ભીડનાં એકાંત – મોહનલાલ પટેલ

(‘નવચેતન’ સામયિકના જૂન, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

વૈશાખ મહિનાની બપોર હતી. બસ-સ્ટેશન ઉપર ઊભરાઈ રહેલા માનવીઓની ભીડ જામી હતી. બસ પકડવા માટે ઉતારુઓનો રઘવાટ ઉત્તેજનાભર્યો હતો.

નિશીથની બસ મુકાઈ એ વખતે, ભીડમાં આવી જવાને લીધે જ પોતાના કોઈ પુરુષાર્થ વગર જ એ આપોઆપ બસમાં ઠેલાઈ ગયો અને એને બારી આગળ જગ્યા મળી ગઈ. કોઈ સ્પષ્ટ હેતુ વગર બાજુની ખાલી સીટ ઉપર એણે પોતાની બૅગ મૂકી દીધી અને બસમાં દાખલ થતી ભીડને એ નિહાળી રહ્યો.

એ વખતે બસની બાજુમાં ઊભાં ઊભાં એક પ્રૌઢ વયની સ્ત્રીએ એની તરફ બૅગ ઊંચી કરીને કહ્યું : “ભાઈ, આ બૅગ અંદર લઈ લો ને.”

નિશીથે એ સ્ત્રીને ધ્યાનથી જોઈ નહોતી. પેલી બૅગ તરફ જ એનું ધ્યાન કેન્દ્રિત થયું. નિશીથ બૅગને બે હાથે પકડીને પોતાની તરફ ખેંચે એ પહેલાં તો પેલી સ્ત્રીએ એ બૅગને એક હળવા આંચકાથી પોતાની તરફ પાછી ખેંચી અને કશું બોલ્યા વગર જ ત્યાંથી એ ખસી ગઈ. નિશીથે જરા વિસ્મયથી એ સ્ત્રી તરફ જોયું. એકાએક એના ચિત્તમાં એક ઝબકાર થયો. સ્મૃતિને ઢંઢોળવાની નિશીથને કોઈ જરૂર રહીં નહીં. એણે એ સ્ત્રીને બરાબર ઓળખી લીધી. એ સરલા હતી. બે-પાંચ પળમાં તો સરલા એ ભીડમાંથી દૂર સરકી ગઈ. કદાચ બસમાં બેસવાનો જ વિચાર એણે માંડી વાળ્યો હશે. સરલા કંટ્રોલરની ઑફિસ તરફ જઈ રહી હતી.

નિશીથે એની ગર્દન, પીઠ અને ચાલ ફરી એક વાર ધ્યાનથી નિહાળ્યાં. એ સરલા જ હતી. સાડત્રીસ વર્ષ પછી આજ એ નજરે પડતી હતી. અત્યારે એ કદાચ બાવન-પંચાવન વર્ષ નજીક લગભગ પહોંચી ગઈ હશે. પણ એની ગ્રીવા હજુય એટલી જ નમણી હતી. એની ચાલવાની છટા હજુ એટલી જ સોહામણી હતી.

બસમાં ઊતરી જઈને એને મળવાની પ્રબળ લાગણી નિશીથને થઈ આવી. પણ લાગણી પ્રમાણે ચાલવાના તરવરાટની એની ઉંમર વીતી ગઈ હતી. ઉંમર પ્રમાણે મન પણ હવે શિથિલ થયું હતું. માથે ઘણી જવાબદારીઓ હતી. એ જ્યાં જઈ રહ્યો હતો ત્યાં સમયસર પહોંચ્યા વગર ચાલે એમ નહોતું. અને કદાચ આ બધા સંજોગોને ઉપરવટ જઈને પણ એ બસમાંથી ઊતરી ગયો હોત. પણ સરલા જ દૂર ખસી જવા માગતી હતી એ બાબતે એને દ્વિધામાં મૂકી દીધો.

નિશીથ વિચારમાં પડી ગયો. સરલા શા માટે દૂર ચાલી ગઈ? એણે બૅગ પાછી ખેંચી લીધી એ વખતે એના ચહેરા ઉપર શું હતું? કદાચ વિહ્‍વળતા સિવાય કશું જ નહીં ! ઉમળકાની એકાદ લકીર પણ એ ચહેરા ઉપર નહોતી.

નિશીથ બસમાં બેસી રહ્યો. બસમાં ભીડ વધી રહી હતી. માણસોનો કોલાહલ મચી રહ્યો હતો.

સરલા પૂછપરછની બારી સુધી પહોંચી ગઈ હતી. નિશીથને લાગતું હતું કે કદાચ સરલા પાછું વળીને એની તરફ જોવા પ્રયત્ન કરશે. પણ પૂછપરછની બારી આગળથી ખસ્યા પછી પણ આ દિશા તરફ જરાસરખી નજર કર્યા વગર જ થોડે દૂર જઈને ઊભી રહી.

