Archive for January, 2018

હાથનાં કર્યાં – અર્જુનસિંહ કે. રાઉલજી

ડોક્ટરના એ શબ્દો – ‘તમારી બંને ફેલોપિયન ટ્યુબો બ્લોક છે… તમે મા બનવાને લાયક નથી, તમે મા બની શકો તેમ નથી…’ મુક્તિના માથામાં ઘણની માફક અથડાયા. ક્યા પાપની સજા… થઈ રહી છે તેનો પણ તેને ખ્યાલ આવી ગયો. હા… તેણે સંજય તરફ જોયું. તેને તો આ વાતની કોઈ અસર જ જણાતી નહોતી. અને ક્યાંથી જણાય? તે તો ઓલરેડી બાપ બની ચૂક્યો છે. જે ભોગવવાનું છે તે મુક્તિના ભાગે જ છે ને? મુક્તિનું હૃદય કદાચ ધડકનો ચૂકી જશે એમ લાગતું હતું. તે હવે મા નહીં જ બની શકે… આ પેલા નાનકડા જીવને તરછોડવાનું પરિણામ છે. જે માત્ર બે મહિનાનો હતો, જેને માના વાત્સલ્યની જરૂર હતી, માના પ્રેમ અને હૂંફની જરૂર હતી, તેને માનો પ્રેમ આપવાના બદલે બાપના વહાલથી પણ અળગો કરી દીધો હતો… પછી ભગવાન ક્યાંથી રાજી રહે? તેનો જ નિસાસો લાગ્યો તેને, અને કુદરતે તેની કૂખ વાંઝણી જ રાખવાનું નક્કી કરી લીધું. કહ્યું છે ને કે – કુદરતને ત્યાં દેર છે અંધેર નથી. મુક્તિને હાથનાં કર્યાં જ હૈયે વાગ્યાં હતાં. મુક્તિના મગજ સામે એ બધા જ પ્રસંગો કોઈક ચલચિત્રની પટ્ટીની માફક નૃત્ય કરવા માંડ્યા. એ બધાં જ પાત્રો… શવ્યા, અને તેનાં સાસુ- કે જે મુક્તિનાં ફોઈ હતાં…! હા… તેમણે જ બધી ગોઠવણા કરી હતી એ પ્રતાપબા..!

રાજાને જે ચરણપ્રહાર કરે તેને શી સજા કરવી જોઈએ? – આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી

પૂર્વૠષિઓએ જીવન ચાર અવસ્થામાં વહેંચ્યું છે. આ ચારમાંથી કોઈ પણ અવસ્થામાં વૈરાગ્યનો પ્રવેશ થાય તેને પૂર્વૠષિઓએ જીવનની સાર્થકતા કહી છે.

ચંદ્રાવતીનગરીના રાજા રત્નશેખરને સંસાર પર વૈરાગ્ય જાગ્યો. એમણે પોતાના યુવાન પુત્ર મદનસેનને રાજગાદી સોંપી અને જંગલનો પંથ પકડ્યો. યુવાન રાજા મદનસેને રાજ્યની ધુરા સંભાળી.

રાજા મદનસેન યુવાન હતો. તેના વિચારો હણહણતા અશ્વની જેમ દોડતા હતા. તેની આસપાસમાં મંત્રીઓ, સેનાપતિઓ, શ્રેષ્ઠીઓ વગેરે વૃદ્ધ હતા પણ અનુભવી હતા. રાજા મદનસેનને કોઈએ સલાહ આપી કે આ વૃદ્ધોની ટોળી દૂર કરી યુવાનોને રાજકાજમાં સામેલ કરવા જોઈએ. રાજની તિજોરી છલકાવવી જોઈએ.

ત્રણ ગીત – કાંતિલાલ એમ. કામરિયા

‘અમીછાંટણા’ પુસ્તકમાંથી સાભાર. અક્ષરનાદને આ પુસ્તક પાઠવવા બદલ શ્રી કાંતિલાલ કામરિયાનો આભાર.

૧.બહેનની રાખડી

(રાગઃ તીખોને તનમનતો ચેવડો)

કંકુ ચોખા બ્હેને ચોડ્યા કપાળે,
ચોખલે વધાવ્યો વીર રે
બેન બાંધે બાંધવને રાખડી

સ્નેહ ભરી આ બ્હેનીની રાખડીમાં,
ભાવના ભરેલી અપાર રે…
બેન બાંધે બાંધવને રાખડી

માઈન્ડ યોર ઓન બિઝનેસ? – ગિરીશ ગણાત્રા

મિત્ર-મંડળી બરાબર જામી હતી. વાતોના વાણાતાણા ઉકેલાયે જતા હતા. રાજકારણની ડાળ પર બેઠેલી વાત કૂદકો મારીને ભૂત-પ્રેત પર આવે અને એના પરથી શેરબજાર, મોંઘવારી, ફિલ્મો કે સ્કૅન્ડલના ઝાડ પર આવીને બેસે. અત્યારે આ વાત-પંખી ‘અકસ્માત’ના ઝાડ પર બેઠું હતું.

“…પછી તો માણસોનું ટોળું એકઠું થઈ ગયું. એના જ સ્કૂટર પર બેસાડીને કોઈ એને ડૉક્ટરને ત્યાં લઈ ગયું અને ત્યાંથી એને ઘેર…”

“મારે પણ એક વાર એવું થયું હતું. હું એક અગત્યના કામે ગાંધીનગર જતો હતો. બપોરે ચાર વાગે મિનિસ્ટર જોડે મિટિંગ કરવાની હતી. હું તો ઘેરથી વહેલો નીકળી શાંતિથી સ્કૂટર ચલાવતો જતો હતો, પણ મારી આગળના એક સ્કૂટર પર એક યંગ-કપલ જતું હતું. નવાં નવાં પરણેલાં હશે તે યુવતી યુવકને એવી રીતે ચિપકીને બેઠેલી કે કોઈને એમની અદેખાઈ આવે.

હાસ્યનો હોજ.. – સં. તરંગ હાથી

ડૉક્ટર સાહેબ તમે ચર્મરોગ નિષ્ણાત કેમ બન્યા?
એમાં ત્રણ ફાયદા છે. ચર્મ રોગી અડધી રાત્રે જગાડી પજવતા નથી, દર્દી મૃત્યુ પામતો નથી એટલે અપયશ મળતો નથી અને ચર્મ રોગનો ઇલાજ બહુ લાંબો ચાલે છે.

***

ક્રિકેટનો સટ્ટો સાવ નક્કામો… હું કાલે રૂ.૨૦૦૦/- હારી ગયો. મને એમ કે ભારત જીતી જશે એટલે રૂ.૧૦૦૦/- નો દાવ ખેલ્યો હતો.
તું તો કહે છે કે તેં રૂ.૧૦૦૦/- લગાડ્યા હતા તો ૨૦૦૦ કેવી રીતે હારી ગયો?

બીજા ૧૦૦૦ હાઇલાઇટ્સમાં લગાડ્યા હતા.

Copy Protected by Chetan's WP-Copyprotect.