શશી કપૂર: ધ હાઉસહોલ્ડર, ધ સ્ટાર – મૂ.લે. મિહિર પંડ્યા, અનુવાદક-નિલય ભાવસાર

(રીડ ગુજરાતીને પ્રસ્તુત સિનેમાલક્ષી લેખ મોકલવા બદલ શ્રી નિલયભાઈ ભાવસારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો nbhavasarsafri@gmail.com અથવા 7874286864 પર સંપર્ક કરી શકો છો.)

માયાનગરી મુંબઈનાં સૌથી હેપ્પનિંગ વિસ્તાર એવાં જૂહુનાં સાંસ્કૃતિક કેન્દ્ર ‘પૃથ્વી થિયેટર’ની વ્યસ્તતા વચ્ચે વ્હીલચેયર પર એક સ્થિતપ્રજ્ઞ સિતારો. ભીડમાં અનુપસ્થિત. અભિનેતા શશી કપૂરની આ અંતિમ છબિ તેમનાં અનેક ચાહકોનાં હદયમાં અંકિત થઇ જશે. પણ, આ છબિની સાથે શશી કપૂર તે સિનેમાવૃત્ત પણ પૂર્ણ કરીને ગયાં કે જે થકી ક્યારેક સુંદર કળા ફિલ્મોને સંપૂર્ણતા પ્રાપ્ત થતી હતી.

પિતા પૃથ્વીરાજ કપૂર દ્વારા રચવામાં આવેલા આ ‘પૃથ્વી થિયેટર’નાં હરતાં ફરતાં ટોળાની સાથે પચાસનાં દાયકામાં તરુણ શશીએ પોતાનાં અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેઓ સિનેમાની દુનિયામાં એક મજબૂરીનાં કારણે વર્ષ ૧૯૬૦નાં દાયકામાં પ્રવેશ્યાં અને માયાનગરીનો સૌથી ચમકતો સિતારો બન્યાં. પણ, થિયેટર હંમેશાં તેમનો પ્રથમ પ્રેમ રહ્યું અને વર્ષ ૧૯૭૮માં પત્ની જેનિફર કેન્ડલની સાથે મળીને તેમણે ‘પૃથ્વી’ થિયેટરની ફરી વખત સ્થાપના કરી. શશી કપૂર જ્યાં સુધી સ્વસ્થ રહ્યાં ત્યાં સુધી પોતાનાં રંગમંચમાં ભજવાતાં દરેક નવાં નાટકનાં પ્રથમ દર્શક બનીને રહ્યાં.

‘વિજય’નો ‘રવિ’
થિયેટરની દુનિયાથી બહાર લોકપ્રિય સિનેમા જગતમાં શશી કપૂરને અમિતાભ બચ્ચનની સાથે ભજવેલી જોડીદાર ભૂમિકાઓ થકી ઓળખ પ્રાપ્ત થઇ. જેમાં અમિતાભ મુખ્ય પ્રદર્શનકારી ‘વિજય’ની ભૂમિકામાં હતાં અને શશી કપૂર તેમનાં ‘અન્ય’ નૈતિક હતાં. સલીમ-જાવેદ લિખિત ‘દીવાર’ ખરેખરમાં વધુ એક જૂની સિનેમા ક્લાસિક ‘મધર ઇન્ડિયા’ની વાર્તાને નવી પરિસ્થિતિઓમાં ફરી વખત રજૂ કરવામાં આવી છે કે જેમાં સુનીલ દત્તે ભજવેલું વિદ્રોહી પાત્ર ‘બિરજૂ’ અમિતાભનાં ભાગમાં આવ્યું હતું. પણ, અહીં નરગિસનાં પાત્રની નૈતિક દુવિધાઓને શશી કપૂરનાં ‘રવિ’એ ઓઢી લીધી હતી.

