- ReadGujarati.com - http://www.readgujarati.com -

માઈન્ડ યોર ઓન બિઝનેસ? – ગિરીશ ગણાત્રા

(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

મિત્ર-મંડળી બરાબર જામી હતી. વાતોના વાણાતાણા ઉકેલાયે જતા હતા. રાજકારણની ડાળ પર બેઠેલી વાત કૂદકો મારીને ભૂત-પ્રેત પર આવે અને એના પરથી શેરબજાર, મોંઘવારી, ફિલ્મો કે સ્કૅન્ડલના ઝાડ પર આવીને બેસે. અત્યારે આ વાત-પંખી ‘અકસ્માત’ના ઝાડ પર બેઠું હતું.

“…પછી તો માણસોનું ટોળું એકઠું થઈ ગયું. એના જ સ્કૂટર પર બેસાડીને કોઈ એને ડૉક્ટરને ત્યાં લઈ ગયું અને ત્યાંથી એને ઘેર…”

“મારે પણ એક વાર એવું થયું હતું. હું એક અગત્યના કામે ગાંધીનગર જતો હતો. બપોરે ચાર વાગે મિનિસ્ટર જોડે મિટિંગ કરવાની હતી. હું તો ઘેરથી વહેલો નીકળી શાંતિથી સ્કૂટર ચલાવતો જતો હતો, પણ મારી આગળના એક સ્કૂટર પર એક યંગ-કપલ જતું હતું. નવાં નવાં પરણેલાં હશે તે યુવતી યુવકને એવી રીતે ચિપકીને બેઠેલી કે કોઈને એમની અદેખાઈ આવે.

હવે બન્યું એવું કે મારી પાછળથી એક ખટારો પુરઝડપથી મને ઓવરટેક કરીને આગળ ગયો. પણ સામેથી ટૅન્કર આવતું હોવાથી ડ્રાઈવરે સ્હેકજ સાઈડ કાપી. એમ કરવા જતાં આગળ જતા કપલવાળા સ્કૂટરને સ્હેઈજ એનો ખટારો ઘસાયો. સ્કૂટર ચલાવનાર યુવાન ગભરાયો અને એણે બૅલેન્સ ગુમાવ્યું. બન્ને જણાં સ્કૂટર સહિત રસ્તાની બાજુના ઢાળ પર ગબડી પડ્યાં. હવે આમ તો મારે ગાંધીનગર પોણા ચારે પહોંચવાનું હતું, પણ આવે વખતે ગમે એવું અગત્યનું કામ હોય તોયે વિસારવું પડે કારણ કે કોઈની જિંદગીનો સવાલ હતો. મેં સ્કૂટર ઊભું રાખ્યું, બન્નેને ખાડામાંથી બહાર કાઢીને જેમતેમ બેઠાં કર્યાં. બન્ને જણાં બિચારાં સારું એવું ઘવાયાં હતાં. નસીબ સારાં તે એક જણની જીપ ખાલી જતી હતી. એને વિનંતી કરી હૉસ્પિટલ રવાના કર્યાં. એના સગાંસંબંધીઓને ફોન કર્યા અને… મારે તો ગાંધીનગરનો કાર્યક્રમ જ કૅન્સલ કરવો પડ્યો, આવે વખતે આપણાથી આપણો સ્વાર્થ ન જોવાય…”

પછી તો સૌ વારાફરતી પોતે જોયેલા, અનુભવેલા, જાણેલા અકસ્માતોની વાતો કરવા લાગ્યાં, પણ બધો વખત રોહિત તો ચૂપ જ બેઠો હતો.

એને ચૂપ બેઠેલો જોઈ, એને વાતમાં ભેળવવા અમે એને પૂછ્યું – “આવે વખતે, રોહિત તું શું કરે?”

રોહિતે જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન પૂછ્યો –
“ધારો કે આવા અકસ્માતમાં તમે અકસ્માતીને હૉસ્પિટલે લઈ જતા હો અને એ રસ્તામાં મૃત્યુ પામે તો?”

