સમાધાન – બાબુભાઈ કે. પટેલ “કાનકુંવર”

(‘અખંડ આનંદ’ સામાયિકના ડિસેમ્બર,૨૦૧૭ના અંકમાંથી સાભાર)

‘ગૌરી બેઠકખંડમાં આવ. આપણે સાથે ચા લઈશું, વળી મારે તને એક ખાસ આમંત્રણ આપવું છે.’ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજશ્રી ગંગાપ્રસાદે કહ્યું. ચાના બે ક્પ સાથે ગૌરી બહાર આવી, બેઠીને અચકાઈને પૂછયું, ‘શું વાત છે? આજે નાખુશ છો, એક મનની વાત કહુઃ તમને નાખુશ જોઈને હું પણ નાખુશ થાઉં છું. બોલો શાનું આમંત્રણ છે?’

“ડીયર, આજે કોર્ટમાં મારી સામે એક ખેદજનક કેઈસ આવવાનો છે. તારે લોક બેઠકમાં આવીને બેસી જવાનું છે. દાંપત્યજીવનની કરુણતાના દર્શન થશે. તું તૈયાર થઈ ને તારી રીતે બરાબર દસ વાગ્યે કોર્ટમાં પ્રેક્ષકવિભાગમાં બેસી જજે. તારો પરિચય કોઈને ન થઈ જાય તેની સાવધાની રાખજે.”

‘ચાલો, જીવનની વાસ્તવિકતા આજે કોર્ટમાં જાણવા મળશે.’ એવું વિચારી ગૌરી ઘરકામમાં લાગી ગઈ. ગંગાપ્રસાદ અને ગૌરીના દાંમ્પત્યના જીવનની વેલ દસ વર્ષની થઈ છતાં પણ આ લીલી, હરીભરી વેલ પર સંતાનનાં ફૂલો આવ્યાં ન હતા. તેઓના જીવનમાં બધું હતું. પરંતુ શેર માટીની ખોટ હતી. જો કે બંનેની સમજણ, સ્નેહભાવના અને વિવેકબુદ્ધિ અન્ય યુગલો માટે ઉદાહરણીય હતી.

દસ વાગી ગયા. કોર્ટનું કામકાજ ચાલુ થયું. જજશ્રી ગંગાપ્રસાદ ન્યાયાધીશ તરીકે ગોઠવાઇ ગયા. બંને પક્ષ પણ ગોઠવાઇ ગયા. ગૌરીબેન પણ પ્રેક્ષકો વચ્ચે ચૂપચાપ બેસી ગયાં. એક પિંજરામાં પીયૂષ પરીખ છે, બીજામાં પાયલ પરીખ છે, બંને વચ્ચે લગ્ન પછી પાંચ વર્ષનું દામ્પત્યજીવન સુખરૂપ રહ્યું. બે જોડિયા સંતાનો થયાં. દીકરી દેવલ અને દીકરો કેવલ. છેલ્લા પાંચ મહિનાથી પીયૂષ અને પાયલ વચ્ચે હઠાગ્રહ, અત્યાગ્રહ અને દુરાગ્રહને કારણે ‘ચીનની દીવાલ’ ખડી થઈ ગઇ હતી. બંનેના પરિવારો, સમાજના આગેવાનો અને સાથી મિત્રો પણ બંનેને એક કરવામાં થાકી ગયા હતા. દુઃખ એ વાતનું હતું કે બંને બાળકોને રાખવા પીયૂષ કે તેનો પરિવાર તૈયાર ન હતા. પીયૂષની નોકરી પ્રવાસી હતી. પાયલ પણ ઊંચા પગારની નોકરી ઓએનજીસીમાં કરી રહી હતી. બંનેને તેઓના સ્ટેટસનું, ઊંચા પગારનું, કહેવાતી પ્રતિભાનું અભિમાન હતું. ફૂલ જેવાં કોમળ, સુંદર અને મનોહર સંતાનોના સુખમય સાંનિધ્યની પણ તેઓને પરવા ન હતી. પાયલના પરિવારમાં માત્ર તેની ઉંમરલાયક છતાં સમજવાન મમ્મી હતી, તે દિલની ઉદાર અને મનની મહેરબાન હતી. અત્યારે સંતાનો તેની છત્રછાયામાં ઉછરી રહ્યાં હતાં, ભણી રહ્યાં હતાં, ખુશ હતાં પણ બાહ્ય રૂપે… તેઓની અંતરની વેદના ઘણીવાર વાણીમાં, વર્તનમાં વ્યક્ત થઈ જતી પણ… વ્યક્તિવાદ-વિકાસની દિશામાં દોડી રહેલા ભૌતિકવાદીઓના શરીરમાં બુદ્ધિ હતી, સ્પર્ધા હતી, આકાંક્ષા હતી, મહત્વાકાંક્ષા હતી પણ સંવેદનાના તાલે, લાગણીના લયે ધબકતું હ્રદય ક્યાં હતું?

