(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)
આવતીકાલે હાઈકોર્ટમાં જમીનના કેસની મુદત હતી તેથી રાવજીભાઈ વલસાડથી અમદાવાદ જવા ટ્રેનમાં બેઠા. સીધા અમદાવાદ ન જતાં વચ્ચે નડિયાદ ઊતર્યા. નડિયાદમાં એમના એક સગા રહેતા હતા. મનમાં વિચાર્યું કે રાત એમને ત્યાં રહી બીજે દિવસે સવારે અમદાવાદ પહોંચી જઈશ.
નડિયાદ સ્ટેશને ઊતરી સંબંધીને ઘરે ગયા ત્યારે તેઓ ઘેર ન હતા, જરૂરી કામે આણંદ ગયા હતા. સાંજે તો ઘેર પાછા આવી જવાના હતા. બપોરનું ભોજન તો ત્યાં લીધું પણ હવે સાંજ સુધી કરવું શું?
જમ્યા પછી પેપર લઈ વાંચવા બેઠા, ત્યાં એમની નજર એક સમાચાર પર પડી. નડિયાદમાં જાણીતા સંતશ્રી મોરારિબાપુની રામકથા ચાલતી હતી. કથાનું સ્થળ નજીક જ હતું. રાવજીભાઈએ વિચાર કર્યો કે ચાલો કથામાં જાઉં. લોકો મોરારિબાપુના બહુ વખાણ કરે છે. કથા સારી કહે છે તો આજ તક મળી છે, નવરાશ પણ છે તો જાઉં.
ને રાવજીભાઈ કથામાં ગયા. એક તો મોરારિબાપુ જેવા સંતની ઉમદા ચોટદાર વાણી અને રામની કથા. પછી પૂછવું જ શું? રામકથા તો સૌ જાણતા હતા પરંતુ મોરારિબાપુ જે દ્રષ્ટાંતો, સાખી, દુહા, ભજન વગેરે વચ્ચે વચ્ચે મૂકી કથા કરતા હતા, ને તેથી ભક્તિમય વાતાવરણ સર્જાતું. સાંભળનાર શ્રોતા એ પ્રવાહમાં તણાતો. કથામાં તે દિવસે ‘ભરત-મિલાપ’નો પ્રસંગ હોવાથી ભાઈ-ભાઈ વચ્ચેના પ્રેમનો વિષય મુખ્ય રહ્યો. બાપુ રામ અને ભરત વચ્ચેનો પ્રેમ, રામ અને લક્ષ્મણ વચ્ચેનો પ્રેમ સરસ રીતે સમજાવી રહ્યા હતા. તે સાંભળતાં રાવજીભાઈના મનમાં ભાઈ-ભાઈ વચ્ચેના પ્રેમનું ઘમસાણ યુદ્ધ જાગ્યું.
કથામાંથી ઘરે આવ્યા. સતત એ જ વિચારો આવ્યા કર્યા. ભૂખ પણ મરી ગઈ. જમ્યા પછી સૂવા ગયા પણ કેમેય કરી ઊંઘ ના આવે. મનમાં તો રામકથાના જ વિચારો આવ્યા કરે. રામાયણમાં ભાઈઓ એકબીજા પર પ્રેમ ન્યોછાવર કરતા હતા. ત્યાગની ભાવના દર્શાવતા હતા, જ્યારે આજે કલિયુગમાં? શું પોતે મોટા થઈ નાના ભાઈ તરફની ફરજ નિભાવતા હતા ખરા? પોતે તો નાનાભાઈના હકની જમીન મળી નહિ એટલે કોર્ટે ચડ્યા. છેક હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો. એ બાપદાદાના વારસાની જમીન હતી. વરસોથી રાવજીભાઈ વાવતા હતા. નાનો ભણ્યો, ગણ્યો ને નોકરીએ વળગ્યો. પિતાજીના મૃત્યુ બાદ તે જમીન પર મોટાભાઈનો જ કબજો રહ્યો. પરંતુ તેમાં નાનાનો પણ ભાગ હતો. નોકરીએ ચડ્યા પછી નાનાએ એમાં ભાગ માગ્યો, પણ મોટાભાઈના મનમાં રામ નહિ, રાવણ આવીને વસી ગયો હતો. તેથી કહેતા હતા : “બાપાના દવાદારૂમાં, તને ભણવવામાં ને તારા લગનમાં ઘણો ખરચો થયો છે, તેના બદલાઆં આ જમીન હવે મારી. એમાં તારો ભાગ કેવો?”
