ચોપાટ – દિવ્યેશ વિ. સોડવડિયા

(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી દિવ્યેશભાઈ સોડવડિયા (સુરત)નો ખૂબ ખૂબ આભાર. તેમની આ વાર્તા ‘મમતા’ વાર્તામાસિકના ડિસેમ્બર, ૨૦૧૭ના અંકમાં પણ પ્રકાશિત થઈ છે. આપ તેમનો 9638689821 અથવા sodvadiyadivyesh4@gmail.com પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેઓ પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ.)

દીપોત્સવીના પાવન પર્વને પંદર દિવસ જ દૂર હતા. શહેરની તમામ સોસાયટીઓના ઘરોમાં સફાઈ થવા લાગી હતી. સર્વત્રે પર્વની ધામધૂમપૂર્વક તૈયારીઓનો આરંભ થઈ ગયો હતો. આજનો સૂરજ આથમવાને હવે થોડીક જ વાર હતી. ચંદા તેની હાથલારીને એનાં ઘર તરફ પાછી વાળવાનું વિચારી રહી હતી. ત્યાં જ એનાં કાને કોઈના શબ્દો અફળાયા, “ઓયે… આ તેલનાં ડબ્બાનાં કેટલા આપીશ?” એણે પાછીવાળું ફરીને જોયું. એક સ્ત્રી તેલનું બારદાન લઈને ઊભી હતી.

“બોન, વીહ રૂપ્પા આલીસ.”

“વીસ રૂપિયા તો કંઈ હોતા હશે? નવી ભરતીનો ડબ્બો છે. ત્રીસ આપતી હોય તો…”

“અરે ઓહ…ચંદા, હાઈલ.. ઝટ કર. હાંજે પાછા શરદપૂનમના રાહ્ડા રમવા જાવાનું સે ને!” શેરીની બહાર જવાની ઉતાવળ કરતા જગને બૂમ પાડી.

“લ્યો આ તીસ રૂપ્પા, ને ડબ્બો લાવો. મારો ધણી હામે ઉભો ઉભો મારી વાટ જોવે સે. આજ તો અમારં રાહ્ડામાં જાવાનું સે.” કહી ચંદા પૈસા આપી, ડબ્બો લઈ ચાલતી થઈ.

ડોરબેલનો અવાજ સાંભળતા દામિનીએ ટી.વી.ની સ્ક્રીન પરથી નજર હટાવી અને દરવાજો ખોલ્યો. ચાપલ્ય પગે પીયૂષ દામિની સામે જોયા વગર જ એના બેડરૂમમાં ચાલ્યો ગયો. દામિનીએ ખુદમાં પોતાના અસ્તિત્વને શોધતી હોય તેમ એક દ્રષ્ટિ સ્વયં પર કરી. બે ક્ષણ એ હયાતીને વિચારતી રહી અને બેડરૂમમાં જઈ સવારથી પાળેલું મૌન તોડ્યું, “પીયૂષ, આપણે રાસમાં જઈશું ને?” માંડમાંડ એનાંથી પાંચ શબ્દો નીકળ્યાં. કાંપતી નજર પીયૂષ તરફ કરી, ને પીયૂષના ચહેરા પાછળ છુપાયેલો અણગમો જોઈ આગળના શબ્દો એનાં ગળામાં ડૂમો બની ફસાઈ ગયા.

“અરે.. મારી ચંદા, કેમ કાંય બોલતી નથ? તને તો ખબર જ સે ને… તારા ધણીને આવું મૂંગું માણાહ નથ ગોઠતું. કૈઈક બોલ, અન હાલવામાં ઝડપ રાઇખ.” જગને ક્યારથીયે ચુપચાપ ચાલતી ચંદાને બોલાવવાની કોશિશ કરી. ચંદાએ હાથલારીને ધકેલવામાં થોડી વધુ તાકાત લગાવી.

