જાદુઈ છોકરી (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા

નવમાં ધોરણમાં ભણતી કોશા ભલી લાગણી અને સદબુદ્ધિનો ખજાનો. રમતિયાળ બાળક. કોઈની પણ સાથે ઓળખાણ-પિછાણ વિના સીધી જ વાતો કરવા મંડી પડે ને પેલો અજાણ્યો થોડી જ વારમાં પોતાનો થઇ જાય. પૂર્વી ને અંતરા બેય એની પાકી બહેનપણીઓ. પૂર્વી લાડમાં એને લીલુંછમ વૃક્ષ કહેતી તો અંતરા કહેતી એને બાળકબાગ. કોશા સાથે હોય એટલે શીતળતા, વિશ્રાંતિ અને આનંદ=સંસ્કારના ફળફૂલ મળતાં જ રહે. કલ્પનાના રંગો ખીલતા જ રહે. ધનાઢ્ય માબાપનું એકમાત્ર સંતાન. ક્યાંય આ વાતનું મિથ્યાભિમાન એનામાં ડોકાય પણ નહીં. સારા કામ માટે તત્પર કોશા જરા પણ રોકાય નહીં. ‘કર્યું એ કામ’ એમાં એ માને. તરત દાન ને મહાપુણ્ય. એનો એક મહત્વનો ગુણ એ કે તે એકીસાથે અનેક ઘટના પર ધ્યાન દે. એની જાગૃતિ ગજબની.

“મમ્મી, વહેલા નીકળવાનું છે ને? તો સવારે ગેન્ડીમાં બ્રશ કર્યાં પછી નળ ચાલુ કર એના કરતા બ્રશ કરતી વખતે જ બાથરૂમનો નળ ધીરેથી ચાલુ કરી નીચે ડોલ મૂકી ત્યાં નજર રાખજે. બ્રશ થાય ત્યાં સુધીમાં ડોલ ભરાઈ જશે.” કોશા આમ તો સ્કુલેથી છૂટતાંવેંત દફતરનો ઘા કરી ઝટપટ ફળિયામાં રમવા દોડી જાય. દફતરને ખબર ન હોય કે કોશા એને આજ ક્યાં ફેંકશે ને એ ક્યાં પડ્યું છે? પણ બહારગામ જવાનું હોય કે ક્યાંક તૈયાર થઇ જવાનું હોય કોશા એના આગલા દિવસે જે કપડાં પહેરવાના ને લઇ જવાના છે તેને પહેલેથી જ નિશ્ચિત જગ્યાએ મૂકી દે એટલે જયારે જવાનું હોય ત્યારે ફાંફા ન મારવા પડે ને સમય પણ બચે. રસોડાની કે રૂમની લાઈટ બળતી હોય, પંખો વગર મફતનો ફરતો હોય ને અંદર કોઈ ન હોય તો એનાં ધ્યાનમાં એ બધું તરત જ આવે. એ લાગલી જ સ્વીચ બંધ કરી દે. ભલી લાગણીની સ્વીચ સદાય ખુલ્લી જ. આવું તો એ ઘણુંબધું કરતી ને એ પણ મસ્તીખોર ને વિરલ શૈલીમાં! ભણવામાં તેમ જ વિવિધ કળાની પ્રવૃત્તિઓમાં પણ કોશા આગળ પડતી. એની શાળાના હેડમાસ્તર શ્રી ભદ્રેશભાઈ એ માટે હંમેશા તેને આગળ કરતા. પિતા ચેતનભાઈ લાડમાં કહેતા. “આ તો મારી ડાહી તોફાની દીકરી છે. ગમે તેટલું અંધારું હોય, એ હોય એટલે ચોતરફ ચાંદનીનું અજવાળું ફેલાયું જ સમજો. ઈશ્વરે એક છોકરીમાં આટલું બધું સારું ભરી દીધું! ભલાઈ અને કળાનું ફૂલ પેકેજ. નક્કી ગયા ભવનો કોઈ મોટો પુણ્યશાળી આત્મા મારે ત્યાં જન્મ્યો છે.” જો કે મમ્મી મિતાલીને એની છોકરમત બહુ ન ગમતી કે ન સમજાતી. તે એને વધુપડતું ગણાવી લાલબત્તી ધરતી, પણ પિતાજી લીલી ઝંડી આપી દેતા એટલે પીળી પાનખરના સ્ટેશને ઝાઝું રોકાણ થતું જ નહીં. કોશાની જીવનટ્રેન વ્હીસલ વગાડતી સડસડાટ આગળ ધપતી. ટ્રેનની વ્હીસલ પણ પિતાને નટખટ શ્યામસુંદરની બંસરી જેવી લાગતી.