“એમાં આપણે શું કરીએ?” ચિનુએ કહ્યું, “આપણે તો આપણાથી બનતું કર્યું પછી જેવાં એનાં નસીબ.”

“એ વ્યક્તિના સગાંવહાલાં તમારા પર વળતરનો દાવો માંડે તો?”

“શેનું વળતર?”

“ધારો કે અકસ્માત પામનાર વ્યક્તિ હૃદયરોગની બીમારી ધરાવે છે. તમે એને એ જ સ્થળ પર કોઈ ડૉક્ટરને બોલાવી સારવાર અપાવવાને બદલે કોઈની કાર મળી જાય એની રાહ જુઓ છો, એ પછી એને હૉસ્પિટલમાં લઈ જાઓ છો. હૉસ્પિટલે લઈ જવાનું ડહાપણ તમે કરો છો અને એમ કરવા જતાં એ રસ્તામાં જ મૃત્યુ પામે છે…”

“પણ આપણને થોડી ખબર છે કે એને હાર્ટની બીમારી છે?”

“ધેર યુ આર. તમે તમારી મેળે ડૉક્ટર બની બેઠા. એની સજા રૂપે તમારે વળતર ચૂકવવું પડે.”

“હું તો અધેલોયે ન ચૂકવું. ધરમ કરતાં ધાડ પડે એ કેમ ચલાવી લેવાય?”

“આવે વખતે, તું શું કરે રોહિત?”

રોહિત હસ્યો, એ હમણાં જ યુનાઈટેડ સ્ટેટ્સેમાં વર્ષો ગાળી, સેટલ થવા ભારત આવ્યો હતો.

“આવે વખતે સ્ટેટ્સ માં સૌ પોતપોતાના રસ્તે પડે. માઈન્ડ યોર ઓન બિઝનેસ. બીજું શું?”

“જેવું એનું નસીબ.”

“તમને મારી દલીલોથી શૉક લાગ્યો હશે, પણ હું વર્ષોથી સ્ટેટ્સિમાં રહ્યો છું. એટલે ત્યાંના કાયદાઓ પ્રમાણે વાત કરું છું. દાખલા તરીકે, સદ્ભાંવનાથી પ્રેરાઈને ત્યાં તમે કોઈને રસ્તો ક્રૉસ કરાવવા જાઓ કે કોઈ વ્યક્તિને બસમાંથી નીચે ઉતારવા ટેકો આપો, તમારો હાથ ફિસકાય, કે વ્યક્તિને ઈજા થાય, હાડકું તૂટે તો એનું આળ તમારે માથે આવે – બેદરકારી દાખવવા બદલ.”

“એટલે ત્યાં કોઈ કોઈને મદદ જ ન કરે?”

“એ જવાબદારી પોલીસની છે.”

“ધારો કે આજુબાજુ પોલીસ ન હોય તો?”

રોહિતે હસીને કહ્યું, “મેં કહ્યું તેમ, માઈન્ડ યૉર ઑન બિઝનેસ. તમે ડાહ્યા થઈ શું કામ મદદ કરવા દોડી ગયા? કોઈએ તમને ફોર્સ પાડ્યો હતો?…”

અકસ્માતનું વાતપંખી હવે કાયદાઓના ચોપડા પર જઈ બેઠું. વાત હવે કાયદાના ચક્રવ્યૂહમાં અટવાય તે પહેલાં આ કોઈએ રોહિતને પૂછ્યું, “તને આવો અનુભવ થયો હતો?”

આ પ્રશ્નથી રોહિતના મોં પર થોડી ગંભીરતા છવાઈ ગઈ. એ જોઈ કોઈ બોલ્યું પણ ખરું. –

“નક્કી કોઈ ખરાબ અનુભવ થયો હોય એમ લાગે છે, નહિતર આટલી ઝીણવટથી ત્યાંના કાયદાઓ કહેવા ન લાગી જાય.” કહી, પ્રશ્ન પૂછનાર ખડખડટાડ હસી પડ્યો. રોહિતે કહ્યું –

“અનુભવ સુખદ હતો, પણ પાઠ કીમતી હતો.”