પીયૂષને નવા કપડાં પહેરતા જોઈ દામિની મનમાં મલકાવા લાગી. પાંચેક મિનિટ સુધી રૂમમાં ફરી મૌન પથરાઈ ગયું. હંમેશની જેમ આજે પણ પીયૂષે દામિનીને ન ગમતું અત્તર છાંટ્યું. મોઢું બગાડતા દામિનીએ પીયૂષ તરફ જોયું. પીયૂષે દામિનીનાં અણગમાને પારખી જઈ ખુશ્બોને ફરી બે વખત છંટકાવ્યું. પોતાની ઇચ્છાઓને પામવા એનાં ચહેરા પરની ધૃણા પર ઢોળ ચડાવી દામિનીએ હોઠ વાંક્યા. “પીયૂષ.. આપણે જઈશું ને?” હળવા સ્મિતે પીયૂષ પાસે ખસતા એણે ફરીવાર પૂછવાની હિંમત કરી.

રસ્તાની બાજુમાંથી પસાર થતા જગનનું ધ્યાન આખો દિવસ ફૂલો વેચીને વધેલા છેલ્લા ચાર-પાંચ ગુલાબ લઈને ફૂટપાથ પર બેઠેલા માળી પર પડ્યું. ચંદાને બે મિનિટ થોભી જવા કહી, પોતે એક ગુલાબ લઈ આવ્યો. “આની સું જરૂર હતી..? તમારો પરેમ જ આ ગુલાબ જેખો સુગંધિત સે.” ચંદાએ પોતાના દિલની વાત કહેવામાં એક ક્ષણની પણ રાહ ન જોઈ. “અરે.. તને ગુલાબ ગોઠે, ને ગુલાબ જોયા પસી હું તારી હાંટુ નો લાવું તો મારા પરેમનો મતલબ જ સું રેય?” એણે રસ્તા વચ્ચે જ ચંદા તરફ હાથ લંબાવતા ગુલાબ આપ્યું.

“હા, હું જાઉં છું, પણ તારે ક્યાંય જવાની જરૂર નથી.” કહી પીયૂષે બેડરૂમમાંથી બહાર નીકળવાની તૈયારી બતાવી. “હું કેમ નથી? તમે જાવ છો તો મને પણ સાથે….” દામિની આંખો નમાવી થોથવાતા સ્વરે બોલી. ત્યાં સુધીમાં તો પીયૂષ દીવાનખંડમાં પહોંચી ગયો હતો. દામિની લાંબા ડગલે એની પાછળ ભાગી.

“આટલો બધો પરેમ નો કરાય. હું વઈય જાસ તયી…?” કહી ચંદાએ વધુ ને વધુ બળ લગાવી હાથલારી ધકાવી. એક રોદ્દા સાથે એની લારીમાંથી આખા દિવસના ભેગા કરેલા ભંગારના ડબલા સરકીને રસ્તામાં વિખેરાવા લાગ્યા. “અરે… ધીરે ધીરે. બોવ ઉતાવળી નો થા..! લાવ, હું બધું વીણું સું. તું લારીને રસ્તા વસાળેથી એક કો’ર લઈ જા.” જગને રોજી-રોટી સમા વેરાયેલા ભંગારના સામાનને વીણી હાથલારીમાં ગોઠવ્યો, અને બંને એકસાથે આગળ વધ્યાં.

“હું તૈયાર પણ થઈ ગઈ છું. સાથે…” દામિનીએ દીવાનખંડમાં પહોંચી પીયૂષનો હાથ પકડતા સાથે જવાનો ફરી એક પ્રયત્ન કરી જોયો. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ પીયૂષે એનો હાથ તરછોડ્યો. પીયૂષની લાલઘૂમ આંખો જોઈ દામિની બે ડગલાં પાછી ખસી ગઈ. એનો હાથ ખૂણામાં મૂકેલી ફૂલદાની સાથે અથડાતા કુંજામાંના ફૂલ નીચે પડી ડાળીથી અસ્તવ્યસ્ત થઈ ગયા. એક રોષિત નજર વિખેરાયેલા પુષ્પો અને દામિની પર કરી પીયૂષે એની મર્સીડિઝ મારી મૂકી. દામિની હંમેશાની જેમ કચવાતા જીવે બે ઘડી જોઈ રહી.