આજે પણ કારની બારીમાંથી નજર પડતાં જ તે દરવાજો ખોલીને..! મમ્મી અકળાય છે. “ક્યાં જાય છે તું? મોલમાં જવાનું મોડું થાય છે ને તું આમ જાહેર રસ્તા પર..! હજી એવી ને એવી છોકરમત. કોણ જાણે ક્યારેય…” મિતાલીની જીભ લપસે છે, કચરો ઠાલવે છે.

પરંતુ કોશા કોઈ લપસીને હેરાન થાય એવું નથી ઈચ્છતી. રસ્તા પર પડેલી કેળાની છાલ ઊઠાવીને પોતે રાખેલી થેલીમાં નાખે છે. નજીકમાં કચરાપેટી નથી. ‘મમ્મીની અંદર જામેલો કચરો પણ સાફ થઇ જાય તો એ ‘સ્વચ્છતા અભિયાન’ સમિતિની પ્રમુખ સાચી.’ – વિચારતી તે ફરી કારમાં બેસે છે.

મોલમાં ઘણી વાર આવતી મિતાલીને ત્યાંના મોટાભાગના કર્મચારીઓ ઓળખતા હતા એટલે મોલમાં અંદર પ્રવેશતા જ મિતાલીએ એક કર્મચારીને એક વસ્તુ પકડાવતા જે સુચના આપી જેનો અદબભેર એણે અમલ કર્યો. “આને થોડીક વાર જરા સાચવો. અઠવાડિયા પહેલાં જ બારોબારથી ખરીદયું, પણ તકલાદી છે. જરાક તૂટેલું છે. જો કે મેં બંધ તો કર્યું છે. પણ ધ્યાન રાખજો, છટકી ન જાય. આમ તો થોડી જ મિનિટનો મામલો છે. પણ આ જ વસ્તુ હું અત્યારે જ આ મોલમાંથી નવી લેવાની છું, એટલે..!..થેંક્યું.” આ વસ્તુ ઘરમાં આવી ત્યારથી કોશા મીતાલીનું માથું ખાઈ આદુ ખાઈને એની પાછળ પડી હતી. તે દિવસે ઘરે આવેલા ભત્રીજા ગૌરાંગે પણ કાકીને સમજાવ્યા હતા, પણ મિતાલી પોતાનું ધાર્યું જ કરવાના મૂડમાં હતી.

મોલનો માલિક ફરીદ રોજ મોલમાં ન આવતો, પણ રવિવારે સાંજે તો એ હાજર હોય જ. વળી ગમે તે દિવસે અચાનક પણ આવી જાય, જેથી મોલ અને કામ કરતા માણસો વ્યવસ્થિત રહે ને ગ્રાહકોને સંતોષ મળે. આજે તે મોલમાં હાજર હતો. “આ ભાઈ કોણ છે?” કોશાનું કુતુહલ ને મમ્મીનો સહેજ અણગમા સાથે જવાબ!

