(રીડ ગુજરાતીને પ્રસ્તુત નિબંધ પાઠવવા બદલ મીનાક્ષીબેન વખારિયા (મુંબઈ)નો ખૂબ ખૂબ આભાર. રીડ ગુજરાતી પર તેમનું હાર્દિક સ્વાગત છે. તેમની કલમ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. આપ તેમનો vakhariaminaxi4@gmail.com પર સંપર્ક કરી શકો છો. તેમનો આ નિબંધ મુંબઈથી પ્રસિદ્ધ થતા ‘સર્જનહાર’ સામયિકના માર્ચ-૨૦૧૮ના અંકમાં પ્રકાશિત થયો છે.)
એક સાંજે હું જુહુ ચોપાટી તરફ ફરવા ગયેલી; અચાનક જ મારી નજર નવા બંધાયેલા એક બંગલા પર પડી, એનું નામ ‘નિરાંત’ હતું. એમ તો ‘આશિયાના’, ‘પરિતોષ’, ‘ઘરોંદા’, ‘બસેરા’ એવા ઘણાં નામ વાંચવામાં આવ્યા, પણ ‘નિરાંત’ નામે મારા દિલને જીતી લીધું. એ ઘર બનાવનારને એમાં વસીને નિરાંતની સુંદર અનુભૂતિ થઈ હશે, તેથી જ કદાચ એ નામ રાખ્યું હશે. નિરાંત શબ્દ વિશે વિચારતાં જ મારું રોમરોમ પુલકિત થઈ ઉઠે છે. આકાશે ઉડતા વિહંગો સાંજ પડે પોતીકા માળામાં પહોંચવા કેવા ઉતાવળા હોય છે? પશુઓ પણ ગોરજ ટાણે પોતાના વાડા કે નેસ તરફ પાછાં ફરે છે ત્યારે તેમની ઘુઘરિયાળી ચાલમાં વર્તાતો ઉમંગ, ધ્યાનથી જોજો. તમારાં દિલનાં તાર પણ રણઝણી ન ઊઠે તો કહેજો ! સ્વાભાવિક છે દિવસભરની હડિયાપટ્ટી પછી માણસ પણ પોતાના ઘરે પહોંચી નિરાંત મેળવવા ઉતવાળો થાય જ, એટલે જ તો જે કહેવાયું છે તે સાચું જ છે કે ‘ધરતીનો છેડો ઘર’. જ્યાં વસવાથી જીવને પરમ શાંતિ, આરામ, પ્રેમ અને લાગણીભીની એક છત મળતી હોય, તેનાથી થોડા દિવસ પણ વિયોગ સહન કરવાનો આવે તો એને ઘર ઝુરાપો સતાવવા લાગે છે, દુનિયાના કોઈ પણ હસીન છેડે તે રહેતો હશે તોયે તેને થાય જ કે ‘ક્યારે ઘરભેળો થાવ ને નિરાંતનો શ્વાસ લઉં !’