શહેરની ઝૂંપડપટ્ટીની હરોળનાં ત્રીજા ઝૂંપડા પાસે આવી, ચંદાએ લારીને બાજુ પર ધકાવી અંદર પ્રવેશ કર્યો. ફટાફટ હાથ-મોં ધોઈ મકાઈનાં રોટલા સાથે રીંગણનો ઓળો બનાવી બંને એક થાળીની સામસામે ગોઠવાયાં. આખા દિવસની હળવી વાતો કરતા વચ્ચે-વચ્ચે એકબીજાના મોંમાં કોળિયો મૂકતા એણે વાળું પતાવ્યું.

દામિનીએ આડો પડી ગયેલ કુંજો સીધો કરી બાજુમાં વિખેરાયેલા ફૂલ અને ડાળીઓને માવજત કરતી હોય તેમ વહાલથી પંપાળીને ફરી યથા સ્થાને ગોઠવ્યા. અનાયાસે એની નજર ડાયનીંગ ટેબલ પર પડી. કાજુકરી, પરાઠા, જીરા રાઇસ, દાલ ફ્રાય… બધું જ જાણે એની રાહ જોઈને બેઠું હતું. “પીયૂષ, જમીને ગયો હોત તો…!” સ્વગત એનાથી બોલાઈ ગયું. બીજી જ ક્ષણે ‘આ તો રોજનું થયું. તું જમી લે.’ એની અંદરથી એક અવાજ સંભળાયો હોય તેમ એ એકલી જમવા બેઠી. દરરોજ કરતા આજે એને એકેએક કોળિયો ભારે લાગતો હતો. ખાધું ન ખાધું તે ઊભી થઈ ગઈ.

કામ આટોપી ચંદાએ ઝૂંપડાનાં ગોખલામાંથી દર્પણ લઈ શૃંગાર કરવાની શરૂઆત કરી. થોડો સમય અરીસામાં એ પોતાને નિહાળતી રહી. જાડું શરીર, ઘેરો શ્યામ વર્ણ, ખીલથી ખદબદતો ચહેરો, મોટા દાંત, તરડાયેલા હોઠ, બરછટ વાળ, સૌંદર્ય શોધવામાં તદ્દન નિષ્ફળ જવાય તેવા એનાં દરેક અંગ ઉપાંગો. એણે પાંચ વાર ચહેરા પર પાવડરના થપેડા લગાવ્યા. બાજુમાં પડેલી મેશની ડબ્બીમાંથી ઘેરું આંજણ આંજ્યું, અને કોઈની નજર ન લાગે તે માટે કાન પાછળ કાળું ટીલું કર્યું. જગન એને અનિમેષ નજરે તૈયાર થતી જોઈ રહ્યો. “વાહ.. આજ તો કાંય ચાંદનો ટુકડો લાગે સે ને મારી ચંદા.! હાઈલ હવે ઝટ.. હમણાં રાહ્ડા સાલુ થઈ જાહે.” કહી જગન ચંદાનો હાથ પકડી ઝૂંપડાની બહાર નીકળ્યો.

વધેલી રસોઈ ફ્રીઝમાં મૂકી દામિની બેડરૂમના ડ્રેસિંગ કાચ સામે આવીને ઊભી રહી. મરુન ચૂડીદારમાં સજ્જ ધડકતા યુવાન હૈયાની સ્વપ્ન-સુંદરીનેય ટક્કર મારતી પાતળી કાયા, મોહક ચહેરો, કમળની પાંખડી સમા હોઠ, શૅમ્પૂ કરેલા સુંવાળા કેશ, પારદર્શક કીકીઓસહ ચમકતી કાજળઘેરી મારકણી બેનમૂન આંખો, જાણે પૌરુષત્વને પડકારતું હોય તેવું છલકાતું, લલચામણું લાવણ્ય. વગર મેકઅપે દુનિયાની નજરથી બચવા કણસલાં પાછળ કરેલ કાળું ટપકું લૂછી એણે નાઈટી પહેરી. “પીયૂષ, કદાચ… તેં ક્યારેક તો મને પોતાની..!” લાખ વાર કહેવા છતાં પીયૂષને કોઈ ફર્ક ન પડતો હોવાથી દામિની નિશ્ચલતામાં ગરકાવ થઈ દીવાનખંડમાં આવી સોફે ગોઠવાઈ.

