અંતરની બારી – નિખિલ દેસાઈ

(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

મને આ બારીમાં બેસવાનું ગમે છે. શહેરમાં છેવાડે આવેલી અમારે સોસાયટીમાં મારું આ મકાન છેલ્લું છે. બારી બહાર નજર કરતાં વેરાન સીમ દેખાય. દૂર દૂર ક્ષિતિજમાં ઓગળી જતાં આંબલિયા અને રૂપાવતી ગામ દેખાય અને વચ્ચેના વગડામાં છૂટાંછવાયાં ઝાડ સિવાય વિસ્તાર સૂકો. સંધ્યાકાળના રતૂમડા પ્રકાશમાં સામેના બોરડીના ઝાડનો પડછાયો ધીમે ધીમે લાંબો થતાં થતાં મકાનની દીવાલ સુધી પહોંચે ને થાકેલા સૂરજદાદા ક્ષિતિજમાં ડૂબી જાય. આમ ઓર એક દિવસ પૂરો થાય.

જીવનસંધ્યાએ આપણે પણ થાકી ગયેલા હોઈએ છીએ. બાલ્યાવસ્થામાં કેવો ઉત્સાહ હોય છે ! નાનપણમાં ગામડાંના ઘરની આવી જ બારી પાસે અમે ઉત્સાહથી થનગનતા બારી બહાર વગડામાં દૂર જતી બસ કે પછી ગાય-ભેંસનાં ધણને જોયા કરતા.

નાનપણમાં નાનકડા ગામડામાં રહેતા. ગામની વચ્ચે અમારું ઘર ઊંચું મેડીવાળું એટલે મેડીની બારીમાંથી સામે અફાટ વગડો દેખાય. વાંકીચૂકી પડેલ નદી, તેની પાસે થઈને દૂર દૂર ઝાડની ઘટામાં અદ્રશ્ય થતી ગાડાવાટ, કોઈ કોઈ વાર ઢોર ચરાવવા આવેલ ગોવાળ પણ હાથમાં લાકડી લઈને ઝાડ નીચે બેઠેલા દેખાય. ચૈત્ર – વૈશાખની બપોર, ધોમધખતો તાપ અને આવો વગડો – બચપણની ધૂંધળી યાદ.

શહેરમાં આ મકાન મેં વર્ષોથી કરાવેલ છે પણ કોઈ દિવસ મન ભરીને બારી પાસે બેસવાનો આવો લાભ આટલાં વર્ષોમાં લીધો નથી. ત્રણ વર્ષ પહેલાં મારું જીવન કેવું વ્યસ્ત હતું ! સવારમાં સાત વાગ્યે ઊઠવાનું – વિદ્યાએ ચા તૈયાર રાખી હોય-સામે બેસીને ચા પીવાની – છાપાં વાંચવાં – નહાઈધોઈ દશેક વાગ્યે જમવા બેસવાનું – જમીને સ્કૂટર ઉપર ઓફિસ પહોંચવાનું. સાંજે ૬ વાગ્યે ઘેર આવી ચા-નાસ્તો પતાવી સામે દેખાતી સડક ઉપર વિદ્યા સાથે ફરવા જવાનું, સૂર્યાસ્ત પછી ઘેર પાછા ફરવાનું. એકદમ વ્યસ્ત જિંદગીમાં મને આમ કલાકો સુધી બારીમાં બેસવાનો સમય જ મળ્યો નથી. પણ કુદરતે જાણે મને બાળપણની સ્મૃતિ વાગોળવાની આ ભેટ આપી છે – નિવૃત્તિમાં પ્રવૃત્તિ.

કુદરતે આપેલ આ ભેટ-સોગાદનો લાભ ઉઠાવીને-ન ઉઠાવીએ ત્યાં સામે એક નવી ઘટના આકાર પામી રહી છે. ટોપાવાળા ઓવરસિયરો આવીને જમીનમાં માપ લઈ રહ્યા છે. લાગે છે કે કંઈક નવું મકાન બની રહ્યું છે, રંજ થયો. બાકી સામે જ મકાન બની જશે તો દુકરતને માણવાનો અવસર જશે કે શું? પણ मन एवं मनुष्याणां कारणं बन्ध मोक्षयोः તે જ રસ્તો શોધી કાઢે છે.