બંને પક્ષના વકીલોની રજૂઆત ધ્યાનમાં લઇ જજ સાહેબે પ્રતિભાવ રજૂ કર્યોઃ

“બંને બાળકોને રાખવા તેનાં મમ્મી-પપ્પા તૈયાર નથી. વળી તેઓની નાની ઉંમરલાયક હોઇ ક્યાં સુધી આ બાળકોને સાચવશે? આવનારા સમયમાં આ બાળકોનું કોણ? આ સમસ્યા માત્ર પીયૂષ-પાયલના પરિવારની નથી પરંતુ સમગ્ર સમાજની છે. કોર્ટ કાયદા દ્વારા બંન્ને બાળકોની, તેઓનાં માતા-પિતા પાસેથી ‘જીવી’ બાંધી આપે, પણ છતાં અનાથ બનેલાં આ બાળકોની ઈચ્છાઓનું, અપેક્ષાઓનું, બાલ- સહજ ભાવનાઓનું, પારિવારિક સાંનિધ્યનું કે ઘર-પ્રાંગણની મોજ મસ્તીનુ શું? યાદ રહે… મા-બાપના વડપણમાં જ બાળપણનું ગળપણ સમાયેલું હોય છે. ફળ-ફૂલ ત્યાં સુધી રસ-કસભર્યા રહે જ્યાં સુધી તેઓ વૃક્ષ સાથે જોડાયેલાં હોય !

આ ‘કેઈસ’ નો ચુકાદો વિચાર અને સમય માગી લે તેવો છે. આ કાર્યવાહી અહીંયા મુલતવી રાખવામાં આવે છે. હવે પછી આવતા મહિનાની બાર તારીખે આ કેઈસને હાથ પર લઇશું જેની જાણ લાગતા વળગતા સૌને કરવામાં આવે છે.”

જજસાહેબ વહાલસોયાં બે સંતાનોની ચિંતા અને ચિંતન કરતા કરતા પોતાની કેબિનમાં ગયા. ગૌરીની નજર સામેથી પેલાં બે સુંદર કમળો દૂર થવાનું નામ લેતાં નથી. નાની બંને બાળકોની આંગળી પકડી કોર્ટના દરવાજે આંસુ સારી રહી હતી. પીયૂષ તેની કહેવાતી પ્રતિભાના મદમાં ખોવાયેલો હતો અને પાયલ ‘જલ્દી આ ત્રણેયથી સ્વતંત્ર થઈ જાઉં તો મારા સ્વપ્નોના આકાશમાં ઊડી જાઉં’ – ના રંગીન મેઘધનુષ્યમાં મુગ્ધ હતી.

જજસાહેબે તાત્કાલિક નિર્ણય લઈ પોતાની કેબિનમાં જ બંને પક્ષોની મીટિંગ ગોઠવી દીધી. જેમાં કેવલ, દેવલ, નાની, પીયૂષ, પાયલ અને પોતાની પત્ની ગૌરીને પણ બોલાવી લીધી. જજસાહેબે બંને કૂમળાં બાળકોની આંખ પરોવીને વાતનો પ્રારંભ કર્યો, “જુઓ, સૌથી પહેલાં આકસ્મિક અહીંયા આવી ચઢેલા આ વડીલ મહોદય સમાજ સેવકશ્રી સેવંતીલાલ સાદરિયાનો પરિચય આપી દઉં. વર્ષોથી તેઓ મારા સાથી છે, હાઈકોર્ટના અનુભવી આદરપાત્ર વકીલ છે જેઓના મતે તેઓના અસીલો વચ્ચે કરાતું સમાધાન પ્રથમ નંબરે હોઈ છે. વિરોધીઓને આત્મિયતાથી એક કરવાનુ કામ બીજા નંબરે અને સમાજની યુવા પેઢીમાં અણસમજ, ગેરસમજ અથવા ખોટી સમજને દૂર કરી, તેઓની આંખો ઉઘાડવાનુ કામ ત્રીજા નંબરે હોઈ છે. તેઓ અડધું કામ બુદ્ધિથી અને બાકીનું કામ હૃદયથી કરે છે.”

