ઘર – કુસુમ ભૂપેન્દ્ર દવે

(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

‘અકેલે હૈ, ચાલે આઓ, જહાં હો, કહાં આવાજ દું તુમકો કહાં હો.’ દૂર ક્યાંક વાગતા ગીતને સાંભળીને પરાગનું હૃદય ભરાય આવ્યું. તેને સવારથી જ એકલાપણું લાગી રહ્યું હતું. કોઈ કામમાં મન લાગતું નહોતું. રવિવાર હોવાને લીધે તે ક્યાંય ફરવા નીકળ્યો નહોતો. ઘેર જ બેસી રહ્યો હતો. ઘર, હા, ઘર કહે તો કોને કહે? પરંતુ શું ચાર દીવાલો, બારીઓ અને દરવાજો તથા એક છત હોય તેવા ઘરને ઘર કહેવાય?

આ ઘર કેવું હતું? જ્યાં સ્મશાન જેવી શાંતિ હતી. ન ક્યાંય પિન્કીનો અવાજ કે પલ્લવીની બોલચાલ ! પરાગને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ અજાયબ ઘરમાં આવી ગયો હતો. ક્યાં ગઈ ઘરની ચહલપહલ? શું કોઈ રજાનો દિવસ કદી આવો નીરસ વીત્યો હતો? કદાચ કદી નહિ.

પિન્કી શનિવારની સાંજથી જ માથું ખાવા લાગતી, ‘પિતાજી કાલે આપણે ક્યાં જઈશું? પિતાજી સરકસ આવ્યું છે જોવા જઈશું ને?’

પલ્લવી પણ રવિવાર આવવાથી જાણે દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મેળવતી હતી. આ તે દિવસ હતો જયારે પરાગ બધું ભૂલીને ફક્ત તેના કુટુંબ માટે વિચારતો હતો. જેટલી બેચેનીથી પિન્કી રવિવારની રાહ જોતી, તેટલી જ ઉત્સુકતા પરાગને પણ રહેતી હતી. તે દિવસે પણ રવિવાર હતો, પરંતુ બીજા દિવસોથી કેટલો જુદો !

‘અરે ભાઈ, પરાગભાઈ ક્યાં છો?’ અચાનક પાડોશી રીતેશભાઈના અવાજથી પરાગ ચમકી ગયો. સિગારેટ ફેંકીને ઉઠી ગયો. ‘આવો, આવો ભાઈસાહેબ.’

‘શું વાત છે? ભાઈ હજુ સુધી સૂતા છો? તબિયત તો ઠીક છે ને?’ રીતેશભાઈએ પૂછ્યું.

‘તબિયત તો ઠીક છે. થોડી આળસ લઈને સૂતો હતો.’ પરાગે કહ્યું.

‘હા શ્રીમતીજી નથી ને આજકાલ, નહીંતર સવારથી જ દોડાદોડી રહેતી, ભાઈ જિંદગીની મજા લઇ લ્યો. હું તો પત્નીને લેવા જઈ રહ્યો છું. ખરેખર પત્ની અને બાળકો વિના ઘર ઘણું સૂનું લાગે છે. ઠીક તમે કહો, ક્યારે ભાભીજીને લેવા જાઓ છો?’ રીતેશભાઈએ કહ્યું.

પરાગ મૌન બની તેમની સામે જોઈ રહ્યો. જાણે તેમને ઓળખવા પ્રયત્ન કરી રહ્યો હોઈ ! થોડીવાર વાતચીત કરીને રીતેશભાઈ ચાલ્યા ગયા.

પહેલેથી જ વિચારમાં ડૂબેલો પરાગ રીતેશભાઈની વાતને યાદ કરીને વિચારવા લાગ્યો. રીતેશભાઈ સાચું તો કહે છે, ‘ઘર કેટલું વેરાન લાગે છે. પરંતુ શું તે તેની રોનકને પાછી લાવી શકે છે? શું પલ્લવી પાછી આવશે?’ અને અચાનક તે વીતેલા દિવસોની બાબતમાં વિચારવા લાગ્યો.

