અણગમતી યાદોને પાછળ મૂકી દેવી સૌથી સારી, સાથે રાખો એવી યાદો ગમતી ગમતી સારી સારી, નવા વર્ષની કરો તૈયારી આવી રહ્યો છે જાન્યુઆરી...
Yearly Archives: 2018
“છેલ્લા બે-બે દિથી મેઘ રોકાવાનું નામ નથી લેતો. અને આજ તો બારે મેઘ ખાંગા થયા છે, અનરાધાર વરસી રહ્યો છે. આખું આભ કાળું મશ છે.” “મા બનાસની સપાટી પણ પળે-પળ વધી રહી છે. લાગે છે બનાસ ગાંડી બની છે! બે કાંઠે વહે છે. મા બનાસ પણ હવે પોતાની ધીરજ ગુમાવવાની તૈયારીમાં છે. ક્યારે પૂર આવે ઈ નો ક’ઈ હકાય..!”
'આ રેવતીની નિશાળેથી ઓલી રઘલાની છોકરી આવી'તી. ઈ કે રેવતીના બાપુને નિશાળે મોકલજો. મોટા સાયબે કીધું છે. તો કામે જાવ તંઈ જાતા આવજો ને.' આટલું બોલી લીલીબેન ફરી પોતાના ઘરકામમાં વ્યસ્ત થઈ ગયા, પણ આ સાંભળીને કાનજી સ્થિર થઈ ગયો. તેને વિચાર આવવા લાગ્યા. 'શું કામ હશે વળી મોટા માસ્તરને? આ મારી છોકરીએ કાંઈ... ના ના.. મારી છોકરી એવું કાંઈ નો કરે જેથી મને ઠપકો મળે. તો પછી શું હશે?'
આખરે અંતિમ દિવસ આવી ગયો અને વ્યોમ વાદળોની વચ્ચે ખોવાઈ ગયો, આખા દિવસની રઝળપાટ બાદ અમદાવાદ નિંદરની ચાદર ઓઢીને સૂઈ ગયું હતું, રાત્રિના નીરવ અંધકારમાં આસ્ફાલ્ટની સડકો પર દૂર-દૂર સુધી નિયૉન લાઇટો નો દૂધિયો પ્રકાશ પ્રસરી રહ્યો હતો, ક્યાંક ક્યાંક અલપ ઝલપ વાહનોની અવરજવર વચ્ચે અનંતરાયનું મન વ્યોમને શોધવા વાદળોમાં ભટકી રહ્યું હતું, ધીમી ગતિએ જતી કારમાં ધીમા અવાજે મુકેશજીના દર્દભર્યા સ્વરમાં એક જૂનું ગીત વાગી રહ્યું હતું.. ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા, તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા.. સાચે જ આખરે વ્યોમ પોતાની સ્વપ્નનગરીમાં પોતાની કલ્પનાઓની પાંખે ઊડી ગયો હતો. અનંતરાય ગાડીની પાછલી સીટ ઉપર માથું મૂકીને છેલ્લા કેટલાક દિવસોની દોડધામભરી જિંદગીની ક્ષણોને યાદ કરતાં કરતાં તંદ્રામાં સરી પડ્યા..
