- ReadGujarati.com - http://www.readgujarati.com -

છે(છો)ડ સખી સરગમ – સ્વાતિ મેઢ

(શ્રી સ્વાતિબેન મેઢ દ્વારા રીડગુજરાતીને મોકલેલો પ્રસ્તુત લેખ ‘નવનીત-સમર્પણ’ સામયિકમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં પ્રગટ થયેલો છે.)

હમણાં એક વિદ્વાને લખેલો લેખ વાંચ્યો. એમણે કહેલું કે ગુજરાતના આત્મકથા સાહિત્યમાં સ્ત્રીઓએ લખેલી આત્મકથાઓ જૂજ છે. એવું કેમ? મને ખબર છે એવું કેમ? હું નહીં કહું કહું કારણકે… નહીં કહેવાનું કારણ પણ હું નહીં કહું. પણ ચાલો એ ખોટ પૂરી કરવા પુરતું હું મારી આત્મકથાનું એક પ્રકરણ કહું.

તો વાત એમ છે કે નાનપણથી મને ગાવાનો બહુ જ શોખ ને પ્રભુજીએ મને મધુર કંઠની બક્ષિસ આપેલી નહીં. આપણે નાના હોઈએ ત્યારે એવી કંઈ ખબર પડે નહીં એટલે હું મારા ગુજરાતી કમ સંગીત ટીચરને કહું, ‘બહેન મને ગાવામાં રાખોને,’ એ કદી મારી વાત સાંભળે જ નહીં. એ તો મને મૌખિક પરીક્ષામાં કવિતાગાન પણ ન કરવા દે. ઉલટાનું કહે, ‘તું ગાય છે તો મારાથી હાર્મોનિયમની ખોટી ચાવી દબાઈ જાય છે. તારે છેલ્લી લાઈનમાં બેસવાનું.’ આને અન્યાય કહેવાય કે નહીં? પણ એ વખતે મને બાલિકાઓના અધિકારો, નારીના અધિકારો વગેરે વિષે ખબર નહોતી, (ભારત દેશમાં કોઈને ય ખબર નહોતી) નહીં તો મેં આ મુદ્દે હડતાળ પાડી હોત. મેં બહુ જ બહુ જ કહ્યું ત્યારે એમણે શરત મૂકી, ‘તું જો ગણિતમાં સોમાંથી પંચાસી માર્ક્સ લાવે તો હું તને ગાવા દઈશ, સંગીત પણ શીખવાડીશ’. આ ય અઘરી શરત કારણકે ગણિતમાં ય આપણું ગાયન જેવું. પ્રભુજી એ આવડત પણ આપતાં ભૂલી ગયેલા! છતાં ય મેં મહેનત કરી, પ્રેક્ટીસ કરી, એ સિવાયની ય રીતો અજમાવી. (કઈ એ ન કહેવાય, છોકરાં ખોટું શીખે) અને વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં પંચાસી માર્ક્સ મેળવ્યા. પછી પડ્યું ઉનાળાનું વેકેશન. નવા વર્ષે સ્કૂલ શરુ થઈ ને મને ખબર પડી કે એ ટીચર તો સ્કૂલ છોડીને જતાં રહ્યાં. કેમ? મને ગાતાં શીખવાડવું પડે એટલે? શી ખબર!

ટીચર ગયા તો ગયા. મને દુખ થયું. પણ મારા અંતરની અભિલાષા તો રહી જ. મારે ગાતાં શીખવું છે. આમ તો જો કે હું બેસૂરું ગાતી’તી, બહુ નિરાંતે. પણ એ ય લોકો બંધ કરાવી દેતા’તા. નાછૂટકે મેં જાહેરમાં ગાવાનું બંધ કર્યું પણ મનમાં નક્કી કર્યું કે હું સંગીત શીખીશ ને ‘દુનિયાકો દિખા દુંગી કે નારીકા નિશ્ચય કિતના બલવાન હોતા હૈ.’