“પણ તારે એનું શું કામ છે? ખોટી લપ મૂકી દે, ને જે લેવાનું છે એમાં ધ્યાન આપ.” પરંતુ કોશા જેનું નામ. એ મોલના દરવાજે ઊભેલા ચોકીદારને પૂછવા ગઈ ને જવાબ મેળવીને જ રહી. ફરી એ ફરીદ પાસે દોડી ગઈ. એક નવતર વિચાર ઝબકી ઊઠ્યો હતો, જેનો અહીં આ મોલમાં પ્રયોગ કરવા તે થનગની રહી! ફરીદ સામે સ્મિત વેરતી એ પૂછી રહી, “અંકલ, તમે અહીં જાદુના ખેલ કરો છો?”

ફરીદ ચમક્યો. અત્યાર સુધી આવી રીતે મોલમાં કોઈએ તેને પૂછ્યું નહોતું. કોઈ જાતની ઓળખાણ કે પૂર્વભૂમિકા વગર આમ સીધેસીધું પણ સહજ..! એણે ક્ષણભર નવાઈભેર આ છોકરી સામે જોયું. પોતે તરત તો ના બોલી શક્યો, પણ પછી પ્રયત્નપૂર્વક જવાબ આપી રહ્યો. “ના, પણ હા અમે જાદુની વસ્તુઓ વેચીએ છીએ ખરા. જો સામેના કાઉન્ટર પર…”

“તો આજે તમને એક જાદુ બતાવું. હું કંઇક એવું કરીશ કે લોકો ગમે તે હાલતમાં બેઠાં હોય, ઊભા થઇ જ જશે. કોઈ મારી વાત નહીં માને એવું બનશે જ નહીં. હું કોઈ જાતની સુચના નહીં આપું તોય બધા ઝપ દઈને ઊભા થઇ જશે ને એ પણ સામો એક પણ પ્રશ્ન કર્યાં વિના..! છે ને કમાલની વાત? આ જાદુ એવું દાદુ છે. વળી આવું કરવાથી તમને કે કોઈને કોઈ જાતની તકલીફ નહીં જ થાય. અંકલ, ઝાઝો સમય નહીં લઉં, બે-ત્રણ મીનીટમાં જ મારો ખેલ પૂરો થઇ જાશે. જૂઓ જાદુનો રંગ. તમે દંગ રહી જશો દંગ. બોલો..કરી બતાવું?”

ફરીદને થયું. “આ તે વળી કેવી છોકરી! હું એને કદી મળ્યો નથી, ઓળખતો નથી તોય..! આ પણ એક જાતનું જાદુ જ છે ને?” ફરીદનેય ચટપટી ઊપડી હતી કે આ અટપટી છોકરી એવું તે કરશે શું કે..?

કોશાની અંદરનું પેલું રમતિયાળ બાળક પોતાનું હીર બતાવી રહ્યું હતું. ભોળપણ, શાણપણ ને બચપણ એકસાથે રમી રહ્યાં હતાં જે ફરીદને પણ ગમ્યું. મંજૂરી મળતાં જ કોશાએ માઈક માંગ્યું ને પછી ફરીદ પાસેથી એક વચન પણ.. “અંકલ, જો મારો જાદુ ચાલી જાય તો હું માંગું એ આપશો? જૂઓ, હું અહીની કોઈ વસ્તુ મફતમાં નહીં માંગું. ને તમને કે કોઈને જરીકે નુકસાન નહી થાય. ઊલટું તમને તો ફાયદો જ થશે. ચાલો આપો વચન.” કોશાની નિર્દોષતા ને સહજતામાં ફરીદ એવો તો ખેંચાયો કે એણે વચન આપી દીધું. અસમંજસમાં અટવાયેલી મિતાલીએ દીકરીને અટકાવવાની કોશિશ કરી પણ..! કોશાએ તો પોતાનું જાદુ પાથરવા માંડ્યું હતું. કંઠ પણ સુરીલો ને લાગણી પણ મીઠેરી. એણે રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક…’ ગાવા માંડ્યું. રીવોલ્વીંગ ચેર પર બેઠેલો ફરીદ માનભેર ઊભો થઇ ગયો ને મોલમાં રહેલા તમામ લોકો પણ..! જે ઊભા હતા તે સૌ સલામી આપી રહ્યા. ભાતભાતની વાનગી આરોગી રહેલા જાતજાતના લોકો પણ પળભર ખાવાનું અટકાવીને સાશ્ચર્ય તેમ જ માનભેર આ નવતર પ્રયોગને…!