"એ સાબ... ભગવાન કે નામ પે કુછ દે દો.. ભૂખ લગી હે." ધ્યેય કારમાંથી અકળાઇને, "જા... ભઈ.. જા.. ભીખમંગા કંઈ કામ કરો... ભગવાને તમને બે હાથ અને પગ તો આપ્યા છે. આ સાલાઓને આદત પડી ગઈ છે. જા.. અહીંથી જતો રહે... યુ બ્લડી.. @@@"
એક ભીની સાંજે બગીચામાં મૈત્રેયી દેવીની 'ગુરુદેવ મારા આંગણે વાંંચી રહી હતી. હિમાલયની તળેટીમાં આવેલા હિલસ્ટેશન મંગપૂના તેમના ઘરે રવીન્દ્રનાથ ટાગોરને રહેવાનું થયું. (૧૯૩૮-૧૯૪૧) એ વખતે ધન્યતા અનુભવતા મૈત્રેયી દેવીએ 'મંગપૂતે રવીન્દ્રનાથ'માં એ અહેસાસને ઢાળ્યો. હું વાંચવામાં તન્મય હતી ત્યાં જ સામે પારિજાતમાં બે-ત્રણ ખિસકોલી ચડ-ઉતર કરી રમવા લાગી. એને જોતા મારા વિચારો પણ એ પુસ્તક સમાંતર યાત્રા કરવા લાગ્યા. મને થયું કે આ પારિજાતને મારા આંગણામાં પામીને હું પણ ધન્ય છું અને મૈત્રેયી દેવી જેવી જ પ્રસન્ન. મારા આ પરીજાતે મને અઢળક મીઠા સંવેદનોમાં તરબોળ કરી છે.
રીડગુજરાતીના સર્વે વાચકો, સહયોગીઓ અને સર્જકોને તનવર્ષ ૨૦૭૫ના અભિનંદન.... આજથી શરૂ થતું સંવત ૨૦૭૫નું વર્ષ સૌને લાભદાયી નીવડે તેવી શુભકામનાઓ. રીડ ગુજરાતીના વાચકો, લેખકો, મિત્રો, પ્રકાશક મિત્રો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર સૌને સાલમુબારક. આ નવું વર્ષ સૌનાં માટે સુખ, શાંતિ ને સમૃદ્ધિનો સંદેશ લઈને આવે તેવી પરમતત્ત્વ પરમેશ્વરના ચરણોમાં અભ્યર્થના. વીતી ચૂકેલાં વર્ષ તરફ નજર નાખું છું તો ખ્યાલ આવે છે કે વાચકોની અપેક્ષાઓ સંતોષવામાં ક્યાંક કચાશ રહી ગઈ છે. નવા વર્ષે ફરિયાદ નહિ પણ દિલની વાત કરવી છે. રીડગુજરાતીને નિયમિત સમય ફાળવવાનો કરેલો નિર્ણય બદલાતા જીવનપ્રવાહમાં ક્યાંક ધોવાઈ ગયો! પણ આ નવા વર્ષે નવીન ઉત્સાહ, જોમ સાથે વાચનદીપને પ્રજ્વલિત રાખી નિયમિત બનવાનો શુભ સંકલ્પ કરવો જ રહ્યો...
કોણ જાણે કેટલાયે કાળથી અખંડ ઉભા છે આ પહાડો ને વૃક્ષો.. કોણ જાણે કેટલાયે કાળથી નિરંતર વહ્યે જાય છે તૃપ્ત કરનારી આ નદી ને ઝરણાં, ને કેટલાયે સમય ખંડમાં વહેંચાઈને છૂટા પડેલા છે આ ખડકો.. અહીં આવો તો અનુભવાય કે જાણે અહીંની હવા રાહ જોઈ રહી છે, એના સાચા કુદરત પ્રેમીના આવવાની..! ફરી એકવાર પ્રકૃતિપ્રેમી એવા અમે હું અને સખી ડિમ્પલ નીકળી પડ્યા કુદરતને ખૂંદવા, કેટલાય સમયથી પાંગરેલી એક ઝંખનાને હકીકતનું સ્વરૂપ આપવા. પણ આ વખતે ગુજરાતની બહાર. હા, હિમાચલની દેવભૂમિને અમે અમારું ટ્રેકિંગ સ્થળ પસંદ કર્યું.