વર્ષો વીતતાં ગયાં. જીવનમાં બીજું બહુ બધું થયું પણ પેલી અભિલાષાને પૂરી કરવાની તક જ ન આવે! મારો સ્વભાવ આશાવાદી, ધીરજવાન. એટલે હું માનું ‘કહીં ન કહીં કોઈ ન કોઈ દિન આયેગા, સંગીત મુઝે સિખાયેગા.’ ને એ દિન આવ્યો. એક સાંજે બજારમાંથી શાક લઈને ઘેર આવતી વખતે મારા ઘરથી ચાર જ મકાન દૂર મેં એક બોર્ડ વાંચ્યું, ‘શરુ થાય છે સંગીત વર્ગો, વધુ માહિતી માટે…’ એક નંબર પણ લખેલો. મેં સંપર્ક કર્યો. સંગીત શિક્ષકે હોંશભેર મને સંગીત શીખવવાનું સ્વીકાર્યું. અને મારી સંગીતસાધના શરુ થઇ. જોયું ને? શ્રદ્ધા અને સબુરીનું ફળ મળે જ મળે.

સંગીત અભ્યાસ શરુ થયો. મારા જેવા બીજા ચારેક ઉત્સાહી વિદ્યાર્થીઓ સાથે હતા. સંગીત શિક્ષક સંગીતની પ્રાચીન પરંપરાગત, ઘરાનેદાર રીતે શીખવવા માંડ્યા. વર્ગમાં સાંજે જવાનું, પ્રેક્ટીસ રોજ સવારે ઘરમાં કરવાની. સંગીત શિક્ષણની શરૂઆત થઇ. પહેલે દિવસે સરે હાર્મોનિયમ પર સરગમ વગાડી સાથે અમારે ગાવાનું. સારેગમપધનીસાં/સાંનીધપમગરેસા. આઆઆઆઆઆઆં / આંઆઆઆઆઆઆ…

સતત વીસ મિનિટ સુધી હાર્મોનિયમ વાગતું રહ્યું, અને શિક્ષક સહિત વિદ્યાર્થીગણ સરગમ અને આલાપો ગાતું રહ્યું. બાકીનો સમય જીવનમાં સંગીતના સ્થાન વિષે વ્યાખ્યાન. છેલ્લી તાકીદ, ઘેર સવારે પ્રેક્ટીસ કરવી.

‘પણ સર તમે ભૂપાલી, ભૈરવી, કેદાર, દુર્ગા એવા રાગો ન શીખવો?’ એક ભોળી બાલિકાએ પૂછ્યું.

‘શીખીશું, પણ પહેલા છ મહિના સરગમ અને આલાપની પ્રેક્ટીસ કરો,’ સરે સરો આપે તેવી રીતે હુકમ આપ્યો. એમના ઘરાનાની એવી પરંપરા હતી.

મેં તો તરત જ અમલ કર્યો. બીજે દિવસે વહેલી સવારે ઉઠીને સરગમ અને આલાપની પ્રેક્ટીસ શરુ કરી જ દીધી. આટલે વર્ષે ચાન્સ મળ્યો છે તો સિન્સિયર તો થવું જોઈએ ને? પહેલે દિવસે પાંચ મિનિટ, બીજે દિવસે સાત મિનિટ, ત્રીજે દિવસે પૂરી દસ મિનિટ. થોડોઘણો ઘોંઘાટ થતો હતો એ વાત સાચી પણ હ્રદયની તમન્ના પૂરી કરવી હોય તો બીજું શું જોવાનું?

