થોડાસા રુમાની હો જાયે.. – નમ્રતા દેસાઈ

જેવી ટ્રેન આવી, એક જ ઝટકે એ ધક્કામુક્કીમાં અંદર ફેકાઈ ગઈ. હજુ સવારના દસ જ વાગ્યા હતા પણ પુષ્કળ ગરમી અને બફારો લાગતો હતો. દરિયાને પોતાની બાથમાં લઈને દોડતી મહાનગરની લાખો સ્ત્રીઓમાંથી એ એક નાનકડી સ્ત્રી. સૌ દોડે એમ એ પણ દોડતી હતી, આ શહેરની સાથે પોતા0ને સંસારને મઠારવા!

રોજની જેમ જ એ આજે પણ મોડી પહોચી હતી. હજી પર્સમાંથી પાણીની બોટલ ટેબલ પર મૂકે એ પહેલા જ કેબિનમાંથી હુકમ આવી પહોચ્યો. સખત તરસ લાગી હતી છતાં પાણી પીવા માટે એ ન રોકાઈ, જીવનની તરસમાં પણ એ આમ જ સુકાઈ જતી છતાં એ તરસ છીપાવવાનો એને સમય જ ક્યાં હતો? અનુરાધાને શાંતિથી શ્વાસ લેવાની અને સપના જોવાની જાણે મનાઈ હતી.

“અનુરાધા.. ‘ સાહેબનો એ જ કર્કશ અને કડવાશભર્યા અવાજ! “ફરી આજે તમે મોડા છો? જુઓ! નિયમ બધા માટે સરખા હોય, આવી ઇનડીસીપ્લીનસ વારંવાર ન ચલાવી લેવાય. તમારે લીધે સ્ટાફમાં બીજા પણ હવે મોડા આવતા થઇ ગયા છે. બીજીવાર આવું નહિ ચલાવી લેવાય, સમજ્યા!”

અનુરાધા જાણે બઘુ સમજી ગઈ હોઈ એમ! એકીટશે માથુ નીચું રાખીને જમીન તરફ જોતી રહી.

“તમે હવે જઈ શકો છો!” ખાસ્સીવાર થઇ એટલે સાહેબે હુકમ કર્યો.

જવું જ છે પોતાને, પણ જાય ક્યાં? ને જઈને અટકવાનું ક્યાં? કોણ રાહ જુએ છે દિલથી? કોણ આવકારે એને? છે એવી કોઈ જગ્યા જ્યાં આ બધું છોડીને એ ભાગી શકે? પરણીને આવી ત્યારે એ ફક્ત ૨૧ વર્ષની હતી! બહુ ના પાડી હતી એણે, નથી પરણવું આટલું જલ્દી! ખૂબ ભણવું છે. ખૂબ ફરવું છે. દેશ-વિદેશની યાત્રા કરીને ઘણું શીખવું છે. પછી સમય મળશે તો પરણીશ! પણ માની દલીલબાજી સામે એ હારી ગઈ હતી.

“જો અનુ! મારી પાસે એવી કોઈ મિલકત કે વારસો નથી કે તને આજીવન ભણાવીને તારા આવા નખરા પોષી શકું! તારા પાછળ તારી એક નાની બહેન અને ભાઈ છે. તારા બાપુ તો મને એકલી મૂકીને આ બઘી જ જવાબદારીઓ માથે નાખીને ચાલ્યા ગયા, તે હજી સુધી ભાળ નથી. કાયદો પણ કહે છે કે સાત વર્ષ સુધી ભાળ ન મળે તો મૃત જાહેર થાય અને કોઈ જાતે જ પોતાના પગલાં ભૂસીને ચાલી જાય તો માણસ પછી ક્યાં શોધે!

“બસ મા! હવે વધારે ન ચલાવીશ. શું જલ્દી છે? હું છું ને? થોડા વરસ ભણી લેવા દે! નોકરી કરીશ અને ઘર પણ ચલાવીશ.”