દરિદ્રવાસની પાસેના ચોકમાં શરદપૂનમના રાસ ચાલુ થઈ ગયા હતા. સૌ કોઈ તાળીઓના તાલે નાચી રહ્યાં હતાં. ચંદા પણ ઉછળી ઉછળીને રાસ રમતી હતી. ઘણા લોકોની હાજરી હોવા છતાં કોઈની નજર એનાં પર નહોતી, સિવાય કે જગન. જાણે ચંદાનાં અસ્તિત્વને ગટગટાવી રહ્યો હોય તેમ જગન અપલક આંખે એને તાકી રહ્યો હતો. વારંવાર ચંદાનું ધ્યાન એના તરફ ખેંચાતા એકબીજા વચ્ચે સ્મિતની આપ-લે થતી રહી. ચંદાનાં રાસ રમવાના શોખને પૂરો કરતો અને એને નિહાળતો જગન મોડી રાત સુધી ચોકનાં એક ખૂણામાં બેસી રહ્યો.

સોફા પર બેઠેલી દામિની છેલ્લા બે કલાકથી ઊંડા વિચારોનાં વાવાઝોડામાં ફંગોળાતી રહી. અચાનક એનું ધ્યાન તૂટતા એણે દીવાલ તરફ જોયું. દીવાનખંડની ઘડિયાળનાં કાંટાઓ ઉત્તરમાં એક થઈ ચૂક્યા હતા. પીયૂષ હજુ પણ ઘરે પાછો આવ્યો નહોતો. આવું તો રોજ જ થતું, પરંતુ ખબર નહિ કેમ આજે દામિનીની બેચેનીમાં વધારો થતો જતો હતો. એણે ઊભા થઈ આમથી તેમ ચાર-પાંચ ચક્કર લગાવ્યા. એનું વિચારવાયુ હૃદયનાં ધબકારા વધારી રહ્યું હતું. એ.સી.ની ઠંડકમાં પણ કપાળે પરસેવો બાઝી ગયો હતો. વારંવાર પસીનો લૂછી એણે રસોડામાં જઈ પાણી પીધું. શેરીમાંથી કોઈ ગાડીનો અવાજ સાંભળતા જ એ દોડીને બાલ્કનીમાં આવી. હજુ પીયૂષની મર્સીડિઝ નહોતી આવી. પીયૂષ ઘણીવાર એને એકલી છોડીને મોડી રાત સુધી બહાર રહેતો. આ બાબત તો બિલકુલ સામાન્ય થઈ ગઈ હતી. છતાંય આજે દામિનીને આ વાત બેહદ અસાધારણ લાગતી હતી.

“જોડે રે’જો રાજ… જોડે રે’જો રાજ…” ચોકમાં વાગતો ગરબો ચંદાને એનાં જગનની સાથેનો ગાઢ સંબંધ આલેખતો હોય તેમ હૃદયનાં ઊંડાણમાં ઉતરીને નાચી રહ્યો હતો. આજીવન એનો સાથ ન છોડવાનું સ્વગત વચન આપતો જગન પણ એના દિલનાં દર્પણમાં દેખાઈ રહ્યો.

“તારા વિના શ્યામ મને એકલડું લાગે.., રાસ રમવાને વહેલો આવજે…..” સોસાયટીના લાઉડ સ્પીકરમાંથી સંભળાતા રાસનાં શબ્દો દામિનીનાં કર્ણપટલ પર અથડાતા હતા. ‘એકલડું’ શબ્દ જાણે એની એકલતાનાં ખાલીપામાં વધારો કરી રહ્યું હતું. ધીરે ધીરે સ્પીકરનો અવાજ મંદ પડવા લાગ્યો. દામિનીનાં દિલની વહેલા આવવાની વાત સાંભળી ગઈ હોય તેમ પીયૂષની ગાડી પાર્કિંગમાં આવી પહોંચી. ડોરબેલ વાગે એ પહેલાં જ એણે બાલ્કનીમાંથી ભાગતા જઈ દરવાજો ઉઘાડ્યો. મોંમાંથી આવતી શરાબની દુર્ગંધ સાથે પીયૂષ બેડરૂમમાં જઈ બેડ પર ફસડાઈ પડ્યો. કપડાં બદલવાની તાકાત તો શું? એનામાં શૂઝ ઉતારવાનો પણ વેત ન હતો.