રમણ સાથે પરાગની મિત્રતા કેટલાક સમય પહેલાં થઇ હતી. તે નવો નવો ઓફિસમાં આવ્યો હતો. પરાગ એક દિવસ તેને ઘરે લઇ આવ્યો હતો. રમણ કુંવારો હતો. તેથી સાંજના સમયે તે પરાગના ઘેર જ આવી જતો. પલ્લવી અને પિન્કી સાથે તે થોડા સમયમાં જ ભળી ગયો. પિન્કી તો તેનો પીછો છોડતી જ નહીં.

ચાર વરસની પિન્કી તેના પિતાને પણ ઘણું વ્હાલ કરતી હતી. જયારે પરાગ પ્રવાસમાં જતો, ત્યારે તે ઉદાસ થઇ જતી હતી. અને તે જયારે પાછો આવતો, ત્યારે ઘણી ફરિયાદ કરતી હતી. પ્યારી અને માસુમ છે પિન્કી. પરાગની સ્મૃતિઓમાં પિન્કીની વાતો અને તેનો ભલો ભોળો ચેહરો દેખાઈ આવ્યો. તે વિચારતો કેવી રીતે રહેતી હશે પિન્કી? શું હજુ પણ તે તેના પિતાને યાદ કરતી હશે? પરંતુ ભૂલી પણ કેમ જાય? તેની જિંદગીના ચાર વરસ તો તેને તેના પિતાની ગોદમાં વિતાવ્યાં છે.

પરાગ પસ્તાઈ રહ્યો હતો. પરંતુ હવે તો સંબંધોની તિરાડ ખાઈ બનીને જઈ રહી હતી. કોણ વિચારી શકતું હતું કે તેનું પ્યારું ઘર આ રીતે વિખેરાઈ જશે. હજુતો તેમને ગયે આઠ મહિના જ વીત્યા છે. શું તે પલ્લવી વિના રહી શકશે? શું છુટાછેડા એ જ તેમની સમસ્યાનો હલ છે.

પલ્લવી ઘણુંખરું રમણના સ્વભાવની વાતો કરતી હતી. હસમુખ, શરીરે હૃષ્ટપુષ્ટ હોવાને લીધે રમણ ખૂબસુરત પણ હતો. રમણે શા માટે અત્યાર સુધી લગ્ન નથી કર્યા? પલ્લવી ઘણું ખરું તેના વિષયમાં વાત કરવા ઉપર તે એક અલગ વ્યક્તિત્વથી ઉત્પન્ન રુચિ જ સમજતો રહ્યો. દર અસલ તેની જિંદગી એટલી સુંદર રીતે વીતી રહી હતી કે કોઈ મુશ્કેલી ઊભી થશે તે બાબતમાં વિચાર્યું પણ નહોતું. પાંચ વરસના લગ્નજીવનમાં બંનેને કોઈ ફરિયાદની તક નહોતી મળી. પરંતુ રમણના આવવાથી પલ્લવી આટલી કેમ બદલાઈ ગઈ? કેમ કે તે પરાગ પ્રત્યે ઈમાનદાર ના રહી. પલ્લવી શરૂઆતથી જ હસમુખી અને આનંદી સ્વભાવની હતી. તેની સામે પરાગ ધીરગંભીર અને શાંત સ્વભાવનો હતો. તેને પ્રેમ કરવાની ઉચ્છૃંખલ રીત પસંદ નહોતી. પલ્લવીએ કોશિશ કરી પરાગને તેની રીતે જીવવાની પરંતુ કરી ના શકી. તે પોતે જ ક્યારે પરાગના વિચારો સાથે સહમત થઇ ગઈ તેની તેને પોતાને પણ ખબર ન પડી.

