મા ભૂમિની મહેકના સંબંધો – શ્યામ ખરાડે

(‘અખંડ આનંદ’ સામયિકના મે, ૨૦૧૭ના અંકના ‘જોયેલું ને જાણેલું’ વિભાગમાંથી સાભાર)

૨જી ઑક્ટોબર દર વર્ષે આવે છે અને જાય છે. મહાત્મા ગાંધીજીના જન્મદિવસ તરીકે એ ભલે રાષ્ટ્રીય મહત્વ ધરાવતો દિવસ છે; પરંતુ મારા માટે આ દિવસ ખાસ છે કેમ કે તે એક હૃદયસ્પર્શી ઘટનાની અનુભૂતિનો દિવસ છે.

વાત સન ૨૦૦૭ની છે. આ અરસામાં હું મારી પત્ની હેમલતા સાથે અમેરિકામાં કૅલિફૉર્નિયાના સિલિકોન વેલી તરીકે ઓળખાતા શેન ઓઝે (san jose)માં હતો. અમેરિકામાં વર્ષોથી રહેતા મારા મિત્ર અશોક શાહ અને તેમનાં પત્ની ઉષાબેન શાહના પ્રેમભર્યા આગ્રહથી અને મદદથી અમે અહીં આવ્યાં હતાં.

આજે અમારી કોઈ મોલમાં જવાની ઈચ્છા ન હતી. વિશાળકાય મોલનાં ખરીદ-કેન્દ્રો જોઈને અમે ધરાઈ ગયાં હતાં. સાનફ્રાન્સિસ્કો, સેવન માઈલ ડ્રાઈવમાં દૂર દૂર સુધી ફેલાયેલા સુંદર રમણીય સમુદ્ર કિનારાઓ, યેશોમેટી નૅશનલ પાર્કનું મનમોહિત કરતું પહાડી સૌન્દર્ય, વિશાળ લેક ટાહો, લોસ એન્જલીસ અને ત્યાંનો પ્રચંડ મોટો યુનવર્સલ ફિલ્મી સ્ટુડિયો, લાસ વેગાસ અને ત્યાંના ભવ્યાતિભવ્ય કેસીનો, ગ્રાન્ડ કેનિયનની ઊંડી ઊંડી ખીણો અને નાનાં-મોટાં સંખ્યાબંધ સ્થળો અમે ધરાઈને જોઈ લીધાં હતાં. વચ્ચે વળી ટ્રેનમાં બેસવાનો લહાવો લઈને નાયગ્રા ધોધ જોવાનો પણ મોકો મળ્યો હતો. આ બધા વચ્ચે હવે એક જ ઈચ્છા થતી હતી. અમેરિકાના વિશાળ રસ્તાઓ ઉપર પાણીના રેલાની જેમ વહેતી લાંબી બસમાં બેસીને પ્રવાસ કરવાની. એટલે મેં ઉષાબહેનને કહ્યું, ‘આજે તમે અમને બસમાં ફરવાની વ્યવસ્થા કરી આપો; એટલું જ હવે બાકી રહ્યું છે.’

ઉષાબહેને હકારમાં ડોકું હલાવ્યું અને અમને એમના ઘરેથી થોડે દૂર આવેલા સિટી બસના પીકઅપ સ્ટૅન્ડે લઈ ગયાં. પાંચેક મિનિટમાં તો ૭૦ નંબરની લાંબી, રૂપાળી લાગતી બસ આવી પણ ગઈ. અમે પતિ – પત્ની બસમાં ચઢવા લાગ્યાં તે દરમિયાન ઉષાબહેને ડ્રાઈવર સાથે અંગ્રેજીમાં વાત કરીને તેને અમારી કાળજી રાખવા કહ્યું. અમે તો બસમાં ચઢીને સીધાં થોડીક પાછળ ખાલી રહેલી બે સીટ ઉપર બેસી ગયાં. બસ ઊપડી રસ્તામાં બસ ઊભી રહેતી; ડ્રાઈવર સ્થળનાં નામ માઈક ઉપર બોલતો. મુસાફરો ચઢતા અને ઊતરતા. મેં જોયું. ડ્રાઈવર પાસેના પ્રવેશ દ્વારેથી પ્રવેશ દરેક મુસાફર ડ્રાઈવર પાસેથી ટિકિટ લઈને પછી જ ખાલી સીટ ઉપર બેસતો. મારા ધ્યાનમાં તરત જ આવ્યું કે અમે ટિકિટ લીધા સિવાય જ બેસી ગયાં હતાં. મેં ક્ષોભ અનુભવ્યો.