જજસાહેબે પીયૂષ-પાયલના કેઈસની પ્રાથમિક ભૂમિકા સમજાવી દીધી. સેવંતીલાલે પીયૂષ-પાયલનું ધ્યાન દોરી પોતાના હૈયાની વાત કરીઃ “વ્હાલા યુવાનો, હું જાણું છું કે ઘટમાં ઘોડા થનગને છે, યૌવન ઉજ્જવળ કારકિર્દી તરફ આંખ માંડે છે, પરંતુ જીવનની વિકાસગતિ ક્યાં સુધી? દરેક પ્રગતિને એક સીમા હોય છે. ધરતીનું હૂંફાળુ સાંનિધ્ય ત્યજી દઈ, ભૂલી જઈ આકાશને આંબનારાં અને અંતે નીચે બૂરેહાલ પટકાનારાં મેં અનેક જોયાં છે. મેં તમારા જેવા દસ દુઃખી યુગલોનો સર્વે કર્યો. એમાંથી પાંચનું કોર્ટના પાછલા બારણેથી, જજસાહેબ ગંગાપ્રસાદજી જેવા સત્યનિષ્ઠ મધ્યસ્થીની મદદથી સમાધાન કરાવ્યું. આજે તેઓ બાળકો, પત્ની સાથે સુખી છે. દર વર્ષે પ્રેમપૂર્વક પગે લાગવા આવે છે. બીજાં પાંચ યુગલો ન માન્યાં. કોર્ટે ચઢ્યાં. સમય, પૈસો અને શક્તિ વ્યય કરી, હાથે કરી, વાદવિવાદના વમળમાં ફસાઈ ગયાં. બાળકો, પતિ-પત્ની અને સમગ્ર પરિવારોને તાણ, તણાવમાં મૂકી દીધાં. એ પાંચ યુવાનોમાંનો એક તો મને બસસ્ટેન્ડ પાસે બૂરી હાલતમાં જોવા મળ્યો. મને થયું, “શું યુવાની વટમાં ને વટમાં આ રીતે વેડફી દેવા મળી છે? વહાલા દીકરા પીયૂષ અને વહાલી દીકરી પાયલ, જમાનાના ખાધેલા અને અનુભવના પીધેલા એવા તમને સમાધાનના રસ્તે આગળ વધવા અપીલ કરીએ છીએ. એકલી બુદ્ધિને પૂછશો તો તે રસ્તો ઘાત, આઘાત કે આપઘાત તરફ જાય છે. પ્રેમ, ત્યાગ અને વિવેકનો રસ્તો હસતાં, રમતાં બાળકોથી કિલ્લોલતા પરિવાર તરફ જાય છે.

કયે રસ્તે જવું તેનો વિચાર કરી લેવાનું કામ તમારું છે.

‘હું તમને બંનેને પાંચ મુદ્દાઓવાળો આ પત્ર આપું છુ. વાંચી જજો, એક વાર નહિ, દરરોજ ત્રણ વાર ! આવતા રવિવારે જો બાળકોના વહાલનો, પતિ-પત્નીના ઓત-પ્રોત પ્રેમનો અને સમગ્ર પરિવારની સુખશાંતિનો સહજ-અનુભવ થાય તો મળજો, નહિ તો તમારું ભાવિ તમને મુબારક !” બંનેને પત્રો આપી, શુભેચ્છા પાઠવી સેવંતીલાલ ત્યાંથી વિદાય થયા.

ઉદાસ, નિરાશ, દિશાશૂન્ય બાળકો જોઈને ગૌરીથી ન રહેવાયું. તેણે જજ સાહેબને વિનંતિસહ કહ્યું, “આ કેઈસનું સુખદ સમાધાન ન આવે તો હું આ બંને બાળ-ફૂલોને દત્તક લઇ મારા પરિવારનો ખૂટતો ખોળો પૂરી દઈશ. બંનેને જન્મ ભલે પાયલે આપ્યો હોય પરંતુ તેઓને હું મારા હ્રદયમાં મોટા કરીશ.” આટલું કહેતાં કહેતાં ગૌરીની આંખો આંસુથી વરસવા લાગી.