શું રમણની ઉચ્છૃંખલ વાતોના વ્યવહારે પલ્લવીની સૂતેલી ભાવનાઓને જગાડી દીધી? પરંતુ પરાગ કેમ અજાણ્યો બન્યો? તેના એકાંતમાં બેસવા પર કેમ શક ના કર્યો? પરંતુ એક દિવસ તો ચોંકી ગયો. જયારે રમણ તબિયત ખરાબ હોવાને લીધે રજા લઈને ઘેર જઈ રહ્યો હતો. પલ્લવીને રમણની સંભાળ રાખવા માટે કહીને
તે જાતે ડોક્ટરને ફોન કરવા ચાલ્યો ગયો. ડોકટરે ઓછામાં ઓછ ત્રણ દિવસ આરામ કરવાનું કહ્યું. પરાગે તેને આગ્રહ કરીને તેના ઘેર જ રોકી રાખ્યો હતો. આમ પણ તેના ઘેર કોઈ જ નહોતું, જે તેની સંભાળ રાખે. પરંતુ પરાગને શું ખબર કે રમણ જ તેના ઘરને બરબાદ કરી દેશે. બે દિવસમાં રમણ સારો થઇ ગયો. દરેક વખતે તે પલ્લવીની પ્રશંસા કરતો હતો. તેના સારા થયા પછી પણ પરાગે બે દિવસ વધારે આરામ કરવાની સલાહ આપી.

એક દિવસ બપોરે અચાનક પરાગ કોઈ કારણસર ઓફિસથી ઘેર આવ્યો તો તેને રમણને પલ્લવીની પાસે બેઠેલો જોયો. રમણના હાથ પલ્લવીના ખભા પર હતા અને તે હસતાં હસતાં કોઈ વાત કરતી હતી. અચાનક પરાગને તેણે જોયો, તો ગભરાઈને તેણે તેના હાથ પલ્લવીના ખભા ઉપરથી લઇ લીધા.

‘અરે તમે જલ્દી આવી ગયા?’ પલ્લવીએ મુસ્કુરાતા પૂછ્યું.

પરાગ કાંઈ ન બોલ્યો; બસ મૌન બનીને તેમને જોતો રહ્યો. પલ્લવી તેની નજરથી ધ્રૂજી ગઈ.

‘શું વાત છે? પરાગ, તું આટલી જલ્દી કેમ આવી ગયો?’ રમણે પૂછ્યું.

‘થોડું કામ હતું.’ પરાગે પોતાને સંભાળતા કહ્યું. રમણ અને પલ્લવી તેનો ચેહરો જોઇને ચમકી ગયા. પલ્લવીને ચા બનાવવાનું કહીને પરાગ રમણની સામે આવ્યો અને બોલ્યો, ‘રમણ, તું અહીંથી તાત્કાલિક ચાલ્યો જા. ફરીવાર અહી આવવાની હિંમત ન કરતો.’ પરાગે શાંત આવજે કહ્યું. ‘વાત શું છે? થોડું મારું તો સાંભળ.’ રમણ મુશ્કેલીથી બોલ્યો.

‘હું કાંઈ સંભાળવા માંગતો નથી.’ તરત પરાગ ગુસ્સે થઈને બૂમ પાડી ઉઠ્યો. પલ્લવી દોડી આવી અને પરાગને પૂછવા લાગી, શું થયું? જવાબમાં પરાગે એક તમાચો તેના ગાલ ઉપર મારી દીધો. પલ્લવી કાંઈ બોલી ન શકી. પરંતુ આંખમાંથી આંસુ નીકળી પડ્યાં.

રમણ ચુપચાપ ચાલ્યો ગયો. ત્યારબાદ આખીબરાત પરાગે જાગીને વિતાવી. તે નિરંતર એ જ વિચારતો રહ્યો કે છેવટે શું તેના પ્રેમમાં કમી રહી ગઈ હતી કે જેણે પલ્લવીને આવું કરવા મજબૂર કરી દીધી હતી. રમણે પણ મિત્ર બનીને તેની પીઠ પર છરો ભોંકી દીધો હતો.

પલ્લવી આખી રાત રડતી રહી. પિન્કી કોઈવાર મા પાસે આવતી તો કોઈવાર પિતા પાસે જતી. પરંતુ કોઈ જવાબ ન દેતા. સવારે પલ્લવી ચા-નાસ્તો બનાવીને લાવી. રાતના પણ બંનેએ ભોજન નહોતું કર્યું. પરાગ ઊંધા સૂતાં સૂતાં કોણ જાણે શું વિચારતો હતો ! પલ્લવીએ ધીમેથી તેને જગાડ્યો. બંનેની આંખો લાલ થઇ ગઈ હતી. પલ્લવીએ ચા આપી. પરંતુ તેણે ન લીધી. તે ચુપચાપ ઊઠી, કપડાં બદલવા લાગ્યો.

