બ્રિટિશ – અમેરિકન ડાયસ્પોરિક ગુજરાતી કવિતા – રમેશ ચૌધરી

(બ્રિટિશ અમેરિકન ડાયસ્પોરિક ગુજરાતી કવિતા સંદર્ભે ‘શબ્દ સૃષ્ટિ’ ૨૦૧૫ વિશેષાંકમાં આ લેખ પ્રકાશિત થયો છે. વધુ અભ્યાસીઓ સુધી આ વાત પહોચે તે માટે ‘શબ્દસૃષ્ટિ’ના સૌજન્યથી પુન:મુદ્રણ માટે ડૉ. ચૌધરીએ રીડગુજરાતીને આ લેખ પાઠવ્યો છે. તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.)

૧.

ડાયસ્પોરા એક અત્યંત સંકુલ સંજ્ઞા હોઈ તેની સાથે સૂક્ષ્માતિ-સૂક્ષ્મ અર્થ સંદર્ભો આંતર-બાહ્ય રીતે સંકળાયેલા છે. મૂળ ‘ડાયસ્પોરા’ એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને હિબ્રુ બાઈબલના ગ્રીક અનુવાદમાં(૧) સૌ પ્રથમ વાર તેનો ઉલ્લેખ મળે છે. ઈ.સ.ની પાંચમી સદીમાં બેબીલૉનિયન કેપ્ટિવિટી પછી પેલેસ્ટાઈનની સીમા બહાર હાંકી કઢાયેલ જ્યુઈશ (યહૂદી) પ્રજા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવી હતી. આ પ્રજાને પોતાની ઈચ્છા વિરુધ્ધ દેશમાંથી હાંકી કાઢવામાં આવી અને તેના પરિણામ સ્વરૂપે તે પ્રજા ઈરાન, ઈજિપ્ત, ગ્રીસ, ઈટાલી, આર્મેનિયા વગેરે રાષ્ટ્રોમાં છૂટી છવાઈ વસી. પોતાના વતનથી બળપૂર્વક હટાવાયા બાદ અનુભવેલી વેરવિખેર થયાની, કેન્દ્રથી ચ્યુત થયાની વેદના કે સંઘર્ષ આ સંજ્ઞાના વપરાશના મૂળમાં છે. કોઈ રાજકીય કારણોસર એક આખી પ્રજાને પોતાની ઈચ્છા વિરુધ્ધ દેશનિકાલ થવાની સ્થિતિ ઊભી થાય અને અન્યત્ર શરણ શોધીને રહેવા માટે જે સંઘર્ષ કરવો પડે છે તેના સંકેતો આ સંજ્ઞાના કેન્દ્રમાં પડેલા છે. એટલે આ સંજ્ઞાના મૂળમાં સામાજિક, રાજકીય, ઐતિહાસિક પરિબળો કારણભૂત છે.

‘ડાયસ્પોરા’ સંજ્ઞા જેનાં મૂળિયાં બે ભૂમિમાં રોપાયેલાં છે તેવી વ્યક્તિ કે પ્રજા માટે પ્રયોજાય છે. વળી, આ સંજ્ઞામાં એક જગ્યાએથી ઊખડીને નવી ભૂમિમાં રોપવાનો અર્થ સંકેત રહેલો છે, તેમાં તે ભૂમિ, તેની આબોહવા, ખોરાક, પોષાક, સમાજ, સંસ્કૃતિ કે ભાષા સાથેની અનુકૂળતા સાધવાની હોય છે અને તેમાંથી જન્મતો સંઘર્ષ જ ડાયસ્પોરાના ભાવને જન્મ આપે છે. આજે કાળાંતરે આ સંજ્ઞા પરિવર્તન પામીને નોકરી, વ્યવસાય, સ્વ-વિકાસ કે અન્ય કોઈ કારણોસર મૂળ વતન કે દેશ છોડીને પરદેશ વસેલી પ્રજા કે વ્યક્તિ માટે પ્રયોજાઈ રહી છે. મૂળે એક આખી પ્રજા માટે આ સંજ્ઞા વપરાઈ હતી તે હવે માત્ર કોઈ એક વ્યક્તિ વિશેષને પણ લાગુ પડી રહી છે. મૂળમાં જે કેન્દ્રથી ચ્યુત થયાની, વતનથી વિચ્છેદ થયાની કે વેરવિખેર થયાની સ્થિતિ હતી તે આજે પ્રયોજાતી સંજ્ઞામાં અદૃશ્ય થતી જાય છે. આજે આ સંજ્ઞા બૃહદ અર્થમાં(૨,૩) પ્રયોજવામાં આવે છે. ડાયસ્પોરાના અભ્યાસી ડૉ. બળવંત જાની ડાયસ્પોરાને વતન વિચ્છેદથી માંડીને વૈશ્વિકરણ સુધીના ગતિ-વ્યાપના સંદર્ભમાં જુએ છે.

ગુજરાતી ડાયસ્પોરા સ્વૈચ્છિક ડાયસ્પોરા છે, દેશ છોડવાનું ફરમાન કે હુકમ નથી. એટલે જ્યુઈશ(યહૂદી) પ્રજાએ પોતાના મૂળથી ઊખડીને બીજે રોપાવાની અનુભવેલી વ્યથા કે વેદના અહીં નથી, તેમ છતાં વતન છોડતાં તેની સાથેની સ્મૃતિઓ કે ચૈતસિક નાતો અતૂટ રહે છે, તેમજ પરદેશમાં સ્થાયી થવા માટે જે સંઘર્ષ અનુભવાય છે તે ડાયસ્પોરિક બનીને ઉપસી આવે છે. ઘણી વાર ડાયસ્પોરા અંતર્ગત ઘર-વતન અંગેનો ઝૂરાપો વ્યક્ત કરાતો હોય છે પણ એ ઝૂરાપા પાછળનાં જવાબદાર સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પરિબળોની ભૂમિકા રચાવી આવશ્યક અને અનિવાર્ય છે, નહીં તો એ માત્ર ઝૂરાપો જ બનીને અટકી જશે. સ્વદેશને છોડવાની અને પરદેશને અપનાવી ન શકવાની સ્થિતિમાંથી સર્જાતો મનોસંઘર્ષ કે મનોવેદના અને પરદેશમાં સ્થાયી થવા છતાં પોતાની મૂળ ભૂમિ, ભાષા કે સંસ્કૃતિની અતિતની સ્મૃતિઓને કારણે પરદેશમાં અનુભવાતો પરાયાપણાનો ભાવ જ ડાયસ્પોરા બનીને ઉપસી આવે છે. આવી પરિસ્થિતિ વચ્ચે ડાયસ્પોરાના સર્જકે આપઓળખ ઊભી કરવાની હોય છે. અહીં બ્રિટિશ – અમેરિકન કવિઓની રચનાઓના સંદર્ભમાં ડાયસ્પોરાનો ભાવ કેવો પ્રગટ્યો છે તેને પ્ર-માણવાનો પ્રયાસ છે. લંબાણ ભયે વધુ ઉદાહરણો ટાળી, પહેલાં બ્રિટિશ અને પછી અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા કવિતાની ચર્ચા કરીશું.