ચોકમાં રાસનો કાર્યક્રમ સંકેલાઈ ગયો હતો. ચંદા અને જગન આંકડીયા ભીડી ઝૂંપડે આવી ગયાં હતાં. એણે સારા વસ્ત્ર બદલાવી ઝળેલા કપડાં પહેર્યા, સડી ગયેલ કાથીનાં ખાટલા પર ફાટેલું ગોદડું પાથરી બંને આડા પડ્યાં. જગને ચંદાની ગરદન પર ચુંબન કર્યું. ધીરે ધીરે એના હોઠ ચંદાનાં હોઠ અને આંખો તરફ આગળ વધ્યા. ચંદાએ પણ એમાં સાથ પુરાવ્યો. બંને એકબીજામાં અદ્રશ્ય થતા હોય તેમ ઓગળી રહ્યાં હતાં. આખા દિવસની તનતોડ મહેનત બાદ બંને પીગળતા રહ્યાં અને એકમેકમાં ભળતા રહ્યાં.

દામિનીએ પીયૂષના શૂઝ ઉતારી એને બેડ પર સરખો સુવડાવ્યો. અર્ધ બેભાનાવસ્થામાં હોવા છતાં એણે દામિનીને ધિક્કારતો હોય એમ લાત મારી હડસેલી દીધી. એ લથડિયું ખાઈ બેડ પરથી નીચે પડી ગયો. દામિનીએ ફરી એનું બાવડું ઝાલી બેડ પર સુવડાવ્યો. ત્યાં સુધીમાં તો એ શરાબના નશામાં ધુત્ત હોવાથી ઊંઘી ગયો હતો. એના શરીરે પરસેવાના રેલા ચાલવા લાગ્યા. દામિનીએ એ.સી.ની ઠંડક વધારી અને પોતે જાડો ધાબળો ઓઢી એની બાજુમાં લાંબી થઈ. પીયૂષની બંધ આંખોને જોતી દામિનીનું હૃદય ફાટફાટ થઈ રડી રહ્યું હતું. વીતેલા છેલ્લા ચાર વર્ષ જાણે જીવનમાં બોજ બની ગયા હોય તેમ એનાં નેત્રોનાં પડદા પર સિનેમાની રીલની માફક સટાસટ સરી રહ્યા હતા. સદાય આવા નીરસ દિવસ રાત વીત્યા હોવાનું યાદ આવતા દામિનીએ અંતઃકરણમાંથી બહાર નીકળવા કોશિશ કરતા ડૂસકાંઓને પણ હૈયાની ખીણમાં ધરબી દીધાં. આખી રાત બંને એક જ બેડ પર હોવા છતાં એકબીજાથી જોજનો દૂર હોય તેમ પડ્યાં હતાં. ગરમાવા અને હૂંફની શોધમાં દામિની આમથી તેમ પડખા ઘસતી રહી.

રજનીના અલૌકિક મિલન બાદ જગનના શરીર નીચે દબાયેલા પોતાના વસ્ત્રોને ખેંચીને સરખા કરતી ચંદા આંખો ચોળતી બેઠી થઈ. ખાટલામાં સુતેલા અર્ધનગ્ન જગનને જોઈ એણે સવારની સ્ફૂર્તિમય હવામાં હળવું હાસ્ય લહેરાવ્યું. પોતાનાં પ્રણયને સંતૃપ્ત કરતી હોય એમ એણે ઊંઘતા જગનના દ્રાવક ગાલ પર દ્રાવ્યરૂપી ચુંબન કર્યું.

ચકલીઓનો ‘ચી..ચી..’ કલરવ સાંભળતાની સાથે દામિનીએ હજુ હમણાં જ મીંચાયેલી આંખો ખોલી. પોપચાં પર હજુયે મણ એકનો ભાર અનુભવી રહી હતી. પીયૂષ સામે જોઈ પોતાની અંદર સળવળતી અતૃપ્ત લાગણીઓને એણે ગડીબંધ સંકેલીને સ્વયંની સોડમાં સંતાડી દીધી. ઊભી થઈ બારી પરથી પડદા હટાવ્યા અને એક ક્ષણ હળવા લાલિત્યમય ભાસ્કરની રોશનીમાં ખોવાઈ ગઈ. સોનેરી કિરણો આજથી એની જિંદગી એક જ ઝાટકે બદલી નાખવાના હોય તેમ એનામાં અજીબ શક્તિસંચાર કરી રહ્યા હતા.

