ઘર ચકલી : માનવ વસવાટનું સૌથી નિકટનું પક્ષી – ડો. એચ. એસ. વર્મા, ડો. આર. એમ. પટેલ અને પ્રો. એમ. બી. ઝાલા

માદા અને નર ચકલી

ઘર ચકલીએ દુનિયાના મોટા ભાગના પ્રદેશોમાં જોવા મળતું અને સદીઓથી માનવ સાથે સંકળાયેલું પક્ષી છે. જે વિશ્વભરમાં એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકા ખંડમાં બધે જ જોવા મળે છે. માનવ વસ્તી સાથે હળી-મળી ગયેલું આ પક્ષી હંમેશા પ્રસન્નચિત્ત રહી આપણી આસપાસનું વાતાવરણ પણ પ્રફુલ્લિત કરી નાખે છે. ચકલી વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારનાં નામથી ઓળખાય છે. દા.ત., હિન્દી ભાષી તેને ગૌરૈયા, તામિલનાડુ અને કેરાલીયન લોકો તેને કુરુવી, તેલુગુમાં તેને પીચુકા, કન્નડમાં તેને ગુબ્બાચેહી, મહારાષ્ટ્રીયન તેને ચિમની, જમ્મુ કાશ્મીરમાં તેને ચેર, પંજાબીઓ ચૈર ઇન અને ગુજરાતીઓ તેને ચકલી કહે છે. બાળપણમાં સૌથી પહેલા જોયેલું, ઓળખેલું તેમજ સવારના સમયે ચીં… ચીં… એવા ગુંજનાદ વડે વાતાવરણને ગુંજવી દેતું પક્ષી એટલે ચકલી

જેના બાળગીતો, વાર્તાઓ ખૂબ જ પ્રચલિત છે. એક સમયે વિશ્વભરમાં સૌથી વધારે જોવા મળતું આ પક્ષી આજે જ્યારે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે તેની ઘટતી જતી સંખ્યા એ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. વિવિધ પર્યાવરણીય સંગઠનો દ્વારા તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં છેલ્લા દાયકા દરમ્યાન તેમની સંખ્યામાં ૬૦-૮૦% ઘટાડો થયો છે. વિશ્વભરમાં તેના તાજેતરના ઘટાડાને લીધે તેને ના ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) ધ્વારા રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યુ છે.

એને ધ્યાનમાં લઈને લોકોમાં ચકલીના સંરક્ષણ માટેની જાગૃતતા વધે એવા ઉમદા હેતુથી સરકાર દ્વારા તેને વર્ષ ૨૦૧૨માં દિલ્હીનું રાજ્ય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું. લુપ્ત થતી ચકલીઓના બચાવ માટે નેચર ફોરએવર સોસાયટી દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ જેવીકે BNHS (બોમ્બે નેચરલ હેસ્ટરી સોસાયટી), ઇકોસીસ ફાઉન્ડેશન(ફ્રાંસ), કોર્નેલ લેબ ઓફ ઓર્નીથોલોજી (USA), એવોન વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ (UK)ના સહયોગથી ૨૦મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. ચકલીનું જીવન ચક્ર, વર્તણુંક, વસ્તીમાં થતા સદંતર ઘટાડાના કારણો અને તેનું સંરક્ષણ વગેરેની માહિતી નીચે પ્રમાણે આપેલ છે.

કદ અને દેખાવ :

ચકલી એક નાનકડું ૧૪ થી ૧૬ સે.મી. લંબાઈ ધરાવતું હલકા ભૂખરા કે સફેદ રંગનુ પક્ષી છે. તેની ચાંચ મજબુત અને પીળા રંગની હોય છે. નર ચકલીની ઓળખ એના ગળાની આસપાસ આવેલા કાળા ડાઘ પરથી કરી શકાય છે. નર ચકલીનાં માથાનો ઉપરી ભાગ, નીચેનો ભાગ અને તેના ગાલ ભૂખરા રંગના હોય છે. ગળું, ચાંચ અને આંખો પર કાળો રંગ હોય છે અને પગ ભૂખરા રંગના હોય છે. માદા ચકલીનાં માથા અને ગળા પર ભૂખરો રંગ નથી હોતો. લોકો નરને ચકલો અને માદાને ચકલીના નામથી ઓળખે છે.

