સલાહ આપનારને એટલી જ સલાહ આપવાની કે… – વિનોદ ભટ્ટ

(‘ઇદમ્ વિનોદમ્’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

એક માણસે એક મજૂરને બોલાવીને કહ્યું : ‘જો, આ પેટીમાં કાચની બાટલીઓ ભરેલી છે, એ મારા ઘેર પહોંચતી કરવાની છે. બોલ, શું મજૂરી લઈશ?’ મજૂરે જણાવ્યું : ‘તમે સમજીને જે કંઈ આપવું હોય તે આપજો.’ શેઠે કહ્યું : ‘અહીંથી ઘર સુધી પહોંચતાં રસ્તામાં હું તને અમૂલ્ય સલાહનાં ત્રણ સોનેરી વાક્યો કહીશ. મજૂરીના પૈસા તો બે કલાકમાં ખલાસ થઈ જશે, પણ આ સોનેરી સલાહ તો તારે જીવનભર કામમાં આવશે.’ આ સાંભળી ‘ભલે’ કહી મજૂરે પેટી માથે મૂકી ચાલવા માંડ્યું.

થોડી વાર ચાલ્યા પછી મજૂરે એ માણસને એમની વચ્ચે થયેલી શરતની યાદ દેવડાવી અને સોનેરી સલાહના પહેલા વાક્યની માગણી કરી. એ માણસે કહ્યું : ‘જો સાંભળ, બરેલા પેટ કરતાં ખાલી પેટ વધારે સારું એમ કોઈ કહે તો વિશ્વાસ રાખીશ નહિ.’

થોડો રસ્તો કાપ્યા પછી મજૂરે એ માણસે કહ્યું : ‘હવે બીજી સલાહ સાંભળ. ઘોડા પર બેસવા કરતાં પગે ચાલવું સારું એમ કોઈ કહે તો એ વાતમાં વિશ્વાસ કરીશ નહિ.’

પછી છેક ઘર સુધી પહોંચ્યા બાદ મજૂરે ત્રીજી સલાહ માગી ત્યારે એ માણસે હસીને જણાવ્યું : ‘મારી ત્રીજી સલાહ એ છે કે તારા કરતાં વધુ મૂર્ખ અને ડફોળ મજૂર આ ગામમાં રહે છે એમ કોઈ કહે તો એ માણસ પર વિશ્વાસ કરીશ નહિ.’

પેલા મજૂરે માથા પરની પેટી ઉંબરા પર જોરથી પછાડી ગંભીર અવાજે જણાવ્યું : ‘અને શેઠ, મારા તરફથી હવે આ એક સલાહ તમે પણ સાંભળી લો. આ પેટીમાંની એક પણ બાટલી સાજી રહી છે એમ તમને કોઈ કહે તો એ માણસ પર વિશ્વાસ કરશો નહિ.’

મારા મતે ઉપરના કિસ્સામાં મજૂર કરતાં તેનો શેઠ વધુ બેવકૂફ કહેવાય. માત્ર આઠબાર આનાની મજૂરી બચાવવાના લોભમાં તેણે બાટલીઓને બદલે કાચનો ભંગાર મેળવ્યો. જોશ બિલિંગ્ઝનું વિધાન છે કે સલાહ એરંડિયા જેવી છે, જે બીજાને આપવી બહુ સહેલી છે પણ પોતાને લેવી ત્રાસદાયક રીતે કઠિન છે. જગતમાં સૌથી સસ્તી ચીજ હોય તો તે સલાહ છે, જે બધાને આપવી ગમે એ ને લેવી કોઈને પસંદ નથી. પૈસાનું આથી ઊંધું છે : તે લેવો ગમે છે, આપવો ગમતો નથી.

સલાહ આપનારાઓને એમર્સને સલાહ આપી છે કે ‘આપણે સૌ પારકા માટે જ શાણા હોઈએ છીએ, પોતાના માટે નહિ.’ જે સલાહ આપણે અન્યને આપીએ છીએ એ જ સલાહ આપણને કોઈએ આપી હોય તો આપણને મોં મચકોડવાનું મન થશે. સલાહ ગમે તેટલી સોનેરી હોય તોપણ નાણાં ખર્ચીને તે લેવાનું મૂળભૂત રીતે આપણને માફક નથી આવતું. જર્મન કવિ ઑટો હર્ટલબેનને તેના ડૉક્ટરે સલાહ આપી કે તમારે વધુ પડતું ધૂમ્રપાન તેમજ શરાબનું સેવન ત્યજી દેવું પડશે. આ સાંભળી કવિ ચાલવા માંડ્યા એટલે ડૉક્ટરે તેમને કહ્યું : ‘કવિ, મારી આ સલાહ બદલ તમારે મને ત્રણ માર્ક ચૂકવવા પડશે.’ ‘પણ તમારી સલાહ હું સ્વીકારું તો ને !’ કહી કવિ અંતર્ધાન થઈ ગયા.

