(પ્રો. મનસુખ સાવલિયાની ત્રણ અછાંદસ રચનાઓ આજે પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ. તેમનો સંપર્ક તેમના મોબઈલ પર ૯૮૨૫૯૫૬૨૫૪ અને ઈ-મેલ mtsavaliya@yahoo.com પર કરી શકાય છે. રીડગુજરાતીને કૃતિ પાઠવવા બદલ તેમનો આભાર.)
૧. વેપારી
અરે વાહ !
તું તો કહેતો હતો કે
સર્વ જીવોમાં તને એકલાને જ સાંપડી છે –
એક અદભુત શક્તિ-વિચારશક્તિ !
પણ કેમ કરીને હું માનું તારી એ વાત ?
તું તો
ઉગ્યો ઝાડની થઇ કૂપળ,
મહેક્યો પુષ્પોની સુગંધમાં,
ગરજ્યો આષાઢી મેઘગર્જનામાં,
ને ચમક્યો વીજ-ઝબકારે !
વળી,
તું છવાયો પંખી-કલરવમાં,
ખળખળ વહ્યો નાચતાં-કૂદતાં ઝરણામાં,
ફોરાયો ભીની માટીની મહેકમાં,
ને ઝીલાયો શ્રાવણ-સરવડે !
હા, પ્રગટયો થઇ એકલ યોગી હિમ-શિખરે,
ને વસ્યો અલખ-નિરંજની ગિરનારી-ગુફાઓમાં !
પણ પછી….
પછી પછી શું?
તું ભરાયો મારી અંદર
ને
કર્યો મને ય વિચારતો !
હવે
તને શોધવા મારે પાળવા યમ-નિયમો,
કરવા હઠયોગ ને ધરવા રાજયોગ,
તોય
ભલા ખાતરી શી ? તું મળીશ કે કેમ,
આટલી મોટી કિમંત,
આવા મિલનની ?
તું. તો ખરો વેપારી !
૨. મારો વાલીડો
શોધ્યો તને ઠેર ઠેર
પણ મળ્યો તું ભીતરથી
તારી દીધેલ આજ્ઞાને
માથે ચઢાવી હોત તો
તું મળ્યો હોત વહેલો
ભવ થયો હોત સહેલો
પણ વાલીડા
અમેય તારા સર્જેલા
હવે તને મૂકીશું
ક્યાંય નહિ રેઢો
અને તરીશું
અમારો આ ભવદરિયો !
૩. ટીપું
વરસ્યો વરસાદ રૂમઝૂમ
બાઝ્યાં પાણીનાં ટીપાં
લાઈનબંધ વાયર પર
વા-ની લહેરખીએ
ફરતાં હતાં આમતેમ.
હસ્યા મારી સામે,
કહેતાં હતાં,
કેવાં છીએ મજાનાં.
હળવાફૂલ, ભાર વિનાનાં.
ભુલાયું ભાન,
અથડાયું આગળનું ટીપું,
ન ઝિલાયો ભાર બીજાનો
પડ્યું ભફ દઈને હેઠું
જીવનનું ય કૈક આવું ?
– પ્રો. મનસુખ ટી. સાવલિયા
4 thoughts on “ત્રણ પદ્યરચનાઓ – પ્રો. મનસુખ ટી. સાવલિયા”
બહુ જ સરસ અને અર્થના ઊંડાણ વાળી રચગઈ.નાઓ. ગમી
બહુ જ સરસ અને અર્થના ઊંડાણ વાળી રચનાઓ. ગમી ગઈ.
સુંદર રચનાઓ
Jordaar sir