હાથનાં કર્યાં – અર્જુનસિંહ કે. રાઉલજી

(‘જનકલ્યાણ’ સામયિકના ઓગસ્ટ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

ડોક્ટરના એ શબ્દો – ‘તમારી બંને ફેલોપિયન ટ્યુબો બ્લોક છે… તમે મા બનવાને લાયક નથી, તમે મા બની શકો તેમ નથી…’ મુક્તિના માથામાં ઘણની માફક અથડાયા. ક્યા પાપની સજા… થઈ રહી છે તેનો પણ તેને ખ્યાલ આવી ગયો. હા… તેણે સંજય તરફ જોયું. તેને તો આ વાતની કોઈ અસર જ જણાતી નહોતી. અને ક્યાંથી જણાય? તે તો ઓલરેડી બાપ બની ચૂક્યો છે. જે ભોગવવાનું છે તે મુક્તિના ભાગે જ છે ને? મુક્તિનું હૃદય કદાચ ધડકનો ચૂકી જશે એમ લાગતું હતું. તે હવે મા નહીં જ બની શકે… આ પેલા નાનકડા જીવને તરછોડવાનું પરિણામ છે. જે માત્ર બે મહિનાનો હતો, જેને માના વાત્સલ્યની જરૂર હતી, માના પ્રેમ અને હૂંફની જરૂર હતી, તેને માનો પ્રેમ આપવાના બદલે બાપના વહાલથી પણ અળગો કરી દીધો હતો… પછી ભગવાન ક્યાંથી રાજી રહે? તેનો જ નિસાસો લાગ્યો તેને, અને કુદરતે તેની કૂખ વાંઝણી જ રાખવાનું નક્કી કરી લીધું. કહ્યું છે ને કે – કુદરતને ત્યાં દેર છે અંધેર નથી. મુક્તિને હાથનાં કર્યાં જ હૈયે વાગ્યાં હતાં. મુક્તિના મગજ સામે એ બધા જ પ્રસંગો કોઈક ચલચિત્રની પટ્ટીની માફક નૃત્ય કરવા માંડ્યા. એ બધાં જ પાત્રો… શવ્યા, અને તેનાં સાસુ- કે જે મુક્તિનાં ફોઈ હતાં…! હા… તેમણે જ બધી ગોઠવણા કરી હતી એ પ્રતાપબા..!

