ગુરુદક્ષિણા – અંજલિ શેઠ

(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ અંજલિબેન શેઠનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો anjali231278@yahoo.com પર સંપર્ક કરી શકો છો. તેમની કલમ ઉત્તરોત્તર પ્રગતિ કરે શુભકામનાઓ.)

“અને એકલવ્યએ એક જ ઝાટકે કટારથી પોતાનો અંગૂઠો કાપી દ્રોણાચાર્યના ચરણોમાં ધરી દીધો.” જાનકીબેન ઇતિહાસ ભણાવવામાં એટલા ડૂબી ગયા હતા કે સમય ક્યારે પૂરો થઇ ગયો તેની ખબર જ ના પડી. જો કે બધા વિદ્યાર્થીઓને પણ ક્યાં ઉતાવળ હતી ! જાનકીબેનની વિષયને વર્ણવવાની રીત જ એવી કે પાઠમાં રસ ન પડે તો જ નવાઈ.

૧૯૪૫ની એ શાળાઓ, આઝાદીની લડાઈ માટે દેશભક્તિનો ચારેબાજુ ફૂંકાતો વંટોળ, ગરીબ તથા અશિક્ષિત ભારતીયો વચ્ચે શિક્ષણ અને જીવનના મૂલ્યો શીખવવાની જ્યોત હંમેશા સળગતી રાખવી કોઈ નાની વાત તો નહોતી જ ! બસો વર્ષના ઇતિહાસમાં અંગ્રેજ સરકારે દેશની સ્થિતિ ખોખલી અને લાચાર બનાવી દીધી હતી. રાજા રામમોહનરાય, માદામ કામા જેવા મહાન સમાજ સુધારકો સાથે જાનકીબેન જેવા નાના નાના તારલાઓ શિક્ષણ અને સદવિચારોના બીજ ભાવિ પેઢીમાં રોપવા સતત સમર્પિત રહેતા હતા. જાનકીબેન જેવા દૂરંદેશી શિક્ષિત લોકોને ખબર હતી કે આ દેશના યુવાનોને સ્વતંત્રતા મળ્યા પછી પણ પ્રગતિ અને મૂલ્યોની જાળવણી માટે શિક્ષણ તો આપવું જ રહ્યું. બાળલગ્નનો શિકાર બન્યા પછી નાની ઉંમરે વિધવા હોવાનું કારમું દુઃખ ગુનેગારની જેમ ભોગવ્યા છતાં જાનકીબેને સમાજ અને દેશનો એક નાનકડો ખૂણો પ્રકાશિત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. સતયુગ હોય કે કલયુગ હજારો જાનકીએ અગ્નિપરીક્ષા પાસ કરી જ છે. જાનકીબેન પણ ક્યાં એ સામાજિક ક્રૂરતાની અગ્નિપરીક્ષામાંથી બચી શક્યા હતા?

બાળકો અને સ્ત્રીઓના ભવિષ્યને ઉજાગર કરવા પ્રયત્નશીલ એવા જાનકીબેન ગુજરાતના દાહોદની એક નાનકડી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. આગળ પાછળ કોઈ ન હોવાથી બીજી કોઈ ચિંતા તો નહોતી. છત વિનાની શાળાઓ અને ભૂખથી ટળવળતા વિદ્યાર્થીઓને ક્યારેક વર્ગમાં બેસાડવામાં પણ ઘણી મેહનત કરવી પડતી. ક્યારેક તો બાળકો જાનકીબેન પાસે વાર્તાઓ અને પાઠ શીખવા એટલે જ આવતા જેથી એટલા સમય દરમ્યાન પેટની ભૂખ ભૂલી જવાય. વળી ક્યારેક જાનકીબેન જાતે જ ખીચડી કે ભાત જેવું કૈંક બનાવી એ વિદ્યાર્થીઓની પેટની ભૂખને વિરામ આપતા. એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ લગભગ દેશના બધા જ ગામડાઓમાં હતી. દુધીમતી નદી અને દધીચિ ઋષિની તપસ્વી ભૂમિની આસપાસ વસેલા દાહોદ જેવા નાના ગામડાઓમાં આવા ચિત્રની કોઈ જ નવાઈ નહોતી. માંડ ચાલીસ-પચાસ બાળકોને ભેગા કરી આવી શાળા કાર્યરત રહેતી જેમાં જાનકીબેન જેવા સામાજિક નિષ્ઠાથી ભરેલા શિક્ષકો ફરજ બજાવતા હતા.