જીવન ચક્ર :

ચકલીનાં ઈંડા લંબગોળાકાર, લીલાશ પડતા સફેદ રંગના અને તેના પર ભૂખરા રંગની છાંટ હોય છે. સામાન્ય રીતે ચકલી ૪ થી ૫ ઈંડા મુકે છે. ઈંડા મુકવાની પ્રક્રિયા સામાન્ય રીતે વાતાવરણ, માદાની ઉંમર તથા તેની પ્રજનન ક્ષમતા પ્રમાણે અલગ અલગ જોવા મળતી હોય છે. તેના ઈંડા સેવનનો સમયગાળો ૧૧ થી ૧૪ દિવસનો હોય છે. ઈંડામાંથી નિકળતા બચ્ચાં સામાન્ય રીતે ૧૪ થી ૧૬ દિવસ સુધી માળામાં રહે છે. ચકલીનાં બચ્ચા સામાન્ય રીતે ચાર દિવસ બાદ પોતાની આંખો ખોલે છે.

અવાજ :

ચકલી આખું વર્ષ ચીં…ચીં…જેવા અવાજનું વારંવાર પુનરાવર્તન કરતી હોય છે. જે ઓગષ્ટમાં ઓછું અને ઠંડી અને વરસાદના દિવસોમાં વારંવાર બંને જાતિઓ ચીં…ચીં…કરે છે. માદા નર સાથી વગર વધુ અવાજ કરે છે. મોટાભાગનાં અવાજો માળાના સ્થળ સાથે સંકળાયેલા હોય છે.

ખોરાક અને વસવાટ :

તે અનાજના દાણા, ઘાસના બીજ, વૃક્ષના ટેટા જેવા નાના ફળો, ઇયળો, ફૂદા, મોલો ખાતા હોય છે તેમ છતાં પોતાના બચ્ચાને પોષણ માટે મુખ્યત્વે જીવાતો જેવી કે મોલો અને ઇયળો ખવડાવે છે. શહેરો, કસ્બાઓ, ગામડાઓ અને ખેતરોની આસપાસ ચકલીઓ મોટેભાગે જોવા મળે છે. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા ઘરોની આસપાસ રહેવાનું વધુ પસંદ કરે છે.

માળો બાંધવો :

પક્ષીઓ સામાન્ય રીતે વ્રુક્ષોની બખોલમાં કે વ્રુક્ષો પર માળાં બનાવતા હોય છે. જ્યારે ચકલી માનવ વસાહતની આસપાસની જગ્યામાં જ માળો બાંધે છે. ઘરની દીવાલોના બાકોરામાં, ઘરની અંદરની અભરાઈઓ, નળિયાં કે છાપરાં નીચેના પોલાણો, ટ્યુબલાઇટની પટ્ટીઓ કે ફોટો ફ્રેમની પાછળ પોતાનો માળો બનાવતાં હોય છે. ચકલીનો માળો મુખ્યત્વે ઘાસ, તણખલાં, રૂ, સળીઓ, દોરા વિગેરેનો બનેલો હોય છે. માળાના સ્થળની પસંદગી નર દ્વારા કરવામાં આવે છે. જ્યારે માળો નર અને માદા બંને સાથે રહી બાંધે છે.

વર્તણુંક :

ચકલી મોટેભાગે સમુહમાં રહેનારુ પક્ષી છે. સંવનન ઋતુમાં નર માદાને આકર્ષવા ગીતો ગાય છે. જે સાંભળી માદા નરને પસંદ કરે છે અને ટોળાં વચ્ચે પણ એકબીજાને ઓળખી કાઢે છે. નર માળા માટેનું સ્થળ પસદ કરી, ગીતો ગાઈને માદાને બોલાવે છે. જો માદાને સ્થળ પસંદ આવે તો નર આજુબાજું ઉડાઉડ કરે છે, તેમજ પોતાની પાંખો ધ્રુજાવે, પુછડી ઊંચી કરી ખુશી વ્યક્ત કરે છે. તેમનો માળો દુર કરવામાં આવેતો દ્રઢ નિશ્ચય અને જોશથી ફરીથી માળો બનાવે છે. પોતાના માળાની નજીક આવતા બીજા પક્ષીઓથી બચાવ કરે છે. માદા ચકલીઓ ખોરાક અને વસવાટની જગ્યા પર નાના કદની હોવા છતાં નર ચકલી કરતાં વધારે પ્રભાવશાળી હોય છે તેમજ સંવનન ઋતુ દરમ્યાન ઘણી વાર નર માટે ઝગડતી પણ જોવા મળે છે. નર ખુબ જ આક્રમક હોય છે જે અરીસામાં પોતાના પ્રતિબિંબને પોતાનો જ હરીફ સમજીને ચાંચ મારવાની વર્તણુંક સાથે સામાન્ય રીતે જોવા મળે છે. તેઓ શરીરને સ્વસ્થ રાખવા જૂંડમાં પાણીમાં તેમજ ધૂળમાં નહાવાનું પસંદ કરતી હોય છે. ચકલીઓ માંથુ ખંજવાળવા માટે પાંખો નીચેની તરફ નમાવીને પગ દ્વારા ખંજવાળે છે. ચકલીઓ પોતાના બચ્ચાને ચાંચમાં ખોરાક લાવીને ખવડાવતી હોય છે.