“અનુ, હવે તું સપના જોવાનું રહેવા દે! રંજન ફોઈના ગામના જ છે. પણ મુંબઈ રહે છે. ચાર જ જણાનું કુટુંબ! નોકરી સારી છે. છોકરો પણ સારો છે. નક્કી કરી દઈએ. લગ્ન તારી પરીક્ષા પતે પછી લઈશું.”

બસ! ત્યારથી આજ સુધી એને સપનાં જોવાની મનાઈ હતી.

“અનુરાધા મેડમ! આકાશ સરે પર્ચેઝ ફાઈલ મંગાવી છે.” અચાનક બલરામના અવાજે એને ભૂતકાળમાંથી ઢંઢોળી. એણે ઝડપથી નીચા વળીને ફાઈલ કાઢી બલરામના હાથમાં આપતી વખતે સામેના ટેબલ પર બેસતા આકાશ તરફ આડકતરી રીતે નજર ફેરવી.

એ જ નિખાલસ સ્મિત! હમેશની જેમ ઈસ્ત્રીટાઈટ કપડા, ગોલ્ડ્ફ્રેમના ચશ્માં, એના કરતા આકાશની ઉમર લગભગ બમણી પણ દેખાવમાં પ્રભાવશાળી અને આકર્ષક. રોજ કોઈને કોઈ કામના બહાને બંનેની નજર એક થતી પણ એ હંમેશા પોતાની નજર ઢાળી દેતી. આકાશ તો એને સ્મિત આપે પણ એ જરા અમથું યએની સામે હસી ન શકતી.

પુરુષો તો હંમેશા પારકી સ્ત્રીને જોવાનો અને મોકો મળે તો વાત કરવાની તક ઝડપી જ લેતા હોય છે! પછી ભલે ને તે ગમે તે ઉમરના હોય એવી એની માન્યતા એની ગાંઠે બંધાઈ હતી.

એક જ માપદંડ હોય છે પુરુષોના! સ્ત્રીના શરીરની ભીતર સુધી પહોંચી શકાય અને પરિતોષ? એ પણ ક્યાં આ જમાત બહારનો હતો! આખા દિવસની નોકરીથી થાકી હોય છતાંય કોઈ પ્રેમના બે શબ્દ કે વ્હાલ નહીં, બસ એની ભાષા એક જ ! આનાકાની કર્યા વગર પોતાની જાતને સોંપી દેવી. એના ગાંડપણથી ક્યારેક એને ચીઢ ચઢતી તો ક્યારેક ઉબકા આવતા પણ મને-કમને એ પત્નીધર્મ બજાવી લેતી, છતાં ય પરિતોષ બહાર વલખાં મારતો રહેતો. એટલે જ એ પોતાના પુરુષની ઘવાયેલી તોય બહારના પુરુષની સામે જોવાનું ટાળતી.

લંચ ટાઈમમાં એ મેગેઝીનના પાના ઉથલાવામાં મશગુલ હતી આજે એ ટીફિન પણ નહોતી લાવી અને ભૂખ ભૂલવાની  મિથ્યા  કોશિષમાં અચાનક એને આકાશનો અવાજ એકદમ નજીકથી… એ ઊભી જ થઈ ગઈ!

“આકાશ સર! તમે? કંઈ કામ હતું?”

“કેમ? કામ હોય તો જ તમને મળવાનું?” એ થોડી ઓઝપાઈ ગઈ.

“હું ક્યારનો જોતો હતો કે તમે આજે પણ ટિફિન નથી લાવ્યા એટલે આજે મારી સાથે લંચ શેર કરશો એમ પૂછવા આવ્યો છું.” મનમાંતો નહોતી પણ પેટમાં ભૂખ હતી એટલે મોઢામાંથી કોણ જાણે કેમ હા નીકળી ગઈ. કોઈએ પહેલીવાર આટલી લાગણીથી જમવાનો આગ્રહ કર્યો હતો. બાકી તો રોજ એ રાત્રે અને દિવસે એકલી જ જમે. બધાનાું જમવાનું પતી જાય પછી જ કિચન આટોપીને ઠંડીગાર રસોઈ જમવા એકલી જ બેસતી અને આ અજાણ્યો માણસ! ખબર નહી કેમ પણ આકાશ પ્રત્યેની એની ચીડમાં આજે થોડી નરમાશ વર્તાતી હોય એવું એણે અનુભવ્યું.

