પ્રેમીઓની કેફિયત – સંકલિત

વાસંતી વાયરા પ્રેમની ખુશ્બુ લઈને આવ્યા છે. એમાંય આજે તો વેલેન્ટાઈન ડે, યુવાન હૈયાઓને ધબકવાનો દિવસ.. પ્રેમ અંગેની અનેક મિત્રોની કેફિયતો, અનુભવો, લાગણીઓ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસી છે, એમાંથી જ કેટલીક પસંદગીની અહીં પ્રસ્તુત કરી છે. આ લખનારા બધા યુવાન નથી, પણ હા તેમના હૈયા હજુય યુવાન છે, પ્રેમનો એ કેફ, એ મગરૂરી એમના શબ્દોમાં અવશ્ય છલકી જાય છે. તો આવો આજે માણીએ પ્રેમીઓની કેફિયત..

૧.

‘પ્રેમ.. કુને કે’વો!’ એના તો દિ’ ઉજવાય?’

એ બાણું વર્ષના માજીના મોઢેથી જે વાત સાંભળી એ હું અહી લખી રહી છું.

‘પ્રેમ તો ભગવાને કીધો.. કાન્હો.. રાધા.. એની તોલે માણહ ન આવે.. લાલી.’ હજી એમની આંખે મોતિયો નહોતો. ચૂલે રોટલો ઉતારતા એમણે વાત આગળ વધારી.

‘હું માસિકમાં બેસતી થઈને મારા બાપુજીએ વેવિશાળ કરી દીધા. અમે દસ બુનો. એ પણ હવા હોરી. એક ભાઈ હારુ મારી માએ દસ પથરા જણ્યા. પ્રેમ તો માવતર પાસેય ન ભાળ્યો. મારી મા કે’તી કે બીજી બે બુનો તો આવતા પહેલા જ સરગ સિધાવી.’

મારી આંખો ચોંકી ગઈ. ડઝન બંધ દીકરીઓ!

‘છોરી પસી.. હોમભળ તો ખરી.. મેં કોઈ દિ એમનું મોં ભાળ્યું નહોતું. લગન કરીને સાસરે ગઈ. ઈચ્છા થાય ત્યારે એ મારી પાહે આવતા. કામ પતાવીને.. હે હેંડ મારા રામ.. જો એ પ્રેમ કહેવાતો હોય તો હા.. ઈ મને પ્રેમ કરતા હતા.’

હું સાંભળતી જ રહી.

‘મેંય ત્રણ પથરા જણ્યા.. ત્યાં મારા હાહુ એ કહી દીધું.. ‘વહુ આ ફેર ખોરડાનો વંશ જ નૈ દો તો તમારા વળતા પાણી જાણજો. સાત પંથકમાં આ ખોરડું હજીય ઝઘારા મારે છે… કોઈ તો મળી જ રે’શે.’ જો એને પ્રેમ કહેવાય તો હા મારા સાસુ મને પ્રેમ કરતા હતા.’

હું એમને અવિરત બોલતી સાંભળી રહી. બોલતા બોલતા દરેક દ્રશ્યને એ આંખ આગળથી પસાર થતું જોઈ રહ્યા હોય એવું લાગ્યું.

‘ત્રણ છોરીઓ પસી ભગવાને મારી હામુ જોયું. રૂપાળો દીકરો દીધો. એને હરીનો પ્રેમ કહી શકું. નહિતર.. મારે કૂવો ખોળવો પડત.. અમારા જમાનામાં પિયર પાછા જવાનો રિવાજ નહોતો. એ માવતર તરફ નિભાવવો પડતો ફરજીયાત પ્રેમ હતો.’

હું મારી જાતને એમની સાથે સરખાવી રહી. પ્રેમ..!

(અત્યારે હું છું એક બારમાની વિધિમાં, એક ૯૨ વર્ષના દાદીને મેં પ્રેમ વિશે પૂછ્યું. એમના વિચારો અહીં મૂક્યા છે..)
– શીતલ ગઢવી

૨.

આજના દિવસે યાદ કરે છે તું મને?

તારો જવાબ ‘હા’ હોય તો તું સાબીતી આપ. ક્યારેય આથમતી સંધ્યાએ લાલ આકાશને જોતા હું સાંભરું છું ? કોઈ ગમતું પુસ્તક વાંચતાં વાંચતાં આજે પણ તારી આંખો ભીની થાય છે ? શું તને પવનના સ્પર્શનો રોમાંચ અનુભવાય છે ? અનાયાસ મારી પસંદનું કોઈ ગીત તારા સાંભળવામાં આવી જાય ત્યારે ? થાય છે કશું ? જૂના પુસ્તકની અધવચ્ચે મૂકાયેલા કોઈ બૂકમાર્કમાંથી મારી સુગંધ નીકળે છે ? કોઈ સાવ અંગત માણસ તારી કૅર કરે એવી અપેક્ષા ઊંડે ઊંડે જાગે ત્યારે કઈ ખોટ વરતાય છે ?

કહે, કોઈ એક તો સાબીતી આપ ! તું મને યાદ કરે છે ?

ને, જો તારો જવાબ ‘ના’ હોય તો… કશીયે સાબીતી આપવાની જરૂર રહેતી નથી ! પણ તો પછી; બારીમાંથી તારી બૅડ પર આવતા ચન્દ્રકિરણોને રોકવા તારે પરદાની શી જરૂર છે ? ક્યારેય વાંચવા હાથમાં નથી લીધું એવા એક પુસ્તકને અકબંધ બૂકમાર્ક સાથે હજુયે કેમ તારા ઓશીકા નીચે રાખ્યું છે ? ડીલીટ થઈ ચૂકેલો એક નંબર હજૂયે કોઈ ડસ્ટબીનમાંથી કાઢવાનો જાણી જોઈને બાકી રાખવાનો શો મતલબ ? જ્યારે આ રસ્તે ફરી આવવાનું જ નથી તો પછી રહી રહીને પાછું વાળીને જોવાનો કોઈ અર્થ ખરો ?
બોલ, તું યાદ કરે છે મને ? ..પણ હવે જવાબ નથી જોઈતો !

