ઊર્ધ્વગતિ – હિના મોદી

(‘અખંડ આનંદ’ સામાયિકના ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

વડોદરાની એક પ્રાઈવેટ બેંક્માં મેનેજર તરીકે ફરજ બજાવી રહેલા મિ. હવન દેસાઈનાં લગ્ન વડીલો મારફતે એમના વતન વલસાડમાં પારમિતા દેસાઈ સાથે રંગેચંગે થયાં. હવનના મિત્રો હવન પાસે લગ્નની પાર્ટી માંગી રહ્યાં હતા. એક રવિવારે હવને બધા મિત્રોને પોતાના ઘેર આવવા આમંત્રણ પાઠવ્યું. પારમિતાના હાથનાં ગરમા ગરમ સમોસા અને ચાની લિજ્જ્ત સૌ કોઈ માણી રહ્યા હતા.

હવને સૌ મિત્રોને પત્ની પારમિઅતા સાથે પરિચય કરાવ્યો. પારમિતાને જોઈ મિત્ર અથર્વના મુખ પરથી લાલી ઊડી ગઈ અને જ્યારે હવને કહ્યું, ‘અ બ્યુટીફુલ લેડી, માય વાઈફ પારમિતા ઇઝ એ બી.એસ.સી. હોમસાયન્સ ફ્રોમ વિદ્યાનગર.’ ત્યારે અથર્વ પરસેવે રેબઝેબ થઈ ગયો. એનું મન માનવા તૈયાર જ ન હતું કે ‘આ એ જ છોકરી છે, જેને વિદ્યાનગરમાં આવતાં-જતાં પોતે અનેકવાર જોઈ છે.’ અથર્વ શૂન્યમનસ્ક બની ગયો.

અથર્વ બહાનુ બતાવીને પાર્ટીમાંથી વહેલો નીક્ળી ગયો. એને આખી રાત ઊંઘ પણ ન આવી. બીજે દિવસે માથું ભારે લાગતા એ ઓફિસ પણ ન જઈ શક્યો. વિચારોમાં અર્ધપાગલ થઈ ચૂકેલ અથર્વ નક્કી કરી જ નહોતો શક્તો કે ‘હું જે જાણું છું તે વાત મારે હવનને કહેવી જોઈએ કે નહીં? જો હું જે જાણું છું એ વાત હવનને જણાવીશ તો આ નવદંપતીના જીવનમાં ભૂકંપ પણ આવી શકે. લગ્નવિચ્છેદન પણ થઈ શકે.. એક હસતી-રમતી દુનિયાની નાવ પણ ડૂબી શકે. જો હું નહીં કહું તો મિત્રને અંધકારમાં રાખ્યાનો અફસોસ થશે. મિત્રતા ન નિભાવ્યાનો બોજ હું જીરવી નહિ શકું.’

એક દિવસ વાતવાતમાં અથર્વે ખાતરી કરી લીધી કે તે જે કહેવા જઈ રહ્યો છે એ વાત હવન સમજી શકશે એટલે એણે વાત શરૂ કરી, ‘જો હવન, હું તને જે કંઈ કહેવા જઈ રહ્યો છું એ વાત ભગવાન કરે ખોટી જ પડે, પરંતુ એકવાર હું તને જણાવી દઉં પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે.’ અથર્વે વાત આગળ વધારી – ‘હવન! હું પારમિતાભાભીને નજીકથી ઓળખતો નથી, પરંતુ મેં પણ ગ્રેજ્યુએશન વિદ્યાનગરથી જ કર્યું છે. આથી ત્યાં મેં ભાભીને આવતાં-જતાં અનેકવાર રસ્તામાં જોયા છે.’

હવને તેને વચ્ચેથી અટકાવ્યો અને બોલ્યો, ‘સો વ્હોટ? એક ગામ-શહેરમાં રહેનારાઓ એકબીજાને ફેઈસથી ઓળખતાં જ હોય. એમાં નવી શી વાત છે?’

અથર્વે જોયું, વાત બરાબર આગળ વધી રહી છે. એ એકીશ્વાસે ઝડપથી બોલી ગયો, ‘હવન! મેં પારમિતાભાભીને પ્રેગ્નન્ટ જોયાં છે.’

