વ્હાલ કીધું ન્હોતું ને તોયે… હરિવર… હરિ ગયો..- પરીક્ષિત જોશી

(શ્રી નિરંજન ભગતે આપણી વચ્ચેથી વિદાય લીધી ને જાણે કે એક આખેઆખો યુગ વિદાય પામ્યો. તેમને શ્રદ્ધાંજલિ આપતો પરીક્ષિતભાઈ જોશીનો આ લેખ ‘અભિયાન’ના ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૮ના અંકમાંથી લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પાઠવવા બદલ પરીક્ષિતભાઈ તથા પરવાનગી આપવા બદલ ‘અભિયાન’નો ખૂબ ખૂબ આભાર. આ શ્રદ્ધાસુમન થકી આપણે ભગતસાહેબને સ્મરીએ. ૐ શાંતિ… શાંતિ… શાંતિ…)

‘ભગતસાહેબ’. ભાષાકીય દૃષ્ટિએ વ્યક્તિની અટક સાથે સાહેબ લાગે તો જરા જુદું રહે, પણ પ્રા. નિરંજન ભગતની અટક સાથે સાહેબ માનપૂર્વક એવી રીતે વણાઈ ગયેલું છે કે વ્યાકરણનો નિયમ છોડીને પણ આપણે આ રીતે લખી જ શકીએ, ‘ભગતસાહેબ.’ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સુન્દરમ્‌-ઉમાશંકરના યુગ પછી જે અગ્રણી કવિઓના નામે આખો યુગ ઓળખાયો એ બે કવિઓ રાજેન્દ્ર-નિરંજન.

ભગતસાહેબનું શિક્ષણ અમદાવાદની મ્યુનિસિપલ શાળા, દીવાન બલ્લુભાઇ અને નવચેતનમાં થયેલું. એ દરમિયાન શાળામાં ફ્રેન્ચ અને બંગાળીનો અભ્યાસ કરેલો. છઠ્ઠા ધોરણમાં એમણે ‘ગરીબાઇ’ વિષયનો નિબંધ છંદમાં લખ્યો હતો. પછી એલ.ડી. અને એલ્ફિન્સ્ટનમાં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.થયાં. પ્રા. સંતપ્રસાદ ર. ભટ્ટ (એસ.આર.) જેવા ગુરુના પ્રતાપે અને પછી ભગતસાહેબ પણ ‘ગુરુઓના ગુરુ’ બની રહ્યાં, આજીવન. ૧૯૪૨માં સ્વાતંત્ર્યની લડતમાં અભ્યાસ છોડી ઝંપલાવ્યું. પણ કુટુંબની જવાબદારી એમની ઉપર હોવાથી ૧૯૫૦થી નોકરી શરૂ કરી. અમદાવાદની વિવિધ કોલેજીઝમાં અંગ્રેજીના અધ્યાપક અને અંતે સેન્ટ ઝેવિયર્સમાંથી વિભાગ અધ્યક્ષ તરીકે ૧૯૮૬માં નિવૃત્ત થયાં. આ સાથે ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક પણ રહ્યાં. તો ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું અને એ પછી ૧૯૭૮-૭૯માં ‘ત્રૈમાસિક’ સાહિત્યનું સંપાદન કર્યું. ૧૯૯૭માં વડોદરા ખાતે એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે બે વર્ષની જવાબદારી સ્વીકારેલી.

આરંભમાં કાન્તનો ‘પૂર્વાલાપ’ અને પછી બ.ક.ઠાકોરનો ‘ભણકાર’ એમના સર્જનઘડતરનું ભાથું બની રહ્યાં છે. એમાં પાશ્ચાત્ય કવિતાના સંપર્ક અને નગરજીવનના અનુભવે એમની સર્જનયાત્રાને નવા પરિમાણ અને પરિણામ બક્ષ્યાં છે. ૧૯૪૧માં રવીન્દ્રનાથના અવસાન પછી અંગ્રેજી ગીતાંજલિની અસરતળે વર્ષમાં ૧૦૦ અંગ્રેજી કાવ્યો લખેલા પણ તરત સમજાયું કે પરભાષામાં બીજું બધું લખી શકાય પણ કવિતા તો નહીં જ, એટલે ગુજરાતી તરફ વળ્યાં. કુલ ચાલીસેક પુસ્તકો આપનારા ભગતસાહેબનું સર્જન પ્રમાણમાં ઓછું છે પણ લાંબો વખત ટકે એવું છે. આમ તો એમનું મોટાભાગનું સર્જન ૧૯૪૨થી ૧૯૫૮ વચ્ચે થયું છે. એ પછીના પાંચ દાયકા એમણે બહોળા પ્રમાણમાં કવિતા વિશે વ્યાખ્યાન અને પ્રવચનો કર્યા છે. કાવ્યકૃતિઓ તો પ્રમાણમાં ઘણી ઓછી લખાઇ છે. છતાં પાંચ દાયકા પહેલાં કવિએ લખેલો શબ્દ હજુય એવો પ્રેમસ્નેહાદર પામી રહ્યો છે.