ફિલ્મ ‘દીવાર’માં શશી કપૂરે ભજવેલું ‘રવિ’નું પાત્ર અને અમિતાભે ભજવેલું ‘વિજય’નું પાત્ર એ ખરંા જોતાં તો એક જ સિક્કાની બે બાજુઓ છે. ‘દીવાર’ની કથાને તેની સંપૂર્ણતામાં જ જોઈ અને સમજી શકાય છે. આ ફિલ્મ તે વ્યવસ્થાનું ખોખલાપણું રજૂ કરે છે કે જેમાં શાળાએ જવા માટે આતુર એવા બાળક ‘રવિ’ની નૈતિકતા ત્યારે જ સુરક્ષિત રીતે બચાવી શકાય છે કે જ્યારે તેનાથી થોડો મોટો કિશોરવયનો ‘વિજય’ પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરે. ‘રવિ’નું શાળાએ જવાનું માત્ર ત્યારે જ શક્ય બને છે કે જ્યારે ‘વિજય’ ગુનાની દુનિયા તરફ પોતાનાં પગલાં માંડે છે.

‘દીવાર’ની પટકથા તે વાત રજૂ કરે છે કે આ વ્યવસ્થામાં ગરીબોને એટલી ઓછી તક પ્રાપ્ત થાય છે કે તેની ‘નૈતિકતા’ સાથે જીવવાની પસંદગી પણ તેની પાસે નથી. જો કોઈ એક રવિને ગરીબીના કાદવમાંથી ‘યોગ્ય’ રસ્તા પર નીકળવું છે તો સાથે એ જરૂરી છે કે અન્ય વિજય અનૈતિક માર્ગ પસંદ કરે અને તે ઝેર પી જાય. હાં, દર્શકો પણ જે સત્ય ‘રવિ’માં બચી ગયું છે તેનાં કરતાં તેને બચાવવાનાં પ્રયાસમાં જે ઝેર ‘વિજય’ પીવે છે તેને વધારે આઇડેન્ટિફાઈ કરે છે. માટે વિજય તેમનાં માટે દિવારનો હીરો બન્યો.

ઘણાં વર્ષો બાદ આ પાત્રો વચ્ચેની તિરાડને વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મ ‘પરિંદા’માં જેકી શ્રોફ અને અનિલ કપૂરની જોડીએ જીવંત કરી. જેમાં ‘કિશન’ની ભૂમિકામાં જેકીએ ઝેર પીધું અને ‘કરણ’ની ભૂમિકામાં નાના ભાઈ એવા અનિલ કપૂરને અન્યાયી સિસ્ટમથી બચાવ્યો. પણ, ૧૯૮૦નાં દાયકાના અંતમાં વાર્તા ફરી વળાંક લે છે. આ વખતે ભોળપણ અને સારાપણાનું સિસ્ટમના હસ્તક મૃત્યુ થાય છે. ‘દીવાર’માં વિજય માર્યો ગયો હતો, પણ ‘પરિંદા’માં કરણ માર્યો જાય છે અને તેની સાથે એ અંતિમ આશાની પણ બલિ ચઢે છે કે જેમાં એક આખી પેઢીને શશી કપૂરે ભજવેલા ‘રવિ વર્મા’નાં પાત્ર એ બચાવી હતી.

નિર્દેશકનાં નિર્માતા
આ સફળ અભિનેતાનાં વ્યવસાયિકરૂપે ‘નિષ્ફળ નિર્માતા’વાળા કરિયર પર જ્યારે પણ એક નજર નાખો ત્યારે માત્ર આ વાત નોંધી લેજો કે કેવાં પ્રતિભાશાળી લેખકોને તેમણે સિનેમાનાં પડદે સન્માનીય મંચ પૂરું પાડ્યું. શ્યામ બેનેગલ નિર્દેશિત ‘જુનૂન’માં રસ્કિન બોન્ડ, ઈસ્મત ચુગતાઈ અને સત્યદેવ દુબે જેવાં નામો લેખકની યાદીમાં જોડાયેલાં હતાં. મહાભારતની કથા પર આધારિત ‘કલયુગ’ની પટકથા ગિરીશ કર્નાડ અને શ્યામ બેનેગલે સાથે મળીને લખી હતી.

