સૂરજ – નયના મહેતા

(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

ઢીંચણ પેટમાં પેંઠેલા હોય તેમ જમીન પર પગની એડીઓ ઉપર ઊભડક બેઠેલા કરસનને જરાય ચેન નહોતું. એ પોલીસથાણાની બહાર ભલે બેઠો હોય પણ એની આંખો અને મન ઘડીએ-ઘડીએ થાણાની અંદર આંટો મારી આવતાં હતાં. અંદર એનો વરસ પહેલાં ખોવાઈ ગયેલો દીકરો સૂરજ હતો!

એકનો એક દીકરો ખોવાયો ત્યારે કરસન અને ગોમતી બંને કેવાં બહાવરાં બનીને એને શોધતાં હતાં! દોડી-દોડીને એમના પગ ઘસાઈને ગોઠણે આવી ગયા ને રડી રડીને આંખોય નબળી પડી ગઈ ત્યારે, વરસ પછી આજે દીકરો મળ્યાની ખબર આવી! એ તો શહેરના માલેતુજાર તપન મરચન્ટની દીકરી લિપિ ખોવાઈ તેમાં ‘હો-હા’ થઈ ગઈ. મંત્રીઓ સુધ્ધાં જેના ઘેર આંટા મારે તેવા તપનની ધાકથી પોલીસે આકાશ-પાતાળ એક કર્યાં ને લિપિને શોધી કાઢી. ભેગા બીજા બે છોકરા પણ મળ્યા. એમાં સૂરજ પણ મળ્યો એટલે સૂકા ભેગું લીલું બળે એમ કોઈવાર લીલા ભેગું સૂકું બળેય ખરું જેવો તાલ હતો!

લિપિને લેવા આવેલી ચાર-પાંચ લાં……..બી લિસોટા જેવી ગાડીઓ લિપિને લઈને ગઈ તે પછી કરસનને અંદર બોલાવ્યો. અંદર જતાવેંત કરસનની નજર એક સેકંડમાં આખા થાણામાં ફરી વળી. ખૂણામાં એક પાટલી પર બેઠેલાં બે મેલાંઘેલાં, ચીંથેરાહાલ બાળકો એની નજરે પડ્યાં. લખેલો કાગળ પાણીમાં પલળી જાય ને પછી સુકાય ત્યારે જેવો દેખાય તેવા આ છોકરાઓના ચહેરા લાગતા હતા. કરચલીવાળા ને નૂર વિનાના! એક છોકરાનો હાથ કોણીથી તૂટેલો હતો! કરસનનું હૈયું મૂંગી ચીસ પાડી ઊઠ્યું. ત્યાં પોલીસ ઓફિસરે ‘તું જ સૂરજ છે ને?’ એવું જે છોકરાને પૂછ્યું તેના બંને હાથોને પંપાળતી કરસનની નજર એના ચહેરા પર જઈ અટકી. સૂરજે અને કરસનનાં હૈયાએ સાથે જ ‘હા’ પાડી.

પોલીસ ઑફિસરે કરસન સૂરજનો પિતા છે તેની ખાતરી માટે મંગાવેલા કાગળ તપાસ્યા. કરસનના પડોશી મનુની સાક્ષી પણ નોંધી. બધી વિધિ પતાવી સૂરજની સોંપણી કરતા બોલ્યા, ‘કરસનભાઈ, હવે તમે તમારા દીકરા સૂરજને લઈ જઈ શકો છો!’ કરસનને દોડીને દીકરાને બાથમાં લઈ લેવાનું મન થયું પણ પોલીસચોકીમાં થોડો સંયમ રાખતો તે બોલ્યો, ‘ચાલ બેટા સૂરજ, ઘેર ચાલ. તારી મા કાગડોળે તારી રાહ જોતી હશે.’ સૂરજ ઊભો થયો, પણ આ શું? એનો એક પગ ગોઠણથી નીચે હતો જ નહીં! પેન્ટની એક બાંય લબડતી હતી! પાટલી નીચેથી તેણે કાખઘોડી કાઢી! કરસનથી ચીસ પડાઈ ગઈ. આંખે અંધારાં આવી ગયાં. મનુએ એને પડતાં સાચવી લીધો. દીકરાને ઓછું ના આવે એટલે ઘડીકમાં કરસને હોશ સંભાળ્યા. તે સ્વસ્થ થઈ ગયો. ત્રણે ઘેર જવા નીકળી ગયા.

