ચા વિના સૂનો સંસાર! – ગોપાલ ખેતાણી

“ખૂબ જમેગા રંગ જબ મિલ બેઠેંગે તિન યાર, છગન મગન ‘ને બકા ભરવાડની ચા!”

ચાના રસિયા તમને ગામ-એ-ગામ જોવા મળશે. એકાદી ઉજ્જડ જગ્યાએ પણ તમને ચાની ટપરી કે લારી જોવા મળશે. એક પ્રખ્યાત કાર્ટૂનમાં તો દર્શાવ્યું હતું પણ ખરું કે આપણા નિલભાઈ અઢી કિલોના હાથવાળા.. ન ઓળખ્યા? અરે નિલ આર્મસ્ટ્રોંગ.. હા તો એ જ્યારે ચંદ્ર પર પહોંચ્યા ત્યારે ઉતરતાની સાથે જ ખેતલાઆપાની ચાનું પાટિયું દેખાયેલું. રાજકોટની જય અંબેથી માંડીને મુંબઈની તાજ હોટેલ સુધીની ચા ફેમસ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગના ત્રણ વર્ષ વત્તા ડિગ્રી એન્જીનિયરિંગના ત્રણ વર્ષનો તાળો મેળવતાં એટલું સમજાયું કે જો ચા ઊગે તો જ એન્જીનિયરિંગ સારી રીતે પૂરું થાય. પરીક્ષા તો સમજ્યા, ટર્મવર્ક પૂરું કરવા અને સબમિશન માટે સારી ચા પીવી અને મળવી સૌથી જરૂરી વસ્તુ છે.

ડિપ્લોમા દરમ્યાન હોસ્ટેલમાં સાલું જબરું થતું. કેન્ટીન ન હોવાથી ચા પીવા માટે પૈસા એકઠા કરતાં. રાત્રે એસ.ટી. સ્ટેન્ડથી દૂધ કોણ લઈ આવે તેનો લકી ડ્રો થતો. જે દૂધ લેવા જાય તેણે પૈસા ન આપવા એવો ઠરાવ પાસ થતો. રાત્રે બે વાગ્યે ચા બનતી ત્યાં સુધી પરાણે જાગતા અને ચા પીને અમે કુંભકર્ણની નિદ્રા પણ ખેંચતા. ડિગ્રી દરમ્યાન એકત્ર થવાનું સ્થળ ચાનો ગલ્લો જ! આજે પણ કોઈ મિત્ર કે સ્વજન મળે ત્યારે અમે ચાના ગલ્લા તરફ પ્રયાણ કરીએ છીએ. (કોઈ વાર પરાણે; નહીં તો આખી દુનિયામાં કહી દે કે સાલાએ ચા પણ ન પાઈ!) કહેવાનો મતલબ એ કે ચા એ એકબીજા પ્રત્યે લાગણી વધારનાર તત્વ છે જે દેવોને અતિ દુર્લભ છે. સાગરમંથન વખતે ચા નીકળેલી, તે નોંધવાનું રહી ગયું લાગે છે.

તમને થયું હશે કે આ સવાર સવારમાં શું ચા-પુરાણ શરુ કર્યું? તમે યાર એક કડક મીઠ્ઠી ચાનો સબડકો મારો પછી જુઓ! એવું લાગે કે ઈન્દ્રાસન તમારા ચરણકમળ તળે છે. તમે માહીષ્મતી નગરીના અમરેન્દ્ર બાહુબલી છો. તમારી આસપાસ ચાર-પાંચ કટ્ટપ્પા આંટા મારે છે અને રાહ જુએ છે કે તેમને એકાદ ઘૂંટડો આ અમીરસનો મળી રહે! છેલ્લો ઘૂંટડો પૂરો થાય અને તમે માહીષ્મતીને વધુ રમણીય બનાવવાના સપના નરી આંખે જોતા હો, અફકોર્સ લૂંગી પહેરીને જ.. ત્યાંજ દેવસેનાનો તરડાયેલો અવાજ તમારા કર્ણપટલમાં ગૂંજી ઊઠે.. “કપ–રકાબી અહીંયા આપી જાવ એટલે વીછળાઈ જાય!” તમારું સ્વપ્ન ભલે રોળાયું પણ તમારી બાહુબલીવાળી ચાલમાં કોઈ ફરક નથી. ચાનો નશો એવો છે કે તમે દેવસેનાને કહી જ ઊઠો “ડાર્લિંગ, શું મસ્ત ચા બનાવી તે!”