નાનીએ ગૌરીબેનની સંતાનતરસી આંખો સામે મીટ માંડી, તેમના કોમલ માતૃત્વભાવને વંદન કરી કહ્યું, ‘મારી ઉંમર થઈ છે, વળી હું હવે આ બંનેને સુખરૂપ રાખવા, તેઓને ભણાવવા, તેઓને રાજી રાખવા અસમર્થ છું. કોર્ટની સંમતિથી, જજ- સાહેબની દરમ્યાનગીરીથી જો બંને બાળકોને ગૌરીબેન જેવી ગૌરવવંતી પાલક માતા મળતી હોઈ તો હું એફિડેવિટ પેપર્સમાં મારા હસ્તાક્ષરો કરી આપવા તૈયાર છું. મને ગૌરીબેનના વર્તન અને વ્યવહારમાં એક માતાના દર્શન થાય છે, વળી જજસાહેબ જેવા પ્રતિષ્ઠિત પરિવારમાં બંને બાળકોને જોડાઈ જવાની સુવર્ણ તક મળે તો તે તકને વધાવી લેવા તૈયાર છું.’

અકડુ પીયૂષ અને જકડુ પાયલ, ગૌરી અને નાનીની સ્નેહસહજ રજૂઆતથી વિચારમાં પડી ગયાં. તેઓના માનસરોવરમાં કાંકરી ભલે નાની પડી પરંતુ તરંગો મોટા પેદા થયા.

જજસાહેબ મનોમન હળવા થયા. પ્રભુએ આ પૃથ્વી પર વેરેલાં આ ફૂલોનું કોઈ તો છે જ ! બંને બાળકોના રૂપાળા ચહેરા પરની ચમકતી આંખોમાં ગંગાપ્રસાદે આશાનું અજવાળું જોયું. સમાધાન મીટિંગ પૂરી થઈ.

પીયૂષ ઘરે પહોંચ્યો. બધાં કામ પડતાં મૂકી પત્ર ખોલ્યો.

પાયલ ઘરે પહોંચી. ઘરનું તાળું ખોલે તે પહેલાં પત્ર ખોલ્યો.
પહેલો મુદ્દો હતો પ્રભુની અસીમ કૃપાથી પ્રાપ્ત થયેલાં બાળકોની આંખોમાં આંખો પરોવી ક્યારેય વ્હાલનો અનુભવ કર્યો છે?

પહેલો મુદ્દો વાંચીને બંનેની બુદ્ધિનો પાવર દસ ટકા ઘટી ગયો અને હ્રદયની સંવેદનાઓ સળવળી ઊઠી.

બીજો મુદ્દો હતો – ચોવીસ કલાકમાંથી એટલે કે ૧૪૪૦ મિનિટમાંથી માત્ર દસ મિનિટ માટે બાળકોને ખોળામાં બેસાડી, ગાલ પર ચુમી લઈ માથામાં, હેતના હાથે, અમીભરી આંગળીઓ કયારેય ફેરવી છે?

બંનેની બુધ્ધિનો પાવર વીસ ટકા ઘટી ગયો અને હ્રદયનો એક ખૂણો જાણે ખળભળી ઊઠ્યો.

ત્રીજો મુદ્દો હતો- તમે બંનેએ એકબીજાની ઈચ્છાઓને, અરમાનોને, સંકલ્પોને પહેલું પ્રાધાન્ય આપી, તેનાથી તેઓના ચહેરા પર દોરાતી આનંદ-ઉમંગની, પ્રસન્નતાની રંગોળીના દર્શન ક્યારેય કર્યાં છે?

બંનેને આંચકો લાગ્યો. મનમાં મૂંઝવણ થઇ : મેં તો મારી જ ઈચ્છાઓનો હંમેશા વિચાર કર્યો છે. હું કેવા સ્વાર્થમાં અટવાયો છું, અરે, હવે ખબર પડી, સ્વાર્થમાં પટકાયો છું.

ચોથો મુદ્દો હતો – વહાલસોયાં બંને સંતાનોની આંગળી પકડી તમારી વચ્ચે ચલાવી ક્યારેય, એકાદ રવિવારની સાંજ બગીચામાં, વૃક્ષોની છાંયમાં, નદીકિનારે, સાગરકાંઠે કે પર્વતોની તળેટીમાં ગાળી છે?