ક્ષણભર માટે જાણે હવનને બ્રેઈનહેમરેજ જેવો આંચકો લાગ્યો પણ તરત જ એણે પોતાની જાતને સંભાળી લીધી. મનોમન એ વિચારવા લાગ્યો, ‘પારમિતા આમ તો સમજુ, સુશીલ, સંસ્કારી છે. એની ઉપર શંકા કરી શકાય એવું વર્તન મારી નજરે ચડ્યું નથી. વાતના મૂળમાં પહોંચ્યા પહેલા એના પર ચારિતત્ર્યહીનતાનો આરોપ મૂકવો યોગ્ય નથી.’ એ પોતે પોતાને જ કહેવા માંડ્યો, ‘અરે એય હવન! આમ તો એટલે શું? વ્હોટ ડુ યુ મીન??’ હવનને સપ્તપદીનાં વચનો યાદ આવ્યાં. ‘હું પારમિતા સાથે મન, કર્મ, વચનથી બંધાયો છું” દામ્પત્યને આમ એરણે ન ચઢાવાય. ખૂબ ઊંડા મનોમંથન પછી હવન નતીજા પર પહોંચ્યો કે લગ્ન પછી પારમિતા સંપૂર્ણ ડેડિકેશનથી જીવે છે તો નાહકના શું કામ આ અટપટીમાં પડવું જોઈએ.’

પૂરા હ્રદય અને મનથી સ્વસ્થ થઈ હવને અથર્વને કહ્યું, ‘એવું કશું જ નહીં હોય અને જો એવું કંઈ હોય તો પણ મારે એના ભૂતકાળ સાથે શી નિસ્બત? પારમિતા સાથે મારે વર્તમાન અને ભવિષ્ય જીવવાનાં છે. આથી મારે આવી કોઈ બાબતને મહત્વ આપવું નથી અને એ સમજદારી પણ નથી.’

થોડા સમય પછી હવન બોલ્યો, ‘જો આ વાત સાચી હોય તો જન્મ લેનાર બાળકનું શું થયું હશે? નિર્દોષ બાળકે શા માટે જીવનભર સજા ભોગવવી જોઈએ?’ હવનની વાતથી અથર્વ અવાક રહી ગયો. હવને અથર્વને કહ્યું, ‘અથર્વ! તું વિદ્યાનગરથી પરિચિત છે તો તું મારી સાથે વિદ્યાનગર આવીશ? આપણે એ નિર્દોષ બાળકની ભાળ કાઢીશું. હું એ બાળકને સ્વમાનભેર જિંદગી આપવા માંગુ છું.’

શનિ-રવિની રજાનો લાભ લઈ બંને મિત્રો વિદ્યાનગર પહોંચ્યા. હવને તકિયા પર ચોંટેલો પારમિતાનો વાળ પોતાની સાથે લઈ લીધો. હોમસાયન્સ કોલેજની હોસ્ટેલ પહોંચ્યા. રેક્ટર મેડમને મળ્યા. એમણે કહ્યું, ‘હા, પારમિતા પ્રેગ્નન્ટ હતી પરંતુ એ ખૂબ ડાહી-સમજુ છોકરી હતી. એના જેવી વિવેકી છોકરી મેં મારી બાવીસ વર્ષની કેરિયરમાં ક્યારે જોઈ નથી. આથી એના ઉપર મને ક્યારેય શંકા થઈ નથી. એણે મને જાણ કરી હતી. વેકેશનમાં ઘેર ગઈ હતી ત્યારે એનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. એથી વિશેષ મારી પાસે કોઈ માહિતી નથી.’

વધુ તપાસ કરતાં માલુમ પડ્યું કે પારમિતાને લાયબ્રેરીના પટાવાળા સાથે સારી ફાવટ હતી. હવન અને અથર્વ લાયબ્રેરીના પટાવાળા મોહનકાકાને મળ્યા. મહાપ્રયત્ને મોહનકાકાએ મોં ખોલ્યું..