“તો રોજ શું ગરમ પાણી પિવડાવું છું એમ કહો છો?” અને તમને યુધ્ધના ભણકારા સંભળાઈ ગયા હોય તેમ ઓફીસ પર રવાના થાઓ છો.

તમે ઓફીસ પહોંચો અને બટકેલ બોસ ભુરાયો થઈને રાડારાડી કરતો હોય. ટેન્ડરની ફાઈલ આડા અવળી થઈ છે. બાજુના ટેબલ વાળો રઘુ રોમિયો અને તેની ચાંપલી ચંપા પણ બઘવાઈ ગયેલા છે. પણ તમને હજુ પણ આદુ-મસાલાવાળી ચાનો કેફ છે એટલે તમે સ્થિતપ્રજ્ઞ છો. તમે નટવરને ઈશારો કરી બકા ભરવાડને ત્યાંથી બે કટિંગ સ્પેશ્યલ ચા મંગાવો છો. મદોન્મત ગજરાજ જેમ કસ્તુરી સુગંધથી મદહોશ થાય તેવી જ રીતે બટકેલ બોસ ચાની સુંગધથી શાંત પડે છે. તમે બકા ભરવાડની એલ્યુમિનિયમના તપેલામાં ઊકળતી અને તેના ચમચાથી હલાવાઈ હલાવાઈને રગડો બનેલી સ્પેશિયલ ચાના બે સબડકા મારીને સંજય દ્રષ્ટિને પ્રાપ્ત થાઓ છો. રઘુ રોમિયાના પાછળના ટેબલના નીચેના ખાનામાં છેલ્લેથી બીજે એ ફાઈલ પડી છે એ ફક્ત તમને જ્ઞાત થાય છે અને તમે બટકેલ બોસને એ ફાઈલ સુપરત કરો છો. બટકેલ બોસ જાણે અભિભૂત થઈ તમને ઉત્તરાધિકારી જાહેર કરે તેવી સ્થિતિ પેદા થઈ. તમને લાગે છે કે સાચું માહિષ્મતી તો આ જ છે અને બકો ભરવાડ સાચો કટપ્પા!

બોસને ત્રણ કલાકમાં ટેન્ડર રિ-બીડ કરીને મોકલવું છે અને એ તમને શિવગામી દેવીની જેમ પ્રેમથી આદેશ આપે છે કે બધાં કર્મચારીઓના સેનાપતિ તમે છો! ત્રણ કલાકમાં એ કાર્ય આટોપો! નારદ નટવર આ બાતમી ઓલરેડી ચાંપલી ચંપાને જણાવી તેની નજરના રસપાનનો લાભ ઉઠાવે છે. તમે શિવગામી ઉર્ફે બટકેલ બોસની કેબીનમાંથી બહાર આવો કે બધાં કર્મચારીઓએ હથિયાર મતલબ કિ-બોર્ડ અને માઉસ નીચે મૂકી દીધાં હોય છે. બધાંની નજર તમારા પર છે. તમે નટવરને ઈશારો કરી બહાર મોકલો છો. તમે એક ઊંડો શ્વાસ લઈ ચાનું સ્મરણ કરી શબ્દોને મુખ પર લાવો છો.

“શું છે મૃત્યુ? આપણી કાર્યક્ષમતાથી પણ કાર્યભાર વધુ છે, એ વિચાર છે મૃત્યુ!
ફાઈલના ઢગલા જોઈને ડરીને વોટ્સએપ, ફેસબુક કે સર્ફીંગ કરવું, એ છે મૃત્યુ!
જે નીચ ક્લાઈન્ટે મારી મા શિવગામી.. અમમમ… બોસનું અપમાન કરી ટેન્ડર પાછું મોકલ્યું,
એ ટેન્ડરને આજે રિ-બીડ કર્યાં વગર પાંચના ટકોરે ઘરે પાછા ફરવું, એ છે મૃત્યુ!
એ મૃત્યુને મારવા હું મારા ટેબલ પર જઈ રહ્યો છું,
એક્સેલ શિટની છાતી ચીરીને કહેવા જઈ રહ્યો છું..
કે હું ટેન્ડરથી નથી ડરતો..”