૨.

બ્રિટન સ્થિત ગુજરાતી કવિઓમાં અદમ ટંકારવી, અહમદ ‘ગુલ’, દીપક બારડોલીકર, જગદીશ દવે, રમેશ પટેલ, બળવંત નાયક, યોગેશ પટેલ, દિલિપ ગજ્જર, પ્રેમી દયારવી, સૂફી મનુબરી, મનોરમા વ્યાસ, વિનોદ કપાસી, પ્રફુલ્લ અમીન, ભાનુશંકર વ્યાસ, બેદાર લાજપુરી, સિરાજ પટેલ, કદમ ટંકારવી, ઈસ્માઈલ દાજી ‘અનસ’, ફારૂક ઘાંચી, જિગર મનુબરી, કલ્પના પાઠક, ઊર્મિલા ભટ્ટ, ચંચળબેન, કુસુમ પોપટ, નિરંજના દેસાઈ વગેરે સર્જકો ગુજરાતી કવિતાક્ષેત્રે સર્જન કરી રહ્યા છે. આ બધા કવિઓમાં અદમ ટંકારવીની કવિતા સૌથી નોંધપાત્ર છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિના સંદર્ભે ધ્યાન ખેંચતી તેમની ગઝલોમાં વ્યક્ત થતો ડાયસ્પોરાનો ભાવ સામાજિક, સાંસ્કૃતિક ઐતિહાસિક અને ભાષાકીય સંદર્ભમાં ઘણું મૂલ્ય ધરાવે છે. બે ભાષા, બે સંસ્કૃતિ વચ્ચેના વિરોધને સાંકળીને તેના દ્વારા ડાયસ્પોરાનો ભાવ પ્રગટાવ્યો છે તે ધ્યાનાર્હ છે.

‘સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું / ગુજરાતીમાં આવજો કહેવાય છે. /
લાગણી લિટરના જેવી છે રબીશ, / ડસ્ટબિનમાં એ હવે ફેંકાય છે’

આવી ગુજરાતી-અંગ્રેજી મિશ્રિત ભાષા દ્વારા સ્વભાષા કે સ્વ-સંસ્કૃતિનું મૂલ્ય ઊંચું આંકવાનો પ્રયત્ન તો કર્યો જ છે, પરંતુ તેની પડછે વ્યક્ત થતા વ્યંગ દ્વારા પરદેશ પ્રત્યેની ઘેલછા, વ્યામોહ કે આંધળુંકીયાં અનુકરણ અંગેના સૂક્ષ્મ સંકેતો આસ્વાદ્ય બન્યા છે. બે ભાષા કે સંસ્કૃતિ વચ્ચેના ભેદને હાસ્ય-કટાક્ષ દ્વારા રજૂ કરવાનો કીમિયો અદમે ભાષા દ્વારા દાખવ્યો છે. અમેરિકા પ્રવાસના પરિણામે તેમની પાસેથી મળતી અમેરિકન સંસ્કૃતિ અંગેની રચનાઓમાં લોકશાહીના નામે સત્તાની જોહુકમી, તેની છળકપટ, ભોગવિલાસની વૈભવી સંસ્કૃતિ અને તેની અસલિયત અંગેનું માર્મિક પણ નિર્ભિક બયાન ડાયસ્પોરા કવિતામાં નવીન આયામ સર્જે છે. તો પરદેશી સંસ્કૃતિમાં દેખાતી અનિશ્ચિતતા કે પરાયાપણાનો ભાવ અને બીજા એક શેરમાં અધ્યાત્મનો સંદર્ભ કેવો ડાયસ્પોરિક બનીને ઉપસી આવ્યો છે તે જુઓ-

‘દોડીને તને ભેટવામાં જોખમ છે / દૂરથી તને પ્રણામ છે, અમેરિકા’
* * *
‘હતો તારી ગલીમાં, ત્યાંથી નિર્વાસિત કરી દીધો / મને હોવાવીને હોવાથીએ વંચિત કરી દીધો’

અહમદ ‘ગુલ’ની કવિતાઓમાંથી ઉપસતો બે સંસ્કૃતિ વચ્ચેનો તીવ્ર વિરોધ અનુભૂતિમય રીતે અભિવ્યક્ત થયો છે. ખરા અર્થમાં ડાયસ્પોરાનો ભાવ ધરાવતી તેમની રચનાઓ કાવ્યાત્મક્તા અને સંવેદનની દૃષ્ટિએ વ્યંજનાપૂર્ણ બની છે. ‘બ્રિટનને…’માં એક વૃક્ષની જેમ પોતાની સ્વ-ભૂમિમાંથી ઊખડીને પરદેશી ભૂમિ પર રોપાઈ, વિકસીને ઘટાદાર વૃક્ષમાં પરિણમ્યાની સુખદ લાગણી અનુભવવા છતાં સતત રહેતી પોતાના નીજના માળાની શોધ ડાયસ્પોરાનો ભાવ જન્માવે છે.

જુઓ – ‘હતાશ, નિસ્તેજ, નીરસ, / એ કાળી રાતને / થપથપાવી, પંપાળી / હળવેકથી હડસેલી / હું નીકળી પડ્યો તો / એક અજાણ્યા રસ્તે-પશ્વિમે / એક નવા સૂરજની તલાશમાં / જેમ-તેમ / અનેક વિડંબનાઓ પાર કરી અહીં પહોચ્યોં / અહીં- / આવકારાયો, સત્કારાયો, આલિંગાયો, ગોઠવાયો, રોપાયો / …છતાં માફ કર / આ ઘટાદાર વૃક્ષમાં હજુ શોધું છું / એક માળો.’

આવો જ ભાવ ધરાવતી ‘કેરીની સફર’માં પશ્વિમી સંસ્કૃતિની ઉપયોગિતાવાદની માનસિકતા આલેખાઈ છે. તો તેમની ‘મા’ રચનામાં પરદેશમાં સાલતો અભાવ, પરદેશી સભ્યતા-સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો અને કાવ્યમાંથી ઉપસતું તળગુજરાતનું ચિત્ર ડાયસ્પોરાના ભાવને વ્યંજનાસભર બનાવે છે.