શવ્યા પહેલેથી જ નબળી હતી. શારીરિક રીતે કમજોર હતી, માતૃત્વ તેના માટે જોખમ હતું, સંજયે ના પાડી હતી- કે તેને બાળકની જરૂર નથી. બાળક આપણે દત્તક લઈ લઈશું. પણ શવ્યાને મા બનાવીને તે તેના જીવને જોખમમાં મૂકવા માગતો નહોતો. તેના માટે તો બાળક કરતાં શવ્યાનું જીવન વધારે મહત્વનું હતું પણ… પ્રતાપબા – સંજયનાં મા ક્યાં માને તેમ હતાં. માની જીદ્દ પાસે તેને નમતું જોખવું જ પડ્યું. અને શવ્યા ગર્ભવતી થઈ… એવું નહોતું કે પ્રતાપબાને શવ્યાની ચિંતા નહોતી, તેઓ શવ્યાની સારવારમાં પણ કોઈ કસર બાકી રહેવા દેવા માગતાં નહોતાં, શવ્યાને બચાવવાના તમામ ઉપાય તેમણે તે ગર્ભવતી થઈ ત્યારથી શરૂ કરી દીધા હતા. શવ્યાનું નિયમિત મેડિકલ ચેકઅપ અને જીવી… પૂર્ણ સમયની દાયણ… તેમણે શવ્યાની દેખરેખ રાખવા મૂકી દીધી હતી. જીવીને પૂર્ણ સમયની દાયણ તરીકે શવ્યાની તહેનાતમાં રોકી લીધી હતી, ચોવીસે કલાક તેણે શવ્યા પાસે જ રહેવાનું હતું. શવ્યાને એકલી પડવા દેવાની નહોતી, દર અઠવાડિયે ફરજિયાત કોઈ તકલીફ હોય કે ના હોય તો પણ ગાયનેક ડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ જવાની હતી, હા… ડૉ. સ્મિતાને કહી જ દીધું હતું કે તેણે દર અઠવાડિયે શવ્યાને ચેક કરવી. ખાસ તો બધાંને એવું હતું કે તેના સાસુ શવ્યાની કેટલી કાળજી રાખે છે…? પણ ના… ખરેખર એવું નહોતું. પ્રતાપબાને શવ્યાની કોઈ ચિંતા નહોતી, તેમને તો ચિંતા હતી આવનાર બાળકની…! આવનાર બાળક સાજું સમું આવે – એટલે જ જોઈતું હતું પ્રતાપબાને. પેલી કહેવતમાં કહ્યું છે તેમ દૂધનો દાઝ્યોએ છાસ ફૂંકીને પીએ તે રીતે…! પ્રતાપબાને પોતાને એ અનુભવ થઈ ચૂક્યો હતો, પહેલા ખોળે સંજયના જન્મ પછી લાખ પ્રયત્નો કરવા છતાં પણ તેમની કૂખ વાંઝણી જ રહી ગઈ હતી. તેમની ઈચ્છા હતી બીજા બાળકની પણ એ ઈચ્છા અધૂરી જ રહી ગઈ…. તેમને સંજય પછી બીજું બાળક ના થયું તે ના જ થયું… આથી સંજયની પત્ની શવ્યાની બાબતમાં તેઓ કોઈ કસર છોડવા માગતા નહોતાં…! શવ્યાની કૂખે સાજું સમું બાળક અવતરે એટલું જ તે ઈચ્છતાં હતાં. પછી ભલે શવ્યાનું જે થવાનું હોય તે થાય…! પ્રતાપબાને ખરેખર તેની કોઈ ચિંતા નહોતી અને થયું પણ એવું જ…! શવ્યાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો અને તે પણ દીકરો…! સાજો સારો… નામ પાડ્યું સુષેણ… અને બીજા જ દિવસે શવ્યાને ખેંચ આવી, તાત્કાલિક તેને દવાખાને લઈ ગયાં પણ પોતાના પુત્રનો ઉછેર કરવા શવ્યા હયાત ના રહી… ભગવાનને પ્યારી થઈ ગઈ.

