રાખતી. હવે તો અરજણનો ખાટલોય બહારની નાની ઓસરીમાં રખાઈ ગયો હતો. દાદરના છેલ્લા પગથિયેથી તો અરજણ ખાટલા સુધી માંડ પહોંચ્યો ને તરત જ બેસી પડાયું. ચંદુ-મંજુ તો અંદર નાસ્તો કરવામાં મશગુલ હતાં અને રાજુ ટીવી પરની કાર્ટૂન ફિલ્મ જોવામાં. અરજણ તરફ કોઈએ જોયું પણ નહીં.

અરજણે બૂમ પાડી માંડ માંડ :

“રા….જુ….! બે….ટા…. રા….જુ….!” પણ કોણ સાંભળે?

હવે તો એનાથી રહેવાતું ન હતું. એણે ફરીથી બૂમ પાડી :

“વ….હુ…. બે…ટા ! બહુ…. તરસ… લાગી છે…. પા…ણી…. આ….પો…ને!”

આ સાંભળતાં જ મંજુએ અંદરથી છણકો કર્યો :

“ગામ આખા માટે તો ડુંગરો ચડીને પાણી ઉપર લઈ જાવ છો ને વળી પાછા પ્રેમથી પ્યાલા ભરી ભરીને પરાણે પાણી પાવ છો, જાણે બધાં તમારાં સગલાં હોય ! ને અહીં રસોડા સુધી આવવામાં ઘા પડે છે?”

ચંદુએ પણ મંજુને સાથ આપતાં કહ્યું;

“મંજુની વાત બરાબર છે. મફતનું પાણી પીવરાવતાં ધરાતા નથી ને અહીં ઘરમાં શેઠાઈ કરવી છે?”

અરજણ તો અવાક્‍ થઈ ગયો. ગળું સુકાતું હતું. તેણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ હિંમત ન હતી. પાંપણ સુધી પહોંચેલાં આંસુ પાછાં વળી ગયાં. એનો એકાદ ઘૂંટડો ગળા સુધી પહોંચ્યો, પરંતુ હૈયે બાઝેલી તરસ ડૂમો બનીને દીવાલ પર પડઘાવા લાગી !

– પ્રફુલ્લા વોરા, સંપર્ક : બી-૧, પલ્લવ એપાર્ટમેન્ટ, રબર ફેક્ટરી સામે, ભાવનગર-૩૬૪૦૦૧ મો. ૯૪૦૯૪૬૭૯૩૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “તરસ – પ્રફુલ્લા વોરા”

Copy Protected by Chetan's WP-Copyprotect.