- ReadGujarati.com - http://www.readgujarati.com -

શ્રદ્ધા સ્મૃતિમંદિર – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોમ્બર-નવેમ્બર, ૨૦૧૭ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

‘પપ્પા, આ શું માંડ્યું છે? વહેલી સવારે ઊઠીને શ્રદ્ધાનો મંત્રોચ્ચાર કરીને મારી ઊંઘ બગાડો છો?’ નિખિલેશ સહેજ છણકા સાથે બોલ્યો અને પાસું ફેરવી સૂઈ ગયો !

ભક્તિપ્રસાદ પૂર્વ આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં રહ્યા અને પુષ્કળ ધન કમાયા. તેમનામાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ ભારોભાર હતો. શ્રદ્ધા એમના જીવનનું પ્રેરકબળ હતી. એ મૂડીને આધારે જ તેઓ કરોડપતિ બન્યા હતા.

પત્નીના અવસાન પછી તેમણે પુત્ર નિખિલેશને એક માતાની જેમ ઉછેર્યો હતો. તેમની શ્રદ્ધાનો વારસદાર બને પણ નિખિલેશ જુદી જ માટીનો યુવક હતો. એના જીવનમાં શ્રદ્ધાનું નહીં શંકાનું સ્થાન મહત્વનું હતું. એ દેશને બાદમાં અને પોતાની જાતને અગ્રિમસ્થાને મૂકતો હતો.

એટલે તે દિવસે ચા-નાસ્તો પતાવ્યા બાદ એણે પપ્પા ભક્તિપ્રસાદને પૂછ્યું, ‘પપ્પા, તમે જે શ્રદ્ધાનાં ગાણાં ગાયા કરો છો એને તમે જોઈ છે? શંકાનું ફળ કે કુફળ હાજરાહજૂર જોવા મળે છે પણ શ્રદ્ધા ક્યારે ફળશે તેની કોણ ખાતરી આપી શકે?’

‘દીકરા, શ્રદ્ધા તો મનુષ્યના હૃદયમાં ધબકારા રૂપે રહેલી છે. રાત્રે આપણે ઊંઘીએ ત્યારે એ શ્રદ્ધા સાથે ઊંઘીએ છીએ કે આવતીકાલની સુખદ સવાર જોવા ભાગ્યશાળી હોઈશું. આપણે બંને જે બંગલાની છત નીચે નિરાંતે બેઠા છીએ; એ બંગલાની છત તૂટી પડવાની નથી, એવી શ્રદ્ધા સાથે બેઠા છીએ. સંશય વિનાશ નોંતરી શકે, પણ શ્રદ્ધા તો માતાનો વાત્સલ્ય ભીનો ખોળો છે. શંકા દગો દઈ શએ, શ્રદ્ધા નહીં.’ પપ્પા ભક્તિપ્રસાદે પુત્રને શ્રદ્ધાનું મહત્વ દર્શાવતાં કહ્યું.

‘પણ ઘણા લોકો શ્રદ્ધાને નામે અંધશ્રદ્ધાનાં ધતિંગ ચલાવે છે, એટલે જ હું શંકાને મારાં સર્વ કાર્યોના મૂળમાં રાખું છું.’ – નિખિલેશે કહ્યું.

‘શંકાનું કામ માણસને બહેકાવવાનું છે. શ્રદ્ધા શંકાનો પુરસ્કાર અશાંતિ છે, શ્રદ્ધાનો પુરસ્કાર પ્રસન્નતા અને શાંતિ છે. લે, જો તને રસ પડે તો શ્રદ્ધા વિષેનાં મેં નોંધેલાં કેટલાંક ઉદાહરણ વાંચ.’ ભક્તિપ્રસાદે એક કાગળ નિખિલેશના હાથમાં મૂક્યો. નિખિલેશે નજર નાખવા ખાતર એ કાગળ હાથમાં લીધો.

‘ૠગ્વેદ’ના ૠષિનું મંતવ્ય હતું. ‘હે શ્રદ્ધા, અમને તું આ વિશ્વમાં અથવા કર્મોમાં શ્રદ્ધાવાન બનાવ.’

‘ઐતરેય બ્રાહ્મણ’માં કહેવામાં આવ્યું છે. ‘શ્રદ્ધા પત્ની છે.’

ભગવદ્ગીેતામાં કૃષ્ણ ભગવાન કહે છે, ‘હે અર્જુન, સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેના અંતઃકરણ અનુરૂપ હોય છે.’

નિખિલેશે કાગળ પપ્પાના હાથમાં પાછો મૂક્યો. ‘હજી મારી યૌવન યાત્રાનો આરંભ થઈ રહ્યો છે, ત્યાં મારે ધર્મ-અધ્યાત્મના રવાડે નથી ચઢવું. મને શ્રદ્ધાની અનુભૂતિ થશે, ત્યારે હું જીવન-દર્શન બદલીશ.’ કહી નિખિલેશ ક્લબમાં જવા તૈયાર થયો.