સાડત્રીસ સાડત્રીસ વર્ષથી સરલાની સ્મૃતિને નિશીથ કાળજીપૂર્વક એના મનમાં સંઘરી રહ્યો હતો. પણ સરલા એનાથી આટલી વિમુખ હશે એવું તો એણે કદીયે ધાર્યું નહોતું.

આમ તો સરલા ઉપર એનો કશો અધિકાર નહોતો. સરલાએ એક વખત એનું સર્વસ્વ એને અર્પી દેવા ઈચ્છા કરી હતી. ઈચ્છા જ કેમ? એણે તો એનાથી બનતું બધું જ કર્યું હતું. પણ નિશીથ પોતાની વાતમાં અડગ રહ્યો હતો. એને અંગ્રેજોને ભારતમાંથી કાઢવા હતા. સ્વરાજ્ય લેવું હતું. અને સ્વરાજ ન મળે ત્યાં સુધી અપરિણીત રહેવું હતું. બાફ્યાં ધાન ખાવાં હતાં. અંગ ઢાકવા માટે શરીર ઉપર બે વસ્ત્રથી ત્રીજાનો એને ખપ નહોતો. અપરિગ્રહનું ચુસ્ત પાલન એને કરવું હતું.

સરલા આ બધાં માટે તૈયાર હતી. નિશીથની ખાતર પોતે પણ સ્વાદ અને મોજશોખને છોડી દેવા ઈચ્છતી હતી. નિશીથની બધીયે સ્વરાજ્ય-પ્રવૃત્તિમાં સહભાગી થવા ઉત્સુક હતી. સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લેવા પણ તૈયાર હતી. પણ નિશીથ કશી બાંધછોડ કરવા તૈયાર નહોતો. સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી જીવનમાં કોઈ પણ લકઝરી તરફ ન ઝૂકવા એનો નિર્ણય હતો. એને સરલા માટે ખૂબ પ્રેમ હતો અને લગ્નને જીવનની એક અનિવાર્ય જરૂરિયાત તરીકે એ સ્વીકારતો હતો, છતાં એને મન એ લકઝરી જ હતું. એથી સરલા લગ્ન માટેની પોતાની હઠ છોડીને એનું મન બીજી કોઈ વ્યક્તિ તરફ વાળે એવું એ ઈચ્છતો હતો. પહેલી પ્રીતનાં પૂર કેવાં ધસમસતાં હોય છે એની એને ખબર હતી છતાં સરલાને સમજાવવાનો અવારનવાર પ્રયાસ પણ કરતો.

સરલા સાથેની છેલ્લી મુલાકાતનો દિવસ અત્યારે નિશીથની નજર આગળ તરવરી રહ્યો. દૂરના એક વગડાની છાવણીમાં નિશીથ અને એના મિત્રોનો પડાવ હતો. પરદેશી સૈનિકો લઈને પસાર થતી એક ટ્રેનને પુલ ઉપર જ ઉડાવી દેવાની યોજના એમણે ઘડી કાઢી હતી. આ એક એવા પ્રકારનો વિસ્ફોટ થનાર હતો જેનો એમને અગાઉ કશો અનુભવ નહોતો. કદાચ એ વિસ્ફોટમાં જાન પણ ગુમાવવાનું થાય. વિસ્ફોટ પછી ઘણાં જોખમ ખેડવાનાં હતાં.

આ સાહસ અગાઉ નિશીથ કદાચ છેલ્લી વાર જ સરલાને મળી લેવા ઈચ્છતો હતો. અને એટલા માટે વહેલી સવારે પ્‍હો ફાટતાં પહેલાં છવણીમાં પાછા આવી જવાનું મિત્રોને વચન આપીને એ સરલાને મળવા નીકળ્યો.

સપ્ટેમ્બર મહિનાની અંધારી રાત હતી. આકાશમાં તારાઓ ટમટમી રહ્યા હતા. તારાઓનાં ઝૂમખાંમાં ઘૂમરીઓ લઈ રહેલું મૌન બિહામણું રૂપ ધારણ કરીને ધરતી ઉપર ઊતરી રહ્યું હતું.

ખેતરોની અપરિચિત કેડીઓ ઉપર નિશીથ સાવચેતીથી પગલાં માંડી રહ્યો હતો. સીમમાં ક્યાંક ક્યાંક ભસતાં કૂતરાંનો અવાજ સાંભળી એના કાન ચમકી ઊઠતા. એકાએક એ થોભી જતો અને અવાજની દિશામાં મુખ ફેરવીને કશુંક પામી લેવા પ્રયાસ કરતો.