‘હા, દીકરી પારમિતાને હું જાણું છું. ખૂબ જ ડાહી અને મહેનતુ છોકરી હતી. તે દિવસે રાતે નવ વાગ્યા હશે. લાયબ્રેરીમાંથી લગભગ બધા જ વિદ્યાર્થીઓ નીકળી ગયા હશે. ફક્ત પારમિતા અને એન્જિનિયરિંગનો એક વિદ્યાર્થી પોતપોતાનું વાંચવામાં ગળાડૂબ હતાં. દરેક ફેકલ્ટીમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી. હોસ્ટેલમાં પારમિતાના નામે તાર આવ્યો. હોસ્ટેલનાં રેક્ટર મેડમે પટાવાળાને લાયબ્રેરી તરફ દોડાવ્યો. તાર વાંચવાની સાથે પારમિતા ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. મેં એને રડવાનું કારણ પૂછ્યું. એ કશું બોલે નહીં, બસ રડ્યે જ જાય. મેં સામેના ટેબલ પર બેઠેલા વિદ્યાર્થીને મદદ માટે બોલાવ્યો. એ વિદ્યાર્થીએ તાર વાંચ્યો અને મને કહ્યું, ‘એમના મમ્મી દેવલોક પામ્યાં છે.’ પારમિતાને મહામહેનતે શાંત પાડી. પારમિતાએ ઘેર જવાની જિદ પકડી. મેં અને પેલા છોકરાએ સમજાવ્યું, ‘કાલે હવે છેલ્લું પેપર બાકી છે. એ પરીક્ષા નહીં આપશો તો નાહકનું વર્ષ બગડી જશે. આથી થોડાં સ્વસ્થ થાઓ. આવતીકાલે બપોરે પરીક્ષા પૂરી થયે તમે નીકળી જજો.’ પારમિતા દીકરી જેમતેમ થોડી સ્વસ્થ થઈ. રાતે દશ વાગી ચૂક્યાં હતા. મેં એ વિદ્યાર્થીને કહ્યું, ‘અખંડ બેટા! જરા આ દીકરીને એની હોસ્ટેલ પર છોડી દેશો? બિચારી ખૂબ અસ્વસ્થ છે. મારે હવે લાયબ્રેરી બંધ કરવી પડશે. ઘણું મોડું થઈ ચૂક્યું છે.’

મોહનકાકાની પછીની વાતનો સાર એ હતો કે એ બંને સાથે નીકળ્યાં. પારમિતા થોડી-થોડી વારે અસ્વસ્થ થઈને રડવા માંડતી. અખંડને કંઈ સમજાતું ન હતું કે પારમિતાને કઈ રીતે સાંત્વના આપવી. ઈમોશનલ અનસ્ટેબલ પારમિતાને અખંડે રૂમ પર ચા પીને સ્વસ્થ થવા જણાવ્યું. આમ, પારમિતાને સહકાર આશ્વાસન આપતાં આપતાં કંઈક ચૂકી જવાયું જેનું ધ્યાન સુધ્ધાં બંનેને ન રહ્યું. બીજા દિવસે પરીક્ષા આપી પારમિતા એના ઘરે ચાલી ગઈ. લગભગ પચ્ચીસ દિવસ પછી પારમિતા એનાં માની ક્રિયા પૂર્ણ કરીને પરત થઈ. એ દિવસોમાં અખંડની પરીક્ષા પૂરી થતાં એ પણ નીકળી ગયો. એનું છેલ્લું વર્ષ હતુ એ પાછો કયારેય ન આવ્યો. ત્રણ-ચાર મહિના પછી પારમિતાને ખ્યાલ આવ્યો કે ‘એ ગર્ભવતી છે.’ અખંડને શોધવા તપાસ આદરી પરંતુ સમાચાર મળ્યા કે એ અમેરિકા પહોંચી ગયો છે. એનો કોન્ટેક્ટ થઈ શકે એવો કોઈ રસ્તો જડ્યો નહી. એ અને પારમિતા ખૂબ જ ગભરાઈ ગયાં હતાં. વળી, એ જમાનામાં આજની જેમ તો વધુ કંઈ સૂઝસમજ કે સગવડ નહતાં. બાળકને જન્મ આપ્યે જ છૂટકો હતો. આંખમાં ઝળહળિયાં સાથે મોહનકાકાએ કહ્યું, ‘મારા આ હાથે હું પોતે જ એક નિર્દોષ બાળકને અમદાવાદ અનાથાશ્રમમાં છોડી આવ્યો હતો.’

