Archive for 2017

મા ભૂમિની મહેકના સંબંધો – શ્યામ ખરાડે

૨જી ઑક્ટોબર દર વર્ષે આવે છે અને જાય છે. મહાત્મા ગાંધીજીના જન્મદિવસ તરીકે એ ભલે રાષ્ટ્રીય મહત્વ ધરાવતો દિવસ છે; પરંતુ મારા માટે આ દિવસ ખાસ છે કેમ કે તે એક હૃદયસ્પર્શી ઘટનાની અનુભૂતિનો દિવસ છે.

વાત સન ૨૦૦૭ની છે. આ અરસામાં હું મારી પત્ની હેમલતા સાથે અમેરિકામાં કૅલિફૉર્નિયાના સિલિકોન વેલી તરીકે ઓળખાતા શેન ઓઝે (san jose)માં હતો. અમેરિકામાં વર્ષોથી રહેતા મારા મિત્ર અશોક શાહ અને તેમનાં પત્ની ઉષાબેન શાહના પ્રેમભર્યા આગ્રહથી અને મદદથી અમે અહીં આવ્યાં હતાં.

આજે અમારી કોઈ મોલમાં જવાની ઈચ્છા ન હતી. વિશાળકાય મોલનાં ખરીદ-કેન્દ્રો જોઈને અમે ધરાઈ ગયાં હતાં. સાનફ્રાન્સિસ્કો, સેવન માઈલ ડ્રાઈવમાં દૂર દૂર સુધી ફેલાયેલા સુંદર રમણીય સમુદ્ર કિનારાઓ, યેશોમેટી નૅશનલ પાર્કનું મનમોહિત કરતું પહાડી સૌન્દર્ય, વિશાળ લેક ટાહો, લોસ એન્જલીસ અને ત્યાંનો પ્રચંડ મોટો યુનવર્સલ ફિલ્મી સ્ટુડિયો, લાસ વેગાસ અને ત્યાંના ભવ્યાતિભવ્ય કેસીનો, ગ્રાન્ડ કેનિયનની ઊંડી ઊંડી ખીણો અને નાનાં-મોટાં સંખ્યાબંધ સ્થળો અમે ધરાઈને જોઈ લીધાં હતાં.

તરસ – પ્રફુલ્લા વોરા

“ચંદુ… એ… ચંદુ… એય… ચંદુડા ! ક્યાં ગયો? કાંઈ સાંભળતો જ નથી ને ! બસ, આખો દિવસ ટોળ-ટપ્પા… હરવું-ફરવું ને રમવું.”

દરરોજની માફક આજે પણ સવિતા બૂમ પાડી પાડીને થાકી ગઈ. પણ ચંદુ તો નિશાળેથી આવે, દફતર ફેંકી દે ને કપડાં (યુનિફોર્મ) બદલ્યા વગર જ ઘરની બહાર નીકળી જતો. એને પહેલેથી જ ભણવું ગમતું ન હતું. આ તો સવિતા અને અરજણ તેને પરાણે શાળાએ મોકલતાં.

આમ જુઓ તો લગ્ન પછી ઘણાં વરસે ચંદુનો જન્મ થયો હતો, એટલે લાડ-કોડમાં ઉછરેલો ચંદુ પોતાનું ધાર્યું કરવા ટેવાઈ ગયો હતો. નાનો હતો ત્યારે સુંદર, દેખાવડો સૌને વહાલો લાગે એવો હતો. મોટું કપાળ, પાણીદાર આંખો અને વાંકડિયા વાળથી શોભતો ચંદુ… પાંચ-છ ધોરણ સુધી તો ધક્કા મારી મારીને ભણ્યો.

કવિશ્રી રઘુવીર ચૌધરીની પ્રતિભાવ પ્રેરક કાવ્યરચના – લાભશંંકર ઠાકર

આ ક્ષણોમાં કવિશ્રી રઘુવીર ચૌધરીનો કાવ્યસંગ્રહ ‘ધરાધમ’ (પ્રથમ આવૃત્તિ ૨૦૧૪) મારા ટેબલ પર છે. એકાધિક રચનાઓ આ ભાવકને ચેતોવિસ્તારનો અનુભવ કરાવે છે. પૃષ્ઠ પાંત્રીશ પરની રચના ‘ઝાડ’ એવી પ્રેરક બની ગૈ કે કોરા કાગળો ટેબલ પર ગોઠવીને આ ભાવકે આમ પેન ઉપાડી છે.

ઝાડ જગા કરી લે છે.
ઊગે એવું

હાસ્તો, ધરતીમાં ઢંકાયેલા બીજને સાનુકૂળતા મળતા એ સહજ ફણગે ફૂટે. ના, એને જગા કરી લેવામાં કંઈ કશું પ્રતિકૂળ નથી હોતું.

ચંદ્ર ઝાકળથી સીંચે છે,
સૂરજ સવારે સેવે છે
ને પવન ઝૂલાવે છે

નાઈટ આઉટ એ પેરન્ટસની મોટી સમસ્યા – નમ્રતા દેસાઈ

(‘રિફ્લેક્શન’માંથી સાભાર, રીડગુજરાતીને આ પુસ્તક પાઠવવા બદલ નમ્રતાબેન દેસાઈનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખને અંતે આપવામાં આવી છે.) હોલિવુડની સેલીબ્રિટીઓ, માફીયાઓ અને સ્વછંદી થઈ ચૂકેલા સંતાનો મુક્ત મને પશ્વિમના દેશોમાં આખી રાત રખડપટ્ટી કરે એના માટે નાઈટ આઉટ શબ્દ પ્રચલિત થયો. નાઈટ આઉટ એટલે આખી રાત ઘરની બહાર મન ફાવે તેમ તે રી શકવાની […]

અનામતની સમીક્ષા, દેશહિતમાટે સુધારા.. – વિજય શાહ

વર્ષોથી એક વાલ્મિકી જાતિના બેન અને તેમની બે છોકરીઓ નડિયાદમાં મારું ઘર છે એ સોસાયટીમાં કચરો ઉપાડે, મેલું સાફ કરે, ગાયોએ કરેલા પોદરા અને કૂતરાઓએ ઓકેલું દૂર કરી રસ્તાઓ ચમકાવે.. ટૂંકમાં મારી શેરીને સવચ્છ અને સુઘડ રાખનારા માત્ર અને માત્ર આ ત્રણ લોકો… જેના વળતર પેેટે ઘરદીઠ મહિને ૧૫ રૂપિયા પણ લોકો જીવ બાળીને આપે.. બોનસમાં અસ્પૃશ્યતા અને ધૂત્કાર તો ખરા જ.. એક દિવસ મારી મમ્મીએ એ બેનની નાની છોકરીને મારા ઘરના ઓટલા પર બેસીને જમાડી તો તે બેનની આંખમાં આભારના આંસુ છલકાઈ આવ્યા..

આ બેનનો એક છોકરો નગરપાલિકાના સંડાસ-બાથરૂમ સાફ કરે, અને પતિ તો નાની વયે જ દેશી લઠ્ઠો પીને દુનિયા છોડી ચાલ્યો ગયો હતો.
હું રવિવારે ઘરના હીંચકા પર બેઠો બેઠો આ લોકોને જોતો હતો ત્યારે મને એમ થયું કે આ પરિવારના કોઈ સભ્યને જો અનામત દ્વારા સારું શિક્ષણ મળે, નોકરી મળે તો મને કોઈ જ વાંધો ન હોય. સાચું કહું તો આખા સમજદાર સવર્ણ સમાજને વાંધો ન હોવો જોઈએ.

Copy Protected by Chetan's WP-Copyprotect.