મોડું નથી થયું – કલ્પના જિતેન્દ્ર

(‘અખંડ આનંદ’ સામયિકના ઑક્ટોમ્બર-નવેમ્બર ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

કાજલ આમતેમ પડખાં ફેરવતી રહી. રૂમ પણ નહિ ને પલંગ પણ નહિ. નીચે સૂવાની આદત નથી છતાંય દીવાનખાનામાં જમીન પર ગાદી પાથરીને સૂવું પડ્યું છે. બા-બાપુજી બેય દીવાન પર સૂતાં છે. જેનો દિવસે બેસવામાં ને રાત્રે સૂવામાં ઉપયોગ થાય છે.

સાંજે ઑફિસેથી થાકીને આવી ત્યારે પલંગમાં લંબાવવાની ઈચ્છા હતી, પણ ઘરમાં આવતાં જ ફાળ પડી, નાની આવી છે જમાઈ સાથે ! અને બિસ્તરા પોટલાં એના રૂમમાં જ છે, ખલાસ ! પોતાનો રૂમ છીનવાઈ ગયો !

ચાર મહિના પહેલાં એ બે દિવસ રહેવા આવી ત્યારે બાએ સહેજ અચકાતાં અચકાતાં પૂછ્યું હતું ‘બેન, તારા રૂમમાં નાની ને જમાઈની સૂવાની વ્યવસ્થા કરું? અંદરનાં રૂમમાં નીના ને તપન સૂવે છે. હું ને તારા બાપુજી અહીં દીવાનખાનામાં, હવે રહ્યો એક તારો રૂમ. તું કહે તો જ !’

તે દિવસે પણ બાની વાત એને રુચિ તો નહોતી જ, પણ ત્યારે ગરમી હતી. અગાશીમાં સૂવાનો વાંધો નહોતો, વળી બાએ પહેલી જ વાર માગણી કરી હતી ને એ પણ બે દિવસ માટે જ એટલે મને કમને સ્વીકારી લીધું હતું.

પણ આજે તો એને પૂછવાની કે જણાવવાની પણ કોઈએ દરકાર કરી નથી. નાનીનો સામાન સીધો જ રૂમમાં આવી ગયો. એ પણ એની ગેરહાજરીમાં ! ઑફિસેથી એનાં આવવાની રાહ પણ કોઈએ જોઈ નહિ !

પહેલાં તો ઘરમાં એનો પડ્યો બોલ ઝીલાતો, એની પસંદ-નાપસંદ, એનો ગમો-અણગમો, એનો રાજીપો-નારાજગી બધાંની નોંધ લેવાતી. ખરીદી કરવામાં, વ્યવહારમાં અરે ! ‘રસોઈ શું બનાવું?’ એવું ભાભી પૂછે તો બા કહેતી, ‘કાજલને જે ભાવે તે, કાજલની પસંદ સૌની પસંદ.’

આ ઉચિત જ હતું. બાપુજીની માંદગી ને નોકરી છોડ્યા પછી તૂટતા ઘરને એણે જે બચાવ્યું. પોતાના ખભે આખા ઘરનો ભાર વેંઢારી લીધો. નાનાં ભાઈબેનને ભણાવ્યાં, પરણાવ્યાં, વ્યવહારો સાચવ્યા. ઘર પરિવારની એ સાચા અર્થમાં મોભી બની ગઈ.

અભ્યાસમાં તેજસ્વી, એમ.એ.બી.એડ. થઈ અધ્યાપક થવાની એને હોંશ. કૉલેજનાં અભ્યાસ દરમિયાન પોતાની જાતને હંમેશા અધ્યાપક તરીકે જ કલ્પી છે. એ સમણાંને હવામાં ઉડાડી દઈ, માત્ર બી.એ. થઈ એણે સચિવાલયમાં કલાર્કની નોકરી લઈ લીધી. જોકે અત્યારે તો ખાતાકીય પરીક્ષા આપી ક્લાસ વન ઑફિસર બની ગઈ છે. ઑફિસમાં પણ એની ગણના બાહોશ અધિકારી તરીકે થાય છે.