‘ચા તો પી લ્યો’. પલ્લવી બોલી. પરંતુ તેને જવાબ ના આપ્યો. ‘તમે રાતના પણ ભોજન કર્યું નથી. થોડું તો ખાઈ લ્યો.’ છતાં તે કંઈ ન બોલ્યો. ‘છેવટે શું વાત છે? જે તમે આવો વ્યવહાર કરી રહ્યા છો?’ પલ્લવી ભરાયેલા ગળે બોલી.

પરાગે ગુસ્સાથી તેની સામે જોયું. ‘વાત મને પૂછી રહી છે? છેવટે તે કેમ મારી સાથે વિશ્વાસઘાત કર્યો?’

‘પરંતુ મેં શું કર્યું છે?’ પલ્લવી હજુ પણ અજાણ રહી.

‘આટલું જાણવા છતાં અજાણ બનવાની કોશિશ ન કર. કોઈ ખરાબ માણસની સાથે આ રીતનું વર્તન કરવું એ શું તને શોભા દે છે? તું કોઈની પત્ની છે, એક બાળકીની મા છે.’ પરાગે આંખો કાઢીને કહ્યું. તો પણ પલ્લવી કાંઈ ન સમજી શકી અને તેને જતો રોકી પણ ન શકી.

ઓફિસમાં પણ પરાગનું મન ન લાગ્યું. રમણ પણ આવ્યો નહોતો. ઓફિસ છૂટ્યા બાદ પણ તે સડક ઉપર ઘૂમતો રહ્યો. સવારના કાંઈ ખાધું નહોતું, ઈચ્છા પણ નહોતી થતી.

ઘેર પહોંચીને પરાગે બેલ માર્યો. દરવાજો પલ્લવીએ ખોલ્યો. તેના તરફ જોયા વિના રૂમમાં ચાલ્યો ગયો. પરંતુ સામે રમણને જોતાં જ તેનો ગુસ્સો ભડકી ગયો. રમણને ગળેથી પકડીને ચીસ પાડીને બોલી ઊઠ્યો, ‘તારી સલામતી ઈચ્છતો હોય તો ઝડપથી ચાલ્યો જા. નહિતર તારું ખૂન કરી નાખીશ.’

‘પરંતુ મારી વાત તો સાંભળ.’ રમણ ભયભીત બનીને બોલી ઊઠ્યો.

‘તું ધારે છે તેવું કાંઈ નથી. તું ખોટું સમજી રહ્યો છે.’

‘હું કાંઈ સાંભળવા માંગતો નથી.’ પરાગ ચીસ પાડતાં બોલ્યો. ‘હું કોઈ નાનું બાળક નથી જે તું કહે તે માની લઉં, તરત જતો રહે.’

નિ:સહાય રમણ પલ્લવીની તરફ નજર નાખી બહાર ચાલ્યો ગયો. તેના જતાં જ પલ્લવી હિમ્મત કરીને તેની પાસે ગઈ. ચા આપવા ગઈ. પરંતુ તેને ઝાપટ મારીને ચાનો પ્યાલો દૂર નાખ્યો. ‘મારી સામેથી ચાલી જા. મારું દિલ સળગી રહ્યું છે. તને જોઇને.’ પરાગ ગુસ્સાથી બોલી ઊઠ્યો. પલ્લવી રડી પડી. ‘તમે ખોટું સમજી રહ્યા છો.’ તેની વાત પૂરી ન થઇ કે પરાગ બૂમ પાડી ઊઠ્યો. ‘સાંભળ્યું નહિ કે મેં શું કીધું? આ કરતાં ઘરમાંથી પણ ચાલી જા.’ એટલું કહીને મોં ફેરવીને પરાગ ચાલ્યો ગયો. પલ્લવી રડતી રહી.

