વિરાટનો હિંડોળો – બકુલ દવે

(‘વિરાટનો હિંડોળો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

(૧) અનેક રીતે પ્રગટ થવાનું ઐશ્વર્ય

એક છોકરીને લઈ એના પિતા કોઈ સંગીતકાર પાસે ગયા. ‘તમે મારી પુત્રને તમારી ફિલ્મમાં ગાવાની તક આપો.’ પિતાએ સંગીતકારને કહ્યું ને ઉમેર્યું, ‘એ હૂબહૂ લતા મંગેશકર જેવું ગાય છે.’

‘જો એવું જ હોય તો હું લતા મંગેશકર પાસે જ ગવડાવવાનું પસંદ કરીશ.’

‘એવું શા માટે?’

‘મારી પાસે મારું ગીત ગાવા માટે સ્વયં લતા મંગેશકર છે તો પછી હું એમની ડુપ્લિકેટની પાસે શા માટે ગવડાવું?’

‘તો તમે મારી દીકરીને તક નહીં આપો?’ પિતાએ પૂછ્યું. ‘કેમ નહીં, જરૂર આપીશ.’

‘ક્યારે?’

‘એ કોઈના જેવું નહીં પણ પોતાના જેવું ગાશે ત્યારે.’ આ વાત સંગીત પૂરતી સીમિત નથી. સાહિત્ય, પેઇન્ટિંગ અને અભિનય જેવાં કલાનાં અન્ય ક્ષેત્રોમાં પણ એ લાગુ પડે છે. જાણીને અથવા તો અજાણપણે પણ અનુકરણ થતું જોવા મળે છે ત્યારે તે આસ્વાદ્ય નથી બની શકતું. કોઈ બીજાના જેવું ચીતરવા, લખવા કે જીવવા જાય તોપણ તેમ ન કરી શકે. બે માણસના ચહેરા સાવ સરખા હોતા નથી અને દરેક વ્યક્તિની ફિંગર પ્રિન્ટ બીજા કોઈ પણ કરતાં અલગ હોય છે એવી જ રીતે કલા દ્વારા થતી અભિવ્યક્તિમાં વ્યક્તિગત જુદાપણું હોય જ છે ને આ જુદાપણું કલાની પૂર્વશરત છે.

એક જ ધરતીમાં મૂળ નાખી સરખો રસકસ ચૂસતાં વૃક્ષોમાં પણ કેટલું વૈવિધ્ય હોય છે ! એમની પર ઊગતાં ફૂલ અને ફળ પરસ્પરથી જુદો સ્વાદ, ગંધ અને આકાર ધરાવતાં હોય છે ને તે જ જે-તે વૃક્ષની પોતીકી અભિવ્યક્તિ બની રહે છે. લીમડો વિશ્વમાં ગમે તે સ્થળે ઉગાડો તોપણ એની પર કેરી ન બેસે.

શરૂઆતમાં કોઈ દિગ્ગજ કલાકારને પોતાને આદર્શ સમજી એની ખૂબીઓ ધ્યાનમાં રાખી કોઈ પોતાની કલાનો માર્ગ શોધે એ વાત જુદી છે. દિગ્ગજનો અર્થ છે જે દિશા બતાવે છે તે. પણ થોડો સમય કોઈ દિગ્ગજની આંગળી ઝાલી ચાલી શકાય, કાયમ નહીં. માતાપિતાની છત્રછાયા હેઠળ ઊછર્યા પછી પક્ષીના બચ્ચાંએ પણ પોતાની જાતે જ ઊડવાનું હોય છે. એમણે પોતે જ પોતાનો રસ્તો શોધવાનો હોય છે. પોતાની કેડી કંડારવાની હોય છે. મહત્વ છે પોતાનો અલગ ચીલો ચાતરવાનું. કવિ અને લેખકને પણ પોતાની સ્વયં ઉડાન અને પોતીકો અવાજ હોય તે જરૂરી.

જીવન જીવવું એ એક કલા છે એમ કહીએ તો દરેક માણસ પણ કલાકાર છે. એમાં પણ એકધારાપણાને સ્થાન નથી. એકધારાપણું અક્ષમ-misfit હોવાનું સૂચન કરે છે. મોટા ભાગના લોકો જ એક સરખી ઘરેડમાં જીવે છે. એમના જીવનનો સૂર એકસરખો હોય છે. બહુ થોડા લોકો પાસે પોતાનો અવાજ હોય છે જે સાંભળવો ગમે છે. જે પોતાનો અવાજ ધરાવતા હોય છે તે કલાત્મક જીવી જતા હોય છે. ગાંધીજીનું જીવન નખશિખ કલાનો નમૂનો હતું. જીવનમાં સંપૂર્ણતા લાવવાના પ્રયોગો એમણે સરસ રીતે કર્યા. એમણે ઉપદેશથી નહીં સંપૂર્ણતા લાવવાના પ્રયોગો એમણે સરસ રીતે કર્યા. એમણે ઉપદેશથી નહીં પણ પોતાના જીવન દ્વારા કેવી રીતે જિવાય તેને શીખવ્યું. જીવનમાં વર્ષો તો જ ઉમેરાય જો એમાં પોતાનો અવાજ ભળે. સ્વામી વિવેકાનંદે સમાધિ લીધી તે દિવસે કહ્યું હતું કે એમણે એમના જીવનમાં – ઓગણચાલીસ વર્ષના જીવનમાં – પાંચ સો વર્ષમાં પણ ન થઈ શકે એટલું કામ કર્યું છે.