આ જમીન મુખ્ય રાજમાર્ગ પર આવેલી હતી. તેથી તેના મોં-માગ્યા ભાવ ઊપજતા હતા. આ જમીનમાંથી અડધી મોટાએ અને અડધી નાનાએ લેવી, એવી વાત મરતાં મરતાં બાપાએ સ્વજનોની હાજરીમાં જણાવી હતી. પણ હવે મોટાભાઈ ફરી ગયા હતા. બાકીની જમીન વહેંચવામાં કોઈ મડાગાંઠ પડી ન હતી. પણ આ સોનાની લગડી જેવી જમીનનો કબજો મેળવવા બે સગા ભાઈઓ સામસામે આવી ગયા હતા. મોટાભાઈ એ જતી કરવા ઈચ્છતા ન હતા ને નાનો એમાં ભાગ માગતો હતો.
છેવટે કેસ કોર્ટમાં ગયો. જિલ્લાની કોર્ટમાં મોટાભાઈ હારી ગયા. તેથી તેઓ હાઈકોર્ટમાં ગયા. તેમની આંખે સ્વાર્થનાં પડળ બાઝી ગયાં હતાં, તેથી સત્ય દેખાતું ન હતું. તેમણે ઊંચી ફી આપી સારામાં સારો વકીલ રોક્યો હતો. નાનો પણ હવે તો વટ પર આવી ગયો હતો. તેણેય બાહોશ વકીલ રોક્યો હતો. બંને ભાઈ લોકો આગળ કહેતા – ‘બાકીની જમીન ફટકારી મારવી પડે તો ભલે, પણ આ જમીન તો ઠેઠ દિલ્લી સુધી લડીને પણ લઈશ.’
આમ કેસ ગૂંચવાઈ ગયો હતો. આવતીકાલે ફરી મુદત પડી હતી. મોટાભાઈ કોર્ટમાં હાજરી આપવા નીકળ્યા હતા. નડિયાદ રોકાયા હતા પરંતુ આજની રાત વેરણ બની હતી. છેવટે મોડી રાતે મોટાભાઈએ કશોક શુભ સંકલ્પ કર્યો ને પછી નિરાંતે ઊંઘ આવી.
બીજે દિવસે અમદાવાદ હાઈકોર્ટમાં પહોંચી નાનાની રાહ જોતા બેઠા. કદી નહિ ને આજ પહેલી વાર તેઓ નાનાની કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા હતા. કોર્ટનો સમય થવા છતાં હજી નાનાનાં દર્શન ન થયાં. મોટાભાઈને ચિંતા થઈ. શું થયું હશે? આજ નાનો નહિ આવે…?
ત્યાં દૂરથી નાનાને આવતો જોયો. મોટાભાઈ ઊઠીને સામે ગયા ને નજીક આવતાં બોલ્યા, ‘ગોવિંદ, કેમ છે ભાઈ?’
મોટાભાઈએ કદી નહિ ને આજે એને માનથી બ્બોલાવ્યો એ વાતે નાનાને આશ્ચર્ય થયું. તે મોટાભાઈ સામે જોઈ રહ્યો. ‘ગોવિંદ, આવ ભાઈ, મારે તને પેટ છૂટી વાત કરવી છે.’
ગોવિંદ મોટાભાઈને અનુસર્યો. બંને એક ખૂણે બેઠા. ‘ગોવિંદ સાંભળ, જા, એ સાત વીઘાંનું આખું ખેતર તને આપ્યું. મારે એમાંથી ચાસેય ના જોઈએ.’