માણસ ધારે છે શું અને કુદરત કરે છે શું? કાયમ માણસની ધારણા પ્રમાણે બનતું નથી. ક્યારેક તેના પાસા અવળા પડે છે. પ્રતાપબા શવ્યાની જગ્યાએ મુક્તિને લાવવા માગતાં હતાં. સંજયનું પુનઃલગ્ન કરીને. મુક્તિ તેમની ભત્રીજી હતી… તેના કરતાં વધારે તો તે તેના બાપની એકની એક દીકરી હતી. આથી તેના બાપાની કરોડોની મિલકતની વારસદાર…! જો સંજય સાથે મુક્તિનું લગ્ન થાય તો બે લાભ થાય – એક તો વારસદારના – સુષેણના ઉછેરનો પ્રશ્ન ઉકેલાઈ જાય અને ભવિષ્યમાં મુક્તિના બાપની કરોડોની મિલકત સંજયને મળી જાય…! પણ ના… તેમાં મુક્તિ આડી ફાટી, તેણે ઘસીને ના પાડી – તેનું કહેવું એક જ હતું – તે પારકી વેઠ ઉછેરવા તૈયાર નહોતી, સુષેણની જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતી. બાકી સંજય તેને ગમતો હતો, સંજય સાથે લગ્ન કરવામાં તેને કોઈ વાંધો નહોતો… તેની તો શરત એક જ હતી કે સુષેણને અનાથાશ્રમમાં મૂકી આવો તો જ તે સંજય સાથે લગ્ન કરે…! બાકી નહીં…! પ્રતાપબાએ અને બીજાં સગાએ તેને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તે એકની બે ના થઈ. તે તો એક જ ગાણું ગાતી હતી કે શવ્યાની વેઠ હું શું કામ વેંઢારું? ખૂબ ખૂબ સમજાવવા છતાં તે એકની બે ના થઈ તે ના જ થઈ…! આખરે પ્રતાપબાએ જ નમતું આપવું પડ્યું..! તેઓ મુક્તિની જીદ સામે ઝૂકી ગયા. મુક્તિ કહે તે પ્રમાણે સુષેણને અનાથાશ્રમમાં મૂકી આવવા તૈયાર થયા પણ…! ત્યાં પાછાં લાગણીનાં બંધન સામે આવ્યાં… જીવી જે દાયણ હતી, જે વાસ્તવમાં સુષેણની મા બની ગઈ હતી… તેણે સુષેણને અનાથાશ્રમમાં મૂકવાને બદલે પોતે રાખવાની ઈચ્છા દર્શાવી.. પ્રતાપબા આ વાતથી તો રાજી થઈ ગયાં, તેમણે સુષેણની તમામ જવાબદારી જીવીને સોંપી દીધી. જીવી તેની મા બની ગઈ. અત્યારે સુષેણ જીવી પાસે જ હતો. જીવી જ તેનો ઉછેર કરતી હતી – કોઈ પણ પ્રકારની બદલાની કે વળતરની અપેક્ષા વગર…! સંજયે ખર્ચા પેટે પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો પણ જીવીએ તેનો અસ્વીકાર જ કર્યો હતો. તે સુષેણની સાચા અર્થમાં મા બની રહી હતી.

મુક્તિ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. મુક્તિને જીવનમાંથી બધો જ રસ ઊડી ગયો હતો. બાળક વિનાના જીવનનો શો અર્થ? તે જો જીવનમાં મા ન બની શકે તો એ જીવન જ તેના માટે નકામું હતું – એવા જીવનનો કોઈ અર્થ નહોતો. તેણે એક બે વખત હાથની નસો કાપી નાખીને આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ ખરા સમયે સંજય આવી જવાથી તે તેના પ્રયત્નમાં સફળ થઈ નહોતી. તે અપરાધબોધથી પીડાતી હતી, સુષેણને અનાથાશ્રમમાં મૂકવો પડ્યો હોત કે જીવી તેનું પાલનપોષણ કરતી હતી તેના માટે મુક્તિ પોતાને જ જવાબદાર માનતી હતી. એક બાળકને તેના બાપ અને માના પ્રેમથી વંચિત રાખવાનો જઘન્ય અપરાધ તેણે કર્યો હતો… જેમાંથી તે છટકી શકતી નહોતી. સંજયે તેને તેની આ વિચારસરણીથી છોડાવવાના લાખ પ્રયત્ન કર્યા પણ મુક્તિ આ જાળાંમાં એવી અટવાઈ ગઈ હતી કે તે આમાંથી નીકળી શકતી નહોતી..! સંજય માટે પણ હવે તે એક કોયડો બની ગઈ હતી. આ બધા માટે જવાબદાર, બધી ગોઠવણ કરનાર પ્રતાપબા પણ હવે તો રહ્યાં નહોતાં – પ્રભુનાં પ્યારાં થઈ ગયાં હતાં…! સંજયને મુક્તિને આ વિચારસરણીમાં છોડાવવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો..! દિનપ્રતિદિન મુક્તિની હાલત બગડતી જ જતી હતી. મુક્તિને કેટલાય ડોક્ટરો પાસે લઈ ગયા પણ તેની હાલતમાં કોઈ સુધારો જણાતો નહોતો. સાઈકાટ્રીસ્ટનું કહેવું હતું કે જો મુક્તિને બાળક મળી જાય તો કદાચ તેની હાલત સુધરે, પણ બાળક લાવવું ક્યાંથી? સંજય રાત દિવસ બસ આ જ વિચાર્યા કરતો હતો – શું કરવું તેને સમજાતું નહોતું અને એક રાત્રે તેના મગજમાં ઝબકારો થયો.