ભારત દેશનું રાષ્ટ્રગીત પૂરું થતાં જ તાળીઓના ગડગડાટથી સમગ્ર મોલ ગુંજી ઊઠ્યો. પુસ્તકો ખરીદવા આવેલા સંકેત, કથન, દધીચિ અને શ્રેયા ચમક્યા! અરે આ તો આપણી કોશાનો અવાજ! આ ચારેય કોશાના સહાધ્યાયીઓ તો ખરા જ, પણ મહત્વની વાત એ હતી કે કોશાએ ‘પંચતત્વ’ નામનું એક ગ્રૂપ બનાવ્યું હતું જે પર્યાવરણના જતન માટે કામ કરતું, જેના આ બધા ‘સક્રિય’ સભ્યો પણ હતા! એ બધા નજીક આવી કોશાને શાબાશી આપી રહ્યા. ભાવવિભોર ફરીદે કોશાનો વાંસો થાબડયો. “વાહ બેટી, તેરા જાદુ ચલ ગયા.” જો કે આટલું તે માંડમાંડ બોલી શક્યો કેમ કે…! ને આ વાતનું જેણે પહેલેથી જ ઝીણવટભર્યું નિરીક્ષણ કરી લીધું હતું એવી કોશા તરત જ બોલી ઊઠી. “તો હવે વચન પાળો. પાળશો ને? પાકું ને? ફરી તો નહીં જાવ ને અંકલ?” ફરીદે કોશાના મસ્તક પર હાથ મૂકી વચન પાળવાની તૈયારી બતાવી ને કોશાએ જે માંગ્યું તે સાંભળી ફરીદ પળભર અવાચક! જો કે આમ પણ તે અવાચક જેવો તો હતો જ. કોશા તેની વાચા ને તેનું અંતર ખોલી રહી હતી. ન કોઈ પૂર્વપરિચય કે ન કોઈ સંબંધ..તોય અધિકારપૂર્વક કોશા ફરીદને…!

કોશાની વાત સાંભળી ફરીદે ફરી તેની પીઠ થાબડી ને પોતે તરત જ મોલના વોશરૂમ પાસે રાખેલા ડસ્ટબીન તરફ દોડ્યો. ત્યાંથી પાછો આવ્યો ત્યારે.. હવે તે સ્પષ્ટપણે બોલી શકતો હતો. હા, કોશાને આપેલા વચન મુજબ વ્યસનના અઠંગ બંધાણી એવા ફરીદે આ ઘડીથી કાયમ માટે ફાકી-ગુટકા-મસાલા જેવા વ્યસનોનો ત્યાગ કરી દીધો હતો!

મિતાલી કોશા સાથે વોશરૂમમાં ગઈ. બહાર આવતાં જ કોશા ફરી ફરીદ પાસે પહોંચી ગઈ ને મીઠો ઠપકો આપી રહી.”અંકલ, બે વોશબેસીનના નળ પુરા બંધ નહોતા. મેં બંધ કરી દીધા. આવું કાંઈ ચાલે? પાણી બચાવો, પાણી તમને બચાવશે. પછી સૌને આનંદથી નચાવશે. મારી મમ્મીએ તો એ જોયું પણ ખરું, તોય એણે ધ્યાન ન આપ્યું! ખુલ્લા નળમાંથી પાણી ટપકી રહ્યું હતું.” ફરીદની આંખોમાંથી પણ પાણી ટપકી રહ્યું હતું. એ અપલક કોશા સામે જોઈ રહ્યો.

જાણે પોતાની આયેશા દીકરી લાડમાં ખખડાવતી હોય એવી લાગણી થઇ. “ઈશ્વર-અલ્લા તુજે ઐસી હી નેક, આબાદ, સલામત રાખે બેટી..” એનાથી અનાયાસ હોઠ પર આવા શબ્દો આવી ગયા.