આમ તો સલાહ એ માણસના ‘સુપર ઈગો’નું બાળક છે. અન્ય માણસ કરતાં ઈશ્વરે મને થોડી વધારે અક્કલ આપી છે, મારી પાસે જ્ઞાન અને અનુભવ મબલક છે એવી પાકી સમજને કારણે માણસ બીજાને સલાહ આપવા હંમેશાં તત્પર રહેતો હોય છે. સલાહનું તો એવું છે કે કોઈ લખપતિને કરોડપતિ કેવી રીતે થવું એની સલાહ સટ્ટામાં રોડપતિ થઈ જનાર પણ આપી શકે છે. આગામી બજેટમાં કઈ કઈ વસ્તુ પર ભારે કરવેરા નાખવા તે અંગે નાણાંપ્રધાનને સલાહ આપવાની ક્ષમતા ભિક્ષુક પાસે પણ હોય છે. ડૉક્ટરને દવા અંગે સલાહ આપતા ઘણા દર્દીઓને આ લખનારે જોયા છે. એક રમૂજ પ્રમાણે એક માણસ બસ નીચે કચડાઈને મરી ગયો. તેના વિશે માહિતી આપતાં એક જણે કહ્યું : ‘આ તો પેલા લેખક છે જેણે ‘પગે ચાલનારને સલાહ’ નામનું પુસ્તક લખ્યું છે.’

જે માણસની છાપ અત્યંત સ્વાર્થીની હોય તે પણ સલાહ આપવાની બાબતમાં પરમાર્થી બની જતો હોય છે. તેની સલાહથી કોઈ વંચિત રહી જાય એય તેને પરવડતું નથી. તેની સલાહ વગર કોઈ માણસ ઊંડા કૂવામાં ઊતરી જશે કે તેને મોટું નુકસાન જશે એટલે તેને એમાંથી બહાર કાઢવાની પોતાની સંપૂર્ણ જવાબદારી છે એવી શુભકામનાથી સલાહ અપાતી હોય છે. સલાહ આપવી એ માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. જે માણસ બીજું કશું જ આપી શકતો નથી તે સલાહ તો ચોક્કસ આપતો હોય છે. ભક્તથી માંડીને ભગવાન સુધીના સૌને સલાહ આપવી ગમે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં શું કર્યું છે ! અર્જુનને સલાહો જ આપી છે કે બીજું કંઈ ! છેવટે કંટાળીને અર્જુને યુદ્ધના મેદાનમાં ઝંપલાવેલું… મને તો પેલા અતિજ્ઞાની સહદેવની દયા આવે છે જે પોતાના ભાઈઓએને, ‘આમ કરો કે તેમ ના કરો’ જેવી સલાહ નહોતો આપી શકતો, એ બદલ તે કેટલો બધો રિબાયો હશે !

પણ સાચું પૂછો તો આપણી સલાહની કોઈને જરૂર નથી હોતી. ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ ફેઈમ જૉનાથન સ્વિફટે નોંધ્યું છે કે જે લોકો ચેતવણીની પણ દરકાર નથી કરતા એ લોકો તમારી સલાહ માનશે એવું તમે કેવી રીતે માનો છો? તો ઑસ્કાર વાઈલ્ડે જણાવ્યું છે કે સારી સલાહ હંમેશાં બીજાની તરફ સરકાવી દો. તે ક્યારેય કોઈના ખપની નથી હોતી. મારી જાતને ઘણી વાર હું અમૂલ્ય સલાહો આપું છું, પણ હું પોતે જ તેનું પાલન કરી શકતો નથી એ વાતનો આનંદ મૉન્ટેગ્યૂએ વ્યક્ત કર્યો છે.

જગતમાં માત્ર બે જ પ્રકારના માણસો વસે છે. એક તો સલાહ આપનારા ને બીજા એ નહિ માનનારા. એક સ્ત્રીએ પોતાના પ્રેમીને વિનંતી કરી હતી કે હવે પછીના તારા પત્રમાં તું મને એકાદ સારી સલાહ આપજે – તે નહિ પાળવાનું હું તને વચન આપું છું. આ પરથી લાગે છે કે સલાહની કોઈને જરૂર હોતી જ નથી, પણ તે આપનારના અહમને પોષવા વાસ્તે જ માગનાર સલાહ માગતા હશે.