અપર્ણા સેનને ‘૩૬ ચૌરંગી લેન’ની સાથે લેખક અને નિર્દેશક તરીકે પ્રથમ બ્રેક આપનાર શશી કપૂર જ હતા. બાદમાં ફિલ્મ ‘વિજેતા’માં કવિ દિલીપ ચિત્રે, પંડિત સત્યદેવ દુબેની સાથે લેખકની ભૂમિકામાં આવ્યા. અને શૂદ્રકનાં નાટક ‘મૃચ્છકટીકમ’ આધારિત ‘ઉત્સવ’ બનાવતી વેળાએ શરદ જોષી જેવા નામ આ ફિલ્મનાં લેખનકાર્ય સાથે જોડાયા. શશી કપૂરની સાથે કાર્ય કરનાર નિર્દેશકોમાં શ્યામ બેનેગલ, ગોવિંદ નિહાલાની, ગિરીશ કર્નાડ, અપર્ણા સેન વગેરે છે. લાંબા કરિયરવાળા આ તમામ નિર્દેશકોએ શશી કપૂરને જ પોતાનાં સૌથી વધું દિલદાર નિર્માતા કહ્યાં.

મર્ચન્ટ-આઈવરીની સાથે જુગલબંદી
લગભગ છ દાયકામાં ફેલાયેલાં અભિનેતા શશી કપૂરનાં ફિલ્મી કરિયરમાં તેમણે મર્ચન્ટ-આઈવરીની સાથે કરેલી અનેક ફિલ્મ્સ પૈકી બે તદ્દન અલગ ફિલ્મો એ મારી પસંદગીની ફિલ્મો છે. અને જો તમે ધ્યાનથી જુઓ તો આ બંને ફિલ્મ્સનાં પાત્રોના મધ્યમાં શશી કપૂરનું સમગ્ર ફિલ્મી જીવન સમાયેલું છે. જે પૈકી પ્રથમ, જેમ્સ આઈવરી નિર્દેશિત વર્ષ ૧૯૬૩માં આવેલી ‘ધ હાઉસહોલ્ડર’માં યુવા શશીએ અભિનેત્રી લીલા નાઈડુની સાથે મળીને તે તરુણ નાયકને પડદા પર જીવંત કર્યો છે કે જેને હજુ દાંપત્ય જીવનનો પ્રથમ પાઠ શીખવાનો છે. આ ફિલ્મનાં લગભગ ત્રીસ વર્ષ બાદ વર્ષ ૧૯૯૪માં આવેલી ઈસ્માઈલ મર્ચન્ટ નિર્દેશિત ફિલ્મ ‘મુહાફિઝ’ એ શશી કપૂરની સિનેમાઈ પડદા પરની અંતિમ ઉપસ્થિતિઓ પૈકીની એક છે.

પણ, આ માત્ર શશી કપૂરની સિનેમાઈ જીવનયાત્રાનાં બે ભાગ જ નથી પરંતુ, આ આઝાદી બાદ આપણા આધુનિક હિન્દુસ્તાની શહેરની દુઃખદાયી વાર્તાનાં પણ બે ભાગ છે. રૂથ પ્રવર ઝાબવાલા લિખિત ‘ધ હાઉસહોલ્ડર’ એક નવાં બનતાં આધુનિક મૂલ્યોવાળા શહેરનું પ્રેમગીત છે. તે તરુણ પેઢીની વાર્તા, જેણે નહેરુના હિન્દુસ્તાનમાં આઝાદીનું સ્વપ્ન જોયું અને એક સંભાવનાઓ ભરેલાં શહેરને પોતાની બાજુઓમાં સમેટીને દિલથી પ્રેમ કર્યો. આ પુરાની દિલ્હીની બંધ ગલીઓમાં પ્રેમયુક્ત ઉજળી છતની શોધ કરતાં યુવા દંપતીની વાર્તા છે. આ પરિવાર અને સમુદાયનાં જડ સામંતી માળખાંની વચ્ચે પ્રેમ, સમજદારી અને સમાનતાનાં લોકતાંત્રિક મૂલ્યોની સ્થાપના કરતી આઝાદ ભારતની પ્રથમ પેઢીની કથા છે. આ કથા આશાસ્પદ છે, ઠીક યુવા શશીની આશાસ્પદ આંખોની માફક.