હીરો ટીપટોપ તૈયાર થઈને ઘરમાંથી બહાર નીકળી સાઈકલ પર સવાર થવા જાય કે બાજૂમાંથી કોકીભાભી અચૂક ટહુકી ઊઠે, “એ હીરાલાલભાઈ! આણી કોર આવો તમને જરા મેંસની કાળી ટીલી કરી દેઉં. અમારા કુંવરને કોઈની ભૂંડી નજર ન લાગે!” “સું તમય તે ભાભી? રોજ રોજ મારી મશ્કરી કર્યા કરો છ?” એમ હસીને બોલતો તે સાઈકલને પેડલ મારતો ફરફરાટ આસપાસનાં ગામડાં ઘૂમતો છેક સાંજે પાછો ફરતો.
દિવ્યાબેને દરવાજો ખોલ્યો ને અથર્વ 'મમ્મા.. મમ્મા,' બોલતો દોડીને અવનીને વળગી પડ્યો. એક હાથમાં પર્સ, શાકની થેલી અને બીજા હાથમાં કોર્નફ્લેક્સના પેકેટવાળા બે હાથ એના ફરતે વીંટાળીને અવનીએ થોડું વ્હાલ કરી લીધું. એણે હાથમાંની થેલીઓ બાજુ પર મૂકી અને સોફા પર બેઠી. અથર્વ આવીને ખોળામાં બેસી ગયો. દિવ્યાબેન પાણી લઈ આવ્યા. 'અરે મમ્મા થાકી ગઈ છે બેટા.. થોડીવાર બેસવા દે એને.. નાની પાસે આવ...' બોલતાં દિવ્યાબેને અથર્વને તેડવાની કોશિષ કરી પણ એણે અવનીને વધુ જોરથી પકડી લીધી.
‘લગ્નજીવન સુખી બનાવવાના સો ઉપાયો’ નામના એક પુસ્તકમાં મેં એક વાક્ય વાંચ્યું હતું : ઓછી સમજવાળો પતિ પત્નીને કહેશે : ‘તારું મોં બંધ કર.’ જ્યારે સમજદાર પતિ કહેશે : ‘હોઠ બિડાયેલા હોય છે ત્યારે તું ખરે જ સુંદર લાગે છે!’ પુરુષ નામનું પ્રાણી ખૂબ વિચિત્ર હોય છે. પરણ્યા પહેલાં અને પરણ્યા પછી થોડો સમય દરેક પુરુષ ઈચ્છતો હોય છે કે પત્ની બોલ્યાં જ કરે ને હું સાંભળ્યાં કરું. બોલવા માટે એ પત્નીને પ્રોત્સાહિત પણ કરતો રહે છે : ‘પ્રિયે ! તારો પ્રત્યેક શબ્દ મને એટલો મધુર લાગે છે… એટલો મધુર લાગે છે… બસ, તું બોલતી જ રહે… બોલતી જ રહે.’ પણ તકલીફ એ છે કે આ સમયગાળામાં દરેક પત્ની બહુ ઓછું બોલે છે.
સૂર્યના કિરણોમાં પણ એક અલગ જ પ્રકારનું કૌવત છુપાયેલું હોય છે. જ્યાં પ્રસરે ત્યાં આશારૂપી પ્રકાશનો જાદુ ફેલાય જાય છે. વહિદાના ઘર આંગણે સૂર્યપ્રકાશ બરાબર પોતાની માયા પાથરી રહ્યો હતો. બહાર ઓટલા પર બેસી શાકભાજી સમારી રહેલી વહિદાના ગાલ સૂર્યપ્રકાશથી ચમકી રહ્યાં હતાં. પરંતુ હૈયામાં કોઈ ઘેરી વેદના કોરાઈ રહી હોય, તેમ તેના મુખ પર નિરાશા ડોકિયું કરી રહી હતી. હાથમાં પકડેલી તુવેરની શીંગો એની મેળે જ જાણે યાંત્રિક રીતે છોલાતી જતી હતી. વહિદાનું મન તો જાણે કોઈ બીજે જ ઠેકાણે ઉડ્ડયન કરી રહ્યું હતું.