શાળાનો સમય શરૂ થયો એટલે અડધા કે ફાટેલા કપડાં પહેરેલા લગભગ બધાં જ ભૂલકાંઓ ભણવાની આશાએ ગોઠવાઈ ગયા. જાનકીબેને પ્રાર્થના, દેશભક્તિ ગીત અને સુવિચારોનું પઠન કરી આજે ફરીથી ઇતિહાસ નો પાઠ ભણાવવાની શરૂઆત કરી ત્યાં જ… “બેન નમસ્કાર! આ મારો નાનકો. અહીં તમારા વર્ગમાં બેસાડવા કહ્યું છે.” એક મુસ્લિમ પ્રૌઢ પઠાણી ડ્રેસમાં સજ્જ જાનકીબેનના વર્ગમાં આવી બાર-તેર વર્ષના એક ભૂલકાને બેસાડી ગયા. જાનકીબેને આવકાર આપી બેસાડ્યો અને એકલવ્યની ગુરુનિષ્ઠાની વાર્તા આગળ વધારી… “એકલવ્યનો અંગૂઠો ગુરુદક્ષિણામાં માંગી દ્રોણાચાર્યને અર્જુનને પૃથ્વી ઉપરનો શ્રેષ્ઠ ધનુર્ધર સાબિત કરવો હતો. પરંતુ એકલવ્ય જેનું નામ, તેને તો ધનુર્વિદ્યાનું એટલું ઘેલું કે હાથનો અંગૂઠો નથી તો શું? ઈશ્વરે પગમાં પણ અંગૂઠો તો આપ્યો જ છે ને ! એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિને વંદન કરી પગના અંગૂઠાનો ઉપયોગ કરી પોતાના બાણોને ગતિ આપવા લાગ્યો. જોતજોતામાં તો એટલી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી લીધી કે પોતે એક આખી સૈન્ય બનાવી લીધી.” જાનકીબેન વચ્ચે વચ્ચે નવા આવેલા બાળક સામે દ્રષ્ટિ કરી લેતા, તેની તલ્લીનતા જોઈ ખુશ થયા. બીજા બાળકોને શબ્દો લખવાના આપી એ નવા બાળકને પોતાની પાસે બોલાવી પૂછ્યું, “શું નામ છે બેટા?”

“અશરફ.”

“અશરફ, તને વાર્તા ગમી?”

“હા બેન, મને એકલવ્ય જેવા જ બનવું છે..”

“અરે વાહ! તને મહાભારત વિષે ખબર છે?”

“ના બેન, ક્યારેક મારા અમ્મી મને કુરાન અને પયગંબરસાહેબની વાર્તા વાંચી સંભળાવે છે.”

અશરફની નિર્દોષતા જાનકીબેનને સ્પર્શી ગઈ.

“તને ખબર છે? ખુદા અને ભગવાન એક જ છે. બસ, આપણે તેમના નામ અશરફ અને અર્જુન કરી નાખ્યા છે.”

“બેન, મને ભણવાનું, વાર્તા સાંભળવાનુ ખૂબ ગમે છે. અમારા સલાટવાડમાં બધા છોકરાઓ આખો દિવસ ગંજીફા રમ્યા કરે છે એટલે અમ્મી-અબ્બા મને તેમની સાથે મજૂરીએ લઇ જાય છે. બે પૈસા વધારે રળી શકાય તો ઘરમાં મદદ રહે.”

