સરિતાની શરત – રમણ મેકવાન

(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ-૨૦૧૭ના અંકમાંથી સાભાર)

અત્યાર સુધીમાં સરિતાનાં લગ્નની ત્રણેક વાતો આવી હતી. છોકરાઓ સરિતા સાથે કલાક બે કલાક હોંશથી વાતો કરતા. સરિતા ભણેલી, ગ્રેજ્યુએટ હતી, સરકારી ઑફિસમાં સારા પગારની નોકરી હતી. રૂપાળી, આકર્ષક હતી. છોકરો એની સાથે લગ્ન માટે તૈયાર થઈ જતો, પણ પછી સરિતા અંતમાં છોકરાને એવું કંઈ કહેતી કે છોકરો ભડકીને ભાગી જતો. અત્યાર સુધીમાં બધી વાતોમાં આમ જ બન્યું હતું અને આ પ્રશ્ને સરિતાની મમ્મી શારદાબેન, પપ્પા શાંતિલાલ, સગાંસાથી, સરિતાની સહેલીઓ બધાં પરેશાન હતાં.

સરિતા, છોકરાને એવું તે શું કહેતી હતી કે સરિતા સાથે કશી પૂર્વશરત વગર જીવન જોડવા તૈયાર થતો છોકરો પછી ‘હા’ કે ‘ના’ કહેવાની પણ તસ્દી લેતો નહીં, અને સરિતાનાં મમ્મી-પપ્પા છોકરા તરફથી જવાબની અપેક્ષાએ કાગના ડોળે રાહ જોઈ રહેતાં. છોકરા તરફથી કશો જવાબ આવતો નહીં, આથી બંને, શારદાબેન અને શાંતિલાલ રઘવાયાં થઈ જતાં, સરિતાને પુછાપુછ કરતાં, એની પાસેથી સંતોષકારક ખુલાસો મળતો નહીં. આથી સરિતાની જેટલી સહિયર-મિત્ર હતી, એ બધીને પૂછતાં, ‘સરિતાને કોઈ સાથે સંબંધ છે? તમને ખબર હોય તો કહો, અમે તપાસ કરી યોગ્ય લાગશે તો ચોક્કસ સરિતાની ઈચ્છા પ્રમાણે કરીશું.’ કારણ દિવસે દિવસે સરિતાની ઉંમર વધતી હતી. હાલ સરિતાને બાવીસમું ચાલતું હતું, પછી તેવીસ, ચોવીસ અને… સરિતાનાં મમ્મી-પપ્પાની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

પહેલી બે વાતમાં બન્યું, એવું જ ત્રીજી વાર પણ થયું. છોકરો વાત કરીને ગયો, પછી કશી હા-ના કહેવડાવી નહીં. બાકી આ વખતે બંને પતિ-પત્નીએ ખૂબ તૈયારી કરી હતી. ખાવાપીવામાં, ઊઠવાબેસવાનું, અને બીજી નાની બાબતોમાં પણ ક્યાંય કચાશ રહી ના જાય, એની શારદાબેને ઝીણવટથી કાળજી રાખી હતી. સરિતાનેય શણગારવામાં કશી ઊણપ રાખી નહોતી. આમ તો, સરિતાના દેખાવમાં કશું કહેવાપણું ન હતું. સીદીસાદી પણ આકર્ષક હતી અને સરિતાને પોતાને પાવડર ફાવડરના ઠઠારા પસંદ ન હતા. ઓફિસમાં પણ સાદીસીધી જતી, આથી સાથે કામ કરતી બીજી એની ઉડાવતાં કહેતી, ‘સરિતાબેન થોડાં વરણાગી બનો. આ શું જાણે વેરાગ ઓઢી લીધો હોય, એમ આવો છો !’ અને સરિતા માત્ર હસતી. શારદાબેનને કદાચ છોકરા તરફથી કશો ઉત્તર મળતો ન હતો, એનું કારણ સરિતાના આ વરણાગીવેળા લાગ્યા હશે. આથી સરિતાની ખૂબ નારાજગી અને દલીલો છતાં એમણે એને બ્યુટીપાર્લરમાં મોકલી, અને એક કલાકની સરિતાના ચહેરા પરની ઘસાઘસ અને જાતજાતના થપેડા પછી સરિતાના ચહેરાની સિકલસૂરત બદલાઈ ગઈ. કલાકનો અસહ્ય ત્રાસ વેઠીને મેળવેલી કૃત્રિમ સુંદરતા જોઈ, સરિતા મનોમન હસી. પણે એને એક વાતનું આશ્ચર્ય એ થયું કે અરીસામાં સરિતા ખુદને જોઈ ભુલાવામાં પડી ગઈ હતી. સરિતા સાથે શારદાબેન અને શાંતિલાલે પણ એમનામાં દેખાતી ઊણપ દૂર કરવા પ્રયત્ન કર્યો અને છોકરાની મુલાકાતનો દિવસ નજીક આવતો ગયો, એમ ઘરમાં અને સભ્યોમાં ખાસ્સો બદલાવ આવી ગયો.