સ્ત્રી માટે તો દરેક પુરુષ જીવનભર ભીતરથી તો અજાણ્યો જ બની રહેતો હોય છે…

કેટલા બધા સપના આંખોમાં આંજીને એણે સાસરામાં પગ મુકેલો. બસ બે ત્રણ દિવસની આવભગતને પછી ધાણીના બળદની જેમ.. હજુ એ સંસારના ચકકર કાપવામાં અધમૂઈ થઈ જતી. બે રૂમની નાનકડી ચાલીમાં રહેવાનું અને મધ્યમવર્ગને પડતી મુશ્કેલીઓ અને હાડમારીઓની વચ્ચે આ મહાનગરમાં જીવવાનું. એણે એકવાર હનીમુન પર જવા માટે પરિતોષને વાત કરેલી ત્યારે ઉડાઉ જ જવાબ મળેલો, “અરે! એ તો ફિલ્મી હોય બધું. આપણે તો અહીં જ રોજ જ હનીમુન. ને પરિતોષ માટે હનીમુન એટલે શરીર ચૂંથવાનું કામ! ત્યારે માએ બતાવેલા પેલા મુંબઈના સપના એને બિહામણા ભાસતા. બીજા લોકોની જેમ જ મુંબઈ શબ્દ સાંભળવામાં અને બોલવામાં બહુ ગર્વ લાગે પણ અહીં રહેતા કેટલી મુશ્કેલી, શરમ અને ક્ષોભ અનુભવવા પડે એ મહાનગરના એના જેવા મધ્યમવર્ગના દરેક જણને ખબર જ હોય!

ટેબલ પર બંને ગોઠવાયા ત્યારે પણ એ વિચારોમાં જ અટવાયેલી હતી. આકાશે ટિફીન ખોલ્યું ત્યારે એનું ધ્યાન ગયું, અંદર ફક્ત ચાર રોટલીને પાણીવાળુ શાક, ને કચુબંર! ભૂખ તો ખૂબ લાગી હતી એટલે તેમાંથી થોડું ખાઈને એણે સંતોષ માન્યો. જમ્યા પછી એણે પર્સમાંથી બે ચોકલેટ કાઢીને એક એને આપી. ઘણા દિવસો પછી એની અંદર થોડું સારું લાગ્યું એને.

ઓફિસેથી છૂટીને એ ઘરે પહોચી ત્યારે ૮ વાગી ગયા હતા. રોજ કરતા થોડું મોડું થઇ ગયું હતું. નાનકડી રૂમમાં સસરા મોટા વોલ્યુમ પર કોઈ ફાલતુ સીરીઅલ જોઈ રહ્યા હતા. હમેશની જેમ પરિતોષ પાનના ગલ્લે ઊભો હશે તેમ માની લીધું અને સાસુ બાજુમાં ગામ-ગપાટા મારવા નિકળી ગયા હતા. ન કોઈ આવકાર! ન કોઈ ઉમળકો! ન કોઈ એને સવાલ કરે કે ન કોઈ મદદગાર! એની હાજરીથી કોઈને ઝાઝો ફરક  પડતો નહોતો. ફરક ત્યારે જ પડતો જ્યારે એ પહેલી તારીખે આવતું પગારનું કવર સાસુના હાથમાં મૂકી દેતી. ત્યારે દર મહીને યંત્રવત મળતા એમના આશિર્વાદ ‘સુખી થજે!’ બસ આટલું જ..