– અજય ઓઝા

૩.

યુગોથી લઇને આજ સુધીમાં ‘પ્રેમ’ શબ્દ બહુજ ચર્ચાયો, લખાયો અને ગવાયો છે.આ પ્રેમ હકીકતમાં શું છે?

સોળની ઉંમરે ઉઘઽતી અલ્લઽ જવાનીમાં કોઇના પર નજર ઠરી જાય અે પહેલી નજર નો પ્રેમ…! બાલિશ આકર્ષણ અને ઘટમાં રોમે રોમે જાણે પ્રેમ ફુટી નિકળ્યો હોય અેવી મનઃસ્થિતિ..! ધીરે ધીરે આ પ્રેમ પરિપક્વ બનતા સાચા અર્થમાં અેકબીજાના માટે સર્જાયાનો અહેસાસ થાય અને સમય આવ્યે નસીબદાર લોકોનો પ્રણય પરિણયમાં પરિણમે અને કેટલાકના રસ્તા જ ફંટાઇ જાય…

અમારા સમયમાં ભાગવાની કે માબાપ સામે વિદ્રોહ કરવાની વાત વિચારવી અેજ મોટી વાત હતી. અેટલે અરેન્જ લગ્ન વધારે થતા હતા. 9 માર્ચ 1987 – આજ પણ યાદ છે આ દિવસ…. હું અેમને જોવા મુંબઇ આવી હતી. તેમની પહેલાં પણ મેં બે ત્રણ છોકરાઅો જોયા હતા પણ મનમાં ગોઠયું નો’તું.

પૂર્વનાં ઋણાનુબંધ કે ગમે તે… અેકમેકને જોઇ દિલમાં ઘંટી વાગી ગઇ…. હૈયાનાં તાર ઝંકૃત થઇ ગયા… ઘણી અસમાનતાઅો… અે પશ્ચિમ હું પૂર્વ, અે બારમી પાસ હું ગ્રેજ્યુએટ, અે હેન્ડસમ હીરો હું અેવરેજ… હાઇટ માં અમિતાભ-જયા જેવું…. પણ સબંધ થઇ ગયો. બસ ત્યારથી લઇ આજ સુધી મારી જિંદગી અમારા મજબૂત પ્રેમબંધનમાં ગૂંથાતી આવી છે. શું પતિ-પત્ની આજીવન પ્રેમી નથી બની શક્તા? ભુતકાળમાં ખોવાયેલા પ્રિયપાત્રને યાદ કરીને દિલને બાગ બાગ બનાવી દેતા યુગલો પણ હોય છે. મારી પ્રેમ વિષય પરની લાગણી કંઇક આવી છે…
મેં અેના હાથમાં રાખ્યો ‘તો હાથ જે દિ’ મેં રાખ્યું ના ભાન જળ-સ્થળ,ખાઙા કે ટેકરા તે દિ’ થી.

કલમ હાથમાં હોય અને પોતાના વિષે લખવું હોય ત્યારે પ્રમાણિકતાનું વજન કેટલા લોકો જાળવી શકતા હશે? બહુ સાચી વાત કહુંતો અમે કોઇ આદર્શ જોડાની વ્યાખ્યામાં ફીટ નથી બેસતાં પણ ત્રીસ વરસનું સહિયારું જીવન જીવતાં જીવતાં પસાર થયેલી ખાટી મીઠી ક્ષણો, ઉપર નીચે થતા સમયનાં સ્પંદનો, તઽકી છાંયઙીઅો…. અે લઽવું, ઝગઽવું, અબોલા… છતાંય અેકબીજા વગર ન ચાલવું… અેકબીજાના સાનિન્ધ્યનો આનંદ માણવાની સાથે, અેકબીજાના સુખદુઃખને પોતાના ગણવાની અેકરુપતા કેળવી છે.

અમારા પ્રેમમાં પોતાના કરતા અેકબીજાની કાળજી રાખવાનો ખ્યાલ વધારે છે. પ્રતિકૂળ સંજોગોમાં અેકબીજાને સંભાળી સહજીવનને આનંદમય રાખ્યું છે. અમારા અંતરની અનુભૂતિમાં સહભાગી થવાની શ્રધ્ધા રાખી છે. અેકબીજા સાથે થતા અણબનાવોને દિલથી મૂલવી ભુલી જવાની કલા અમે કેળવી લીધી છે. અમે લાગણીઅોનો ઉત્સવ મનાવતા આવ્યા છીઅે, કોઇ ખાસ દિવસની રાહ જોયા વગર!! આજે, ત્રીસ વર્ષે અમારો પ્રેમ ઘૂંટાઇ ઘૂંટાઇને કસુંબલ રંગ જેવો બની ગયો છે જેમાં સાથે માણેલી મજા અને ઉષ્માભર્યા આલિંગનો કરતાં પણ વધારે કંઇક આત્મિક બંધનોના અહેસાસ થયા છે. કોઇપણ ભય વગર પોતાનું દિલ ખોલીને હળવા થવાનો આનંદ બહુ અોછા લોકો માણે છે. લાગણીની બાબતે પણ લેવા કરતાં દેવામાં પરસ્પરની ભાવના ઉંચી છે. ત્રીસ વર્ષ પૂર્વે મેં લખેલા પત્રોનાં અેક બે ક્વોટસ…

પ્રિય,મારો પ્રેમ નાજુક છે છતાં તારા માટે બધું જ સહન કરવાની તાકાત હું મારા પ્રેમમાં કેળવીશ, પણ અેમાં મને તારો સાથ મળવો જોઇઅે.

આપણા પ્રેમમાં માંગણી,આગ્રહ કે જીદ નહીં પરંતુ પરસ્પરના વિચારોનો સમન્વય હશે.

આપણો પ્રેમ અેટલે હળવું મન અને ગીત ગાતા હોઠ…..

રાજ, હાથમાં હાથ રાખી મુશ્કેલીઅો સામે લઽવું, અેક દિલથી બીજા દિલ સાથે વાતો કરવી, સાથે સહન કરવું અને સાથે પ્રાર્થના કરવી.. અને અેક સુખદ લાગણીના દાતા બનશું આપણે પરસ્પર…

આજ અમારા જીવનબાગમાં અમારી પ્રતિકૃતિ રુપ ‘પ્રેરણા’ અને ‘હર્ષ’… મહેકી રહ્યા છે.