મિતાલીએ પેલી નવી લેવાની ‘વસ્તુ’ ખરીદી એમાં કશુંક મૂકયું ને પછી તે મોલના કર્મચારીને સાચવવા આપી. એને પોતાના માટે ડ્રેસ પણ લેવો હતો. ડ્રેસ પસંદ કરી તે બરાબર બંધબેસતો થાય છે ને કેવો લાગે છે એ ચકાસવા તે ચેન્જ રૂમમાં ગઈ ત્યાં જ..કોશાને ફરી એક બીજો નવલો વિચાર આવ્યો! એ ચેન્જ રૂમના દરવાજા પાસે ગઈ. એણે મોલના માણસોને તાકીદ કરી કે….!

કામ પૂરું થઇ જતાં મિતાલીએ દરવાજો ખોલવાની કોશિશ કરી પણ…! દરવાજો બહારથી બંધ હતો! દરવાજો ધણધણી ઊઠ્યો, પણ ખુલ્યો નહીં. મિતાલીની બૂમ, આજીજી, ગુસ્સો, ધમપછાડા…સઘળું વ્યર્થ. પાંચ મિનિટ તે અંદર ચેન્જરૂમમાં જ પુરાઈ રહી. અંતે કોશાએ દરવાજો ખોલ્યો ને મીતાલીનો પિત્તો ગયો. મોલના સ્ટાફને તે જેમ ફાવે તેમ સંભળાવી રહી. ન કહેવાનું કહી રહી. આ બધી બુમરાણ સાંભળી ફરીદ દોડી આવ્યો. “મેડમ, તમને તકલીફ પડી એ માટે સોરી, પણ આમાં મોલના કોઈ માણસનો વાંક નથી. એ લોકો તો તૈયાર હતા દરવાજો ખોલવા. કેટલીય વાર એમણે વિનંતી પણ કરી, પરંતુ આ કોશા બેટીએ જ એમ કરવાની ના પાડી એટલે….!”

ને એક સણસણતો તમાચો કોશાના ગાલ પર…! “હવે હદ થઇ ગઈ. ઇનફ ઇઝ ઇનફ. આવી તે કાંઈ છોકરમત હોય? મારી એક એક મિનિટ કેમ વીતી છે એનો તને કંઈ અંદાજ છે? કંઈ ભાન છે? આટલા બધા લોકોની હાજરીમાં, જાહેરમાં મારી ફજેતી થઇ એની તને કાંઈ પરવા જ નથી! પાંચ તો શું, બે મિનિટ પણ અંદર પુરાઈ રહે એટલે ખબર પડે કે સામેવાળાની શી હાલત થાય છે! તારે તો બહાર રહીને બસ તમાશો જ જોવો છે. અત્યાર સુધી મેં ‘હશે, હવે સમજી જશે’ કહીને જતું કર્યું હતું, પણ હવે નો વે. નથીંગ ડુઇંગ. આજથી તારી આ બધી છોકરમત બંધ. હું જરાય ચલાવી નહીં લઉં. કોઈ વાતે સમજતી નથી તેમાં નફ્ફટ?” મીતાલીનો ગુસ્સો ફાટફાટ થતો હતો. એણે કોશાને ધક્કો માર્યો ને કોશા ધરાશાયી. મોલમાં સોંપો પડી ગયો.! વિસ્ફારિત નજરે બધા આ તમાશો જોઈ રહ્યા. ધારણાના જન્મદિવસ માટે મોલમાં ગીફ્ટ ખરીદવા આવેલા એનાં માબાપ ને કોશાના સહ્રદયી પડોશી રાજેન્દ્રભાઈ-રશ્મીબેન કોશાને ઊભી કરવા દોડી આવ્યાં. જો કે કોશા હતપ્રભ થયા વિના જાણે કંઈ જ બન્યું નથી એમ પોતાની જાતે જ તરત ઊભી થઇ ગઈ.