ભક્તિપ્રસાદને લાગ્યું કે માતા-પિતા સંતાનના ઘડતરમાં કામયાબ નીવડશે જ એવું માનવું વધારે પડતું જોખમી છે. પણ હું નિખિલેશ પર મારા વિચારો લાદવા માગતો નથી. મેં એની ડાયરીનું એક પાનું વાંચ્યું હતું. એમાં પ્રથમ પૃષ્ઠ પર જ એણે એક ઉદાહરણ ટાંક્યું હતું, ‘મને જો કોઈ યોગ્ય રીતે સમજી શક્યું હોય તો તે મારો દરજી છે, કારણ કે તે વસ્ત્ર સીવવા માટે નવેસરથી મારું માપ લે છે, જો વડીલોને, મા-બાપોને આ વાત સમજાય તો બે પેઢી વચ્ચેના અંતરમાં તાત્કાલિક ઘટાડો જોવા મળે.’

ત્યારથી ભક્તિપ્રસાદે શ્રદ્ધા અને શંકાની સરખામણી કરવાનું બંધ કરી દીધું હતું.

પરંતુ વતનની યાદ તેમને સતાવતી હતી. રાષ્ટ્રૠણ અદા કરવા તેમનું મન બેચેન હતું. પરદેશમાં ભલે પારાવાર સુખો હોય પણ દેશપ્રેમ આગળ એ બધું એમને ફિક્કું લાગતું હતું. માતૃભૂમિના પ્રેમવિષયક ગરુડની કથા તેમને બરાબર યાદ હતી. ભગવાન વિષ્ણુ સાથે સતત સેવારત રહી અનેકવિધ સુખો માણવા છતાં ગરુડે પોતાના વતનમાં જવા માટે રજા માગી. વિષ્ણુ ભગવાને તેનું કારણ પૂછ્યું. ગરુડે સ્પષ્ટ ઉત્તર આપતાં કહ્યું કે, ‘જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચઢિયાતી છે. ભલે મારે પર્વતની બખોલમાં રહેવું પડે, પણ વતન એટલે વતન.’

અને ભક્તિપ્રસાદે કહ્યું, ‘દીકરા, મેં તને પૂછ્યા વગર બિઝનેસ સંકેલી લીધો છે. લક્ષ્મીની આપણી પર કૃપા છે એટલે આપણે ભારતમાં રહીશું તો પણ તકલીફ પડવાની નથી, અને તું તો મારો એકમાત્ર વારસદાર છે. મારી સઘળી સંપત્તિ તારી છે. તેમ છતાં ભારતમાં તારે તારી રીતે નવેસરથી બિઝનેસ કરવો હોય તો તેની પણ તને છૂટ રહેશે. અને…’ ભક્તિપ્રસાદ આગળ બોલતાં અટકી ગયા.

‘કેમ અટકી ગયા પપ્પા?’

આગળની વાત હું કહું કે ‘દીકરા હવે તારો સુખી ગૃહસંસાર જોવા ઈચ્છું છું.’

‘ભારતનાં મા-બાપની સંતાનના જીવન પ્રત્યેની બે જ અપેક્ષાઓ હોય છે. એ લક્ષ્મીવાન બને અને ઘરમાં ગુણિયલ ગૃહલક્ષ્મી લાવે ! ખરુંને, પપ્પા?’ નિખિલેશે કહ્યું.

‘નિખિલેશ, તારે મનોવૈજ્ઞાનિક કે જ્યોતિષી થવું જોઈએ. બીજાના મનની વાત આટલી જલદી તું કળી શકે છે, એ મોટી વાત છે. અમે વડીલો શ્રદ્ધાને પ્રેરણા શક્તિ માનીએ છીએ, પણ સંતાનની બાબતમાં શંકાને મહત્વનું સ્થાન પ્રદાન કરીએ છીએ.’ ભક્તિપ્રસાદે કહ્યું.

‘તમે જે માનતા હો તે પણ હું ચીલે ચાલનારો સપૂત નથી. ભલે તમે મને ‘કપૂત’ કહો. એ આક્ષેપ સહન કરીને પણ મારા જીવનનો નકશો મારી રીતે કંડારીશ.’ નિખિલેશે ચોખવટ કરી.

