પ્રશ્ન : જ્ઞાન અને સમજનું મૂળ – પ્રો. મનસુખ ટી. સાવલિયા

(શિક્ષણમાં પ્રશ્નનું જ્ઞાન મેળવવા શું મહત્વ છે? તેના પર ભાર મૂકી આપણી ગુરુકુળ પદ્ધતિમાં એનો કેવો ઉપયોગ થતો, તેમજ આધુનિક શિક્ષણમાં આ વાતને અવગણતા જે પ્રશ્ન ઊભા થયાં છે તેની વાત પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. તેમનો આ લેખ ‘વિશ્વકર્મા સરકારી ઈજનેરી કોલેજ’ના જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭ અંકમાં પ્રસિદ્ધ થયો હતો. આપ તેમનો ૯૮૨૫૯૫૬૨૫૪ અથવા mtsavaliya@yahoo.com પર સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.)

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पुर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

આ ઉપનિષદ શ્લોક છે. ઉપનિષદનો અર્થ ‘ગુરુની નિશ્રામાં જ્ઞાનની જિજ્ઞાસાથી બેસવું’. આમ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ જ્ઞાન એવા આપણાં ઉપનિષદો ગુરુ અને શિષ્ય વચ્ચે થયેલ સંવાદો છે. ઉપનિષદકાળમાં જ્ઞાનસત્રની શરૂઆત હંમેશા ઉપરોક્ત શ્લોકથી થતી. આ શ્લોકનો સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે છે – ‘તે (બાહ્ય – ભૌતિક) જગત પૂર્ણ છે, આ (આંતરિક – અધ્યાત્મિક) જગત પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણ જન્મે છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેતા શેષ વધે તે પણ પૂર્ણ જ છે.’ આ શ્લોક વિષે આખું પુસ્તક લખી શકાય. શ્લોકનો અંતિમ ભાગ ‘ॐ शान्तिः शान्तिः शान्तिः’ છે, જે આપણે બીજા શ્લોકો તેમજ પ્રાર્થનાને અંતે વર્ષોથી બોલીએ છીએ, પણ કયારેય મનમાં એવો પ્રશ્ન થાય છે કે ‘ॐ शान्तिः’ નું ઉચ્ચારણ ત્રણ વાર કેમ?

ત્રણ ઉચ્ચારણ એટલા માટે છે કે તેમાં આપણે ત્રણ શક્તિઓને પ્રાર્થના કરીએ છીએ કે અમારું આ જ્ઞાનસત્ર વિના વિઘ્ને પૂર્ણ થાય. પ્રથમ બાહ્ય શક્તિ જે આપણા વશમાં નથી તેને શાંત કરવા – જેમકે કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ, દ્વિતીય બાહ્ય શક્તિ જે આપણા વશમાં છે તેને શાંત કરવા – જેમકે બહાર થતાં ઘોંઘાટ અને તૃતીય આપણી આંતરિક શક્તિ – આપણી મનોસ્થિતિ – ને શાંત કરવા. પૂર્ણ શ્રદ્ધાથી થતી આ પ્રાર્થના ત્રણેય શક્તિઓને શાંત કરી ઉત્તમ જ્ઞાનસત્ર (પ્રશ્ન- ઉત્તર કે સત્સંગ) દ્વારા આપણને ઉપનિષદ જેવું સર્વોતમ જ્ઞાન ઉપલબ્ધ કરાવે છે – વેદોથી લઈ ઉપનિષદ, પુરાણો આનાં દ્રષ્ટાંતો છે. આપણાં મુખ્ય દસ ઉપનિષદોમાં એક ઉપનિષદનું નામ તો પ્રશ્નોપનિષદ છે, જેમાં પીપલાદ ઋષિ એમનાં છ શિષ્યો દ્વારા વારાફરતી પુછાયેલા પ્રશ્નો દ્વારા દરેક શિષ્યને બ્રહ્મજ્ઞાન સમજાવી તેઓને શિક્ષિત કરે છે.