ભગતસાહેબની રચનાઓમાં ગાંધીયુગ પછી સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનારા કવિ કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બ.ક.ઠા.ની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતી આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયનો પહેલવહેલો ઉઘાડ એમની કવિતામાં થયો. ભગતસાહેબે ‘હરિવર મુજને હરિ ગયો’, ‘ઘડીક સંગ’, ‘આષાઢ આયો’ જેવા રમણીય ગીતો, ‘કરોળિયો’ અને ‘મોર’ જેવા સોનેટ અને ‘પારેવાં’ જેવા ઊર્મિકાવ્ય પણ આપ્યાં છે.

૧૯૪૨માં એમની સર્જનપ્રવૃત્તિનો પ્રારંભ થયો અને ૧૯૪૯માં પહેલો કાવ્યસંગ્રહ આવ્યો, ‘છંદોલય’. એ નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો અને માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે, જેને એ જ વર્ષે ‘કુમારચન્દ્રક’ પ્રાપ્ત થયો. છંદોલયની મુખ્ય અનુભૂતિ પ્રણયની છે. મુગ્ધ પ્રણયનો આનંદ-ઉલ્લાસ સાથે વિષાદ પણ છલકે છે.

૧૯૫૦માં કિન્નરી ગીતસંગ્રહ પ્રકાશિત થયો. ‘રે આજ અષાઢ આયો’ અને ‘હરિવર મુજને હરિ ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓને સ્થાયી ભાષા-ક્લેવરોથી પ્રગટ કરે છે. એ પછી ૧૯૫૪માં આવ્યો, ‘અલ્પવિરામ’. મુંબઇના સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ. ‘શ્વેત શ્વેત’ અને ‘દિન થાય અસ્ત’ જેવા અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચઢે છે. સંસ્કૃત છંદોમાં શિખરિણી, વસંતતિલકા અને મંદાક્રાન્તા પ્રત્યે કવિને વિશેષ પક્ષપાત છે. આખા છંદોલયમાં પૃથ્વી છંદમાં માત્ર એક જ કાવ્ય છે. જ્યારે અલ્પવિરામમાં કુલ ૧૧. એમના બે સોનેટ કરોળિયો અને મોરમાં પૃથ્વી છંદસિદ્ધિ દુરારાધ્ય બ.ક.ઠા.ને પણ પ્રફુલ્લિત કરે એવી છે.

અગાઉના ત્રણેય કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલાં તથા મુંબઇ મહાનગરમાં વસવાટ અને અનુભવે લખાયેલાં નગરસંસ્કૃતિની આધુનિક કવિતાના ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો સહિતનો છંદોલય પ્રકાશિત થયો. નર્મદ સાહિત્ય સભાએ એને ‘નર્મદ ચન્દ્રક’થી સન્માન્યો. પ્રવાલદ્વીપ કાવ્યજૂથ કવિના મુંબઇ મહાનગર વસવાટના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે.