‘જો છોકરી, જરા વ્યવસ્થિત રહેજે, અને છોકરાને વ્યવસ્થિત જવાબ આપજે.’ શારદાબેને સરિતાને શિખામણ આપતાં કહ્યું, ‘વારેવારે આવાં નાટક સારાં લાગે છે?’

‘શાનાં નાટક ! અને હું નાટક કરું છું?’ સરિતા તોછડા સ્વરે બોલી. ‘છોકરાને હું પસંદ પડતી ના હોઉં તો ના પાડે. એમાં તને શાનાં નાટક લાગે છે?’

‘પણ કેમ, કેમ પસંદ નથી પડતી, તારામાં છોકરાઓને શું ઊણપ લાગે છે?’ ‘એ તો આ વખતે તું જ પૂછી લેજે.’ સરિતાએ કહ્યું. પછી અટકીને બોલી, ‘એમ કર, આ વખતે મારા બદલે તું છોકરા સાથે વાત કરજે.’ શારદાબેનને ધનન્‍ વ્યાપી ગઈ, પણ ગમ ખાઈ ગયાં. સરિતાના સ્વભાવથી પૂરાં પરિચિત હતાં. સ્વભાવે શાંત, પણ ગરમ થાય તો, કોઈની સાડાબારીની પરવા નહીં રાખનારી સરિતા સાથે શારદાબેન ફૂંકીફૂંકીને પગલાં ભરતાં હતાં અને એ તો સરિતા સમજણી થઈ, ત્યારથી જ શારદાબેનને એનો પરિચય થઈ ગયો હતો.