આનાથી વિરુદ્ધ ‘મુહાફિઝ’ મૃત્યનું ગીત છે. તેનું ભોપાલ આપણા નષ્ટ થઇ રહેલાં, આપણી સંસ્કૃતિને ખોઈ રહેલાં ઉત્તર ભારતીય શહેરનું પ્રતીક છે. આ ઉદારીકરણ બાદ વર્ષ ૧૯૯૦નો દાયકો છે અને સહેજ સંભાળવાલાયક બધું જ નષ્ટ થઇ રહ્યું છે. આ માત્ર એક ભાષા તરીકે ઉર્દૂનું મૃત્યુ નથી. આ આપણી વિરાસતને સંભાળવામાં અક્ષમ એક શહેરનું મૃત્યુ છે, ભાષાનું મૃત્યુ છે, જીવન જીવવાની એક ખાસ શૈલીનું પણ મૃત્યુ છે. અને આધેડ વયનાં શાયર નૂર મિયાંની ભૂમિકામાં કદાવર કાયાની સાથે શશી કપૂરે આ ફિલ્મમાં પોતાના જીવનનો કદાચ સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો છે. રસપ્રદ વાત એ છે કે અનિતા દેસાઈની મૂળ નવલકથા ‘ઇન કસ્ટડી’, ફિલ્મનું શીર્ષક અંગ્રેજીમાં હતું, જેમાં નષ્ટ થઇ રહેલું સંસ્કૃતિનું શહેર ભોપાલ નહિ પણ દિલ્હી જ છે.

ગમગીન શહેરની પ્રથમ છબિ
અને આ બંને ફિલ્મ્સની વચ્ચે ‘ન્યૂ દેલ્હી ટાઈમ્સ’ પણ મારી સૌથી પસંદગીની ફિલ્મ છે. ૧૯૮૦નાં દાયકા દરમિયાન જ્યારે શશી કપૂરનાં સમકાલીન મહાનાયક અમિતાભ ‘મર્દ’ અને ‘જાદૂગર’ જેવી ફિલ્મ્સ કરી રહ્યાં હતાં ત્યારે શશી કપૂર એક નવાં નિર્દેશક રમેશ શર્માની સાથે ‘ન્યૂ દેલ્હી ટાઈમ્સ’ જેવી લાજવાબ ફિલ્મ કરી રહ્યાં હતાં. જો આ ફિલ્મની આપણે કુંદન શાહની કલ્ટ ક્લાસિક ‘જાને ભી દો યારોં’ની સાથે સરખામણી કરીએ તો આ બંને વર્ષ ૧૯૮૦નાં દાયકાની મોહભંગની કથા છે, જે પત્રકારિતામાં સંલગ્ન ઈમાનદાર નાયકની મારફત કહેવામાં આવી રહી છે.

‘જાને ભી દો યારોં’નાં નાયક હાંસિયાનાં પાત્ર છે, પણ ‘ન્યૂ દેલ્હી ટાઈમ્સ’નો વિકાસ પાંડે તો સત્તાનાં કેન્દ્રમાં ઊભો રહીને સત્તાનાં ખેલને દેખી રહ્યો છે. પણ તેને ખ્યાલ જ નથી આવતો કે ક્યારે હાંસિયા પર રહેલી આ હિંસાની લપેટમાં તેનો પોતાનો પરિવાર આવી ગયો છે. આ કથામાં ગેરકાનૂની સત્તાની કાનૂની સત્તામાં બદલાઈ જવાની વાત છે. અહીં ‘રાતનાં શહેર’ની કથા છે કે જ્યાં ગેરકાનૂની સત્તા જ હવે અસલ સત્તા છે. બાદમાં આ જ ગમગીન શહેરની વધું પ્રમાણિક છબી આપણે એન ચંદ્રાની ‘તેજાબ’ અને વિધુ વિનોદ ચોપરાની ‘પરિંદા’માં જોઈએ છીએ, જેને ઈતિહાસકારો થકી લોકપ્રિય હિન્દી સિનેમાની દિશા બદલનાર ફિલ્મ્સમાં સ્થાન મળ્યું છે.