એમ કોઈના કહેવાથી સુખી થવાતું હશે? અને ખરેખર આ લોકો ઈચ્છે છે કે આ ઘરમાં એ સુખેથી રહી શકે! પરિતોષ કોઈ પ્રાઈવેટ કંપનીમા કલાર્કની નોકરી કરતો. પોતાને જોવા આવ્યો ત્યારે તો કોઈ બેન્કમાં મોટો ઓફિસર હોય એવી અદાથી એનો ઇન્ટરવ્યુ લીધો હતો. એને ઘણીબધી વાતો કરવી હતી પરિતોષ જોડે, પણ થઈ ન શકી. એ લોકોની હા આવી એટલે માતો જંગ જીતી ગઈ હોય તેમ એના ગળે આ પરિતોષ નામના ચંદ્રકને પહેરાવી દીઘો. હજી સંસારમાં પોતે ઠરીઠામ થાય એ પહેલાં તો સસરાજીનો હુકમ આવી ગયો. ‘ઘરમાં આખો દિવસ બેસીને શું કરશો? તમારી મા હજુ કડધડે છે. ઘર સંભાળશે! તમે ભણેલાં છો તો કયાંક નોકરીનું ગોઠવી કાઢજો. આ મોંઘવારીમાં બે જણ કમાય તો જ સુખેથી રહેવાય!’

બંને જણ કમાય છે છતાં સુખ જેવું કઈ જ નથી! અને મા! કડેધડે હોવા છતાં હજી રાતના બાર વાગે તો પણ એ ઘરના કામકાજથી પરવારી નથી શકતી. રોજ રાત્રે એ નિરાશાની ખીણમાં આમ ઊંડીને ઊંડી ઉતરતી જતી અને મોડે સુઘી ઊંઘ વેરણ થઇ જતી. સવારે વહેલાં ઉઠીને રસોઈ કરીને ઉતાવળે ઉતાવળે લંચ બોક્ષ લઈને ઘરની બહાર નીકળી જવાનું. જો કે આજે રાત્રે એ ઘણા સમય પછી આરામથી સૂઈ શકી. આકાશનો જમવા માટેનો આગ્રહ, ટીફીનમાંથી જમવાનું લેતા થોડી ક્ષણ માટે થઇ ગયેલો આંગળીનો સ્પર્શ, એ યાદ આવતા જ એની અંદર એક કુણી લાગણી મખમલ થઈને ફરીફરી ઊઠી.

રોજ સવારે વહેલા ઉઠીને એણે કામ કરવું પડતું પણ હવે એ કામમાં કંટાળો ન હતો. ટિફીનમાં રોટલી શાકની જોડે એણે મેથીના મુઠીયા પણ બનાવી મૂક્યા અને રોજ કરતા થોડી વહેલી ઓફિસ પહોચી ગઈ. આકાશ હજી આવ્યા ન હતા. એની નજર વારંવાર દરવાજા પર અથડાતી હતી. બરાબર સાડા દસના ટકોરે એણે પ્રવેશ કર્યા ત્યારે એના હૈયામાં થોડો હરખ ફરી વળ્યો. લંચ અવરમાં એણે સામે ચાલીને જાણે ગઈકાલનું ઋણ ચૂકવવી મથતી હોય એમ આકાશને લંચ શેર કરવાનું નિમંત્રણ આપી દીઘું.

આજે આશ્ચર્ય અનુભવવાનો વારો આકાશનો હતો. બંને જણ ટેબલ પર આવીને આડીઅવળી વાતો કરતા કરતા લંચ પૂરું કર્યું. આકાશે એના બનાવેલા મુઠીયાની પ્રશંસા કરી એમાં એ રાજીની રેડ થઇ ઊઠી. પણ એક સવાલ અનુરાધાના મનમાં વારંવાર ઊઠતો કે એ આટલા વ્યવસ્થિત, સુઘડ અને આટલા ચીવટથી ભરેલા છતાં એની પત્ની છેક સાવ આવી બેસ્વાદ રસોઈ બનાવે?