જુઓ – ‘મા / હવે જો કોઈ / દેશથી આવે તો / મોકલાવજે, / પરોઢિયે ઊઠી / ઘંટીના મધુર તાલ પર / તુજ હસ્તથી / દળેલો મીઠો લોટ / ત્યાં સુધી બ્રેડના ડૂચા / ગળે ઊતારતો રહીશ હું / ને / તુજ હાથથી / કૂવે જઈ ધોએલાં / મારાં લૂગડાંનું પોટલું / મોકલાવજે / ત્યાં સુધી લૉન્ડ્રીના / ધોએલાં કપડાં / મુજ શરીર પર / ટીંગાડતો રહીશ / ને / મા / મોકલાવજે / તારા ખોળાની હૂંફ / ત્યાં સુધી હીટરના તાપમાં / બાળતો રહીશ / શરીર મારું / જો / મા / કોઈ આવે તો..’

જગદીશ દવેનો ‘ઠંડો સૂરજ’ સંગ્રહમાં પ્રગટ થતું બ્રિટનનું ભાવવિશ્વ, વાતાવરણ તેમજ પરદેશી સમાજ અને ગુજરાતી સમાજ વચ્ચેની ભિન્નતા દ્વારા સાંસ્કૃતિક ભેદને વાચા મળી છે. તેમના સંગ્રહનું શીર્ષક જ વ્યંગ્યાર્થ સૂચક છે, જે વ્યક્તિ તેજસ્વી, દાહક સૂર્યના પ્રદેશમાંથી આવતી હોય તેને ઇંગ્લેન્ડમાં દેખાતો સૂરજ ઠંડો જ લાગે! તેમની ‘રવિ-કવિ યુતિ’, ‘સાતે અશ્વો શોધે સૂરજ’, ‘ઠંડો સૂરજ’ વગેરેમાં બ્રિટનની ભૌગોલિક-સામાજિક તેમજ સામાજિક-સાંસ્કૃતિક પરિવેશની છબિ અંકિત થઈ છે. પરદેશમાં પરદેશીઓ તો ઠીક, જેને પોતાના કહી શકાય તેવા ગુજરાતીઓ તરફથી થતી અવગણનાના સંકેતો ડાયસ્પોરા કવિતામાં નવીન પરિમાણ રચે છે.

જુઓ – ‘..જી હા / હું ભારતથી આવું છું / આપ જેને ઈન્ડિયા કહો છો, / વળી હું / વાયા આફ્રિકા પણ નથી / અરે રે, / તો તો આપનો નહીં? / નહીં?’

તો ‘હું ગુર્જર લંડનવાસી’ કાવ્યમાં પરદેશમાં રહેવા છતાં ત્યાંની રીતભાત કાવ્ય નાયકમાં પ્રગટી નથી તેમજ પોતાની જાતને પરદેશની રીતભાતથી અલિપ્ત રાખતા કાવ્ય નાયકની બાઘાઈ અને ધીમે ધીમે તેમાં ભળી જવાશેના સંદર્ભમાંથી વ્યક્ત થતી વક્રતા ડાયસ્પોરા કાવ્યમાં નવીન અર્થવત્તા ધારણ કરે છે.

જુઓ – ‘ટ્યૂબ’માં ગરદીમાં ધક્કો મારી / પછી ‘એક્સ્ક્યુઝ મી’ કહેતાં, / બસમાં પગને પગ અડાડી / પછી ‘સોરી કહેતાં’ / પાર્ટીમાં પ્લેટમાંથી કેક સીધું ઉપાડી લઈ / થેંક્યું કહેતાં / આભારના સહેજ પણ ભાર વગર / ‘યુ આર વેલ કમ’ કહેતાં / આવડી જશે ધીમે ધીમે / સમાજમાં હાળતા ભળતા થતા જવાથી!’

તેમની ‘બ્રિટનના ગુજરાતીનું આત્મનિવેદન: નવા વરસે’, ‘સદી ગયું’, ‘બટન દબાવો’, ‘ખાલી ખોખાં’, ‘જરા સુધર’, ‘હટ્ટાકટ્ટા થઈ ગયા પરદેશમાં’, ‘કૂતરો અને બિલાડી લંડનમાં’, ‘ગુજરેજી’ જેવી રચનાઓમાં વ્યક્ત થતો ડાયસ્પોરાનો ભાવ નોંધપાત્ર બન્યો છે. તો ‘ઢળતી સાંજ’ રચના ભારતીય સંવેદના અને પરિવેશના સંદર્ભમાં આસ્વાદ્ય નીવડી છે. પરદેશમાં અનુભવાતો સતત અભાવ ડાયસ્પોરિક સંવેદનને ઉજાગર કરે છે.
‘ઢળતી સાંજ / તુલસી-ક્યારે પ્રગટતો ઘીનો દીવો / દૂરના મંદિરની આરતીના ઘંટારવના સૂર’

દીપક બારડોલીકરની કવિતામાં દ્વિસ્તરીય સ્થળાંતરતની અનુભૂતિ પ્રગટી છે. આ કવિનું શૈશવ ભારતમાં વીત્યું, યુવાની પાકિસ્તાનમાં અને અત્યારે વયસ્ક અવસ્થામાં તેઓ માન્ચેસ્ટર-બ્રિટનમાં સ્થિત છે. તેમની રચનાઓમાં અતીત અને સાંપ્રત વચ્ચે પોતાની જાતને ગોઠવવાની મથામણ નજરે પડે છે. લોકશાહીના નામે ચાલતી રાજશાહીના કટુ સત્યનો નિર્દેશ ‘લાચારી’ લઘુકાવ્યમાં વ્યંગ્યાત્મક રીતે થયો છે.

‘લોકશાહી માટે પણ / ઘણી વાર / ઘણી પ્રજાને /કતલખાનામાંથી પસાર થવું પડે છે.’

કવિતાના માધ્યમ વડે ભારત-પાકિસ્તાનના રાજકીય સબંધોની તટસ્થ રજૂઆત કરી છે, તો પરદેશમાં રહીને પણ પોતાની માતૃભાષાને ચાહવાની વાત અને પરદેશ ગમનનું કારણ રજૂ કરે છે તેમાંથી ડાયસ્પોરાનો ભાવ વ્યક્ત થાય છે.

‘છાંયડાની તલાશ દોરી ગઈ / થઈ ગયો છું વિદેશનો માણસ /
ગુર્જરીનો કવિ છું હું દીપક / હું નથી એક દેશનો માણસ’

કે પછી –

શું કરવી હવે કોઈ ફરિયાદ પણ / યાદ ક્યાં છે અમને અત્યાચાર પણ /
ઠામઠેકાણાં આ દીપકનાં ઘણાં / સિંધ છે, ઈંગ્લેન્ડ ને ગુજરાત પણ.’

‘અહંગરો’, ‘રેનબસેરા’અને ‘ઘરઝૂરાપો’ જેવા કાવ્યસંગ્રહો આપનાર પંકજ વોરાની કવિતામાં અભિવ્યક્ત થતું ડાયસ્પોરા સંવેદન ભાવ ભાષા અને અભિવ્યક્તિના સંદર્ભે સૂક્ષ્મતમ બન્યું છે. તેમની ‘હોંમકમિંગ’માં પરદેશથી ભારત પાછા ફરતાં પોતીકાપણું અનુભવાશે કે કેમ તેવો પ્રશ્ન ડાયસ્પોરા પ્રજાની મૂળભૂત વ્યથા-પીડાને વાચા આપનાર બની રહે છે.