ગોમતી પોતાની બેનપણી અને પાછી પડોશી એવી સવલી જોડે સૂરજની રાહ જોતી હતી. તેણે દૂરથી ત્રણ ઓળા આવતા જોયા. ગોમતીની આંખો એમાંથી પોતાના દીકરાને શોધતી હતી. કરસન અને મનુ સિવાયના ત્રીજા ઓળાને લંગડાતો જોઈ ગોમતીને ફાળ પડી. ઘડીક તે બેભાન જેવી થઈ ગઈ. જેમ તેમ જાત સંભાળી ગોમતી એને ભેટવા સામી દોડી. પોતાના જ પંડમાંથી છૂટા પડી ગયેલાને ફરી જોડતી હોય તેમ તેણે સૂરજને બાથમાં ભરી લીધો. સૂરજમાં કોઈ ઉત્સાહ ન હતો! સૂરજ જાણે ઠંડો પડી ગયો હતો! ‘છોકરો કેવાય દી જોઈને આવ્યો હશે તે આવો થઈ ગયો છે!’ એમ મન મનાવી ગોમતી સૂરજની સરભરામાં પડી.

સૂરજને ભાવતું અને ઘરને પોસાતું બનાવીને દીકરાને ખવડાવતી. બે દિવસ પછી બુત જેવા થઈ ગયેલા દીકરાને જોઈ તેની ધીરજ ખૂટી. ‘સૂરજના બાપુ, આ તમે કોને લઈ આયા છો? આ આપણો સૂરજ નોંય. નથી હસતો કે નંઈ કોઈ વાતચીત. જાણે ચાવી દીધેલું પૂતળું! અરે! એની આંખોય અગોચર ભાળતી હોય તેવી છે!’ ગોમતીએ હૈયાવરાળ કાઢી. ‘હા… હા… ગોમતી, ઓલા કસાઈઓએ દઈ જોણે એવું તે શું કર્યું હશે કે છોરો જીવવાનુંય ભૂલી ગયો છે. કેટલું મલાવીને વાત કઢાવવા કરું છું પણ કંઈ બોલે તો ને?’

‘મેં કંઈ નથી કર્યું : મને ના માર્શો, દયા કરો, મારા હાડકાં ભાંગી ગયાં છે. બસ કરો.. ના મારો… હું ભીખ માંગીશ બસ… રે’વા દો… મારશો નંઈ…’ બુત બનેલા સૂરજમાં અચાનક પ્રાણ ફૂંકાયા હોય તેમ એ રાડો પાડવા લાગ્યો! વાત એમ હતી કે સવલીનું ચપ્પલ કૂતરું લઈ ગયું. એ જોઈ સવલી લાકડી લઈ તેની પાછળ દોડી. કૂતરાના મોંમાંથી ચપ્પલ છોડાવીને લઈ આવી. હોબાળો થતાં ગોમતી બહાર નીકળી. ‘શું થયું સવલી, શેનો હોબાળો છે?’ ગોમતીએ પૂછ્યું તેના જવાબમાં સવલી તેને ચપ્પલપુરાણ કહેતી હતી ત્યાં અંદરથી આવતા સૂરજે સવલીના હાથમાં લાકડી જોઈ રાડારાડ કરી મૂકી! સૂરજમાં એકાએક આવેલો બદલાવ જોઈ બંને જણી ડઘાઈ ગઈ. બંને એને સમજાવવા અને શાંત પાડવા લાગી. પણ સવલીને નજીક આવતી જોઈ સૂરજની રાડો બેવડાઈ ગઈ! ગોમતીએ ઈશારો કરી સવલીને જતી રહેવા કહ્યું. મામલો માંડ શાંત પડ્યો.

કરસને આ વાત જાણી ત્યારે સહુને સમજાઈ ગયું કે અપહરણ કરનારા બદમાશોએ સૂરજ પર અત્યાચાર કરવામાં પાછું વાળીને જોયું જ નથી. તેમાંય પગ કાપ્યો ત્યારે તો… આગળ બંને વિચારી પણ ના શક્યાં! માસુમ બાળકને ભીખ માગવા મજબૂર કરવામાં એ લોકો નર્યા નરપિશાચ બની ગયા હશે, એમાં લગીરે શંકા ન હતી.