ધીમે ધીમે આકાશ જોડે એનો લંચઅવર શેર થતો ગયો. આમ તો એ સ્ટાફના માણસ એટલે વધારે ડરવા જેવું કાઈ હતું નહિ. આકાશ એટલે મિ. આકાશ બરુઆ! છેક આસામથી અહી સુઘી માણસ નોકરી અર્થે આવે તેે એને નવાઈ ભર્યું લાગેલું, પણ મુંબઈ જેવા મહાનગરની માયા કોઈને છોડતી નથી. એવા આકાશ જોડે કોઈકવાર ફાઈલ આપવાના બહાને એનો હાથ અડી જતો, ક્યાંક ખભા જોડે માથુ લાગી જતું ત્યારે એના શર્ટમાંથી આવતી પરફ્યુમની સુગંધથી ભીતર સુધી ઝણઝણાટી વ્યાપી જતી અને અચાનક એ અનુરાધામાંથી અનુ બનીને આકાશની કલ્પનાઓમાં વિહરવા માંડતી.

પુરુષો પ્રત્યેની એની કડવાશ હવે ધીમે ધીમે ઓસરતી જતી હતી. જરાક અમથી લાગણી કે કાળજી સ્ત્રીના જીવનમાં કેટલો ફરક લાવી શકતી હોય છે. એ પોતાની જાતને હવે વધારે સમય આપવા માંડી હતી. વાળને સરખી રીતે ઓળીને ક્યારેક ગજરો નાંખતી. સાડીને બદલે ક્યારેક એ ડ્રેસ પણ પહેરી લેતી તો કોઈવાર આછા રંગની લિપસ્ટિક અને નેઈલ પોલીશ લગાવી જતી. ખબર નહી! આ ફેરફાર એની આકાશના તરફથી ખેચાઇ આવતા ચુંબકીય તરંગોથી હતો કે પછી…

ઓફિસથી થાકીને આવી હોય છતાં આખી રાત પોતાની જાતને જસ્ટીફીકેશન આપ્યા કરતી કે જે થઈ રહ્યું છે તે ખોટું તો નથી ને! ફરી ભિતરથી અવાજ આવતો, ‘થઈ જા સ્વાર્થી!’

પોતાને માટે આનંદથી જીવવાનો હક્ક તો દરેક વ્યકિતને છે? આમાં કઈ ખોટું નથી. પણ પરિતોષ? આ ઘર? આ સમાજ? અને પોતે આમ ક્યાં સુઘી કોઈની પાછળ! આવા સંબંધોનું કોઈ નામ પણ? એ બઘુ જ જાણતી હતી સમજતી હતી છતાં પોતાનાથી મોટી ઉમરના પુરુષની પાછળ આમ અજ્ઞાતરૂપે ખેચાયા કરવામાં એને ભિતર સુખ અનુભવાતું હતું. શું આને પ્રેમ કહેવાય ખરો? કયારેક તો મારા મનની વાત એમને કરવી જ પડશે! એક તરફી લાગણી જોડે આમ ક્યાં સુધી જીવવાનું? જાણે આકાશ એના મનની વાત સમજી ગયા હોય એમ આજે લંચઅવરમાં એણે એની પાસે પ્રસ્તાવ મૂક્યો.

“અનુરાધા! જો તમને વાંઘો ન હોઈ તો કાલે આપણે બહાર ક્યાંક જઈશું? મારે તમને થોડી વાત કરવી હતી.” આ તો ભાવતું હતું ને વૈદ્યે કીધું તેવી વાત થઇ. એણે તરત જ હા કહી દીધી. પણ રાત્રે જયારે એ પથારીમાં આડી પડી ત્યારે એને થયું કે ભલે એની જોડે જવાનું ગમતુ હોય પણ આકાશને ના પાડી દેવી જોઈએ. પોતે એ માણસને  હજી પૂરેપૂરો ઓળખતી નથી. ક્યાંક લાગણીના પ્રવાહમાં ખેંચાઈને કોઈની ખોટી દાનતનો શિકાર બની ગઈ તો? આખરે તો પુરુષ જ છે ને? થોડો ઘણો પ્રેમ બતાવીને આ માણસ ગેરફાયદો ઉઠાવવાની કોશિશ કરે તો? અને એમાં ક્યાંક પોતાનાથી પણ ના ન પાડી શકાઈ તો?