ઉદા. તરીકે –

‘ને એક દિવસ / હું ઘરે પાછો આવીશ ત્યારે / ઘરની છત ઊંચી થઈને / મારી વાટ જોતી હશે? / દિશાઓ પુરવૈયાઓનો પાલવ પકડી / મને આશ્લેષવા દોડી આવશે ?’

તો ‘અપનું પરાયું લંડન’માં પરદેશને પોતાનું બનાવ્યા પછી પણ ભીતરથી અનુભવાતો પરાયાપણનો ભાવ આલેખાયો છે. આ ‘Between the line’ની અનુભૂતિના પરિણામે ક્યાંય પોતીકાપણાનો અહેસાસ થતો નથી.

જુઓ –

‘ના આપના કોઈ, ના કોઈ પરાયા / વિષના હોઠ, ઘૂંટ અમીના ગળે નહિ /
આંખ મીંચીને ક્યાં પહોંચ્યા પંકજ / મને લંડનની તાસીર પકડે નહીં…’

પંકજ વોરાની રચનાઓમાં પ્રાદેશિકતાથી માંડીને વૈશ્વિકતા સુધીનો ગતિ-વ્યાપ અનુભવાય છે. તેમની રચનાઓમાં એક બાજુ તળગુજરાતની સંસ્કૃતિ, વતનપ્રેમ અને માટીની મહેંક અનુભવાય છે તો બીજી બાજુ બ્રિટન, ન્યૂયોર્ક આદીનું સૂક્ષ્મ-સંકૂલ જગત અને તેની કાળી-ઊજળી બાજુઓને પ્રગટાવતી વૈશ્વિકતા અને બહુસાંસ્કૃતિક આબોહવાનો ચિતાર આલેખાયો છે. સમૃદ્ધિ-સંપત્તિ આપતા પશ્ચિમી સમાજમાં સ્નેહનો અભાવ વર્તાય છે એ ડાયસ્પોરા પ્રજાની મૂળ સંવેદના છે.

ભારતી વોરા પાસેથી મળતી રચનાઓ ડાયસ્પોરા અને નારી સંવેદના એમ બેવડી ભૂમિકા ધરાવે છે. પરદેશમાં રહીને પણ પોતાની મૂળ ઓળખ ટકાવી રાખવા મથતી ભારતીય નારીની ભાવસભર સંવેદનાનું સુંદર ચિત્ર ‘વિશ્વ નિવાસી ગુર્જર નારી’, ‘પરવાસી ગુજરાતણ’ જેવી રચનાઓમાં વ્યક્ત થાય છે. ભારત-આફ્રિકા અને ઈંગ્લેન્ડ એમ ત્રણ ભૂમિ વચ્ચે પોતાની જાતને મૂકતી આ કવિયિત્રિની કવિતામાં પડઘાતી વેદના અને ત્રિશંકુ અવસ્થાનો ચિતાર દ્વિસ્તરીય સ્થરાંતરીત ડાયસ્પોરાનો સંદર્ભ રચે છે.

જેમ કે –

‘આફ્રિકાનું અંધારું મે ખમી ના લીધું / ઈંગ્લેન્ડનું અજવાળું મને ખમી ના શક્યું /
ભારતના અજવાળા અંધારાની તુલા જાળવી ના શકી’

તો આના પરિણામ સ્વરૂપે શું થાય છે તે ‘અસ્મિતાનો ડાયસ્પોરા’માં જણાવે છે.

‘પ્રદેશને વતન કરવા જાતાં /આજે વતન પરદેશ લાગે છે /
ઠંડા કલેજાનાં હીબકાં આજે / જીવન પાસે હિસાબ માગે છે.’

‘અવાજને ઓશીકે’ અને ‘અધ્ધખુલ્લી બારી’ જેવા કાવ્યસંગ્રહો આપનાર અરવિંદ જોશીની કવિતાઓમાં એકલવાયાપણાનો ભાવ અને પરદેશમાં લુપ્ત થતી ગુજરાતી સંસ્કૃતિનું ચિત્ર સાંપડે છે. પરદેશમાં અનુભવાતા અભાવને નકાર દ્વારા મૂકીને જે કાવ્યાત્મકતા સિધ્ધ કરી છે તે આસ્વાદ્ય અને વ્યંજનાપૂર્ણ બની છે.

ઉદા. તરીકે –

‘ન ઉંબર, ન ગોખ, ન ટોડલા, ન તોરણ, / ન ખાટપાટ, ઢોલિયાની મોજ ક્યાં? / પાણિયારું માટલાં બુઝારાં પવાલાં ને / કોઠી ડોયાનું નામ ક્યાં?/ ન હીંચકાની લહેર, પાન પેટી સોપારી / કે ગાદી તકિયાની એ સહેલ ક્યાં? / લંડનની લાડી ને લંડનનો લવ / ઘર પરદેશી-ગુજરાતી ગુમ ક્યાક?’

તો ‘ગરવું સહુનું છે ગામ’માં બ્રિટનની સભ્યતા, રહેણી-કરણી અને માનવ સ્વભાવ અંગેનું સૂક્ષ્મ અવલોકન ડાયોસ્પોરાના સંદર્ભે મહત્વનું બન્યું છે.

જેમ કે –

‘વસ્તી વધારે ના, સહેજે ના ગિર્દી / કોઈ કોઈની વાતોમાં, કોઈ લે ના તસ્દી / સાચું કહેવાની એક ટેવ- / કડવી ના વાણી. / સહું સહુંનું કરતાં સન્માન / આ ગરવું સહુનું છે ગામ… લંડન’

યોગેશ પટેલની ‘બાકસ’, ‘આશાવાદ’, ‘ખાંભી’ જેવી રચનાઓ, બેદાર લાજપુરીની ‘પરદેશ’, ફારૂક ઘાંચીની ‘ચાસ’, ‘સમય’, ‘પ્રતિક્ષા’, ‘અભાવ’, ‘સાલું શહેર’ ઉપરાંત કેટલાક કવિઓની રચનાઓમાં વ્યક્ત થતો ડાયસ્પોરાનો ભાવ નોંધપાત્ર બન્યો છે.

૩.

અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા કવિતાક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર સર્જકોમાં પન્ના નાયક, આદિલ મન્સૂરી, બાબુ સુથાર, શકુર સરવૈયા, ભરત ઠક્કર, નટવર ગાંધી, પ્રીતિસેન ગુપ્તા, ભરત ત્રિવેદી ઉપરાંત પ્રિતમ લખલાણી, ઘનશ્યામ ઠક્કર, સુધીર પટેલ, મધુમતી મહેતા, રાહુલ શુક્લ, ઇન્દ્ર શાહ, જયશ્રી મરચંટ, કમલેશ શાહ આદિ કવિઓ ગુજરાતી કવિતામાં પોતાની કલામ ચલાવી રહ્યા છે.