ગામમાં પ્રવેશ કર્યા પછી એ અત્યંત સાવધ થયો. પોતાના પદસંચારનો અણસાર કોઈ શ્વાન પણ કળી ન જાય એની એ ભારે સાવચેતી રાખી રહ્યો હતો. એ જાણતો હતો કે ગમે તે પળે એને પકડી લેવા પોલીસનો કડક જાપતો ગામની ચારે બાજુએ હતો. એને પકડવા મોટાં ઈનામ પણ જાહેર થયાં હતાં.

જરાપણ પગરવ ન થાય એની કાળજી રાખીને ફળિયાનાં સૂનાં આંગણાં વટાવતો એ આગળ વધી રહ્યો. ફળિયાના થાંભલાઓ ઉપર ફાનસ હતાં ખરાં પણ એમાંનું એકેય સળગતું નહોતું. અંધકારમાં સબડી રહેલા આ ગામડા ઉપર એને તરસની એક લાગણી થઈ આવી. એક બંધ ખડકી આગળ આવીને ઊભો રહ્યો. નાનપણની આદત પ્રમાણે બે બારણાં વચ્ચેની જગ્યા સહેજ પહોળી કરી એણે હાથ અંદર નાખ્યો અને સાંકળ ખોલી નાખી.

અંદરના ભાગમાં ખુલ્લો ચોક હતો. ચોકની એક બાજુ ઢાળિયું હતું. ઢાળિયામાંના છાપરા નીચે ગાય બંધાતી હતી. ખડકીમાં ચોરની જેમ માનવપ્રવેશ જોઈ ખીલે બાંધેલા આ પશુએ એક બિહામણો ઉચ્છ્‍વાસ કાઢીને ખડકીની શાંતિને ખળભળાવી મૂકી.

નિશીથ થોડો મૂંઝાયો. એ થોડી વાર ચૂપચાપ ખડો રહી ગયો.

ચોકની સામેની બાજુએ પરસાળ ઉપર એક પલંગમાં સરલા સૂતી હતી. દબાતે પગલે બે પગથિયાં ચઢીને એ પલંગ પાસે આવીને ઊભો રહ્યો. એણે ચોકમાંથી દેખાતા આકાશના ટુકડા તરફ નજર કરી. આકાશી તારકો જાણે ધબકી રહ્યા હતા.

પોતે એક ચોરની માફક અહીં ઘૂસ્યો હતો એનો એને ક્ષોભ હતો. પણ આમ કર્યા સિવાય બીજો છૂટકો પણ ક્યાં હતો? કદાચ પોતે શહીર થઈ જાય તો મરતી વખતે સરલાને ન મળ્યાનો એક ભારે વસવસો જ રહી જાય, પણ અત્યારે સરલાને જગાડવા જતાં ભયથી એ ચીસ પાડી ઊઠે તો? મેડી ઉપર સૂતેલાં માતાપિતા જાગી જાય તોપણ એક અનર્થ પેદા થાય.

એનું હૈયું ધડકી રહ્યું. એણે છેક સરલાના કાન પાસે પોતાનું મોં લઈ જઈને ધીરેથી સાદ કર્યો : “સરલા!’

ઊંઘમાં પણ નિશીથનો સાદ સાંભળી રહી હોય એમ સરલાએ ધીરેથી આંખો ખોલી. કોઈ પણ પ્રકારના ગભરાટ વગર એ બેઠી થઈ ગઈ.

‘અંદર ચાલ.’ નિશીથે કહ્યું.

સરલા પણ એ જ ઈચ્છતી હતી. એ લોકો અંદર ગયાં. સરલાએ ચીમની પેટાવી. નિશીથ ખુરશી ઉપર બેઠો. દીવાનો ઝાંખો પ્રકાશ બંનેની આકૃતિઓને ઉપસાવી રહ્યો હતો. નિશીથના ગૌર મુખ ઉપર કાળાં ઝુલ્ફાંવાળા વાળની લટો ઝૂલી રહી હતી. ખાદીની કફનીનાં ખભા તરફનાં બટન એની પહોળી ગરદનને ઢાંકી રહ્યાં હતાં.

અને સરલાની શાંત મુખમુદ્રા ઉપર એક આકર્ષક સૌંદર્યની આભા પ્રગટી રહી હતી. સરલા કશું ક પામવા માગતી હોય એમ સ્થિર નેત્રે નિશીથ તરફ તાકી રહી હતી. બંને વચ્ચેનું મૌન અકળાવનારું બની જાય એ પહેલાં નિશીથ : ‘સરલા, આવતી કાલે એક મોટા સાહસ માટે જાઉં છું; કદાચ ફરી કદીયે ન મળી શકાય.’

અગાઉ નિશીથે ત્રણચાર વાર આવી જ વાત કરી હતી. સરલાના ચહેરા ઉપર કોઈ ફેરફાર ન થયો.