પરાગ આખી રાત ક્યાં ભટકતો રહ્યો તેને યાદ નહોતું. બીજે દિવસે ઘેર આવ્યો તો પલ્લવી જતી રહી હતી. ચાવી પાડોશીને દેતી ગઈ હતી. અંદર દરેક વસ્તુ શાંત હતી. દરવાજો બંધ કરીને તે પલંગ ઉપર સૂતો. બીજે દિવસે પરાગ ઓફિસે ગયો તો રમણ જાણે તેની રાહ જોઈ રહ્યો હતો. રમણ તરત તેની પાસે આવ્યો. પરંતુ પરાગની ગુસ્સે થયેલી નજરને જોતાં તે પાછો વળી ગયો. ક્યાંક ઓફિસમાં ખબર ન પડી જાય. ત્યારબાદ રમણે કેટલીએ વખત કોશિશ કરી, પરંતુ પરાગ તેની વાતને કાપતો રહ્યો. ધીમે ધીમે પંદર દિવસ વીતી ગયા. તેની વચ્ચે પલ્લવીના બે પત્રો આવ્યા. પરાગે તેને વાંચ્યા વિના જ ફાડીને ફેંકી દીધા. કોણ જાણે કેમ તે પલ્લવીને કેમ માફ કરી શકતો નથી. પિન્કીની પણ તેને યાદ આવતી નહોતી.

પલ્લવીના ઘરવાળા હેરાન હતા. છેવટે વાત શું હતી? પલ્લવી વધારે વખત મૌન જ રહેતી. પરાગ મારફત વાત જાણવાની કોશિશ કરી. તેણે પલ્લવીના બદચલન બાબત કહી દીધું અને હવે તે છુટાછેડા લેવા વિચારે છે તેમ જણાવ્યું. આ વાત સાંભળી પલ્લવી તો બેભાન બની ગઈ. ભાનમાં આવતા કાંઈ ન બોલી. છેવટે એક દિવસ છુટાછેડાની નોટિસ આવી ગઈ. પલ્લવીએ ચુપચાપ સહી કરી દીધી. માના પૂછવાથી પલ્લવીએ કહ્યું કે તેના અને રમણ વચ્ચે આવું કશું નહોતું, જેવું પરાગ સમજે છે. પરંતુ તે કાંઈ સમજવા જ માંગતો નહોતો. હવે જો તે ઈચ્છે તો છુટાછેડા લઇ લઉં એટલું કહેતાં તે રડી પડી. માએ આશ્વાસન આપ્યું. પલ્લવી બોલી, ‘જો તે સંબંધ બને તો હંમેશા મારી ઉપર શક કરતા રહેશે. તેથી છુટાછેડા લઇ લઉં.’ મા કહે ‘તું કહે તો હું જઈને તેને સમજાવવાની કોશિશ કરું?’ પલ્લવીએ ના પાડી.

કોર્ટની કાર્યવાહી ચાલતી રહી. પરંતુ ફેંસલો ન થયો. વકીલે કહ્યું હતું કે થોડા દિવસોમાં તેને છુટાછેડા મળી જશે.

પરાગ કાલ તો વકીલને મળીને આવ્યો હતો. વકીલે તેવું જ કહ્યું હતું તો પછી કેમ તે ચિંતામાં હતો? શું પિન્કીની યાદ આવી રહી હતી? તે આઠ મહિનામાં એક પણ વખત તેને મળવા ગયો નહોતો. શા માટે તે એકલપણાથી ગભરાય છે? શું કરે? કાંઈ જ સમજમાં આવતું નથી. પરાગે જો પલ્લવી બગડી ગઈ હતી તો શું તેને સમજાવી શકતો નહોતો?

ટીન….. ટીન અચાનક બેલ વાગ્યો. પરાગે દરવાજો ખોલ્યો તો સામે રમણ ઊભો હતો. તે દરવાજો બંધ કરવા જતો હતો, પરંતુ રમણ તેને ધક્કો મારીને અંદર આવી ગયો. તેના અસ્તવ્યસ્ત વાળ, ચડી ગયેલી દાઢી જોઇને પરાગને થયું કે તેનું ગળું દબાવી દે. પરંતુ આ શું રમણ તો રડી રહ્યો હતો.

