ત્રણ ગીત – કાંતિલાલ એમ. કામરિયા

(‘અમીછાંટણા’ પુસ્તકમાંથી સાભાર. અક્ષરનાદને આ પુસ્તક પાઠવવા બદલ શ્રી કાંતિલાલ કામરિયાનો આભાર.)

૧. બહેનની રાખડી

(રાગઃ તીખોને તનમનતો ચેવડો)

કંકુ ચોખા બ્હેને ચોડ્યા કપાળે,
ચોખલે વધાવ્યો વીર રે
બેન બાંધે બાંધવને રાખડી.

સ્નેહ ભરી આ બ્હેનીની રાખડીમાં,
ભાવના ભરેલી અપાર રે…
બેન બાંધે બાંધવને રાખડી.

આ રે રાખડીમાં મારા હદયની લાગણી,
તારે- તારે ગૂંથી મારા ભાઈ રે…
બેન બાંધે બાંધવને રાખડી.

કષ્ટ કાપે તારા ક્રિશ્ન કનૈયો,
રામ રાખે નિરોગી શરીર રે..
બેન બાંધે બાંધવને રાખડી.

રક્ષા કરજો દેવો મારા વિરાની,
બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ રે…
બેન બાંધે બાંધવને રાખડી.

સુખ- સમૃદ્ધિ વધે મારા વિરની,
વધે એના વંશ કેરી વેલ રે…
બેન બાંધે બાંધવને રાખડી.

કીર્તિ ઉજાળ વિરા જગતમાં તારી,
અંતરના આપું આશિષ રે…
બેન બાંધે બાંધવને રાખડી.

બ્હેની કરે છે એવી પ્રભુને પ્રાર્થના,
જુગ જુગ જીવે મારો વિર રે…
બેન બાંધે બાંધવને રાખડી.

૨. ઘરડાં ઘરમાં

(રાગઃ અનુભવીને એટલું કે આનંદમાં રેવું રે)

ઘરડાંઘરમાં માત-પિતાને, મૂકવા જાયો જાય,
મમતા માળો એ માનવનો
આજ ગયો વિખાંઈ….
ઘરડાંઘરમાં માત-પિતાને, મૂકવા જાયો જાય.

બોલતાં તને શિખવી એતો, ખૂબ ગયા હરખાઈ,
આજ કરે છે બોલવાની તું
માવતરને મનાઈ…
ઘરડાંઘરમાં માત-પિતાને, મૂકવા જાયો જાય.

હેતથી તારો હાથ ઝાલીને, ભણવાં મેલ્યો ભાઈ,
હાથ ઝાલી આજ લાડલો એનો
જોને ક્યાં લઈ જાય?…
ઘરડાંઘરમાં માત-પિતાને, મૂકવા જાયો જાય.

કેટલું વેઠીને કર્યા મોટાં, ઈ કાં ભૂલ્યો ભાઈ,
બુઢીયા હવે લાગતાં બોજો
(તારા) ઘરમાં ના સમાય…
ઘરડાંઘરમાં માત-પિતાને, મૂકવા જાયો જાય.

આથમતાં એના આયખા કેરાં, કોડ ગયા કચડાઈ,
ભૂલીશમાં મારા ભઈલા તારી
બાકી છે બુઢાઈ…
ઘરડાંઘરમાં માત-પિતાને, મૂકવા જાયો જાય.

માત-પિતામાં જાતા જગનાં, તિરથ સૌ સમાઈ
‘કાંતિ’ જો જે કોઈ ‘દિ એના
દિલડા ના દુભાય…
ઘરડાંઘરમાં માત-પિતાને, મૂકવા જાયો જાય.

૩. બાવળને..

તરુવરોની સભા મળી છે, જાનવા સૌના વિચારો,
બાવળ કેરી વાત આવતા. થયો છે બહુ દેકારો,
બાવળને કાઢો નાત બારો.

અપાર શૂળથી અંગ ભર્યાને, વેદના સૌને દેનારો,
ત્યાગ, સમર્પણ આપણા સૌના, ઈ છે લજાવનારો,
બાવળને કાઢો નાત બારો.

ફળ આપે કોઈ ફૂલ આપે, (કોઈ) આપે છાંયડો સારો,
ઓસડિયા થઈ આ સૃષ્ટિમાં, કરતાં કોઈ ઉપકારો,
બાવળને કાઢો નાત બારો.

આ બાવળીયો કાંઈ ન આપે, (તોય) ઠાલો કરે છે ઠઠારો,
કુળ એનુ છે સાવ કજાળું, એમા નહીં આવે સુધારો,
બાવળને કાઢો નાત બારો.

વડલો કહે છે વનચરોથી, સૌને બચાવનારો,
આડી વાડ થઈ આપણા સૌની, રક્ષા ઈ કરનારો,
બાવળને કાઢો નાત બારો.

ત્રાહિત કેરા ત્રાસની સામે, આડા ઘા ઝીલનારો,
‘કાંતિ’ કહે વેળાએ, કામ આવે કજીયારો,
બાવળને કાઢો નાત બારો.

– કાંતિલાલ એમ. કામરિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “ત્રણ ગીત – કાંતિલાલ એમ. કામરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.