ડૉક્ટરે મારા શરીરમાં ડાયાબિટીસ શોધી કાઢ્યો ત્યારે મારાં ઘણાં બધાં સ્નેહી-સંબંધીઓએ ઉપચાર અંગે મને જાતજાતની સલાહ આપી હતી. મારે કઈ-કઈ દવાઓ લેવી, શું-શું ના ખાવું વગેરે અંગે વિનામૂલ્યે સલાહો આપવામાં આવી હતી. પણ મને એ કહેવતની જાણ હતી કે જે માણસ બધાની સલાહ લઈ-લઈને ઘર બનાવે છે એનું ઘર જલદી તૂટી પડે છે. મારે મારા શરીરરૂપી ઘરને તૂટવા દેવું નહોતું; એટલે મેં, માત્ર ડૉક્ટરના માર્ગદર્શન પ્રમાણે વર્તવાનું નક્કી કર્યું – ડાયાબિટીસ અત્યારે કાબૂમાં છે. હું ને ડાયાબિટીસ બંને એકબીજાને સાચવી રહ્યા છીએ. બંનેને ફાયદો થયો છે.

એક પ્રશ્ન અંગે તમારી સલાહ લેવા આવ્યો છું એમ કોઈ મને કહે ત્યારે હું રાજી નથી થતો, સ્વાનુભવે કારણે. એક વાર કોઈ કાયદાકીય મોટી ગૂંચ માટે એક પરિચિત સજ્જન મળવા આવ્યા. તેમને ધ્યાનપૂર્વક સાંભળી મેં તેમને પ્રશ્ન કર્યો : ‘આ તો અટપટો મુદ્દો છે. સલાહ માટે કોઈ કાબેલ વકીલ પાસે કેમ ન ગયા?’ ‘હું તો જતો હતો…’ તેમણે ખુલાસો કર્યો : ‘પણ મોટા ભાઈએ કહ્યું કે કોઈ મૂરખ માણસ પણ આ કેસમાં તને સલાહ આપી શકશે; એટલે સીધો તમારી પાસે આવી ગયો.’

અને જ્યારે કોઈ સલાહ લેવા આવે ત્યારે તે ખરેખર તો સલાહ માટે આવ્યો જ નથી હોતો, જે બાબતની સલાહ માગવા આવ્યો હોય છે તે અંગે ઘેરથી જ નક્કી કરીને આવ્યો હોય છે. લગ્ન માટે તેણે છોકરી અંકે કરી નાખી હોય છે કે નોકરી માટેનો ઍપૉઈન્ટમેન્ટ લેટર ખિસ્સામાં નાખીને આવ્યો હોય છે, પણ તેણે જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે એવું અનુમોદન તે તમારી પાસે માગતો હોય છે. મહોરની જ તેને જરૂર હોય છે. બિલિંગ્ઝે આ સંદર્ભમાં જ કહ્યું છે કે ‘મારી પાસે સલાહ માટે કોઈ માણસ આવે ત્યારે પહેલાં તો હું એ જાણી લઉં છું કે કેવા પ્રકારની સલાહ તેને જોઈએ છે, પછી તેને માફક આવે એવી સલાહ હું આપી દઉં છું…’

એક જર્મન કહેવતમાં કહેવાયું છે કે ‘જેને સલાહની જરૂર હોય છે તે સિવાયના તમામને સારી સલાહ એટલે શું એની જાણ હોય છે.’ જોકે આ કહેવત કોઈ સલાહ આપનારે જ વહેતી કરી હોય એવું આ લખનાર માને છે, કેમ કે જેને સલાહ મેળવવી હોય છે એ તો સજીવ કરતાં નિર્જીવ ચીજમાંથીય સાચી સલાહ મેળવી લેતો હોય છે. જીભની આગળ દાંત મૂકવાથી શું થાય એ અંગેની સલાહ તેને કોઈ માણસ કરતાં દાંત કે જીભ પાસેથી વદ્ધુ સારી રીતે મળી શકે છે. બાકી સલાહ લેવાથી કોઈનેય ફાયદ્દો થતો નથી એ વાત સલાહ આપનારે સમજી લેવા જેવી છે.