ઑફિસમાં, સમાજમાં ઘણી પ્રતિષ્ઠા મેળવી છે. પરિવારનું તો એ કેન્દ્રબિન્દુ છે. સંતુષ્ઠ છે પોતાની જિંદગીથી. સંતુષ્ઠ એને પોતાના જ શબ્દો પર હસવું આવ્યું. માંદલું ને ફિક્કું હાસ્ય ! સંતુષ્ટ છે પોતે?… ના, પહેલાં હતી હવે નથી. સંપૂર્ણપણે તો ક્યારેય નહોતી. ઘણીવાર એકલતા સાલી છે.

મેઘલ રાત્રિએ કોઈના પડખામાં ઢબુરાઈ જવાની, કોઈનો પ્રેમાળ, હૂંફાળો, સ્પર્શ અંગે-અંગ માણવાની, કોઈને પૂર્ણપણે પામવાની તો કોઈનામાં સંપૂર્ણપણે ઓગળી જવાની મનછા એને ઘણીવાર જાગી છે એનું મન અને શરીર બંને કોઈનો સાથ, કોઈની ઓથ અને હૂંફ ઈચ્છે છે !

હમણાં હમણાં ઘરમાં એની અવગણના ને અવહેલના થવા માંડી છે ત્યારથી તો વિશેષ !

આમ તો ઘરમાં નાનીનાં લગ્નની વાત થતી હતી, ત્યારે પણ કાંઈક અસુખ લાગતું હતું. કાંઈક અધામું અધામું, કાંઈક ખૂંચતું હતું !

મોટીબેનનાં લગ્ન કરવાં જોઈએ એવું તો કોઈને યાદ પણ નથી આવતું? અરે? જ્યારે લગ્નની ઉંમર હતી ત્યારેય કોઈને યાદ ન આવ્યું? ખ્યાલ તો હોય જ. દીકરી ઉંમરલાયક થાય, એ માતાપિતાની નજરમાં ન આવે એ શક્ય જ નથી. પણ પોતાને શા માટે પરણાવે? પોતે કાજલ નહોતી ! એક સ્ત્રી નહોતી ! પોતે તો ઘરમાં સોનાનાં ઈંડા આપતી મરઘી ! શા માટે પરણાવીને ઘરમાંથી વિદાય આપે?

જોકે, આ સત્ય એને બહુ પાછળથી સમજાયું, ને સમજાયું ત્યારે એ પણ સમજાયું કે હવે ઘણું મોડું થઈ ગયું છે.

લગ્નની ઉંમર તો ક્યારની વીતી ગઈ, બેતાલીસે પહોંચી ગઈ છે. જોકે શરીરસૌષ્ઠવ જાળવી રાખ્યું છે, ત્રીસ-બત્રીસ જ લાગે.

રૂપાળી તો એ પહેલેથી જ. વીસ-પચીસની ઉંમરે કેટલાંય માગાં આવતાં હતાં. પણ ઘરની જવાબદારીના કારણે નકારી દીધાં. અરે ! ત્રીસ-બત્રીસની ઉંમરેય આવતાં હતાં ! એ પછી તો મોટી ઉંમરનો ને વળી કુંવારો મૂરતિયો ક્યાંથી મળે? જોકે એક બે વાત આવી હતી ખરી ને એ પછી વાત આવી એ વિધુર અથવા છુટાછેડાવાળાની !

બીજું એક સત્ય એ પણ સમજાયું, જોકે ઘણું પાછળથી અને એ કે માગાં આવતાં હતાં એ બા-બાપુજી પાસે આવતાં હતાં… ને બારોબાર જ નકારાઈ જતાં હતાં !! શરૂઆતમાં એક બે જગ્યાએ પોતે ના પાડી હતી પછી તો બાએ જ ! અરે, હમણાં એક વિધુરની વાત આવી, એની પાસે પહોંચી એ પહેલાં તો બાપુજીએ જ ના પાડી દીધી ! કાજલે શરમ છોડી સામેથી પૃચ્છા કરી.

