સંબંધોના સમીકરણ – અશ્વિન સુદાણી

(સૂરત ફેમીલી કોર્ટમાં કાઉન્સેલર શ્રી અશ્વિનભાઈ સુદાણી ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે; ૭૫ વિષય સાથે ૭૫ કલાક ૩૨ મીનીટસ વિશ્વનું સૌથી લાંબા સમયનું મનનિય પ્રવચન આપવા બદલ તેમને આ પુરસ્કાર મળ્યો છે રીડગુજરાતીને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક hraxiom.sudani@gmail.com એ સરનામે અથવા ૯૩૭૫૩ ૨૮૫૮૦ પર કરી શકાય છે.)

દામ્પત્યજીવનમાં આત્મીયતા એ જીવનનું સૌથી વધુ સુખ આપનારું પાસું છે. આપણી કેટલીક પરંપરાઓ શ્રેષ્ઠ છે, એવી અનુભૂતિ અમોને ફેમીલી કોર્ટના કન્સીલેશન રૂમમાં, તૂટતા સંબંધોને બાંધવાના પ્રયત્ન કરીએ છીએ ત્યારે અનુભવાઈ છે. આજથી પચ્ચીસ વર્ષ પહેલાના માતા-પિતાથી અલગ આજના માતા-પિતાની પિડા છે. પહેલા કરતાં વિચારધારામાં વધુ આધુનિકતા આવી છે એવું કહેવા કરતા આજના માતા-પિતા પોતાના યુવાન દીકરા-દીકરીથી વધુ ડરતાં થઇ ગયા છે એમ કહેવું વધુ યથાર્થ ઠરે છે.

વીસ-બાવીશ વર્ષના દીકરા-દીકરી જે નિર્ણયોમાં લે છે તેમાં વાલીઓ ખુદ દબાણમાં રહીને પણ પોતાના નિર્ણયોને હડસેલે છે. સત્ય કહેતા ડરે છે કે રખેને મારા છે તે મારાથી અળગા થઇ જશે તો? સાંપ્રત સમયમાં મહદ અંશે આવા માતા-પિતા પોતાના જ બાળકોના વર્તન-વ્યવહાર અને વિચારધારાને કારણે પીડાય છે. આધુનિકતાનો વિરોધ ન જ હોઈ શકે પણ જયારે પારિવારિક જીવનનો ભોગ લેવાતો હોય ત્યારે ચોક્કસપણે સમયસર જાગવાની જરૂર છે.

“કરલો દુનિયા મુઠ્ઠીમે” ની ઘેલછાએ સમગ્ર માણસ જાતને દુનિયાની મુઠ્ઠીમાં લાવીને કદાચ વધુ સંકુચિત કરી દીધો હોય એમ લાગે છે. વાલીઓને સતત ભય રહે છે કે મારા બાળકો વિશ્વમાં પાછળ ના રહી જાય કે અમારા જેવી તકલીફ ના પડે માટે એને શક્ય એવી સર્વોતમ સુવિધા આપવામાં આવે, પરંતુ વાસ્તવિકતા કઈક જુદી છે.

શૈક્ષણીક સિધ્ધિઓ અને વિશ્વને સમજવા પોતાના બાળકોને મોબાઈલ, ઈંટરનેટની સુવિધા સમય પહેલા ઉપલબ્ધ કરાવનારા માતા-પિતા પછીથી શું સંભાળ રાખવી જોઈએ તે ભૂલી જાય છે, સમય નથી આપી શકતા કે બહાનાઓ કાઢ્યા કરે છે. આખો દિવસ વ્યવસાયિક સ્વાર્થ કે સામાજિક સ્વાર્થ પાછળ, કેમ છો?, કેવું ચાલે છે?, મઝામાં ? અને સ્વાસ્થ્ય કેવું છે? જેવા અનેક પ્રશ્નો પુછાતા ફરનારા આપણે રાત પડ્યે ઘરે જઈને આપણામાંના કેટલા આવાજ પ્રશ્નો ઘરે પોતાના બાળકોને પૂછે છે?

આવા વાતાવરણમાં શ્રુતિનો ઉછેર થયો હતો. ૨૩ વર્ષના પગથીયા ચડતા ચડતા શ્રુતિ, બંગાળી યુવાન સિદ્ધાર્થને નાકની ચુન્ની રીપેર કરાવવા આપવા જતા આંતરમાનસ પર લાગણીનો એક લીસોટો ખેંચતી આવી. સિદ્ધાર્થે વડોદરામાં એક નાનકડી “જ્વેલ રીપેર” નામની દુકાન ખોલી રાખી હતી. સિદ્ધાર્થને પહેલીવાર જો કોઈ મળે તો ગુજરાતી જ માની લેવાની ભૂલ કરે. કોલકતાથી આવ્યાને લગભગ પાંચેક વર્ષ થયા હશે. શ્રુતિ હજુ પાંચેક દિવસ પહેલા જ તો તેની દુકાને ગઈ હતી.

સિદ્ધાર્થ : “તમારો મોબાઈલ નંબર આપતા જાઓ, રીપેર થઇ જશે ત્યારે જાણ કરીશ.” શ્રુતિને આ શબ્દોમાં કઈક અલગ જાદુ લાગેલો. ક્રમશઃ બેઉ વચ્ચે વ્હોટસપમાં મોટીવેશનલ સુવાક્યોથી લઇ મિત્રતાની શાયરીઓના રસ્તેથી શ્રુતિની પ્રશંશા ચાલુ થઇ ગઈ. હવે શ્રુતિ, સિદ્ધાર્થના લાગણીના પ્રવાહમાં ભીંજાઈ અને ધીરે-ધીરે તણાવા લાગી, ને આખરે એક દિવસ વટવ્રુક્ષ એવા પોતાના માતા-પિતાના મૂળીયામાંથી ઉખડી ગઈ. માતા-પિતા એક જબરદસ્ત આંચકા વચ્ચે મહામહેનતે પોતાની જાતને સંભાળી.