હવે અમે રોહિતના, એક પરદેશ ભૂમિ પરના અકસ્માતની વાત જાણવા ઉત્સુક બની ગયા.

રોહિતે વાત માંડી :
એ વખતે હું બર્કલે સ્કૂલ ઑફ કેમિસ્ટ્રીમાં રિસર્ચ કરી રહ્યો હતો એક બપોરે હું યુનિવર્સિટી કાફેટેરિયામાં ફ્રેન્ચ ફ્રાઈઝ, એપલ પાઈ અને બ્લેક-કૉફી લઈને ટેબલ પર બેઠો હતો ત્યારે મારી સાથે ભણતો એક થાઈ-વિદ્યાર્થી પણ મોયોનિઝ અને કેચ-અપનાં પડીકાં લઈ મારા ટેબલ પર આવ્યો અને નાસ્તો કરતાં કરતાં કહ્યું –

“મિ. રોઈ, (મને ત્યાં બધા રોહિતને બદલે રોઈ કહીને બોલાવતા) મારે આજે મારા પ્રોફેસર સાથે વાઈવા આપવાનો છે. લેટ-નૂનમાં મેં મારી ફ્રેન્ડ સાથે ઈન્ગ્રીડ બર્ગમેનનું પિક્ચર જોવાનું નક્કી કર્યું હતું. નાઉ શી વિલ બી વેઇટિંગ ફૉર મી ઍટ ધ થિયેટર. આ રહી શોની બે ટિકિટ અને મારી કારની ચાવી. તમે મારા વતી માફી માગી એને કંપની આપશો?”

મારે બપોર પછી કોઈ પ્રોગ્રામ ન હતો એટલે મેં હા પાડી. એની કારની ચાવી લઈ હું થિયેટર પર જવા નીકળ્યો. કેમ્પસની બહાર નીકળી યુ-ટર્ન લઈ જેવો મેઈન-સ્ટ્રીમ લેનમાં વળવા જતો હતો ત્યાં રસ્તાની એક બાજુ એક આધેડ વયની ગોરી સ્ત્રી પડી હતી. કદાચ વાઈનું દર્દ હોય, કે પછી હિસ્ટીરિયાનો એટૅક પણ આવ્યો હોય, પણ એ ફૂટપાથ પર પડી હતી. એની પાસેથી એક પછી એક કાર પસાર થતી જતી હતી, રસ્તે ચાલનાર રાહદારીઓ એના પર નજર નાખી, આશ્ચર્ય વ્યકત કરી, આગળ જતા રહેતા હતા, પણ કોઈ એ સ્ત્રીની મદદ કરતું ન હતું.

મને દયા આવી, પણ હવે હું મેઈન સ્ટ્રીમમાં આવી ગયો હતો. અહીં કારની ઝડપ ૭૦-૮૦ કિલોમીટરની રાખવી પડે. આ સ્ત્રીની મદદે જવા માટે આગળ સાત કિલોમીટર જઈ બીજો ટર્ન લઈ પાછા વળવું પડે. મેં નક્કી કરી લીધું, આગળ જઈ ટર્ન મારી પાછો ફર્યો અને એ બાઈને કારમાં સુવડાવી હૉસ્પિટલ લઈ ગયો. હૉસ્પિટલ લઈ જતાં પહેલાં થોડું ઘણું વૈદું જાણતો હતો તે પણ મેં કરેલું. મારી પાસે બીજી કોઈ દવા તો નહોતી.

હૉસ્પિટલના કૅર યુનિટે એને ઈમરજન્સીમાં દાખલ તો કરી પણ મારું નામ, સરનામું, ઓળખ વગેરે એ લોકોએ નોંધી લીધાં. હું તો પછી નિરાંતે થિયેટરમાં જઈ મારા મિત્રની ગર્લફ્રેન્ડ જોડે પિક્ચર જોઈ મારા એપાર્ટમેન્ટમાં આવી ગયો. એક સારું કામ કરવાનો મનોમન સુખદ આનંદ પણ લીધો.

