ચરિત્રકીર્તન – અંતિમ વાચનયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી

(મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ચરિત્રકીર્તન – અંતિમ વાચનયાત્રા’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

૧. “હું થોડો ગાંડો થયો છું !” – જ્યોતીન્દ્ર હ. દવે

ગુજરાતી હાસ્ય-સાહિત્યને સમૃદ્ધ કરનારા ધનસુખલાલ મહેતાનાં પ્રથમ પત્ની સરલા એમને યુવાન વયે જ છોડીને ચાલી ગયાં. દ્વિતીય પત્નીને કોઈક મનોરોગ થયો. ગાંડપણમાં બધો રોષ એમણે ધનસુખલાલ પ્રત્યે જ ઠાલવ્યો. એમને દેખે ત્યાંથી જે કંઈ હાથમાં આવે તે એમના પર ફેંકે. આખરે ઘરમાં એને રાખવી અશક્ય છે એમ લાગવાથી એને ‘મેન્ટલ હોમ’માં રાખવાનો પ્રબંધ કરવો પડ્યો.

દર શનિવારે ધનસુખલાલ એને મળવા જતા. હું તે વેળા કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો, તે શાળાની સામે જ આવેલી એક દુકાનમાંથી જલેબી અને ગાંઠિયા કે એવું કોઈક ચવાણું લઈને પત્નીને આપવા સારુ એ ‘મેન્ટલ હોમ’માં જતા. એક વાર એ વિષે વાત નીકળતાં મેં એમને પૂછ્યું. “તને આમ દર અઠવાડિયે ત્યાં જતાં કંટાળો નથી આવતો? તમને એ ઓળખઈ શકે છે ખરી?”

“અરે ! બરાબર ઓળખે છે. મને દેખે છે એટલે દોડતી સામે આવે છે અને જે કંઈ હાથમાં આવે છે તે છૂટું મારા પર ફેંકે છે. સુપરિન્ટેન્ડેન્ટે મને કહ્યું પણ ખરું કે, તમને જોઈને એ ઉશ્કેરાય જાય છે; તમે ન આવતા હો તો? અહીં એની ખાવાપીવાનો પ્રબંધ અમે કરીએ છીએ.”

“ત્યારે જાઓ છો શું કામ?” મેં પૂછ્યું.

“અરે ! એમ કંઈ થાય? એ તો ગાંડી થઈ ગઈ છે. મને ભલે ભૂલી જાય. પણ હું થોડો ગાંડો થયો છું? મારાથી એને કેમ ભુલાય?”

૨. શિક્ષકોના યે શિક્ષક – પ્રવીણ દરજી

મને બરાબર યાદ છે. પંચમહાલ અને સાબરકાંઠામાં ૧૯૬૦-૬૧નાં વર્ષોમાં ગોધરા અને મોડાસા મુકામે પ્રથમવાર આર્ટ્‍સ-સાયન્સ કૉલેજો શરૂ થયેલી. એ વર્ષોમાં વિદ્યાસંસ્થાઓ શરૂ કરવી એ એક તપકાર્ય હતું. માત્ર વિદ્યાપ્રાપ્તિ, માત્ર ગામડાંના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો લાભ મળે એ જ એના સંચાલકોનો અભિલાષ.