મૂળ વાત પર આવીએ તો પ્રશ્ન એ વિદ્યાર્થી દ્વારા ગુરુ સ્વરૂપ જ્ઞાનગંગામાંથી ઉત્તમ જ્ઞાન પામવાનું માધ્યમ છે. કોઈ વિષય કે વસ્તુ બાબતે વિદ્યાર્થી પ્રશ્નો કરીને જ સ્વયં કે શિક્ષક પાસેથી ઉત્તરો મેળવી જે-તે વિષય કે વસ્તુને તમામ દ્રષ્ટિકોણથી મુલવી સારા-નરસાનો ભેદ પારખવાની કેળવણી મેળવી શકે છે. વર્ગખંડ તો વિદ્યાર્થીઓમાં જીજ્ઞાસાવૃત્તિ ઊભી કરવાનું આધુનિક મંદિર છે. જિજ્ઞાસુ વ્યક્તિ દુનિયાની બાહ્ય કે આંતરિક બાબતો અંગે હંમેશા પ્રશ્નો કરી સ્વયં કે અન્ય દ્વારા ઉત્તર મેળવી દરેક વિષય કે વસ્તુ અંગે પોતાનો સાચો મત ઊભો કરી જ લેશે. જો વિદ્યાર્થી એકવાર આ રસ્તે દોરાયો તો સ્વયં જ એટલો પ્રતિભાશાળી થશે કે એ દુનિયાને દોરવણી આપી શકશે. દુર્ભાગ્યે આપણી આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં ગોખણપટી અને તે દ્વારા મળતાં વધારે માર્કસનો મહિમા એટલો મોટો છે કે પ્રશ્ન અને એ દ્વારા થતા સવાંદોનું સ્થાન જ ના રહ્યું. વિદ્યાર્થી મોટેભાગે મૂક પ્રેક્ષક જ બની રહે એવી વ્યવસ્થા ઊભી થઇ ગઈ અને એટલે જ આધુનિક શિક્ષણ વ્યવસ્થા પોતાના પગ પર ઊભા રહી શકે એવા વિરલાઓ નીપજાવવાને બદલે બેકાર ડિગ્રીધારીઓ પેદા કરવાના કારખાનાં બની ગઈ. આપણે આ વ્યવસ્થાને બદલી વર્ગખંડમાં સંવાદીત વાતાવરણ ઊભું કરી વિદ્યાર્થીની જીજ્ઞાસાવૃત્તિ ખીલવી, સાચા પ્રશ્નો કરતો કરી તેને સ્વયંનો વિધાતા બનાવવો પડશે.

સાચા પ્રશ્નો પૂછવા અઘરા હોવા છતાં વિદ્યાર્થીઓમાં એ કેળવવાની જવાબદારી શિક્ષક પક્ષે નિભાવવી પડશે અને એક વાર આવું વાતાવરણ ઊભું થયા બાદ જ્ઞાન અને સમજ તો સહજતાથી આવશે જ સાથે-સાથે દુનિયાને ઉત્તમ મનુષ્યો કે નાગરિકોની ખેંચ નહી પડે. સાચા પ્રશ્ન પૂછવાની કળા વિદ્યાર્થીઓમાં ધારદાર વિચારશક્તિ, આત્મવિશ્વાસ, સારા સંબંધો, વિશ્વાસ, સ્મૃતિ, પ્રત્યાયન શક્તિ, શ્રવણકૌશલ (listening), જીવંતતા, ઉત્પાદકતા, અસરકારકતા, શોધખોળ વગેરે જેવાં સદગુણોને ખીલવશે જે તેને આત્મનિર્ભર બનાવી જગતને ઉપયોગી બનાવશે. રજનીશજીના ‘મેં સિખાને નહીં, જગાને આયા હૂં’ સંદેશાને આપણે આત્મસાત કરવો રહ્યો.

– પ્રો. મનસુખ ટી. સાવલિયા

Leave a Reply to Divyesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પ્રશ્ન : જ્ઞાન અને સમજનું મૂળ – પ્રો. મનસુખ ટી. સાવલિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.