અઠવાડિયા પછી હૉસ્પિટલનું એક મોટું બિલ આવ્યું. એ પહેલાં સત્તાવાળાઓ મને પૂછપરછ માટે બોલાવી ગયા હતા. તુરત જ ઈન્ડિયા હાઈકમિશનરની ઑફિસનો કૉલ અવ્યો. મને બોલાવી, આ સ્ત્રીના મૃત્યુ માટે મને જવાબદાર ગણવામાં આવે એવી બધી શક્યતાઓ, કાયદાઓની કલમો વડે મને સમજાવવામાં આવી. મને પરસેવો છૂટી ગયો. અહીં આવ્યો હતો રિસર્ચ કરવા પણ હવે મને અમેરિકાની જેલના સળિયા મારી સામે દેખાવા લાગ્યા. એ એક અઠવાડિયું મારે માટે કેવું વીત્યું હશે એની જો તમે કલ્પના કરો તો તમારી મતિ પણ મૂંઝાઈ જાય.”

“પણ તું છૂટ્યો કઈ રીતે?” ચિનુથી બોલાઈ જવાયું.

“સિમ્પલી લક, ઈન્ડિયન હાઈકમિશનરની ઑફિસેથી પાછા ફર્યા બાદ બીજે દિવસે સાંજે એ મૃત્યુ પામનાર સ્ત્રીના પતિ મિ. હિગિન્સ મને મળવા આવ્યા. એ એની પત્ની સાથે બે વખત ભારત આવી ગયા હતા. એને ભારતની સમાજવ્યવસ્થા, રહેણીકરણી અને અરસપરસના વ્યવહારોનો ખ્યાલ હતો. એટલે એણે મને હિંમત આપી કે મને કશું નહિ થાય. એણે પત્નીની સારવારનું હૉસ્પિટલ-બિલ ભરી દીધું અને પોલીસમાં મારી તરફેણમાં કેફિયત પણ આપી. એણે બધી કાર્યવાહી કરી મને બચાવી તો લીધો, પણ મારે માટે એ બનાવ માત્ર અનુભવ જ નહિ, કીમતી પાઠ પણ હતો. ગાંધી ગોળીએ વીંધાયા હતા, માર્ટિન લ્યુથર કિંગના પણ એ જ હાલ થયા હતા અને જિસસ શૂળીએ ચડ્યા હતા એ બધા હૃદયની વિશાળ ભાવનાઓને કારણે. મિ. હિગિન્સે મારી પાસે એકરાર પણ કર્યો હતો કે અમે અમેરિકનો આર્થિક રીતે બલે સમૃદ્ધ હોઈએ, પણ ભાવનાઓથી ખૂબ જ ગરીબ છીએ.”

“હવે એ ભાથાને મૂકને વહેતું સાબરમતીમાં.” એક મિત્ર બોલ્યો, “ધાર કે આપણે અહીં બધા ગપ્પાં મારવા બેઠા છીએ અને અચાનક તને કંઈ થઈ ગયું – અમને ખબર નથી કે તને શો રોગ છે – પણ બેભાન બની ગયો. તો શું અમે તને એ જ હાલતમાં પડતો મૂકી, માઈન્ડ અવર ઓન બિઝનેસ કરી ચાલતી પકડીએ? ગીતામાં લખ્યું છે કે ‘મા ફલેષુ કદાચન’ અમને આવડે એવી અમે સારવાર કરીએ. ન કરવા કરતાં કશું કરવું એમાં ખોટું શું છે? કાયદો ભલે પછી ગમે તેવાં અર્થઘટન કરે, પણ અમે તો એક જ અર્થઘટન કરીએ – કોઈને બચાવવા પ્રયત્ન તો જરૂર કરવા જોઈએ. પ્રયત્નમાં જ સફળતા છે. એ મળે પણ ખરી, અને વખતે ન પણ મળે. તું શું કહે છે?”

રોહિતે કહ્યું- “આ જ ભાવનાઓથી હું પેલી સ્ત્રીને બચાવવા દોડી ગયો હતો ને !”