“મમ્મી, સમજવાનું મારે નહીં, તારે છે. તું જે મને અત્યારે કહી રહી છે મારે તને આ જ કહેવું હતું. મેં તને કીધું પણ હતું,.. એક વાર નહીં, અનેકવાર. મેં ને પેલાએ પણ આજીજી કરી હતી, તારી જેમ જ ખૂબ ધમપછાડા કર્યા હતા, પણ તે શું કર્યું? કોઈની વાત તું કાને જ નહોતી ધરતી. તારા કાનપુરમાં હડતાલ ને હૈયાના દરવાજા પણ બંધ. હવે જાતઅનુભવ થયો એટલે ખબર પડી ને કે..? બોલ હજીય તારે તારું ધાર્યું કરવું છે? તો કર. તું મને ભણવાનું પૂછતી હતી ને કે સ્વચ્છતા અભિયાન ને આઝાદીનો પાઠ બરાબર પાકો કર્યો છે ને, નહીંતર પરીક્ષામાં મીંડું આવશે? મેં તો પાઠ બરાબર પાકો કર્યો છે, પણ તે..! તને તો મીંડી પણ ન દેવાય. માઈનસ માર્ક જ દેવા પડે. હજી તારે આ વસ્તુ ઘેર લઇ જવી છે કે પછી..?” કોશાએ તે વસ્તુ ઊંચી કરીને બતાવી ને મોલમાં પહેલાં કરતા પણ જોરદાર સોંપો પડી ગયો. મિતાલી ટગરટગર કોશા સામે જોઈ રહી. પશ્ચાતાપના પાવન આંસુમાં કડવાશ ધોવાઈ રહી હતી. જડતા ખોવાઈ ગઈ હતી. હવે વર્તનમાં નમ્રતા નીતરી રહી. “મને માફ કર દીકરી. તે એક દિવસમાં મને, આ બધાને ઘણું સમજાવી દીધું છે…” કોશાની છોકરમત એક એવી મુઠ્ઠી ઊંચેરી રમત હતી જ્યાં મમત નહોતી, પણ મમતા ને સમતા હતી. જ્યાં ખુલ્લાપણાંનો શ્વાસ સહજ લઇ શકાતો હતો. સૌનું મંગલ થતું હતું. મોલના માલિક ફરીદે સુંદર પુસ્તકો તેમ બીજી કેટલીક વસ્તુઓ તાત્કાલિક પેક કરાવીને કોશાને ભેટરૂપે આપી, ને મિતાલીને કહ્યું, “ના ન કહેતા. હું આ બધું મારી દીકરીને જ આપું છું. તમારે તો ઊલટું આવી દીકરી મેળવવા બદલ ગૌરવ લેવું જોઈએ.” ફરીદે કોશાના ગાલે વહાલની હળવી ટપલી મારતા કહ્યું, “મુજે તુજ પર નાઝ હૈ બેટી.” કોશા કહે, “હું ભેટ તો લઇ લઉં, પણ બીજું એક વચન પણ આપો તો.. બોલો આપશો ને? પાકું ને?”

“ફરી વચન ટપકી પડ્યું? આણે તો ભારે કરી.” – વિચારતી મિતાલી દીકરીને અટકાવી રહી પણ..

“બેટી, તું કહે એ સર-આંખો પર. બોલ. મને એતબાર છે કે આમાં મનેય ફાયદો થવાનો છે.” ફરીદે સ્નેહ અને વિશ્વાસથી કોશા ભણી જોતા હા ભણી. કોશાએ દર વર્ષે આર્થિક રીતે નબળા એવાં પાંચ-દસ વિદ્યાર્થીઓને આવા ત્રણ-ચાર સારાં પુસ્તકો તેમ જ ભણવાના પાઠ્યપુસ્તકો લઇ આપવાનું, ને મહિને પાંચ ગરીબોને ભોજન કરાવવાનું વચન માંગ્યું ને માલેતુજાર ફરીદે તે હરખભેર સ્વીકાર્યું. પોતે તો ધનાઢ્ય એટલે અમારા જેવાને આપવા કરતા આવા જરૂરતમંદોને આપો તો વધુ લેખે લાગે એવી કોશાની વાત શીરાની જેમ એને ગળે ઉતરી ગઈ. “રહેમ કરો તો એનું ઊલટું મહેર થાય, કહેર નહીં શું સમજ્યા અંકલ? ઈશ્વર-અલ્લાહ તમારા પર સદા રહેમ ને મહેર વરસાવશે.” રમુજ સાથેની શુભકામનાઓ કોશા આ ભલા માણસને આપી રહી.