બાએ જવાબ આપ્યો, ‘અમને ખાતરી હતી કે તું ના જ પાડવાની છો, એટલે અમે જ ના પાડી દીધી !’

પછી તો વાત એવી ફેલાઈ ગઈ કે ઈરાદાપૂર્વક ફેલાવવામાં આવી કે કાજલ અપરિણિત રહેવા માગે છે. બા પણ સલુકાઈથી કહેતી, ‘હવે આ ઉંમરે મૂરતિયો ક્યાંથી આવે? ને મળે તોય કાજલને યોગ્ય હોવો જોઈએને?’… મારી દીકરી આટલું ભણેલી, આવડી મોટી ઑફિસર… ને એને કાંઈ જેવું તેવું થોડું નજરમાં આવે !’

હકીકત એ હતી કે બા-બાપુજીની નજરમાં જ કોઈ આવ્યું નહિ, એમણે ઈરાદાપૂર્વક નજરને ટૂંકી કરી નાખી !

કાજલની છાતીમાં ઊંડે ઊંડે ટીસ ઉઠી ! પોતે સમજે છે બધું જ ! બધું જ સમજાયું પણ મોડું મોડું !

પોતે કેવાં કેવાં પ્રલોભનો જતાં કર્યાં? યુવાવસ્થાની વાત તો ગઈ. હમણાં વરસ પહેલાં વિધુર થયેલા ને નિઃસંતાન, એના બોસ મિસ્ટર પટેલે પણ બે-ત્રણ વાર વાત મૂકી હતી. યોગ્ય પાત્ર છે… પણ તો ય જરાક અવઢવમાં રહી. શા માટે?… અલબત્ત, ઘર માટે જ ને? ને ઘરમાં તો હવે એની કોઈ કિંમત નથી ! કિંમત તો છે જ, પણ એની કમાણીની ! એના સ્ત્રીત્વની કે એના અસ્તિત્વની નહિ !

એમ તો ઑફિસમાં કે બહાર પોતાનાં અંગ ઉપાંગો પર પડતી પુરુષની નજરથી એ અજાણ નથી ! ક્યારેક તો પોતાને ગમ્યું પણ છે… પણ બીજી જ પળે સાવધ થઈ ગઈ છે ! ઉછળકૂદ કરતા મનને મારી નાખ્યું છે ! સ્ત્રીસહજ લાગણીને ગળે ટૂંપો દઈ દીધો છે ! અંગેઅંગથી ઊઠતા એક સહજ શારીરિક આવેશને કુંઠિત કરી દીધો છે !

કાજલ ક્યાંય સુધી જાગતી પડી રહી. જગ્યા બદલાણી છે ને ચિત્ત પણ ચકડોળે ચડ્યું છે. મળસ્કે જરાક આંખ મળી, ત્યાં બારણું ખૂલાવાના અવાજે ખૂલી ગઈ. ‘ક્યાં જાય છે, બા, તું? અત્યારમાં?’

‘જમાઈ માટે દૂધપાક બનાવવો છે, વહેલાસર લઈ આવું, પછી દૂધ ખલાસ થઈ જશે.’

દૂધ લઈ બા પાછી આવી ગઈ. ગેસ પર ઉકળવા મૂકી દીધું. કાજલ પણ ઉકળતી હતી. બરાબરની ધૂંધવાયેલી ! ગઈકાલે સાંજે ઘરે આવી. ઑફિસકામથી થાકેલી હતી. ગરમ ગરમ સ્ટ્રૉંગ કૉફી પીવાની ઈચ્છા હતી, હંમેશા તો પોતે આવે ત્યારે બા-ભાભી આવકારવા બારણે ઊભાં જ હોય? આજે તો દીવાનખાનામાં આવવા છતાંય કોઈ ફરક્યું નહીં ! નજર ફેરવી, કાન પણ સતર્ક થયા, બા-ભાભી બંને નાનીની આગતા-સ્વાગતામાં રોકાયેલાં  ! સહેજ ગુસ્સો ચડ્યો ને બૂમ પાડાઈ ગઈ ‘ભાભી !… ઓ ભાભી !’