“મારું ઘર સલાટવાડના છેડે જ છે. તું ઈચ્છા થાય તો આવી શકે છે. તને ચોપડીઓ અને પાટી પેન પણ આપીશ.” જાનકીબેને પ્રેમાળ હાથ અશરફના માથા ઉપર ફેરવતાં કહ્યું.

અશરફ ક્યારેક એ જ બધા મહોલ્લાના મિત્રો સાથે રમી લેતો પરંતુ મનનાં એક ખૂણે ભણી ગણીને મોટા સાહેબ બનવાના અને અબ્બા-અમ્મીને રોજેરોજ ની મજૂરી અને ગરીબીમાંથી છુટકારો અપાવવાના સપના જીવંત રાખતો. પછી તો દરરોજ અશરફ જાનકીબેન સાથે કેટલી બધી વાતો કરતો અને કેટલા બધા પ્રશ્નો પૂછતો. જાનકીબેન પ્રેમથી બધા પ્રશ્નોના જવાબ આપી તેને ભણવા માટે પ્રોત્સાહિત કરતા. એકલવ્ય, કર્ણ, અકબર, મહારાણા પ્રતાપ અને એવા કેટલાય પાત્રો અશરફ માટે જાણીતા બની ગયા.

એક વહેલી સવારે આઝાદીની મશાલ સાથે ‘હિન્દ છોડો’ આંદોલનના નારા સાંભળી અશરફ રસ્તા ઉપર દોડતો આવી ગયો. બ્રિટિશરાજના અન્યાયી કાયદાઓનો વિરોધ કરવા કેટલા બધા દેશવાસીઓ ઠેર ઠેર શહેરો, ગામડાંઓમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જાનકીબેન કેસરી સાડીમાં રાષ્ટ્રધ્વજ લઇ એ સરઘસમાં સ્ત્રીઓને દેશદાઝ અને આઝાદીનું મહત્વ સમજાવતા હતા. “સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે..” એવા બાળગંગાધર તિલકના નારાને ઉજાગર કરતા અવાજો ચારે બાજુ વાતાવરણમાં ગુંજતા હતા.

“અશરફ…..અશરફ…” જાનકીબેન રસ્તાની બીજી બાજુએથી અશરફને સરઘસમાં જોડાવા બોલાવતા હતા. અશરફ તરત જ એક રાષ્ટ્રધ્વજ ફરકાવતો “જય હિન્દ”ના નારા સાથે સરઘસમાં દોડ્યો. બ્રિટિશ સરકારનો એ જ જોહુકમી ક્રૂર લાઠીચાર્જ અને પાછી ભાગંભાગ… બે-ત્રણ દંડા તો અશરફને પણ પડ્યા… બધું શાંત થતા જાનકીબેન અશરફ ને સાથે લઇ દુધીમતીના કિનારે બેઠા.

“અશરફ, તને ખબર છે માણસની અંદર જ એક રાક્ષસ જીવતો હોય છે. જયારે જયારે એ રાક્ષસ માથું ઊંચકે ત્યારે ત્યારે એ ક્રૂરતા, લોભ જેવા વિકારો તરફ પ્રેરાય છે.”

“ઈશ્વર બધાને એક જ માટીમાંથી બનાવે છે છતાં કેટલીક માટીમાંથી ઉગતો છોડ વૃક્ષ બની વાતાવરણમાં ઠંડક અને નિરાધારને આશ્રય આપે છે, જયારે કેટલીક માટીમાંથી ઉગતો છોડ કાંટા દ્વારા બીજાને છિન્ન ભિન્ન કરી દે છે.”

“માણસજાતે ધર્મના નામે ચાલતા આડંબરને પોષ્યા વગર મનુષ્ય ધર્મને સ્થાપિત કરવો જોઈએ . આ દેશ અને સમાજનું કલ્યાણ તેમાં જ છે…”

“બેન, ચારેબાજુ ભયનું વાતાવરણ ક્યારેક વિચાર કરતા મૂકી દે છે… આટલા મોટા દેશને સાચવવામાં આપણા જેવા એકલ દોકલની શું વિસાત?”