સવારે ઊઠી ત્યારે એણે આકાશ જોડે બહાર ન જવાનો મકકમ નિર્ધાર કરી જ લીધો. છતાં  રોજની જેમ સરસ અને સુઘડ રીતે તૈયાર થઈ.

“કેમ? આજે આટલી તૈયાર થઈને? ઓફિસમાં કઈક પ્રોગ્રામ છે?”

“ના, બસ એમ જ!” પરિતોષની શંકા વધુ દ્રઢ બને તે પહેલા તો એ ઓફિસ જવા નીકળી ગઈ.

સાંજના લગભગ ચાર વાગવા આવ્યા હતા. આકાશે નજરથી જ સંદેશો આપી દીધો કે આપણે આજે જવાનું છે પણ એણે એનો ન જવાનો નિર્ણય અફર રાખ્યો હતો. એને હતું કે પાંચ વાગશે એટલે સરની કેબીનમાં જઈને કોઈ કામસર પોતાને વ્યસ્ત કરી દેશે. પણ એવું કઈ જ ન થઇ શક્યું અને અભાનપણે આકાશની પાછળ વહેલી રજા મૂકીને ચાલી નીકળી.

કદાચ નિયતીને પણ આ જ મંજૂર હશે. ઘણા વરસો પછી એને જીવવાનું એક કારણ મળ્યું હતું. થોડું સુખેથી ને આનંદથી જીવી લેવામાં ખોટું શું છે? બન્ને ફરીને મરીનડ્રાઈવ પર પહોચ્ચા. ભૂખ લાગી હતી એટલે થોડો નાસ્તો કરીને દરીયાની પાળ પર આવીને બેઠા. આથમતી સંધ્યાની તૈયારી શરૂ થઈ ચૂકી હતી. અનુરાધા અપલક ખુલ્લી હવામાં સોનેરી સુરજને જોઈ રહી. કેટલાય સમય પછી આટલું મનોહર દ્રશ્ય એના હૃદયમાં એક અજબ અનુભૂતિ કરાવી રહ્યું હતું.

“અનુ!” એ ચમકી ગઈ. આવું સંબોધન એની મા પછી કદાચ કોઈએ પહેલીવાર પ્રેમથી કર્યું હશે. સાથે સાથ ફરી શંકાનો કીડો સળવળી ઉઠ્યો, કદાચ અનુના સંબોધનથી જ મારી વધારે નજીક આવવાની કોશિશ આ માણસ કરી રહ્યો  છે..

“તમને કદાચ નવાઈભર્યું લાગતુ હશે! આમ આપણે બે એકલા અહીં આ સમયે? મારો કોઈ એવો હકક નથી કે હું તમને મારા હદયની વાત કહેવા માટે અહીં આ રીતે..”

અનુને પણ કહેવું હતું કે ‘હું પણ તો ઈચ્છતી જ હતી કે આ સંબંધનું કોઈ નામ હોય.’ પણ એ શબ્દો બહાર ન આવી શક્યા!

“હું કોણ છું? ક્યાં રહું છું? તમને મારા વિશે એક સ્ટાફની વ્યક્તિ છું એ સિવાય કંઈજ ખબર નથી.”

‘મારે કંઈ જ જાણવું નથી! બસ આ સ્નેહ નીતરતી બે આંખોમાં હું સદાય સમાતી રહું એના સિવાય બીજુ કશું જ નહી!’ એ સ્વગત બોલી ગઈ.

“હું હવે આવતા વીકમાં અહીંથી હંમેશને માટે વિદાય લઉં છું. આ શહેરની એકલતા, કંટાળો, લાચારી અને પીડાના દુઃખદાયક સ્મરણોની સાથે હું તમારી સાથે વિતાવેલી કેટલીક સુખદ ક્ષણોના સંભારણા જોડે લઈને જવા માંગું છું. એટલે જ જતી વખતે તમારી સાથે આ સુંદર સાંજની અનુભૂતિ લઈને જાઉં તો જ આ શહેર પણ મને હંમેશને માટે યાદ રહી જશે!”