ધીરુભાઈ ઠાકર ગુજરાત કૉલેજની નોકરી છોડીને મોડાસા જેવા અલ્પવિકસિત નગરમાં આવે છે. કૉલેજ હજી શરૂ જ થઈ હતી. નહોતું એનું પોતાનું મકાન. એ વિદ્યાસંસ્થા વિશે કોઈના મનમાં ત્યારે કશો પાકો નકશો પણ ન મળે. કૉલેજ ચલાવવા માટે ભંડોળની પણ આગોતરી વ્યવસ્થા નહીં ! છતાં ધીરુભાઈ અમદાવાદ છોડી મોડાસામાં આચાર્યપદ સ્વીકારી લે છે. કારણ ધીરુભાઈની શિક્ષણપ્રીતિનું – ગામડામાં શિક્ષણપ્રસારનું, ધૂણી ધખાવીને એક વિદ્યાકેન્દ્ર વિકસાવવાનું. સગવડના અભાવવાળા મકાનમાં ધીરુભાઈ વિદ્યાર્થીઓને તન્મયતાથી ભણાવે, કૉલેજ સિવાયના સમયમાં મંડળના સદસ્યો સાથે મોડાસા અને આજુબાજુનાં ગામોમાં ઉઘરાણા માટે નીકળે, કૉલેજમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ ગામડેથી આવે, શિક્ષણનો લાભ લે તે માટે અધ્યાપકોને સાથે રાખી ગામડે તેની ટહેલ નાખવા પણ જાય.

નવી નવી કૉલેજ, નવા નવા આચાર્ય. ત્યારે તેમના માટે કામના કલાક ચાર-પાંચ નહીં – ચોવીસ હતા. મકાનની સાથે હોસ્ટેલ, ગ્રંથાલય, રમતગમતનું મેદાન, નાટ્યગૃહ બધાં કામો તેમણે વારાફરતી હાથમાં લેવા માંડ્યાં. જોતજોતામાં તો કૉલેજ કેમ્પસ એક અનન્ય વિદ્યાધામ તરીકે યુનિવર્સિટીના નકશામાં ઉપર ઊપસી આવ્યું. ૧૯૬૫-૬૬નાં વર્ષોમાં તો કૉલેજ કેમ્પસ વિદ્યાપ્રવૃત્તિઓથી તેની ટોચ દાખવી બતાવે છે. યુનિવર્સિટી કક્ષાની નાટ્યસ્પર્ધાઓ આ કેમ્પસ ઉપર થાય. આખું વિદ્યાસંકુલ પ્રવૃત્તિઓથી ઊભરાતું લાગે. ભાગ્યે જ એવું એકાદ સપ્તાહ બાકી રહે કે જ્યારે કોઈ વિદ્વાનનું વ્યાખાન ન થયું હોય ! અહીં જ્યોતીન્દ્ર દવે આવે, રઘુવીર-ભોળાભાઈ આવે, ચં. ચી. મહેતા પડાવ નાખે, કુમુદિની લાખિયા અને મૃણાલિની સારાભાઈ પણ આવે. પુરુષોત્તમ માવળંકર, ઉમાશંકર-સુન્દરમ્‍, ઈશ્વર પેટલીકર કે ભોગીલાલ સાંડેસરા જેવા પણ ઘણા ઘણા આવે. આ સઘળા પાછળ ધીરુભાઈની તંતોતંત વિદ્યાપ્રીતિ પડેલી હતી. સાચો શિક્ષક કેટલો વિસ્તરી શકે અને પોતાની શક્તિઓથી સંસ્થાને પણ વિકસાવી શકે તેનું દ્રષ્ટાંત ઠાકરસાહેબે અહીં પૂરું પાડ્યું.

પ્રવૃત્તિઓમાં ગળાડૂબ ઠાકરસાહેબ સેનેટ, સિન્ડિકેટ અને યુનિવર્સિટીનાં અન્ય મંડળોમાં સતત કામ કરે. પણ આ બધી વેળા ‘પોતાની કૉલેજ’ અને ‘પોતાનો વિદ્યાર્થી’ સહેજે અળગાં નહીં. બેલ પડે એટલે તરત વહીવટીકાર્યને બાજુએ મૂકીને અમારો બી.એ.નો પિરિયડ એ પોતાની ઑફિસમાં શરૂ કરી દે. એમ.એ.માં ‘ગોરા’, ‘બ્રધર્સ કેરેમેઝોવ’, ‘ટેસ’ જેવી કૃતિઓ ભણાવે ત્યારે વિશ્વનવલકથાનો આખો પરિપ્રેક્ષ્ય તેઓ ઉઘાડી આપે. વિદ્યાર્થીને વ્યાખ્યાનમાં રસતરબોળ કરી મૂકે.