આધુનિક અરણ્ય સમી મુંબઈ નગરીના નિમિત્તે મનુષ્યની વેદના અને કરુણતાને, સંવેદના અને કરુણા સાથે કવિએ મૂકી આપી છે. નગરસંસ્કૃતિના પ્રત્યક્ષ અનુભવ સાથે એલિયટ, બોદલેર અને રિલ્કેની કવિતાનો ઘનિષ્ઠ પરિચય કવિને ઘણો ઉપકારક નિવડ્યો છે. પાત્રો કવિતામાં કવિ, આંધળો, ફેરિયો, પતિયો, ભિખારી, વેશ્યા જેવાં પાત્રોની એકોક્તિઓમાં નગરજીવનની કરુણતા, વ્યંગ્ય, કટાક્ષ, વક્રોક્તિ, બોલચાલ વગેરેથી પ્રવાહી રીતે પ્રગટી છે. પાત્રો એ પ્રવાલદ્વીપનું જ નહીં, ગુજરાતી ભાષાનું એક વિશિષ્ટ કાવ્ય બન્યું છે.પ્રવાલદ્વીપમાં કવિએ અનુષ્ટુપ પહેલીવાર અને ગુલબંકી વિપુલતા સાથે પ્રયોજ્યો છે. પ્રવાલદ્વીપની એમની કવિતાનું કીર્તિકળશ છે ‘ગાયત્રી’ રચના. વૈદિક પરંપરાના આર્ષ છંદ અનુષ્ટુપની નવી જ ઈબારતના દર્શન થાય છે. અનુષ્ટુપ છંદમાં લખાયેલુ આ કાવ્ય પણ ગુજરાતી કવિતાનું એક ઘરેણું છે. ૧૦૦ અનુષ્ટુપમાં વહેંચાયેલું ગાયત્રી, ત્રણ ખંડનું છે : પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયં. કાવ્યારંભે પંક્તિ છે-

મુખે છે મૃત્યુનો લેપ, ગીતનો સૂરમો દૃગે.

એ પછી લખાયેલાં થોડાં કાવ્યો સહિત એમની સમગ્ર કવિતા ‘છંદોલય બૃહત્’‌ની ૧૯૭૪માં પહેલી અને ૧૯૭૭માં બીજી આવૃત્તિ થઇ. સમગ્ર સર્જન માટે ૧૯૬૯માં પ્રતિષ્ઠિત ‘રણજિતરામ સુવર્ણચન્દ્રક’ એમને એનાયત થયો. ૧૯૯૪માં સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે સન્માન્યા.

ભગતસાહેબ કવિ હોવા ઉપરાંત તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. ૧૯૫૩થી શરૂ થયેલું સ્વાધ્યાયલોક ગુજરાતી, અંગ્રેજી, યુરોપીય અને અમેરિકન કવિતાઓ સુધી વિસ્તર્યું છે. ૧૯૯૭માં આ તમામ લેખો સાગમટે ‘સ્વાધ્યાયલોક’ ગ્રંથ ૧થી ૮ તરીકે પ્રકાશિત થયાં. ઘરે-બાહિરે-વિશ્વનીડે ચર્ચાતા રહેતાં વિષયોથી માંડીને વ્યક્તિઓ, સવાલોથી માડીને સર્જકો સુધી બધું જ આ ગ્રંથોમાં સંગૃહીત છે. દિલ્હી સાહિત્ય અકાદમીએ એને ૧૯૯૮માં પારિતોષિક દ્વારા પોંખ્યા પણ હતાં.

ભગતસાહેબનું અનુવાદના ક્ષેત્રે પણ બહોળું પ્રદાન છે. બંગાળીમાંથી રવીન્દ્રનાથના કેટલાંક કાવ્યો ઉપરાંત ‘ચિત્રાંગદા’નો અનુવાદ આપ્યો છે. પરિષદમાં રવીન્દ્રભવનના નેજાતળે રવીન્દ્રસાહિત્ય અને રવીન્દ્રસંગીતના કાર્યક્રમો કરતા. જો બંગાળની મમતા સરકાર ટ્રાફિક સિગ્નલ ઉપર રવીન્દ્રસંગીત રેલાવી શક્તી હોય તો ગુજરાત સરકાર કે અમદાવાદ મ્યુનિસિપાલિટી પણ ભગતસાહેબના માનમાં આવું તો કરી શકે તો કેવું રૂડું લાગે.

ભગતસાહેબે નરસિંહના કેટલાંક પદોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. એમણે સ્વતંત્ર તથા અન્યો સાથે કેટલાંક સંપાદનો પણ આપ્યાં છે. ઉમાશંકર, રા.વિ.પાઠક અને બ.ક.ઠા. એમના પ્રિય વિવેચકો. એ પરંપરામાં ભગતસાહેબે પણ કેટલાંક વિવેચનગ્રંથો પણ આપ્યાં છે. જોકે એમાંના મોટાભાગના સંદેશ દૈનિકમાં અઠવાડિક કતારમાં કે પછી સંસ્કૃતિ, બુદ્ધિપ્રકાશ અને પરબ જેવા સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થયા છે.