સ્ત્રી સ્વાતંત્ર્યની ભલે ગમે અેટલી વાતો કરીઅે પણ મને આ લગ્નબંધનમાં બંધાયાનું ગૌરવ છે…. આ મારું પોતિકું ભાવ વિશ્વ છે જેને મેં મારી સમજ, લાગણી, ધૈર્ય અને સહનશક્તિથી સવાર્યુ છે… આ વિશ્વ જ મારા જીવનનો અેક માત્ર આનંદ અને જીવવાનું કારણ છે….

મિત્રો, જેનાં દામ્પત્ય જીવનમાં પ્રીતનાં પુષ્પો મહેકતા હશે તેનું ઘર સ્વર્ગ હશે… મારા માટે મારું ઘર અઽસઠ તીર્થ, ચારધામ અને કાશ્મીર નું સૌંદર્ય છે… મારી દરેક સવાર વેલેન્ટાઇન રોઝ બની ઉગે છે.. આજે પણ….!

– ગીતા પંડ્યા

૪.

પ્રિય,

મને તને આમ સંબોધવું બહુ ગમે છે, કારણ તું મન બહુ પ્રિય છે, English માં જેને આપણે એને Dear કહીએ, એટલે જ તો તને તારા નામથી ઓછું ને Dear કહી ને વધારે બોલાવું છું.
મારી સમજ પ્રમાણે પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન બેસાડી શકાય, કારણ એ’તો અંતરની અનુભૂતિ છે, એક એવો એહસાસ છે જે કદાચ વર્ણવી ન શકાય, પણ જ્યાં પ્રેમ છે ત્યાં બીજી કોઈ વસ્તુનો અવકાશ નથી. તારા મળ્યા પછી મને જે એહસાસ થયો છે એ એવો જ છે, ત્યારે જ સમજાયું કે હું તને અનહદ પ્રેમ કરું છું, તને પ્રેમ કરું છું કોઈ કારણ વગર. હકીકતમાં ગમાડવા ને ગમી જવાનો ફરક મને તારા મળ્યા પછી જ થયો છે.

પ્રેમ કોને કહેવાય- પ્રેમમાં શબ્દોનો પણ અવકાશ નથી, આંખ માં આંખ પરોવી બસ જોતા રહેવું, તને એ સમજાય જાય જે મારે કહેવું હોય જો એ પ્રેમ હોય તો મને પ્રેમ છે, તારો હાથ પકડી કલાકો બેસી રહેવું ને હાથમાં થતી ઉષ્માનો અહેસાસ જો પ્રેમ છે, તો મને પ્રેમ છે. કલાકો સુધી ચૂપ રહેવું ને તે છતાં સંવાદ સધાતો હોય જો એ પ્રેમ છે, તો મને પ્રેમ છે, તું ખભા પર માથું રાખી હવાની લહેરખી ખાતી હોય ને મને જરાય હલવું ન ગમે જો એમ પ્રેમ છે, તો મને પ્રેમ છે. જો તારા દૂર જવાથી ખાલીપો સર્જાય, મન બેચેન થાય જો એ પ્રેમ છે, તો મને પ્રેમ છે. તારા આલિંગનમાંથી છૂટવાનું મન ન થાય, તને ફરી પાછી જકડી લેવાનું મન થાય, જો એમ પ્રેમ છે તો મને પ્રેમ છે. તારા એક ચુંબનથી જો આખા શરીરમાં કંપન થઇ જાય જો એમ પ્રેમ છે, તો મને પ્રેમ છે. ક્યારેક થતી દલીલોના અંતે જયારે કૉપ્રોમોઈઝ કરી, ફરી સોરી કહેવાનું મન થાય જો એ પ્રેમ છે, તો મને પ્રેમ છે. તારી એક ખુશી માટે કઈ પણ કરી છૂટવાનું મન થાય જો એમ પ્રેમ છે, તો મને પ્રેમ છે. તારા વાળના સ્પર્શથી થતી મીઠી ખંજવાળ ગમતી હોય જો એમ પ્રેમ છે, તો મને પ્રેમ છે. જો એક બીજાનો સાથ હર-હંમેશ ઘમતો રહે, જો એમ પ્રેમ નથી તો બીજું શું છે. Dear, ઘણી એવી વાતો હશે જે મને ગમે છે, અને ઘણી એવી વાતો પણ હશે જે મને નહીં પણ ગમતી હોય, પણ તે છતાંયે તું મને જેવી છો એવી ગમે છે, મારી દ્રષ્ટિએ આજ પ્રેમ છે.

જેને તમે ચાહતા હોવ એ તમારી સાથે હોય એવું એવું સદ્ભાગ્ય બહુ ઓછાને પ્રાપ્ત થાય છે, અને હું પોતાને બહુ નસીબદાર સમજુ છું, કે મેં જેને ચાહી એ મારી સાથે છે. મારી દ્રષ્ટિએ પ્રેમ એ રોજ ઉજવવાનો તહેવાર છે, ફરક બસ આપણા દૃષ્ટિકોણનો છે. તારી સાથે વિતાવેલી હરેક ક્ષણ valentines day થી ઓછા નથી. એક મીઠી વાત,એવી મધુરી યાદનો એહસાસ બહુ લાંબો રહે છે, ઘણી વખત’તો દિવસો, અઠવાડિયા સુધી.

તો ચાલ આપણે પણ પ્રેમ-દિવસ ઉજવીયે, ફરી એક વાર હાથ પકડીએ, નદીની રેતમાં ચાલતા ચાલતા થાકી જઈએ, તું થાકી ને મારા ખભા પર માથું રાખે ને મને બસ જરાય હલવાનું મન ન થાય, ફરી એક વાર એકબીજા ને આલિંગનમાં લઈએ ને એકબીજામાં સંપૂર્ણ સમાઈ જઈએ.

– વિપ્લવ ધંધુકિયા

૫.