આમને આમ પાંચસાત દિવસ ગયા. વચ્ચે બે વાર વર્ગ પણ થયા. ત્યાં થતા સરગમ આલાપ વધારાના. એક દિવસ સાંજ પડે હું ગેલેરીમાં બેઠી હતી ત્યાં અમારા પાડોશી બહેન પસાર થયાં. ‘કાં, કેમ છો?’ મેં પૂછ્યું. ‘મજા છે’, એમણે જવાબ આપ્યો. ‘આવોને અંદર’, મેં વિવેક કર્યો. એ ઘરમાં આવ્યાં. ચારેપાસ નજર નાખી. હું લીંબુનું શરબત બનાવવા રસોડામાં ગઈ તો મારી પાછળપાછળ આવીને બાકીનું ઘર નીરખી લીધું. પછી બોલ્યા, ‘મારા ભાઈ નથ દેખાતા, બા’રે ગિયા છે?’

‘હા, એક કોન્ફરન્સમાં ગયા છે. કાલ બપોર સુધીમાં આવી જશે’,મેં કહ્યું.

‘તંયે ઠીક, સવારે સવારે કાંક અવાજો થાતા’તા તી મને તો થ્યું…’ વાક્ય અધૂરું મૂકીને ‘ઠીક લ્યો હું જાઉ’ કહીને એ ઉઠી ગયાં.

એમના ગયા પછી મારી ટ્યુબલાઈટ થઇ.ઓહ, આ તો મારી વહેલી સવારની સંગીતસાધનાનું પરિણામ! એ તો સારું હતું કે મારા પડોશીબેનના ‘ભાઈ’(અમારે ત્યાં પોતાના વર સિવાય બીજા બધાને ભાયું કે’વાય. ઈ નાતે મારી બેબીના પપ્પાને ઈ ભાઈ ક્યે.) બહારગામ ગયેલા નહીં તો કાંક ગેરસમજ થઇ જાત. ‘આટલા બધા સારા માણસને ઘરે આવું કરે? મારા બેનને…’ બપોર સુધીમાં વાત વહેતી થઇ જાત. મેં તત્ક્ષણ સરગમઆલાપ ગાવાનું છોડી દીધું. મારી તપસ્યા બાળવયે જ નષ્ટ થઇ ગઈ.

જોયું? સ્ત્રીઓએ કેવા કેવા ભોગ આપવા પડે છે પોતપોતાના આર્યપુત્રો હાટુ થઈને?

એવામાં મને એક જ્યોતિષી મળ્યા. એમણે કહ્યું, ‘જો જન્મકુંડળીમાં શુક્રનો ગ્રહ પ્રભાવક સ્થાને હોય તો જ તમે સંગીત, નૃત્ય, અભિનય, ચિત્રકામ જેવી કળાઓ શીખો.’ એમણે મારી કુંડળી જોઈ આપી. માથું ધુણાવ્યું, ને જાહેર કર્યું, ‘તમારી જન્મકુંડળીમાં શુક્ર ખૂણે બેઠેલો છે. પણ.. શનિ અને મંગળ બંને પ્રભાવકારી છે. શનિ દ્રઢતા આપે અને મંગળ કાર્યસિદ્ધિ માટે જોશ આપે. તમે દ્રઢતાથી કોશિશ કરો તો સફળ થાઓ.’

બીજા એક જણે સલાહ આપી. ‘તમારે ગાતાં શીખવું છે ને? બજારમાંથી કેસેટો-સીડીઓ લઇ આવો, વગાડો ને સાથે ગાઓ. એકનું એક ગીત બહુ વાર ગાશો એટલે એ ગીત ગાતાં આવડી જશે. બસ.’ મારે ગાતાં શીખવું હતું. એકવાર સંગીતટીચરે દગો દીધો. બીજી વાર કુટુંબની આબરૂ ખાતર ગાયનનો ત્યાગ કરવો પડ્યો. હવે ઘેર બેઠાં ગીતો ગાઇશ. ‘અબ જમાનેકો દિખા દુંગી’ શનિ-મંગળ જોશે ચડ્યા. મેં તરત જ જરૂરી સામાન ખરીદી લીધો ને શરુ કરી દીધું ગાવાનું. મનગમતા ગરબા, ફિલ્મી ગીતો, ભજનો.. ત્યાં નવી સમસ્યા થઇ.