સ્પોટલાઈટથી પર
શશી કપૂર પર લેખક અસીમ છાબરા દ્વારા લખવામાં આવેલું અદભુત પુસ્તક ‘શશી કપૂર: ધ હાઉસહોલ્ડર ધ સ્ટાર’માં શશી કપૂરની સાથે કોઈ સીધો વાર્તાલાપ નથી. ગત કેટલાંક વર્ષોમાં તબિયત નાજુક હોવાને કારણે શશી કપૂરની સાથેનો અસીમ છાબરાનો સીધો સંવાદ સાધી શકાયો નથી. પણ, એક રસપ્રદ કિસ્સો કપૂર ખાનદાન પર પ્રમાણિક પુસ્તક લખનાર મધુ જૈનનાં પુસ્તક સાથે જોડાયેલો છે કે જેનો પ્રસ્તાવ લઈને તે શશી કપૂર પાસે ગઈ હતી. તે સમયની સૌથી ચર્ચિત સિનેમા પત્રકાર, ઇન્ડિયા ટૂડેની સાથે જોડાયેલી મધુ જૈન પોતાનાં ઝીણવટપૂર્વક લખેલાં પુસ્તક ‘કપૂર્સ’ની ભૂમિકામાં જણાવે છે કે તે ખરેખરમાં તો શશી કપૂરની આત્મકથા લખવાનો પ્રસ્તાવ લઈને તેમની પાસે ગઈ હતી. પરંતુ, તરત જ શશી કપૂરે આ પ્રસ્તાવનો હસતાં-હસતાં અસ્વીકાર કર્યો અને કહ્યું કે પિતાજી પૃથ્વીરાજ કપૂર અને મોટા ભાઈ રાજ કપૂર જેવી પ્રતિભા આ ઘરમાં છે ત્યારે કોઈ કેવી રીતે તેમનાં પોતાના પર આ રીતે સ્વતંત્ર પુસ્તક લખી શકે. તેઓ જે નિસ્વાર્થથી ‘સ્પોટલાઈટ’ને છોડીને આગળ વધતાં તે જ તેમનાં સૌથી ઉજળા પારસમણિની ચમક હતી.

આ જ પ્રમાણેનાં નિઃસ્વાર્થભાવનો એક ભાગ તેમનાં દ્વારા નિર્મિત ફિલ્મ્સમાં તેમનાં જ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાઓમાં પણ જોઈ શકાય છે. ખાસ કરીને ફિલ્મ ‘જુનૂન’ અને ‘ઉત્સવ’માં. ચોક્કસપણે ફિલ્મ ‘જુનૂન’માં મુખ્ય ભૂમિકા તેમની હતી, પણ ફિલ્મની સૌથી ચમકદાર ‘એન્ગ્રી યંગ મેન’વાળી ભૂમિકા તેમણે તે સમયનાં સૌથી કાબિલ અભિનેતા નસીરુદ્દીન શાહને આપી હતી. શશી કપૂરની પોતાની ભૂમિકા આ ફિલ્મમાં ગ્રેય શેડ્સ માટે હતી, અને આ નિભાવવા માટે ઉમદા અભિનય પ્રતિભાની જરૂરિયાત હતી. આજે ‘જુનૂન’ ફિલ્મનાં જાવેદ ખાનને જોતાં જ મને ફિલ્મ ‘પિંજર’નાં મનોજ બાજપેયી અને ફિલ્મ ‘૧૯૪૭ અર્થ’નાં આમિર ખાનની ભૂમિકા યાદ આવે છે. બીજી બાજુ ફિલ્મ ‘ઉત્સવ’માં શશી કપૂર સૌથી ખરાબ દેખાતાં છીછરાં આધેડની ભૂમિકા સ્વીકારે છે અને તેને સુંદરતાથી ભજવે છે. યાદ રાખવું જોઈએ કે આ ફિલ્મ માટે તેમણે પ્રથમ વખત પોતાનું વજન વધાર્યું હતું, નહીં તો અન્ય કપૂર નાયકથી વિરુદ્ધ શશી કપૂરની છબી હંમેશા એક આકર્ષક કાયાવાળા નાયક તરીકેની રહી છે. પણ, પત્નીના મૃત્યુ બાદ ઉદાસ શશી કપૂરની બગડેલી જીવનશૈલીનાં કારણે તેમનું સુડોળ શરીર હંમેશા માટે છીનવાઈ ગયું.

