તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડૉક્ટરે નિયત કરી આપી હોય તે કરતા વધારે દવા લેવાથી રોગ ઝડપથી ભાગે, પણ આ માન્યતામાં દમ નથી. ડૉક્ટરો દર્દીને જરુરી દવા જ આપતા હોય છે. ડૉક્ટરની ભલામણ વગર વધારે દવા લેવાથી લાભને બદલે નુકસાનની સંભાવના અનેકગણી વધી જાય છે.
ઘણા દર્દીઓ એક રોગના ઈલાજ માટે એલોપથી, આર્યુર્વેદ અને હોમિયોપથી વગેરેની દવાઓ એકસાથે લેતા હોય છે. આવા દર્દીઓ સવારના પહોરમાં નાસ્તો કરવા બેઠા હોય તેમ જુદાં જુદાં પડીકાં ખોલીને દવાઓ આરોગતા જોવા મળે છે.
આવા પ્રયોગો પણ જે તે ડૉક્ટરને પૂછ્યા વગર કરવા ન જોઈએ. દરેક ‘પથી’ને પોતાની મર્યાદા અને વિશેષતા હોય છે. દર્દીને નુકસાન થાય, આડઅસર થાય એવું ડૉક્ટર ઈચ્છતા ન હોય. પણ ડૉક્ટરની જાણ બહાર પ્રયોગ કરે અને આડઅસર થાય તો જે તે ડૉક્ટર કે જે તે ‘પથી’ને જવાબદાર ન ગણી શકાય.
દવાઓથી ઉપર ઉઠીને એક બાબત લખવી છે, કુદરતે આપણા શરીરમાં લેબોરેટરી સ્થાપી છે, જે રોગ સામે લડે છે. આ શક્તિ – ઉર્જાને ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ કહે છે. ઈમ્યુનિટીનો આધાર તમારી કુદરતી શક્તિ પર હોય છે. આ શક્તિને વિકસાવવામાં આવે તો રોગોની ઓછામાં ઓછી અસર આપણને થાય છે. પરંતુ આપણને રોગ ન આવે તે માટે હોવા જોઈએ એટલા જાગૃત રહેતા નથી. હાર્ટએટેક આવી ગયા બાદ મોટાભાગના દર્દીઓ ચિંતાતુર બની જતા હોય છે. ચિંતા કરવાથી રોગ જવાનો નથી. ઘણાં રોગો એવા છે કે દર્દીનું માનસ ચિંતાભર્યું હોય તો એ રોગ વકરે છે.
મહત્વની બાબત જાણી લો કે શરીર અને મનનું સંતુલન ન સધાય ત્યારે જ રોગ આવે. આ બંનેનું સંતુલન રહે એ માટે પણ કુદરતે આપણા શરીરમાં તંત્ર ગોઠવ્યું છે. પણ આપણે કુદરતથી દૂર થતા ગયા તેમ આ તંત્રોનું કાર્ય ખોરવાતું ગયું છે. આરોગ્ય ક્ષેત્રે નવી સદીની શરૂઆત જુદી રીતે થઈ રહી છે. ધીમે ધીમે દવા સાથે દુઆનો સમય આવવા લાગ્યો છે.
એલોપથીમાં એન્ટિ શબ્દ ખૂબ વપરાય છે. જીવાણુંની વૃદ્ધિ અટકાવવા એન્ટિબાયોટિક્સ હોય છે. ઘણાં વર્ષોના અનુભવ બાદ જાણી શકાયું કે શરીરના તત્વો સંતુલિત રાખવા માટે જરૂરી ખોરાક જ અસંતુલિત રહેવા માંડ્યો હોવાથી શરીરનું તંત્ર ખોરવાઈ રહ્યું છે. ખોરાકનો ઉપયોગ દવા તરીકે થવો જોઈએ.