અધ્યાપકોની સાથે પણ તેમનું શૈક્ષણિક આદાન-પ્રદાન સતત ચાલુ રહે. બધાં કાર્યો પડતાં મૂકી તેઓ રિસેસમાં અધ્યાપકોના ખંડમાં આવીને સૌ સાથે ચા-નાસ્તો કરે. અંગત જીવનના પ્રશ્નોથી માંડીને લખવા-વાંચવાનું શું ચાલે છે, સાહિત્ય કે શિક્ષણમાં દેશમાં કે દેશબહાર કશું નવું થયું હોય – એ સર્વની વાત ઠાકરસાહેબ કરે. અધ્યાપકખંડ આખો મહેકતો થઈ જાય. દર અઠવાડિયે અધ્યાપકે અનિવાર્યપણે કોઈ એક વિષય ઉપર અધ્યાપકખંડમાં પેપર રીડિંગ કરવાનું રહેતું. પેપર પૂરું વંચાઈ રહે પછી ગોષ્ઠી થાય.

આવા સ્વસ્થ, શીલવંત, ભડ અને ભદ્ર શિક્ષકને નવનિર્માણના વર્ષમાં મેં વ્યથિત હૃદયે જોયા છે. પોતાની સાકાર સ્વપ્નભૂમિને વેરવિખેર થતી જોઈને તે દ્રવી ઊઠ્યા હતા. એ પળે મોડાસામાં ગાળેલાં વર્ષો વિશે – ‘શું મેં અઢાર અઢાર વર્ષ સુધી રણમાં પાણી રેડ્યા કર્યું?’ – એવો હલબલાવી મૂકે તેવો પ્રશ્ન કરી બેઠા હતા. પેલી સ્વહસ્તે ચીતરેલી, રંગ પૂરેલી છબી હવે ઓઘરાળી બનતી જતી હતી. એ બધું તેઓ માટે અસહ્ય હતું. એમનું શિક્ષકત્વ એ જીરવી શક્યું નહોતું.

મોડાસા કૉલેજમાંથી નિવૃત્તિ લીધી ત્યારે ૧૯૬૦થી ૧૯૭૮નાં અઢાર વર્ષોનું શિક્ષણજગતનું તપ પૂરું થયું હતું. અમે થોડાક વિદ્યાર્થી મિત્રોએ એકઠા થઈ ઠાકરસાહેબનો વિદાય સમારંભ યોજ્યો. ઉમાશંકરભાઈને સમારંભમાં ખાસ હાજર રાખ્યા. હૉલ ચિક્કાર હતો. ઠાકરસાહેબમાંનો શિક્ષક ત્યારે ગદ્‍ગદિત હતો. મોડાસાને વિદ્યાધામ તરીકે પ્રતિષ્ઠા અપાવનાર તેઓની પાસે ત્યારે શબ્દો ઓછા હતા. ઉમાશંકરભાઈ બધું પારખી ગયા હતા. તેમણે આંખમાં આંસુ સાથે ધીરુભાઈની શૈક્ષણિક સેવાઓને બિરદાવતાં કહ્યું : “મારે મારા વતનમાં જે કામ કરવું જોઈએ એ ન કરી શક્યો તેનો મને આજે અફસોસ છે. પણ ધીરુભાઈએ અહીં વસીને એ કાર્ય કર્યું. એ માટે હું તેમનો ભવોભવનો ૠણી છું.”

ધીરુભાઈ આજે પણ, જીવનના સાડા આઠ દાયકા ઉપર પહોંચ્યા પછીય, ગુજરાતી ભાષાના વિશ્વકોશના કાર્યમાં ખૂંપેલા છે. તેઓ રુંવે રુંવે શિક્ષક છે. અનેક શિક્ષકોના તે શિક્ષક રહ્યા છે.

[કુલ પાન ૪૨૦. કિંમત રૂ. ૩૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ચરિત્રકીર્તન – અંતિમ વાચનયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.