“અશરફ, આ દેશને તારા જેવા યુવાધનની જરૂર છે. ભગતસિંહ, રાજગુરુના લોહીથી સિંચાયેલી આ ધરતીને આઝાદી તો ચોક્કસ મળશે પણ એ આઝાદીની ગરિમા તારા જેવા યુવાનોએ જ જાળવવાની છે.”

બીજે દિવસે સવારે રાબેતા મુજબ શાળા શરૂ થઇ. બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા પરંતુ અશરફની ગેરહાજરી જાનકીબેનને ઉડીને આંખે વળગી. કદાચ બીમાર હશે.. જાનકીબેન બીજા વિદ્યાર્થીઓને ભણાવવામાં તલ્લીન થઇ ગયા. બે-ત્રણ દિવસ સુધી અશરફ ન જોવાતા તે શાળા છૂટ્યા પછી સીધા અશરફના ઘરે ગયા તો ઘર બંધ હતું.

પંદર દિવસ પછી અશરફને અબ્બા પાછા નિશાળે મુકવા આવ્યા. “અશરફ, ક્યાં હતો આટલા દિવસ?”

જાનકીબેનથી રહેવાયું નહિ.. અશરફ કંઈ પણ જવાબ આપ્યા વગર બેસી રહ્યો. તેની આંખોમાં પેહલા જેવો આનંદ કે ઉત્સાહ જોવાતા નહોતા. જાનકીબેને પાસે જઈ ફરીથી પૂછ્યું, “અશરફ, કંઈ બોલતો કેમ નથી?” અશરફના ચોળાયેલા કપડાં અને ઉતરેલો નિરાશ ચહેરો કંઈક નિરાશામય ઘટનાની ચાડી ખાતા હતા. જાનકીબેને વધારે પૂછ્યા વગર ભણાવવાનું શરૂ કર્યું. પણ અશરફ સૂનમૂન એક જ જગ્યાએ બેસી રહ્યો. શાળા પૂરી થતા જાનકીબેન અશરફ પાસે આવ્યા અને ફરી પૂછ્યું, “કેમ કંઈ બોલતો ન..?” હજી વાક્ય પૂરું કરે એ પેહલા જ અશરફ ડૂસકા લઇ રડવા લાગ્યો.

“બેન, અઠવાડિયા પહેલા અમ્મીને પેટમાં તકલીફ હોવાથી શહેરની હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ પૈસાના અભાવે પૂરતી સારવાર ન મળતા…” અશરફ આગળ કઈ બોલી શક્યો નહિ, બસ ડૂસકાનો અવાજ દબાઈ ગયો…

“ઓહ ભગવાન…” જાનકીબેનના મોંમાંથી આશ્વાસનના બે જ શબ્દો નીકળ્યા… આંખોમાં આવેલા આંસુઓને દબાવી અશરફના માથે હાથ ફેરવતા બોલ્યા, “હું સમજી શકું છું બેટા, એક માની ગેરહાજરી જીવનમાં કેટલો ખાલીપો લાવતી હોય છે.. પણ, તું તો મારો સમજદાર ને હોંશિયાર શિષ્ય છે.”

“બેન, અલ્લાહ આટલો નિર્દય કેમ બનતો હશે?”

“તે ક્યારેય કોઈ માટે નિર્દય નથી બનતો બેટા, બસ આપણે તેના નિર્ણયને ક્યારેક સમજી નથી શકતા.”

“અશરફ, જીવનમાં ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જયારે આપણે ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. પણ યાદ રાખજે હંમેશા એક રસ્તો બંધ થાય તો બીજા નવા રસ્તા આપણા માટે ખુલતાં જ હોય છે… ક્યારેક ન ધારેલી ઘટનાઓ અને વ્યક્તિઓ આપણા જીવનને બદલી નાખતા હોય છે… કદાચ નવી દિશાઓ તરફ વાળતા હોય છે. નક્કી આપણે કરવાનું હોય છે યોગ્ય દિશા કઈ છે !” જાનકીબેનની લાગણી અને પ્રેમપૂર્વકના વર્તને અશરફને થોડી શીતળતા આપી.