ઘણી વાર એવું બને છે કે તાવ આવતો હોય ત્યારે બે ત્રણ દિવસ દવા ન લો અને પરેજી રાખો તો તાવ ચાલ્યો જાય છે. આવી બાબતોમાં આપણી કુદરતી શક્તિ કામ કરતી હોય છે. આ વાતનો અર્થ એવો ન કરતા કે દવાની જરૂરત જ નથી. દવાઓ વગર સાજાં નરસાં રહેવું શ્રેષ્ઠ ગણાય, પણ ગંભીર બીમારીઓમાં દવાનો કોઈ વિકલ્પ નથી.
ઘણાં લોકોને રોગ લાગૂ પડ્યો હોય છતાં રોગની ગંભીરતા જાણ્યા વગર દવાથી દૂર રહે છે અને રોગને વધવાની તક આપે છે. ધારો કે શ્વાસ ખૂબ ચડ્યો હોય અને દર્દી એવું માને કે મને કુદરતી રીતે સારું થઈ જશે તો એવું થતું નથી. તબિયત વધારે બગડે છે. સામાન્ય સિવાયની તકલીફોમાં દવા લેવી કે ન લેવી અનો નિર્ણય પણ ડૉક્ટરના અભિપ્રાય મુજબ લેવો જોઈએ. હવે નજીકના ભવિષ્યમાં ડૉક્ટરો પણ બે પ્રિસ્ક્રિપ્શન લખતાં હશે. એકમાં દવા લખેલી હશે અને બીજામાં માત્ર સૂચનાઓ આપી હશે, જેમ કે સવારે વહેલા ઊઠવું, વ્યાયામ – પ્રાણાયામ – ધ્યાન કરવાં, પૌષ્ટિક ખોરાક લેવો, ગુસ્સે ન થવું, વજન વધવા ન દેવું વગેરે.
વધારે દવા લેવાથી ઝડપથી સ્વસ્થ થઈ જવાશે એવી માન્યતા દર્દીઓએ બદલવી પડશે. દવા શરીરમાં જાય ત્યારે તેની અસર – આડઅસર થવા માંડે છે. વધારે દવાઓ શરીરમાં એક સાથે જાય તો દવાઓ એકબીજી સથે ભળતાં દવાની આડ અસર પણ થાય છે. આ વિશે દર્દીની નાસમજના બે એક કિસ્સા જોઈએ.
એક દર્દીને સાત દિવસ માટે એન્ટિબાયોટિક્સ લખી આપી હતી. સાત દિવસમાં દર્દીને સારું થઈ ગયું. આ બાબત તેણે કેવી રીતે મૂલવી? દર્દીને લાગ્યું કે આ દવાથી સારું થઈ ગયું છે, તેથી આ દવા મારે આખું વરસ લેવી! આમ તેણે એન્ટિબાયોટિક્સ દવા કારણ વગર લીધી અને સમસ્યા ઉભી થવાનું કારણ નીપજાવ્યું. એક બીજો કિસ્સો.. એક દર્દીને અમે સિરપ લખી આપેલ, દર્દીને સારું તો થઈ જ ગયું, પણ એ વિરલાને આ સિરપથી મજા આવતી હતી, નશો રહેતો હતો, એથી તે દર્દી દરરોજ બે બોટલ સિરપ ગટગટાવતો. ભારતમાં દવાઓના વેચાણ પર અંકુશ ઓછો છે, જૂના પ્રિસ્ક્રિપ્શન દ્વારા પણ દવાઓ બજારમાંથી મળી રહે છે. એવું પણ જોવા મળે છે કે સામાન્ય દર્દમાં દર્દીઓ પ્રિસ્ક્રિપ્શન વગર પણ દવાઓ બજારમાંથી ખરીદી લે છે. પશ્ચિમના દેશોમાં દર્દી વધારે જાગૃત છે.