“એટલે! તમે કયાં જવાના છો?” આટલું બોલતા તો એની આંખમાં ઝળઝળીયા આવી ગયા. ફરી એે કોઈ બિહામણા રસ્તા પર આવી ગઈ હોય એમ એ થોડી ડરી ગઈ.

“મારી ટ્રાન્સફર થઈ ગઈ છે, આસામ! મારા નાનકડા વતની વજીકના જ શહેરમાં જ્યાં મારી પત્ની છે, મારા બે સંતાનો અને એક બિમાર પિતા!” અનુ જાણે સ્તબ્ધ થઈ ગઈ હોય એમ એની સામે જોતી રહી.

“મારે ખૂબ મોટા માણસ બનવુ હતું. મારા નાનકડા શહેરમાં આટલી ઉંમરે પહોચ્ચા પછી પણ હું કોઈ સત્તા કે માન સમ્માન ન મેળવી શકયો. સતત કશું ન મેળવી શકયાનો અપરાધભાવ ઢળતી ઉંમરે મને કોરી ખાતો. વૃધ્ધ પિતાની ટકટક, જુવાન સંતાનોની ઉપેક્ષા અને કર્કશ સ્વભાવવાળી પત્નીને મૂકીને મે સામે ચાલીને આટલા દૂર મુંબઈ જેવા મહાનગરમાં કંઈક મેળવી લેવાની આશા સાથે ટ્રાન્સફર લીધી હતી. છેલ્લા એક વરસથી એક ગેસ્ટ હાઉસમાં અનાથ બનીને જીવતો હતો. જ્યાં કોઈ તમને આવકારવા આતુર ન હોય! જ્યાં કોઈ તમને આગ્રહ કરીને જમાડનારું ન હોય અને માંદગી આવે તો કાળજી લેનારું પણ કોઈ ન હોય! આ શહેરમાં અનેક સપના લઈને આવ્યો હતો પણ એકલતા અને વિષાદ સિવાય હું અહીં વધુ કશું જ ન મેળવી શકયો. તમે ગુસ્સામાં હોવ કે આનંદમાં પણ કોઈ સહભાગી જ ન થતું હોય એવી નિરસ જીંદગીનો શો અર્થ!”

અનુરાધા એકીટશે એની વાતો સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થતી રહી, આ એ જ માણસ છે જેને એ બીજા પુરુષની જેમ જ સ્વાર્થી અને લોલુપ સમજતી હતી.

એક સ્ત્રી તરીકે તમે ખુબ સુંદર અને ગરીમાયુકત છો. આટલી યુવાન વયે જીવનમાં કડવાશ, ચિંંતા અને પીડામાં તમે સાચી રીતે જીવવાનું ભૂલી ચૂકયા છો એવું મને લાગે છે. એકલતાના કોચલામાં તમે તમારી જાતને કેદ કરી લીધી છે. કોઈ સુંદર સ્ત્રીના મુખ પર ક્યારેક જ સ્મિત પ્રગટે તો સમજવુ કે કાં તો એ અભિમાની હોય અથવા એ એની ભીતર અનેક પીડાઓ લઈને જીવતી હોય! તમે અહંકારી નથી એ હું સમજી ચૂક્યો હતો અને તમારી પીડા શું છે તે મારે જાણવું નથી. પણ પરિસ્થિતિ ગમે તે હોય, માણસે અંદરથી આત્મવિશ્વાસ અને આનંદથી જીવી લેવું જોઈએ! દુઃખી થઈને મારી જેમ જીવનથી ભાગી છૂટવાની વૃતિ આપણને વધારે નબળા બનાવે છે અને આપણામાં વધારે કઠોરતા અને કડવાશ પેદા કરે. હું મારા પરિવારથી અને ઘરથી દૂર ભાગીને અહી કંઈક મેળવવા આવ્યો હતો પણ પૂર્ણરૂપે કશું ન પામી શકયો.”