પન્ના નાયકની સમગ્ર કવિતા ‘વિદેશીની’(2004)માં સંગ્રહિત થયા પછી ‘ચેરી બ્લોસમ્સ’ અને ‘રંગઝરૂખે’ સંગ્રહો પ્રગટ થાય છે. તેમની કવિતામાં નારીની વિવિધ સંવેદના, તેની સમસ્યાઓ, સ્ત્રી-પુરુષના સબંધો અને તેની બીજી બાજુ પરદેશમાં એક્લવાયાપણાનો, સ્વજનહીનતાનો, વતનથી દૂર હોવાની વ્યથા-પીડાનો સૂર પ્રગટ્યો છે. અમેરિકા વસવાટના પરિણામે ત્યાંની સંસ્કૃતિ, સમાજના સંદર્ભો અને તેમાં દેખાતો વિરોધ, પરાયાપણું, વતન ઝૂરાપો આદીના સૂક્ષ્મતમ સંકેતો કાવ્યાત્મક રીતે પ્રગટ્યા છે. સ્વેચ્છાએ વતન છોડ્યું હોવાથી ભલે ભૌગોલિક રીતે વતનથી દૂર થવાનું થાય પરંતુ પોતાના મૂળ સાથેનો ચૈતસિક નાતો અતૂટ રહે છે. ચેતનાના સ્તરેથી વ્યક્ત થતી વતન વિચ્છેદની આવી અનુભૂતિ પન્ના નાયકમાં ઠેર ઠેર વેધક રીતે પ્રગટી છે.

જેમ કે –

‘મે ટ્રોપીકલ છોડને જડમૂળથી ઉખેડી / અહીં પરાઈ શીતલ ભૂમિમાં / રોપી તો દીધો / અને એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો / છતાં / અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે / ત્યારે મારું મન કેસૂડે મોહે છે…’

તેમની ‘કંકું’, ‘એક ચિત્ર સુપર માર્કેટમાં’ જેવી કવિતાઓમાં પ્રયોજાયેલ અંગ્રેજી શબ્દો અમેરિકન અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેની સંસ્કૃતિક ભિન્નતાનો પરિવેશ રચે છે.

જુઓ –

‘Oh mommy! / see / her forehead is bleeding! / અમેરિકન બાળકની આ / નિર્દોષ ટકોર સાંભળી/ કપાળે હાથ મૂકી દઉં છું…’

જ્યાં ‘કંકું’ ચાંદલા સાથે જોડાયેલ સહચાર્યોનો જ અભાવ હોય તેવી આ અમેરિકન સંસ્કૃતિ અંગેના કેટલાય સૂક્ષ્મતમ અર્થસંદર્ભો તેમની કવિતામાં કાવ્યાત્મક રીતે આકરિત થયા છે. તેમની ‘ગતિવિધિ’, ‘સ્મૃતિશેષ’, ‘માતૃભાષા’, ‘શોધ’, ‘લાગે છે’, ‘કોણ કહે છે’ જેવી અનેક રચનાઓમાં અમેરિકન સંસ્કૃતિના અનુભવો, ત્યાંનું સ્વતંત્ર અને રોકટોક વગરનું જીવન, મુક્ત સબંધોનું વાતાવરણ, ભૌતિકતાવાદી જીવનશૈલીના સંકેતો દ્વારા ડાયસ્પોરાનો ભાવ અભિવ્યક્ત થયો છે. ‘કૂર્માવતાર’માં વૃધ્ધાવસ્થાએ પહોંચેલ ભારતીયોની વેદનાની પરાકાષ્ઠામાં વ્યક્ત થતો સંઘર્ષ, ડાયસ્પોરા પ્રજાની લાચારી વ્યક્ત કરે છે.

‘અહીં અમેરિકામાં / નિવૃત થયેલી / વૃધ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં / એક જ પ્રશ્ન ડોકયા કરે છે : / હવે શું? / ભારત જઈ શકાય એમ નથી / અમેરિકામાં રહી શકાય તેમ નથી / અમે બધા / સિટી વિનાનાં / સિનિયર સિટીઝન’

બાબુ સુથાર પાસેથી ‘સાપફેરા’, ‘ગુરુજાપ અને માંલ્લું’, ‘નદી ચાલીસા’, ‘ઘરઝુરાપો’ જેવા કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. અનુઆધુનિકતાવાદી વલણોને તારસ્વરે પ્રગટાવતી બાબુ સુથારની કવિતામાં તળચેતનાના સૂક્ષ્મ સંકેતોની સાથે ઈતિહાસ, દંતકથા, લોકકથા, ગ્રામિણ પરિવેશના વિવિધ સંદર્ભોની બીજી બાજુ પરંપરાનું એક નવું અર્થજગત-ભાવજગત દૃષ્ટિગોચર થાય છે. તેમની કવિતામાં વતન – ગામ – ખેતર – સીમ – વગડો વગેરેના સાહચર્યો અતીતની સૃષ્ટિ સાથે વાસ્તવ – વર્તમાન જગતના સંદર્ભોથી સંયોજાઈને સાંકેતિક રીતે ડાયસ્પોરાનો ભાવ રચે છે. પરદેશમાં લખાતી ગુજરાતી કવિતાનું તેની કાવ્યાત્મકતાની દ્રષ્ટિએ પણ આ કવિની કવિતાનું મૂલ્યાંકન ભારે જહેમત માગે તેવું છે. ભાવ, ભાષા, સંવેદન અને અભિવ્યક્તિના સંદર્ભમાં આ કવિનું કવિકર્મ નોંધપાત્ર છે. પોતાના વતન ભારોડીની અતીતની સ્મૃતિઓ અને ફિલાડેલ્ફિયાની વર્તમાન ક્ષણો સાથે સાથે મૂકાતાં તેમાથી વ્યક્ત થતો ડાયસ્પોરાનો ભાવ કેવો આસ્વાદ્ય બન્યો છે તે જુઓ.

‘બરફ પડી રહ્યો છે / વીજળીના દીવા સાથે / ચાંદીની પતરીઓ / ઘસાઈ રહી છે / દિવસે અંગૂઠાના / નખ જેવડું લાગતું આ શહેર / રાતે જોજનોના જોજનો/ સુધી પથરાઈ ગયું છે / વૃક્ષોની અંદર અને વૃક્ષોની બહાર / સૂનકાર જાળાં ગૂંથી રહ્યો છે.’