જીવનસાથી,

“કોયલ” તેં “નેઇમ ડે”ને દિવસે આપેલા આ નામની આગળ બ્રુનાઇના સુલતાનની અમીરી પાણી ભરી ગઈ.

અત્યાર સુધી આપણી વચ્ચે માંડ પાંચસો લીસા શબ્દની આપ-લે થઈ હશે. તારી આંખમાં જ પ્રેમ વાંચવા હું ટેવાયેલી. પણ જ્યારે પરિચિત કપલમાં શબ્દો-શાયરીઓ- ફિલ્મી ગીતો દ્વારા પ્રેમને વ્યક્ત થતો જોઉં ત્યારે એક ખૂણે જરા અભાવ જાગતો. કોઈ વાર નારાજ પણ થાઉં કે, ક્યારેક પ્રેમને વ્યક્ત કરવો પણ જરુરી. સામેવાળું સંજય થોડું હોય કે અંતર્યામી કે દૂરદ્રષ્ટા થઈ જાય! મન વાંચીને રાજી થઈ જાય!

આ વખતે વોટ્સએપ પર ફ્રેન્ડ્સ ગૃપમાં એકબીજાને નામ આપવાનું લખવાનું આવ્યું… મને ખબર જ કે તું કહીશ કે મને આ બધું નથી આવડતું. હું આ બધામાં માનતો નથી.

પણ, સહુથી છેલ્લે તેં મારું નામ લખ્યું અને હું રામના પગના સ્પર્શથી ધબકી ઉઠેલી અહલ્યાને સાક્ષાત જીવી ગઈ.

– લીના વછરાજાની

૬.

અતિપ્રિય અભિનય,

આજનો દિવસ આપણા માટે તો ખૂશીનો છે જ પણ આપણા માતા-પિતા માટે પણ એટલ જ ખૂશીનો દિવસ છે. આજનો દિવસ એટલે ‘હું’ અને ‘તું’ માંથી ‘આપણે’ બનવાની પ્રક્રિયાનું પહેલું ચરણ અને બન્ને કુટુંબો વચ્ચે વિસ્તતું સંબંધોનું મીઠું ઝરણ.

આપણે અત્યારે આપણા સંબંધમાં એવી જ્ગ્યાએ ઉભા છીએ કે તને મારામાં શું ગમ્યું અને મને તારામાં શું ગમ્યું એવો પ્રશ્ન પૂછવાની જરુર જ નથી.

આપણે લોંગ ડ્રાઈવ પર ગયેલા તે મારી જિંદગીનું પહેલું લોંગ ડ્રાઈવ હતું. એમ કદી કોઈની જોડે લોંગ ડ્રાઈવ પર જવાનું બન્યું નથી. રસ્તામાં જતાં કોઈ છોકરી-છોકરાને બાઈક પર જોઉં તો ઇર્ષા આવે પણ શું થાય જોઈને જલવું ને દેખીને દાઝવું. ત્યારે હંમેશાં થતું કે મારું કોઈ હોય જેની સાથે સાવ અડોઅડ બેસીને બિલકુલ નચિંત થઈ ને હરી ફરી શકું. એવું લાગણીનું જબ્બર જસ્ત ખેંચાણ અનુભવું કે હું ઇચ્છું તોય એમાંથી બહાર ન આવી શકું. અને એવું જબ્બર જસ્ત ખેંચાણ મને તારા માટે ક્યારે થયું એ તો ખબર નથી પણ જ્યારથી થયું ત્યારથી ખબર પડવા લાગી કે હું લાગણીના વમળમાં ઊતરી રહી છું અને એ ખેંચાણને કારણે જ તે દિવસે તેં હાથ આપ્યો ને મેં તારા હાથમાં હાથ મૂકી દીધો. એ લોંગ ડ્રાઈવ મને જિંદગીભર યાદ રહેશે. તારું મારો હાથ પકડવો મને ગમેલું. તારા ટેરવાનો એ સ્પર્શ મને ભીંજાવું ગમે એવા ઝરમર ઝરમર વરસાદ જોવો લાગેલો. તું જ્યારે મારી બહુ પાસે આવે ત્યારે તારો હુંફાળો શ્વાસ ઠ્ંડીમાં રાહત આપતા ધીમા સળગતા તાપણા જેવો લાગેલો. મારા વાળમાં ફરતો તારો હાથ મને ધીમા વહેતા પવન જેવો લાગેલો. એ અનુભવ એવો છે કે હું હજી સુધી શબ્દોમાં વ્યકત કરી શકી નથી.એ તો માત્ર આંખ બંધ કરીને અનુભવી શકું છું.

હું તને વારંવાર ‘I love you’ કહેતી નથી કારણકે મને લાગે છે કે આપણી વચ્ચે લાગણીઓનો એટલો જબ્બર જસ્ત સેતુ છે કે આ ત્રણ શબ્દોમાં એને સમાવી શકાય એમ જ નથી. ઓફિસના કોરિડોરમાં કે રસ્તા પર ચાલુ છું ત્યારે કોઈ બેહોશીની હાલતમાં ચાકુ છું. બસ અભિનયના પડછાયની ઓથે ચલતી હોઉં એમ અનુભવું છું. વાંચન-વિચાર પણ કરું તો લાગે છે કે એ એક અભિનય કરુ છું કારણકે મારું મન તો ‘અભિનય’માં ઓતપ્રોત થયેલું છે.

બસ ઇશ્વરને એટલી જ પ્રાર્થના કે આ વહેતા ઝરણા જેવો પ્રેમ હંમેશાં વહેતો રહે.

લિ. તારા સ્પર્શથી લજવાઈ જતી લજામણી.

– હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

૭.

સંસારના કરોડો ચહેરામાંથી જ્યારે કોઈ એક ચહેરો ગમી જાય..એની હાજરીમાત્રથી હૈયું ધબકી ઊઠે…આશાનાં પંખીનાં કિલકિલાટથી મન મહેંકી ઊઠે અને કલ્પનાની પાંખો જ્યારે ફડફડાટ કરતી ઊડવા માટે થનગને ત્યારે સમજવું કે પ્રેમનું નાનકડું બીજ રોપાઈ ચૂક્યું છે!