એકવાર સૂરજને જરા સારા મૂડમાં જોઈ ગોમતીએ કહ્યું, ‘સૂરજ, તારું મન માને તો પાછો શાળામાં જવા માંડ… ભણવામાં જીવ પરોવે તો તને હારુ લાગશે.’ ‘ના બઈ, મારે શાળામાં નથી જવું. મારા બધા ભાઈબંધ આગળના વર્ગમાં ગયા. હું પાછળ રહી ગયો. વળી લંગડો કહી બધા ચીડવે.’ પણ આવું તો કેમ ચાલે? ગોમતીને થયું, ‘સૂરજે ફરી જીવવાની કોશિશ કરવી જ પડશે.’ શું કરવું? અચાનક ગોમતીને આશાનું એક કિરણ દેખાયું ! તેને કોકી કેમ યાદ ના આવી? પોતાની નાની બેન કે જેને મહેનત મજૂરી કરી પોતે ગ્રેજ્યુએટ કરાવી. ભણેલા યુવક જોડે પરણાવી. નોકરી કરતી, સુખેથી જીવતી કોકી જરૂર પોતાને મદદ કરશે. ગોમતીને આશા બંધાઈ. કોકી એક જાણીતા ડોક્ટરના દવાખાનામાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી.

ગોમતીનો સંદેશો મળતાંવેત કોકી પોતાની બહેનની મદદે દોડી આવી, ‘ક્યાં છે મારો લાડકો ભાણિયો?’ બોલતી કોકી ઘરમાં આવી. ગોમતીએ બારણાની આડશે બેઠેલા સૂરજ તરફ ઈશારો કર્યો. કોકીએ જોયું તો, ટગરટગર પોતાને જોતો સૂરજ એને સાવ અજાણ્યો ને પારકો લાગ્યો! ‘માસી’ ‘માસી’ કરતો દોડતો આવીને વળગી પડતો સૂરજ જાણે બુઝાઈ ગયો હતો!

ઘરના જ બીજા ખૂણે લઈ જઈ ગોમતીએ આંસુભરી આંખે બધી વાત કહી. ગોમતીએ કોકીને વિનંતી કરી, ‘કોકી આ મારા દૂણાયેલા દીકરાને હવે તું પાછો હસતો-રમતો કરી આપ.’ કોકીએ હિંમત આપી, ‘બેન, તમે જરાય ચિંતા ના કરશો. હું બધું સંભાળી લઈશ. બધું ઠીક થઈ જશે. સહુથી પહેલાં તો આપણે સૂરજનો પગ ઠીક કરાવી દઈશું.’ નાના ઘરમાં બંનેની વાત સૂરજને ના સંભળાય તેવું તો ન હતું. કોકીના છેલ્લે બોલાયેલા શબ્દો – ‘પગ ઠીક કરાવી દઈશું.’ સૂરજના કાને પડ્યા કે વળી સૂરજમાં ચેતન આવી ગયું. ‘શું? શું કહ્યું માસી? પગનું શું કહ્યું? શું મારો પગ ઠીક થઈ જશે?’ સૂરજ એકીશ્વાસે બોલી ગયો. કોકીએ આ બદલાવને સહર્ષ નોંધ્યો. તેણે તરત જવાબ આપ્યો, ‘હા રે દીકરા, કેમ નહીં? જયપુર પગની વાત તેં સાંભળી છે?’ ‘ના માસી, તમે કહોને’ સૂરજ અધીર બની ગયો. ‘સાંભળ બેટા, જયપુરમાં બનાવટી પગ બનાવી આપે છે. અસ્સલ આપણા પગ જેવો જ લાગે. કોઈને ખબરે ના પડે કે બનાવટી પગ લગાડ્યો છે!’ સૂરજની આંખો ચમકી ઊઠી.. પણ એક જ પળમાં તે પાછો નિરાશ થઈ ગયો ને બોલ્યો, ‘પણ માસી ખર્ચો…..’ કોકી તરત બોલી, ‘ગાંડા, પૈસાની તારે શી ચિંતા? હું છું ને? તારે બસ સાજા થવામાં સાથ આપવાનો છે. મારી ભેગા જયપુર આવવાનું, સમજ્યો?’ ‘હા, માસી હું તૈયાર છું. તમે મને જયપુર લઈ જજો.’ ‘બસ ત્યારે સૂરજ, હવે બધું મારા પર છોડી દે બેટા. તું જયપુર જવાની તૈયારી કર. હું બીજી બધી તૈયારીઓ કરું છું.’ કોકીએ સૂરજને સારવાર કરાવવા તૈયાર કર્યો, ગોમતીને ધીરજ બંધાવી, પછી ત્યાંથી વિદાય થઈ.