પરભોમમાં અનુભવાતો સૂનકાર ડાયસ્પોરિક પ્રજાની મૂળભૂત સંવેદના છે. ગ્રામજીવન ઈતિહાસ, દંતકથા, લોકકથા, માન્યતા, રીત-રિવાજ આદિથી કેટલું ખચિત હતું તે દર્શાવતા વિવિધ સંદર્ભો અહીં કાવ્યત્મક રીતે પ્રયોજાયા છે. અતીતની સ્મૃતિઓને વાચા આપવા માટે કવિ વાસ્તવથી અતિવાસ્તવ અને તેમાંથી કપોળકલ્પના રચે છે, તેના દ્વારા સિધ્ધ થતો ઘરઝૂરાપાનો ભાવ અતીત અને સાંપ્રતને સાથે લઈને ચાલે છે.

જુઓ –

‘ઘરઝૂરાપાનું ચોઘડિયું હવે પૂરું થયું / માતાજીનો રથ નીકળે / એમ ગામ નીકળેલું / મારી નાડીઓમાં / એને હમણાં જ વળાવીને પાછો આવ્યો છું / મારી હયાતીના ઝાંપે’

પણ ઘર-વતન વિષયક આ ચિત્ર જ્યારે બદલાયેલું નજરે પડે છે ત્યારે વ્યતીત અને વર્તમાન વચ્ચેના બદલાયેલા પરિસરને સૂચવે છે.

‘ઘરઝૂરાપાનો / હવે કોઈ અર્થ રહ્યો નથી / જોતાંની સાથે જ / જેમ બાળક/ માને બાઝી પડે / એમ / છેલ્લે જ્યારે હું મારે ગામ ગયો ત્યારે / મારા ગામના પાદરને / બાઝી પડેલો / મને / એમ કે પાદર મને ઊંચકી લેશે / મને એમ કે પાદર મને / એક ખભેથી બીજે ખભે કરશે / મને એમ કે પાદર મને / ચાર પાંચ બાકીઓ કરી લેશે / અને હું પણ પાદરને ભીંજવી નાખીશ. / હું ખિસ્સું ભરીને લઈ ગયેલો એ / સાત સમંદરોથી / પણ, એવું કઈ ના બન્યું / ઊલટાનો હું લોહી લુહાણ થઈ ગયો / મારા રોમેરોમમાં / પાદરની ધૂળના કઈ કેટલાય કણ / ખીલી બનીને / પેસી ગયા / તે હજીયે કાઢ્યા કરું છું / ક્યારેક / કવિતામાં / ક્યારેક સપનામાં’

આદિલ મન્સૂરી ભારત-પાકિસ્તાનનું વિભાજન થતાં પિતા સાથે કરાચી નિષ્કાસિત થયા અને પુન: ભારત આવે છે પરંતુ ભારત કે પાકિસ્તાનના તેમના નાગરિકત્વના કોઈ દસ્તાવેજો ના હોવાના કારણે હંમેશના માટે ભારત છોડીને અમેરિકા સ્થાયી થવું પડે છે. આવા રાજકીય કારણોના લીધે વતનમાંથી નિષ્કાસિત થવાની પરિસ્થિતિની અવઢવમાંથી જ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ જેવી ગઝલ જન્મી હતી. તેમના ‘ન્યૂયોર્ક નામે ગામ’ અને ‘ગઝલના આયના ઘરમાં’ સંગ્રહોમાં અમેરિકા વસવાટ પછીની રચનાઓ સમાવાયેલી છે, જેમાં ડાયસ્પોરાનો ભાવ બળકટ રીતે અભિવ્યક્ત થાય છે. ‘ખોડી દીધો’માં માનવીય અન્યાય અને ભેદભાવ ડાયસ્પોરિક બનીને ઉપસી આવ્યો છે જુઓ-

‘ચંદ્ર ઉપર ધ્વજ ભલે ખોડી દીધો / પૃથ્વી પર માણસને તરછોડી દીધો’

આદિલની રચનાઓમાં વ્યક્ત થતું ડાયસ્પોરિક સંવેદન વતન વિચ્છેદની વ્યથા-પીડાની સાથે-સાથે અમેરિકન સંસ્કૃતિની કાળી-ઊજળી બાજુઓ વ્યક્ત થઈ છે. ‘ભારે બરફ વર્ષામાં’, ‘ન્યુયોર્કથી બસમાં’, ‘ન્યૂયોર્કનો નાભીશ્વાસ ચાલે છે’, ‘ચાર અમેરિકા કાવ્યો’, તથા ‘અમેરિકા… અમેરિકા’ જેવી રચનાઓમાં અમેરિકાના મિજાજ તેની રંગીનતા અને વૈશ્વિકતાના પરિચયની સાથે-સાથે તેનાં અમાનવીય કૃત્યો, ભૌતિક સંસ્કૃતિ અને ચારે બાજુ થતા માર્કેટિંગ અંગેનું ચિત્ર સાંપડે છે. ‘વિશ્વનું રાહબર અમેરિકા’માં સમગ્ર વિશ્વ ઉપર લાલ આંખ કરતું અમેરિકા તેની દશા-અવદશા અને એનાથી થતી વિશ્વની બૂરી દશાનો નિર્દેશ સાંપડે છે. આવા રાષ્ટ્રમાં કવિને અંતિમ શ્વાસ લેવાનો છે તેની વ્યથા ડાયસ્પોરિક બનીને ઉપસી આવે છે. જુઓ –

‘કષ્ટના અશ્વ પર ચડી, ચાબુક / આમ વીંઝ્યા ન કર અમેરિકા / નિત નવાં શસ્ત્રો વિશ્વના લમણે / કોઈ કારણ વગર અમેરિકા / બહુ થયા પાપ, પાપ છોડી દે / કૈં ખુદાથી તો ડર અમેરિકા / ચાર શબ્દોની વારતા આદિલ / જન્મ ભારત, કબર અમેરિકા’

તો પરદેશમાં અનુભવાતી નગરજીવનની વેધકતા, ભયાનકતા, તેનો ઢંકાયેલો ચહેરો અને અજાણ્યાપણાનો ભાવ ડાયસ્પોરા સંદર્ભે નોંધનીય છે. જેમ કે –

‘એક બીજાને કોઈ નથી ઓળખતું અહીંયા વરસોથી / મેનહટ્ટનમાં પડછાયાના રસ્તાઓ ચાતરવાના’

આવો જ ભાવ ‘જર્સીમાં વરસો કાઢ્યાં’માં આલેખાયો છે. આદિલની ગઝલોમાં બે ભાષા કે સંસ્કૃતિ વચ્ચેની ભિન્નતા અને તેના પરિણામે ઊભો થતો સંઘર્ષ નિરૂપાયો છે. કવિતાના મધ્યમ વડે તેમણે અમેરિકન સંસ્કૃતિ તેની ઠંડી, બરફવર્ષા અને સૂર્યના અજવાળાનો અભાવ આદીનો સૂક્ષ્મ પરિચય કરાવ્યો છે.