આ બીજને જ્યારે અને જ્યાં અનુકૂળ એવું વાતાવરણ પ્રાપ્ત થાય છે ત્યાં એ અંકુરિત થાય છે…સમયાંતરે વિકસિત પણ થાય છે. આમ જોઈએ તો આ બહુ સ્વાભાવિક ઘટના છે.

પણ અહીંથી એક યાત્રાનો પ્રારંભ થાય છે…પછીના તબક્કે અજાણ્યાને જાણવાની, આંખોથી અંતર સુધી એને પહોંચાડવાની અને એનામાં જે નથી તે અવગણીને જે છે – જેવા છે તે સ્વીકારી ઉત્તમ રીતે કદમ મેળવીને ચાલવાની વાત મુખ્ય બને છે.

મારી પ્રેમયાત્રા.. જીવનયાત્રાનો પ્રારંભ પણ આમ જ થયેલો. ત્રણ દાયકાનું અમારું સહજીવન.

પણ કહે છે ને પ્રેમ સમય પર સવારી કરીને આવે છે..આનંદની ક્ષણો કેમ પસાર થઈ જાય છે તેની ખબર પડતી નથી.

બસ આવું જ થયું..
એક આકરી ક્ષણ સામે પ્રેમ હારી ગયો..ને રહી ગઈ પીડા..વ્યથા..ને એકલતા..!

પણ સાચું કહું મારા પ્રેમને હું હારેલો જોવા માગતી ન હતી.. કસોટી થઈ જાય એવી કપરી સ્થિતિનો સામનો કર્યો. ને મક્કમ થઈને મારી જાતને બેઠી કરી!

અત્યારે હું અનુભવું છું, ઈશ્વરનો હાથ અને એમનો આત્મીય સાથ સદાય મારી સાથે છે..કોઈપણ મુશ્કેલીમાં..પડકારજનક સ્થિતિમાં પ્રેરણા આપી મને એ દોરી રહ્યો છે.
એમના પ્રેમનો આ અદભુત પ્રકાશ મારી અંધકારભરી ક્ષણોને ઉજાસ અર્પે છે ને આપે છે..જીવન જીવવાની અખૂટશક્તિ.

હાથમાં હાથ લઈ નીકળી પડવું એ જો પ્રેમ હોય તો કાયાથી ઉપર ઊઠી મનનું સાનિધ્ય માણવું એ પણ પ્રેમની પરાકાષ્ઠા સમાન એક દિવ્ય અનુભૂતિ જ હોઈ શકે!

– ભારતીબેન ગોહિલ

૮.

વડીલોની સંમતિથી થયેલા અમારા ગોઠવાયેલા લગ્ન. સાહેબ ઇન્ડિયન નેવીમાં નિયુક્ત. લશ્કરી રુઆબ ને અદબ ડગલે ને પગલે દેખા દે. લશ્કરી તાલીમ એમણે એવી તો હસ્તગત કરેલી કે અમારી સૌ પ્રથમ મુલાકાત જ્યાં થયેલી એ  આઇસક્રીમ શોપ ત્રણેક કલાક માટે નેવીના એડમિરલની ઓફીસ બની ગયેલી! મજાલ છે તમારી કે તમે કંઈ કહી શકો. હું તો આભી બનીને એકટશ એમને જોયા કરતી હતી. એમણે તો માહિતી પુસ્તિકા ખડકી દીધેલી મારી સામે. એક પણ શબ્દ કાને પડ્યો હોત તો… ખેર, પૂરતી લશ્કરી શિસ્ત સાથેનું અમારું લગ્નજીવન શરૂ થયું.

ખરી મુસીબત હવે આવી. ફિલ્મોમાં જોયેલા ને બહેનપણીઓ પાસેથી સાંભળેલા પ્રેમી- પ્રેમિકાના ખટમીઠાં અરમાનો મારા મનમાં ય આકાર લેવા લાગ્યા. એમાંનો લેશમાત્ર પડઘો સાહેબના વર્તનમાં ન જોવા મળતો. એક શબ્દથી કામ ચાલતું હોય તો બે ન બોલે એવા તો એ કંજૂસ. યેનકેન પ્રકારે મારા મનની વાત એમની સમક્ષ મૂકી તો એ કહે, પ્રેમ કરું છું એટલે તો સાથે છીએ. હવે એનો ઢંઢેરો પીટું? મારી તો બોલતી બંધ.  મનમાં તો એવો ગુસ્સો આવ્યો…સાહેબ પરેડ ગ્રાઉન્ડમાં ભલે ને અઢીસો સૈનિકોને ઓર્ડર આપે, પણ ‘પ્રેમ’ નામનો અઢી અક્ષર પોતાની જ પત્નીને કહેવામાં દુનિયા આખીને જાણ થઈ જવાની હતી! રિસામાણા મનામણાનો તો સવાલ જ નહોતો, કેમ કે સમેવાળું હાજર તો હોવું જોઈએ ને? ડ્યુટી માટે સાહેબ ક્યારેક મહિનો તો ક્યારેક ત્રણ ત્રણ મહિના ઘરથી દૂર રહેતા. એમના હૂંફાળા સ્પર્શથી મારા દિલમાં પ્રેમનું બીજ તો અંકુરિત થયું જ હતું, પણ એ લાગણીભીના શબ્દોની મીઠી વર્ષાથી વંચિત જ હતું. મેં પણ એમનો સ્વભાવ સ્વીકારી લીધેલો.પણ કદાચ ઈશ્વરે કૈક જૂદું જ ધાર્યું હતું.