બપોર પછી ભંગાર એકઠો કરવાનું અને સવારે હોસ્પિટલમાં સફાઈનું કામ કરતી ચંદા રોજની જેમ આજેય જગનની ચા-ભાખરી બનાવીને હોસ્પિટલ પહોંચી ગઈ.

નાહી ધોઈ દામિનીએ પીયૂષને ઓફિસ જવાનું મોડું થતું હોવાથી એને જગાડવાનો પ્રયાસ કર્યો. ચારેક સાદ કર્યાં પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. એણે પીયૂષનો હાથ હલબલાવ્યો, છતાં કોઈ જ હલનચલન ન થયું. એનાં હૈયામાં ફાળ પડી. જલ્દીથી ડ્રાઇવર બોલાવી એ સિવિલ હોસ્પિટલ પહોંચી. બે કલાકની સારવાર બાદ રાત્રે વધુ પડતી શરાબ અને ઘેનની અમર્યાદિત ગોળીઓનાં સેવનથી બેભાન થયેલા પીયૂષના જીવમાં જીવ આવતા દામિનીએ એક ઊંડા શ્વાસ સાથે હાશકારો અનુભવ્યો. ઇમરજન્સી રૂમમાં મૂંઝારો ઘેરી વળતા દામિની બહારનાં જનરલ વોર્ડ તરફ આવી.

ચંદા પોતાનો બંગલો સાફ કરતી હોય તેમ કાળજીપૂર્વક બારીકાઈથી તે રૂમનો ખૂણે ખૂણો સાફ કરી રહી હતી. દામિનીની નજર અચાનક એનાં પર પડી. એને ચંદાની ફિક્કી પીળી આંખોમાં રોગીપણું કળાયું. પીયૂષના ડિસ્ચાર્જ માટે નર્સનો સાદ સાંભળી દામિની એની રૂમ તરફ આગળ વધી. તાકડે જ એને પાછળથી જોરદાર ‘ધડામ…’ કરતો અવાજ સંભળાયો. એણે પાછળ ફરીને જોયું તો હોસ્પિટલના ખૂણામાં રહેલા મંદિરમાં બિરાજતા ગણેશજીની પ્રતિમા ચક્કર અનુભવતી ચંદાનાં હાથમાંથી સરકીને અનેક ટુકડાઓમાં વિખંડિત થઈ ગઈ હતી. દામિની દોડીને એની પાસે જાય તે પહેલાં તો ચંદા ત્યાં જ ઢળી પડી. દામિનીએ બે નર્સની મદદથી એને જનરલ વોર્ડના બેડ પર સુવડાવી અને રીસેપ્શનીસ્ટ પાસે તપાસ આદરતા ખબર પડી કે ચંદા અસાધ્ય રોગની પીડિતા છે. છેલ્લા બે વર્ષથી એ અહીં કામ કરે છે અને આ વેતનનાં બદલામાં એની તપાસ તેમજ દવા વગેરે થઈ રહ્યું છે. પરંતુ હવે એ આ ફાની દુનિયાની ટૂંક સમયની મહેમાન છે.

દામિનીએ એને ઇશારાથી સરનામું અને ફોન નંબર પૂછવાનો પ્રયાસ કર્યો. ચંદાએ બ્લાઉઝમાં સંતાડેલ રૂમાલમાંથી એક ચિઠ્ઠી કાઢીને દામિનીનાં હાથમાં મૂકી. ‘ઝૂંપડું ત્રીજું, દરિદ્રવાસ ઝૂંપડપટ્ટી.’ વાંચી દામિનીએ એનાં ડ્રાઇવરને મોકલી જગનને બોલાવડાવ્યો. ધીરે ધીરે ચંદાનો શ્વાસ ટુકડાઓમાં તૂટતો જતો હતો. એ સતત હાંફી રહી હતી. હવે ડૉક્ટર પણ વિધાતા આગળ અશક્ત હતો. જગન ચંદાનાં જીવને બચાવવાની લાચારી સાથે બે હાથ જોડીને પ્રભુને મનોમન કાલાવાલા કરી રહ્યો હતો. ચારેકોર કાકલૂદીભરી નકારાત્મકતા ફેલાઈ ચૂકી હતી. દામિની ચંદાની બાજુમાં બેસીને નાની બહેનની માફક એને જોઈ રહી હતી. ઘડી ઘડી એ ચંદાનાં કપાળ પર હાથ ફેરવતી અને એને ‘કંઈ નહિ થાય’ એવો દિલાસો આપતી હતી.

