Archive for February, 2018

વ્હાલ કીધું ન્હોતું ને તોયે… હરિવર… હરિ ગયો..- પરીક્ષિત જોશી

(શ્રી નિરંજન ભગતે આપણી વચ્ચેથી વિદાય લીધી ને જાણે કે એક આખેઆખો યુગ વિદાય પામ્યો. તેમને શ્રદ્ધાંજલિ આપતો પરીક્ષિતભાઈ જોશીનો આ લેખ ‘અભિયાન’ના ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૮ના અંકમાંથી લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પાઠવવા બદલ પરીક્ષિતભાઈ તથા પરવાનગી આપવા બદલ ‘અભિયાન’નો ખૂબ ખૂબ આભાર. આ શ્રદ્ધાસુમન થકી આપણે ભગતસાહેબને સ્મરીએ. ૐ શાંતિ… શાંતિ… શાંતિ…)

‘ભગતસાહેબ’. ભાષાકીય દૃષ્ટિએ વ્યક્તિની અટક સાથે સાહેબ લાગે તો જરા જુદું રહે, પણ પ્રા. નિરંજન ભગતની અટક સાથે સાહેબ માનપૂર્વક એવી રીતે વણાઈ ગયેલું છે કે વ્યાકરણનો નિયમ છોડીને પણ આપણે આ રીતે લખી જ શકીએ, ‘ભગતસાહેબ.’ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સુન્દરમ્‌-ઉમાશંકરના યુગ પછી જે અગ્રણી કવિઓના નામે આખો યુગ ઓળખાયો એ બે કવિઓ રાજેન્દ્ર-નિરંજન.

પ્રશ્ન : જ્ઞાન અને સમજનું મૂળ – પ્રો. મનસુખ ટી. સાવલિયા

આ ઉપનિષદ શ્લોક છે. ઉપનિષદનો અર્થ ‘ગુરુની નિશ્રામાં જ્ઞાનની જિજ્ઞાસાથી બેસવું’. આમ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ જ્ઞાન એવા આપણાં ઉપનિષદો ગુરુ અને શિષ્ય વચ્ચે થયેલ સંવાદો છે. ઉપનિષદકાળમાં જ્ઞાનસત્રની શરૂઆત હંમેશા ઉપરોક્ત શ્લોકથી થતી. આ શ્લોકનો સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે છે – ‘તે (બાહ્ય – ભૌતિક) જગત પૂર્ણ છે, આ (આંતરિક – અધ્યાત્મિક) જગત પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણ જન્મે છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેતા શેષ વધે તે પણ પૂર્ણ જ છે.’ આ શ્લોક વિષે આખું પુસ્તક લખી શકાય. શ્લોકનો અંતિમ ભાગ ‘ॐ शान्तिः शान्तिः शान्तिः’ છે, જે આપણે બીજા શ્લોકો તેમજ પ્રાર્થનાને અંતે વર્ષોથી બોલીએ છીએ, પણ કયારેય મનમાં એવો પ્રશ્ન થાય છે કે ‘ॐ शान्तिः’ નું ઉચ્ચારણ ત્રણ વાર કેમ? ત્રણ ઉચ્ચારણ એટલા માટે છે કે તેમાં આપણે ત્રણ શક્તિઓને પ્રાર્થના કરીએ છીએ કે અમારું આ જ્ઞાનસત્ર વિના વિઘ્ને પૂર્ણ થાય. પ્રથમ બાહ્ય શક્તિ જે આપણા વશમાં નથી તેને શાંત કરવા – જેમકે કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ, દ્વિતીય બાહ્ય શક્તિ જે આપણા વશમાં છે તેને શાંત કરવા – જેમકે બહાર થતાં ઘોંઘાટ અને તૃતીય આપણી આંતરિક શક્તિ – આપણી મનોસ્થિતિ – ને શાંત કરવા. પૂર્ણ શ્રદ્ધાથી થતી આ પ્રાર્થના ત્રણેય શક્તિઓને શાંત કરી ઉત્તમ જ્ઞાનસત્ર (પ્રશ્ન- ઉત્તર કે સત્સંગ) દ્વારા આપણને ઉપનિષદ જેવું સર્વોતમ જ્ઞાન ઉપલબ્ધ કરાવે છે – વેદોથી લઈ ઉપનિષદ, પુરાણો આનાં દ્રષ્ટાંતો છે. આપણાં મુખ્ય દસ ઉપનિષદોમાં એક ઉપનિષદનું નામ તો પ્રશ્નોપનિષદ છે, જેમાં પીપલાદ ઋષિ એમનાં છ શિષ્યો દ્વારા વારાફરતી પુછાયેલા પ્રશ્નો દ્વારા દરેક શિષ્યને બ્રહ્મજ્ઞાન સમજાવી તેઓને શિક્ષિત કરે છે.