ચકલી દુર્લભ થવાના કારણો :

બચ્ચાંને ખોરાક ખવડાવતી ચકલી

કોઈપણ પક્ષી માટે તેનો રહેઠાણ અને ખોરાક છીનવી લેવામાં આવે તો તે નિશ:પ્રાય બની જાય છે. ચકલીના રહેઠાણ અને ખોરાક પર વિપરિત અસર પડવાના મુખ્ય કારણોમાં માનવીની રહેણીકરણીમાં આવેલો બદલાવ જેવો કે પહેલાના મકાનો માટીની દિવાલ વાળા, નળિયા અને વાંસ ધરાવતા મકાનોની જગ્યાએ હવે સિમેન્ટ કોંક્રીટના મહાકાય બિલ્ડીંગોનું નિર્માણ, તેને ખોરાકમાં જુવાર, બાજરી કે કમોદકે જે ગામડામાં જ મળે, જુંડમાં રહેનારી ચકલીઓ ઝઘડવામાં મશગુલ હોય ત્યારે સહેલાઈથી પકડી શકાય છે જેથી તેઓ બિલાડી કે શિકારી પક્ષીનો ભોગ બનતા હોય છે. વધુ પડતું તાપમાન, શહેરીકરણ, વૃક્ષોનુ છેદન, વધતું જતું પ્રદુષણ, વધુ પડતી જંતુનાશક દવા અને રાસાયણીક ખાતરોનો ઉપયોગ તેમજ મોબાઈલ ટાવરના સુક્ષ્મ તરંગોને પણ ચકલીની પ્રજનન ક્રિયામાં વિક્ષેપ પાડતા હોય એવું માનવામાં આવે છે.

સંરક્ષણ માટેના ઉપાયો :

  • ઘરમાં નકામાં પડેલ પૂઠાના ખોખાંનો ઉપયોગ કરી ચકલી ઘર બનાવી શકાય.
  • માટીના માળાં લાંબો સમય ચાલે એવા હોઈ ચકલીને ઘર બનાવવા માટે વધુ અનુકુળ રહે છે.
  • માળામાં ૪ સે.મી ના વ્યાસ વાળું પ્રવેશધ્વાર બનાવીએ તો એમાં ચકલીઓ જ પ્રવેશ કરી શકે, બીજા પક્ષીઓ જે તેનાથી મોટા હોય તેને નુકસાન કરી શકતા નથી.
  • બિલાડી કે કૂતરા પહોંચી ના શકે એવી ઉંચી જગ્યાએ ગેલેરીમાં કે બારી બારણા નીચે દીવાલને અડીને ખૂણામાં માળો રાખવા જોઈએ.
  • માળાં પર સીધો સુર્ય પ્રકાશ કે વરસાદ પડે નહિ એની કાળજી લેવી
  • જ્યાં પંખા લગાવેલ હોય ત્યાં માળા ન લગાવવા જેથી જીવ હિંસાથી બચી શકાય.
  • ધાન્ય ખોરાકમાં બાજરી, કાંગ, ચોખાની કણકી વગેરે નાના ધાન્ય નિયમિત પણે આપવા તેમજ તેને પાણી મળી રહે એ માટે વ્યવસથા કરવી
  • માળામાં તણખલાં મુકાવાનું શરુ કરે એટલે એનાથી દુર રહેવું.વારંવાર દખલ કરવાથી એને ભય લાગતો હોય છે.
  • પક્ષીઓને ઉપયોગી હોય એવા ફૂલ-છોડ રોપીએ.
  • બાળકોમાં નાનપણથી જ પ્રકૃતિ પ્રત્યે લગાવ કેળવીએ
માટી અને પૂંઠાના માળા

ડો. એચ. એસ. વર્મા, ડો. આર. એમ. પટેલ અને પ્રો.એમ. બી. ઝાલા*
એ.આઇ.એન.પી.વી.પી.એમ, એગ્રીકલ્ચરલ ઓર્નિથોલોજી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ
*કૃષિ સંશોધન કેંદ્ર, સણસોલી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ઘર ચકલી : માનવ વસવાટનું સૌથી નિકટનું પક્ષી – ડો. એચ. એસ. વર્મા, ડો. આર. એમ. પટેલ અને પ્રો. એમ. બી. ઝાલા”

Copy Protected by Chetan's WP-Copyprotect.