નિશીથે કહ્યું : ‘આવતી કાલે પરદેશી સૈનિકોની એક ટ્રેન શ્યામળા પુલ ઉપર થઈને પસાર થવાની છે.’

સરલા સાંભળી રહી.

નિશીથ આગળ બોલ્યો : ‘ટ્રેન પુલ ઉપર હોય એ વખતે જ પુલ સાથે એને ઉડાવી દેવાની અમારી યોજના છે.’

‘આટલું કહેવા માટે જ અહીં આવ્યો હતો? મને હિંસક બનાવોમાં રસ નથી. બીજી કોઈ વાત કર.’

‘હું બીજું જ કંઈક કહેવા આવ્યો છું.’

‘શું?’

‘આપણે હવે કદાચ ફરી મળી શકીશું નહીં.’

સરલા શાંત સ્વરે બોલી : ‘તું જાણે છે કે હું તારી કોઈ પણ પ્રવૃત્તિમાં અવરોધ ઊભો કરતી નથી. આ કહેવા માટે આવડું મોટું જોખમ ન ઉઠાવ્યું હોત તોપણ ચાલત, તને પકડવા માટે સખત જાપતો છે એ તું નથી જાણતો?’

‘જાણું છું.’

‘તોપણ આવું જોખમ શા માટે ખેડ્યું?’

‘તને છેલ્લી વાર મળી લેવા.’

‘છેલ્લી વાર મળવા?’ ઉદાસ થઈને સરલા બોલી : ‘તેં હજુ મને સ્પર્શનો અધિકાર પણ આપ્યો નથી. અને તું આમ છેલ્લી વાર મળવા આવ્યો છે ! કહે હું શું કરું? કાશ અર્ધા કલાક માટે પણ તું સ્ત્રી થયો હોત તો તને બધું સમજાઈ ગયું હોત.’

આટલું કહેતાં સરલાની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ‘અને બીજું…’ ધ્રૂજતા અવાજે નિશીથ બોલતાં સહેજ અચકાયો અને પછી પૂરું કર્યું : ‘તું મારી રાહ જોઈશ નહીં.’

‘વિચારીશ’ કહી સરલા ઊભી થઈ ગઈ. એણે કબાટમાંથી એક છરી કાઢી. એની ધારને પોતાની આંગળીના ટેરવા ઉપર સહેજ ઘસી. પોતાના રક્તથી નિશીથના કપાળ ઉપર તિલક કરતાં એ બોલી : ‘હવે એક પળનો પણ વિલંબ કર્યા વિના તું જા. જોખમ વધી રહ્યું છે.’

છતાં નિશીથ ઊભો થયો નહીં. કશું જ બોલ્યા વિના સરલા પણ ઊભી રહી.

વધારે થોભવાનો સમય પણ નહોતો એટલે થોડી વાર પછી નિશીથ ઊભો થયો. અને કહ્યું : ‘જાઉં.’

‘ભલે જા. હિંમત રાખજે, કાબેલિયતથી કામ લેજે.’ થોડી પળો સુધી થોભીને નિશીથ ચાલ્યો ગયો.

ધારણા પ્રમાણે સુરંગો ફૂટી નહીં. બેચાર ધડાકા થયા. પણ પુલ ઉપરથી ટ્રેન સહીસલામત રીતે પસાર થઈ ગઈ. નિશીથ અને તેના સાથીદારો ફરી એક વાર ભૂગર્ભમાં ચાલ્યા ગયા. નિશીથ જુદો સ્વાંગ ધરીને કલકત્તા જતો રહ્યો. પાંચ વર્ષ પછી સ્વરાજ મળ્યું. પણ એ પરત આવ્યો નહીં. આજ સાડત્રીસ વર્ષ પછી એ વતન તરફ જઈ રહ્યો હતો. અને સરલાનો આમ એકાએક ભેટો થઈ ગયો. એ હજુય વિચારોમાં ઊંડો ઊતરતો જાત. પણ એનો ખભો પકડીને કોઈકે કહ્યું : ‘ભાઈ, અહીં કોઈ આવવાનું છે?’

સહેજ છોભીલા પડી જઈ નિશીથે જવાબ આપ્યો : ‘ના.’ અને બેઠક ઉપરથી બૅગ લઈને એ ઊભો થઈ ગયો.

બસમાંથી ઊતરી જવું હતું. એક પળમાં જ નીચે ઊતરી જઈને એ દોટ મૂકવા માગતો હતો. પણ આટલી ભીડમાં એક કદમ પણ ખસવાનું કામ મુશ્કેલ હતું.

*
સંપર્ક : ૫૦૧/૨૧, સત્યાગ્રહ છાવણી, સૅટેલાઈટ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૫

Leave a Reply to Jaimin Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ભીડનાં એકાંત – મોહનલાલ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.