પ્રથમ પ્રસૂતિ વખતે આગ્રહ કરીને એ લેબર રૂમમાં મારી સાથે જ રહ્યા. ખૂબ ઓછું બોલનાર મારા સાહેબ મારો હાથ પકડીને સતત મારી પીડા ઓછી કરવાની કોશિશ કરી રહ્યા હતા. અલગ અલગ પ્રકારે મને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હું તો એમનું આવું રૂપ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલી. દિલના ખૂણે ઉગેલા પ્રેમના બીજ પર લાગણીના છાંટા પડવા શરૂ થઈ ગયા હતા. મારી આ ખુશીમાં થોડી ક્ષણો બાદ જ નાના બાળકના રૂદને વધારો કર્યો. હજી તો એ શમે એ પહેલાં અત્યાર સુધી અડીખમ રહેલાં, ગમે એવા સમુદ્રી તોફાનને ઘોળીને પી જનાર મારા પતિ મહાશય ધ્રુસકે ધ્રુસકે રડી પડયા! મારી અત્યાર સુધીની બધી જ પીડા એમના પ્રેમભર્યા અશ્રુભિષેકથી ઓગળવા લાગી. એમની આંખો અત્યાર સુધી ન કહેલી બધી જ વાતો બોલી રહી હતી. હું નિશબ્દ એમને સાંભળી રહી હતી. પ્રેમ વિશેના મારા બધા જ પૂવગ્રહો તે દિવસે તૂટી ગયા. શબ્દોથી ય પર લાગણી વ્યક્ત કરવાની રીત મેં એમની પાસેથી શીખી.

અને હા, તે દિવસે એમના અકથ્ય પ્રેમની ધોધમાર વર્ષામાં પલળેલું પ્રેમનું બીજ હજી ય એવું જ તરોતાજા છે.

~ શ્રદ્ધા ભટ્ટ

૯.

વ્હાલામાં વ્હાલી સૌંદર્યા,

કદાચ આજે આ મારો છેલ્લો લેટર છે અને આ લેટર હવે તને કન્વીન્સ કરવા માટે કે તને પાછી લાવવા માટે નથી લખ્યો. આજે મારે તને એવું કઈં જ કહેવું નથી. આજે ફક્ત એ કહેવું છે કે તું મારા માટે શું છે? મારા માટે પ્રેમ એટલે તું,

અને તું એટલે બધું જ, મારું સુખ-દુઃખ, મારાં દિવસ-રાત, મારો શ્વાસ-ઉચ્છવાસ, હોઠ પરનું સ્મિત, ચહેરાની રોનક, જીવનની ચહલપહલ બધું જ તો તું છે! તું એટલે જેના માટે હું રોજ ગીત ગાવ છું કે ‘વ્હાલમ આવો ને… આવોને મન ભીંજાવો ને આવો ને… કેવી આ દિલની સગાઈ..!’ અબે ડૂસકું ભરાઈ જાય છે… એક પંક્તિ પણ પૂરી નથી ગાઈ શકતો પણ જાણે હજારો વાર ગાઈ હોય ને અંતરમાં એટલી ભીનાશ અનુભવું છું. તું નથી ને તો પણ હું મારી ચોતરફ તને જ અનુભવું છું, સવારના આંખ ખુલે ત્યારે એમ થાય કે તું મારી પાસે સૂતી છે, ઓશિકાને તું સમજીને હું એની પર હાથ ફેરવીને કિસ કરી લઉં છું. ક્યાંક મારા અવાજથી તું ઊઠી ન જાય એટલે હું હળવેથી મારો નિત્યક્રમ પતાવું છું. તૈયાર થયા પછી પણ તું મને ઓફીસ જવા ન દેવા માટે કેટલી મસ્તી કરતી, કઈંક ને કઈંક સંતાડી દેતી. આજે પણ તૈયાર થતી વખતે એ જ રાહ જોઉં કે ક્યારે તું કઈંક સંતાડી દે! હું ઓફીસ ન જાવ ને તારી પાસે જ રોકાય જાવ..પણ…તું નથી હોતી એટલે આંખો છલકાયા વિના આજે પણ નથી રહેતી… એ પીડા એટલી ભયંકર હોય છે જાણે આંખમાંથી પર આંસુઓ નહીં પણ એસિડ વહી રહ્યો હોય. જેમ તેમ કરીને ઓફીસ પહોંચું તો છું, પણ કામ નથી કરી શકતો, ઇન્ફેકટ મગજ જ કામ નથી કરતું. તને ખબર છે જ્યારથી તું મને છોડીને ગઈ છે ત્યારથી મગજ એક જ દિશામાં કામ કરે છે, કે તને કઈ રીતે મનાવું? એવું હું શું કરું જેથી તારી બધી નારાજગી દૂર થઈ જાય? અને આ વાતને પણ હવે તો સાત મહિના થઈ ગયા છે પણ એક તારી નારાજગી છે જે દૂર થવાનું નામ જ નથી લેતી.

હું એકલો બેઠો બેઠો તારા વિચારો સાથે વાતો કર્યા કરું, આપણે ગાળેલી એ ક્ષણો યાદ કર્યા કરું અને તને બહુ બહુ બહુ જ મીસ કરું છું, એ એક એક પળ જેને આપણે ‘ગોલ્ડન મૉમેન્ટ’ કહેતાં એ બધી જ પળો મારા જાગૃત મનમાં કોઈ મુવીની જેમ આખો દિવસ અને રાત ચાલ્યા કરે છે. જે થોડી ખુશી તો આપે છે પણ સાથે તું સાથે ન હોવાનું પારાવાર દુઃખ પણ આપી જાય છે. અને ત્યારે હૈયું અષાઢની જેમ વહી નીકળે છે એ કાબૂમાં નથી રહેતું. તારા ગમતાં એક એક ગીત હું ફરી ફરીને સાંભળું છું, એ આશાએ કે ક્યાંક તું કોઈક ગીત સાંભળીને મારી પાસે આવી જાય! એ ગીત પણ મને ભીંજવ્યા વિના છોડતાં નથી. સૌથી વધુ પીડાદાયક છે આપણાં સહવાસની એક એક ક્ષણો, તારું ઓચિંતું આવીને મને જોરથી ચૂમી લેવું, મારા સ્પર્શ માત્રથી તારું પૂરબહારમાં ખીલી જવું, એ તારો અસહ્ય આવેગ જે મારી રંગે રંગમાં જોમ ભરી દેતો, એ ઉન્માદ, એ તારા ઉંહકાર આજે જ્યારે પણ યાદ આવે છે જો કાળોતરો વીંછીના ડંખથી પણ વધુ બળતરા ઉપડી જાય છે. તારો ચેહરા પર એ પરમ તૃપ્તિનો આનંદ જોઈને મારી આત્માને પણ સંતોષ થતો અને હું પારાવાર હરખ અનુભવતો, પણ આજે એ ચહેરો જોવા માટે મારી આંખો ઝૂરી પડી છે.

