અને મેં સવારે ચાલવાનું નક્કી કર્યું… – રઈશ મનીઆર

(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૭ના અંકમાંથી સાભાર, મૂળ રઈશભાઈના પુસ્તક ‘જલેબી જેવી જીન્દગી’ માંથી સાભાર)

જ્યાં સુધી ફાંદ ન હતી ત્યાં સુધી એમ માનતો હતો કે ફાંદ એ સમૃદ્ધિની નિશાની છે. પણ માંડ જરા ફાંદ વધી ત્યાં ડૉક્ટરોએ મારી પત્નીના મગજમાં ઠસાવી દીધું કે ફાંદ એ બીમારીનું ઘર છે. હસુભાઈનાં પત્ની માને છે કે ધુમ્રપાન બીમારીનું ઘર છે તેથી હસુભાઈ બીડી-સિગારેટ ઘરની બહાર મૂકી આવે છે. એ રીતે હું મારી ફાંદને બહાર મૂકી આવી શકતો નથી. કોઈકે મારી પત્નીને કહ્યું કે સવારે ચાલવાથી ફાંદ ઊતરે છે અને મારે વહેલી સવારે ચાલવા જવું જ પડશે એમ ઠરાવાયું. એમ કરવામાં ભલે હું ઠરી જાઉં.

પહેલા બે-ચાર દિવસ તો હું ઊઠ્યો ત્યારે વહેલી સવાર નહોતી. મોડી સવાર થઈ ગઈ હતી. આ બહાનુ મને બેચાર દિવસ કામ લાગ્યું.

પછી તો પત્નીએ એલાર્મ મૂકીને જગાડવાનું શરૂ કર્યું મને કહે, “જો કુદરતની ગોદમાં ચાલવા જવાનું છે.” મેં કહ્યું, “ગોદડીની ગોદ શું ખોટી છે !” જગાડવાથી કે ઝંઝોડવાથી મારું ચાલકબળ જાગ્રત થયું નહીં તેથી મારી પત્નીને સહેલીએ સલાહ આપી કે ઠંડું પાણી રેડવાથી સરસ રીતે ઊંઘ ઊડી જાય છે. આમ ઠરીને ઊઠવા કરતાં થથરીને ઊઠવું સારું. પછી તો આ કલ્પાના માત્રથી મારી સવારની જ નહીં, રાતોની ઊંઘ ઊડી ગઈ અને ગભરાટનો માર્યા હું ઊંઘમાં ચાલતો થઈ ગયો. પણ એ ચાલવું પૂરતું ન હતું.

ડૉક્ટરોની અપેક્ષા તો મને ત્રણ કિલોમીટર ચલાવવાની હતી. તેથી આખરે એક દિવસ વહેલી સવારે અંધારું હતું ત્યારે જ ગૌતમ બુદ્ધની જેમ મેં ચાલવા માટે મહાભિનિષ્ક્રમણ કર્યું. ફરક એટલો જ હતો કે અહીં ખુદ યશોદાએ જ મને દરવાજો ખોલી બહાર ધકેલ્યો. મારા ઘરની નજીકના રસ્તે જ્યાં કાયમ વાહન પર જ ફરતો ત્યાં પહેલી વાર દિવ્ય પગલાં પાડ્યાં. મૉર્નિંગ વૉક માટે રિક્ષા મળે કે કેમ તેનો નિષ્ફળ પ્રયાસ કર્યાં. પછી ચાલવાનું શરૂ કર્યું. પણ મારી ગલીના કૂતરાઓ બુદ્ધુ તે મારું આ બુદ્ધત્વ સમજ્યા વગર મારી પાછળ દોડ્યા. ડૉક્ટરે ચાલવા જ કહ્યું હતું. દોડવા નહોતું કહ્યું. એમ આ કૂતરાઓને મેં એમની ભાષામાં સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. છેવટે મોદીસાહેબનો સદ્ભા્વનાનો ઉપદેશ વિસરીને પથ્થર હાથમાં લીધો ત્યારે જ કૂતરાઓને સદ્બુસદ્ધિ આવી. પણ ત્યાં સુધી હું બેફામ દોડીને ગાયના એક-બે પોદળા ખંડિત કરી ચૂક્યો હતો અને મારા નવાનકોર અડીદાસના શૂઝ, એડી સુધી અડી પણ ન શકાય એવા થઈ ચૂક્યા હતા. ચાલતો ગયો અને રિક્ષા કરીને આવ્યો.