સંગતકાર
મને હંમેશાં લાગે છે કે કવિ મંગલેશ ડબરાલની કવિતા ‘સંગતકાર’ શશી કપૂરનાં સિનેમાઈ કરિયરની સામે રાખીને વાંચવી જોઈએ. જે તન્મયતા અને ખામોશીની સાથે તેમણે ૧૯૭૦નાં દાયકામાં મુખર નાયકોની સામે ખામોશીથી ઊભા રહીને પોતાનાં ‘નૈતિક અન્ય’ પાત્ર ભજવ્યાં, તેમાં જ તેમનું આદરપણું છુપાયેલું હતું.

‘મુખ્ય ગાયકનાં પહાડ જેવાં ભારે સ્વરનો સાથ આપતો
આ અવાજ સુંદર ધીમે કાંપી રહ્યો હતો
તે મુખ્ય ગાયકનો નાનો ભાઈ છે
અથવા તેનો શિષ્ય
અથવા ચાલીને શીખવા આવનાર દૂરનો કોઈ સંબંધી
મુખ્ય ગાયકની ગરજમાં
પણ પ્રાચીન કાળની સાથે પોતાની ગૂંજ મેળવતો આવ્યો છે
પણ ગાયક જ્યારે અંતરાનાં જટિલ સ્વરનાં જંગલમાં
ખોવાઈ ગયેલો હોય છે
અથવા તો પોતાની જ સરગમની સાથે
નીકળી પડે છે ભટકતો એક અનહદમાં
ત્યારે સંગતકાર જ સ્થાયીને સંભાળી રાખે છે
કે જે રીતે મુખ્ય ગાયકનો પાછળ રહી ગયેલો સામાન એકઠો કરતો હોય
જે રીતે તેને તેનું બાળપણ યાદ આવતું હોય
કે ત્યારે તે શીખી રહ્યો હતો
તારસપ્તકમાં જ્યારે તેનું ગળું બેસી જતું હતું
પ્રેરણા સાથ છોડે અને ઉત્સાહ અસ્ત થઇ જાય
અવાજની રાખ જેવું કશુંક પડતું હોય
ત્યારે મુખ્ય ગાયકને આશ્વાસન મળે
ક્યાંકથી ચાલી આવે છે સંગતકારનો સ્વર
ક્યારેક-ક્યારેક તે આમ જ તેનો સાથ આપે છે
તે જણાવવા માટે કે તે એકલો નથી
અને એ વાત કે ફરીથી ગાઈ શકાય છે
ગવાઈ ગયેલો રાગ
અને તેનાં અવાજમાં એક સંકોચ સાફ સંભળાય છે
અથવા પોતાનાં સ્વરને ઊંચો ન ઉઠાવવા માટેનાં જે પ્રયાસ છે
તેની મનુષ્યતા સમજવી જોઈએ.
– કવિ મંગલેશ ડબરાલ (સાભાર, કવિતાકોશ)

મૂળ લેખક – મિહિર પંડ્યા
અનુવાદ – નિલય ભાવસાર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “શશી કપૂર: ધ હાઉસહોલ્ડર, ધ સ્ટાર – મૂ.લે. મિહિર પંડ્યા, અનુવાદક-નિલય ભાવસાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.