જે ઘરમાં પ્રવેશવા માત્રથી જીવને શાંતિ અને નિરાંતનો અનુભવ થાય એ જ સાચું ઘર, પછી ભલે ને એક જ ઓરડીનું કેમ ના હોય ! મોટી હવેલી ના સહી પ્રેમ, લાગણી, હૂંફનો અહેસાસ કરાવતી નાની ઝૂંપડી હોય તોયે જીવવાનો મકસદ સરે છે. જ્યાં સંવેદનાની, પોતીકાપણાની બાદબાકી હોય અને માત્ર ચાર દીવાલ અને માથે છત હોય તેને ઘર કહેશો? ઘર તો પરિવારના સભ્યોની સંવાદિતાથી, પ્રેમથી હર્યુભર્યું હોવું જોઈએ. ઘર એ એમાં રહેતાં લોકોના સ્વભાવનું, માનસિકતા અને ચરિત્રનું પ્રતિબિંબ પાડે છે. ઘરમાં રહેનાર દરેક સભ્યને, માત્ર જગ્યાની નહીં, પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા મનની મોકળાશ મળવી જોઈએ. આજે સંયુક્ત પરિવારો તૂટી રહ્યાં છે છતાંયે જે થોડા ઘણાં બચ્યા છે તે અન્યોન્યનાં માનસન્માન અને પોતીકાપણાની ભાવનાથી. આવી ભાવનાથી સાથે રહેનાર પરિવાર સાચા અર્થમાં ઘરમાં રહેતો હશે મકાનમાં નહીં, અહીં તેને શત:પ્રતિશત સુરક્ષિતતા મળી રહેતી હોય છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી નાનામોટા સૌનો સારોનરસો સમય સચવાઇ જાય છે. કપરાં સમયમાં ઘરમાં વડીલો હોય તો તેમની સાચી સલાહ અને હૂંફ મળી રહેતી હોય છે. જે સુખી જીવન માટે બહુ જ અનિવાર્ય છે. નાના બાળકો અને વડીલ વૃદ્ધ એકબીજાનાં પૂરક બની અન્યોન્યનો સહારો બની રહેતા હોય છે. આંગણે આવેલાં અતિથિ માટે જે દીવાલો પણ બોલકી બની આવકારો આપતી હોય તે ઘર સ્વર્ગ સમાન છે. સુઘડ, સ્વચ્છ ઘર સૌ કોઈને ગમે, આવું દરેક વખતે સંભવ નથી, ઘરમાં બાળકો હોય તો તેમનાં રમકડાં, ચોપડા આમતેમ વિખરાયેલા હોય શકે, આવું તો પોતાનું ઘરમાં જ શક્ય બને ! ઘર છે ચાલ્યા કરે… એટલે જ આપણે ત્યાં આવતાં પરોણાને એમ કહેતા હોઈએ છીએ કે, ‘ભાઈ, ઘર સમજીને રહેજો.’ આ એક વાક્ય ઘણું ઘણું કહી જાય છે. અમારાં ઘર નજીકની એક દુકાનમાં એક મરાઠી સુવાક્ય હંમેશાં વાંચવા મળે છે, ‘દુકાન આહે લહાન, મન આહે મહાન’. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કહેવું જોઈએ કે, ‘મકાન આહે લહાન મન આહે મહાન’. દિલની બાદશાહી તો હોવી જ જોઈએ. પોતાના ઘરમાં જ માણસ પોતાની રીતે રહી શકે, કોઈ રોકટોક નહીં કે ખોટા દેખાડાની જરૂર નહીં. અલબત ઘર બહાર તો માણસ માત્રએ સભ્યતાનો અંચળો ઓઢવો જ રહ્યો.
આપણે સૌ કોઈ ઘર ઘર રમતાં રમતાં મોટા થયા છીએ. નાનપણથી જ આ તારું ઘર આ મારું ઘર, એ બીજ અજાણપણે આપણાં મનમાં રોપાઈ જાય છે અને મોટા થતાં થતાં એ બીજ એક અનિવાર્ય સપનાનાં વૃક્ષરૂપે પોતાની જડ આપણાં મનોજગતમાં ઊંડે સુધી ઉતારી દે છે. તેમાંથી જ ‘મારું પોતાનું પણ એક ઘર હોય તેવી ભાવના જન્મ લે છે.’ એટલે જ સૌ કોઈને પોતાના એક ઘરની ઝંખના પૂરી કરવાની તાલાવેલી હોય છે, જ્યારે ખુદનાં નામની તકતી ઘર બહાર લાગે ત્યારે જ તેને નિરાંત મળતી હોય છે. જેને ઘર કે કામધંધાના ઠેકાણા ન હોય તેનાં માટે એમ કહેવાય છે કે, ‘એનું તો ગામમાં ઘર નથી ને સીમમાં ખેતર નથી.’ આજના જમાનામાં પોતાનું ઘર હોવું તે સ્ટેટસ ગણાય, કારમી મોંઘવારીમાં પોતાનું ઘર વસાવું અતિશય દોહ્યલું છે અને તે સપનું સાકાર કરવા માટે સ્ત્રી અને પુરુષ તત્પર બન્યા છે. સમાજના સમીકરણો બદલાઇ રહ્યા છે, ભૂખ્યા અજગરની જેમ મોંઘવારી મોં ફાડી રહી છે ત્યારે સ્ત્રીપુરુષ બંનેએ ખભેખભા મિલાવી તેનો સામનો કરવાનો આવ્યો છે. આનંદની વાત છે ઘર બહાર નીકળેલી સ્ત્રી કસોટીમાંથી પણ સુપેરે પાર ઉતરી છે. તેથી જ ઘર અને બહારનો મોરચો સહજતાથી સંભાળી લેતી સ્ત્રી, સન્માનની હક્કદાર બને છે.