બંનેની બુધ્ધિ તળિયે બેસી ગઈ. હ્રદય જીવતું થયું, સજીવન થયું. ધબકારા તન-મનને ઝંકૃત કરી ગયા.

પાંચમો છેલ્લો મુદ્દો હતો – ઊંચી કારકિર્દીના નશામાં બુધ્ધિના નકશામાં, ફક્ત પોતાના જ ઉજ્જવળ ભવિષ્યની દોડાદોડીમાં તમારા પોતાના પરિવારની, મમ્મી-પપ્પાના સાંનિધ્યની, ખુદ તમારા અંશરૂપ, વંશરૂપ સંતાનોના ભવિષ્યની ચિંતા કયારેય કરી છે?

બંનેનું હ્રદય આ છેલ્લા મુદ્દાએ ગદ્ગદિત થઈ ગયું. બંનેની માત્ર ભૌતિકતાના પવનમાં વીંઝાતી પાંખો કપાઈ ગઈ. બંને વાસ્તવિકતાની ભૂમિ પર ખડાં થયાં. પાંખો તૂટી, આંખો ઊઘડી,

પીયૂષે ફોન જોડ્યો : ‘હેલ્લો સેવંતી અંક્લ, અત્યારે જ મળવા માગું છું. મળી શકું?’

જવાબ મળ્યો : ‘બેટા, તારા જેવા ભૂલા પડીને પણ અંતે ઘરના બારણે ટકોરા મારી રહેલા યુવાન માટે મારું ઘર ચોવીસ કલાક ખુલ્લું છે. એક કલાકમાં આવી જા.’ એક ફોન પૂરો થાય છે ત્યાં સેવંતીલાલની ઘંટડી ફરીથી રણકી ઊઠી : ‘ હેલ્લો અંકલ, હું પાયલ બોલું છું. અત્યારે હાલ જ મળવા માંગુ છું. મળી શકું?’

‘હા, હા ચોક્ક્સ, એક કલાક પછી આવી જા.’ ફોન મૂકી તરત જ સેવંતીલાલે બંને બાળકો અને નાનીને બોલાવી લીધાં. જજસાહેબ અને ગૌરીબેનને પણ તાત્કાલિક આવી જવા કહ્યું.

પીયૂષને એક કલાક એક દિવસ જેટલો લાંબો અનુભવાયો. સેવંતીલાલના ઘેર જઈ ડોરબેલની સ્વિચ દબાવે ત્યાં જ પાયલ પણ આવી ગઈ. પીયૂષ સામે જોયું. આંખો મિંચાઈ ગઈ. પાયલ ‘સોરી’ કહી પીયષને ભેટી પડી. બારણું ખુલ્યું, સેવંતીલાલના ઘરનું અને પારિવારિક સભાનતાનું ! સેવંતીલાલ જોતા જ રહી ગયા. સાગર-સરિતાનું મિલન જોઈ રાજી થયા. કંઈ પણ શબ્દોની આપલે થાય તે પહેલાં જજ-સાહેબે, ગૌરીબેન અને નાની બંને બાળકો કેવલ અને દેવલને લઇ ઘરના દરવાજે આવી, ઊભાં રહ્યાં.

પાયલે કેવલને ખોળામાં લઈ લીધો.. આંસુની વરસતી ધારે, પીયૂષે દેવલને છાતીએ વળગાડી દીધી… પસ્તાવાના ઝરણાની હારે.

પાયલ-દેવલ ભેટી પડયાં, પીયૂષ કેવલ ભેટી પડયાં.

ગૌરીબેનની આંખોમાં આનંદનાં આંસુ જોઈ જજસાહેબ હસી પડયા. નાની રાજી થઈ, મન ગાવા લાગ્યું : આજ સખી આનંદની હેલી ! સેવંતીલાલ ધન્યતા અનુભવી આટલું જ બોલ્યાઃ ‘કરેલું કામ ખોટું અનુભવાય તો પસ્તાવો થાય, પસ્તાવો તો વિપુલ ઝરણું છે. પાપી પણ તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે.’

*
સંપર્ક :
એલ-૮૨, સ્વાતંત્ર્ય સેનાની નગર, નવા વાડજ- અમદાવાદ-૩૮૦૦૧૩
મો.: ૯૮૨૫૪૯૮૩૮૯

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “સમાધાન – બાબુભાઈ કે. પટેલ “કાનકુંવર””

Copy Protected by Chetan's WP-Copyprotect.