“જય માહિષ્મતી!” ચાંપલી ચંપા, રઘુ રોમિયો સહિત આખી ઓફીસ ગાજી ઊઠી. બટકેલ બોસ તો ડરીને વોશરૂમ તરફ ભાગ્યો અને ત્યાં જ નટવર બકા ભરવાડની સ્પેશ્યલ કટિંગ બધા ટેબલ પર મૂકી ગયો. કહેવાની જરૂર ખરી કે કાર્ય બે કલાકમાં જ સંપન્ન થયું!
તમે નિર્વિઘ્ને ઘરે પહોંચો છો અને દેવસેનાને હાથમાં એક બોક્સ આપો છો. દેવસેના બોક્સ ખોલીને જુએ તો કાચના સર્વિંગ બાઉલનો સેટ!!! અહા! દેવસેના તો તમને ગળે વળગી પડી. તમે કહો એ પહેલાં તો તે ટહુકી ઊઠી “તમે ચેન્જ કરો ત્યાં હું આદુવાળી ચા બનાવી દઉં.”

બાલ્કનીમાં તમે બન્ને આરામ ખુરશી પર બેઠાં બેઠાં આદુવાળી ચાના સબડકા લો છો. સામે પીપળાના વૃક્ષો પર બેઠેલાં કાગડીઓ ટહુકા કરી રહી છે, મંદ મંદ લૂ ઈફેક્ટ ધરાવતો પવન સ્મિત રેલાવી રહ્યો છે. ગંદર્ભ અને શ્વાન સુગમ સંગીત રેલાવી રહ્યાં છે. કાર અને બાઈકના હોર્ન એ સંગીતમાં બીટ્સ આપી રહ્યાં છે. મધુર ચાની રંગત સાથે તમે બન્ને એકબીજાની સંગત દિલથી માણી રહ્યા છો. છેલ્લો ઘૂંટડો પતાવતાં જ દેવસેના પૂછે છે “આજે આ સર્વીંગ બાઉલની ગિફ્ટ કેમ?” તમે શાનથી જણાવો છો “મંગતરામ બલુરામની બે કી.ગ્રા. ચા સાથે સર્વીંગ બાઉલ ફ્રી છે પ્રિયે!! કાલ સુધી!”

અને દેવસેના તો દોડી દેવદાસના પારોની જેમ!!

“અરે શું થયું?”

“હાય હાય તમે અત્યારે કહો છો? મારે બધી સહેલીઓને જણાવવું તો પડે ને કે સર્વીંગ બાઉલ ફ્રી છે!”

બીજા દિવસે રવિવારની સવારે તમે ચાના સબડકા ભરો છો ત્યારે ફોન પર વાત કરતી દેવસેનાના શબ્દો સંભળાય છે. “હા મમ્મી, તમારા જમાઈ તો બહું હુશિયાર!! સર્વીંગ બાઉલ ફ્રીમાં લઈ આવ્યાં બોલો! કાનાને કે’જે મંગતરામ બલુરામની ચા આજે જ લેતો આવે.”

હવે કહેવાની જરૂર ખરી કે તમને આવું સન્માન અપાવનાર એક જ વસ્તુ છે આ જગતમાં. બાકી બધું તો મિથ્યા છે.

તો તમે આ રાષ્ટ્રીય પીણું પીધું કે નહીં ?

છમકલું:

“એજી એવા ગુણ તો બકા ભરવાડનાં ગવાણા
કે બકા તારી ચાએ મગજના કમાડ ઉઘાડ્યાં!
કે બકા તારી ચાએ મગજના કમાડ ઉઘાડ્યાં!”

– ગોપાલ ખેતાણી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

22 thoughts on “ચા વિના સૂનો સંસાર! – ગોપાલ ખેતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.