પડોશનો એક યુવાન. બારમામાં ભણે. એક દિવસ એ મારે ઘેર આવ્યો. એ પૂછે, ‘આન્ટી તમને ગાવાનો બહુ શોખ છે?’

હું હરખાઈ. વાહ એક પ્રશંસક આવ્યો, આટલો જલ્દી? ‘હા, હું રોજ કેસેટ પર વાગતા ગીત સાથે પ્રેક્ટીસ કરું છું.’ મેં કહ્યું.

નવા જમાનાનો સ્માર્ટ યુવાન. મલકીને કહે ‘આન્ટી એમ કરોને, તમે પ્રેક્ટીસ કરો ત્યારે તમારા ઘરની બારીઓ બંધ રાખો. હું પણ મારા રૂમની બારીઓ બંધ રાખીશ. મારે છે ને આન્ટી બારમાની પરીક્ષા છે ને મારે મેરીટથી મેડીકલમાં જવાય એટલા માર્ક્સ લાવવા છે. પ્લીઝ.’

એની અપીલથી મારું હ્રદય દ્રવી ઉઠ્યું. આમ પણ યુવાન પેઢીને આગળ વધવામાં મદદ કરવી એ આપણી ફરજ કહેવાય. એથી મેં ઘરના બારીબારણાં બંધ કરીને ગાવાનું ચાલુ રાખ્યું. પણ ગાવું એ તે કઈ બંધ બારણે કરવાનું કામ હોય? મને ગાવાની મજા ન આવી. મેં ફરી એક તકની રાહ જોવાનું નક્કી કર્યું.

જુઓને કેવું હોય છે? મેં ગાવાનું છોડ્યું. પેલો યુવાન બારમા ધોરણમાં મેરીટ લીસ્ટમાં પાસ થયો, મેડીકલમાં ગયો. ડોક્ટર થયો. એણે એક વાર પણ મને થેંક્યું ન કહ્યું! હશે જેવી લેણદેણ બીજું શું?

આ વર્ષોમાં મારું રહેઠાણ બદલાયું.. ને નસીબ તો જુઓ! અહીં પણ મારા ઘરની પાસે સંગીત વર્ગો! મારા સૂતેલા શનિમંગળ જાગ્યા મેં ફરીથી ગાયન શીખવાનું નક્કી કર્યું. લક્ષ્મી, સોરી સરસ્વતી સામે સાદ કરતી આવી. એ જ સાંજે હું સંગીતવર્ગમાં પહોંચી ગઈ. રોજના વર્ગો પૂરા થઇ ગયા હતા. સંગીતટીચર મેડમ એકલા બેઠાં હતાં. એમણે મને ખૂબ પ્રેમથી આવકારી. મેં મારી સંગીત શીખવાની ઈચ્છા એમને કહી.

‘તમારે સંગીત શા માટે શીખવું છે?’ એડમીશન ઇન્ટરવ્યુ શરુ થયો. મેડમને લાગ્યું હશે કે આવા ડાઇ ધોવાઇ ગયાથી કાબરચીતરા લાગતા વાળવાળા બહેન સંગીત શીખવા શું કરવા આવે? ભજન મંડળીમાં ન જાય? જરૂર કૈંક ગૂઢ રહસ્ય હોવું જોઈએ. આમ તો આ તક હતી મારી સંગીત વિષયક આત્મકથા કહેવાની પણ મેં કન્ટ્રોલ રાખ્યો. ‘મારી બહુ જ વર્ષોથી ઈચ્છા છે સંગીત શીખવાની.’મેં ટૂંકમાં કહ્યું.

‘એકાદ ગીત ગાઓ’ એમણે કહ્યું. મેં મારી પ્રિય કવિતા જે મારા સ્કૂલના સંગીતટીચર મને ગાવા નહોતા દેતા એ કવિતા ગાવાનું શરુ કર્યું, ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે…’ હાર્મોનિયમ પેટી પર મેડમની આંગળીઓ ફરતી હતી. મારી નજર મેડમના ચહેરા પર હતી. હાર્મોનિયમની કઈ સફેદ કે કાળી ચાવી દબાવવી એની મૂંઝવણ મેડમના ચહેરા પર દેખાતી હતી.