સલાહ આપનાર માટે તે એટલું બધું આસાન છે કે ગમે તે વિષય પર અંતે મન ફાવે તેવી સલાહ ઝટ આપી શકે છે – સામેવાળો તે માગે એટલી જ વાર…

જેણે લગન કરવા કરતાં ડાયવૉર્સ વધુ વાર લીધા છે એવી ઝા ગાબૉર નામની હંગેરિયન અભિનેત્રીને એક સ્ત્રીએ સલાહ માટે પ્રશ્ન કર્યો : ‘એક અતિ ધનવાન પુરુષ સાથે થયેલ મારી સગાઈ મારે તોડી નાખવી છે. તેણે મને એક મોંઘોદાટ ફરકોટ, હીરાનો નેકલેસ, એક સ્ટવ અને એક રોલ્સ-રોઈસ કાર આપેલ છે તો મારે શું કરવું?’ ‘સ્ટવ પાછો આપી દે…’ ઝા ગાબૉરે તત્કાળ સલાહ આપી દીધી.

એ જ રીતે બ્રિટિશ નાટ્યકાર અભિનેતા સૅમ્યુઅલ ફુટને એક મિત્રે ફરિયાદ કરી કે પત્તામાં અંચઈ – ઘાલમેલ – કરવા બદલ તેને બીજા માળની બારીમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો. પછી પૂછ્યું : ‘મારે શું કરવું?’ આ સલાહના જવાબમાં શેમ્યુઅલ ફુટ બોલ્યો : ‘એટલે ઊંચે રમવા ના જવું….’

‘બધાને બહુ સલાહ આપાઆપ ન કરો, તમે જાતે જ કામ કરો, આ રીતે જ તમે અન્યને સલાહ આપી શકશો. તમે કામ કરશો તો બીજા તમને અનુસરવા માંડશે – આ મારી સલાહ છે…’ એવી સલાહ પંડિત જવાહરલાલ નહેરુએ આપી છે. એમ તો ‘આરામ હરામ હૈ’નું સલાહી સૂત્ર, તે કાશ્મીરની ખીણમાં આરામ કરવા ગયા ત્યારે તેમણે આપ્યું હતું. નાનામાં નાનો ચલણી સિક્કો એટલે સલાહ – જે માગનાર માટે ઘણો કીમતી છે એવું સલાહનો આપણહાર માનતો હોય છે.

પણ સલાહ આપનારને કેટલીક અમૂલ્ય સલાહો આપવાનો લોભ આ લખનાર રોકી શકતો નથી… એક અરબી કહેવત છે કે ટોળાને ક્યારેય સલાહ ના આપવી. એનું કારણ કદાચ એ હશે કે ડાહ્યામાં ડાહ્યો માણસ પણ જ્યારે ટોળામાં હોય છે ત્યારે ડાહ્યો રહેતો નથી. મૂરખને સલાહ આપવા સામેય ઈસપે ચેતવણી ઉચ્ચારી છે, સુગરી અને વાંદરાની વાર્તા દ્વારા. ટાઢથી ધ્રુજતા વાંદરાને ઘર બનાવવાની સલાહ આપનાર સુગરી પોતે જ ઘરવિહોણી થઈ ગઈ હતી. ભૂખ્યાને સલાહ ના આપવી એવું સૉફક્લીઝે કહ્યું છે. જે વહાણમાં તમે બેઠા હો ને તે ડૂબતું હોય ત્યારે વહાણના કપ્તાનને સલાહ ના આપવી… તમારાથી બધાં જ ક્ષ્રેત્રોમાં આગળ હોય તેને સલાહ આપવા પ્રયાસ ના કરવો એવું ટાગોરે કહ્યું છે, પણ સામેનો માણસ આપણાથી બધાં જ ક્ષેત્રોમાં આગળ છે, ચડિયાતો છે એ વાત જ સ્વીકારવી આપણા માટે અઘરી છે. વિન્સ્ટન ચર્ચિલે પોતાના એક મેઘાવી મિત્ર માટે એવો અભિપ્રાય આપ્યો હતો કે તે અત્યારે છે એના કરતાં એ દિવસોમાં વધારે શાણો હતો, કારણ કે તે ઘણી વાર મારી સલાહ લેતો…

અને છેલ્લે એક મલેશિયન કહેવત : ‘સલાહ એ વટેમાર્ગુ જેવી છે, આપણે તેને આવકારીશું તો તે રાતવાસો કરશે ને જાકારો દઈશું તો તરત જ તે પોતાના ઘેર પાછી ફરી જશે.’ સલાહ આપનારના દુર્ભાગ્યે, આ કહેવતની જાણ બધાંને છે…

[કુલ પાન ૧૭૪. કિંમત રૂ. ૧૭૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સલાહ આપનારને એટલી જ સલાહ આપવાની કે… – વિનોદ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.