ભગતસાહેબ પોતે પ્રખર વાચક. મા.જે.ગ્રંથાલયના નિયમિત મુલાકાતી. દેશવિદેશમાંથી એકઠાં કરેલાં અનેકવિધ અપ્રાપ્ય અને અલભ્ય ગ્રંથો આકંઠ વાંચ્યા, માણ્યા પછી પરિષદ સહિતની કેટલીક સંસ્થાઓને ભેટ ધરી દીધા, સાવ નિર્લેપભાવે. નવેમ્બર-૨૦૧૭ની મધ્યસ્થની ચૂંટણીઓ પછી જ્યારે ગ્રંથાલય અને પ્રદર્શનમંત્રી તરીકે આ લખનાર, બિનહરિફ ચૂંટાયો ત્યારે ચી.મં.ગ્રંથાલયની મુલાકાતોની સંખ્યા અને ત્યાં વ્યતીત થતાં કલાકોનો સમય બેય વધ્યા. પોતાના અમૂલ્ય પુસ્તકોનો ખજાનો પરિષદને અને એ નિમિત્તે ચી.મં.ગ્રંથાલયને સોંપી ચૂકેલા ભગતસાહેબ એ પુસ્તકોના જાત-વર્ગીકરણ માટે, રૂપલ મહેતા અને રૂપા શાહ સાથે લગભગ દરરોજ કલાકેક આવતા. ત્યારે એમનો થયેલો એ ઘડીક સંગ, એ ક્ષણો હવે તો એક સંસ્મરણ બની ગઇ.

એમના સ્વરમાં થયેલાં પઠન તથા વ્યાખ્યાનો સહિતનું લગભગ બધું જ સાહિત્ય ભગતસાહેબના વિદ્યાર્થિની અને પરિષદના ટ્રસ્ટી રૂપલબહેનને તૈયાર કરેલી એમની વેબસાઇટ www.niranjanbhagat.in ઉપર સચવાયું છે.

આયુષ્યનું શતક પૂર્ણ કરવાની વાત વારંવાર દોહરાવતા ભગતસાહેબ એમની ચુસ્ત દિનચર્યા અને તંદુરસ્ત જીવનશૈલી જોતાં શક્ય પણ બન્યું હોત, કદાચ. જોકે છેલ્લાં દાયકામાં લખાયેલી મોટાભાગની રચનાઓનો વિષય મૃત્યુ હતો. ૯૦મા જન્મદિને એમણે જે કાવ્યપઠન કરેલું એ કવિતાનો ભાવ પણ એવો જ હતો. જુઓ-
મૃત્યુ, હું જાણું છું તું કેમ આવતું નથી.
તારે આવવાનું તો છે જ પણ તું ફાવતું નથી…
૯૦ વરસ લગી તો તે ધીરજ ધરવી, એક દાયકો બાકી તે શું અધિરાઇ કરવી
આ તો સહજ પૂછું છું, બાકી તને કોઇ તાવતું નથી.
આવવું છે આવ, તને કોઇ રોકટોક નથી.
તું આવીશને તો મને કોઈ હર્ષશોક નથી
મૃત્યુ, હું જાણું છું તું કેમ આવતું નથી…

ભગતસાહેબ જેવા નખશિખ સાહિત્યસેવી, આજીવન અધ્યાપક, ગુરુઓના ગુરુ : ‘નેવર બૉર્ન, નેવર ડાઈડ, ઓન્લી વિઝિટેડ પ્લેનેટ અર્થ બિટ્વિજન ૧૮-૫-૧૯૨૬ : ૧-૨-૨૦૧૮.’ કદાચ એ વાતને એમણે પોતાની કવિતામાં કહી છે, જુઓ –
હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું..

એમની પ્રચલિત પંક્તિઓ –
– હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું…
– કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઇ, આપણો ઘડીક સંગ..
– ચલ મન મુંબઇનગરી, જોવા પુચ્છ વગરની મગરી
– બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો…
– હરિવર મુજને હરિ ગયો, મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો…
– હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષમાં તું આવ, તો ધારું તનેયે એ જ આ આશ્લેષમાં…
– મૃત્યુ, હું જાણું છું તું કેમ આવતું નથી, તારે આવવાનું તો છે જ પણ તું ફાવતું નથી…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “વ્હાલ કીધું ન્હોતું ને તોયે… હરિવર… હરિ ગયો..- પરીક્ષિત જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.