કડવાશ બની મીઠાશ – નટવર પટેલ

આવતીકાલે હાઈકોર્ટમાં જમીનના કેસની મુદત હતી તેથી રાવજીભાઈ વલસાડથી અમદાવાદ જવા ટ્રેનમાં બેઠા. સીધા અમદાવાદ ન જતાં વચ્ચે નડિયાદ ઊતર્યા. નડિયાદમાં એમના એક સગા રહેતા હતા. મનમાં વિચાર્યું કે રાત એમને ત્યાં રહી બીજે દિવસે સવારે અમદાવાદ પહોંચી જઈશ.

નડિયાદ સ્ટેશને ઊતરી સંબંધીને ઘરે ગયા ત્યારે તેઓ ઘેર ન હતા, જરૂરી કામે આણંદ ગયા હતા. સાંજે તો ઘેર પાછા આવી જવાના હતા. બપોરનું ભોજન તો ત્યાં લીધું પણ હવે સાંજ સુધી કરવું શું?

મોડું નથી થયું – કલ્પના જિતેન્દ્ર

કાજલ આમતેમ પડખાં ફેરવતી રહી. રૂમ પણ નહિ ને પલંગ પણ નહિ. નીચે સૂવાની આદત નથી છતાંય દીવાનખાનામાં જમીન પર ગાદી પાથરીને સૂવું પડ્યું છે. બા-બાપુજી બેય દીવાન પર સૂતાં છે. જેનો દિવસે બેસવામાં ને રાત્રે સૂવામાં ઉપયોગ થાય છે.

સાંજે ઑફિસેથી થાકીને આવી ત્યારે પલંગમાં લંબાવવાની ઈચ્છા હતી, પણ ઘરમાં આવતાં જ ફાળ પડી, નાની આવી છે જમાઈ સાથે ! અને બિસ્તરા પોટલાં એના રૂમમાં જ છે, ખલાસ ! પોતાનો રૂમ છીનવાઈ ગયો !

ચાર મહિના પહેલાં એ બે દિવસ રહેવા આવી ત્યારે બાએ સહેજ અચકાતાં અચકાતાં પૂછ્યું હતું ‘બેન, તારા રૂમમાં નાની ને જમાઈની સૂવાની વ્યવસ્થા કરું? અંદરનાં રૂમમાં નીના ને તપન સૂવે છે. હું ને તારા બાપુજી અહીં દીવાનખાનામાં, હવે રહ્યો એક તારો રૂમ. તું કહે તો જ !

અને મેં સવારે ચાલવાનું નક્કી કર્યું… – રઈશ મનીઆર

જ્યાં સુધી ફાંદ ન હતી ત્યાં સુધી એમ માનતો હતો કે ફાંદ એ સમૃદ્ધિની નિશાની છે. પણ માંડ જરા ફાંદ વધી ત્યાં ડૉક્ટરોએ મારી પત્નીના મગજમાં ઠસાવી દીધું કે ફાંદ એ બીમારીનું ઘર છે. હસુભાઈનાં પત્ની માને છે કે ધુમ્રપાન બીમારીનું ઘર છે તેથી હસુભાઈ બીડી-સિગારેટ ઘરની બહાર મૂકી આવે છે. એ રીતે હું મારી ફાંદને બહાર મૂકી આવી શકતો નથી. કોઈકે મારી પત્નીને કહ્યું કે સવારે ચાલવાથી ફાંદ ઊતરે છે અને મારે વહેલી સવારે ચાલવા જવું જ પડશે એમ ઠરાવાયું. એમ કરવામાં ભલે હું ઠરી જાઉં.

પહેલા બે-ચાર દિવસ તો હું ઊઠ્યો ત્યારે વહેલી સવાર નહોતી. મોડી સવાર થઈ ગઈ હતી. આ બહાનુ મને બેચાર દિવસ કામ લાગ્યું.

Copy Protected by Chetan's WP-Copyprotect.