મેં માંડ દોઢ લીટીઓ ગાઈ અને મેડમે જાહેર કર્યું. ‘તમને એડમિશન મળશે’. મેડમ મને શા માટે એડમિશન આપવા તૈયાર થયા? એના કેટલાંક કારણો કલ્પી શકાય. એક તો એ કે એમને અત્યંત આત્મવિશ્વાસ હોય કે એ કોઈને પણ સુયોગ્ય રીતે ગાતાં શીખવી શકે છે. બીજું કદાચ એમ હોય કે એમને કોઈ પણ સ્તરનું બેસૂરું ગાનારને સુરીલું ગાતાં શીખવવાનો પડકાર ઉપાડવો હોય. ત્રીજું એ કે એમને હોય કે છો ને ગાવા આવતું. નહીં આવડે એટલે આફૂડું છોડી દેશે. ચોથું એમની એવી ઉચ્ચ ભાવના હોય કે ગાનારને પોતે ગાઈ શકે છે એવી ભ્રમણા હોય તો એ છોડાવવાનું પુણ્યકાર્ય કરવું. હજી ય બીજાં કારણ છે. પણ મેલોને, આપને થોડા ટીવી ન્યૂઝચેનલના ચૂંટણીવિશ્લેષક છીએ? કે કોઈને વિષે ધારણાઓ કર્યા કરીએ?

અને એક શુભ દિવસે મારી સંગીત અભ્યાસની નવી કોશિશ શરુ થઇ. મેડમે મને ગાયન શીખવવાનું શરુ કર્યું. ભૂપાલી, દુર્ગા, સારંગ, માલકૌંસ, બાગેશ્રી જેવા રાગો શીખવાના હતા. સરગમ અને આલાપ પણ ખરા. રોજ થોડી જ વાર. રાગો વિષે વાંચવાની ચોપડી પણ આપી. મને ય ગાવું ગમતું હતું. મને મનફાવે એ રીતે. મેડમ રાગોના આરોહ, અવરોહ, પકડ, સ્થાયી, અંતરા, તાન, બોલતાન વગેરે વગેરે બધું ગાતાં શીખવે. હાર્મોનિયમની ચાવી પર આંગળી રાખીને કહે, ‘ગાઓ, મઅઅઅઅ…’ હાર્મોનિયમ પણ મઅઅઅઅ વગાડે. હું ય ગાઉ મઅઅઅ… મેડમ ફરી ગાય, મઅઅઅઅ… હું ય ગાઉ મઅઅઅ. આવું ચાર પાંચ વાર થાય પછી મેડમ પૂછે મ ક્યાં છે? મને થાય કે મેડમને ખબર નહીં હોય કે મ તો ગુજરાતી બારાખડીનો તેવીસમો અક્ષર છે. એ કેમ પૂછે છે? પણ ગુરુનો વિવેક તો જાળવવો જ પડે. હું જવાબ ન આપું. પણ હાર્મોનિયમવાળો મ કેમે કર્યો ગળામાંથી નીકળે જ નહીં! આવું જ ગ, ધ, પ, બધા માટે થાય. મેડમ કહે ‘ઘેર પ્રેક્ટીસ કરો, વહેલી સવારે.’