કોશાએ નહોતું કીધું, છતાં ફરીદે નક્કી કરી લીધું કે હવે પછી તે પોતાના મોલમાં પેલી વસ્તુ કદી વેચવા માટે રાખશે જ નહીં. મોલમાં રહેલાં તમામ ખાલી પાંજરા હટાવી લેવાનો આદેશ અપાયો. મિતાલીએ મોલમાંથી નવી લીધેલી એ ‘વસ્તુ’ કોશાના કહેવા મુજબ પરત કરી દીધી હતી ને પછી કોશાએ..! પોપટ પાંજરામાંથી મુક્ત થતાં ખુશીનો માર્યો ખુલ્લા આકાશમાં ઉડી ગયો. જતાજતા એ કોશા સામે જોઈ કશુંક કહી રહ્યો હતો કદાચ..! ના, કદાચ નહીં, એકસો ને દશ ટકા તે આ જાદુઈ, ભલી છોકરીને સાંકડા ઘરમાંથી વિશાળ ગગનનું ઘર પરત અપાવવા બદલ ‘થેંક્યું’ કહી રહ્યો હતો.

(‘કુમાર’ ઓગસ્ટ-૨૦૧૭માં પ્રસિદ્ધ)

– દુર્ગેશ ઓઝા, ૧ જલારામનગર, નરસંગ ટેકરી, હીરો હોન્ડા મોટર્સ પાછળ, ડો.ગઢવીસાહેબના મકાન નજીક, પોરબંદર ૩૬૦૫૭૫.

મો.૯૮૯૮૧૬૪૯૮૮. ઈ-મેઈલ durgeshoza@yahoo.co.in


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સંબંધોના સમીકરણ – અશ્વિન સુદાણી
આજની યંગ જનરેશન – દિવ્યેશ વિ. સોડવડિયા Next »   

24 પ્રતિભાવો : જાદુઈ છોકરી (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા

 1. riddhi says:

  સર બહુ જ સરસ

 2. ૨૧૮૪ શબ્દો અને ટૂંકી વાર્તા? !!!!

  • durgesh oza says:

   શ્રી રિદ્ધિબેન,ધન્યવાદ.જય હો. આદરણીય શ્રી સુરેશભાઈ,આ લઘુકથા કે નવલકથા તો નથી જ. ને મેં જે વાર્તા લખી એ સાહિત્યપ્રકાર માટે ‘ટૂંકી વાર્તા’ એવો જ શબ્દપ્રયોગ છે. એ હેઠળ જ આ વાર્તા આવે છે. ‘લાંબી વાર્તા’ એવો કોઈ શબ્દપ્રયોગ નથી. આવી ઘણી વાર્તાઓ આ શબ્દપ્રયોગ હેઠળ ઘણા લખે જ છે.આનાથી પણ લાંબી વાર્તાઓ આ ટૂંકી વાર્તાના પ્રકાર હેઠળ સિદ્ધહસ્ત નામી-અનામી ઘણા લેખકોએ લખી છે. તો મારામાં જ આવો પ્રશ્ન કેમ થયો ! તમારા આશ્ચર્યથી આશ્ચર્ય થયું! વાર્તાના સત્વ વિશે પણ એકાદ શબ્દ હોત તો વધુ આનંદ થાત.ખેર, ખુલ્લાં હ્રદયે આપને નુતન વર્ષની શુભકામનાઓ. વાર્તાતત્વ અક્ષત રાખીને અનેક શુભ સંદેશા,મુદ્દા એક જ વાર્તામાં સહજ આવરી શકાય એવો મારો આ સંનિષ્ઠ પ્રયત્ન છે.આ કૃતિશીલતા આબાદ પરખી મારી કૃતિ પ્રસિદ્ધ કરવા માટે કુમાર તેમ જ રીડગુજરાતીની ટીમને અભિનંદન.આભાર.