દરમિયાન કોઈક સ્ટૉપ ઉપર બસ ઊભી રહી. ઝડપથી ઊઠીને હું ડ્રાઈવર પાસે પહોંચી ગયો. અને અંગ્રેજીમાં તેને કહ્યું કે અમે બસમાં બેસતી વખતે અજાણતાં ટિકિટ નથી લીધી તે માટે હું માફી માગું છું, અને મેં બસના છેલ્લા સ્ટૉપ ‘સેવન ટ્રી’ માટેની બે ટિકિટ માગીને તેની સામે ૨૦ ડૉલર ધર્યા. મેં સામે ધરેલા ડૉલર સામે અણજોયું કરીને ડ્રાઈવરે મને અંગ્રેજીમાં પૂછ્યું : ‘આર યુ ઈન્ડિયન’ અને જવાબમાં જેવી મેં હા પાડી કે તરત જ તે ભારે ઉત્તેજનાથી બોલ્યા : ‘મેં ભી ઈન્ડિયન…. આપકે જૈસા….. દેશસે આયા હુઆ…… સંજય આહુજા….!’

પારકા દેશમાં પોતાના દેશની કોઈ અજાણી વ્યક્તિ પણ મળી જાય તો જાણે કોઈ નિકટનું સ્વજન મળ્યાની લાગણી થતી હોવાનું મને લાગ્યું. સંજયને પણ એવું જ લાગ્યું હતું. ચહેરા ઉપર આવેલા મલકાટ સાથે તેણે મને બે ટિકિટ આપી અને ડૉલરની નોટો પાછી આપતાં તે બોલ્યા : “નો મની…. મેરે દેશકે હો, ઈસલિયે હમારે મહેમાન હો ગયે…. મહેમાનસે થોડી કોઈ પૈસે લેગા…!” અને પોતાના પાકીટમાંથી ડૉલરની નોટો કાઢીને બૉક્સમાં નાખી – એણે અમારી ટિકિટના પૈસા ભર્યા.

મને ભારે નવાઈ લાગી. થોડો રોમાંચ પણ થયો. નવો, અજાણ્યો દેશ, અજાણ્યો સ્થળ, અજાણ્યા માણસો. કોઈ પરિચય નહિ. કોઈ સંબંધ નહિ. કોઈ કારણ નહિ. આ માણસ કયા સંબંધના કારણે અમારી ટિકિટના પૈસા પોતે ભરતો હશે? અમેરિકામાં ડૉલર કમાવવા અઘરા છે; કારણ સિવાય ત્યાં કોઈ એક ડૉલર પણ ખર્ચ કરતું નથી. આ માણસે અમારા માટે ૨૦ ડૉલર કેમ ખર્ચ્યા હશે? એ અને અમે એક જ દેશના હતા એટલે? દેશની માટીના સંબંધોને કારણે? મને એની ભાવનામાં પોતીકાપણું લાગ્યું. મારી સજળ થયેલી આંખોમાંથી અશ્રુ ટપકે એ પહેલાં જ હું મારી સીટ ઉપર બેસી ગયો – સંજયને ‘થૅન્ક યૂ’ કહ્યા સિવાય જ.