કોઈ સામયિકનો સંપાદક એવી જે કૃતિઓ પ્રકાશિત કરવા માટે પસંદ કરે છે જેમાં મૌલિકતા પ્રગટ થતી હોય. એવું જ ગીત સાંભળવું ગમતું હોય છે જેમાં ભાવકે કદીયે ન કલ્પ્યું હોય એવું ભાવવિશ્વ ઊઘડતું હોય. નકલ કોઈને ગમતી નથી. ગાંધીજી ફરી ગાંધીજી બની આવે ને એ ગાંધીજી જેવું જ જીવન જીવીને જાય એવું લગભગ કોઈ પસંદ ન કરે. ગાંધીજી એક જ હતા – છે અને રહેશે. ઈશ્વર પણ ક્યાં એક જ રૂપમાં પ્રગટતો હોય છે? એ એક જ છે તોપણ એ અનેક રીતે વ્યક્ત થાય છે – ‘એકોહમ બહુસ્યામ્‍.’ અનેક રીતે પ્રગટ થતા રહેવું એમાં જ ઐશ્વર્ય રહેલું છે ને એટલે જ તો કલાનું અંતિમ ધ્યેય ઈશ્વરાભિમુખ હોય છે. એટલે જ કલાના સાચા ઉપાસકમાં માણસ હોવાના ઉત્તમ અંશ અનાયાસે જ પ્રગટ થતા રહેતા હોય છે. સાચો કલાકાર, હંમેશાં સાચું જીવતો હોય છે એ વાતને ઊલટાવીને કહીએ તો જે સાચું જીવતો હોય છે તેની કલા પણ સાચૂકલી હોય છે. એ રીતે કલા પોતાને ઓળખવાની – પોતાને પામવાની પ્રક્રિયા પણ છે. માટે જ અનુકરણ કરતી વ્યક્તિ પોતાનાથી દૂર ને દૂર જતી હોય છે.

(૨) આકાશ : અંદરનું અને બહારનું

આ શરીર માટીનો ઘડો છે – ઘટ છે. એની અંદર અને બહાર આકાશ છે. ઘટમાં છે તે ઘટાકાશ. ઘટાકાશ તે જ આપણો જીવ છે અથવા તે અંદર વિલસતી ચેતના છે. ઘટને આકાર હોય છે. ગુણ હોય છે. એને લઈને ઘટાકાશ બદ્ધ છે અને મર્યાદાઓથી લિપ્ત છે, ખરડાયેલું છે. બહાર જે આકાશ છે તે નિરાકાર, નિર્ગુણ અને અલિપ્ત છે. ઘટાકાશ અનિત્ય અને સીમિત છે; જ્યારે બહારનું આકાશ નિત્ય અને અપરિમેય છે. આકાશ એટલે આ બ્રહ્માંડમાં વ્યાપ્ત ચૈતન્યનો દેદીપ્યમાન અંતહીન મહાસાગર. ઘટની બહાર વિલસતા આ ચૈતન્યના મહાસાગરમાં પોતાના બિંદુરૂપ અસ્તિત્વને ખોઈ નાંખી એમાં લીન થઈ જવું એમાં જ ઘટની સાર્થકતા સમાયેલી છે. એ જ મોક્ષ છે.

ઘટાકાશ અને ઘટની બહાર રહેલું આકાશ એક જ છે તોપણ એ બંને વચ્ચે વિરોધાભાસ કેમ જણાય છે? તે કારણભૂત છે સ્વયં ઘટ એટલે કે આપણું આ શરીર. એના કારણે જ અંદર અને બહારનું આકાશ અખંડ અને અભિન્ન હોવા છતાંય બંને અલગ જણાય છે. એને લઈને જ હાથવેંતમાં જણાતું આકાશ ક્યારેક આઘું લાગે છે. આ આઘું લાગવું અને જુદાપણાનો ભેદ ભાસવો તે જ માયા છે.