 3. પ્રિય દુર્ગેશ ભાઈ,
  માઠું લગાડવા માટે ક્ષમાયાચના.
  વાર્તા ખરેખર સરસ છે. એની ભાવના પણ એવી જ સરસ છે. અભિનંદન.

 4. Durgesh Oza says:

  No no sorry Shri Sureshbhai,Itis OK.no problem.thx.for compliments.

 5. ખૂબ જ સુંદર રચના.

 6. ચેતન શુકલ says:

  સામાજિક નિસ્બતના સંદર્ભ લઈને પણ સારી વાર્તા લખી છે.

 7. Vinod Sonagra says:

  Dear Durgeshbhsi,

  Really very very nice touchy story. I liked it very much. Go on…

 8. Shyam Popat says:

  Really very nice story

 9. kirit says:

  MR .OZA ,
  IT IS AN EXCELLENT SHORT STORY, KEEP WRITING . YOU DOING
  GREAT JOB, DO NOT PAY ANY ATTENTION TO NAGATIVITE

 10. Vishvesh Zala says:

  બસ આમ જ લખતા રહો ખૂબ સરસ સ્ટોરી
  અભિનંદન

 11. Kishorbhai Vachhani says:

  Very fine short story. Touch to everyone ❤️ Heart.Keep it UP.Nice lessons in short line.Thanks to sent me.

  • Niharika Anjaria says:

   Jadui chhokri laghukatha ek saras varta chhe, jema author shri Durgeshbhaie ek sathe vadhu hetu siddh karya chhe, knoledge & agene koi relation nthi nanakdi chhokrini suzbuz ketli suxm chhe te batavayu chhe Teni vatone koi ignore karinthi saktu accept kare j chhe ,te mahattvanu chhe, Authorne abhinandan, hji vadhu aava sarjan aapta re, guj3 bhashane evi aasha chhe

 12. SATISH MEHTA says:

  All in one very interesting story

 13. Paresh Tank says:

  Durgesh bhai
  Very Nice Story,Congratulations!!

  Paresh

 14. jintan says:

  mr. durgeshbhai its a vry heart touching story keep it up .

 15. Arpit says:

  sorry to say that but some part is good in concept but it is very boaring at end and at starting i have great fond of reading story of imaginary concept(like river of chocolate etc) if you can write any new for realted that for us it will very great of you

  • durgesh oza says:

   શ્રી અર્પિતભાઈ. તટસ્થ અભિપ્રાય માટે આભાર. ગમ્યું. આપનું સૂચન પણ ધ્યાનમાં લઈશ. મને પણ આવું લખવાનું મન છે. આપને ને સર્વે વાંચકોનો મારી ટૂંકી વાર્તા ‘ જાદુઈ છોકરી’ માટે પ્રતિભાવ આપવા બદલ તેમ જ રીડગુજરાતી.કોમનો અહીં આ કૃતિ મૂકવા માટે આભાર.

 16. Dushyant Pala says:

  વાહ……માળા ના પંખી પિંજરા મા ના શોભે… ..

 17. Divyanshu Vaishnav says:

  Very Nice Message through this Story.
  Abhinandan, Durgesh Bhai.
  Aavi Vadhare Rachnao karta raho.

  Best Regards.

 18. Mavji maheshwari says:

  All right see you

 19. Rangwani jayesh says:

  Shu lakhyu chhe sir…. Jordar….. Aflatoon…. Really great.. …..kya bat hai sir…..

 20. Aum Mehta says:

  Bov mast story uncle.
  Hu Bhavin Mehta no son.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.