મને થયું ચાલો આ પણ લેવા જેવો એક લહાવો છે. મકાન તો આપણે તૈયાર થતાં ઘણાં જોયાં હોય છે પણ આ ખાલી જમીન ઉપર ધીમે ધીમે ઊભરતું અને વિકાસ પામતું માળખું કેવી રીતે મકાનનો આકાર ધારણ કરે છે તે જોવાની પણ મજા આવશે. પછી તો અહીં જાણે ઈન્દ્રસભાની જાદુઈ નગરી હોય તેમ ઝપાટાબંધ બધું બનવા લાગ્યું. આપણે પરીકથા અને એવી વાર્તાઓમાં સાંભળેલું કે રાત પડી ને જંગલોમાં જાદુઈ નગરી ઊભી થવા લાગી. બાગબગીચા તૈયાર થઈ ગયા. ઊંચાં ઊંચાં મહાલયો તૈયાર થઈ ગયાં. રસ્તા પાણીથી છંટાઈ ગયા અને અસંખ્ય દીપમાળા પ્રગટી ઊઠી. બસ અહીં પણ એવું જ બનવા લાગ્યું. દાડિયા-મજૂરોનાં ઝૂપડાં બની ગયાં, રેતી, ઈંટ, પથ્થરના ઢગલા થઈ ગયા. પાણીની કુંડી તૈયાર થઈ ગઈ. ખટારા અને પાણીના ટેંકરની દોડધામ ચાલુ થઈ. જમીનમાં ઊંડા પાયા ખોદાઈ ગયા. તેમાં પથ્થર, સિમેન્ટ, રેતી ધરબાવા લાગ્યાં અને જેમ ચોમાસું આવતાં જમીનમાં રહેલું બીજ જમીન ફાડીને બહાર આવે તેમ મકાનની દીવાલો જમીનમાંથી બહાર ડોકાવા લાગી.

આમ તો આપણે ઘરથી ઑફિસ ને ઑફિસથી ઘર આવતાં જતાં રસ્તામાં ઊભેલાં ઘણાંખરાં મકાનો આપણી નજર સામે જ તૈયાર થયાં હોય છે. પણ આ ભાગદોડવાળી જિંદગીમાં આપણે ક્યાં કોઈ નિરીક્ષણ કરતાં હોઈએ છીએ? જે વસ્તુ વ્યસ્ત જીવનમાં ચલચિત્રની પટ્ટીની જેમ આપણી નજર સામેથી ઝડપથી સરકતી જાય છે તે જ વસ્તુઓનું નવરાશની પળોમાં ત્રિપરિમાણીય નિરીક્ષણ થાય છે. નવરાશની પળોમાં જૂના છાપાના એક ટુકડામાંથી પણ કેટલાય ન વાંચેલા સમાચારો વાંચવા મળે છે.

પણ આ બધાંમાં મને ત્યાં આજુબાજુમાં ઝૂંપડાં બનાવીને રહેતા મજૂરો – દાડિયાની દિનચર્યા જોવાની બહુ મજા આવે. સવારથી સાંજ સુધી કાળી મજૂરી કરે. એક તાવડી ઠીબડાં જેવું એક વાસણ – ઝોળ ખાઈ ગયેલ ખાટલો – એક ફાનસ, આ એમની અસ્કામત.

બપોર થઈને ઝાડ નીચેથી ધૂમ્રસેર નીકળે છે. તાવડી કરતાં જાડા રોટલા શેકાય. એક પથ્થરની શિલા ઉપર મુઠ્ઠીભર મરચાં વાટીને મસાલો તૈયાર થાય. રોટલા થઈ ગયા પછી ચૂલા ઉપર ઠીબડાં જેવું વાસણ મૂકી આ મસાલો નાખી શાક બનાવાય. રોટલા – શાક ને ડુંગળીનો દડો આ તેમનું ભોજન, કૂંડાળું વળીને આખું કુટુંબ ઝાડ નીચે જમવા બેસે.

“ટિફિન……”

ડોરબેલ વાગી ને ટિફિનવાળાનો અવાજ સંભળાયો. આ મારું ટિફિન આવવાનો રોજનો સમય. ‘જોષી ભોજનાલય’માંથી રોજ આપવા આવે છે. રોટલી-દાળ-ભાત-શાક-કચૂંબર-અથાણું-કઠોળ-પાપડ આ રોજનું ભાણું.

આમ તો મારું જમવાનું પણ પહેલાં સંગીતમય રહેતું. રસોડામાંથી સતત પાટલા – વેલણનો અવાજ, દાળ-શાકનાં તપેલાં ખૂલવાના-બંધ થવાના સંગીતમય અવાજ – રોટલીના વણવા સાથે બંગડીનો રણકાર પણ સંભળાય. આ નેપથ્ય સંગીત સાથે ડાયલૉગ પણ ખરા. “આજે ઑફિસેથી આવતાં સુવર્ણામાસીને ત્યાં જરા ડોકું કાઢતા આવજો હમણાં તેમની તબિયત કચરપચર રહે છે.”

– “ટૂથપેસ્ટ ખલાસ થઈ ગઈ છે. લાવવાની છે.”