વહેલી સવારે કે કોઈ પણ સમયે ઘેર પ્રેક્ટીસ કરવાનાં જોખમો મને ખબર. મેડમને ન કહેવાય. સા થી સાં સુધીના ગમે તે સ્વરો બેફામપણે ગળામાંથી નીકળે અને ઘરમાં મુશ્કેલી થાય. હું ઘરમાં પ્રેક્ટીસ કરવાનું ટાળું. અને રોજેરોજ, રોજેરોજ હાર્મોનિયમ ગાય તે રીતે ગઅઅઅઅ… મઅઅઅઅ… ગાવા વર્ગમાં બેસું.. પણ એ ગ ને મ ને ધ ને રે ને પ મારા ગળામાં બેસવાની ધરાર ના જ પાડે! લગભગ છ મહિનાની મહેનત પછી મારા ગળાએ સા સરખી રીતે ગાવાનું સ્વીકાર્યું. મેડમ બહુ રાજી થયાં. એમણે મને કહ્યું, ‘તમારે કોઈ ખાસ ભજન, સ્તુતિ જેવું કંઇ ગાતાં શીખવું હોય તો કહેજો આપણે તૈયાર કરીશું.’ જોયું? વાળ રંગીને કાળા રંગના કર્યા તો ય મેડમ માને કે મારે ભજન ગાવું જોઈએ! પણ મેં ખોટું ન લગાડ્યું. મેં તરત જ એમને મારી પ્રિય કવિતા, (હવે મને ખબર પડી ગઈ’તી કે એને કવિતા ન કહેવાય ગઝલ કહેવાય). ‘ગુજારે જે શિરે તારે’ની ત્રણ લાઈનો ગાઈને સંભળાવી. આખી ગઝલ લખીને પણ આપી. મેં કહ્યું, ‘સૌથી પહેલાં મને આ ગાતાં શીખવાડો.’

એક વાર અમારો વર્ગ પૂરો થયો. બધા બહાર જતા રહ્યા. હું પણ નીકળી ગઈ. ત્યાં મને યાદ આવ્યું કે મારા ચશ્મા લેવાના રહી ગયા છે. હું એ લેવા પાછી ગઈ ત્યારે મેં સાંભળ્યું કે મેડમ એ જ ગઝલ ગણગણતાં હતાં. કેમ? મને શીખવવાની તૈયારી માટે કે મારી ગાયન કોશિશોને સહી લેવાની હિંમત કેળવવા? શી ખબર.

છતાં મેડમ મને વિશારદ સુધી લઇ જવા તૈયાર છે. મને પ્રોત્સાહન આપવા પહેલા વર્ષની પરીક્ષામાં એમને મને પ્રથમ વર્ગ આપ્યો. કારણ? મારી હિંમત, દ્રઢતાની કદર કરવા! હું પણ વિશારદ સુધી પહોંચવા તૈયાર છું. પણ મારા જ્યોતિષી મિત્ર કહે માથું ધુણાવીને કહે છે, ’તમારી જન્મકુંડળીમાં શુક્ર ખૂણામાં છે. હવે પ્રયત્નો છતાંય તમને સંગીત નહીં જ ચડે.’ લે, આટલા વર્ષોથી સંગીત ‘ચડેલું’ છે તો ય આ કહે છે નહીં ચડે? એમનો ફલાદેશ ખોટો છે. મારા શનિમંગળ હઠે ચડ્યા છે. ‘અમે તો જોશથી કોશિશો કરવાના જ’.

‘તે તમારા બુધ-ગુરુ ખાડામાં પડ્યા છે કે શું? આટલું થવા છતાં ય સમજતા નથી? લોકોને ત્રાસ આપો છો, બહુ થયું. મેલો બધું પડતું’

જોયું ને? વઢ પડી. આમ જ થાય છે અમે સ્ત્રીઓ કઈ પણ કરીએ વઢનારા તૈયાર જ બેઠા હોય. એક જ પ્રકરણ લખ્યું એટલામાં તો વઢ પડી. આવામાં કોઈ આત્મકથા લખે? ના જ લખેને?

– સ્વાતિ મેઢ

સરનામું: ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ. ટેલિફોન નંબર (૦૭૯) ૨૬૭૪૫૮૩૬, વોટ્સએપ નંબર ૮૯૮૦૦૦૧૯૦૪, મોબાઇલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬. Email : swatejam@yahoo.co.in