ઇમરજન્સી રૂમમાંથી બહાર નીકળી પીયૂષ આ બધું મીટ માંડીને જોઈ રહ્યો હતો. ‘જો એક તદ્દન અપરિચિત સ્ત્રીને બચાવવા દામિની આટલું કરતી હોય તો પોતાના માટે દામિનીએ શું નહીં કર્યું હોય..!’ એના દિમાગમાં ત્વરિત ઝબકારો થયો હોય તેમ સ્વગત વિચારી એ હોસ્પિટલનાં સી.સી.ટી.વી. કેમેરાને જોવા સેન્ટ્રલ રૂમમાં ગયો. કોમ્પ્યુટરની સ્ક્રીન પર ચાલતા વિડીયોને પાછું લીધું અને થોડા સમય પહેલાંના દ્રશ્યો જોઈ રહ્યો. પોતાના બેભાન શરીરને દામિની માંડ માંડ તેડીને હાંફતી હાંફતી અંદર પ્રવેશી. વહેતી આંખોસહ એ બધાને ફટાફટ સારવાર કરવાનું કહી રહી હતી. એણે સ્ટ્રેચરની રાહ જોયા વગર ખુદ ઊંચકીને પોતાને પલંગ પર સુવડાવ્યો અને ભાગતી જઈ ડૉક્ટરને બોલાવી આવી. ત્યાં સુધીમાં તો પરસેવે નીતરતી એ લોથપોથ થઈ ગઈ હતી. આંખોમાંથી અસ્ખલિત વહી રહેલી અશ્રુધારા હજુ અટકવાનું નામ નહોતી લેતી. ડૉક્ટરે બહાર જવાનું કહેવા છતાં એ બે કલાક સુધી પલંગ પાસેથી પળભરેય દૂર ખસી નહોતી. પીયૂષ આ બધું તાકી તાકીને જોઈ રહ્યો. ત્યાં જ એને બહારથી આવતી એક કારમી ચીસ સંભળાઈ. એ દોડતો જનરલ વોર્ડમાં ગયો.

ચંદાનાં ખુલ્લા લોચનમાંથી પ્રાણ છૂટી ગયા હતા. આક્રંદ રુદન સાથે જગન ચંદાનો હાથ પોતાના હાથમાં સંતાડી નશ્વર ચંદાનાં ગાલ પર વારંવાર ચુંબન કરતો હતો. ચંદાને જાણે કદી ન છોડવાનો હોય તેમ એને વળગીને ચોધાર રડી રહ્યો. પોતીકું છોડીને ચાલ્યું ગયું હોવાની લાગણીસહ દામિનીનાં નયનોનાં નીર વહી રહ્યા હતા. ને અચાનક જગને સવારની ખુશનુમા હવાને ચીરી નાખતી પ્રાણપોક મૂકી. એની આસપાસનો કણેકણ એના વિયોગના રુદનને સાથ આપતો હોય તેમ સ્તબ્ધતાથી રડું રડું થઈ રહ્યો હતો. આ બધું જોઈ રહેલ પીયૂષની આંખોમાં ટકી રહેવા ગડમથલ કરતું ખારું પાણી આખરે પાંપણના કિનારાઓ પરથી છલકાઈ જ ગયું.