શાંત, સૌમ્ય અને પરિપક્વ હવન અથર્વ અને મોહનકાકાને લઈ અમદાવાદ અનાથાશ્રમ પહોંચ્યો. મોહનકાકાને જોતાંવેત અનાથાશ્રમનાં અધિકારી એમને ઓળખી ગયાં. મોહનકાકાએ મેડમ આકાશી પટેલને આખી વાત કરી. હવનના નિર્મળ અને પરમાર્થી સ્વભાવથી પ્રભાવિત થઈ મેડમ આકાશી પટેલે હવનનો પરિચય એ બાળક સાથે કરાવ્યો. બાળકનાં અદ્દલ પારમિતા જેવાં અણિયારી ભૂરી આંખો અને ગોરોવાન જોઈ હવન, અથર્વ અને મોહનકાકા સૌ ક્ષણ માટે ધબકારા ચૂકી ગયા. પરિસ્થિતિને પામી જઈ આકાશી મેડમે એ ત્રણેયને ચા-પાણી કરાવ્યાં. સ્વસ્થ થઈ હવનને પોતાના ખિસ્સામાં સાચવીને રાખેલો પારમિતાનો વાળ કાઢ્યો અને ડીએનએ ટેસ્ટ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી, જેથી બાળકને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન નડે. આકાશી મેડમ સહિત દરેકને હવનની વાત ગમી અને માન્ય રાખી.

ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને રીપોર્ટ આવ્યો કે ‘આ બાળક પારમિતાનું જ છે.’ હવને બાળકને છાતી સરસું ચાંપ્યું. બાળકને નામ આપ્યું, નવપલ્લવિત. હવને અથર્વ, મોહનકાકા અને આકાશી મેડમની હાજરીમાં બાળકનુ એફિડેવિટ કરાવ્યું. કાયદાકીય દરેક વિધિ પતાવી. જયારે ફોર્મ ભરવાનો સમય આવ્યો ત્યારે દરેક અસ્વસ્થ થઈ રહ્યા હતા. પરંતુ હવને પૂરા હોશથી ફોર્મ ભર્યું અને પિતાના નામના બ્લોક્માં લખ્યું ‘હવન દેસાઈ’. હાજર ત્યાં સૌ કોઈ મનોમન હવનના પુરૂષત્વને વંદન કરી રહ્યા.

બીજે દિવસે વહેલી સવારે નવપલ્લવિતને લઈ બધા માઉન્ટ આબુ ગયા. ત્યાં શ્રેષ્ડ સ્કૂલમાં બાળકનું એડમિશન કરાવ્યું. નવપલ્લવિતને બોર્ડિંગમાં રહેવાની વ્યવસ્થા કરી બધા છૂટા પડ્યા. દર મહિને હવન નવપલ્લવિતને મળવા જતો. એને ઉત્તમ સગવડ, સુવિધા અને ઉચ્ચકક્ષાનું ભણતર મળી રહે એ માટે પોતાના ખર્ચા પર કાપ મૂકી નવપલ્લવિતની ફી ભરતો. આજે પૂરાં ત્રીસ વર્ષનો પુખ્ત યુવાન નવપલ્લવિત સાયકોલોજીમાં પીએચ.ડી. કરી કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે.

* * *

ભૂતકાળને હાંસિયામાં ધકેલી જીવન સફર કાપી રહેલી, પચાસીના ઉંબરે ઊભેલી પારમિતા યાદો વાગોળતાં, દિલના કબાટમાં છઠ્ઠા ખૂણામાં ક્યારેય હાથ ન લાગે એ રીતે મૂકેલું જિંદગીનું આલ્બમ હાથે લાગી ગયું. ધીમે ધીમે એક એક પાનું ફેરવી રહેલી પારમિતા કોલેજકાળ પર આવીને અટકી ગઈ. પોતાની જાતથી છુપાવેલું એ પાનું પતંગિયાની માફક એનાં દિલ-દિમાગ પર ફરફર ઊડવા માંડ્યું. પારમિતા પાણી-પાણી થઈ ગઈ. એ જ સમયે ડોરબેલ વાગ્યો. પોતાની જાતને સંભાળી એણે બારણું ખોલ્યું. સામે હવન ઊભો હતો. પારમિતા એને ભેટી ખૂબ રડી અને પોતાના ભૂતકાળની વાત કરી. હવને પારમિતાને શાંત પાડી. પોતાના હાથે ચા બનાવી પિવડાવી અને માથા પર હાથ ફેરવી સુવડાવી. હવન તરફથી કોઈપણ પ્રતિભાવ ન મળતાં પારમિતા વધુ વિહ્વળ થઈ. આખી રાત પાસાં ફેરવતી રહી.