‘યત્ર નાર્યસ્તુ પૂજયતે રમન્તે તત્ર દેવતા ||’ હા, જી હા, જે ઘરમાં નારીને માનસન્માન મળશે ત્યાં જ ઈશ્વરનો વાસ થશે. ઘર જ એક મંદિર બની જાય તો મંદિરે જવાની શી જરૂર? તોયે ઘણે ઠેકાણે નારીને મળવું જોઈએ તે માન સન્માન નથી મળતું. સદીઓથી સંસારનો મુખ્ય આધાર સ્તંભ બની રહેલી નારીની ઘોર અવહેલના થતી આવી છે. અબુધ દેખાતો સમાજ શું ખરેખર અબુધ હશે? શંકા ઉપજે છે. નારી જ ઘરનો આત્મા છે, તે હસતે મોઢે, વિના કોઈ અપેક્ષાએ આખા ઘરની જવાબદારી પોતાના નાજુક ખભા પર ઉપાડી, ઘરનાં પ્રત્યેક સભ્યની જરૂરિયાત પૂરી કરતી હોય છે તોયે પુરુષપ્રધાન સમાજમાં તેનાં અભિપ્રાયને, અસ્તિત્વને મહત્તા નથી અપાતી. ઉલ્ટાનું તને શું સમજ પડે કહીને ઉતારી પાડવામાં આવે છે, તેને પોતાના ઘરમાં હોવા છતાં પરાયાપણાની લાગણી થાય છે. પરણ્યા પછી માબાપનું ઘર પરાયું થઈ જતું હોય, પતિનું ઘર પણ જો તેનું નથી, તો એક પ્રશ્ન જરૂર ઊઠે કે પોતાનું ઘર કયું?
સદનસીબે મને મારાં સપનાનું ઘર મળ્યું છે. વિશાળ બારીઓમાંથી મંડરાતી લીલોતરી, ગુલમહોર ને ગરમાળો એક મજાનાં લેંડસ્કેપની ગરજ સારે છે. વર્ષાઋતુમાં તો મને મળેલાં મારાં આકાશનાં ટુકડામાંથી ડોકિયા કરતી સધ્યસ્નાતા પ્રકૃતિને જોઈને અવર્ણનીય આનંદ મળે છે. હરિયાળી અને વૃક્ષોને લીધે પંખીઓનું સાનિધ્ય અનાયાસે મળે જ. એ પંખીઓના કલરવ સાથે ભળતો, ઈશ્વરીય દેન સમી મારી ત્રણ ત્રણ દીકરીઓનો કલશોર મારા પોતીકા ઘરઆંગણને જીવંત રાખતો હતો. સમયને સરતાં વાર નથી લાગતી, આજે એ બધીયે પોતાનો માળો બનાવવા પોતપોતાના ઠેકાણે ઊડી ગઈ છે. ત્યારે મનમાં વિચાર આવે છે કે ‘શું અમારાં જીવનનું અવિભાજ્ય અંગ બનેલી, અમારાં સુખદુ:ખની સાક્ષી બનેલી ઘરની આ મૂક દીવાલોને પણ દીકરીઓના કલશોરની ખામી વરતાતી તો હશે ને? તેને દીકરી ઝુરાપો તો લાગતો હશે ને?’ ખેર, ત્યારથી મારી એકલતાની એકમેવ સંગિની બની રહેલી મારા ઘરની દીવાલોએ તેનામાં સંગોપાયેલા સ્નેહ, સન્માન અને હેતપ્રીતનાં સ્પંદનો વડે સતત ધબકતાં રહીને આજે પણ મારાં ઘરને જીવંત રાખી અમને હકીકતમાં નિરાંત બક્ષી છે.