અશરફ હવે મહોલ્લાના મિત્રો સાથે વધારે સમય પસાર કરવા લાગ્યો… સંગતની અસર થોડી થવા લાગી પણ જાનકીબેનનું વાક્ય તેને બરાબર યાદ રહી ગયું હતું, “નક્કી આપણે કરવાનું છે યોગ્ય દિશા કઈ !”

આમ ને આમ સમય વીતતા એક દિવસ દેશવ્યાપી આંદોલનો અને ગાંધીજી, સરદાર જેવા નેતાઓના પ્રયત્ને અંગ્રેજ સરકારે ભારત છોડી હંમેશને માટે સ્વદેશ પાછા જવાનો નિર્ણય જાહેર કર્યો. આખા દેશમાં ઉત્સાહ અને દેશભક્તિના નારા સાથે આનંદ છવાઈ ગયો. આઝાદીનો નવો સૂરજ ઉગતો જોવા દરેક દેશવાસીની આંખો આતુર બની હતી… પણ આ શું??

“પાકિસ્તાન?”

“આ દેશના ભાગલા?”

ઓહ ! ભારતમાતાના હ્રદયના બે ટુકડા ! “ભારત” અને “પાકિસ્તાન” એમ બે લોહીથી નીતરતા ટુકડાઓએ આઝાદીના સપનાને ઘણે અંશે રોળી નાખ્યું. ઠેર ઠેર “મારો…” ” કાપો…” “હિન્દુ છે?” “મુસ્લિમ છે?” એવી ચીસો અને ક્રૂરતાએ ઘણા હ્રદયો, ઘરો અને દેશભક્તોને આઘાતના બોજ તળે દાટી દીધા. સ્ત્રીઓની ઈજ્જત સરેઆમ બેશરમીપૂર્વક ચીસો અને રોકકળ વચ્ચે વેચાવા લાગી હતી.

આવી જ એક અંધારી રાત્રે સલાટવાડના કેટલાક નપાવટ યુવાનોનું ટોળું જાનકીબેનના ઘરને ઘેરી વળ્યું. જાનકીબેન ગભરાયેલા, ધડકતા હૈયે એક જ ઝાટકે ઉઠી ગયા. બહારથી આવતા લાકડીઓના અવાજથી જાનકીબેનને ધ્રાસ્કો પડ્યો… તે “બચાવો… બચાવો…”ની ચીસો પાડવા લાગ્યા, પણ જ્યાં બધું જ લૂંટાવા બેઠું હોય ત્યાં કોણ કોને બચાવે? ચારે બાજુ કેરોસીન છાંટી આગ ચાંપવામાં આવી. જાનકીબેન પાછલા દરવાજેથી દોડ્યા… ટોળામાંથી બે ચાર નરપિશાચ બદ ઈરાદાથી પાછળ દોડ્યા… આજે તો શિક્ષક હોય કે સ્ત્રી, માતા હોય કે બહેન બધું જ આગમાં એકસરખું સળગી રહ્યું હતું. જાનકીબેન ચીસો પાડતાં, લથડિયાં ખાતાં લાજ બચાવવા દુધીમતી તરફ દોડ્યા, ત્યાં જ એક કૃષ્ણ સમો પડછાયો આજે ફરી દ્રૌપદીની લાજ બચાવવા પાછળથી જાનકીબેનનો પીછો કરતો આવ્યો… જાનકીબેનને પકડી લીધા અને લગભગ બેભાન હાલતમાં જ તેમને ઉપાડી ફટાફટ પોતાની ઝૂંપડી તરફ ભાગ્યો… ગુરુદક્ષિણાનું ઋણ જે ઉતારવાનું હતું !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “ગુરુદક્ષિણા – અંજલિ શેઠ”

Copy Protected by Chetan's WP-Copyprotect.