શૈશવની આંગળીએ.. – કેતા જોશી

(ટૉરન્ટો, કેનેડાથી રીડગુજરાતીને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ કેતાબેન જોશીનો ખૂબ આભાર. તેમના શૈશવના સંસ્મરણોમાં ક્યાંક આપણા નાનપણના સ્મરણો પણ દેખાઈ આવે એ સહજ છે. કેતાબેનનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે ketajoshi29@gmail.com પર કરી શકાય છે.)

મારા મોસાળનું નાનું એવું ગામ, સરસ. કદાચ આજે પણ ભારતના નકશામાં ન મળે. હું સમજણી થઇ ત્યારથી મને એ ખબર કે ઉનાળાનું વેકેશન પડે એટલે ગામ જવાનો કાર્યક્રમ બને. ગામમાં રહેતા નાના-નાનીને મળવાનો આનંદ તો હોય જ પરંતુ નાના સાથે આખા ગામમાં ફરવાનું આકર્ષણ પણ એટલું જ રહેતું. બસ, ન ગમતી એક જ વાત એ કે નાનાજી શિસ્તપાલનના ચુસ્ત આગ્રહી. ઘડિયાળના કાંટે દોડવાનું. ઉનાળાનું વેકેશન એટલે તો આરામનો સમય કહેવાય પણ અમારે શિસ્તબદ્ધ રહેવું પડતું. મમ્મી એટલે ખુશ રહેતી કે મુંબઈમાં પાણી ભરવાના ત્રાસમાંથી થોડો સમય છૂટકારો મળશે, સવારે ચાર વાગ્યે ઉઠીને પાણી નહિ ભરવું પડે, ઝટપટ નાહીધોઈને રસોઈ નહિ કરવી પડે, સાડાનવ વાગતામાં બધાને જમાડી દેવાના નહીં હોય.

સવારે ૬ વાગ્યે ઉઠી જવાનું. બધા ભાઈ-બહેન નાહીધોઈને તૈયાર થાય પછી જ નાસ્તો મળે, એથી અમારે આળસુ મોટાભાઈને ધક્કા મારવા પડતા કે ઝટ નાહી લ્યો, નહીતર અમને નાસ્તો નહી મળે. મારું નાનાજી જોડે સ્પેશ્યલ કામ. મારે નાહીને બગીચામાંથી પૂજા માટે ફૂલો ચૂંટી આપવાના. પછી નાનાજી જોડે પૂજા કરવા બેસવાનું. ચંદન ઘસીને નાની વાટકી ભરી આપવાની. નાનાજી રણછોડબાવની, દત્તબાવની કે હનુમાનચાલીસા બોલવાનું કહેતા. મારા અને મોસાળના બધા ભાઈબહેનોમાં હું સૌથી નાની હોવા છતાં બધું યાદ રાખીને કડકડાટ બોલી જતી તેથી નાનાજીને વિશેષ વહાલી લાગતી. તેમની શિસ્તમાં રહેવા છતાં તેમના વખાણને પાત્ર થવું અઘરું હતું. પણ મને એ વિશેષ માન મળતું, કારણે કે મારા જેવો કચરો વાળવાનું કામ બીજું કોઈ કરી જ ન શકે એવું એ માનતા. એમને ગાંધીજી પ્રિય હતા અને એમનો દાખલો આપીને સ્વચ્છતાના પાઠ શીખવતા.

એ જમાનામાં તો ગામના પાદરે બે જ વાર બસ આવતી. એક સવારે નવ વાગ્યે ને એક સાંજે ચાર વાગ્યે. પાદરથી ગામ એકથી દોઢ કિલોમીટર ચાલીને જવાનું. ગામમાં સૌ પ્રથમ આકર્ષણનું કેન્દ્ર રામજી મંદિર અને તેમાંની રામ, સીતા, લક્ષ્મણની આરસની એ સુંદર મૂર્તિઓ. નાનકડો ખુલ્લો ચોક, વચ્ચે તુલસીક્યારો. મંદિરની બરાબર સામે મોટો વડચોતરો. એટલો વિશાળ વડ કે એની આજુબાજુ બાંધેલા ચોતરા પર લગભગ આખું ગામ સાંજ પડ્યે ભેગું થતું. બધા ટોળટપ્પા કરતા બેસતા. મોટી મહિલાઓની ટોળકી એક બાજુ બેસતી. મારી ઉંમરના નાના બાળકો એક તરફ રમતા. નાની, મમ્મી, મામી, માસી બધા મંદિરના ઓટલે બેસતા. રામજી મંદિરની સંધ્યા આરતી કરીને સૌ પોતપોતાના ઘેર વાળું કરવા છૂટા પડતા.

ગામમાં વીજળી આવી ત્યારે પણ પંખા વગર ચાલી જતું. પ્રદૂષણનું નામોનિશાન નહીં. ફાનસના અજવાળે વાળું કરીને ફળિયામાં રમતા. મોટાભાઈ ટ્રાન્સિસ્ટર – નાનો રેડિયો લાવતા અને રેડિયો સિલોન સ્ટેશન પકડવાનો પ્રયત્ન કરતા જેથી બિનાકા ગીતમાલા સાંભળી શકાય. પરંતુ નાનાજીને એ ગમતું નહીં. તેઓ કહેતા, કાને રેડિયો ધરીને બેસી રહેવા કરતા ફળિયામાં આંટા મારો એટલે ખાધું છે એ પચી જાય. મુંબઈથી લક્સ કે બીજો કોઈ સુગંધીદાર સાબુ લઇ જઈએ તો નાનાજી કહે કે કાને રેડિયો ધરીને એનું શું સાંભળો છો? ‘લાઈફબોય હૈ જહાં તંદુરસ્તી હૈ વહાં’. ફરજીયાત લાઈફબોયથીજ નહાવાનો આગ્રહ રાખતા. રાત્રે અગાશી પર સૂવાનું. સૂતાં સૂતાં ભરચક તારા મઢ્યું આકાશ જોયું હતું તે આજે પણ એવું ને એવું યાદ છે. હે ઈશ્વર! મારી સ્મૃતિઓ કદી ન વિસરાય એવું કરજે હો! કારણકે હવે તો આકાશમાં તારા શોધવા પડે છે અને એમાંય વળી સપ્તર્ષિ દેખાઈ જાય તો તો ભયો ભયો.