ઘટાકાશ જીવરૂપે બદ્ધ છે. તે બહાર વિસ્તરેલા આકાશ સાથે એકરૂપ ન થઈ જાય, એમાં ભળી ન જાય ત્યાં સુધી જીવ પાંજરામાં પુરાયેલા પંખીની જેમ ઊડવા માટે છટપટ્યા કરે છે. આ છટપટાહટ અંદરના આકાશનો બહારના આકાશનો વિયોગ દર્શાવે છે. આ છટપટાહટ કબીરની સાખીમાં અને મીરાંની આરતમાં વ્યક્ત થઈ છે. સૂર અને નરસિંહનો ઝુરાપો તે પણ આ છટપટાહટ. ગૌરાંગનો ઉન્માદ અને રામકૃષ્ણનું સમાધિસ્થ થઈ જવું તેમાં પણ પાણીના બધા જ અંશ સાચવી બિંદુની સિંધુમાં એક થઈ જવાની ઉત્કટ ઈચ્છા દર્શાવતી છટપટાહટ સિવાય અન્ય શું હતું?

આ છટપટાહટ જીવનો શિવને પામવા માટેનો તીવ્ર વિયોગ છે. ઘટાકાશ જીવ છે અને બાહ્યાકાશ શિવ. ઘટાકાશનું એકમાત્ર લક્ષ્ય છે બાહ્યાકાશની સાથે યોગ સાધવાનું. પણ યોગ ત્યારે જ સધાય જ્યારે વિયોગની પીડા જાગે. રામકૃષ્ણ પરમહંસ કહેતા, “ઈશ્વર માટે હૃદય નીચોવી આંસુ સાર્યા ન હોય તો કેવી રીતે મળે?” મીરાં માટે આખાય વિશ્વમાં ગિરિધર કૃષ્ણ સિવાય અન્ય કોઈ ન હતું. ભગવાને કહ્યું; “एकोहम बहुस्याम् ।” એટલે કે હું અનેક રૂપે એક જ છું. આ ઉક્તિ આત્મસાત કરતાં-કરતાં મીરાંએ પરમમાં વિરામ લીધો.

પિંડ અને પડછાયા વચ્ચેની સ્થિતિ એટલે અસલ અને નકલ વચ્ચેની અવસ્થા. પિંડ એટલે આપણું અસલ આત્મસ્વરૂપ અને પડછાયો એટલે આ માયામાં અટવાયેલું આપણું ઘટસ્વરૂપ. આ બે સ્વરૂપ વચ્ચેની સ્થિતિ અર્થહીન છે, પડતર છે. આ સ્થિતિ એવી પીડા જગાવે છે. એ મિલનના તલસાટ સાથે થોડી આશંકા પણ હોય છે : જીવનનો આ ફેરો પણ નકામો જશે કે શું ? ને તે જ હોય છે જાગૃતિની ક્ષણ. જાગૃતિની આ ક્ષણ જેના માટે નિર્મિત થઈ નથી એનું જીવન પડછાયાથી વિશેષ કંઈ નથી. પડછાયામાં અંધારું છે, કૃતકતા છે, નિરાશા છે અને મોહ છે. પડછાયો હરતો-ફરતો લાગે તોપણ એને પોતાની ગતિ નથી હોતી. પડછાયો સત્યને અસત્ય કરી દેખાડે છે અને અસત્યમાં સત્ય હોવાનો આભાસ જગાડે છે. આભાસીપણું અને ભ્રામકતાનું બીજું નામ માયા છે. જેને આપણે માયા કહીએ છીએ તેની પાછળ કારણભૂત છે આપણું પડછાયા જેવું હોવું. પડછાયાને દૂર કરે છે જ્ઞાનનું અજવાળું. ચપટીક અજવાળાથી પડછાયાનું આખું નગર દૂર થઈ શકે છે.

વૃક્ષો, પશુ કે પક્ષીની ચેતના સૂતેલી જ રહે છે. એ કદીયે જાગતી નથી. એ સુષુપ્ત જ રહે છે. એ સુષુપ્તિમાં તલસાટ નથી કે નથી બેચેની. એટલે જ ઈશ્વરપ્રાપ્તિની ઝંખના વગરનો મનુષ્ય ગમે તેટલો બુદ્ધિશાળી હોય તોપણ એની ચેતનાનું સ્તર પશ-પક્ષી જેટલું જ હોય છે.

પણ અન્ય જીવો અને મનુષ્યોમાં ફરક એટલો છે કે કશો આયાસ ન કરે તોપણ બધાં મનુષ્યોમાં અજાણપણે “એની” શોધ ચાલ્યા કરતી હોય છે. પણ મોટા ભાગનાને આજીવન ખબર પડતી નથી કે પોતાને શેની શોધ પજવ્યા કરે છે. એની ચેતના જ એટલી પણ વિકસિત થઈ શકી હોતી નથી કે એ જાણી શકે, પોતે શું શોધી રહ્યો છે. અલબત્ત, જાણ્યા પછી પણ શોધ પૂરી થાય એ શક્ય નથી. પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે કોઈ આકાશને ભલે ન આંબી શકે તોપણ તેને આંબવાનું વલણ કેળવી શકે.

[કુલ પાન ૨૩૨. કિંમત રૂ. ૨૨૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “વિરાટનો હિંડોળો – બકુલ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.