શકુર સરવૈયાએ ‘ઘરથી સાંકળ સુધી’, ‘બે દમ ચલમના’, ‘સાતત્ય’, અને ‘પરપોટાના માપ’માં વતનથી વિખૂટા પાડવાની પીડા અને પરદેશમાં પોતાની જાતને ગોઠવી ન શકતાં તેમાંથી જન્મથી વેદના કે એકલવાયાપણાનો ભાવ કાવ્યાત્મક રીતે રજૂ કર્યો છે. પરદેશમાં રહીને પણ ભારતીય વાતાવરણને, સંસ્કૃતિને તેની સુદીર્ધ પરંપરાને અનેક સંદર્ભો વડે આકારિત કરી છે. જુઓ –

‘કરગરે છે સ્નો / માતા ઉઠો હવે, ચાલો આપણા દેશ / દેશ- / ઘાટકોપરની ગલીઓ અળસિયાંની જેમ વીંટળાઈ, / કીકીમાં બેસી જાય આખ્ખુંય ઘાટકોપર ગામ, / જંગ માંડ્યા છે મેં નેવાર્કમાં’

તેમની ‘બરફ્નો અજગર’માં ડાયસ્પોરિક વાતાવારણ, વર્ણન અને અનુભવનું કથન છે તો ‘શાનું દુ:ખ છે?’માં બદલાયેલ પરિસરની વિવિધ સંદર્ભો દ્વારા રજૂઆત કરી છે. પરદેશમાં પોતાની કેવી હાલત છે તેનો ચિતાર આપતાં કહે છે…

‘આજ મારી હાલત બહુ દયાજનક છે / હું, મને ઓળખી શકતો નથી’

તો વતન છોડ્યા પછી પરદેશમાં ડાયસ્પોરા પ્રજાની અનુભૂતિ કેવી હોય છે તેનું અતિશયોક્તિભર્યું આલેખન જુઓ –

‘માથું કપાયેલા મરઘા જેવો હું / તરફડતો આળોટું’

આ ઉપરાંત ‘સમયનો સિતમ’, ‘ઘર’, ‘પ્રશ્ન’, ‘સલાહ’, ‘મૂલ્યાંકન’ જેવી કેટલીયે રચનાઓ આ સંદર્ભે તપાસવા જેવી છે. વસ્તુ સામગ્રી અને અભિવ્યક્તિ સંદર્ભે ખાસ નોંધપાત્ર રચનાઓ ભરત ઠક્કર પાસેથી ‘સોનેરી મૌન’, ‘કૃપા-સ્પર્શ’, ‘સ્મૃતિના ઝરણાં’ વગેરે સંગ્રહોમાં પ્રાપ્ત થાય છે. પરભોમમાં અનુભવાતી ભિન્નતા અને તેના પરિણામ સ્વરૂપે જે અનુકૂલન સાધવાનું થાય છે તેનું આબેહૂબ આલેખન ડાયસ્પોરા સંદર્ભે તપાસવા જેવુ છે.

‘પથ્થરમાં ઊગી નીકળેલી વનસ્પતિ જેવો હું / આ પરદેશની વસ્તીમાં અટવાયા કરું છું / અહીંની વસ્તીના ખાલીપણામાં / અનેકવાર સુકાઈ જઈ ક્યારેક હિમ પડતાં બળી મરું છું.’

નટવર ગાંધીના ઈન્ડિયા, ઈન્ડિયા’, ‘અમેરિકા, અમેરિકા’, ‘પેન્સિલવેન્યા એવન્યુ’ જેવા સંગ્રહોમાં અમેરિકન સંસ્કૃતિની શક્તિ-મર્યાદાનું સૂક્ષ્મ ચિત્ર સાંપડે છે. ‘અશાંત ઊછળે, ભળે, સળવળે, ભળે, ઊજળે, / દયા, દમણ, દાનનો દયિત દેશ પૃથ્વી-પટે’ આવો સ્વસ્થ અને સમતોલ અભિપ્રાય ડાયસ્પોરા કવિતામાં ખૂબ ઓછા સર્જકો દ્વારા અપાયો છે. સ્વદેશ-પરદેશ વચ્ચેના સંઘર્ષનું જ નહીં પરંતુ સમન્વયનું આલેખન પણ ડાયસ્પોરા કવિતામાં રજૂ થવું આવશ્યક છે. તેમણે નગરયાત્રા કાવ્યોમાં અમેરિકાના નવ શહેરોનું આલેખન કર્યું છે, તેમાં નગરની ભૌગોલિકતાને તેની લાક્ષણિકતાને રજૂ કરી છે. તેમનાં આ કાવ્યોની ગુજરાતી નગર કાવ્યો સંદર્ભે તુલના કરી શકાય. નગરજીવનના સંદર્ભે ડાયસ્પોરાનો ભાવ કેવો પ્રગટ્યો છે તે જોઈએ. ‘ફરું નગર એક ને કરું પ્રદક્ષિણા નગરની’ કે પછી ‘દિવાળી અહીં રોજની, સહુ સદાય હોળી રમે’ પરદેશમાં રહીને ઉચ્ચારાયેલ ‘દિવાળી’ કે ‘હોળી’ના સાંસ્કૃતિક સંદર્ભો ડાયસ્પોરિક અર્થવત્તા ધારણ કરે છે. તેમનાં સોનેટોમાં થયેલું અતીતની સૃષ્ટિ અને સાંપ્રતનું સંયોજન સભ્યતા, સમાજ, સંસ્કૃતિ કે બદલાયેલ જીવન પરિસરની તાસીર વ્યક્ત કરે છે.

પ્રીતિ સેનગુપ્તાના ‘જૂઈનું ઝૂમખું’, ‘ખંડિત આકાશ’, ‘ઓ જુલિએટ’, ‘બે તરફી પ્રેમ’ આદિ કાવ્યસંગ્રહોમાં માત્ર ઝૂરાપાનો જ ભાવ અભિવ્યક્ત ન થતાં તેમાં વિવિધ સંસ્કૃતિઓ, સામાજિકતા અને સાંપ્રતના બદલાતા જતા પરિસર અંગેનું નિરીક્ષણ પણ અનુભવાય છે. વતન છોડવાની વ્યથા અને પરદેશમાં સ્થાયી હોવા છતાં વતનનો સાલતો અભાવ ડાયસ્પોરાનો ભાવ જન્માવે છે. ભરત ત્રિવેદી ‘કલમથી કાગળ સુધી’, ‘હસ્તરેખાનો વમળ’ જેવા સંગ્રહો આપે છે જેમાં વ્યક્ત થતું ડાયસ્પોરિક સંવેદન આસ્વાદ્ય બન્યું છે. ઉદા. તરીકે –

‘અમદાવાદ / તને છોડવા છતાં / ક્યાં છોડી શકાયું જ છે? / ને / અહીંયા આટલું રોકાયા છતાં / ક્યાં વસી શકાયું છે!’