મારા જીવનમાં ફક્ત ખાલીપો છે એવું હું નહીં કહું કારણ કે હું એક તંદ્રામાં જ જીવું છું, તારી તંદ્રામાં જ જીવું છું. પણ એ તંદ્રા કઈં પ્રત્યક્ષ વ્યક્તિની ખોટ પૂરી ન કરી શકે… પણ આજે હું ફક્ત એક જ વાક્યમાં કહેવા માગું છું કે “તું હોય એથી વિશેષ શું હોય?”

તું તો માત્ર એક પંક્તિ કહીને ચાલી ગઈ,
“સમયના તાંતણા છે આપણી વચ્ચે,
દૂરતા હોય કે નિકટતા, શું ફેર પડે છે?”
‎પણ આજે મને રાડ પાડીને કહેવાનું મન થાય છે કે બહુ ફેર પડે છે દિકા બહુ જ ફેર પડે છે.. ફક્ત શ્વાસ લેવા એ કઈં જીવ્યા ન કહેવાય… તું હંમેશા કહેતી ને હું સાચું માનતો
“તારા જ તરફ વધવાના છે મારા કદમ,
થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે?”

આજે પણ હું એ સાચું માનીને તારા એ કદમ એક દિવસ તને મારી પાસે લાવશે એ જ આશા સાથે હું જીવું છું, અહીં જ તારી રાહ જોઈને ઊભો છું બસ તું આવી જા….તારા એ વહેણને પાળવા પણ આવી જા બસ એકવાર તો આવી જા…

હું ફક્ત તને પ્રેમ નથી કરતો, પણ મારી આત્મામાં તું ઊતરી ચૂકી છે એટલે હું એમ જ કહીશ કે ‘માય સોલ લવ્ઝ યુ એન્ડ ઇટ ઇઝ વેઇટિંગ ફોર યુ, કમ એઝ સુન એઝ પોસીબલ બીફોર માય આય્ઝ ગેટ ક્લોઝડ….”

તારી જ રાહમાં તારો જ અસ્મિત….

– અજ્ઞાત

૧૦.

તુમ હો પાસ મેરે.. સાથ મેરે તુમ હો..
જીતના મહેસુસ કરું તુમ્હે ઉતના હી પાં ભી લુ..

અસંખ્ય વખત આ ગીત સાંભળ્યું છે ને દર વખતે નવી જ અનુભૂતિ થાય છે. એક લય, એક પીડા, એક ઊંડો અહેસાસ છે એ ગીતમાં, જેવો આપણા સંબંધમાં છે. એક સમર્પણ છે એ ચાહતમાં, એક આગ છે એ અહેસાસમાં, એક ઝુનુન છે, જે મને તારા માટે કંઈપણ કરાવી શકે, હું એને પ્રેમ કહું છું…

પહેલા એક નામ હતું આપણા સંબંધનું.. જો કે એ આપણે નહોતું પાડ્યું, દુનિયાએ આપી દીધું હતું. કંઈક અફવા ઉડી હતી હવાઓમાં, કંઈક ઉછળ્યું હતું દિલોમાં..

આજે પહેલીવાર તારા કે મારા માટે નહિ, પણ દુનિયા માટે આ કાગળ ઉપર આપણા સંબંધના વાઘા ઉતારું છું. મારી કલમ ને આ કોરો કાગળ પણ જાણે તને ઓળખવા તલપાપડ બને છે એમ શબ્દો દિલમાંથી ઉતરતા જ જાય છે…!

એ કાચી કુંવારી ઉંમરનો પહેલો અહેસાસ- જે તારો અવાજ સાંભળીને થયેલો.. જે ક્ષણમાં મારી અંદર સચવાયેલી, મારી ઉંમરમાં ઉગેલી, ફૂલેલી ને ફાલેલી, બધી જ લાગણીઓ, મારું અસ્તિત્વ સુદ્ધા એ ક્ષણમાં મેં તારા નામે કરી દીધું હશે, એવી પ્રતીતિ આજે થાય છે. ત્યારે તો માત્ર તારી-મારી વચ્ચે બનેલી એ એક ઘટના હતી, જેની અસર આજે ચાર વર્ષે પણ અનુભવાય છે.. આમ કહું તો ચાર વર્ષ વીતી ગયા કહેવાય, પણ માત્ર ઘડીઓ પસાર થઈ છે, તારા ને મારા જીવનમાં બનેલી ઘટનાઓ ઉગી અને આથમી છે, બાકી બધું જ શમીને રહી ગયું છે.
તારું લગ્ન, તારી અર્ધાંગીની, તારું પહેલું સંતાન, એ બધું જ બની ગયું તારા જીવનમાં, મારા ગયા પછી.. લોકોની નજરોએ તને એક નવી દુનિયાનો ભાગ બનતા જોયો છે, પણ કોઈએ એ નથી જોયું જે એક પરફેક્ટ પતિ, પરફેક્ટ પિતાના દિલમાં ક્યાંક કંઈક અટકી ગયું છે.. એ સ્મિત, એ અલહડતા, એ આનંદ.. એ બધું..જે હું અને તું સાથે હોઈએ ત્યારે થતું!

કોઈને નથી ખબર કે રોજ ટાઈમસર ઓફીસે જતો એક માનો એકનો એક દીકરો, કે પોતાની બધી જ ઈચ્છા પૂરી કરતા પત્નીનો પતિ, નાનકડી એ ઢીંગલીને રોજ સાંજે આવીને રમાડતા એ પિતા, એ સુંદર ચિત્રમાં પણ દરાર છે, એ પુરુષના દિલમાં પણ એક દર્દ છે..! કોઈ નથી જાણતું કે મા, પિતા, પત્ની, દીકરીને પોતાની જાન કરતા વધુ પ્રેમ કરતો એ વ્યક્તિ એની આર્દ્ર આંખોના પડ પાછળ એક અતીત લઈને જીવે છે.