આટલું બોલતાં બોલતાં તો મોટાભાઈ ગળગળા થઈ ગયા. નાનો તો નવાઈ પામ્યો. આ શું? કોણ મોટાભાઈ બોલે છે? શું આજ એમણે નશોબશો તો નથી કર્યો ને? નાનાએ ધારી ધારીને મોટાભાઈના ચહેરા સામે જોયું. ના, એવું કંઈ ન હતું. મોટાભાઈ સાચે જ રડી રહ્યા હતા. આ એ જ મોટાભાઈ હતા કે જે ગામમાં લાકડી લઈ પોતાને મારવા પાછળ પડ્યા હતા? આ એ જ મોટાભાઈ હતા કે જે મને સોયની અણી જેટલીય જમીન ન આપવાની પ્રતિજ્ઞા લઈ બેઠા હતા? ને આજે?
મોટાભાઈ આગળ બોલ્યા, ‘ભાઈ, બાપના અવસાન પછી તો બાપની જગ્યાએ હું ગણાઉં. તો મારે તારી સારસંભાળ લેવાની હોય. એની જગ્યાએ હું તારો જીવ લેવા ઊભો થયો! ગઈ ગૂજરી ભૂલી જા ભૈ, ને મને માફ કરી દે.’ આમ કહી એમણે હાથ પણ જોડ્યા.
આ જોઈ ગોવિંદ પણ ગળગળો થઈ ગયો. આખરે તો બેઉ એક જ બાપના દીકરાઓ હતા ને? આજે એને મોટાભાઈમાં સ્વર્ગવાસી બાપનાં દર્શન થયાં. નાનાના હૈયામાં પણ રામ જાગી ગયા. તેણે પણ મનોમન વિચાર કર્યો. જમીન માટે અમે બેઉ માજણ્યા ભાઈઓ કોર્ટે ચડ્યા? જો મોટાભાઈ જમીન માટે ત્યાગ કરતા હોય તો મારેય એ લઈને શું કામ છે? મને એમણે ભણાવ્યો, ગણાવ્યો ને નોકરીએ વળગાડ્યો. મારા પર ભાભીનાય ચારે હાથ હતા. મને કદી ઓશિયાળો ન થવા દીધો. એમણે જો બાપાના મૃત્યુ બાદ મારી કાળજી ના લીધી હોત તો આજ હું આવી સરસ નોકરી ન મેળવી શક્યો હોત. તો પછી હું જમીનનો ભાગ ના લઉં તો એમાં કંઈ કોઈના પર ઉપકાર નથી કરતો. મનેય કોરટે ચડવાની કુમતિ ક્યાંથી સૂઝી?
ને નાનો બોલ્યો, ‘મોટાભાઈ, એ જમીન મારે પણ ના જોઈએ. તમે રાખો. તમે મારા માટે ઘણું કર્યું છે.’
‘નહીં ગોવિંદ, મારા માટે એ જમીને હવે હરામ છે. તને આપી !’
‘મારું મારું’ કરનાર બંને ભાઈઓ આજ ‘તારું-તારું’ કહી રહ્યા હતા.
પછી તો કોર્ટમાં વકીલોને કેસ માંડવાળ કરવાની સૂચના આપી બંને ભાઈઓ સાથે જ ઘેર આવ્યા. ગામની મોટરમાં બંને સાથે જ ઊતર્યા અને વાતો કરતા કરતા ઘેર ગયા. આ દ્રશ્ય જોઈ ગામના સૌ કોઈ મોંમાં આંગળાં નાખી ગયા.
આ ઝઘડા પછી તો ઘરવાળીઓય હેરાન તો હતી જ. ઉપરથી બેય જણ પતિઓને સલાહ આપતી હતી : મૂઈ એ જમીન…. ભૈને આપી દોને? એય ક્યાં પારકા છે? પણ આમ કોરટના ધરમધક્કા તો બચે? ને પૈસાનું પાણી કરી, કોઈની હાય લઈ લીધેલી જમીન કાંય સુખ નૈ આપે.
જ્યારે ઘરનાં સૌએ સમાધાનની વાત સાંભળી ત્યારે ખૂબ રાજી થયાં. પણ ખરી સમસ્યા હવે ઊભી થઈ. એ જમીન લે કોણ? હવે બેયમાંથી એકેય એ જમીન લેવા તૈયાર ન હતું. કડવો ઝઘડો મીઠાશમાં પરિણમ્યો હતો. ગામનાં સૌ બેઉના વખાણ કરતાં થાકતાં ન હતાં.