જયપુર જવા માટેની બધી તૈયારીઓ કરવામાં બે દિવસ થયા. ત્રીજા દિવસે કોકી સૂરજને લઈને જયપુર જવા નીકળી ગઈ. પોતે જ્યાં કામ કરતી હતી, તે ડૉક્ટર આનંદ ઠાકરના ખાસ મિત્ર ડૉ. મુકુંદ મહેતા ઑર્થોપેડિક ડૉક્ટર હતા. તેમણે જ સૂરજની પ્રાથમિક તપાસ કરી લીધી હતી. બધી વિગતો જણાવતો પત્ર પણ જયપુરના દવાખાના માટે લખી આપ્યો. જયપુરમાં એ જ દવાખાનામાં કામ કરતા ત્રિકમભાઈને સૂરજની ભલામણ કરતી ચિઠ્ઠી પણ લખી આપી હતી, ‘બાકીનું ત્રિકમભાઈ સંભાળી લેશે.’ તેવું કહી ડૉ. મુકુંદ મહેતાએ કોકીને કોઈ તકલીફ ના પડે તેની કાળજી લીધી. પોતે કરેલી બચતમાંથી જરૂરી રકમ પણ કોકીએ ઉપાડીને સાથે રાખી. ખૂટે તો હપતેથી ભરી દેવાની ખાત્રી કોકીએ ડૉ. મુકુંદભાઈ દ્વારા આપી હતી. આમ પૂરેપૂરી તૈયારી કરી, માસી-ભાણો સોનેરી ભાવિની આશાની આંગળી પકડી જયપુર જવા નીકળી પડ્યાં.

મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયેલી કોકીએ આખા રસ્તે સૂરજના મનમાં ઊંડા ઊતરી ગયેલા ડરને ટટોળ્યો અને તે દૂર કરવા કોશિશ કરી. જયપુર આવતામાં તો સૂરજ પોતાને ઘણો હળવો અનુભવતો હતો. એની અંદરનો સૂરજ ફરી હૂંફાળો બનવા લાગ્યો હતો! એ માસી સાથે બાળ-સહજ મીઠી-ભોળી વાતો કરવા લાગ્યો હતો.

જયપુરના પગના દવાખાને પહોંચી કોકીએ સહેલાઈથી ત્રિકમભાઈને શોધી કાઢ્યા. ડૉ. મુકુંદ મહેતાનો પત્ર વાંચી ત્રિકમભાઈએ દવાખાનામાં તો ઘટતી વ્યવસ્થા કરી જ દીધી, સાથે-સાથે સાવ નજીવા ખર્ચે નજીકમાં જ રહેવા – જમવાની વ્યવસ્થા પણ ગોઠવી આપી. ‘ત્રિકમભાઈ, તમે તો મારા મનનો બધો ભાર ઊતારી દીધો. હવે મારે કોઈ ચિંતા ના રહી. તમારો આભાર કઈ રીતે માનું તે સમજાતું નથી.’ કોકીના વિવેક સામે તરત ત્રિકમભાઈએ પણ વિવેક બતાવ્યો, ‘બેન, આમાં મેં કઈ નથી કર્યું. ડૉ. મુકુંદભાઈ અહીં એન.જી.ઓ.માં ઘણું દાન આપે છે. તમારા માટે તો એમણે પોતે જ ભલામણ કરી છે. વળી એમનો મારા પર ફોન આવેલો એટલે બીજી કોઈ ખાતરીની જરૂર પણ નથી. તમે સામેના કાઉન્ટર પર કેસ કઢાવી લો.’

કોકીએ કેસ કઢાવ્યો. સૂરજના પગની તપાસ થઈ. પગના જુદાં-જુદાં માપ લીધાં. ‘પગ બનતાં બે-ત્રણ દિવસ લાગશે.’ તેવું કહી કોકીને પછીથી મળવાનું કહેવામાં આવ્યું. કોકીએ ત્રિકમભાઈને કેસ આપ્યો. તેમણે કેસ પેપર પર લાલ શેરો મારી તેને અલગ થોકડીમાં રાખ્યો.