છેલ્લે શ્રી. મોહન મઢીકરનાં ઘર વિશેના કાવ્યમાંથી એક પંક્તિ સાથે વિરમુ છું.
‘ઘરમાં રહું છું હું, ને મુજમાં રહે છે ઘર,
લોહી બની સદા આ નસમાં વહે છે ઘર !’
21 thoughts on “ઘર – મીનાક્ષી વખારિયા”
તમારા શબ્દો મારા દિલમાં ‘ઘર’ કરી ગયા. સદનસીબે(!) નાનપણમાં આઠ – નવ ‘ઘર’ બદલ્યા છે. હા મકાન નહીં કહું કારણકે તેમની જોડે માયા બંધાયેલી છે. ચેન્નાઈમાં પીજી તરીકે અને અહીં નોઈડામાં ગેસ્ટહાઉસમાં રહ્યો ત્યાં “ઘર” જેવી માયા નહોતી લાગી. તમારો લેખ આવ્યો ‘ને હવે “ઘર” બદલવાનું છે. આ લેખની સાથે સાથે વડીલ ધીરુબેનની વાર્તા “વીનીનું ઘર” યાદ આવી ગઈ. છેલ્લે; જે છત નીચે આવતા “શુકુન”નો અહેસાસ થાય એ ઘર. મીનાક્ષીબેન, લેખ ખૂબ ખૂબ ગમ્યો.
ગોપાલભાઈ, ઘર જ એક એવી જગ્યા છે જ્યાં માણસ કોઈપણ જાતના બંધન, આડંબર વગર રહી શકે છે…ઘરની બહાર નીકળો કે તરત જ સામાજિક નિયમોના દાયરામાં જ રહી આવડે તેવું જીવી લેવું પડે છે.
ખુબ સાચી વાત..
ઘરઝૂરાપો એને જ ખબર હોય જે ઘરથી સેકન્ડો કોસ દૂર રહેતા હોય!
ઘર કાચું હોય કે પાકું પણ ત્યાં પરિવાર હોય, સ્નેહ ને પ્રેમ હોય, હુંફ અને સમ્માન હોય.. ત્યાં જ નિરાંત હોય.
Thanks Meera
A lovelyarticle Much enjoyed
Thanks NILABEN
અદ્ભુત્ સાચુ કવ તો હવે તો ઘર નુ નામ નિરાન્ત આપવુ અવુ નક્કી કર્યુ
Thanks Tarunbhai
ખૂબ સુંદર લેખ મીનાક્ષીદીદી.
ઘર…શબ્દ આવે એ..વાંચવામાં..વાતોમાં..ચિત્રમાં ને મનમાં નિરાંત થાય તો એ ઘર..ની તો એ એક મકાન…મકાન તો ઘરીબ..ધનવાન બધાં પોતાની સ્થિતિ પ્રમાણે બાંધે પણ એ મકાનને ઘર સ્વરૂપ આપવું એ સ્ત્રીના હાથમાં છે..સ્નેહના એક તાંતણે આખા ખુટુંબને બાંધી.
Thanks lataben
વાહ સુન્દર્…નિરાન્ત થૈ..
Thanks Darshnaben
‘ઘરમાં રહું છું હું, ને મુજમાં રહે છે ઘર,
લોહી બની સદા આ નસમાં વહે છે ઘર !’
અદ્ભુત્
Thanks Nakulbhai
બેન ઘર વિશેનો તમારો નિબંધ બહુજ ગમ્યો! આના ઉપરથી એક કાઠીયાવાડી ભજનની પંક્તિ યાદ આવેછે
ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, ઘરમા ગોકુળીયું ગામ રે મારે નથી જાવુ તિરથધામ એજી મારે નથી જાવુ તિરથધામ
Thanks Gordhanbhai
Thanks bhai
મીનાક્ષીબેનનો ઘર વિશેનો લેખ ખરેખર રોમાંચ જન્માવે છે. અદ્ભુત લેખ વાંચવા મળ્યો.
Thanks bhai
તમારા શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા છે. ‘ઘર’ ના આ નિબંધમાં તમે સારું કામ કર્યું છે. તમારો આભાર