સુષેણ… તેમનો જ પુત્ર હતોને…! સુષેણ ઉપર જેટલો અધિકાર સંજયનો હતો, તેટલો જ અધિકાર મુક્તિનો પણ હતોને…! એ વાત અલગ હતી કે તેણે પોતે જીદ કરી સુષેણથી છુટકારો મેળવ્યો હતો. બાકી કાયદેસર રીતે તેણે ક્યાં સુષેણ ઉપરનો અધિકાર છોડી દીધો હતો કે જીવીને કાયદેસર સુષેણ દત્તક આપી દીધો હતો. સંજયે મુક્તિને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે- તું મા ના બની શકે એવું ક્યાં છે? તું મા તો છે જ ને? સુષેણ કાયદેસર રીતે આપણો પુત્ર જ છે ને…! તું તેની મા છે જ..! ચાલ, આપણે સુષેણને લઈ આવીએ.

સુષેણને લાવવાની વાતથી, પાછા લાવવાની વાતથી મુક્તિના જાણે કે જીવમાં જીવ આવ્યો. તેને નવજીવન મળ્યું… તે ખુશ થઈ ગઈ. આમ તો સુષેણ તેમનો જ પુત્ર હતો પણ તેને પાછો લાવવાનું એટલું સહેલું નહોતું. આમ છતાં સંજયે હિંમત કરી પહેલાં તો તેણે જીવીને કહેવડાવ્યું કે તે સુષેણને પાછો લઈ જવા માગે છે પણ કોણ જાણે કેમ પણ જીવીએ તેની વાતનો કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. તો પણ જીવીના મૌન ઈન્કાર છતાં એક દિવસ સંજય મુક્તિને લઈ જીવીને ત્યાં સુષેણને લેવા ઉપડી જ ગયો.

જીવીએ તેમને પ્રેમથી આવકાર આપ્યો. જીવીનો રિસ્પોન્સ સારો હતો આથી સંજયે કહ્યું કે – એ લોકો સુષેણને લઈ જવા માગે છે. મુક્તિ સુષેણ વિના સોરાય છે… તો જીવીએ કહ્યું – સુષેણ તમારો જ દીકરો છે અને તમારો જ દીકરો રહેવાનો છે… હું તો માત્ર તેની પાલક આયા છું. એ વાત અલગ છે કે સુષેણ તેને જ મા માને છે પણ તેના ઉપર તેનો કોઈ અધિકાર નથી, તે જ્યારે ઈચ્છે ત્યારે લઈ જઈ શકે છે.

જીવીની આ વાતથી સંજય અને મુક્તિ ખુશ થઈ ગયાં. સુષેણ ત્યાં જ હતો, તેના તરફ ફરીને સંજયે કહ્યું, ‘ચાલ બેટા, અમે તારા મમ્મી-પપ્પા છીએ અને તને લઈ જવા આવ્યાં છીએ.’ તો તરત જ છણકો કરી બોલ્યો, ‘મારા કોઈ મમ્મી-પપ્પા નથી, મારી એક જ મા છે… માત્ર જીવી… જીવી સિવાય તે બીજા કોઈ સાથે જવાનો નથી. જો લઈ જશો તો નદીમાં પડીને આપઘાત કરીશ.’ ગભરાઈ ગઈ જીવી. તેણે સુષેણ ઉપરનો અધિકાર છોડી દીધો માત્ર એટલું જ બોલી – હાથનાં કર્યાં હૈયે વાગ્યાં…!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “હાથનાં કર્યાં – અર્જુનસિંહ કે. રાઉલજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.