સવારે હવને પ્રેમાળ શબ્દોથી કહ્યું, ‘પારમિતા! તું ખૂબ ડિસ્ટર્બ છે. ચાલ આપણે માઉન્ટ આબુ ફરવા જઈએ.’ આખી મુસાફરી દરમિયાન પારમિતાને જીવનસફરની યાદ આવતી રહી. વારંવાર ધ્રુસકે ચડી જતી. મુસાફરી દરમિયાન હવને કોઇપણ બાબતનો ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો.

માઉન્ટ આબુ આવી પહોંચ્યા. હવન પારમિતાને લઈ એક નાનકડા બંગલામાં ગયો. ડ્રોઈંગરૂમમાં પોતાના પ્રોજેક્ટ પર કામ કરી રહેલા નવપલ્લવિતે હવનને જોઈ, ‘પપ્પા, વોટ અ સરપ્રાઈઝ!’ કહેતો ભેટી પડ્યો.

‘આ નવયુવાન હવનને પપ્પા કેમ કહેતો હશે?’ પારમિતા વધુ વિચારોના ચકરાવે ચડે એ પહેલાં હવને આખી માંડીને વાત કરી. ડી.એન.એ રિપોર્ટ પણ બતાવ્યો. પારમિતાના પગ અને હૈયું નવપલ્લવિતને ભેટવા દોડવા માંડ્યું. પરંતુ પારમિતાએ પોતાની જાતને થપાટી શાંત કરી. એ નવપલ્લવિતથી ગભરાઈ ગઈ. મનોમન વિચારવા માંડી – ‘હવે આ નવપલ્લવિત મારા ઉપર પ્રશ્નોનો મારો ચલાવશે. હું શો જવાબ આપીશ? એ મારા માટે શું અને કેવું વિચારતો હશે?’

સાયકોલોજિસ્ટ નવપલ્લવિત પારમિતાની મનઃપરિસ્થિતિ પામી ગયો. એણે સામેથી ‘હેલો મોમ!’ સંબોધન કર્યુ. પારમિતા અપરાધભાવ ન અનુભવે એટલા માટે સાયકોલોજિસ્ટ એવા નવપલ્લવિતે પારમિતાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું, ‘મોમ! જીવનમાં અવરનેશ રાખવી અતિ આવશ્યક છે. છતાં કોઈ ઘટના જીવનમાં એવી બની જાય જેના પર પોતાનો કોઈ કાબુ ન હોય તો એવા સંજોગોને ડેસ્ટિની સમજીને સ્વીકારી લેવું. માણસ સભાનતા અને આયોજનપૂર્વક ખરાબ કૃત્ય કરે કે સામેવાળાને હાનિ પહોંચાડે એને અપરાધ કહેવાય. આથી સમય-સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય પર પહોંચી શકાય કે જે-તે વ્યક્તિ અપરાધી છે કે નહીં. મોમ! મારો આ રીતે જન્મ થવા પાછળ કોઈ કુદરતનો સંકેત હશે. આથી, તમે તમારી જાતને ફિટકારો નહીં, જે થવાનું હતું એ વર્ષો પહેલા થઈ ચૂક્યું, હવે નાહકના દુઃખી થવાનો કોઈ મતલબ નથી.’

પારમિતા મનોમન પુત્ર નવપલ્લવિતની સમજણ પર ઓવારણાં લઈ રહી હતી. ગુમસુમ થઈ ગયેલી પારમિતા કશું બોલી શકતી ન હતી. ડોરબેલ વાગતાં બધાની નજર બારણાં તરફ ગઈ. અથર્વ અને મોહનકાકા આવી પહોંચ્યા હતા. પારમિતા વધુ ને વધુ સંકોચ અનુભવી રહી હતી. હવને કહ્યું, ‘ગઈકાલે રાતે જ મેં એમને ફોન દ્વારા અહીં આવી જવા જણાવ્યું હતું કારણ કે નવપલ્લવિતનું આ જ તો ફેમિલી છે. ચાલો! બધાં ભેગાં થઈ આનંદ કરીએ.’