નીના બહાર આવી ‘શું છે, કાજલબેન?’

પોતાના આગમન સાથે જ હાથમાં કૉફીના મગ સાથે હાજર થઈ જતી ભાભી પૂછે છે? ‘શું છે કાજલબેન?’ માથામાં સણકો ઊઠ્યો પણ અવાજને સ્વસ્થ રાખી કહ્યું, ‘એક કપ કૉફી મળશે? સ્ટ્રોંગ?’

‘કૉફી? …કાજલબેન ક્યાંથી બનાવું? દૂધ વપરાઈ ગયું છે. હવે તો સાંજનું દૂધ આવે પછી પત્તો ખાય !’ તદ્દન સપાટ અવાજે આટલું કહી નીના જતી રહી.

તલપ લાગી હોવા છતાં કૉફી ન મળી એના વસવસા કરતાંય ભાભીની નફિકરાઈ ખૂંચી. અવાજમાં કોઈ દિલગીરી કે વસવસો પણ નહીં ! ઑફિસથી આવીને તરત કૉફી પીવાની પોતાની આદત એ જાણે જ છે ! દૂધ વપરાઈ ગયું ! કોઈ વાંધો નહીં. શેરીના નાકે જ દુકાન છે. પલકને મોકલી મંગાવી શકે છે અથવા એ પોતે જઈને લઈ આવી શકે છે. અગાઉ ઘણીવાર એ લઈ આવી છે. આમ તો નાનકડી વાત, પણ હમણાં હમણાં ભાભીનું વર્તન આવું જ હોય છે, અવગણનાનું !

એણે બાને બૂમ પાડી, ત્યાં અંદરથી નાનીનો અવાજ આવ્યો ‘મોટીબેન ! અંદર આવને !’

ખરેખર તો નાનીને મને મળવા બહાર આવવું જોઈએ? એને બદલે મજેથી અંદર બેઠી છે ને મને અંદર બોલાવે છે ! બા પણ જમાઈ સાથે વાતે વળગી છે ! પોતાની કોઈ ગણના જ નહીં ! કોઈને તમા જ નહીં !

બા આવી, ‘શું કહે છે તું?’

હોઠ સુધી શબ્દ આવ્યો ‘કૉફી’… પણ પાછો ગળી જઈ કહ્યું, ‘બા, માથું ફાટે છે.’

‘મેટાસીન લઈ લે ને?’

પહેલાં તો પોતે આવી ફરિયાદ કરે કે તરત જ બા માથું દાબવા કે વિક્સ લગાવવા બેસી જતી, ને અત્યારે કહે છે, ‘મેટાસીન લઈ લે ને !… લઈ લે ને ! ચાલ, તને આપું એમ નહીં !’

હજુ તો એ બાને કાંઈ કહે ત્યાં અંદરથી નાનીએ બૂમ પાડી ને બા પાછી અંદર દોડી ગઈ !

માથું ફાટફાટ થવા માંડ્યું ! રાત્રે એમ જ માથે કપડું બાંધી ભૂખી-તરસી એ સૂઈ ગઈ.

સાંજે એની કૉફી માટે કોઈ દૂધ લેવા જઈ શક્યું નહીં ને અત્યારે, આટલી વહેલી સવારે જમાઈ માટે દૂધપાક બનાવા દૂધ લેવા જવાયું ! રાત્રે દૂધ આવ્યા પછીય ભાભીને એની કૉફી યાદ નથી આવી કે નથી અત્યારમાં બાને એને માટે સવારની કૉફી બનાવવાનું સૂઝતું !!