શારદાબેન અને શાંતિલાલ બંને શિક્ષક હતાં. આથી સરિતાને એની દાદી-શાંતિલાલની મા પાસે મૂકી બંને શાળામાં જતાં અને સરિતા દાદીના હાથમાં જ ઉછરીને મોટી થઈ, એટલે એને મમ્મી-પપ્પા કરતાં દાદી પ્રત્યે વધારે લગાવ રહ્યો. એને બાલમંદિરમાં મૂકી, ત્યારે દાદી જ એને મૂકવાલેવા જતી. દાદી સાથે જમવાનું, રમવાનું અને રાતે સૂવાનુંય દાદી સાથે. દાદીની વાતો સાંભળતાં, સાંભળતાં સરિતા ઊંઘી જતી. દાદીની વાતો સાંભળવાનું એને વ્યસન થઈ ગયું હતું. વાતો ના સાંભળે ત્યાં સુધી સરિતાને ઊંઘ જ આવતી નહીં. દાદીએ જ એને સાદાઈથી રહેવાના પાઠ ભણાવ્યા હતા, અને સરિતાએ એને અપનાવી લીધા હતા અને શારદાબેનને તો, છોકરી સાસુ પાસે જ રહેતી હતી, એટલે નિરાંત હતી. ગમે ત્યાં ફરવા જવાનું કે વહેલા-મોડા ઘેર આવવામાં છોકરીથી કશી અગવડ થતી નહોતી. મનમાં ઈચ્છતાં, ‘ભલે ડોશી પાસે રહેતી.’ અને એમાં સરિતાને દાદીની એવી માયા લાગી કે સરિતા શાળાએથી ઘેર આવે એટલે બીજા કોઈને નહીં, દાદીને શોધે. સરિતા કૉલેજમાં દાખલ થઈ, તોપણ દાદી જ એનું સર્વસ્વ હતી. કૉલેજની બધી વાતો, ઘેર આવી સીધી દાદીને કહેતી. પછી છોકરાની હોય, છોકરીઓની હોય, એના પ્રોફેસરની કે પટાવાળાની. પણ આવીને કપડાંય બદલતી નહીં અને દાદી આગળ રામાયણ માંડતી અને દાદી રસથી એની વાતો સાંભળતી. પછી ભલે દાદી સમજતી કે ના સમજતી. સરિતા પાકટ સમજણી થઈ, પછી પણ દાદી વગર એની સવાર થતી નહીં. ગમે ત્યાં જવાનું થતું ત્યારે પણ દાદીને આગળ કરતી. એકવાર કૉલેજના વાર્ષિક દિનની ઉજવણીમાં મમ્મી-પપ્પાને પડતાં મૂકી, દાદીને તૈયાર કરી અને શારદાબેન લા’રા જેવાં થઈ ગયાં. ‘છોકરી, તારી દાદી વગર તને કોઈ દેખાતું જ નથી?’ શારદાબેન ઊંચા અવાજે બોલ્યાં. ‘તમને કોઈ દેખાય છે? તું અને પપ્પા ગમે ત્યાં મને કે દાદીને પડી મૂકીને નથી જતાં? મારી વાત છોડ, બિચારી દાદી આખો વખત ઘરમાં ને ઘરમાં ગોંધાઈ રહે છે, આખા ઘરના દિવસ ઊગે તે રાત સુધી ઢસરડા કર્યા કરે છે, પણ તેને બહાર ફરવા લઈ જવાની વાત તો બાજુએ રહી, એની સાથે બેસી કદી વાત સરખી કરો છો તમે? અમથો વાંક પડતાં બિચારીને ધધડાવી નાખતાં તને આવડે છે, પણ એની સાથે બેસી એના હાલ પૂછતાં તને નાનાપો આવે છે, પછી મમ્મી મારે છૂટકો છે, એને સાથે લઈ ગયા વગર? એણે મને ઉછેરી મોટી કરી, એણે એની કે એની જાતની પરવા નથી કરી, સાજી હોય કે માંદી, એણે મને કદી ઓછું આવવા નથી દીધું, પછી મમ્મી, તું ક્યા મોંઢે તમારી સાથે સારા વર્તાવની અમારી પાસે આશા રાખે છે?’ સરિતાએ મમ્મી-પપ્પા સામેનો લાંબા સમયનો મનમાં ભરી રાખેલો ઊભરો શારદાબેન આગળ ઠાલવી દીધો. શારદાબેન સમસમી ગયાં, એ સમયે તો, કંઈ બોલ્યાં નહીં, પણ મનમાં એક નિર્ણય કરી લીધો. એ વખતે શાંતિલાલ હાજર ન હતા. સાંજે આવ્યા એટલે બીજી કશી વાતચીત વગર કહી દીધું, ‘હવે આ છોકરી આપણા કહ્યામાં નથી, તમારી માના વાદે ચઢી, આપણને ગણકારતી નથી, તમારી મા, એને આપણી વિરુદ્ધ ચઢાવી મારે છે. એનું કંઈ કરો.’

‘શું કરું?’ શાંતિલાલે પૂછ્યું.

‘એય મને પૂછવાનું, એટલીય અક્કલ નથી ચાલતી? મૂકી આવો ડોશલીને વૃદ્ધાશ્રમમાં. એટલે બેયની ચરબી ઊતરી જશે.’ શારદાબેન ગુસ્સામાં બોલ્યાં.