-“આ વખતની તુવેરદાળ જરાય સારી નથી – થતી હોય ત્યારે આખું ઘર ભભકવું જોઈએ.”

આવી મીઠી મીઠી વાતોમાં કોઈ વાર તીખાશ પણ ભળે.

“તમને કેટલી વાર કહ્યું છે કે કોઈ ડબ્બા ઊંચી અભેરાઈ ઉપર નહીં મૂકી દેવાના મારે ઉતારવા કેમ? તમે તો હમણાં ઑફિસ ભેગા થઈ જાઓ. રસોડામાં આવી આવીને આવા જ ગોટાળા કર્યા કરો છો.”

આના બધા ડાયલૉગ હવે બંધ છે. કિચન પ્લૅટફૉર્મ ઉપર હવે ફક્ત ચા બનાવવાની તપેલી, સાણસી, ચા-ખાંડના ડબ્બા જ છે. બાકીનાં વાસણો – દાળશાકનાં તપેલાં – ઢાંકણ, તાવડી – પાટલો – વેલણ અને ‘ચોખા’ ‘તુવેરદાળ’ એમ લખેલ ડબ્બા-ડુબ્બી બધાં માળિયામાં કેદ થઈ ગયાં છે. એક જ વસ્તુ શીખ્યો છું ભૂતકાળ ભૂલીને ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાનમાં જીવવાનું છે.

‘ભવિષ્યની ચિંતા’ એ શબ્દ ઉપરથી મને ગઈ કાલે મારા મનમાં ઊઠેલ વાત તાજી થઈ. આ સામે કામ કરતા મજૂરોમાં એક પાંચેક વર્ષનું બાળક પણ છે, બાળસુલભ રમતો રમ્યા કરતું હોય છે. તેની મા તગારામાં ઈંટ ભરીને લઈ જાય તેની પાછળ પાછળ તે પણ નાની વાટકીમાં બે-ચાર કાંકરા લઈને જાય – રેતીના ઢગલા ઉપર દોડાદોડ કરે, પાણી ઉડાડે-આમ મજાક-મસ્તી, મને થયું કે આનો બાપ અહીં મજૂરી કરે છે – કદાચ તેનો બાપનો બાપ પણ આમ જ મજૂરી કરતો હશે અને ભવિષ્યમાં આ બાળક પણ આવી જ મજૂરી કરશે – નીચલો વર્ગ આમ કાયમ નીચલા સ્તરમાં જ રહેશે. આ લોકોને ભણતરનું મહત્વ સમજાવે કોણ? એ લોકોમાં તો એવી સમજ વિકસિત થઈ હોતી નથી કે પોતાના બાળકના ભવિષ્યનો વિચાર કરે અને તેને ભણાવે. પણ હું તો કેટલાય સમયથી બારીમાં બેસીને તેમના સાંનિધ્યમાં છું. એ લોકો નથી સમજતા પણ હું તો સમજું છું ને ! મારે એ લોકોને સમજાવવા જોઈએ – ફક્ત ઊંડા અભ્યાસનાં પુસ્તકો વાંચ્યાં કરવાનો કંઈ મતલબ નથી – સમય આવે તેનો અમલ પણ કરવો જોઈએ.

પણ એ બાળકના બાપને સમજાવવાનો અવસર કેમ શોધવો? પણ એક વાર તે પ્રસંગ સામે ચાલીને આવ્યો.

એક વાર બપોરે કોઈએ બારણું ખટખટાવ્યું. ખોલતાં સામે તે જ ઊભો છે. હાથમાં પાણીની ખાલી બોટલ છે. પાછળ પેલું બાળક પણ છે. ‘શેઠ પાણી આપશો?’ ઠંડા પાણીના બે બાટલા આપ્યા ને રોજ ઠંડું પાણી લેવા આવવા કહ્યું – આમ પરિચય વધતો ગયો. એક વાર પૂછ્યું.

‘શું નામ છે?’
‘વાલો’
‘અને આ છોકરાનું નામ?’
‘એનું નામ કાનો’
‘કેવડો થયો?’
‘એની તો અમને શું ખબર પડે? ઈ બધું ભણેલાવને આવડે પણ આને પાંચ દિવાળી ગઈ.’

‘તે આને ભણાવતા નથી?’
‘ઈ અમારે નો મેળ પડે, અમારે કંઈ નેડો નંઈ, આજે આંઈ વળી કાલે બીજે ઠેકાણે, કઈ નિહાળમાં બેહાડવો?’
‘હેં વાલા, તારા બાપા શું કરતા?’
‘મારી જેમ મજૂરી’
‘તારા બાપા મજૂરી કરતા – તું મજૂરી કરે છે હવે આ કાનાને પણ મોટો થાય ત્યારે મજૂરી કરાવવાની છે?” વાલો ચુપચાપ નીચું માથું નાખીને સાંભળતો રહ્યો.

