- ReadGujarati.com - http://www.readgujarati.com -

નૂતન વર્ષના સાલમુબારક – સંપાદક

વિક્રમ સંવત ૨૦૭૪ના, નવ વર્ષના પ્રથમ દિવસે, આ મંગલ પ્રભાતે સૌ વાચકમિત્રો, લેખકમિત્રો, પ્રકાશકમિત્રો સહિત સૌને રીડગુજરાતી તરફથી નૂતનવર્ષાભિનંદન, સાલ મુબારક. આ નવું વર્ષ આપ સૌના માટે સુખદાયી, ફળદાયી, સંંતોષકારક, કલ્યાણકારી અને પ્રસન્નતા આપનારું નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ. નવી આશા અને અપેક્ષાઓ, નવા જોમ અને સંકલ્પ સાથે આવો આપણે સૌ આ નવા વર્ષનું હર્ષભેર સ્વાગત કરીએ. નવા વર્ષમાં સૌ સાહિત્યના માધ્યમે વધુ ને વધુ વાંચન, ચિંતન અને મનન કરીને જીવનપથને વધુ પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના.

રંગોળીના રંગો જાણે જીવનના વિવિધ સંજોગોને, સાહિત્યના અનેકવિધ રસને દર્શાવે છે, દીવાનો પ્રકાશ આપણા જીવનમાંં અજ્ઞાનના અંધકારને સમાપ્ત કરીને સાહિત્યથી થતા આંતરીક ઉજાસ જેવો છે. મિત્રો અને સ્નેહીજનો સાથે મિલનનો આનંદ અને મિઠાઈઓનો સ્વાદ આપણા સ્નેહની લાગણીને અને એમ જીવનને અર્થસભર બનાવે છે, અદ્દલ એવી રીતે જ જેમ કોઈ સાહિત્યકૃતિ આપણા હ્રદયને સ્પર્શી જતી હોય. સાહિત્યકૃતિઓનો પ્રકાશ આપણા જીવનપથને ઉજાળે, માર્ગદર્શક બને એવી અપેક્ષા રીડગુજરાતી સતત પૂર્ણ કરતી આવી છે, એ સફરને સતત અને સરસ ચલાવતા રહેવાનુંં જોમ ઈશ્વરકૃપા અને સૌ વાચકમિત્રોનો સાથ સતત આપતા રહે એવી શ્રીચરણોમાં નમ્ર પ્રાર્થના.

મારી અંગત એવી અનેકવિધ મર્યાદાઓ અને સમસ્યાઓને કારણે ગત મહીનાઓ દરમિયાન ઘણો સમય રીડગુજરાતી પર લેખ મૂકવાનું સાતત્ય ખોરવાયું હતું, ઈશ્વરકૃપાએ લાભ પાંચમથી રોજ એક લેખ સતત પ્રસ્તુત કરી શકાય અને આ નવા વર્ષમાં રીડગુજરાતી દ્વારા આપને પુન: સાતત્યસભર સુંદર ઉપયોગી વાંચનનું ભાથું સતત મળતું રહે તેવી વ્યવસ્થા થઈ છે, એ સતત નિર્વિઘ્ને ચાલી શકે એવી પ્રભુ પાસે મનોકામના વ્યક્ત કરું છું. આપ સૌના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. સૌને નૂતન વર્ષના સાલ મુબારક!

લિ.
સંપાદક
રીડગુજરાતી.કોમ