‘પરાગ, આજે મારે તને મારી વાત સાંભળવી જ પડશે. પછી તું ભલે મારું ખૂન કરી દે. મારી અને પલ્લવી વચ્ચે આવું કાંઈ જ બન્યું નથી, જેવું તું સમજે છે. તારા જેવા મિત્રની સાથે મિત્રના સિવાય એક કુટુંબી જેવો પ્રેમ હતો. તે મને સહારો દીધો છે. પરંતુ તને મારા વ્યવહારથી ગેરસમજ થઇ છે. હું સમજુ છું કે મારે અવો વ્યવહાર ન કરવો જોઈએ. પહેલા કદી મને આવું નથી થયું કે મારા આવા વ્યવહારથી ખોટું થઇ શકે. તારી જગ્યાએ બીજા કોઈ હોય તો પણ તારા જેવું જ સમજે. વિશ્વાસ રાખ, પરાગ, જરા વિચાર, જો મારી અને પલ્લવીની કોઈ વાત હોત તો શું અમે સાવધાની ન રાખત. કેમ દરવાજો ખુલ્લો રાખેલ. હા, મારા હાથથી તેના માથે હાથ દેવાની રીત જરૂર ખોટી હતી. પરંતુ પલ્લવીએ પણ કદી કહ્યું નહિ કે આવો વ્યવહાર ખોટો છે. તે દિવસે હું મારી પ્રેમિકા રીતાની વાત કરી રહ્યો હતો, તે વખતે જયારે તું આવી ગયો. અમે વાતના અંત સુધી પહોંચ્યા હતા. ત્યારે તેં સમજવાની કે પૂછવાની કોશિશ ન કરી અને મેં વિચાર્યું કે તારો ગુસ્સો ઠંડો પડશે પછી વાત કરીશ. પલ્લવી તને બધી વાત કરવાની જ હતી. પરંતુ તેને મળ્યો તો ખબર પડી કે તું છુટાછેડા લેવાનો છે. સાંભળતાં જ દોડ્યો આવ્યો છું. આટલા દિવસથી તક શોધી રહ્યો છું. પરંતુ વાત જયારે હાથથી નીકળતી જઈ રહી છે ત્યારે મારાથી રહેવાયું નહિ. મારા વ્યવહારની સજા તું મને દે પરાગ. પલ્લવીને નહિ. તારી સજા તેના માટે અસહ્ય બની ગઈ છે. હું જાણું છું કે તે કેવી રીતે રહી છે. અને તું તો વરસોથી બીમાર લાગે છે. પિન્કી તેનું બાળપણ ભૂલી ગઈ છે. દરેક વખતે ગંભીર અને ગુમસુમ રહે છે. બસ, મારે આટલું જ કહેવાનું છે. હવે જેમ ઈચ્છે તેમ સજા કર.’ આટલું બોલીને રમણ જોરજોરથી રડી પડ્યો.

પરાગે રમણને દ્વિધામાંથી ઉગાર્યો ને તેના બંને હાથને સહારો આપીને બોલ્યો, ‘ મને માફ કરી દે રમણ, ખરેખર મારી જ ભૂલ હતી. સારું થયું તે મને સચ્ચાઈ બતાવી દીધી. નહિતર મારું ઘર ઉજડી જાત. પરંતુ પલ્લવીએ મને તે વાત પહેલા કેમ ન કરી?’

‘તેં તેને તક જ ક્યાં આપી હતી? તેણે પત્ર પણ લખ્યો હતો. પરંતુ તેં તેની વાતમાં વિશ્વાસ નહિ કર્યો હોય.’
‘પત્ર?’ પરંતુ પરાગે પત્ર તો વાંચ્યા વિના જ ફાડી નાખ્યા હતા. ‘હજુ પણ કાંઈ બગડ્યું નથી, દોસ્ત.’ રમણે તેના ખભે હાથ રાખીને કહ્યું, ‘તું હજુ પણ પલ્લવીને બોલાવી શકે છે.’

‘હા, હા, જરૂર તેને લેવા જઈશ.’ પરાગની આંખો ભરાઈ આવી. થોડીવારમાં જ પરાગ પલ્લવીને લેવા ચાલ્યો ગયો. તેના સસરા બહાર જ ઊભા હતા. તે તેમને પગે લાગવા ગયો તો તેમણે ગળે લગાડીને કહ્યું, ‘ રમણે ફોન કરીને જાણ કરી હતી કે તમે આવો છો.’ પરાગની નજર પલ્લવીને શોધી રહી હતી. પરંતુ તે દેખાતી નહોતી.