બીજા દિવસે મેં ચાલવા માટે નજીકના ગ્રાઉન્ડ પર જવાનું નક્કી કર્યું. ગ્રાઉન્ડ પર જઈને જ ચાલવું, રસ્તે નહીં, એવું નક્કી કર્યું હોવાથી રિક્ષા કરીને ગ્રાઉન્ડ સુધી ગયો. મેદાનના દરવાજે ઊતર્યો તો રિક્ષાવાળો કહે, “અંદર સુધી છોડી દઉં?” મેં કહ્યું, “ના…રે; ચાલતો જઈશ.” પરંતુ ગ્રાઉન્ડની બહાર જ ખમણ-ઈડલી અને ચા-બિસ્કીટની લારી એટલાં આકર્ષક લાગ્યાં કે બે-ત્રણ દિવસ તો બહાર જ સમય વિતાવી પાછો ફર્યો. પણ ગૃહમોરચે આ સમાચાર પહોંચી ગયા અને મને પાકીટ આપવાનું બંધ કરવામાં આવ્યું.

નછૂટકે ગ્રાઉન્ડને અંદરથી જોવું પડ્યું. મેદાનમાં વિવિધ રંગ-ઢંગ-અંગવાળી માનવાકૃતિઓ વિહરી રહી હતી. મેદાનમાં પ્રવેશતાં જ એક લગભગ એકસો ચાલીસ કિલોના ભાઈ દેખાયા. મેં પૂછ્યું, “આજે જ ચાલવાનું શરૂ કર્યું લાગે છે.’’ એ ભાઈએ જવાબ આપ્યો, “ના…રે, ત્રણ વરસથી ચાલું છું. એક પણ દિવસ ખાલી નથી ગયો.” તો ફાંદ કેમ ખાલી ન થઈ? એવું ન પૂછાય એટલે મેં સારા શબ્દોમાં પૂછ્યું, “પણ તમારું વજન?” એ કહે, “ત્રણ વરસમાં દસ જ કિલો વધ્યું.” મેં કહ્યું, “તો ચાલીને ફાયદો શું?” એ કહે, “એની આગળનાં ત્રણ વરસ નહોતો ચાલતો ત્યારે ૨૦ કિલો વધેલું એટલે દસ કિલોનો ફાયદો ગણાય કે નહીં?” હું માથું ખંજવાળતો આગળ વધ્યો. એક પછી એક ફાંદળાઓ ગપગોળા લગાવતા પગપાળા ચાલતા હતા. લાફિંગ બુદ્ધા જેવા દેખાતા આ ચાલણવીરો ખમણની લારી તરફ ધસી ગયા. ચાલવાથી જે કેલરીનું દહન થયું એનું પ્રતિક્રમણ એ ખમણ ખાઈને કરવા લાગ્યા.

ત્યાં જ એક એકદમ સૂકલકડી દેહધારી ભાઈ દેખાયા. મેં કહ્યું, “લાગે છે જનમથી ચાલ્યા જ કરો છો.” એ કહે, “ના…રે; હમણાં બે વરસથી જ શરૂ કર્યું.” ડૉક્ટરો કહે, “ચાલશો તો જ ભૂખ લાગશે અને વજન વધશે.” ટૂંકમાં એ ભાઈ વજન વધારવા માટે ચાલતા હતા. મેં પૂછ્યું, “વજન વધ્યું?” એ કહે, “૪૨ હતું… ૪૪ થયું.” મેં કહ્યું, “આ કાન ટોપી સ્વેટર, ટ્રેકસૂટ અને શૂઝ કાઢી નાખો તો?” એ ભાઈ કહે, “તો ૪૧ જ થાય છે.”