કાજલને માથામાં સણકો ઉપડ્યો ! બસ એક જ વાત ! નાની ને જમાઈ ! મદદ કરવા બોલાવી, એ ન ગઈ. છાપું વાંચવા બેસી ગઈ. પોતાના રૂમનું બારણું બંધ હતું. ઑફિસ જવા તૈયાર થવાનું હતું, માંડ માંડ નવ વાગે જમાઈરાજ ઊઠ્યા ! તૈયાર થઈ નીકળતાં નીકળતાં રસોડામાં ગઈ. રોજ તો ભાભી લંચબોક્સ તૈયાર કરી પર્સ પાસે મૂકી દે છે. આજે પૂછવું પડ્યું, ‘ભાભી, લંચસબોક્સ?’

‘લંચબોક્સ?… હાય રામ ! એ તો હું ભૂલી જ ગઈ, જમાઈના ચા-નાસ્તાની ધમાલમાં મગજમાંથી સાવ નીકળી જ ગયું ! હવે આજનો દિવસ કેન્ટીનમાંથી નાસ્તો કરી લેજો ને !’

એક પણ શબ્દ બોલ્યા વિના, ચંપલ પહેરી એ નીકળી ગઈ.

ઑફિસમાં કામ ઘણું હતું પણ કામમાં એનું ધ્યાન નહોતું. એનું ચિત્ત ચકડોળે ચડ્યું હતું ! સતત વિચારોના આટાપાટા રમાતા હતા. જે ઘર-પરિવાર માટે આટલી જહેમત લીધી, આટલો મોટો ત્યાગ કર્યો અંતે એને મળ્યું શું? શું છે ઘરમાં એનું સ્થાન? ક્યાં છે એની સ્વતંત્રતા? ક્યાં છે એનું હોવાપણું ! – એનું અસ્તિત્વ? જ્યાં અસ્તિત્વ જ નથી ત્યાં સ્વાતંત્ર્ય કોનું?

સાંજે ઑફિસની બહાર રિક્ષાની રાહ જોતી હતી ત્યાં જ મિસ્ટર પટેલે ગાડી રોકી ‘ચાલો, મૂકી જાઉં, ઘરે જ જવું છે ને? પણ પ્લીઝ, મારો ફ્લૅટ રસ્તામાં જ આવે છે, જુઓ તો ખરાં, મારો ફ્લૅટ ! ને હા, મારા હાથની કૉફી પીધા પછી જ તમને મૂકી જઈશ હોં !’

‘હં… અ… અ…’ કાજલ કાંઈક કહેવા જતી હતી ને મોબાઈલ રણક્યો. એને થાયું, બા પૂછશે ‘તું જમી કે કેમ? સોરી બેટા, સવારે તારું લંચબૉક્સ તૈયાર ન થઈ શક્યું.’ પણ બાએ કહ્યું, ‘કાજલ, સવારે તને કહેવાનું ભુલાઈ ગયું. આવે ત્યારે એટીએમમાંથી દસેક હજાર ઉપાડતી આવજે ને ! જમાઈને સૂટ ને નાનીને ભારે સાડી લઈ આપવા પડશે. દીકરીને પિયરથી ખાલી હાથે તો નહીં મોકલાય ને?’

એક પળ… માત્ર એક જ પળ એ વિચારમાં રહી, બીજી જ પળે કહી દીધું, ‘બા, તું કાંઈક બીજી વ્યવસ્થા કરી લે ને, અત્યારે હું બહાર જાઉં છું.’

‘ક્યાં જાય છે તું અત્યારે? રાત્રે મોડું નહિ થાય?’

સાંભળી લીધું ને કાજલે એટલી જ ઠંડકથી કહી દીધું, ‘બા, મારે જ્યાં જવું જોઈએ ત્યાં જ હું જાઉં છું.’ ને મલકાતાં મલકાતાં તીરછી નજરે મિસ્ટર પટેલ સામે જોઈને કહ્યું… ને રાત્રે કદાચ ન પણ આવું ! હજુ કાંઈ મોડું નથી થયું.’