પહેલીવાર અશ્રુસભર પીયૂષને જોતા જ દામિની ઊભી થઈ એની પાસે આવી. ચાર આંખો વચ્ચે થતા મૌન સંવાદો સાથે બંને તરફથી આંસુઓનું ઘોડાપૂર ઉભરાઈ ગયું. પહેલાં તો દામિનીએ પીયૂષને બે થપ્પડ લગાવી દીધી. પીયૂષ નિઃશબ્દ થઈ એનો માર ખાતો રહ્યો. લાંબા સમયથી સાથે હોવા છતાં પીયૂષને સ્પર્શ કરવા માત્રથી થરથરતી દામિની આજે એને વહાલથી વળગી પડી. એની અંદર ધરબાયેલી હયાતીની,હર હંમેશ ઝંખતા સથવારાની, અધૂરા અનુરાગની અને ખોવાઈ ગયેલ જિંદગીની વર્ષો જૂની લાગણીઓ ક્ષણ બે ક્ષણમાં જ પીયૂષ નામના કેનવાસ પર કંડારાઈ ગઈ. આખરે દામિની અને ચંદાએ સ્વયંની સ્ત્રી અસ્તિત્વરૂપી ચોપાટને પોતાને નામ કરી.
***
ગુજરાતી સાહિત્યની ખ્યાતનામ લેખિકા મેઘા નાયકે એક વાર્તાલેખન સ્પર્ધા માટે ‘સ્ત્રીનું અસ્તિત્વ’ શીર્ષક પર વાર્તા લખીને એની ડાયરીમાં ‘અસ્તિત્વ’ શબ્દ પાછળ મસમોટું પ્રશ્નાર્થ મૂક્યું. ડાયરીને ટેબલ પર મૂકી બાજુ પર પડેલા ડિવોર્સ પેપર પર આશાભરી એક નજર કરી.

“આવતી કાલથી તારે હજુ કલમ ચલાવવી જ હોય તો આ પેપર પર આજે આખરી હસ્તાક્ષર કરી દેજે…” બાજુના બેડ પર સુતેલા પતિનો બે કલાક પહેલાંનો શબ્દોરૂપી તમાચો એનાં માનસપટ પર ગૂંજયો. લેખનનો શોખ અને પોતાનો સંબંધ બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાની મડાગાંઠને ઉકેલવાની અસમંજસમાં થોડીવાર પટકાઈ જઈ એ આમતેમ ઝોકાં ખાતી રહી. પોતાની બંને જિંદગીને એકસાથે બચાવવાના વિચારોમાં મથતી રહી. આખરે એક હકારાત્મક નિર્ણય સાથે બધું જ આવતી કાલનાં સૂરજ પર છોડી હાથમાંના પેપર ડાયરી નીચે દબાવી સૂઈ ગઈ.

ચિંતાગ્રસ્ત હાલતમાં મોડી ઊંઘવાનાં લીધે એને સવારે ઊઠવાનું મોડું થયું. નવનાં ટકોરા સાથે એણે જાગીને જોયું તો દેવમ ટેબલ પર મૂકેલ ડાયરીમાંથી કાલે લખેલી વાર્તાના છેલ્લા શબ્દો વાગોળી રહ્યો હતો. દેવમે બાજુમાં પડેલી કલમ ઉઠાવી અને ‘અસ્તિત્વ’ પાછળ મેઘાએ કરેલા મસમોટા પ્રશ્નાર્થને ઘૂંટી ઘૂંટીને પૂર્ણ વિરામમાં ફેરવી નાખ્યું. એણે મેઘાનાં હસ્તાક્ષરિત ડિવોર્સ પેપરને ફાડીને ડસ્ટબીનમાં ફેંકી દીધા. મેઘા સજળ નયને પોતાની કલમના ચમત્કાર પર ભરોસો કરી દેવમને બાથ ભીડી ગઈ. કલમની સામે જોઈ એ મનોમન ઉપકાર માનતી રહી. “તું મને વાર્તાલેખન સ્પર્ધામાં જીત અપાવે કે ન અપાવે, પરંતુ મારી જિંદગીનાં શોખ અને સંબંધોની ચોપાટમાં તો મને જીતાડી જ ગઈ. તારો અનેકાનેક આભાર… મારી કલમ.. મારી જિંદગી..!”

– દિવ્યેશ વિ. સોડવડિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “ચોપાટ – દિવ્યેશ વિ. સોડવડિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.