ગૌતમ બુદ્ધને રસ્તે મળેલી ચાર વ્યક્તિઓએ સંસાર અસાર છે એવો અનુભવ કરાવ્યો. મને આ બે વ્યક્તિઓની મુલાકાતથી જ્ઞાન લાધ્યું કે ચાલવું અસાર છે. પણ જેમ બુદ્ધ અસાર હોવા છતાં સંસારને છોડી શક્યા નહીં તેમ હુંય ચાલતો રહ્યો. ચાલતો જ રહ્યો. મારા ચાલવાના ઢંગ જોઈને એ કૅમ્પસમાં એક સાઈકલવાળા આદિવાસીએ અને એક કચરાના ટેમ્પાવાળાએ ડ્રાઈવિંગ સીટ પર મને લિફ્ટ આપવાની ઑફર કરી. એ લાલચનો ત્યાગ કરી હું ચાલતો જ રહ્યો. આખો ચકારાવો ત્રણ કિલોમીટરનો થાય એવી જાણ હતી પણ આખો ચકરાવો કદી મેં પૂરો કર્યો નહીં. જેમ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એવી પાકી જાણ હોવા છતાં મેં ત્યાં પહોંચવાની કદી ખેવના રાખી નથી, તેમ મેં પણ આખો ચકરાવો પૂરો કરવાની બાલિશ ચેષ્ટા કરી નહીં. એક દિવસ કારમાં બેસીને આખું લાંબુ ચક્કર માર્યું ત્યારે જ મને મારી જાત પર માન થયું કે સારું થયું કે મેં ચાલતાં આ સાહસ કર્યું નહીં. ઘાણીનો બળદ જેમ ચાલીને એક જ જગ્યાએ પાછો ફરે તેમ આ ચાલનારા પરસેવે રેબઝેબ થઈને પણ છેવટે તો જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પહોંચતા હતા. એ જોઈ મને તેમની દયા આવી.

શાયર ‘બેફામે’ કહ્યું છે,
બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

પણ આ મૂરખાઓ તો કબરમાંય ટ્રેડમિલ મુકાવે એવા ‘ચાલુ’ માણસો છે. એમની સંગત સારી નહીં એમ સમજી મોટેભાગે હું શારીરિક રીતે ચાલવાનું બંધ કરી મારા મગજને ચલાવવા માંડું છું.

કોઈએ સાચું જ કહ્યું છે, ચાલવું એ અસ્થિરતાની નિશાની છે. સ્થિર બુદ્ધિ અને સ્થિર પગ વચ્ચે સંબંધ હોય છે. આપણી સંસ્કૃતિમાં ચલનો નહીં, અચલનો મહિમા છે. મતિવાન વ્યક્તિ મગજ ચલાવે છે અને ગતિવાન મૂઢ પગ જ ચલાવે છે. વેદોમાં આવું લખ્યું છે. (એટલે કે આવું લખ્યું હશે જ, એમ ધારી શકાય.) ઘોડો તેજ ચાલે છે. તેથી એને ઘોડાગાડીમાં જોતરાવું પડે છે. ગર્દભ બહુ ચાલતો નથી તેથી એ મુક્ત રહે છે. આવું ‘નીતિશતક’માં લખ્યું છે. (મહેરબાની કરી ચેક કરશો નહીં.) ચાલે એને ચલતાપૂર્જા કે ચાલુ શબ્દોથી નવાજવામાં આવે છે. ન ચાલે, એકે ડગ ન ભરે એને અડગ કહેવામાં આવે છે.

જો તક મળે તો મારી પત્નીને મારે એટલું જ કહેવાનું છે કે આજકાલ ધોની ખાસ ચાલતો નથી. બચ્ચન ચાલતો નથી, મનમોહન ચાલતા નહી. અરે ! અણ્ણા ને કેજરીવાલ પણ ચાલતા નથી. તો પછી હું શું કામ ચાલું?

– રઈશ મનીઆર


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચોપાટ – દિવ્યેશ વિ. સોડવડિયા
મોડું નથી થયું – કલ્પના જિતેન્દ્ર Next »   

8 પ્રતિભાવો : અને મેં સવારે ચાલવાનું નક્કી કર્યું… – રઈશ મનીઆર

 1. સવાર તરોતાજા કરી દેતો હાસ્યલેખ

  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 2. હાસ્યસભર લેખ. આપણે પણ હમણા ડાયેટીંગ ચાલુ કર્યું છે હો!

 3. Deep says:

  પત્નીઓ સાચવે એવા કે આપણે ક્યરેક મુન્જાવવા માંડે…

 4. હાસ્ય સાથે સરસ વાત.

 5. Sagar says:

  આપણે પણ ડાયટીંગ ચાલુ કર્યું છે હો!

 6. રઈશ મનીઆર says:

  લેખ મારો છે. લેખકનું નામ મૂકવા વિનંતી છે. મારા પુસ્તક જલેબી જેવી જીન્દગીમાં 15મા ક્રમનો આ લેખ છે.

 7. રઈશ મનીઆર says:

  ખૂબ ખૂબ આભાર. તાત્કાલિક સુધારો મૂકીને વેબસાઈટ જીવંત હોવાનો પુરાવો આપ્યો.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.