‘બેન, હવે બે દિવસ તમે છુટ્ટાં. જયપુરમાં હરો-ફરો પછી અહીં મળજો. અને હા ઊભા રહો.’ કહી ત્રિકમભાઈએ ડ્રોઅરમાંથી એક એન્વલોપ કોકીને આપતાં કહ્યું, ‘અહીંની એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ કંપની પગ માટે આવેલા લોકો પૈકી રોજ બે વ્યક્તિને જયપુર દર્શન માટે ફ્રી પાસ આપે છે. તો આવતી કાલના પાસ તમે રાખો. આજે આરામ કરી કાલે જયપુર દર્શન કરજો.’ કોકીની આંખો ભીની થઈ ગઈ. આવી તો તેણે કલ્પના પણ નહોતી કરી!

જયપુર દર્શન માસી-ભાણા માટે હર્ષની હેલી જેવું બની રહ્યું. બસમાં ગાઈડ હતો એટલે જોવાની સાથે સમજવા પણ મળ્યું. બે દિવસ તો ચપટીમાં નીકળી ગયા. ફરી દવાખાનામાં ગયાં ત્યારે સૂરજનો પગ તૈયાર હતો. પગ ફીટ કરી સૂરજને ચલાવ્યો. શરૂઆતમાં ચાલવું જરાય ફાવતુ નહોતું. પણ ચાર-પાંચ વાર ચલાવતાં હવે સૂરજને ચાલતાં ફાવવા માંડ્યું. ‘જાઓ સૂરજભાઈ, હવે ચાહો ત્યાં ફરોને મઝા કરો.’ કહી સૂરજને વિદાય આપી. કોકી છેલ્લે હિસાબ પૂરો કરવા ગઈ તો મોટાભાગની ફી માફ કરી હતી! માત્ર ટોકન જેટલા પૈસા ભરવા પડ્યા. કોકી સહુનો આભાર માની સૂરજને લઈને પાછી ફરી.

વહેલી સવારે કોકી સૂરજને લઈ ગોમતીના ઘરની સામે આવી ગઈ. ગોમતી રાહ જોતી બહાર જ ઊભી હતી. સૂર્યનારાયણ પૂર્વમાં ઊગી રહ્યા હતા. ગોમતી બોલી ઊઠી, ‘સૂરજના બાપુ, જલદી બહાર આવો, જુઓ, કોકી જોડે આપણો સૂરજ સાજો-નરવો થઈને ચાલતો આવે છે! કરસન કૂદીને આવ્યો હોય તેટલી ઝડપે બહાર આવ્યો, ‘હા ગોમતી એના મોં પર અજવાળું-અજવાળું છે. એ સૂરજનું છે કે એનું પોતાનું?’ ‘એ પોતે જ ઊજળો થયો છે. આજે તો આપણા આંગણે બે સૂરજ ઊગ્યા છે. સૂરજના બાપુ.’

‘ત્યારે મને કેમ ઝાંખુ દેખાય છે, ગોમતી?’

‘સૂરજના બાપુ આંખ્યું લૂછી નાખો એટલે બરાબર દેખાશે.’ ગોમતી બોલી. કરસન પોતાના પહેરણની બાંયથી આંખો લૂછી બોલ્યો, ‘હા ભઈ, આ તો બે સૂરજ ભેગા જ ઊગ્યા છે. એક ઊગમણે ને બીજો આંય આપણા આંગણે !!’

*
સંપર્ક :
કે-૮, ચંદ્રપુરી ઍપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર સરકારી વસાહત પાછળ,
ગુરુકુળ-ડ્રાઈવઈન એરિયા,
મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨
મો. ૯૮૯૮૦૫૪૬૪૨


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આજની યંગ જનરેશન – દિવ્યેશ વિ. સોડવડિયા
ઈમાનદારી – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

8 પ્રતિભાવો : સૂરજ – નયના મહેતા

 1. બહુ જ સરસ વાર્તા.

 2. ખુબ સરસ વાર્તા. એક મૂવી આવ્યુ હતું અંગ્રેજીમાં જેનો પછી હિન્દીમાં અનુવાદ સાથે પણ આવ્યું હતું. નામ યાદ નથી પણ એમાં પણ બાળકોને જબરજ્સ્તીથી ભીખ મંગાવતા અને એ માટે એમની પર અમાનુષી અત્યાચાર કરતાં તે યાદ આવી ગયું.

 3. Gita kansara says:

  Nice story

 4. Vaishali Shah says:

  Very good story with positive end

 5. viral says:

  like the way they have took care of him and changed his outlook.

 6. Nayan says:

  positive end is always welcome. It fullfill our life with light.mast mast story.

 7. meha says:

  બહુ સરસ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.