પારમિતા અંદરથી દ્રવી રહી હતી. ‘આ બધા જ પુરુષો આટલી ગંભીર વાતને કેમ આટલી હળવી લેતા હશે! આજે મારો ભ્રમ તૂટી ગયો કે પુરુષો તક્સાધુ હોય, સ્વાર્થી હોય, સ્ત્રી પર રૂબાબ જમાવવાવાળા હોય. અહીં તો સાવ ઊલ્ટું છે. આ બધા જ પુરુષો પરમાર્થી છે, સમજુ છે, સહજ છે. એક સ્ત્રીના ખરાબ સંજોગોને કેટલી સાહજિક્તાથી સ્વીકારી લીધાં ધન્ય છે પુરુષની અંદર સમાયેલા તત્વને.’

નવપલ્લવિત ખુશખુશાલ હતો. એણે સર્વને થોડા દિવસ રોકાઈ જવા કહ્યું. નવપલ્લવિતની ખુશી ધ્યાનમાં રાખી બધાં રોકાઈ ગયાં. એક દિવસ કોલેજથી સાંજે પરત આવીને નવપલ્લવિતે કહ્યું, ‘અમારી કોલેજમાં બેંગ્લોરથી એક પ્રોફેસર આવી રહ્યા છે. હું એમને ક્યારેય નથી મળ્યો પરંતુ વોટ્સએપ, ટેલિફોનિક કોન્ટેક્ટથી અમારાં દિલ એક થઈ ગયાં છે. એમની મોટિવેશનલ વાતોથી હું ઘણો પ્રભાવિત છું.’

બીજા દિવસે નિયત સમયે નવપલ્લવિતના સર પધાર્યા. મોહનકાકાને જોઈ એ ભેટી પડ્યા. ઉંમરના કારણે ધૂંધળી થયેલી આંખે મોહનકાકાએ અખંડને તરત ઓળખી કાઢ્યો. આકાશ તરફ હાથ ઊંચા કરી મોહનકાકા બોલ્યા, ‘હે પ્રભુ! તારો ખેલ પણ ન્યારો છે.’ વાત આગળ વધે એ પહેલાં અખંડની નજર પારમિતા પર પડી. ‘પારમિતાજી! તમે ક્યાં હતાં? મેં તમને ક્યાં ક્યાં ન શોધ્યાં?’ અખંડ આનંદના અતિરેકથી ઝૂમી ઊઠ્યો.

અથર્વ, હવન, નવપલ્લવિત કંઈ સમજે તે પહેલાં મોહનકાકા બોલ્યા, ‘ઓ મારા ભાઇઓ, આ જ છે અખંડ. વર્ષો પહેલાં સાવ નાનક્ડો છોકરો હતો. જુઓને હવે કેટલા મોટા સાહેબ બની ગયા છે.’

હવન ખુશીથી અખંડને ભેટી પડ્યો. હવને અખંડને બધી વાત કરી. પારમિતા વિચારી રહી હતી. ‘આ હવન માણસ છે કે પછી કોઈ પરગ્રહવાસી છે! આટલું દરિયાદિલ કેવી રીતે?’

નિખાલસભાવે અખંડે પોતાની વાત માંડી, ‘હું વિદ્યાનગરથી ભણીને માસ્ટર્સ માટે U.S.A. જતો રહ્યો. કરિયરની દોડભાગમાં મને એ દિવસ ક્યારેય યાદ જ ન આવ્યો. પરંતુ જ્યારે ઘરવાળાઓએ મારા લગ્નની વાત છેડી ત્યારે મારો અંતરાત્મા પોકારી ઊઠ્યો. મેં પારમિતાને શોધવા ખૂબ મહેનત કરી પણ પારમિતાનો કયાંય પત્તો ન લાગ્યો. મેં પ્રતિજ્ઞા લીધી કે મારે એક ભવમાં બે ભવ નથી કરવા. મારે પારમિતા કે અન્ય કોઈ સ્ત્રી સાથે અન્યાય કરવો નથી. સમાજસેવામાં મારું મન પરોવી દીધું.’

અચાનક અખંડની નજર નવપલ્લવિત પર પડી. એ ખૂબ અપરાધભાવ અનુભવી રહ્યો. નવપલ્લવિતે પરિસ્થિતિ સંભાળી લીધી. એ બોલ્યો, ‘આ આખી ઘટનામાં કોઈનો બદઇરાદો ન હતો. સૌ કોઈએ સાચી અને સારી ભાવનાથી જે તે સમયે યોગ્ય લાગે તે નિર્ણય લીધો. આ આખી ઘટના કુદરતી દસ્તાવેજ છે, એને સ્વીકારી લઈએ. ચાલો સૌ ભેગા થયાં છીયે તો આનંદ કરીએ.’