સરિતા કૉલેજમાં હતી, કૉલેજથી ઘેર આવી. આદત મુજબ એણે દાદીને શોધી. દાદી જ્યાં હોવાની શક્યતા હતી, બધી જગ્યાએ દાદીને શોધી નાખી, દાદી ક્યાંય ન હતી. શારદાબેનને પૂછ્યું, ‘મમ્મી ! દાદી ક્યાં ગઈ?’

‘મારી જૂતી જાણે !’ શારદાબેન મરડમાં બોલ્યાં. સરિતાને દાળમા કાળું લાગ્યું. એના રૂમમાં ગઈ, દાદીના વિરહમાં સૂનમૂન થઈ ગઈ, ખાવાપીવામાંથી રુચિ મરી ગઈ. એણે એની રીતે દાદીની તપાસ કરી. ભાળ મળી, તરત વૃદ્ધાશ્રમમાં દાદીને મળવા ગઈ. દાદીને વળગી, રડી પડી ‘ચાલ દાદી, હું તને લેવા આવી છું. તારે અહીં ઘડીવાર રહેવાનું નથી.’ રોતલ અવાજે સરિતાએ કહ્યું.

‘ના, સરુ બેટા, તું જા, હવે હું કદી નથી આવવાની. ભલે અહીં મોત આવે. હવે તારાં મા-બાપનું હું મોં જોવા જ માગતી નથી. તું તારે જા બેટી, અઠવાડિયે એકવાર મને મળવા આવજે. જા ધ્યાનથી અભયાસ કરજે, મારી ચિંતા ના કરીશ. તારા વગર મને ગમશે નહીં, પણ ગમાડવું પડશે, બેટા નસીબ મારાં.’ સરિતાના માથે હાથ મૂકતાં દાદી બોલી. સરિતા ફરી દાદીને વળગી ધ્રુસકે ચઢી ગઈ.

સરિતાની કૉલેજ પતી ગઈ, નોકરી મળી અને એના લગ્નની વાત ઉપાડી, સારી નોકરી કરતા, દેખાવડા છોકરાની વાતો આવી, સરિતા સાથે મુલાકાત ગોઠવાતી, સરિતા સાથે લગ્ન કરવા છોકરો તૈયાર થઈ જતો, પણ મુલાકાતના અંતમાં સરિતા છોકરાને એવું કંઈ કહેતી, અને છોકરો ભડકતો અને લગ્નની ના પાડી દેતો. ત્રણ છોકરા સાથે સરિતાએ મુલાકાત કરી, અને ત્રણે છોકરા સાથે આમ બન્યું. શારદાબેન અને શાંતિલાલ ચિંતામાં પડી ગયાં. ‘છોકરીની ઉંમર વધે છે, અને એનું ઠેકાણું પડતું નથી, કારણ શું છે, કેમ છેલ્લી ઘડીએ વાત મરડાઈ જાય છે?’ શારદાબેન મનોમંથનમાં પડ્યાં. બધી બાબતોને ચકાસી, એમનામાં કશી ઊણપની તપાસ કરી, સીધીસાદી સરિતાને છેલ્લીવાર બ્યુટીપાર્લરમાં મોકલી, શણગારી છતાં….. ‘જાવને, આમ બેસી રહે દા’ડો વળશે?’ શારદાબેને શાંતિલાલને કહ્યું.

‘ક્યાં? ક્યાં જઉં?’ અસમજભાવે શાંતિલાલે પૂછ્યું, ‘આ છોકરીનું ઠેકાણું પડતું નથી, છેક આવેલી વાત તૂટી જાય છે, જરી તપાસ કરો, કારણ શું છે?’ શારદાબેને કહ્યું.

‘પણ કોને પૂછું, છોકરાને ત્યાં જઈને પૂછી આવું?’ શાંતિલાલ બોલ્યા.

શારદાબેને માથું કૂટ્યું, ‘બાપ, બેટી બેય મારા માથે પડ્યાં, મારા શા ભોગ લાગ્યા ! જાવ જઈને આ છેલ્લા છોરાની વાત જે લાવ્યો હતો એ વચેટિયાને મળો, પૂછો કે લ્યા ભઈ, શું છે, કેમ છોકરો ના પડે છે. ના પાડવાનું કારણ તો ખબર પડે.’