*

સંપર્ક :

૩૦૧-એ, દેવવન એપાર્ટમેન્ટ, આતાભાઈ ચોક, બેન્ક ઑફ ઈન્ડિયાની લાઈનમાં, ભાવનગર


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અને મેં સવારે ચાલવાનું નક્કી કર્યું… – રઈશ મનીઆર
કડવાશ બની મીઠાશ – નટવર પટેલ Next »   

18 પ્રતિભાવો : મોડું નથી થયું – કલ્પના જિતેન્દ્ર

 1. અતિ સુંદર!!
  સત્ય ઘટનાને નજીક હોય એવી અને લાગણીઓના ઘોડાપૂર વચ્ચે વહેતી વાર્તા.

  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 2. જીવનમાં બોધપાઠ લેવા જેવી વાર્તા. ખૂબ જ સરસ.

 3. Deep says:

  ખૂબ જ સરસ વાર્તા.

 4. Naran Patel says:

  Very nice story.

  Heart touching!!!

 5. કિશોર પંચમતિયા says:

  ખબ સરસ વાર્તા કલ્પનાબેન મોટી ઉમર સુધી સંજોગવસાત ન પરણેલી સ્ત્રીમાં ઢબુરાઇ રહેલી મહેચ્છા આંકાક્ષા ની વાત સરસ રીતે રજુ કરી ધન્યવાદને લાયક

 6. deep says:

  અપેક્ક્ષા રાખું છું કે આટલી સારી વાર્તાઓ એમને મળતી રહે રોજે.

 7. Saras mavjat. Dhima tape baneli rasoi jevi Mithi Ane repeat vanchvanu man thay tevi Manohar

 8. SHARAD says:

  sansarna sambandho khub takvadi chhe. magajfareli halatma Kajal sacho nirnay lechhe.

 9. Jane says:

  ખૂબ સરસ. જિંદગી ની સચ્ચાઈ હંમેશા સુંદર નથી હોતી.

  આવા ઘણા હકીકતમાં કિસ્સા છે. ખરેખર દરેક માં-બાપ નિસ્વાર્થ પ્રેમ ની મુરત કે ભગવાન નથી હોતા અને દરેક બાળકો કુસંસ્કારી નથી હોતા.
  અને હંમેશા એક સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન નું કામ કરે છે

 10. Nayan says:

  nice story

 11. jayesh Gohel says:

  Very nice story.
  This is the fact of life.

 12. Divyanshu Vaishnav says:

  This one is also very nice, like all other stories by Kalpna Ben.

  We Pray for Her Health & Happiness.

  And expect many more meaningful writings from Her PEN.

 13. Aruna parekh says:

  Very good end, the woman ( not only daughters ) should help,
  But always keep cut off line ——
  Wise & thoughtful step —from ‘Kajal’

 14. Vaishali Narkar says:

  જાગ્યા ત્યારથી સવાર…સાચે જ મોડું નહતું થયું…

 15. Rajesh says:

  કડવી પણ સત્ય હકીકત એ છે કે આજીવન મણસે સતત પોતાના અસ્તિત્વ માટે જજુમવુ પડે છે.

 16. Tanvir says:

  આ વાત સાવ સાચી અને સત્ય છે.પરંતુ આપણાં રસ્તા આપણે ખુદ જ બનાવવા પડે છે.

 17. Vaishali Maheshwari says:

  Thoroughly enjoyed reading the story. I have a friend who is not as old as Kajal in this story, but still old enough and single and he goes through the exact same feelings that are described in this story. So, it is written very close to reality, which makes it interesting to read.

  I hope Parents stop seeing their kids just as earning assets and be a little selfless. I am glad that this story had a happy ending where Kajal realizes her worth and after fulfilling families responsibilities, she has decided to live for herself.

  Thank you Ms. Kalpana Jitendra for writing this and for sharing this with us. All your writings are interesting and thought provoking. God Bless!

 18. KIRIT S MARVANIYA says:

  NICE STORY. PLEASE BE CONTINUE.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.