લગભગ પોણા કલાક પછી ‘સેવાન ટ્રી’નું છેલ્લું સ્ટૉપ આવી ગયું. અહીં પૂરી બસ ખાલી ગઈ. અમે પણ બસમાંથી નીચે ઊતર્યા. નીચે ઊતરતી વખતે સંજયે અમને નીચે ઊભા રહેવા માટે સંકેતથી કહ્યું. બસને પાર્કિંગમાં મૂકીને તે અમારી પાસે આવ્યો. મેં તેને કહ્યું કે આ જ બસમાં અમારે પાછા જવાનું છે. ‘ભલે હકારમાં ડોકું હલાવતાં તેણે કહ્યું : ‘દેઢ બજે બસ યહાંસે નિકલેગી. આપ થોડા ઘૂમ-ફિરકે આઓ. સાથમેં ચાય પીતે હૈ….’ પછી મારી પત્ની સામે જોઈને, હાથ જોડીને એ બોલ્યો : ભાભીજી, કબૂલ….?

થોડોક સમય હતો એટલે અમે અહીં-તહીં થોડું ફર્યાં. અમારો મૂળ ઉદ્દેશ તો બસમાં બેસીને ફરવાનો હતો જે હવે પૂરો થઈ રહ્યો હતો. અમે પાછાં ફર્યાં ત્યારે સંજય એની બસ પાર્ક કરેલી હતી ત્યાં બાજુમાં પડેલા બાકડા ઉપર બેસીને અમારી રાહ જોતો હતો. એ અમારા માટે સેન્ડવિચ અને ચા લઈને આવ્યો હતો. મજાની સેન્ડવિચ હતી અને અમેરિકન સ્વાદવાળી ચા હતી. દરમિયાન અમારે ખૂબ વાતો થઈ.

અમને જાણવા મળ્યું કે તે પંજાબનો શીખ હતો. એનું કુટુંબ વર્ષોથી દિલ્હીમાં વસી ગયું હતું. નાનપણથી જ તેને અમેરિકા આવવાની ખૂબ જ ઈચ્છા હતી એટલે યેનકેન પ્રકારે તે અમેરિકા આવી ગયો. વધુ ભણ્યો નહોતો એટલે જે મળ્યું તે કામ કરતો રહ્યો. ઘર યાદ આવતું, મા-બાપ યાદ આવતાં. નાના-મોટા બંને ભાઈઓ સતત તેની આંખો સામે આવ્યા કરતા. જૂના દોસ્તારો યાદ આવતા, દેશ યાદ આવતો… પણ શું કરે? પાછું જવાય એવું હતું નહિ. ક્યારેક છાનેમાને તે રડી લેતો. પૈસા પણ મોકલતો રહેતો. દરમિયાન તે એક મેકસીકન સ્ત્રીના પ્રેમમાં પડીને તેને પરણી ગયો અને એક દીકરાનો બાપ પણ બની ગયો. આ જ અરસામાં એના નાના ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું. ટૂંક સમયમાં જ એનાં મા-બાપનો પણ સમયાંતરે સ્વર્ગવાસ થયો. એક તબક્કે તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો. અહીં તે મોકળે મને રડી પણ શકતો ન હતો. આવા પ્રસંગોમાં પણ તે દેશ જઈ શક્યો નહિ કે સારા સમયે દેશમાંથી કોઈને બોલાવી શક્યો નહિ. તે અમેરિકાની કાનૂની આંટીઘૂંટીમાં ફસાઈ ગયો હતો. માંડ માંડ તેમાંથી તે બહાર નીકળી શક્યો એટલે એને બસ ડ્રાઈવરની નોકરી મળી…. તે સતત પોતાના દેશને, કુટુંબીઓને યાદ કરતો રહે છે. આ બધાને ગુમાવ્યાનો અફસોસ કરતો રહે છે. અમેરિકા ગમે તેટલું સારું હોવા છતાંય તે દેશને ભૂલી શકતો નથી…

‘અભી દેશમે મેરે બડે ભૈયા રહેતે હૈ….’ આંખોમાં ચમક ભરીને તેણે ખૂબ જ ભાવનાથી ઉમેર્યું : ઔર આપ બિલકુલ મેરે બડે ભૈયા જૈસે લગતે હો… લગતા હૈ મૈં ઉની સેહી મિલ રહા હું…’ તેના અવાજમાં ઉષ્મા અને ભીનાશ હતાં. તે ગમે ત્યારે રડી પડે એમ લાગતું હતું. અમારી પતિ-પત્નીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. લાગણીઓ ઉપર કાબૂ રાખીને અમે અમારો પરિચય તેને આપ્યો અને દેશમાં કોઈ કામ હોય તો જણાવવા માટે કહ્યું : સામે એણે અમને ઘેર આવવાનું આમંત્રણ આપ્યું – ‘મક્કેકી રોટી-સર્સોકી સબ્જી ખાનેકે લીયે !’