પણ હું જાણું છું, જાણું છું કે રાત્રે તારી અર્ધાંગીનીની કૂણી બાહોમાં તું હોઈશ ત્યારેય મારી યાદ તારા દિલમાં એટલી જ પવિત્ર હશે જેટલી તું એકાંતમાં હોઈશ ત્યારે.
હું જાણું છું જયારે તું તારી દીકરીને રમાડતો હોઈશ ત્યારે સહજ મારી આભા તને એનામાં દેખાતી હશે, કારણ તે જ કહ્યું હતું ને, ‘મારી છોકરી તારા જેવી જ દેખાય છે…’ હજુયે આ વાત યાદ કરું તો આંખો ભીની થયા વિના રહેતી નથી, એટલા માટે નહિ કે તારી દીકરીને તે મારી સાથે સરખાવી, પણ એટલા માટે કે એ નાનીસી જાનને રમાડવાનું પણ મારું સૌભાગ્ય નથી..

ખેર, આપણી પહેલી મુલાકાત યાદ છે? દિલમાં પતંગિયા દોડતા હતાં, આંખોમાં અનેરી જ તાજગી, બધું જ સુંદર લાગતું હતું એવા એક દિવસે મારા પ્રિય સુરજમુખીના ફૂલો તારા માટે પહેલીવાર ખરીદેલા, પણ એ ફૂલો કરતા વધુ સુવાસ મારા રોમ-રોમમાં હતી એ દિવસે.. કારણ નસોમાં રક્ત નહી પણ તને મળવાની ચાહના દોડતી હતી..

પણ એ ફૂલો તારા હાથનો સ્પર્શ પામીને રહી ગયાં, તારા ઘરની ગલીઓ સુધી ના પહોંચ્યા કે ના તારા ઘરના ફ્લાવરવાઝમાં ગોઠવાયા… કારણ તારા રૂઢિચૂસ્ત પરિવારને કોઈ બેનામી ફૂલોનું ઘરે આવવું મંજુર નહોતું, તો એક વિરુદ્ધ જ્ઞાતિની સામાન્ય છોકરી જેની પાસે આપવા માટે કંઈ જ ના હોય સિવાય અઢળક પ્રેમ! એને તો એ ઘરમાં કઈ રીતે..? તું જાણે છે ને જયારે ગળે ડૂમો ભરાઈ જાય છે ત્યારે હું શબ્દો અધૂરા છોડી દઉં છું.

તારા અવાજના પ્રેમમાં પડેલી મારા દિલમાં પાંગરેલી એક લાગણી તને મળીને તને પામવાની જીદ કરી બેઠી હતી. તારી કાસ્ટ, મારી રૂઢીચુસ્ત ઉંચી જ્ઞાતિ, તારું નોનવેજ બેકગ્રાઉન્ડ ને મારું પ્યોર શાકાહારી, તારી ને મારી વચ્ચે દેખાવ કે ઉંમરનો એ તફાવત.. કંઈ જ અનુબંધ નહોતો એ બધા સાથે મારો.. ઉડતી હતી હું પ્રેમના આકાશમાં, પણ એ હકીકત તારા સાચા હૃદયે મને પહેલી જ મુલાકાતમાં જણાવી દીધી, પહેલો પ્રેમ, પહેલું મઘમઘતું સંવેદન, એક પુરુષનો પહેલો સ્પર્શ, એ અહેસાસની સુવાસ બધી જ રંગીન પળોમાંથી મને ખેંચીને બહાર કાઢી એક હકીકતની સમક્ષ મૂકી દીધી, કે ‘આપણા લગ્ન ના થઈ શકે.’

એ તરછોડાયેલા સુરજમુખી અને હું, એ બગીચાના બાંકડા પર એ રીતે એકલા હતાં જાણે ફૂલોમાંથી કોઈએ સુવાસ અને મારામાંથી કોઈએ ‘તને’ છીનવી લીધો હોય..!
બસ, એ દિવસે લખાઈ ગઈ મારા એક તરફી પ્રેમની વાત, તારા નામે થનારા મારા જીવનભરના વિરહની વાત.. મારા શબ્દો માટેનો આધાર બની ગઈ એ તૂટેલા હૃદયની એક સાંજ..

એ ક્ષણે એ તરછોડાયેલા ફૂલોની વેદના મારું દિલ અનુભવતું હતું, એટલે જ કદાચ આજે પણ સુરજમુખી સિવાય કોઈ ફૂલોની સુવાસ મને સ્પર્શી શકી નથી, જેમ તારા સિવાય કોઈ ચહેરો દિલ સુધી પહોંચ્યો નથી..

અને હા, એ ડેરીમિલ્કની મીઠાસ તો કેમ ભૂલું, તું જે આપતો એ બધું જ મારી પસંદ બની જતું.. તે આપેલી પહેલી ડેરીમિલ્ક હોય કે તે આપેલી પ્રેમની પીડા, તે આપેલી ચોટ હોય કે તે આપેલી સ્પર્શની યાદો, બધું જ કોઈ વચનોની આપ-લે વિના સ્વીકાર્ય બની ગયું.

એક પીંડ બન્યો મારામાં તારા ગયા પછી, પ્રેમનો પીંડ.જેમાં ચાહનાના ફૂલો ઉગ્યા.. હા તે શીખવ્યું મને આ સૃષ્ટિને પ્રેમની નજરે જોવા અને જીવવાનું… વાસ્તવિકતાની પછડાટ ખાધા પછી પણ ઉડું છું હું, તારા જ પ્રેમના આકાશમાં.. આપણી વચ્ચે માત્ર ખાલી સમયના ટૂકડાઓએ જગ્યા બનાવી લીધી છે. મારા (જાણું છું તારા પણ) હોઠો પર વસતું એક ગીત તારી હાજરી જેવું છે…

‘તુમ હો મેરે લિયે.. મેરે લિયે તુમ યું..
ખુદ કો મેં હાર ગયા તુમ કો મેં જીતા હું…’

– મીરા જોશી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “પ્રેમીઓની કેફિયત – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.