નાનાજી ગામના બધા મંદિરોમાં પૂજા કરતા. ઘરની પૂજામાંથી પરવારીને ગામમાં નીકળતા. બધા મંદિરોમાં જળ, કંકુ, ચોખા અને ફૂલથી પૂજા કરતા. પછી જવાનું સિધ્ધનાથદાદાના દર્શને અને પાછું સિધ્ધનાથનું મંદિર તો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર. આજે તો એ મંદિર સરકાર હસ્તક ગયું છે અને આજુબાજુ ખૂબ બાંધકામ થઈ ગયું છે અને બહાર તો બજાર ભરાવા માંડી. મારા શૈશવના દિવસોમાં તો એ ઉજ્જડ સીમમાં હતું. બહાર પાણીની વાવ જેવો મોટો કુંડ. મુખ્યદ્વાર જેવું કઈ નહી. મોટી પથ્થરની શીલા પર ચડીને તેના ચોગાનમાં પ્રવેશ કરવાનો, સામે જ મંદિર. ડાબી તરફ પૂજ્ય મોંઘાકાકાનું રહેઠાણ. જે એક થોડા મોટા કદની ઝૂંપડીજ કહી શકાય. આંગણામાં તુલસી, બારમાસી અને ગલગોટાના ફૂલના ક્યારા અને એક હિંચકો. કાકા બહાર આરામ ખુરશીમાં બેસીને ઉપર આકાશ ભણી શૂન્યમાં તાકી રહે. ઉનાળામાંજ એમને માણસોની વસ્તી. એ સિવાય વર્ષભર તેઓ તેમના પત્ની સાથે ત્યાં એકલાજ રહેતા. એમને ઘણું દિવ્ય દર્શન થયેલું એવું મોટાઓ પાસેથી સાંભળેલું. તેથી તેઓ કોઈ જોડે વાતચીત ન કરતા. બસ, સિધ્ધનાથદાદાની સેવા પૂજા જ એમનો જીવનમંત્ર જાણે!

મારે મન બીજું આકર્ષણનું કેન્દ્ર નાનાજીના ઘરની સામે આવેલું કુંડેશ્વર મહાદેવનું મંદિર. તે સમયે ત્યાં કોઈ જતું નહી. દોઢેક ફૂટ ઊંચું ઘાસ રહેતું. પણ નાનાજીને તો એમ કે બધા જ મંદિરોમાં પૂજા થવી જોઈએ, એટલે ત્યાં જતા. મેં મારી નજરે ત્યાં કેટલીય વાર ત્યાં સાપ ફરતા જોયા છે, એટલે જ આજે કદાચ મને સાપની બીક નથી લાગતી. હજુ આજે પણ હું યાદ કરું છું એ તૂટેલો લાકડાનો દરવાજો, નાનકડા ચોગાનમાં અડાબીડ ઘાસ ઉગેલું દેખાય છે, છતાંય મંદિર ચોખ્ખું જ લાગે. એ શિવલિંગની તો જે માયા બંધાઈ તે આજે પણ નથી છૂટતી.

મારુ મન કોઈપણ કારણસર અશાંત હોય અને ત્યારે હું મારા શૈશવની આંગળીએ મારા એ મોજ વિસ્તારમાં ઘૂમી વળું અને જ્યાં કુંડેશ્વર મહાદેવના દર્શન થાય ત્યાં તો બસ સમાધી લાગી જ જાય. બીજું બધું વિસરીને મન અકથ્ય ભક્તિભાવથી એમના સાન્નિધ્યમાં જ રહેવાનું પસંદ કરે. આંખમાંથી અશ્રુધારા વહી જતી હોય પણ એની તો ખબરેય ન રહે અને ધીમે ધીમે ખીલતા પુષ્પની જેમ અંતરના ઊંડાણમાંથી આનંદ ઊગવો શરુ થાય, એ આનંદની છોળોથી અંતર ભીંજાઈ જાય. વહી જતા અશ્રુઓ સાથે અશાંત મનના બધા અભાવો પણ વહી જાય. જાણે જીવનમાં કોઈ મુશ્કેલી આવી જ નથી!

સરસ ગામની સ્મૃતિઓ અને સાથે નાના-નાનીનો અમારા ઉછેરમાં જે ફાળો છે તે અમૂલ્ય છે. એમની શિસ્ત આજે જીવનમાં એટલી કામ આવે છે જેને આચરણ માં મૂક્વાથી અહીં ટૉરન્ટો, કેનેડાના સરકારી કાર્યાલયમાં પણ મારા વખાણ થાય છે, અને ત્યારે મનોમન કુંડેશ્વર મહાદેવ અને નાનાજીને શીશ ઝુકાવીને પ્રણામ કરી લઉં છું.

– કેતા જોશી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “શૈશવની આંગળીએ.. – કેતા જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.