વળતી મુસાફરી માટે બસ ચાલુ થઈ. ટિકિટ માટે મેં ચિંતા છોડી દીધી હતી. આમેય સંજય ક્યાં મને ટિકિટ લેવા દેવાનો હતો? સખત મહેનતથી કમાવાતા ડૉલરને એ અમારી પાછળ ખર્ચી રહ્યો હતો – એક સામાન્ય બસ ડ્રાઈવર હોવા છતાંય ના જાણે અને કેવા સંબંધોના કારણથી ! મા ભોમની માટીના સંબંધો આટલા ઉત્કટ હોય છે? કોણ જાણે…..!

અમારું ‘ફોર ઓક્સ’ નું ઉતરવાનું બસ સ્ટૉપ આવી ગયું. બસ ઊભી રાખીને, પોતાની ડોક પાછળ ઘુમાવતાં તેણે અમને ઉતરવાનો સંકેત આપ્યો. બસમાંથી ઊતરતી વખતે અમે ખૂબ જ અહોભાવ, આત્મીયતા અને લાગણીથી બે હાથ જોડીને તેને ‘થૅન્ક યૂ’ કહ્યું. જવાબમાં અત્યંત ભાવવિભોર થઈને, ભારે સંવેદનાભરી ઉષ્માથી મારા બે હાથ પોતાના હાથમાં લઈને ભાવુક અવાજમાં તે બોલ્યો : ‘બહોત હી ખુશી હુઈ ભૈયા… મૈં જબ ભી આપ જૈસે દેશવાસીઓકો મિલતા હું તો લાગતા હૈ મૈં મેરે બડે ભૈયાકો મિલ રહા હું.’

એના શબ્દોમાં દૂર દૂર વતનમાં રહેતા પોતાના મોટા ભાઈને લાંબા સમયથી નહિ મળી શકવાના કારણથી લેવાતાં અપાર દર્દ ભર્યા છૂપાં મૌન ડૂસકાં અમારા કાળજામાં ઘા કરી રહ્યાં હતાં.

આગળ દોડતી થયેલી ૭૦ નંબરની લાંબી બસના પાછળના ભાગને અમે તાકી રહ્યાં. જાણે સંજય દોડી રહ્યો હતો. પોતાના મોટા ભાઈને મળવા માટે પોતાના પ્યારા દેશમાં જવા માટે ! અમને લાગ્યું; અમેરિકામાં આવીને જોવાયેલા પેલાં બધાં મોલ, પર્યટક સ્થળો અને ભવ્ય ઈમારતો જોઈને અમારી આંખો ધરાઈ ગઈ હતી. ભરાઈ ગઈ હતી. પણ આજે સંજય આહુજાને મળીને તો અમારી આંખો તો આંખો, અમારાં હૈયાંય ભરાઈ ગયાં હતાં, ધરાઈ ગયાં હતાં… !

અમને લાગ્યું : આજે ૨જી ઑક્ટોબરે મહાત્મા ગાંધીજીના જન્મદિવસે સંજય આહુજા જાણે-અજાણે અમારા માટે ગાંધીજીના પ્રેમ અને ભાઈચારાની ભાવનાનો જીવંત પ્રતીક બની ગયો હતો….!

– શ્યામ ખરાડે, સંપર્ક : નિર્માણ સોસાયટી, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭ મો. ૯૮૭૯૫૪૪૫૧૨

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “મા ભૂમિની મહેકના સંબંધો – શ્યામ ખરાડે”

Copy Protected by Chetan's WP-Copyprotect.