‘હું એમાં આડો નહીં ઊતરું. તારી વાત સાચી છે દીકરા, કે માતા-પિતા બનવું એ પણ કળા છે. ભારતમાં ‘બાલમંદિરો’ ખાસ્સાં છે, પણ ‘બાપમંદિરો’ની એથી પણ વધારે જરૂર છે. આદર્શ બાળઉછેરની દ્રષ્ટિ કેળવાય એવું મા-બાપનું પણ ઘડતર થવું જોઈએ. સંતાનને આજ્ઞાધીન બનાવવાના દુરાગ્રહથી હજી પણ ભારતનાં મા-બાપો મુક્ત નથી. પણ બેટા, તું નિશ્ચિંત રહેજે. આપણા ઘરમાં તને તારી ઈચ્છા મુજબની જિંદગીનો નકશો કંડારવાની છૂટ રહેશે. એમાં રેખાઓ પણ તારી અને રંગો પણ તારા.’ ભક્તિપ્રસાદની આંખો બોલતાં-બોલતાં ભીની થઈ ગઈ !

નિખિલેશ સ્વતંત્ર દિમાગનો યુવક હતો, પણ એ અવિનયી નહોતો. પપ્પાના ઉપકારથી આજ સુધી પોતે સાહ્યબી ભોગવતો આવ્યો છે, એ વાત એણે બરાબર નજર સમક્ષ રાખી હતી એટલે ભારત પાછા ફરવાની વાત એણે સહર્ષ સ્વીકારી લીધી અને એક મહિના બાદ ભક્તિપ્રસાદ અને નિખિલેશ સ્વદેશ આવ્યા. ભક્તિપ્રસાદને દરિયો ખૂબ જ પસંદ હતો એટલે એમણે જુહુમાં બંગલો અગાઉથી ખરીદી રાખ્યો હતો.

બીજે દિવસે ભક્તિપ્રસાદ જુહુ ચોપાટી પર ફરવા ગયા. ઉદધિનાં ઉછળતાં મોજાં જાણે વતનની ધૂલિને સીંચવા ઉત્સુક હતાં. તેમના કાનમાં માતૃભૂમિ – પ્રેમની પંક્તિઓ ગૂંજવા લાગી.

‘હે માતા, તારી આ રજકણ, આ આકાશ અને વાયુએ બધું જ મારે મન સ્વર્ગ સમાન છે.’

ત્યાંથી તેઓ મહાલક્ષ્મીને મંદિરે ગયા અને ત્રણે દેવીમાતાઓનાં દર્શનથી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. કાંઠા નજીકના એક ખડક પર બેસી એમણે જળદેવતાની સ્તુતિ કરી.

ભક્તિપ્રસાદે સેવાકાર્યોનો દોર પણ શરૂ કરી દીધો. છુટ્ટે હાથે દાન આપી ભૂખે-દુઃખે તડપતા લોકોના આશીર્વાદ મળતા રહ્યા.

એ દરમિયાન એમણે પુત્ર નિખિલેશ માટે કન્યાઓ જોવાનું ‘કર્તવ્ય’ સગા-સંબંધીઓને સોંપી દીધું. રૂપ, ગુણ અને ચારિત્ર્યશીલતા એ નિખિલેશની પસંદગીનો માપદંડ હતો. નિખિલેશ આવનાર તમામ માગાંને શંકાની દ્રષ્ટિએ મૂલવતો. એનું મન માનતું નહોતું.

અંતે શ્રદ્ધા નમની યુવતી પર એનું મન પસંદગીનો કળશ ઢોળવા તૈયાર થયું. શ્રદ્ધા રૂપ-રૂપનો અંબાર, બોલે તો જાણે કે ફૂલ ઝરે, કંચનવર્ણી કાયા, દાડમની કળી શા દાંત અને આત્મીયતા વ્યકત કરતી નિર્દોષ આંખો ! નિખિલેશ પ્રભાવિત થયો પણ શંકાનો કીડો એને ઠરવા દેતો નહોતો.

ભક્તિપ્રસાદે પુત્રનો લગ્નોત્સવ ધામધૂમથી ઉજવ્યો. ઉત્તમ પુત્રવધૂ ઘરમાં આવ્યાનો તેમને આનંદ હતો.

એ વાતને મહિનો વીત્યો હશે, ત્યાં પપ્પા ભક્તિપ્રસાદને પ્રણામ કરવા નિખિલેશ એમના શયનખંડમાં ગયો. તેઓ કશુંક વાંચી રહ્યા હતા.

નિખિલેશે પૂછ્યું, ‘પપ્પા, આપ વાચનમાં એટલા બધા મશગૂલ હતા કે હું આવ્યો તેનો આપને ખ્યાલ ન રહ્યો.’

‘દીકરા, પ્રેમ શાને કહેવાય એ અંગે રાજા ભર્તૃહરિનો એક પ્રસંગ વાંચી રહ્યો હતો. રાજા ભર્તૃહરિ એમનાં સતી ધર્મપત્ની રાણી પિંગલા સાથે નગરશેઠની પુત્રવધૂની વાત કરી રહ્યા હતા. પિંગળાએ ભર્તૃહરિને કહ્યું, ‘એક કરુણ ઘટના બની ગઈ.’