“તમારી દીકરી ભાગી ગઈ?”

“શ્રુતિ મળી?”

“કોની સાથે ગઈ?”

“બેન તમનેય અંદાજ ન આવ્યો?”

“ઓહો! છોકરીઓને તો ઘર બહાર મોકલાય જ નહિ.”

આવા તો કેટલાય મ્હેણાં સાંભળીને માતા-પિતા કયારેક-કયારેક એક-બીજાના ખભે માથું મૂકીને નાના બાળકની માફક હિબકે રડી લેતા. કોઈ ભાળ ન હતી. છેલ્લા ૧૫ દિવસથી સિદ્ધાર્થની દુકાન બંધ હતી. આખરે કોઈકે જણાવ્યું “તમારી દીકરી કોલકતા છે. બંગાળી સાથે ગઈ છે પત્ની બનીને..”

બીજા દિવસે સવારના ન્યુઝ પેપરમાં શ્રુતિ સાથેના સંબંધોના વિચ્છેદની જાહેરાત ફોટા સાથે છપાઈ હતી, સાથે લખ્યું હતું “શ્રુતિ માટેનું આ પીંડદાન છે – લૌકિક રીવાજ બંધ છે.” અહી આખરે માનવ સંબંધ ઝાંખો પડ્યો. માતા-પિતા આખરે કરે પણ શું? સમાજની અને પરિવારની પરંપરાઓ તોડવાની ઘટનાઓ વધતી ચાલી છે.

શ્રુતિ અને સિદ્ધાર્થનું લગ્ન જીવન સરસ રીતે ચાલુ થઇ ગયું. વડોદરા આવવા ઘણી વખત બેઉએ વિચાર કર્યો, પણ શ્રુતિ આખરે નિરાશ થઇ હારી જતી. સિદ્ધાર્થ સાથે ત્રેણેક મહિના વીતી ગયા છે. લાગણીઓમાં અમાસીઓટ આવવા લાગી. શ્રુતિને વાસ્તવિક જીવનના પ્રવાહમાં વહેવું મુશ્કિલ થતું જણાવા લાગ્યું. એ ગૂંગળામણ અનુભવવા લાગી, અસમંજસ વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી. એને સમજવા લાગ્યું કે આકર્ષણ અને વાસ્તવિકતામાં શું ભેદ છે. કેમકે સિદ્ધાર્થના પરિવારે શ્રુતિને સ્વીકારી જ ન હતી. સંબંધોની દિવ્યતાનો પ્રકાશ આઘે આઘે પણ શ્રુતિને દેખાતો નથી. આ સંબંધ સમાજમાન્ય ન હતો, સ્વમાન્ય હતો.

દામ્પત્યજીવન રક્ષિત જણાતું નથી. સંસ્કૃતિને હાની પહોચી હતી. દામ્પત્યની સ્થિરતા ડગમગવા લાગી. શ્રુતિને માતા-પિતાના ત્યાગ અને પ્રેમની કિંમત સમજાઈ ચુકી છે. શ્રુતિ માટે રીતભાતો જુદી હતી.દેવને પૂજવાની રીત જુદી હતી. પરિવારની રીત-રસમોમાં ફરક હતો. માન્યતાઓ અને ધારણાઓમાં ખુબ વધારે અંતર હતું જે અત્યાર સુધી શ્રુતિ જીવી હતી. એનાથી અલગ કોલકતામાં જીવવાનું હતું.

નાનો ભાઈ જયારે જયારે યાદ આવ્યો ત્યારે શ્રુતિ મોઢે રૂમાલ રાખી અવાજ વગર હિબકે હિબકે રડી પડતી. વેરણ રણમાં ભૂલી પડેલી હરણીની માફક તે ઝૂરી રહી, જીવવા માટે. ઘરમાં આવતા મહેમાનો સાથે ઘરના સભ્યો અલગ ભાષામાં વાતો કરતા જાણે કે શ્રુતિની હાંસી ઉડાવતા હોય. સિદ્ધાર્થના મુખેથી વહેતી લાગણીઓ સૂકાઈ ગઈ હતી, શ્રુતિ નામની માછલી તરફડીયા મારી રહી છે.

“આ આપણા સમાજની નથી..” આ વાક્યોએ શ્રુતિની સૃષ્ટી અને સુંદરતાને ખુબ મોટી હાની પહોચાડી છે. બહેનપણીએ વ્હોટસપમાં સંબંધ વિચ્છેદની મોકલેલી જાહેરાત શ્રુતિએ સાચવીને રાખી છે. પોતે માનેલા પરિવારથી ફરી એકવાર ભાગીને શ્રુતિ આજે આઠ મહીને પોતાના જન્મભૂમિના શહેરમાં મહિલા વિકાસ ગૃહના માધ્યમથી કાઉન્સેલર સુધી આપવીતી કહેવામાં શબ્દો કરતા આંસુએ પોતાની કથાની બયાન કરી છે.

સણકો: “શ્રુતિ માટેનું આ પીંડદાન છે – લૌકિક રીવાજ બંધ છે.” ક્યાંક આ નવો રીવાજ તો ચાલુ નથી થઇ રહ્યોને? પરંપરા અને સસ્કારના ઓથ તળે!

– અશ્વિન સુદાણી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “સંબંધોના સમીકરણ – અશ્વિન સુદાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.