પ્રિસ્ક્રિપ્શનમાં દરેક દવા નીચે તે શા માટે અપાઈ છે, તેનું કારણ લખવું પડે છે. દર્દી ઘેર જઈને જુએ કે એક જ રોગ માટે બે ત્રણ દવાઓ લખાઈ છે તો તે તરત ડૉક્ટરનો સંપર્ક કરીને સ્પષ્ટતા કરી લે છે. વિકસિત દેશોમાં રાષ્ટ્રિય આરોગ્ય વિભાગ દ્વારા દરેક દવા સાથે દવાની સંભવિત આડ અસરો અંગે માહિતી આપવામાં આવે છે અને આડ અસર થાય તો કોનો સંપર્ક કરવો તેના ફોન નંબર પણ આપવામાં આવે છે.
આપણે ત્યાં લોકો હવે ધીમે ધીમે જાગૃત થવા લાગ્યાં છે. દર્દીઓના બે ભાગ પડી ગયા છે. દર્દીનો એક વર્ગ વધારે દવા માંગે છે અને બીજો વર્ગ એવો છે કે તે દવા વગર પણ તંદુરસ્ત થવા ઈચ્છે છે. ઘણા દર્દીઓ કહે છે, ‘સાહેબ, મારા રોગમાં હું શું કરું તો મારે દવા લેવી ન પડે?’ આ દ્રષ્ટિકોણ શ્રેષ્ઠ ગણાય, આવો પ્રશ્ન દર્દી પૂછે ત્યારે આનંદ થાય. જીવનશૈલી સુધારવામાં આવે તો મોટાભાગની દવાઓથી છૂટકારો મળે છે. પણ જીવનશૈલી બદલવી સરળ નથી. કેટલીક બાબતો માટે દર્દીએ માનસિક રીતે સક્ષમ બનવું જરૂરી બને છે. વર્ષોના પ્રયત્ન બાદ દવા વગરના ઉપચારમાં વિશ્વાસ ધરાવતો દર્દીઓનો વર્ગ ઉભો થયો છે.
અમેરિકન ડ્રગ એસોસિએશનના એક અહેવાલ મુજબ દવાઓના સંશોધનો માટે ગંજાવર ખર્ચ થાય છે. એક જ ગ્રૂપની ૭૦ થી ૮૦ દવાઓ બજારમાં આવે છે પણ તેમાંથી માત્ર ૫ થી ૭ દવાઓ જ ઉપયોગી બને છે. ૯૦ ટકા જેટલી દવાઓ એવી હોય છે કે તે બજારમાં પૂર્ણરૂપે પહોંચતી નથી અને પહોંચે તો તેની કિંમત પરવડે એવી હોતી નથી. દવાઓના સંશોધનો પાછળ ખૂબ જ ખર્ચ થાય છે, પણ માણસની કુદરતી શક્તિ વિકસાવવા માટે કેમ ખર્ચ થતો નથી? આ પ્રશ્ન મહત્વનો છે. દરેક માણસે પોતાની કુદરતી શક્તિ વિકસાવવા જાગૃત થવું પડશે. હવે ડૉક્ટરો પણ આ તરફ વધ્યા છે.
– ડૉ. કમલ પરીખ
(ઉચ્ચ કક્ષાના તબીબ ડૉ. કમલ પરીખ તન-મનના સાર્વત્રિક આરોગ્યના વક્તા અને લેખક તરીકે સુખ્યાત છે. તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટમાં મેડિસીન વિભાગના નિયામક તરીકે સેવાઓ આપે છે. તેમનો આ લેખ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના ફેબ્રુઆરી ૨૦૧૮ના અંકમાંથી સાભાર લીધો છે.)
One thought on “દવા નાસ્તો નથી – ડૉ. કમલ પરીખ”
દવાઓ બનાવતી કંપનીઓ અને ડોકટરો ના સહયોગ થી વધુ પડતી દવાઓ દર્દીઓ ને ખવડાવવાનું એક સામુહિક ષડયંત્ર ચાલી રહ્યું છે. જે કદાચ આપણને ખબર જ નથી. દવાઓ વેચવી, જરૂર હોય કે ના હોય, તે તેમની જરૂરિયાત છે. સામાન્ય દર્દીને ખબર જ નથી હોતી. આવું આપણા દેશ માં તો ચાલે જ છે, ખબર નથી બહાર શું હાલત છે !!!