પારમિતા નવપલ્લવિતને નિહાળી વિચારી રહી હતી, ‘મારા પતિ હવને જીવનમાં સપ્તપ્દીના ફેરાનું પાલન કર્યું. એમણે જીવનમાં ખૂબ મોટો યજ્ઞ કર્યો. એક નિર્દોષ બાળકને સ્વમાનભેર જીદંગી બક્ષી અને નાદાનીમાં ભૂલ કરી બેઠેલી સ્ત્રીને સમાજમાં માનભેર જીવન આપ્યું. હવનના મહાયજ્ઞને હું નમન કરું છું. અખંડે કોઈ પણ અજાણી સ્ત્રીના વિશ્વાસનું ખંડન કર્યું નહિ, હું એમની અખંડિતતાને નમન કરું છું. અને નવપલ્લવિતે તો જાણે સાગર ઠાલવી દીધો. જો દરેક પુરુષ આવા ઉદાર, આત્મિક અને સમજણભર્યા હશે તો ક્યારેય પણ સમાજમાં કોઈ પણ નિર્દોષ કે નાદાન સ્ત્રીનું શોષણ નહીં થાય.’

– હિના મોદી

*
૯, સિધ્ધિ વિનાયક રો હાઉસ, જોગાણીનગર બસ સ્ટેન્ડ પાસે, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત – ૩૯૫૦૦૯
મોઃ ૯૯૨૫૬૬૦૩૪૨


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હાસ્યનું હુલ્લડ.. – સં. તરંગ હાથી
સમાધાન – બાબુભાઈ કે. પટેલ “કાનકુંવર” Next »   

17 પ્રતિભાવો : ઊર્ધ્વગતિ – હિના મોદી

 1. PATEL says:

  Excellent Story

 2. સુભાષ પટેલ says:

  “ઈમોશનલ અનસ્ટેબલ પારમિતાને અખંડે રૂમ પર ચા પીને સ્વસ્થ થવા જણાવ્યું. આમ, પારમિતાને સહકાર આશ્વાસન આપતાં આપતાં કંઈક ચૂકી જવાયું જેનું ધ્યાન સુધ્ધાં બંનેને ન રહ્યું.”
  આવી ચૂક {“હા, દીકરી પારમિતાને હું જાણું છું. ખૂબ જ ડાહી અને મહેનતુ છોકરી હતી.”} ડાહી અને મહેનતુ છોકરીથી બની શકે તે માન્યામાં આવતુ નથી.
  કાલ્પનિક વાર્તા જેવું લાગે છે.

  • tia says:

   વાર્તા હમેશા કાલ્પનિક જ હોય છે. લેખક ને જેવુ ભરડવું હોય એવુ ભરડી નાખે છે, તે પોતાની ઘડેલી ઘટના ને વધારે સારી લખી છે એમ સમજીને આગળ વધ્યે જાય છે.
   વાર્તા એ વાર્તા, સત્ય ઘટના નથી હોતી.

 3. Nitin Chauhan says:

  Nice Story

 4. Patel meer says:

  Khub Saras

 5. pooja says:

  nice story but its very drametic.

 6. VIPUL SHAH says:

  NICE STORY

  • viral says:

   its a spam..
   please spare this section at least.

   • tia says:

    માણસ માત્ર ભૂલને પાત્ર ની જગ્યાએ “માણસ માત્ર આદત ને પાત્ર” ની જેમ આ નમૂનાએ એડ પોસ્ટ કરી નાખી !

 7. Maheshwari patel says:

  very nice story.

 8. Ravi Dangar says:

  અદભૂત હિના બહેન,

  વાર્તા ડ્રામેટિક જરૂર છે પણ રસથી ભરપૂર છે. આવા લોકો સાચે હોય પણ છે.

  • tia says:

   એકવીસ મી સદી માં આવાલોકો હોવાનું સંભવીત નથી, કાલ્પનિક વાર્તા લેખે લ્યો તો ઠીક રહેશે…

 9. kumar says:

  આવા પુરુષો ભારત મા આજે તો જોવા જ ન મળે ફક્ત વાર્તા મા જ જોવ મળે

 10. suresh ganatra says:

  કથાનક વાસ્તવિકતાથી ઘણું દૂર લાગે છે…
  સારો પ્રયાસ છે…

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.