શાંતિલાલ વચેટિયાને મળ્યા, એની વાત સાંભળી, શાંતિલાલ હેરત પામી ગયા. વચેટિયાની વાત પર એમને વિશ્વાસ બેસતો ન હતો. એ માનવા જ તૈયાર ન હાતા કે સરિતા છોકરા સાથે લગ્ન માટે આવી શરત મૂકતી હશે. અને આવી જ વાત બાકીના છોકરાઓની બાબતમાં શાંતિલાલને સાંભળવા મળી. એમણે શારદાબેનને વાત કરી, સાંભળી શારદાબેન સરિતા માટે લાલપીળાં થઈ ગયાં, ‘અલી છોકરી ! તારે છોકરા સાથે આવી વાત કરવાની?’

‘કેમ, કેવી વાત કરી મેં?’ સરિતાએ વડચકું ભરતાં શારદાબેનને પૂછ્યું.

‘તારી જાતને પૂછ, મને શું પૂછે છે? છોકરાને તે શું કહ્યું, એની તને ખબર નથી?’ શારદાબેન ગુસ્સામાં બોલ્યાં.

‘બારણે બાવળિયો ઉછેર્યો હોય તો, કેરીની અપેક્ષા રખાય? કાંટા જ ખાવા મળે!’ શાંતિથી સરિતા બોલી.

‘એટલે, તું કહેવા શું માગે છે, સીધી વાત કરને ! ઉદાહરણ મને ના આપીશ.’ શારદાબેન બોલ્યાં.

‘બે બરાબર બે ચાર જેવી મારી વાત સાવ સરળ છે. પણ તમારી બંનેની આંખે સ્વાર્થનાં પડળ ચઢી ગયાં છે, આથી મારી સીધી વાત પણ તમને સમજાશે નહીં.’ સરિતા બોલી.

‘કેવો સ્વાર્થ, સ્વાર્થના કેવા પડળ?’ શારદાબેન ચોંકી ઊઠ્યાં.

‘જાતને પૂછ મમ્મલી ! મારી દાદીને આ તારા ઘરમાં રહેવાનો હક નથી, એને બિચારીને વગર વાંકે, વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી, પછી હું તારી જ છોકરી છું, તું કરે એ પ્રમાણે મારે કરવું જ પડે. મારી સાથે મુલાકાતે આવતા બધા જ છોકરા સાથે, હું શરત કરું છું કે મારાં મમ્મી-પપ્પાને મારી દાદી ખૂંચતી હતી, આથી વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી, તારેય તારાં મમ્મી-પપ્પાને આપણા લગ્ન પછી, તરત આશ્રમમાં મૂકવાનાં હોય તો, હું તારી સાથે પરણવા તૈયાર છું. મારી શરત તને મંજૂર હોય તો, મને જણાવજે.’ સરિતાએ કહ્યું, સાંભળી શારદાબેન સ્તબ્ધ થઈ ગયાં.

બીજા દિવસે, શારદાબેન અને શાંતિલાલ, વૃદ્ધાશ્રમમાં ગયાં, સરિતાની દાદીને માનભેર ઘેર તેડી લાવ્યાં, સરિતા દાદીને ભેટીને ખૂબ રડી, દાદીએય છેડો વાળ્યો. શારદાબેન અને શાંતિલાલ ગળગળાં થઈ ગયાં. બંનેએ ‘મા’ની માફી માગી, એ પછીના મહિને રંગેચંગે સરિતા પરણી ગઈ.

*
સંપર્ક :
‘સમર’, ૮૯, જીવનદીપ સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ રોડ,
ગામડી, આણંદ-૩૮૮ ૦૦૧
મો. ૯૪૨૭૧ ૭૮૭૫૨

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “સરિતાની શરત – રમણ મેકવાન”

Copy Protected by Chetan's WP-Copyprotect.