છેવટે પંચ બેસાડવું પડ્યું. પંચે તો બંનેને અડધી અડધી જમીન રાખી લેવા સમજાવ્યા. પણ બંનેમાંથી કોઈ તૈયાર ન થયું. મોટા કહે, ‘એ જમીન નાનાને આપી દો.’ ને નાનો મોટાને આપવાની વાત કરતો હતો.
છેવટે સરપંચ બોલ્યા, ‘મારું માનો તો એક વાત કહું?’
બંને ભાઈએ સંમતિ દર્શાવી એટલે સરપંચ કહે, ‘જુઓ, આપણા ગામમાં હાઈસ્કૂલ નથી. તેથી ગામનાં છોકરાઓને દૂર ભણવા જવું પડે છે. આ જમીન ગામને દાન કરી દો તો ત્યાં એક હાઈસ્કૂલ ઊભી કરીએ.’
બંને ભાઈઓએ આ વિચાર વધાવી લીધો. ત્યાં એ જ સભામાં એક જાહેર ટ્રસ્ટની રચના કરવામાં આવી. બંને ભાઈઓ પરાણે ટ્રસ્ટમાં જોડાવા રાજી થયા. એ જમીનમાંથી ત્રણેક વીઘા જમીન હાઈસ્કૂલ માટે રાખી, બાકીની વેચી દીધી. એ જમીન સારે ભાવે ગઈ. વળી, ગામમાંથી અન્ય ફંડફાળો પણ મળ્યો.
બીજે વરસે તો ત્યાં હાઈસ્કૂલ પણ શરૂ થઈ ગઈ.
આજે ત્યાં ઘણાં વિદ્યાર્થીઓ હોંશે-હોંશે ભણે છે. તે જોઈ બંને ભાઈઓની આંખો હરખી ઊઠી. ક્યારેક મનમાં એમને એવું થાય કે જો કોર્ટમાં કેસ જીતી ગયા હોત તો તે જમીનના માલિક બન્યા હોત તો આટલા સુખની પળ મળી હોત ખરી?
(સત્યઘટના પર આધારિત)
*
સંપર્ક :
એચ-૫૦૩, નિશાન રેસિડન્સી, આનંદ પાર્ટી પ્લોટ રોડ, ન્યૂ રાણીપ, અમદાવાદ – ૩૮૨૪૭૦
7 thoughts on “કડવાશ બની મીઠાશ – નટવર પટેલ”
સરસ વાત …
જીવનમાં ક્યારેક મેળવવા કરતા ગુમાવવું વધુ સુખ આપતું હોય છે.
સરસ વાર્તા.
લાખ્ખો લોકો રામ કથા સાંભળતા હશે. જો રામ કથાનો સંદેશ જીવનમાં ન આવે તો સાંભળવાનો અર્થ શો? બીજા લોકો પણ આ રીતે બોધપાઠને જીવનમાં ઉતારશે તેવી આશા રાખીએ. સુંદર મઝાની વાર્તા બદલ નટવરને અભિનંદન.
પૂ. મોરારીબાપુની કથામાં સાંભળવા મળતું આ કથાનક ખૂબજ સુંદર રીતે રજુ થયેલ છે. મઝાની રજુઆત બદલ શ્ની નટવરભાઈ પટેલને હાર્અદિક ભિનંદન…
સુંદર સ્વચ્છ જીવનને પણ ઉજાગર કરે એવી સત્ય ઘટના.
નટવરભાઈ,
હૃદયસ્પર્શી વાર્તા આપી.
સંત સમાગમ અને સંતકથાનું શ્રવણ કેવાં ઉત્તમ પરિણામો લાવે છે તે દર્શાવતી આપની વાર્તા ઉત્તમ રહી.
મજામાં હશો. હું મેલ્બર્ન {ઓસ્ટ્રેલિયા} છું.
કાલિદાસ વ.પટેલ {વાગોસણા}