“ખબર નથી આ બધું હું તમને શું કામ કહી રહ્યો છું. બસ મને એટલી ખબર છે કે ‘તમે મને ગમો છો’ અને આ ગમવું, એના કોઈ કારણો અને સ્વાર્થ નથી અને એને ઉમરની જોડે પણ કોઈ નિસ્બત નથી. કોઇ પણ અપેક્ષા વગર જીવનના એક ખાલી ખૂણાને સ્મરણો થકી જીવંત બનાવવો હતો અને એટલે જ આજે અહી તમને..”

અનુરાધા એકદમ ઊભી થઈને આકાશને વળગીને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી. આકાશનો હાથ અનુરાધાની પીઠ પર ક્યાંય સુધી હૂંફથી ફરતો રહ્યો.. હદયની છેક અંદર સુધી બંને જણ લાગણીથી તરબોળ થઈ ઊઠયાં. લગભગ બે થી ત્રણ કલાક જેટલો સમય વહી ચૂક્યો હતો. આકાશમાંથી અંધારુ નીચે ઉતરી આવ્યું. મરીનડ્રાઈવની લાઈટસની હારમાળા રોશનીથી ઝગમગી રહી હતી અને અનુરાધાના મનનું અંધારુ પણ દૂર થઇ ગયું હોય એમ એ પણ આકાશથી ઝળઝળી ઉઠી! એકબીજા માટેનો પ્રેમ, હદયની ભીતર સંગોપીને બંને જણા પ્રેમ નિતરતી આંખે છૂટા પડ્યા. જ્યાં કોઈ અપરાધની ભાવના ન હતી, બસ સમજણના અજવાળા જોડે બંન્ને પોતપોતાને રસ્તે ફંટાઈ ગયા. પછી આખે રસ્તે અનુરાધાના મનમાં ડર ફરકતો રહ્યો. ‘શું જવાબ આપશે સાસુને? કેમ આટલું મોડું થઇ ગયું?’ પરિતોષ અનેક શંકા-કુશંકાથી એની ઉલટતપાસ કરશે. એ લગભગ ઘરે દસ વાગ્યે પહોચી, પણ એણે વિચાર્યું હતું એવું કશું જ ન બન્યું. સાસુએ પ્રેમથી એને પૂછયું, “કેમ બહું મોડું થયું? રસ્તામાં મુશ્કેલી કોઈ?”

“ના મા! આજે ટ્રેન ચૂકી ગઈ અને ઓફિસમાં પણ ખૂબ કામ હતુ.” પહેલી વખત કોઈએ એના મોડા આવવાની નોંધ લીધી. નાહીધોઈને એ બાથરૂમમાંથી ફ્રેશ થઈને બહાર આવી ત્યારે પરિતોષ કિચનમાં એની રાહ જોતો હતો.

“કેમ આજે આટલુ મોડું? તે કશું ખાધું?”

એ પ્રેમથી પરિતોષને વળગી પડી અને ક્યાંય સુધી એની છાતીમાં મોં દબાવીને રડતી રહી. બંને જમીને પથારીમાં આડા પડ્યા ત્યારે એણે પરિતોષને કહ્યું. “હું આવતા મહિનાથી નોકરી છોડી દઈશ! હું ખૂબ થાકી જાઉં છું, મનથી અને તનથી. હું ઘરમાં રહીને ટ્યૂશન કરીશ અને આ ઘરની સંભાળ રાખીશ જેથી આપણે એકબીજાને સમય આપીશું. પરિતોષ, મારે જીવવું છે, તારી જોડે! તને સમજવો છે, તને જાણવો છે!

“તને ઠીક લાગે તેમ કર! હું તારા પર કોઈ બંધન લાદવા નથી માંગતો.

“પરિતોષ, મેં મારા પગારમાંથી થોડી રકમ ભેગી કરી છે. આપણે બંન્ને થોડાક દિવસ માટે ક્યાંક ફરવા..”

“હા જઈશું ને.. પેલા તારા હનીમૂનના સપના પૂરા કરવા!” અને એ પ્રેમથી પરિતોષની બાંહોમાં સરળતાથી વહી ગઈ.

– નમ્રતા દેસાઈ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

28 thoughts on “થોડાસા રુમાની હો જાયે.. – નમ્રતા દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.