‘પલ્લવી ઉપર રૂમમાં છે. તમે જઈને તેને કહો, અમે તેને કહ્યું નથી.’ પરાગને મૂંઝાતો જોઇને તેની સાસુએ કહ્યું.

પરાગે ઉપર જઈને પલ્લવીની નજીક બેસીને કહ્યું, ‘પલ્લવી હું તને લેવા આવ્યો છું. આપણા ઘરે ચાલો. હું શરમ અનુભવું છું. મેં તને શકની નજરથી જોઈ, મને માફ કરીદે પલ્લવી.’

‘ના, ભૂલ મારી પણ હતી.’ પલ્લવીએ કહ્યું, ‘કોઈ પણ સ્ત્રીએ કોઈપણ પારકા પુરુષની સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. તમે મને દાખલો આપ્યો.’ એટલામાં પલ્લવીની બહેન પિન્કીને લઈને આવી ગઈ. તે કેટલી કમજોર થઇ ગઈ હતી. પરાગે તેને ખોળામાં બેસાડી.

છુટાછેડાની કાર્યવાહી ખતમ કરવા માટે પરાગ વકીલને કહેવા લાગ્યો હતો. તેમણે અભિનંદન આપતાં કહ્યું કે ‘આ જ સાચો ફેંસલો છે. માણસે ભૂલો સુધારી લેવી જોઈએ.’ પરાગની જિંદગી પહેલાંથી વધુ સુંદર બની ગઈ. પરંતુ રમણ હમણાંથી ક્યાંક ગુમ થઇ ગયો હતો. છેવટે એક સપ્તાહ પછી તે ઓફિસે આવ્યો, ‘ઘણાં ઘણાં અભિનંદન દોસ્ત, તમારો અહેસાન જિંદગીભર નહિ ભૂલું.’ પરાગને જોતાં જ પાસે આવીને બોલ્યો.

‘અહેસાન કેવો દોસ્ત? અહેસાન તો તેં કર્યો છે, મારી ઉપર. મારી વિખાયેલી દુનિયા ફરીથી વસાવી દીધી છે.’ પરાગ બોલ્યો, ‘ઠીક એ તો કહે કે આટલા દિવસો ક્યાં હતો?’

‘શું બતાવું? રીતાનું જ ચક્કર છે. તારા ઝગડામાં પડવાથી તેને પણ ન મળાયું.’ રમણ બોલ્યો. ‘તને મળીને તેના ઘરે ગયો તો તેના માતાપિતાએ તેની સગાઇ બીજે કરવાનું નક્કી કરી નાખ્યું. હવે તારી મૂંઝવણ તો મટાડી શક્યો છું. મારું કામ સુધારવાનું હતું તો ઝડપથી રીતાને માનવી શક્યો છું. તેના માતાપિતાને માનવીને આવ્યો છું.’ કહેતા રમણ હસી પડ્યો.

‘તો સગાઇ કરી લ્યો ને !’

‘તારી અને પલ્લવીભાભી વિના કેવી રીતે કરું? તમારા આશીર્વાદ લેવા જરૂરી છે.’

‘તો ચાલ ઘેર.’ પરાગે કહ્યું.

‘બસ એક વખત તું છોકરી પસંદ કરી લે.’

‘જો મેં પસંદ ન કરી તો?’ પલ્લવી હસીને બોલી.

‘તો આજીવન કુંવારો રહી જઈશ. પરંતુ હું જાણું છું કે તમે આવું કદી નહિ ઈચ્છો.’ રમણે કહ્યું તો બધા હસી પડ્યા.

બધી મૂંઝવણ દૂર થઇ ગઈ હતી. પરાગનું ઘર પહેલાની જેમ હસી રહ્યું હતું.

*
સંપર્ક :
૮ – પરિમલ સોસાયટી, પૂર્વાલય, સુરેન્દ્રનગર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ઘર – કુસુમ ભૂપેન્દ્ર દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.