પોતાના વતન-ઘરને ગુમાવ્યાની વ્યથા ‘એકાંત’, ‘વડોદરા’ જેવી રચનાઓમાં સાંકેતિક રીતે ડાયસ્પોરિક બનીને આવે છે. જેમકે એક રચનામાં વ્યક્ત થતો વાછરડા અને ગોધનનો સંકેત જુઓ – ‘વતન વગરના શ્વાસ પરાયા / વાછરડું શોધે છે ગોધન’ આ ઉપરાંત પણ રાહુલ શુક્લ, ઘનશ્યામ ઠક્કર, સુધીર પટેલ, ઇન્દ્ર શાહ, ચંદ્રકાન્ત શાહ, મધુમતી મહેતા વગેરે કવિઓની રચનાઓને અહીં ડાયસ્પોરાના સંદર્ભે તપાસી શકાય.
ઉક્ત બંને દેશોના સર્જકોની કવિતામાં વ્યક્ત થતો ડાયસ્પોરાનો ભાવ માત્ર ઘર-વતનનો ઝૂરાપો બનીને જ આવતો નથી પરંતુ પરદેશી સભ્યતા, સંસ્કૃતિ, સામાજિક, રાજકીય, ભૌગોલિક ભિન્નતા અને તેમાંથી વ્યક્ત થતો સંઘર્ષ માત્ર બાહ્ય સ્તરે જ ન રહેતાં આંતરિક બનીને પણ પ્રગટ્યો છે. વળી, બંને દેશોના કવિઓની રચનાઓને સાંપ્રત ગુજરાતી કવિતા સાથે મૂલવતાં પણ ભાવ, ભાષા અને અભિવ્યક્તિના સંદર્ભે ઘણું સામ્ય જણાય છે. એક વાત ખાસ ધ્યાનમાં આવે છે કે કેટલાક પ્રમુખ કવિઓની રચનાઓને બાદ કરતાં મોટા ભાગના કવિઓની રચનાઓ અભિધાના સ્તરે જ અટકી ગઈ છે તેમજ સંવેદન અને તેનું કળાકીય રૂપાંતર થઈ શક્યું નથી. પરદેશમાં રહીને માતૃભાષામાં કાવ્ય સર્જન કરતા આ સર્જકો ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસમાં જે ફાળો આપી રહ્યા છે તે પ્રસંશનીય છે.

– ડૉ. રમેશ ચૌધરી, આસિસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. મો. ૭૬૦૦૯ ૦૪૫૩૩

૧. http:// Wikipedia.org/wiki/diaspora
૨. ડાયસ્પોરા શબ્દ મૂળે તો માતૃભૂમિનો ત્યાગ કરી પરદેશ ગમન (હિજરત) કરી ગયેલ યહૂદીઓ માટે પ્રયોજાતો હતો. હવે આ શબ્દ પરદેશમાં સ્થાયી થયેલાઓ, નિર્વાસિત શરણાર્થીઓ, દેશનિકાલ પામેલાઓ એમ તમામ માટે એક બૃહદ અર્થમાં વપરાશમાં છે. – જાની બળવંત, બ્રિટિશ ગુજરાતી કાવ્યધારા પૃ. ૨૪
૩. ડાયસ્પોરા એટલે યહૂદીઓની પરાણે હકાલપટ્ટી એવો પુરાણો અર્થ તો હવે ભૂંસાઈ જવાની રાહમાં છે. માત્ર યહૂદીઓ જ નહીં, અન્ય પ્રજાઓનો પણ ધર્મ, ભાષા, સંસ્કૃતિ, જાતી કે એવાં કોઈ પણ કારણ કે બહાના હેઠળ થયેલાં સ્થળાંતર એવો સીમિત અર્થ પણ આજકાલ રહ્યો નથી. – કાપડિયા મધુસૂદન,

સંદર્ભ સૂચિ –
1. અદમ ટંકારવીની ડાયસ્પોરા કવિતા, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦
2. અમેરિકવાસી કેટલાક ગુજરાતી સર્જકો, મધુસૂધન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૧૧
3. અમેરિકામાં ભારતીયો, પ્રવીણ ન. શેઠ, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૦૧
4. અહમદ’ગુલ’ની ડાયસ્પોરા કવિતા, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૨
5. આદિલ મન્સૂરીનું ડાયસ્પોરા કાવ્યવિશ્વ, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન ૨૦૧૨
6. ડાયસ્પોરા અને પન્ના નાયકની કવિતા- સંપા. નુતન જાની, શ્રી ના. દા. ઠા. મહિલા વિદ્યાપીઠ – મુંબઈ, ૨૦૦૭
7. ડાયસ્પોરા વિભાજન અને સિંધી ડાયસ્પોરા સાહિત્ય, નૂતન જાની, ‘તથાપિ’ માર્ચ-મે, ૨૦૧૦
8. ડાયસ્પોરા સારસ્વત જગદીશ દવે, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૦૯
9. દીપક બારડોલીકરની ડાયસ્પોરા કવિતા, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦
10. પન્ના પાયકનું ડાયસ્પોરા સાહિત્યવિશ્વ, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૨
11. પંકજ વોરાની ડાયસ્પોરા કવિતા, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન , ૨૦૧૦
12. પ્રીતિ સેનગુપ્તાનું ડાયસ્પોરા સાહિત્યવિશ્વ, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૨
13. બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા: ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો, મકરંદ મહેતા, શિરીન મહેતા, વિશ્વ ગુજરાતી સમાજ, અમદાવાદ, ૨૦૦૯
14. બ્રિટનમાં ગુજરાતીઓ, પ્રવીણ ન. શેઠ, જગદીશ દવે, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૦૭
15. બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૪
16. ભારતી પંકજની ડાયસ્પોરા કવિતા, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન , ૧૦૧૨
17. શકુર સરવૈયાનું ડાયસ્પોરા કાવ્યવિશ્વ, સંપા. ડૉ. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન ૨૦૧૪
18. સાતે અશ્વો શોધે સૂરજ- જગદીશ દવે, ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયસ્પોરાઝ સ્ટડીઝ, રાજકોટ, ૨૦૧૩
19. Global Indian Diaspora (history, culture and identity) Ed. Ajaykumar sahoo and laxmi narayan kadekar, Rawat Publications, jaipur, ૨૦૧૪
20. Indian Diaspora and translationalism, Ed. Ajaykumar sahoo and micheel baas,Rawat Publicationsj aipur, ૨૦૧૩
21. Indian Diaspora, Riocha Dewani, books Enclave, jaipur, ૨૦૧૩
22. Indian diasporic literature in English, Arvindkumar jha and Ramkumar Naik,Crescent Publication corporation new delhi, ૨૦૧૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.