‘કઈ ઘટના?’ – ભર્તૃહરિને પૂછ્યું.

‘વાત એમ છે કે આપણા શહેરના નગરશેઠનો પુત્ર પરણ્યાની પહેલી રાતે પત્નીને શયનખંડમાં મળવા જઈ રહ્યો હતો, ત્યાં નિસરણી પર જ સર્પે દંશ દીધો અને તે તત્કાળ મરણ પામ્યો. આ સમાચાર નવવધૂને મળતાં એનાથી ચીસ પડાઈ ગઈ, ‘હેં?’ અને એ ‘હેં’ સાથે જ એ નવવધૂનું પ્રાણપંખેરુ ઊડી ગયું. કેવી મહાન સતી !

‘કોઈ કટારી કર ગ્રહે,
કોઈ મરે વિષ ખાય,
પ્રીતિ ઐસી કીજિયો,
હાય ! કરે જીવ જાય.’

‘બસ પપ્પા આગળની કથા તો મને ખબર છે, પણ આવી સતી સ્ત્રીઓ આજના જમાનામાં મળવી દુર્લભ છે.’ નિખિલેશે કહ્યું.

‘એવું નથી દીકરા, તારી પત્ની શ્રદ્ધા પણ સતી કરતાં લેશમાત્ર ઊતરેતી નથી. મૂળ વાત છે : સાચા પ્રેમની.’ ભક્તિપ્રસાદે પુત્રવધૂની મહાનતાનાં વખાણ કરતાં કહ્યું.

…અને નિખિલેશના મનમાં સૂતેલી શંકા જાગ્રત થઈ. શ્રદ્ધાના સતીત્વ અંગે એનું મન ચગડોળે ચઢ્યું. એણે બહારગામ જવાનું નાટક કર્યું અને બીજા પાસે ફોન કરાવ્યો કે ‘કાર એક્સિડન્ટ’માં નિખિલેશનું અવસાન થયું છે.

ફોન પર સમાચાર સાંભળતાં જ ‘હેં’ શબ્દ મોઢામાંથી નીકળતાંવેત હૃદયરોગના આઘાતે શ્રદ્ધાને લકવાગ્રસ્ત બનાવી દીધી. તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી.

ખબર મળતાં જ નિખિલેશ પોતાને ઘેર પાછો ફર્યો. એના પશ્ચાતાપનો પાર ન રહ્યો.

નિખિલેશની શંકા તેના સુખની શત્રુ બની. તેના પપ્પાજી તેને આશ્વસ્ત કરી હોસ્પિટલ લઈ ગયા. એણે કહ્યું, ‘આપની વાત સાચી છે, પપ્પા ! શ્રદ્ધાની ભાવના માણસને ઠારે છે અને શંકાનું ભૂત માણસને બાળે છે. મારા જેવાં અનેક યુગલનો દામ્પત્યને શંકાને છિન્નભિન્ન કરી છૂટા-છેડાનો શિકાર બનાવી દીધાં છે.’

પપ્પા સાથે નિખિલેશ હોસ્પિટલ ગયો. નિખિલેશને જોઈ તેની પત્ની શ્રદ્ધાની આંખોમાં ગંગા-જમના ઉભરાવા લાગી. નિખિલેશે તેની ક્ષમા માગી અને કહ્યું, ‘આજથી મારી શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના શરૂ કરીશ. મને ખાતરી છે કે
મારી પ્રાર્થના ફળશે અને હા પપ્પાજી, આજ હોસ્પિટલમાં શ્રદ્ધાને દેવીમાતારૂપે પ્રતિષ્ઠિત કરી એક ભવ્ય મંદિર બંધાવીશું. અહીં સારવાર માટે આવનાર રોગગ્રસ્ત, શ્રદ્ધા માતાનાં દર્શન કરી મનમાં વિશ્વાસ સેવશે કે સાજા થવાની મારી શ્રદ્ધા ફળવાની છે. મંદિરનું ઉદ્ઘા્ટન પણ હું મારી પાવન હૃદયા શ્રીમતી શ્રદ્ધાને હસ્તે જ કરાવીશ.’

પતિના લાગણીભીના શબ્દો સાંભળી શ્રદ્ધા અડધી સાજી થઈ ગઈ. નિખિલેશના પપ્પા પણ પુત્રને શંકા છોડી સત્ય તરફ પાછો ફરતો જોઈ ભાવવિભોર થઈ ગયા.

વાતાવરણમાં શબ્દો જાણે પડઘાતા હતા :
‘યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રુપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।

*
સંપર્ક :
૧૬, હેવનપાર્ક સોસાયટી, શેલ્બી હોસ્પિટલ પાસે, સેટેલાઈટ-અમદાવાદ-૧૫
મો. : ૯૮૨૪૦૧૫૩૮૬