“તમે લોકો આમ કાળી મજૂરી કરો ને તમારો સુપરવાઈઝર ઝાડ નીચે છાયામાં ખુરશી ઉપર બેસી રહે. એણે મજૂરી નહીં કરવાની, એનું કામ હિસાબકિતાબ રાખવાનું કેમ કે એ પાંચ – ચોપડી ભણેલ હશે, જો તારે આ કાનાને આ મજૂરીમાંથી છોડાવવો હોય તો એને ભણાવવો પડે નહીંતર એ પણ તારી જેમ તગારાં ઉપાડતો થઈ જશે.”

વાલો ઊંડા વિચારમાં પડી ગયો ને પછી ધીમે પગલે પાછો ફર્યો.

પણ પછી મેં જોયું કે વાલાની જિંદગી સાવ બદલાઈ ગઈ. હસતો રમતો ટોળટપ્પાં મારતો વાલો ધીરગંભીર બની ગયો. પહેલાં તો સાંજે છૂટીને નહાઈ-ધોઈને નાના છોકરાને લઈને રમવા નીકળી પડતો. છોકરાને ખભે બેસાડીને લીંમડાના ઝાડમાંથી લીંબોળી તોડાવતો – કોઈ વાર સીમાંથી ચારો કરીને પાછાં વળતાં ગાયનાં ધણમાંથી ગાયની પીઠ ઉપર બેસાડી સેર કરાવતો – રેતી ઈંટના ઢગલામાં છુપાઈને છોકરા સાથે છૂપાછૂપીની રમત રમતો. પણ હવે સાંજે છૂટ્યા પછી ઝોળ પડી ગયેલા ખાટલામાં પડ્યાં પડ્યાં ચલમમાંથી ધુમાડા કાઢ્યા કરે છે.

છોકરાને ભણાવવાનું ભાષણ આપીને મારાથી કંઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? છોકરાને ભણાવવો છે પણ ક્યાં ભણાવે? એક વાર પૂછવા પણ આવેલાં ‘હેં સાહેબ, આ કાનાને નિહાળે બેહાડવો હોય તો કેમ કરવું?”

અજ્ઞાન કેટલીક વાર આશીર્વાદ રૂપ હોય છે, અને જ્ઞાન કેટલીક વાર શાપ રૂપ. અત્યાર સુધી છોકરાના ભવિષ્ય બાબત અભણ વાલો કેવો ખુશ હતો ! અને હવે કેવો ચિંતામાં રહે છે !

મને પણ જો એક વર્ષ પહેલાં જાણ હોત કે એક વર્ષ પછી વિદ્યા આ દુનિયામાં નહીં હોય તો એ ત્રણ દિવસ કેવા યાતનામાં જાત? એ બાબત અજ્ઞાન હતા તો કેવા આખું વર્ષ આનંદમાં વિતાવ્યું?

તો શું વાલાને જ્ઞાન આપીને મેં ભૂલ કરી? જે વસ્તુ શક્ય જ ન હોય તે બાબત કોઈને આંબા-આંબાલી બતાવાનો શું ફાયદો? આખી રાત મને ઊંઘ ન આવી. વિદ્યાની બહુ યાદ આવી. તે હોત તો કંઈક રસ્તો બતાવત. મનમાં ગડમથલ ચાલતી રહી. સવારમાં ઊઠીને બારી પાસે જતાં ઠંડા પવનની લહેરખી વીંટળાઈ વળી – અચાનક સ્ફુણા થઈ જાણે વિદ્યાએ રસ્તો બતાવ્યો – વિદ્યાદાન – હવેથી આવાં છોકરાઓને હું ભણાવીશ અને આ પ્રવૃત્તિ સાથે વિદ્યાનું નામ પણ સંકાળાયેલું રહેશે. પછી તો ધરમના કામમાં ઢીલ શું? તાબડતોબ બજારમાં જઈ પાટી અને બાળપોથી લઈને પાછાં ફરતાં જાણે મારામાં નવી શક્તિનો સંચાર થયો. બારી ખોલતાં જેમ ઉજાસ ફેલાઈ જાય તેમ જાણે અંતરમાં ઉજાસ ફેલાઈ ગયો. જાણે મારી એક નવી બારી ખૂલી અંતરની બારી.

*
સંપર્ક :
બી-૨/૧૦૨, શ્રી અજિત રેસીડેન્સી-૨, રામકૃષ્ણ નગર (પશ્ચિમ), રાજકોટ-૩૬૦ ૦૦૨

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “અંતરની બારી – નિખિલ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.